પીજી હાઉસ (PG House Novel Part-35)

Related

પીજી હાઉસ પ્રકરણ 35

દેવરાજ મુંબઈથી અમદાવાદ મામાને મળવા માટે આવ્યો હતો. અહીં આવ્યા પછી બીજા દિવસે એ જ્યાં નોકરી કરતો હતો એ બેંકમાં ગયો હતો અને આખા સ્ટાફને રવિવારે હોટલમાં જમવાનું આમંત્રણ આપ્યું હતું. એ પછી દેવરાજ પોતાના મિત્ર ગાયનેક સર્જન ડૉ. વિહાન જોષીને મળવા માટે પાલડી એના ક્લિનિક ઉપર ગયો હતો.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

ક્લિનિક ઉપર ગયો ત્યારે વિહાન હજુ આવ્યો ન હોવાથી એ રાહ જોતો બેઠો હતો. ત્યાં થોડીવાર પછી શીતલ અને શાલિની નામની બે બહેનોએ પ્રવેશ કર્યો હતો.

પોતાની શક્તિથી દેવરાજે જોયું હતું કે જે નાની બહેન છે એના ગર્ભમાં એક મહિનાનો ગર્ભ છે અને મંત્ર શક્તિથી એ ઓગાળી શકાય એમ છે એટલે એણે મોટી બહેનને મદદ કરવાની વાત કરી હતી. પરંતુ પૂરી વાત સાંભળ્યા વિના જ એ મોટી બહેન જેનું નામ શીતલ દેસાઈ હતું એણે દેવરાજનું ગુસ્સો કરીને અપમાન કરી દીધું હતું.

હવે યોગાનુયોગ એવો થયો હતો કે એ જ શીતલને જોવા માટે બીજા દિવસે શનિવારે સાંજે દેવરાજ એના મામા મામી સાથે રાયપુર હજીરાની પોળમાં શીતલના ઘરે ગયો હતો. એ વખતે શીતલ કે દેવરાજ એકબીજાને ઓળખતાં ન હતાં.

પરંતુ જ્યારે નાસ્તાની ડીશ લઈને શીતલ બહાર આવી અને ડીશ આપતી વખતે એણે દેવરાજનો ચહેરો જોયો ત્યારે એના હોશ ઉડી ગયા. દેવરાજ પણ એને ઓળખી ગયો. શીતલને પોતાના ગઈકાલના વર્તન બદલ ખૂબ જ પસ્તાવો થયો. એને ખૂબ જ આઘાત લાગ્યો કે દેવરાજતા મન ઉપર પોતાની ખોટી છાપ ઊભી થઈ ગઈ.

શીતલની ઉંમર પણ થઈ ગઈ હતી અને એના મા-બાપની ચિંતા પણ ઘણી વધી ગઈ હતી એટલે એની ઈચ્છા પણ જલ્દી લગ્ન થઈ જાય એવી જ હતી. દેવરાજ હેન્ડસમ તો હતો જ અને એનો પાંચ લાખનો પગાર અને મુંબઈનો ફલેટ ગાડી વગેરે વાતો સાંભળીને એને વધુ દુઃખ થયું કે આવા ખાનદાન યુવાનનું આગલા દિવસે એણે અપમાન કર્યું હતું.

એને આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે દેવરાજે એકાંતમાં મીટીંગ કરવાની ના પાડી દીધી. જો મીટીંગ થઈ હોત તો પોતે એની માફી માગી લેત અને ગમે તેમ કરીને એના મનમાંથી નફરત દૂર કરી દેત પરંતુ દેવરાજે એ ચાન્સ આપ્યો જ નહીં.

મહેમાનો નીકળી ગયા પછી શીતલ મેડી ઉપર ચડી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કિસ્મતે પોતાની સાથે આવું કેમ કર્યું ? આવી ઘટના આગલા દિવસે જ કેમ બની ? દેવરાજ કયા પ્રકારની મદદની વાત કરતો હતો એ પૂરી વાત સાંભળ્યા વગર મને આટલો બધો ગુસ્સો એના ઉપર શા માટે આવ્યો ?

કિરણે પોતાની બહેન સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો હતો અને મોટો વિશ્વાસઘાત કર્યો હતો છતાં એને તો પોતે કંઈ કહી શકી ન હતી અને એનો ગુસ્સો આ દેવરાજ ઉપર એણે શા માટે ઉતાર્યો ? દેવરાજના મન ઉપર પોતાની કેટલી ખરાબ છાપ પડી !!

શીતલનું મન મૂંઝાઈ ગયું હતું. મમ્મી પપ્પાએ ખૂબ જ સરસ પાત્ર શોધ્યું હતું પરંતુ પોતે જ એની સાથે ખરાબ વર્તન કરીને આખો ખેલ બગાડી નાખ્યો હતો.

આવું પાત્ર હાથમાંથી જવા તો ના જ દેવાય. મારે એને એકવાર મળવું તો પડશે જ ! માફી પણ માગવી પડશે !!

મારી પાસે તો એમનો મોબાઈલ નંબર પણ નથી. મેં તો એમના મામાનું ઘર પણ જોયું નથી. અને કદાચ જોયું હોય તો પણ સામે ચાલીને હું જાઉં તો કેવું લાગે ? જન્માક્ષર મેળવવાની વાત કરી છે તો એમનો જવાબ આવે ત્યાં સુધી રાહ જોવી ? એ સોમવાર સુધી જ છે. બે દિવસ પછી તો એ મુંબઈ જતા રહેશે. સમય બહુ જ ઓછો છે. મળવું તો પડશે જ !

એણે વોશબેસિન પાસે જઈને મ્હોં ધોઈ નાખ્યું. ત્યાં તો એની નાની બહેન શાલિની ઉપર આવી. દીદીની લાલ આંખો અને મુરઝાયેલો ચહેરો જોઈને શાલિની સમજી ગઈ કે દીદી રડી છે. એ પોતાની મોટી દીદીને ખૂબ જ પ્રેમ કરતી હતી.

" દીદી તમે આટલાં બધાં અપસેટ ના થાઓ. જે થવાનું હતું તે થઈ ગયું. આ સંબંધ કિસ્મતને મંજૂર નહીં હોય. બીજું શું ! " શાલિની બોલી.

" ના શાલુ. મેં જ મારા પગ ઉપર કુહાડી મારી છે. મારે એમની પૂરી વાત સાંભળ્યા વગર આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર જ ન હતી. કિરણ ઉપરનો બધો ગુસ્સો એમની સામે નીકળી ગયો. બહુ ખરાબ રીતે મેં એમની સાથે વાત કરી. કિસ્મતને દોષ કઈ રીતે દઈ શકાય ? " શીતલ બોલી.

" તમારી વાત હું સમજુ છું દીદી પણ હવે શું થઈ શકે ? એમણે તો તમારી સાથે એકાંતમાં મીટીંગ કરવાની પણ ના પાડી દીધી. હું નથી માનતી કે હવે એમનો જવાબ પોઝિટિવ આવે. ગ્રહોનું તો એક બહાનું છે. " શાલિની બોલી.

" ખબર નહીં કેમ પણ મારું મન હજુ માનવા તૈયાર નથી કે એ મને રિજેક્ટ કરી દેશે. એમણે શું કહ્યું હતું એ ખબર છે ને ? શીતલનો ચહેરો જોઈને જ એના વિચારો અને સંસ્કારનો ખ્યાલ આવી જાય છે. શીતલ બધાને પસંદ પડે એવી છે. " શીતલ બોલી.

" દીદી એ તો એમણે કટાક્ષમાં પણ કહ્યું હોય ને ! એમની હા હોત તો એમણે ત્યાં ને ત્યાં જ જવાબ આપી દીધો હોત ! " શાલિની બોલી.

શીતલ પાસે આ સવાલનો જવાબ ન હતો. એ કંઈ બોલી નહીં. દેવરાજ ને કેવી રીતે મળવું એનું મનોમંથન કરતી રહી.

થોડીવાર પછી બંને બહેનો કપડાં બદલીને નીચે ઉતરી. પરેશકાકા અને કોકીલાફોઈ વગેરે હજુ બેઠેલાં જ હતાં. ઘરમાં પણ અત્યારે એ જ ચર્ચા ચાલતી હતી. શીતલ નીચે આવી એટલે ચર્ચા બંધ થઈ ગઈ.

" શીતલ તને કેમ લાગે છે ? અમને તો છોકરો ગમ્યો છે. દેખાવે અને સ્વભાવે તો સારો છે જ પરંતુ લાખો રૂપિયાની એની કમાણી છે. મુંબઈમાં આટલા સારા વિસ્તારમાં ફ્લેટ હોય ગાડી હોય પછી બીજું શું જોઈએ. જો એ હા પાડે તો તારાં પણ નસીબ ખુલી જાય." પપ્પા કાન્તિલાલ બોલ્યા.

" પણ એ હા પાડે તો ને ! " શીતલ બોલી.

"અરે તારામાં શું ખોટ છે કે એ ના પાડે ? એ જન્માક્ષરમાં માને છે એટલે પછી આપણે લાચાર છીએ." કોકિલા ફોઈ બોલ્યાં.

" મમ્મી મારાથી એક ભૂલ થઈ ગઈ છે." શીતલ બોલી.

"તારાથી ભૂલ થઈ ગઈ છે ? કેવી ભૂલ ?" સુમનબેન આશ્ચર્યથી બોલ્યાં.

" ગઈકાલે સાંજે ચાર વાગે હું શાલુના બ્યુટિકમાં ગઈ હતી. એક સારો ડ્રેસ લેવાની મારી ઈચ્છા હતી એટલે જોવા ગઈ હતી. ત્યાં જોરદાર વરસાદ પડ્યો. વરસાદ રોકાયા પછી હું અને શાલુ બહાર આવ્યાં. સામે જ ચાની લારી હતી એટલે અમે સીજી રોડ ઉપર રોડ ક્રોસ કરીને ચા પીવા જઈ રહ્યાં હતાં ત્યાં રોડ ભીનો હોવાના કારણે હું સ્લીપ થઈ ગઈ." શીતલ વાર્તા કરી રહી હતી.

" તું સ્લીપ થઈ ગઈ ? તને વાગ્યું તો નથી ને બેટા ! તેં તો આ વાત કાલે કરી જ નહીં. " સુમનબેન બોલ્યાં.

"ના મમ્મી મને બહુ વાગ્યું નથી. સહેજ છોલાયું છે. પરંતુ મારે તમને એ વાત કરવી છે કે હું સ્લીપ થઈ ગઈ એ જ વખતે આ દેવરાજ એકટીવા લઈને ત્યાંથી નીકળ્યા. મને પડેલી જોઈને એમણે એકટીવા ઉભું રાખ્યું. મને ઉભી કરવામાં મદદ કરી અને પૂછ્યું કે તમને વાગ્યું તો નથી ને ! પરંતુ અજાણ્યા યુવાને આ રીતે મારો હાથ ઝાલીને ઉભી કરી એટલે મને ગુસ્સો આવ્યો. મેં એમને ગુસ્સામાં બહુ જ સંભળાવ્યું. " શીતલ બોલી.

" હા મમ્મી. દીદી એમના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. કહ્યું કે તમે તમારું કામ કરો મિસ્ટર. રૂપાળી છોકરી જોઈ એટલે તરત મદદ કરવા દોડી આવ્યા. મારો હાથ પકડવાની તમારી હિંમત કઈ રીતે થઈ ? મારે તમારી મદદની કોઈ જરૂર નથી. " શાલુએ દીદીની વાતને પકડી લીધી અને અધૂરી વાત પૂરી કરી.

" મને ખબર ન હતી મમ્મી કે એ જ યુવાન દેવરાજ હશે અને આજે મને જોવા આવશે. કાલના મારા વર્તનથી એ મારાથી બહુ જ નારાજ હશે એટલા માટે જ એમણે મિટિંગ ના રાખી. એમનો ચહેરો જોયો ત્યારે જ મને ફાળ પડી ગઈ હતી." શીતલ બોલી.

આખાય રૂમમાં સોપો પડી ગયો. કોઈ શું બોલે ? હવે દેવરાજનો વાંક કેવી રીતે કાઢવો ?

" અરે પણ તને પડી ગયેલી જોઈને એ બિચારો તને ઊભી કરવા માટે આવ્યો અને હાથ ઝાલીને ઉભી કરી તો એમાં આટલા બધા ગુસ્સે થવાની ક્યાં જરૂર હતી ? અત્યારે લોકો તમાશો જોતા હોય છે જ્યારે એણે તો એકટીવા ઉભું રાખ્યું અને મદદ કરવા દોડી આવ્યો." સુમનબેન બોલ્યાં.

" હા મમ્મી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને એમના મનમાં મારા માટે ખોટી છાપ ઊભી થઈ. " શીતલ બોલી.

" માંડ માંડ એક સારા પાત્ર સાથે તારું ગોઠવ્યું હતું. પણ તેં જ તારા પગ ઉપર કુહાડી મારી. હવે એ તને પસંદ કેવી રીતે કરશે ? જન્માક્ષરનું તો એક બહાનું છે. અને તારા આવા વર્તન પછી હું પણ હવે હર્ષદભાઈ સાથે કેવી રીતે વાત કરું ? " કાન્તિલાલ બોલ્યા.

" ચાલો હવે નસીબમાં લખ્યું હશે તે થશે. હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. છોકરો હાથથી ગયો. " કોકિલા ફોઈ બોલ્યાં.

ફરી ચા પાણી પીને તમામ મહેમાનો વિદાય થઈ ગયા. આખો ખેલ બગડી ગયો એટલે કાન્તિલાલ અને સુમનબેન ફરી નિરાશામાં સરી પડ્યાં.

" દેવરાજ ખોટું ના લગાડતો પરંતુ તેં શીતલ સાથે મીટીંગ કરવાની કેમ ના પાડી ? તારો જવાબ મને હજુ ગળે ઉતરતો નથી. આમ જોવા જઈએ તો શીતલ ખરેખર લાખોમાં એક છે. સુમનબેનના ઘરના સંસ્કાર પણ સારા છે. અને તમારા બંનેની જોડી ખરેખર શોભે એવી છે. મારું તારા પર કોઈ જ દબાણ નથી બેટા પણ જસ્ટ હું તને પૂછું છું. " ઘરે આવ્યા પછી હર્ષદમામા બોલ્યા.

" મામા મેં શીતલને રિજેક્ટ કરી નથી. મેં એની કુંડળી માગી છે. " દેવરાજ બોલ્યો.

" અરે પણ તું વળી કુંડળીમાં ક્યારથી માનતો થયો ? ત્યાં મુંબઈમાં કોઈ જ્યોતિષીના પરિચયમાં આવ્યો છે ?" મામા બોલ્યા.

"મામા તમે ભૂલી ગયા લાગો છો. મારા ગુરુજી ત્રિકાળ જ્ઞાની છે. એમણે જ મારી જિંદગી બદલી નાખી છે અને રંકમાંથી રાજા બનાવ્યો છે. એમને પૂછ્યા વગર હું કોઈ પણ પગલું ભરતો નથી. શીતલ મને ગમી છે પરંતુ મારા ગુરુજી મને હા પાડશે તો જ હું એની સાથે લગ્ન કરીશ. આજનો દિવસ પસાર કરવા માટે જ મેં કુંડળી માગી છે " દેવરાજ બોલ્યો.

" હા. એ તારો નિર્ણય એકદમ સાચો છે અને તારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું પરંતુ કમ સે કમ શીતલ સાથે અંગત મીટીંગ તો કરવી હતી ! " મામા બોલ્યા.

" મામા કેટલીક વસ્તુ તો હું પોતે પણ જોઈ શકું છું. મેં એને ઉપરથી નીચે સુધી માપી લીધી છે. મીટીંગ કરવાની મને કોઈ જરૂર ના લાગી. મીટીંગ કરવાથી શીતલના મનમાં એક આશા ઉત્પન્ન થાય. હું એને પસંદ કરું અને જો ગુરુજી ના પાડે એટલે એને ના પાડી દઉં તો પછી શીતલનું દિલ તૂટી જાય. એટલે પછી મેં મીટીંગ જ કેન્સલ કરી." દેવરાજ હસીને બોલ્યો.

" તારી આ વાત મને ગમી. મુંબઈ જઈને તું ઘણો મેચ્યોર્ડ થઈ ગયો છે. કંઈ વાંધો નહીં. તું તારા ગુરુજી સાથે વાત કરી લે. આપણે કાલે જવાબ આપીશું. " મામા બોલ્યા અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.

રાત્રે ૮ વાગે દેવરાજે પોતાના ગુરુ સ્વામી આત્માનંદજી સાથે ફોન ઉપર વાત કરી.

" ગુરુજી નમસ્તે. હું દેવરાજ. મેં અહીં અમદાવાદમાં આજે સાંજે એક કન્યા જોઈ છે. એનું નામ શીતલ છે. દેખાવે તો સારી છે. ઘર પણ સંસ્કારી છે. પરંતુ આપની આજ્ઞા સિવાય હું નિર્ણય ના લઈ શકું. મારા ભાવિનું ઘડતર આપે જ કર્યું છે તો લગ્નનો નિર્ણય પણ આપ જ લો એવી મારી ઈચ્છા છે. " દેવરાજ બોલ્યો.

" હું બધું જ જાણું છું. તારું પ્રારબ્ધ જ તને અત્યારે અમદાવાદ સુધી ખેંચી ગયું છે. છોકરી ડાહી છે, સંસ્કારી છે અને સેવાભાવી પણ છે. તું આગળ વધી શકે છે. મારા આશીર્વાદ તારી સાથે જ છે. હું આજે જ આલ્મોડા મારા આશ્રમમાં આવ્યો છું. " ગુરુજી બોલ્યા.

"ઠીક છે ગુરુજી. જેવી આપની આજ્ઞા." દેવરાજ બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

" મામા ગુરુજીએ આશીર્વાદ આપી દીધા છે. એમની હા જ છે. પરંતુ તમે એ લોકોને ફોન ના કરશો. હું કહું પછી જ વાત કરજો. મારે હવે મારી રીતે શીતલ સાથે મીટીંગ કરવી પડશે. " દેવરાજ બોલ્યો.

" બસ ગુરુજીએ હા પાડી દીધી એટલે હું હવે ખુશ છું. મારે એ લોકોને જવાબ આપવાની કોઈ જ ઉતાવળ નથી. તું કહે પછી જ હું કાન્તિભાઈ સાથે વાત કરીશ. " હર્ષદમામા બોલ્યા.

બીજા દિવસે બપોરે ૧૨ વાગે સી.જી રોડ ઉપર સાસુજી ડાઇનિંગ હોલમાં બેંકના સ્ટાફને દેવરાજે જમવા માટે બોલાવ્યો હતો એટલે સવારે ૧૦ વાગ્યે જ દેવરાજ સાસુજી ડાઇનિંગ હોલમાં પહોંચી ગયો.

ત્યાં જઈને એ મેનેજર રાજપુરોહિતને મળ્યો અને ૧૭ વ્યક્તિઓ માટે ૧૨ વાગ્યાના ટાઈમે ટેબલ બુક કરાવી દીધાં. મેનુ પણ સમજી લીધું અને શાકમાં થોડો ફેરફાર પણ કરાવી દીધો. અડધા પૈસા એડવાન્સમાં ભરી પણ દીધા.

એ પછી દેવરાજ ઘરે ગયો અને કપડાં બદલીને ફરી પોણા બાર વાગે સાસુમા ડાઇનિંગ હોલ ઉપર હાજર થઈ ગયો. આવી રહેલા તમામ સ્ટાફ મિત્રોનું એણે પ્રેમથી સ્વાગત કર્યું.

લગભગ ૧૨ વાગે તમામ સ્ટાફે ડાઇનિંગ હોલમાં પ્રવેશ કર્યો અને બધા ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. બેંક સ્ટાફમાં ત્રણ લેડીઝ પણ હતી. બધા જ સભ્યો આવી ગયા પછી દેવરાજે જાતે પોતાનો પરિચય આપવાના બદલે પંકજને એણે બોલવા માટે ઊભો કર્યો.

"મિત્રો અત્યારે આપણો આ સ્ટાફમિત્ર દેવરાજ દેસાઈ ઘણી ઊંચાઈ ઉપર છે. મુંબઈના એક કરોડોપતિ શેઠિયાએ પોતાને સંતાન ન હોવાથી દેવરાજને પુત્ર તરીકે દત્તક લીધો છે અને કરોડોનો વારસો એને આપ્યો છે. હવે એનું નામ દેવરાજ શેઠ બની ગયું છે. અત્યારે દેવરાજ મુંબઈ વાલકેશ્વરના આલીશાન ફ્લેટમાં રહે છે. એની પાસે ગાડી છે. નોકર ચાકરો છે. રસોઈયો છે. અને એક મોટા પીજી હાઉસનો એ માલિક છે જેની માસિક આવક પણ લાખો રૂપિયાની છે. આટલા પરિચયમાં તમે સમજી શકશો કે કિસ્મત માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે ! " પંકજે પોતાની વાત પૂરી કરી અને આખો ડાઇનિંગ હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો. દેવરાજ પ્રત્યેનો બધાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.

પંકજનું પ્રવચન પૂરું થઈ ગયું અને બધાની તાળીઓ શમી ગઈ ત્યારે અચાનક દેવરાજનું ધ્યાન પોતાના બેંક સ્ટાફની સાથે જ બેઠેલી એક ખૂબસૂરત યુવતી તરફ ગયું. એ પણ તાળીઓ પાડવામાં સામેલ હતી. સ્ટાફને એમ લાગ્યું કે એ દેવરાજની મહેમાન હશે.

હા એ મહેમાન જ હતી પરંતુ એનું નામ શીતલ દેસાઈ હતું !!!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."