પીજી હાઉસ (PG House Novel Part-36)

Related

પીજી હાઉસ પ્રકરણ 36

દેવરાજ શીતલને જોવા માટે એના ઘરે ગયો પણ એણે શીતલ સાથે અંગત મીટીંગ કરવાની ના પાડી દીધી એટલે શીતલને ખૂબ જ આઘાત લાગ્યો. એને આખી રાત ઊંઘ ના આવી. કોઈપણ હિસાબે દેવરાજ મુંબઈ જતો રહે તે પહેલાં એક વાર તો મળવું જ છે અને પોતાના વર્તન બદલ માફી પણ માગવી છે. એના મનમાં મારા વિશે જે ખોટી છાપ પડી છે તે દૂર કરવી છે.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

સવારે શીતલ વહેલી ઉઠી ગઈ. દેવરાજને મળવાનો કોઈ જ રસ્તો એને દેખાતો ન હતો.

" મમ્મી... મારા ઉપર દેવરાજની જે નારાજગી છે એ તો મારે દૂર કરવી જ પડશે. એમના મનમાં મારા વિશે ખરાબ છાપ પડી છે. મારાથી એમના ઉપર ખોટો ગુસ્સો થઈ ગયો છે. હર્ષદ અંકલનો ફોન નંબર તારી પાસે હોય તો મને આપ. લગ્ન થાય કે ન થાય પણ દેવરાજના મગજમાંથી મારા વિશેની ખોટી છાપ મારે દૂર કરવી છે. હું એમને એકલી રૂબરૂ મળવા માગું છું." સવારે ચા પીતી વખતે શીતલ બોલી.

" બેટા આ રીતે તું દેવરાજને એકલી મળવા જાય એ બરાબર નથી. એવું હોય તો આપણે હર્ષદભાઈને બધી વાત કરીએ એટલે એ દેવરાજને શાંતિથી સમજાવશે. " સુમનબેન બોલ્યાં.

" ના મમ્મી હર્ષદ અંકલને કહેવાનો કોઈ મતલબ જ નથી. એમના સમજાવવાથી દેવરાજની નારાજગી દૂર નહીં થાય. હું હર્ષદ અંકલ પાસેથી દેવરાજનો નંબર લઈ લઈશ." શીતલ બોલી.

" ઠીક છે. કોશિશ કરી જો. " કહીને સુમનબેને હર્ષદ અંકલનો નંબર શીતલને આપ્યો. .

શીતલે નાહી ધોઈને સવારે દસ વાગ્યે હર્ષદ અંકલને ફોન કર્યો.

" અંકલ હું શીતલ બોલું છું. કાન્તિલાલ દેસાઈની દીકરી. " શીતલ બોલી.

"બોલ બેટા... કેમ તારે મને ફોન કરવો પડ્યો ? " હર્ષદમામા બોલ્યા.

" અંકલ મારે દેવરાજનો ફોન નંબર જોઈએ છે. મારે એમને રૂબરૂ મળીને થોડીક ગેરસમજ દૂર કરવી છે. " શીતલ બોલી.

" કેવી ગેરસમજ ? ગઈકાલે તો એવી કોઈ ગેરસમજ થઈ જ નથી. " હર્ષદ મામા બોલ્યા.

" અંકલ એ બધી વાત હું તમને પછી કરીશ. મને નંબર આપો પ્લીઝ. મારે એમને રૂબરૂ મળવું છે. " શીતલ બોલી.

" નંબર તો આપું છું. પણ તારે જો એને રૂબરૂ મળવું હોય તો બપોરે ૧૨ વાગ્યે દેવરાજે એની બેન્કના આખા સ્ટાફને સીજી રોડ ઉપર સાસુજી ડાઇનિંગ હૉલમાં જમવાની પાર્ટી આપી છે. એટલે બપોરે ૧૨ વાગે એ ત્યાં જ હશે. તું ત્યાં પહોંચી જા." કહીને હર્ષદમામાએ શીતલને દેવરાજનો મોબાઇલ નંબર આપ્યો.

શીતલ દેવરાજને મળવા માટે એકદમ મૉડર્ન ડ્રેસ પહેરીને હિરોઈન જેવી તૈયાર થઈ ગઈ. ગૂગલમાં એણે સાસુજી ડાઇનિંગ હૉલનું લોકેશન સમજી લીધું.

" મમ્મી હું દેવરાજને મળીને કલાક દોઢ કલાકમાં પાછી આવું છું." કહીને સવા અગિયાર વાગે એકટીવા ઉપર નીકળી ગઈ.

એ સાસુજી ડાઇનિંગ હૉલ નજીક પહોંચી ત્યારે બાર વાગવામાં ૧૦ મિનિટ બાકી હતી. એણે દૂરથી જોયું કે ઘણા બધા લોકો સાસુજી ડાઇનિંગ હૉલની બહાર ઉભા હતા.

એણે કોર્નરમાં એક્ટિવા પાર્ક કર્યું અને થોડીવાર રાહ જોઈ. જેવા બધા અંદર ગયા કે તરત જ એણે એકટીવા સ્ટાર્ટ કર્યું અને સાસુજી ડાઇનિંગ હૉલની બહાર પાર્ક કરી દીધું. ફટાફટ એ અંદર દાખલ થઈ ગઈ અને બધા બેન્ક સ્ટાફની સાથે ત્રણ લેડીઝની બાજુમાં ગોઠવાઈ ગઈ.

૧૭ વ્યક્તિઓને આમંત્રણ હતું પરંતુ એનો ખાસ મિત્ર આદિત્ય વશી આવ્યો ન હતો એટલે શીતલના આવવાથી બેઠક વ્યવસ્થામાં કોઈ ફરક ના પડ્યો.

પંકજે ઊભા થઈને દેવરાજનો જે પરિચય આપ્યો એ એણે ધ્યાનથી સાંભળ્યો. દેવરાજને કરોડોનો વારસો મળ્યો છે એ પણ એણે સાંભળ્યું. એણે પણ બધાની સાથે તાળીઓ પાડી.

એ પછી દેવરાજની નજર અચાનક શીતલ ઉપર પડી. એ એને ઓળખી ગયો. દેવરાજે તરત જ આ મોકાનો લાભ લઈ લીધો. એ ઊભો થયો.

" મિત્રો પંકજે તો મારો પરિચય આપી જ દીધો છે. પરંતુ ખરેખર આ પાર્ટી મેં કેમ આપી છે એ સત્ય કોઈ જ જાણતું નથી. મિત્રો મારી સગાઈ થવાની છે અને એના માનમાં જ આ પાર્ટી મેં આપી છે. જેની સાથે મારી સગાઈ થવાની છે એ મારી ફિયાંસી શીતલ દેસાઈ આ પાર્ટીમાં હાજર છે અને મારી સામે જ બેઠી છે. મારી લાઇફમાં આજે બધાંની વચ્ચે હું એનું સ્વાગત કરું છું." દેવરાજ બોલ્યો.

અને એ સાથે જ તમામ સ્ટાફે ઉભા થઈને શરમાઈ રહેલી શીતલ સામે જોઈને તાળીઓનો ગડગડાટ કર્યો. અચાનક થયેલા પોતાના આવા સ્વાગતથી ડઘાઈ ગયેલી શીતલે ઊભા થઈને બધાની સામે હાથ જોડી આભાર માન્યો.

તમામ સ્ટાફ દેવરાજની ખૂબસુરત ભાવિ પત્નીને જોઈ જ રહ્યો. દેવરાજ ખરેખર નસીબદાર હતો. હિરોઈનને પણ ટક્કર મારે એવી પત્ની એને મળી હતી !

" ભાભી તમારે તો દેવરાજની સાથે બેસવું જોઈએ. આ રીતે બંનેએ અલગ અલગ ના બેસાય. " નિતીન બોલ્યો.

એ સાથે જ દેવરાજની બાજુમાં જે મિત્ર બેઠો હતો એ ઉભો થઈ ગયો અને શીતલ માટે જગ્યા ખાલી કરી આપી.

શીતલની હાલત જોવા જેવી હતી. દેવરાજની વાત સાંભળીને એના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. દેવરાજે એનો સ્વીકાર તો કર્યો જ હતો પરંતુ બધાની વચ્ચે એનું બહુમાન પણ કર્યું હતું. એ આવી ત્યારે આ પ્રકારે એનું સ્વાગત થશે એની તો કલ્પના જ ન હતી. અંદરથી એને રડવું આવી ગયું પરંતુ જાહેરમાં રડાય એવું હતું નહીં. એ આવીને દેવરાજની બાજુની ચેર ઉપર બેસી ગઈ.

શીતલ દેવરાજની બાજુમાં ગોઠવાઈ ગઈ પછી એણે ધીમેથી દેવરાજની સામે જોઈને " સોરી એન્ડ થેંકસ " બોલી.

" સોરી કહેવાની કોઈ જરૂર નથી અને મારી માફી માગવાની પણ જરૂર નથી." ધીમે રહીને દેવરાજ બોલ્યો.

દેવરાજની વાત સાંભળીને શીતલને આશ્ચર્ય થયું. હું માફી માગવા આવી છું એ દેવરાજને કેવી રીતે ખબર પડી ? એ કંઈ બોલી નહીં કારણ કે બધાએ જમવાનું ચાલુ કરી દીધું હતું.

દેવરાજે મેનુ બહુ સરસ બનાવ્યું હતું. દરેક આઈટમ ટેસ્ટી હતી. બધાએ ધરાઈને ભોજનનો સ્વાદ માણ્યો.

જમ્યા પછી પેમેન્ટ કરીને દેવરાજ બહાર નીકળ્યો ત્યારે દેવરાજ અને શીતલને બધાએ વ્યક્તિગત અભિનંદન આપ્યાં.

એ પછી બંને જણાં થોડીવાર માટે ડાઇનિંગ હૉલની બહાર વેઇટિંગ લોન્જમાં બેઠાં.

" વેલકમ ટુ માય લાઈફ શીતલ. કાલે મેં મીટીંગ કેન્સલ કરી એના માટે સોરી. મેં કાલે જ તને પસંદ કરી લીધી હતી. બસ તને થોડી તડપાવવી હતી !" દેવરાજ હસીને બોલ્યો.

" આટલું બધું તડપાવવાનું ? મેં તમારી ઉપર ગુસ્સો કર્યો એની આટલી મોટી સજા ! " શીતલ આજે વ્હાલથી બોલી.

" મજાક કરું છું. મેં તને પરમ દિવસે ક્લિનિકમાં પહેલીવાર જોઈ ત્યારે જ તું મને પસંદ આવી ગઈ હતી. એ વખતે મને ખબર ન હતી કે મારે તને જ જોવા આવવાનું છે. " દેવરાજ બોલ્યો.

" જાઓ જાઓ હવે. સાવ ખોટાડા." શીતલ હસીને બોલી.

" સાચું કહું છું શીતલ. તું મને ખરેખર પસંદ આવી ગઈ હતી. આવું પહેલાં ક્યારે પણ નથી બન્યું. આપણી વચ્ચે ગયા જન્મના કોઈ ઋણાનુબંધ તો હશે જ. અને ગઈકાલે તો તારા ગોરા બદન ઉપર બોટલ ગ્રીન કલરની સાડી એટલી બધી શોભી રહી હતી કે કોઈની પણ નજર લાગી જાય. " દેવરાજ બોલ્યો.

" ઓહ દેવ.. તમારી વાતો સાંભળીને મને તો નવાઈ લાગે છે અને તમે મને આટલી બધી પસંદ કરો છો એ જાણીને શરમ પણ આવે છે. હવે મને કહો કે તમે કઈ મદદની વાત કરી રહ્યા હતા તે દિવસે ?" શીતલ બોલી.

" શાલિનીના ગર્ભાશયમાં જે નાનકડો ગર્ભ છે એ હું ધ્યાનમાં બેસીને એનર્જી આપીને ઓગાળી શકું છું. ગર્ભપાત કરાવવાની કે કોઈ દવા લેવાની પણ જરૂર નથી. " દેવરાજ બોલ્યો.

શીતલ ચમકી ગઈ. કારણ કે આ વાતની કોઈને ખબર ન હતી. દેવરાજ આ બધું કેવી રીતે જાણે છે ?

" તમને ડૉ. વિહાન જોષીએ જ વાત કરી લાગે છે " શીતલ બોલી.

" ડોક્ટર કોઈને પણ બીજા પેશન્ટની અંગત વાત ના કરે. અને મેં જ્યારે મદદની વાત કરી હતી ત્યારે વિહાન તો હજુ આવ્યો પણ ન હતો." દેવરાજ બોલ્યો.

શીતલને લાગ્યું કે દેવરાજ સાચું જ કહી રહ્યા હતા. એણે જ્યારે વાત કરી ત્યારે તો ડોક્ટર આવ્યા પણ ન હતા.

" તમારી વાત સાંભળીને મને ખરેખર ખૂબ આશ્ચર્ય થયું છે કે આ બધું તમે કેવી રીતે જાણો છો ! તમારી વાત સાચી છે. મારી નાની બહેન સાથે વિશ્વાસઘાત થયો છે." શીતલ ગંભીર થઈને બોલી.

" એ તો મને ખ્યાલ આવી ગયો છે. હવે વિહાને જે ગોળી લખી આપી છે એનાથી ગર્ભ ઓગળી જશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " દેવરાજ બોલ્યો.

" હમણાં તો તમે ધ્યાનમાં બેસીને ગર્ભ ઓગાળવાની વાતો કરતા હતા. હવે ગોળીઓ લેવાની સલાહ આપો છો ?" શીતલ હસીને બોલી.

" હવે ધ્યાનમાં બેસવાની જરૂર નથી. કારણ કે આજે સવારે શાલિનીએ એક ગોળી ગળી પણ લીધી છે. " દેવરાજ બોલ્યો.

ફરી શીતલ ચમકી ગઈ. દેવરાજની વાત એકદમ સાચી હતી. શાલિનીએ આજે ખરેખર સવારે ગોળી લઈ લીધી હતી.

" ચાલો હવે આપણે નીકળીએ. ઘરે વાત કરી લેજે એટલે સગાઈની તૈયારી કરે. જો બે ત્રણ દિવસમાં કોઈ મુહૂર્ત આવતું હશે તો પછી હું સગાઈ પતાવીને પછી જ મુંબઈ જઈશ." દેવરાજ બોલ્યો.

" તમને મેળવીને હું આજે ખૂબ જ ખુશ છું દેવ ! તમને હું કહી શકતી નથી કે આજે મારા મનને કેટલી બધી શાંતિ મળી છે. મારું સૌથી વધારે ટેન્શન તો મારા પપ્પાને હતું. બધું ઓનલાઇન મળતું હોવાથી હમણાં હમણાંથી એમના ધંધા ઉપર પણ અસર પડી છે." શીતલ બોલી.

" તારા પપ્પાએ હવે ચિંતા કરવાની જરૂર નથી. એમનો જમાઈ કરોડોપતિ છે. તમારા લોકોને પૈસાનો પ્રોબ્લેમ હવે નહીં રહે. બધી બહેનોની જવાબદારી પણ હું લઈ લઉં છું." દેવરાજ બોલ્યો.

" તમારો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી દેવ. મેં તમારું અપમાન કર્યું હોવા છતાં તમે આજે મારું બહુમાન કર્યું છે. તમારું દિલ ખૂબ જ ઉદાર છે. તમે મારા પપ્પા માટે આટલી બધી લાગણી બતાવશો એની તો મને કલ્પના જ ન હતી. મને બસ હવે મારી નાની બહેન શાલિનીની ચિંતા છે. એના જીવનમાં આવું બની ગયું તો હવે એની સાથે લગ્ન કોણ કરશે ? " શીતલ બોલી.

"તું જો ઈચ્છતી હોય તો તારા બદલે હું શાલિની સાથે લગ્ન કરું. એની ભૂલની આટલી મોટી સજા એને ના મળવી જોઈએ. પુરુષો જલસા કરે અને સ્ત્રીએ જ ભોગવવાનું ! " દેવરાજ બોલ્યો.

" ના હોં ! હું તમને હવે ગુમાવવા નથી માગતી. તમે મારા મનમાં વસી ગયા છો. આપણા હિન્દુ સમાજમાં બે પત્ની રાખવાની છૂટ હોત તો ચોક્કસ હું તમને એના માટે સંમતિ આપત ! " શીતલ બોલી.

" (ખડખડાટ હસીને ) હું તો મજાક કરતો હતો. ચાલો હવે આપણે ઘરે જઈએ. જમી લીધા પછી અહીં લોન્જમાં બેસી રહેવું યોગ્ય નથી. હવે કોઈ ચિંતા ના કરતી. મામા તારા પપ્પા સાથે વાત કરી લેશે. " કહીને દેવરાજ ઉભો થયો.

" મારી ગાડી મુંબઈ પડી છે નહીં તો આપણે લોંગ ડ્રાઈવ ઉપર જાત. " દેવરાજ એકટીવા પાસે જઈને બોલ્યો.

" કંઈ વાંધો નહીં. હજુ તો આપણી પાસે ઘણો સમય છે. અને હા આજે તમે મારા માટે જે લાગણી બતાવી એ બદલ દિલથી આભાર. લવ યુ." કહીને શીતલે પોતાનું એકટીવા સ્ટાર્ટ કર્યું.

પાછા વળતી વખતે શીતલ એક અલગ જ મસ્તીમાં હતી. દેવરાજે એને માફ કરી હતી એટલું જ નહીં એનું જાહેરમાં બહુમાન કર્યું હતું અને લગ્ન માટે પણ હા પાડી હતી. વિચારોમાં ને વિચારોમાં રસ્તો ક્યારે કપાઈ ગયો ખબર જ ના પડી. ઘરે પહોંચી ત્યારે બપોરના બે વાગી ગયા હતા.

જાળી ખખડાવી એટલે સુમનબેને જ જાળી ખોલી. પોળની અંદર દરેક ઘરમાં દરવાજાની બહાર જાળી હોય છે. દરવાજો મોટાભાગે ખુલ્લો જ હોય છે પરંતુ જાળીને અંદરથી બંધ કરવામાં આવે છે.

સુમનબેને જાળી ખોલી એટલે શીતલ અંદર દાખલ થઈ અને મમ્મીને વળગી પડી. ખબર નહીં કેમ પણ મમ્મીને વળગતાં જ શીતલને રડવું આવી ગયું પરંતુ એ હર્ષનું રુદન હતું !

" અરે પણ રડે છે કેમ ? શું થયું ? " સુમનબેન બોલ્યાં.

" મમ્મી આ ખુશીના આંસુ છે. એમણે મને માફ કરી દીધી એટલું જ નહીં સગાઈ માટે પણ હા પાડી. મને કહે કે બે ત્રણ દિવસમાં કોઈ સારું મુહૂર્ત હોય તો જોવડાવી દો. " શીતલ બોલી.

" અરે પણ આ બધો ચમત્કાર તેં કઈ રીતે કર્યો ? " સુમનબેન બોલ્યાં.

એ પછી શીતલે સાસુજી ડાઇનિંગ હોલમાં જે બન્યું હતું એ બધી જ વાત કરી.

" મમ્મી એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમારા ઘરની બધી જ જવાબદારી હવે મારી છે. પૈસાની હવે તમે કોઈ ચિંતા ના કરશો. મમ્મી... દેવરાજ કોઈ નોકરી કરતા નથી. એ હવે કરોડોપતિ છે અને બહુ જ ઉદાર દિલના છે. તમે મારા માટે સરસ પાત્ર શોધી આપ્યું. થૅન્ક્સ મમ્મી." શીતલ બોલી.

" તારા કિસ્મતમાં દેવરાજ હતા માટે તને મળ્યા. મેં તો બેંકમાં નોકરી કરતો છોકરો શોધ્યો હતો. તારા કિસ્મતથી હવે એ કરોડોપતિ બની ગયા. " મમ્મી બોલ્યાં.

" ઘરે તારા સિવાય કોઈ જ નથી ? " શીતલે પૂછ્યું.

" આજે રવિવાર છે એટલે શાલિની એના કોઈ કામે બહાર ગઈ છે. મોના પણ એની કોઈ ફ્રેન્ડના ઘરે ગઈ છે. નાની દેવાંશી ટ્યુશનમાં ગઈ છે. તારા પપ્પા પણ હમણાં જ બહાર ગયા. " મમ્મી બોલ્યાં.

" હમ્ ... મને એમ કે આજે રવિવારે બધાં જ ઘરે હશે એટલે બધાંને ખુશખબર આપી દઉં." શીતલ બોલી.

" તારા પપ્પાને તો અત્યારે જ ખુશ ખબર આપી દઉં છું. એ બિચારા ગઈકાલ સાંજથી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા છે." સુમનબેન બોલ્યાં. અને એમણે કાન્તિલાલને ફોન લગાવ્યો.

" કહું છું તમે ઘરે આવો અને ૫૦૦ ગ્રામ પેંડા પણ લેતા આવજો. માતાજીને ધરાવીશું. આપણી દીકરીને દેવરાજ કુમારે હા પાડી દીધી છે. સગાઈની તૈયારી કરવાનું પણ કહ્યું છે." સુમનબેન બોલ્યાં.

" શું વાત કરે છે ! હર્ષદભાઈનો ફોન આવ્યો ? " કાન્તિલાલ ઉત્સાહથી બોલ્યા.

"અરે હર્ષદભાઈનો નહીં. ખુદ આપણી શીતલ દેવરાજકુમારને મળીને આવી. બંને સાસુજી ડાઇનિંગ હોલમાં સાથે જમ્યાં પણ ખરાં. જમાઈનું દિલ બહુ જ ઉદાર છે. શીતલ એમની માફી માગે એ પહેલાં જ એમણે માફ કરી દીધી. બાકીની વાત તમે ઘરે આવો પછી કરું છું. " કહીને સુમનબેને ફોન કટ કર્યો.

અને એ સાંજે શીતલના ઘરમાં દિવાળી જેવું વાતાવરણ રચાઈ ગયું. માતાજીને પેંડા ધરાવીને સુમનબેને ઘરમાં બધાને પ્રસાદ વહેંચ્યો. ત્રણે બહેનો પણ ઘરે આવી ગઈ હતી અને બધી જ ખુશ હતી.

" પપ્પા એમણે કહ્યું છે કે તારા પપ્પાને કહેજે કે હવે પછી પૈસાની કોઈ ચિંતા ના કરે. તારી ત્રણે બહેનોની જવાબદારી હવે મારી છે. એમણે એ પણ કહ્યું કે ત્રણ ચાર દિવસમાં કોઈ સારું મુહૂર્ત આવતું હોય તો હું રોકાઈ જાઉં અને સગાઈ પતાવીને જાઉં. " શીતલ થોડી શરમાઈને બોલી.

" હા હા. કાલે સવારે જ હું આપણા ખાડિયાના શાસ્ત્રીજીને પૂછી લઉં છું. સુમનનો ફોન આવ્યા પછી હર્ષદભાઈ નો ફોન પણ મારી ઉપર આવી ગયો." કાન્તિલાલ બોલ્યા.

આ બાજુ દેવરાજે પણ ઘરે જઈને મામા સાથે બધી વાત કરી લીધી.

" મામા શીતલ આજે મને બપોરે ૧૨ વાગે સાસુજી ડાઇનિંગ હોલમાં મળવા માટે આવી હતી. મારો બેંકનો સ્ટાફ હોટલમાં ગોઠવાઈ ગયો હતો એટલે એ પણ એમની સાથે જોડાઈ ગઈ હતી. એને મેં જોઈ એટલે મેં બધાને એની ઓળખાણ મારી ફિયાંશી તરીકે જ કરાવી. અમારી સગાઈ થવાની છે એવી પણ મેં જાહેરાત કરી. અમે બંને સાથે બેસીને એક જ ટેબલ ઉપર જમ્યાં. " દેવરાજ બોલ્યો.

" તેં સાચો નિર્ણય લીધો છે દેવરાજ. શીતલ ખરેખર સંસ્કારી છે. ખૂબ જ સુશીલ છે અને સેવાભાવી પણ છે. સવારે એનો ફોન મારી ઉપર આવ્યો હતો કે એ તને મળવા માગે છે. એટલે મેં જ એને ૧૨ વાગે સાસુજી ડાઇનિંગ હોલ પહોચી જવાનું સૂચન કર્યું હતું. " મામા હસીને બોલ્યા.

" અચ્છા ! મને પણ આશ્ચર્ય થયું હતું કે એ સાસુજી ડાઇનિંગ હૉલમાં કેવી રીતે આવી ? મામા હવે તમે કાન્તિલાલ સાથે વાત કરી લો અને ત્રણ ચાર દિવસમાં જો કોઈ સારું મુહૂર્ત આવતું હોય તો સગાઈ પતાવીને જ હું મુંબઈ જાઉં. " દેવરાજ બોલ્યો.

હર્ષદ મામાએ એ પછી કાન્તિલાલ સાથે વાત કરી લીધી.

" કાન્તિભાઈ સગાઈના ગોળધાણા વહેંચો. દેવરાજ તરફથી હા આવી ગઈ છે. ત્રણ ચાર દિવસમાં સારું મુહૂર્ત જોવડાવી દો એટલે આપણે સગાઈની વિધિ પતાવી દઈએ. " હર્ષદમામા બોલ્યા.

" હા હર્ષદભાઈ. સુમનનો ફોન પણ આવી ગયો. હવે આપણે વેવાઈ બની ગયા. હું આજે રાત્રે જ અમારા શાસ્ત્રીજીને મળી આવું છું અને કાલે સવારે જ તમને ફોન કરું છું. " કાન્તિલાલ બોલ્યા.

બીજા દિવસે સવારે સાત વાગે જ કાન્તિલાલનો ફોન હર્ષદમામા ઉપર આવી ગયો. પોષ મહિનાની સુદ સાતમ અને ગુરુવારનો દિવસ દેવરાજ અને શીતલની સગાઈ માટે નક્કી થયો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."