પીજી હાઉસ પ્રકરણ 37
ગુરુજીની આજ્ઞા મળ્યા પછી દેવરાજે શીતલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. એ શીતલને પોતાનો જવાબ આપે તે પહેલાં જ શીતલ પોતે સામે ચાલીને સાસુજી ડાઇનિંગ હોલમાં દેવરાજને મળવા આવી હતી. એ આવી ત્યારે ખૂબ જ ટેન્શનમાં હતી પરંતુ દેવરાજે તો શીતલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બેંકના સ્ટાફ વચ્ચે સગાઈની જાહેરાત પણ કરી એટલે એ ખૂબ જ ખુશ હતી !
પીજી હાઉસ નવલકથા
શીતલે ઘરે જઈને મમ્મી પપ્પાને બધી વાત કરી અને એ પછી તો શીતલનો આખો પરિવાર આનંદમાં આવી ગયો. કાન્તિલાલે એમના શાસ્ત્રીજીને પૂછીને સાતમ અને ગુરૂવારનો દિવસ સગાઈના મુહૂર્ત માટે પસંદ કર્યો.
" દેવરાજ કાન્તિલાલનો ફોન આવી ગયો છે. આવતા ગુરુવારે સાતમના દિવસે સગાઈનો પ્રસંગ રાખ્યો છે. " સવારે ચા પીતી વખતે મામા બોલ્યા.
"ઠીક છે તો પછી હું મુંબઈ પપ્પા સાથે વાત કરી લઉં છું અને ગુરુવાર સુધી રોકાઈ જાઉં છું. સગાઈનું ફાઈનલ થઇ રહ્યું છે એટલે મારે એમને વાત કરવી જ જોઈએ. " દેવરાજ બોલ્યો અને એણે થોડીવાર પછી મનમોહન શેઠ સાથે ફોન ઉપર વાત કરી.
"પપ્પા હું દેવરાજ બોલું છું. મારા હર્ષદ મામાએ અહીં અમારી નાગર જ્ઞાતિની એક કન્યા સાથે મારી મીટીંગ કરાવી છે. કન્યા મને પસંદ આવી છે. મારા ગુરુજીએ પણ મને આગળ વધવાની હા પાડી છે. મારા મામાએ આવતા ગુરુવારે મારી સગાઈ નક્કી કરી છે. તમારી ભાવિ વહુને આશીર્વાદ આપવા માટે તમારે અમદાવાદ આવવાનું છે. તમે બુધવારે રાત્રે જ મમ્મીને લઈને અહીં આવી જાઓ. હું હોટલ બુક કરાવી દઉં છું. " દેવરાજ બોલ્યો.
" અરે બેટા અમે ત્યાં આવીએ કે ના આવીએ પણ અમારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે. સગાઈની વાત સાંભળીને મને ખૂબ જ આનંદ થયો છે." મનમોહન શેઠ બોલ્યા.
" ના પપ્પા. તમારા દીકરાની સગાઈ છે. શીતલ તમારા ઘરની વહુ બનવાની છે. તમારી હાજરી વગર ચાલે જ નહીં. મમ્મી-પપ્પાની હાજરીમાં જ સગાઈ થશે. " દેવરાજ બોલ્યો.
"ઠીક છે બેટા. બુધવારે સાંજની ફ્લાઈટ બુક કરાવી દઉં છું. " મનમોહન શેઠ બોલ્યા.
અને દેવરાજે અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ આઇટીસી નર્મદામાં ડીલક્ષ સ્યુટ મમ્મી પપ્પા માટે બુક કરાવી દીધો. સાથે સાથે એ જ હોટલમાં સગાઈ માટે બેંકવેટ હોલ પણ બુક કરાવી દીધો.
" મામા આવતા ગુરુવારે સગાઈ અને રીંગ સેરિમનીના પ્રસંગ માટે મેં વસ્ત્રાપુર રોડ ઉપર ફાઈવ સ્ટાર હોટેલ આઇટીસી નર્મદાનો બેંકવેટ હોલ બુક કરાવી દીધો છે. આ ફંકશન ધામધૂમથી ઉજવવાનું છે કારણ કે અમદાવાદમાં આ મારો છેલ્લો પ્રસંગ છે. મારું મેરેજ તો મુંબઈમાં જ થશે. મનમોહન શેઠનું બહુ મોટું સર્કલ છે અને એમની એવી હોંશ હોય કે દીકરાનો લગ્ન પ્રસંગ એમના ઘરે જ ઉજવાય." દેવરાજ બોલ્યો.
" તારી વાત હું સમજી શકું છું દેવ. મને કોઈ જ વાંધો નથી. આપણે વેવાઈને પણ આ બધી વાત જણાવવી પડશે. " મામા બોલ્યા.
" હું શીતલના ઘરે એકાદ કલાક પછી જાઉં છું અને બધી જ વાત વિગતવાર કરું છું. મને મનમોહન શેઠે દત્તક લીધો છે એ વાત એમને પણ જણાવવી પડશે. અને મામા આપણાં તમામ સગાં વહાલાંને તમારે ફોન કરીને આ પ્રસંગે ખાસ આમંત્રણ આપવાનું છે. વધુને વધુ મહેમાનો આવે એ પણ જરૂરી છે. હું મારા મિત્રો અને બેંકના અમુક સ્ટાફને પણ કહેવાનો છું. " દેવરાજ બોલ્યો.
અને સવારે ૮:૩૦ વાગે દેવરાજે શીતલને ફોન કર્યો. " હું એકાદ કલાકમાં તારા ઘરે આવું છું. ઘરે બધાંને કહી દે કે હાજર રહે. અને તારે પણ હવે જોબ કરવાની નથી. " દેવરાજ બોલ્યો.
" મોસ્ટ વેલકમ ડીયર" શીતલ હસીને બોલી.
એ પછી દેવરાજ સવારે ૮:૩૦ વાગે પોતાનું એકટીવા લઈને રાયપુર હજીરાની પોળ પહોંચી ગયો. હવે એ જમાઈ તરીકે પહેલીવાર સાસરે જતો હતો.
" આવો આવો દેવરાજ કુમાર. આજે તો સવાર સવારમાં અમારું ઘર પાવન કર્યું ! " સુમનબેને દેવરાજનું સ્વાગત કર્યું. કાન્તિલાલ પણ બાજુમાં જ ઊભા હતા. દેવરાજ સોફા ઉપર બેઠો.
" કુમાર શીતલના તે દિવસના વર્તન બદલ હું તમારી માફી માગું છું. તમે જો કે મોટું મન રાખીને એને માફ કરી જ દીધી છે છતાં માફી તો માગવી જ જોઈએ. " કાન્તિલાલ હાથ જોડીને બોલ્યા.
" અરે વડીલ હાથ જોડીને માફી માગવાનું તમને શોભતું નથી. મેં એને ક્યારની માફ કરી દીધી છે અને મારી લાઇફમાં એનું સ્વાગત પણ કર્યું છે. " દેવરાજ બોલ્યો. શીતલ પણ સામે જ બેઠી હતી. એને દેવરાજની આ વાત હૃદયને સ્પર્શી ગઈ.
" નાસ્તામાં તમને શું ફાવશે ? જમાઈ તરીકે અમારા ઘરે પહેલીવાર આવ્યા છો. અમારી તો જમાડવાની ઈચ્છા છે." સુમનબેન બોલ્યાં.
" મને કંઈ પણ ફાવશે. પહેલાં તમે લોકો બેસો. હું જે વાત કરવા માટે આવ્યો છું એ વાત કરવી જરૂરી છે. " દેવરાજ બોલ્યો.
સુમનબેન અંદર કિચનમાં જઈને શાલિનીને કંઈક સૂચના આપી આવ્યાં અને પછી બહાર આવીને કાન્તિલાલ ની બાજુમાં બેઠાં.
"જુઓ વડીલ શીતલ સાથે મારી સગાઈ થઈ રહી છે એટલે મારા વિશે તમને પરિચય આપવો મને જરૂરી લાગે છે. મુંબઈ વાલકેશ્વરમાં રહેતા મનમોહન શેઠને કોઈ સંતાન ન હતું એટલે એમણે મને પુત્ર તરીકે દત્તક લીધો છે. મારું નામ હવે દેવરાજ દેસાઈના બદલે દેવરાજ શેઠ છે. એ લોકો વૈષ્ણવ વણિક છે. એમનો વાલકેશ્વરમાં કરોડોનો વિશાળ ફ્લેટ છે. ફોર્ટમાં ઓફિસ છે. પાંચ માળનું પીજી હાઉસ ગીરગાંવ એરિયામાં છે જે હું ચલાવું છું" દેવરાજ બોલતો હતો.
" મારા ગુરુજીએ જ શેઠને મારા વિશે ભલામણ કરી હતી. હું અત્યારે એ મનમોહન શેઠનો એક માત્ર વારસદાર છું. ૨૦૦ થી ૩૦૦ કરોડના એ માલિક છે. મારા પોતાના ખાતામાં પણ ૨૫ કરોડ જેવી રકમ શેઠે ટ્રાન્સફર કરી છે. મારી પોતાની ગાડી છે. નોકર ચાકરો છે. ઘરે રસોઈયો પણ છે. શીતલને ત્યાં કોઈ જ તકલીફ પડવાની નથી. દત્તક લેવાની આ વાત મારે તમને કરવી જરૂરી હતી." દેવરાજ બોલ્યો.
દેવરાજની આ વાત સાંભળીને તમામ સભ્યો અવાક થઈ ગયા. કરોડોપતિ જમાઈ મળ્યા છે ! આટલી બધી કલ્પના તો કોઈએ કરી પણ ન હતી. જો કે શીતલે તો ગઈકાલે ડાઇનિંગ હોલમાં કરોડોપતિની વાત સાંભળી હતી પરંતુ રકમ સાંભળીને એ પોતે પણ અવાક થઈ ગઈ !
" હું નાગર મટીને વૈષ્ણવ પિતાનો પુત્ર બન્યો છું એટલે મારે આ ખુલાસો કરવો જરૂરી હતો. લગ્ન પછી આ બાબતની તમને જાણ થાય તો મોટો પ્રોબ્લેમ થાય. હું કોઈ પણ વાત છુપાવવામાં માનતો જ નથી. છતાં તમને કોઈ વાંધો હોય તો મને કહી શકો છો. " દેવરાજ બોલ્યો.
" મને કોઈ જ વાંધો નથી. વૈષ્ણવ જ્ઞાતિ પણ ઉચ્ચ જ્ઞાતિ જ ગણાય છે. અને હું નથી માનતી કે મારા મમ્મી પપ્પાને પણ કોઈ વાંધો હોય. " શીતલે જવાબ આપી દીધો.
" શીતલની વાત સાચી છે કુમાર. અમને પણ કોઈ જ વાંધો નથી. આ સંબંધ અમને મંજૂર જ છે." કાન્તિલાલ બોલ્યા.
"હવે મારી વાત ધ્યાનથી સાંભળો. મારી અને શીતલની સગાઈનો આ પ્રસંગ તો અમદાવાદમાં ઉજવાશે પરંતુ લગ્ન પ્રસંગ આખો મુંબઈમાં થશે અને એ વખતે તમારે તમારા મહેમાનો સાથે મુંબઈ આવવાનું રહેશે. મારા પાલક પિતા મનમોહન શેઠનું આખું સર્કલ મુંબઈમાં છે. તમારા મહેમાનોની આવવા જવાની ટિકિટની અને હોટલની બધી જ વ્યવસ્થા હું કરીશ." દેવરાજ બોલતો હતો.
" સગાઈનો આખો પ્રસંગ અહીંની જાણીતી ફાઇવ સ્ટાર હોટલ આઈટીસી નર્મદાના બેંકવેટ હોલમાં મેં રાખ્યો છે. વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે એ આવેલી છે. તમારાં જેટલાં પણ દૂરનાં અને નજીકનાં સગાંવહાલાં છે એ તમામને તમે ફોનથી આમંત્રણ આપી દો. તમારા પડોશીઓને પણ તમે કહી શકો છો. હોલ ઘણો મોટો છે અને દિલ પણ મોટું છે." દેવરાજ હસીને બોલ્યો.
" અરે પણ સગાઈમાં આટલી બધી ધમાલ કરવાની ક્યાં જરૂર હતી ?" કાન્તિલાલ બોલ્યા.
" અમદાવાદમાં મારા માટે આ છેલ્લો પ્રસંગ છે. મારા મમ્મી પપ્પા પણ મુંબઈથી આવવાના છે. અને માત્ર સગાઈ નહીં પરંતુ રીંગ સેરીમની થશે. આજે હું શીતલને સેટેલાઈટ એક જાણીતા ઝવેરી પાસે પણ લઈ જવાનો છું. અમારા બંનેની ડાયમંડની વીંટીનું સિલેક્શન પણ કરવું પડશે ને !" દેવરાજ હસીને બોલ્યો.
શીતલ તો આ વાત સાંભળીને આશ્ચર્ય જ પામી ગઈ. પોતાનું કિસ્મત અણધારી રીતે બદલાઈ રહ્યું હતું. આવી તો એણે કલ્પના પણ કરી ન હતી.
એટલામાં શાલિની અંદરથી ગરમા ગરમ મેથીના ગોટા ઉતારીને લાવી. સાથે ચાનો કપ પણ મૂક્યો.
" આટલા બધા ગોટા મારાથી નહીં ખવાય. શીતલ આવી જા ચાલ. " દેવરાજે શીતલને આગ્રહ કર્યો.
શીતલ અંદર જઈને બીજી એક ખાલી ડીશ લઈ આવી અને દેવરાજની ડીશમાંથી ત્રણ-ચાર ગોટા લઈને પોતાની ડીશમાં મૂક્યા અને ફરી પાછી સોફા ઉપર જઈને બેઠી.
" તો પછી આજે હું બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડીને શીતલને આપી દઉં છું. કારણ કે તમારા માટે જે પણ વીટી તમે પસંદ કરો એ અમારા તરફથી હોય એટલે એની કિંમત કાયદેસર મારે જ ચૂકવવી પડે. " કાન્તિલાલ બોલ્યા.
" અરે પપ્પા એવી કોઈ જ જરૂર નથી. તમારો અને મારો પરિવાર હવે એક જ છે. સગાઈનો આખો પ્રસંગ મારા ખર્ચે જ થવાનો છે. મારા માટે તમારા તરફથી જે ડાયમંડની વીંટી હું પસંદ કરું એના પૈસા પણ હું જ આપીશ. તમારા આખા ફેમિલીનાં કપડાં કે દાગીનાનો ખર્ચ પણ હું જ ચૂકવી દઈશ. શીતલની સગાઈ અને શીતલના લગ્ન માટે એક પણ રૂપિયો તમારે ખર્ચવાનો નથી. " દેવરાજ બોલ્યો.
દેવરાજની વાત સાંભળીને ઘરમાં સોપો પડી ગયો. આ બધું સ્વપ્ન છે કે સત્ય !! શું બોલવું એ જ કાન્તિલાલને સમજાતું ન હતું. જમાઈની આટલી બધી ઉદારતા !!
અને શીતલ પણ પોતાના ભાવિ પતિ તરફ અહોભાવથી જોઈ રહી હતી.
" કુમાર તમે તમારી ખાનદાની બતાવી પરંતુ અમારાથી થાય એટલો ખર્ચો તો અમે કરીશું જ. જમાઈના પૈસાથી પ્રસંગ ના થાય. અમને પણ દીકરીના લગ્ન માટે પૈસા ખર્ચવાનો હરખ હોય. મારા ઘરે આ પહેલો જ પ્રસંગ છે. " કાન્તિલાલ બોલ્યા.
" એ હું કંઈ ના જાણું પપ્પા. મને તમારા દીકરા જેવો જ ગણો. થોડી ઘણી તમારી પાસે બચત હોય તો એ રહેવા દો. તમને શોપિંગ માટે હું અત્યારે પાંચ લાખનો ચેક આપું છું. પ્રસંગને હજુ ત્રણ દિવસ છે તો જે પણ સારામાં સારી ખરીદી કરવી હોય એ તમે લોકો કરી લો" કહીને દેવરાજે પોતાના ખિસ્સામાંથી કાન્તિલાલ દેસાઈના નામે લખેલો ચેક કાઢીને પોતાના સસરાને આપ્યો.
એક બાજુ બેસીને આ બધું જોઈ રહેલી શાલિની પોતાના આ જીજુની મહાનતાથી અવાક થઈ ગઈ. ક્યાં પેલો મુફલિસ કિરણ અને ક્યાં આ જીજુ ! શીતલે શાલિનીને વાત કરી દીધી હતી કે તારા જીજુ તારી પ્રેગનેન્સી વિશે જાણે છે. એટલે એ જીજુની સામે આવતાં થોડો સંકોચ અનુભવતી હતી.
વાતચીત કર્યા પછી દેવરાજે અને શીતલે ગોટાનો નાસ્તો કર્યો અને ચા પણ પી લીધી.
" હવે હું રજા લઉં. ગાડી હું મુંબઈ મૂકીને આવ્યો છું એટલે મારે એકટીવા ઉપર જ દોડધામ કરવી પડે છે. શીતલ તું ચાર વાગે શિવરંજની બસ સ્ટેન્ડ ઉપર પહોંચી જજે. ત્યાંથી ટીબીઝેડ શો રૂમ નજીક જ છે. " દેવરાજ બોલ્યો.
" મેં એ શોરૂમ જોયો છે. હું સીધી ત્યાં જ પહોંચી જઈશ અને ગેટ ઉપર તમારી રાહ જોઇશ. " શીતલ બોલી.
અને દેવરાજ ઉભો થયો. શીતલ એને મૂકવા છેક એકટીવા સુધી ગઈ.
દેવરાજ ત્યાંથી પોતાના એક જૂના મિત્ર ભાર્ગવની ઓફિસે ગયો. ભાર્ગવ જૂની ગાડીઓની લે વેચ કરતો હતો. એસ.જી હાઇવે પર એનો શો રૂમ હતો. અત્યારે પણ એના શોરૂમ આગળ પાંચ છ ગાડીઓ પડી હતી.
" અરે દેવરાજ... વર્ષો પછી તારા દર્શન થઈ રહ્યા છે." ભાર્ગવ બોલ્યો.
" હા કારણ કે હું હવે મુંબઈ રહું છું. ચાર પાંચ દિવસ માટે અમદાવાદ આવ્યો હતો એટલે તારી મદદની જરૂર પડી." દેવરાજ બોલ્યો.
" બોલ તારી શું સેવા કરી શકું ? " ભાર્ગવ બોલ્યો.
" મને પાંચ છ દિવસ માટે એક સારી ગાડી જોઈએ છે. મારી ગાડી મુંબઈ પડી છે અને અહીં દોડધામ કરવા માટે મને ગાડીની જરૂર છે. જે પણ ચાર્જ થતો હશે એ હું તને આપવા તૈયાર છું." દેવરાજ બોલ્યો.
" ચાર્જની ચિંતા ના કર. પેટ્રોલ ભરાવી દેજે. બે દિવસ પહેલાં જ એક સરસ હોન્ડા સિટી વેચાવા માટે આવી છે એ તું લઈ જા. ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. બસ તારો મોબાઈલ નંબર મને આપી દે." ભાર્ગવ બોલ્યો.
દેવરાજે ગાડી જોઈ લીધી અને એકટીવાને શોરૂમ પાસે જ પાર્ક કરીને હોન્ડા સિટી વાપરવા માટે લઈ લીધી. એણે ભાર્ગવને પોતાનો મોબાઈલ નંબર આપી દીધો અને ભાર્ગવનો પોતે લઇ લીધો.
બપોરના ૧૨:૩૦ વાગી ગયા હતા એટલે એ પછી દેવરાજ ઘરે જમવા માટે ગયો.
સાંજે બરાબર ચાર વાગ્યે દેવરાજ ગાડીમાં બેસીને ટીબીઝેડ શોરૂમ પહોંચી ગયો. એના આશ્ચર્ય વચ્ચે શીતલ અને શાલિની બંને ગેટ પાસે ઉભી હતી.
" અરે તમે બંને બહેનો આવી છો ? " દેવરાજે હસીને પૂછ્યું.
" હા શાલુની ચોઈસ વધારે સારી છે. એટલે એને પણ સાથે લીધી. પણ તમે જનાબ ગાડીમાં ક્યાંથી ? " શીતલ હસીને બોલી.
" અરે પાંચ છ દિવસ માટે મેં મારા એક ફ્રેન્ડની ગાડી વાપરવા માટે લઈ લીધી. પણ શાલુ તારે આજે બહાર નીકળવું ના જોઈએ. આજે સાંજે તને બ્લિડિંગ ચાલુ થઈ જશે." દેવરાજ બોલ્યો.
શાલિની જીજુની વાત સાંભળીને શરમાઈ ગઈ. જીજુ મારી કેટલી બધી કાળજી રાખે છે ! એમને યાદ પણ છે.
" અમે અહીંથી સીધા ઘરે જ જતા રહીશું. શોપિંગમાં કંઈ વધારે વાર નહીં લાગે. " શીતલ બોલી.
એ પછી એ લોકો શોરૂમ ની અંદર ગયા. ત્યાં જઈને કાઉન્ટર સામે રાખેલી ચેર ઉપર ગોઠવાઈ ગયાં.
" મારે બે એંગેજમેન્ટ રિંગ ખરીદવી છે. એક મારા માટે એક આ શીતલ માટે. એક લાખની ઉપરની ડાયમંડ રીંગની ડિઝાઇન બતાવો. " દેવરાજ બોલ્યો.
કાઉન્ટર ઉપર ઉભેલી સેલ્સ ગર્લે ઘણી બધી ડિઝાઇનો બતાવી. શીતલ અને શાલિનીએ અંદર અંદર ચર્ચા કરીને એક રીંગ પસંદ કરી. એ પછી દેવરાજે પોતાના માટે પણ એક રીંગ પસંદ કરી અને બંને બહેનોની સલાહ પણ લીધી. રીંગ એકદમ આકર્ષક હતી એટલે એ પસંદ કરી.
" હવે મારી આ સાળી માટે પણ એક સરસ રીંગ બતાવો. " દેવરાજ બોલ્યો.
" ના જીજુ. મારે આવી મોંઘી રીંગ નથી જોઈતી. " શાલિની બોલી.
" એક કામ કરો એના માટે આપણે સોનાની ચેઈન લઈ લઈએ. એનું ગળું સૂનું છે. " શીતલ બોલી.
એ પછી સેલ્સ ગર્લે ૧૫ ૨૦ ચેઈન બતાવી. શાલિનીને જે ચેઈન સૌથી સારી લાગી એ પસંદ કરી લીધી.
" હવે આ જ ડિઝાઇનની બીજી બે ચેઈન પણ આપી દો. " દેવરાજ બોલ્યો.
" અરે પણ દેવ શા માટે ? " શીતલ બોલી.
" મારા માટે તો બધી સાળીઓ સરખી. શાલુના ગળામાં ચેઈન જોઈને એ બિચારી કેટલા નિઃસાસા નાખે ! " દેવરાજ બોલ્યો અને એણે ચાર લાખ દસ હજારનું બિલ ચૂકવી દીધું.
શીતલ અને શાલીની બંને દેવરાજની આટલી બધી ઉદારતા જોઈને છક થઈ ગઈ.
" તમે મારી પાછળ પાછળ આવો. રીંગ સેરીમની જ્યાં રાખી છે એ હોટલ નર્મદા તમને બતાવી દઉં. નજીકમાં જ છે. " દેવરાજ બોલ્યો
એણે રિંગ રોડ ઉપર ગાડીને ધીમે ધીમે આગળ લીધી. થોડાક જ અંતરે જઈને એણે માનસી સર્કલ તરફ લેફ્ટ ટર્ન લીધો. થોડેક જ આગળ જઈને હોટલમાં એણે એન્ટ્રી કરી. શીતલ પણ એકટીવા લઈને પાછળ પાછળ આવી.
" જુઓ આ ભવ્ય બિલ્ડીંગ ફાઈવ સ્ટાર હોટલ આઈટીસી નર્મદા છે. રીંગ સેરીમની આ જ હોટલમાં રાખેલી છે જેથી તમને ખ્યાલ આવે. શાલુને વધુ રોકી શકાય તેમ નથી એટલે હું તમને અંદર લઈ જતો નથી. તમે લોકો નીકળો મારે અંદર કામ છે. " દેવરાજ બોલ્યો અને ગાડીને પાર્ક કરવા ગયો.
એ પછી એ અંદર જઈને બેંકવેટ હોલ ના મેનેજરને મળ્યો અને ગુરુવારે જે રિંગ સેરીમની રાખી હતી એના માટે મેનુ ની ચર્ચા કરી. છેવટે એણે દસ મિનિટ ચર્ચા કરીને મેનુ ફાઇનલ કર્યું. થોડીક રકમ એડવાન્સ પેટે પણ ચૂકવી દીધી.
એ જ્યારે હોટલની બહાર આવ્યો ત્યારે સાંજના સાડા પાંચ વાગી ગયા હતા. વશી અંકલ પાસેથી પાવર ઓફ એટર્ની લેવાની હતી એટલે દેવરાજે ગાડીને ધીમે ધીમે પંચવટી પાસે ક્ષિતિરત્ન એપાર્ટમેન્ટ લઈ લીધી. ગાડી સાઈડમાં પાર્ક કરીને એ દસેક મિનિટ બેસી રહ્યો. આદિત્ય છ વાગે ઘરે આવતો હતો.
બરાબર છ વાગ્યા એટલે એ ફ્લેટમાં દાખલ થયો.
" અરે દેવરાજ... આમ અચાનક ?" આદિત્ય વશી દેવરાજને જોઈને બોલ્યો.
" તારી ખબર પૂછવા આવ્યો છું. ગઈકાલે બપોરે સાસુજી ડાઇનિંગ હોલમાં તું આવ્યો નહીં એટલે પછી મને થયું કે કદાચ તારી તબિયત સારી નહીં હોય !! તેં ઘણું બધું મિસ કર્યું આદિ. " દેવરાજ બોલ્યો.
" સાવ સાચું કહું ને તો હું એ ભૂલી જ ગયો હતો. મને યાદ આવ્યું ત્યારે સાડા બાર વાગી ગયા હતા. હું ત્યાં પહોંચું ત્યાં સુધીમાં તો પોણો વાગી જાય એટલે પછી હું ના આવ્યો." આદિત્ય બોલ્યો.
"મને તારી વાતમાં વિશ્વાસ છે. કારણ કે હું જાણું છું કે તું કદી ખોટું નથી બોલતો" દેવરાજ હસીને બોલ્યો.
" કેવો રહ્યો તારો પ્રોગ્રામ ? " આદિત્ય બોલ્યો.
" ઈટ વોઝ એ ગ્રેટ એક્સપિરિયન્સ. " દેવરાજ બોલ્યો.
" ચાલો મારી શુભેચ્છાઓ તારી સાથે જ છે. " આદિત્ય બોલ્યો.
" શુભેચ્છાઓ તો તારે હવે આપવાની છે. ગુરુવારે સવારે ૧૧ વાગે હોટલ આઇટીસી નર્મદાના બેંકવેટ હોલમાં મારો રિંગ સેરીમની છે. શીતલ દેસાઈ નામની કન્યા સાથે મારી સગાઈ થઈ રહી છે અને આખા ફેમિલી સાથે તારે હાજર રહેવાનું છે. " દેવરાજ બોલ્યો.
" અરે છુપા રુસ્તમ ! તારી સગાઈની વાત તું મને આજે કહે છે ? તું બે ત્રણ દિવસ પહેલાં મળ્યો ત્યારે તો મને શીતલ વિશે વાત સુધ્ધાં ના કરી. અને આમ અચાનક સગાઈ ! " આદિત્યએ આશ્ચર્ય સાથે મીઠો ઠપકો આપ્યો.
" આદિ તને શું કહું ? તને મળ્યો એના બીજા જ દિવસે આંધીની જેમ એક પરી મને વરમાળા પહેરાવવા માટે આકાશમાંથી નીચે ઉતરી આવી !!!" દેવરાજ હસીને બોલ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
