પીજી હાઉસ પ્રકરણ 38
દેવરાજ ટીબીઝેડ શો રૂમમાંથી રીંગ સેરીમની માટે બંનેની ડાયમંડની ભારે રીંગો ખરીદીને હોટલ આઇટીસી નર્મદા ગયો હતો અને ત્યાં મેનુ નક્કી કરીને એડવાન્સમાં અમુક રકમ આપીને આદિત્ય વશીના ઘરે ગયો હતો.
પીજી હાઉસ નવલકથા
રીંગ સેરીમની પ્રસંગે જમવાનું આમંત્રણ આપીને એણે આદિત્યને ચમકાવી દીધો હતો. કારણ કે બે ત્રણ દિવસ પહેલાં મળ્યો ત્યારે તો સગાઈ વિશે કોઈ ચર્ચા જ થઈ ન હતી અને અચાનક એણે બેન્કવેટ હોલમાં જમવાનું આમંત્રણ આપ્યું.
" પણ આ બધું અચાનક કેવી રીતે બની ગયું ? " દેવરાજની વાત સાંભળીને આદિત્ય બોલ્યો.
"કિસ્મતમાં જે લખેલું હોય છે એ થઈને જ રહે છે. મુંબઈ જવાનું મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું અને અત્યારે હું મુંબઈ નિવાસી બની ગયો. એ બધી વાતો છોડ. હવે મને કહે તારા પપ્પા છે ઘરે ? મારે પાવર ઓફ એટર્ની લેવી છે." દેવરાજ બોલ્યો.
" હા પપ્પા તો હાઇકોર્ટથી પાંચ વાગ્યે આવી જ જાય છે. " આદિત્ય બોલ્યો.
દેવરાજ એને લઈને વશી સાહેબના રૂમમાં ગયો.
" અરે આવ આવ દેવરાજ. તારી પાવર ઓફ એટર્ની તૈયાર કરાવી દીધી છે. તું આવતી કાલે તારા મામાને લઈને ઇન્કમટેક્સ પાસે જૂની હાઇકોર્ટ છે ત્યાં જજે. ત્યાં અત્યારે બીજી કોર્ટ બેસે છે. ત્યાં રાજેન્દ્ર તલાટી કરીને એક નોટરી બેસે છે. કોઈને પણ પૂછીશ એટલે બતાવશે. મારે એની જોડે વાતચીત થઈ ગઈ છે. ત્યાં જઈને તું અને તારા મામા બંને સહી કરી દેજો. એ પછી એ આ સ્ટેમ્પ પેપરને નોટરાઈઝ કરી દેશે. " વશી સાહેબ બોલ્યા.
દેવરાજ એ પછી આદિત્યને સગાઈ પ્રસંગે હાજર રહેવાનો આગ્રહ કરીને ત્યાંથી નીકળી ગયો અને સીધો ઘરે આવ્યો. ઘરે આવ્યો ત્યારે સાંજના સાત વાગી ગયા હતા.
" મામા રીંગ સેરીમની માટે મારી અને શીતલની રીંગ મેં લઈ લીધી છે. મારે પહેરવાની રિંગ શીતલ પાસે છે જ્યારે શીતલની રીંગ હું લઈ આવ્યો છું. " કહીને દેવરાજે રીંગની ડબ્બી મામાને આપી દીધી.
મામાએ ડબ્બી ખોલી અને રીંગ જોઈને મામા અને મામી બંને દંગ થઈ ગયાં. ઝગારા મારતા ડાયમંડની રીંગ અદભુત હતી !
" દેવ ચોઇસ તો તારી ઘણી સારી છે. શ્રીમંત ઘરની કન્યાને શોભે એવી જ રીંગ પસંદ કરી છે. " હર્ષદમામા બોલ્યા.
" મામા રીંગની પસંદગી શીતલે પોતે જ કરી છે. શીતલને પણ હું સાથે લઈ ગયો હતો. મામા મેં તમારા ખાતામાં દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા જ છે. તમે મામીને પણ જ્વેલરીના શોરૂમમાં લઈ જાઓ અને એમને જેવા ગમે એવા દાગીના લઈ આપો. પૈસાનો કોઈ હિસાબ ગણશો નહીં. ભલે બે-ત્રણ લાખ રૂપિયા ખર્ચાઈ જાય. મારી સગાઈનો પ્રસંગ છે એટલે મામી ઉઘાડા રહેવા ના જોઈએ. " દેવરાજ બોલ્યો.
દેવરાજની વાત સાંભળીને મામીને ભૂતકાળમાં દેવરાજ સાથે પોતે કરેલું વર્તન ફરીથી યાદ આવી ગયું. મામીને ખૂબ જ પસ્તાવાની લાગણી થઈ. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું.
" દેવરાજ મારે હવે નવા દાગીનાની કોઈ જરૂર નથી. જે છે એ હું પહેરી લઈશ. એક દિવસના પ્રસંગ માટે ખોટો ખર્ચ કરવો ? પૈસા હશે તો કામ લાગશે. " મામી બોલ્યાં.
"મામી સોનુ હશે તો પણ કામ લાગવાનું જ છે. અને તમારા ભાણાને પૈસાની હવે કોઈ ખોટ નથી. દસ લાખ ઓછા ના કરવા હોય તો દાગીના ખરીદવા માટે હું બીજા પૈસા આપું." દેવરાજ બોલ્યો.
" અરે ના ના દેવ. બીજા પૈસા મારે જોઈતા નથી. જે જરૂરી છે એ દાગીના કાલે અમે બંને સાથે જઈને સી.જી રોડ ઉપરથી ખરીદી લઈશું. ત્યાં પણ બે ત્રણ મોટા સારા જ્વેલર્સ છે. " મામા બોલ્યા.
" આજે તમારા માટે તમને ભાવતો હાંડવો બનાવવાનો છે. સાથે ચા બનાવી દઈશું. " મામી બોલ્યાં.
સમય સમયનું ચક્કર છે. રોજ ભાણા માટે ટિફિનમાં મગની દાળ અને રોટલી આપતાં મામી આજ કાલ રોજ નવી નવી આઈટમો બનાવતાં હતાં !
બે ત્રણ દિવસ પછી ઘરમાં સગાઈનો પ્રસંગ હતો એટલે કાન્તિલાલે ચાર દિવસ માટે પોતાની દુકાન બંધ રાખી હતી. શોપિંગ વગેરે કરવાનું હોવાથી મોનાએ પણ ત્રણ દિવસ કોલેજમાં રજા રાખી હતી. દેવાંશી સવારે સ્કૂલમાં જઈ આવતી પણ ટ્યુશન એણે બંધ રાખ્યું હતું.
સાંજે છ વાગે શીતલ અને શાલિની ઘરે આવ્યાં ત્યારે ઘરના તમામ મેમ્બર્સ હાજર હતા.
શીતલ જેવી આવી કે તરત જ એણે રીંગની ડબ્બી ખોલીને મમ્મી પપ્પાને અને બહેનોને રીંગ બતાવી. ડાયમંડ જડેલી વજનદાર સોનાની વીંટી બધાંને જોતાં વેંત જ ગમી ગઈ.
" આ વીંટી એમના માટે ખરીદી છે. મારી વીંટી એમની પાસે છે. એ પણ એટલી જ સુંદર છે મમ્મી. " શીતલ બોલી.
" અસલી ડાયમંડ છે એટલે વીંટી તો ઘણી મોંઘી હશે. " કાન્તિલાલ બોલ્યા.
"જીજુએ ચાર લાખ અને દસ હજારનું બિલ ચૂકવ્યું. અમે ત્રણ બહેનો માટે તેમણે સોનાની ચેઈન પણ લઈ આપી." શાલિની બોલી. એ સાથે જ શીતલે ચેઈન નાં ત્રણ બોક્સ પણ ખોલી નાખ્યાં.
ત્રણેય બહેનોએ ચેઈન હાથમાં લઈને બરાબર જોઈ લીધી અને ખુશ થઈ ગઈ. ત્રણેય ચેઈન એક સરખી અને વજનદાર પણ હતી.
" અરે પણ જમાઈ પાસે આ બધી છોકરીઓનો ખર્ચો કેમ કરાવ્યો ? " સુમનબેન બોલ્યાં.
" અરે મમ્મી અમે ઘણી ના પાડી પણ એ માનતા જ નથી ને ! " શીતલ બોલી.
" ઠીક છે અત્યારે એ બધું કબાટમાં મૂકી દો અને કાલે જે જે ખરીદી કરવાની છે એનું એક લિસ્ટ બનાવો. સગાઈને માત્ર બે જ દિવસ બાકી છે." કાન્તિલાલ બોલ્યા.
બીજા દિવસે દેવરાજે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાનો સંપર્ક કર્યો. એને લઈને એ બેન્કવેટ હોલ જઈ આવ્યો અને બધું સમજાવી દીધું. મામાને આ બધી બાબતોમાં કંઈ ખબર પડતી ન હતી એટલે દેવરાજ પોતે જ દોડાદોડ કરતો હતો. એણે વિડીયો શુટીંગ અને સ્ટીલ ફોટોગ્રાફી વાળાને પણ બુક કરી દીધા.
એ પછી એ મામાને લઈને જૂની હાઇકોર્ટ ગયો અને ત્યાં રાજેન્દ્ર તલાટી નામના નોટરીને મળ્યો. વશી સાહેબે જે પાવર ઓફ એટર્ની લખી આપી હતી એ એને આપી. ફોન ઉપર વાત થઈ ગયેલી હતી એટલે તલાટીએ સ્ટેમ્પ પેપર ઉપર બંનેની સહી લઈ લીધી અને બીજી સહી રજીસ્ટરમાં કરાવી. એ પછી એણે સહી સિક્કા કરીને પાવર ઓફ એટર્ની નોટરાઈઝ કરી દીધી. એક મોટું કામ પતી ગયું.
છેવટે બુધવારનો દિવસ આવી ગયો. મનમોહન શેઠે મુંબઈથી ૪:૫૦ વાગે ઉપડતું ઈન્ડિગો ફ્લાઈટ બુક કર્યું હતું જે સાંજે ૬:૧૦ વાગે અમદાવાદ લેન્ડ થતું હતું.
બરાબર છ વાગે દેવરાજ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયો. અડધા કલાક જેટલો સમય એણે ત્યાં કેફેમાં બેસીને પસાર કર્યો.
લગભગ છ અને પચીસ મિનિટે મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણી એરાઇવલ ગેટથી બહાર આવ્યાં. મુંબઈ કરતાં અહીં અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધારે હતો.
દેવરાજે ગુલાબનાં તાજાં ફુલનો બુકે આપીને મનમોહન શેઠનું સ્વાગત કર્યું.
" મમ્મી પપ્પા અમદાવાદમાં તમારું સ્વાગત કરું છું. " દેવરાજ બોલ્યો. શેઠ એને ભેટી પડ્યા.
એ પછી દેવરાજ એમને પાર્ક કરેલી ગાડી સુધી લઈ ગયો અને પાછળનો દરવાજો ખોલી આપ્યો. શેઠ શેઠાણી બેસી ગયા પછી દેવરાજ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો.
"અરે દેવ તારા મામા પાસે અમદાવાદમાં ગાડી છે ? " મનમોહન શેઠે પૂછ્યું.
" ના પપ્પા ગાડી ક્યાંથી હોય ? ગાડી તો હું મુંબઈ આવીને જ શીખ્યો. આ તો ઘરે પ્રસંગ હોવાથી મારા ફ્રેન્ડ પાસેથી ચાર પાંચ દિવસ માટે માગી લીધી છે." દેવરાજ બોલ્યો અને એણે ગાડીને માનસી સર્કલ તરફ લઈ લીધી.
"તારા આ અમદાવાદ વિશે તો મારી કલ્પના જ ન હતી કે એ આટલું બધું સુંદર હશે ! અમુક વિસ્તાર તો મુંબઈને પણ ટક્કર મારે એવો છે. " શેઠ ગાડીમાં બેસીને રસપૂર્વક અમદાવાદની સફર માણી રહ્યા હતા.
"હા પપ્પા. છેલ્લા દસ વર્ષમાં આ શહેર ખૂબ જ વિકાસ પામ્યું છે. મુંબઈના જેવી જ ગગનચુંબી ઇમારતો, મેટ્રો ટ્રેન, બીઆરટીએસની બસ સેવાઓ વગેરે અમદાવાદની રોનકને વધારી દે છે." દેવરાજ બોલ્યો. એ વખતે એ ૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર હતો !
થોડીવારમાં જ માનસી સર્કલ તરફ જવાનો રસ્તો આવી ગયો એટલે દેવરાજે ગાડીને જમણી બાજુ વાળી અને થોડે દૂર જઈને હોટલ આઇટીસી નર્મદામાં પ્રવેશ કર્યો.
અમદાવાદમાં આટલી ભવ્ય હોટલ હશે એની પણ શેઠને કલ્પના ન હતી. આ હોટલમાં અગાઉથી ડીલક્ષ સ્યૂટ બુક કરાવેલો જ હતો એટલે ગાડી પાર્ક કરીને દેવરાજ રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો. એને ૯૧૦ નંબરના સ્યૂટની ચાવી આપવામાં આવી.
વેઇટરે શેઠની બેગ લઈ લીધી અને બધા લિફ્ટમાં ઉપર નવમા માળે ગયા. સ્યૂટ એકદમ લક્ઝુરીયસ હતો. નવમા માળની વિન્ડોમાંથી અમદાવાદ અદભુત લાગી રહ્યું હતું.
" તારું અમદાવાદ મને ખરેખર બહુ ગમ્યું. તારા કારણે આજે આ શહેર જોવાની અમને તક મળી. આટલી ભવ્ય હોટલો પણ આ સિટીમાં છે એ જાણીને આનંદ થયો. " મનમોહન શેઠ બોલ્યા.
" હા પપ્પા. હજુ તો તમે આખું અમદાવાદ જોયું જ નથી. ચારે બાજુ એનો વિકાસ થયેલો છે. અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પણ ચાલુ થવાની છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ અહીં જ છે " દેવરાજ બોલ્યો.
" મારા બાપુજીના વખતમાં તો આ અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું. અહીં એટલી બધી મિલો હતી કે અહીંનું કાપડ આખા દેશમાં જતું હતું અને વિદેશમાં પણ એક્સપોર્ટ થતું હતું ! મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં કોટન એક્સચેન્જ, મૂળજી જેઠા માર્કેટ અને હનુમાન ગલીની પણ એ વખતે બોલબાલા હતી." શેઠ બોલ્યા.
" જી પપ્પા. " દેવરાજ બોલ્યો.
"મુંબઈ હવે ઘણું બદલાઈ ગયું છે. એ જમાનાની રોનક કંઈક અલગ જ હતી. રીક્ષા ટેક્સીના બદલે ઘોડાગાડીઓનો એ જમાનો હતો. આટલો બધો ટ્રાફિક પણ એ સમયે ન હતો. " મનમોહન શેઠ ભૂતકાળમાં સરી ગયા હતા.
" પપ્પા તમારે ચા પાણી કે નાસ્તો કંઈ કરવો છે ? " દેવરાજ બોલ્યો.
" સાત તો વાગી ગયા છે. આઠ વાગ્યા પછી જમવાનો ટાઈમ થશે એટલે નાસ્તાની તો કોઈ જરૂર નથી. હા ચા મંગાવી દે. " શેઠ બોલ્યા.
" મારે ચા નથી પીવી હોં. તમારા પૂરતી જ મંગાવો. " સુમિત્રા શેઠાણી બોલ્યાં.
દેવરાજે ઇન્ટરકોમથી ચા નો ઓર્ડર આપ્યો.
" પપ્પા આ જ હોટલમાં રીંગ સેરિમની રાખેલી છે. અહીંનો બેંકવેટ હોલ ઘણો સારો છે. કાલે સવારે ૧૧ વાગ્યાનું મુહૂર્ત છે. " દેવરાજ બોલ્યો.
" મને ઘણો આનંદ થયો. હવે તો વહુ પણ ઘરમાં આવી જશે. આમ અચાનક ત્રણ ચાર દિવસમાં જ તારું સગાઈનું કેવી રીતે નક્કી થયું ? " શેઠ બોલ્યા.
" છોકરીવાળાએ મારા હર્ષદમામાને કહી રાખ્યું હતું. છોકરી સારી છે અને ફેમિલી પણ સારું છે. હું અમદાવાદ આવ્યો કે તરત જ મારી મિટિંગ ગોઠવી અને બધું પાક્કું થઈ ગયું. મામાની ઈચ્છા હતી કે સગાઈ કરીને પછી જ હું મુંબઈ જાઉં. " દેવરાજ બોલ્યો.
"દરેક વડીલોની એવી જ ઈચ્છા હોય. તારી પણ ઉંમર થઈ ગઈ છે એટલે હવે લગ્ન કરવાં જ જોઈએ. મારાં લગ્ન ૨૫ વર્ષની ઉંમરે થઈ ગયેલાં. " શેઠ હસીને બોલ્યા.
એ પછી ચા આવી એટલે પીને દેવરાજ ઉભો થઈ ગયો.
" પપ્પા જમવાનો હોલ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. તમે જમવાનું અહીં પણ મંગાવી શકો છો. તમે કહેતા હો તો હું રોકાઈ જાઉં. તમે જમી લો પછી નીકળું. " દેવરાજ બોલ્યો.
"અરે ના ના બેટા અમે નીચે જઈને જ જમી આવીશું. અમારી ચિંતા તું કરીશ નહિ. તું અત્યારે મુરતિયો છે. તારે ઘણી દોડધામ હોય." શેઠ બોલ્યા.
એ પછી દેવરાજ મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરીને બહાર નીકળી ગયો. એ સંસ્કાર હજુ એણે જાળવી રાખ્યા હતા.
બીજા દિવસે વહેલી સવારે ૪ વાગે દેવરાજ ઉઠી ગયો અને નિત્યક્રમ પતાવી નાહી ધોઈને ગાયત્રી માળા કરવા બેસી ગયો. સવારના છ વાગ્યા સુધીમાં એણે પાંચ માળા પતાવી દીધી.
ઘરે સગાઈનો પ્રસંગ હોવાથી મામા અને મામી પણ સાડા પાંચ વાગ્યામાં ઉઠી ગયાં હતાં.
સવારે ૧૧ વાગે સગાઈનું અને રીંગ સેરીમની નું મુહૂર્ત હતું એટલે દસ વાગે તો હૉલ ઉપર પહોંચી જવું જરૂરી હતું. ગાડી હતી એટલે બીજો કોઈ પ્રોબ્લેમ ન હતો. હર્ષદમામાએ પોતાના ખાસ પડોશીઓને પણ સગાઈ પ્રસંગે આવવાનું આમંત્રણ આપ્યું હતું.
સવારે ૯:૩૦ વાગે દેવરાજનો પરિવાર હોટલ આઇટીસી નર્મદાના બેન્કવેટ હોલમાં પહોંચી ગયો.
ત્યાં પહોંચ્યા પછી દેવરાજ મામા મામીને રૂમ નંબર ૯૧૦ માં મનમોહન શેઠ પાસે એમનો પરિચય કરાવવા માટે લઈ ગયો.
"પપ્પા આ મારાં મામા અને મામી છે." દેવરાજ બોલ્યો.
" અરે આવો આવો. તમને લોકોને મળવાની મારી પોતાની પણ ઘણી ઈચ્છા હતી. તમારો દેવરાજ ખૂબ જ સંસ્કારી છે. એનામાં આ ઉંમરે પણ ઘણી બધી આવડત અને મેચ્યોરિટી છે. દત્તક લઈને અમે એના માટે ગર્વ અનુભવીએ છીએ." મનમોહન શેઠ બોલ્યા.
" તમને વધારે તો શું કહું શેઠ ! તમે તો એની જિંદગી જ બદલી નાખી છે. ગયા જનમના કોઈ ઋણાનુબંધ હશે તો જ એ તમારા ઘરે દીકરા તરીકે આવ્યો. " હર્ષદ મામા બોલ્યા.
" તમારી વાત હું માનું છું. પૂર્વ જન્મના કોઈને કોઈ સંબંધો અમારી વચ્ચે ચોક્કસ હોવા જોઈએ. " શેઠ બોલ્યા.
આ રીતે દસેક મિનિટ બધાં વચ્ચે વાતો ચાલી અને પછી દેવરાજ એમને બેંકવેટ હોલ ઉપર લઈ ગયો.
ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને બેંકવેટ હોલ શણગારવાનું કહ્યું હતું અને દેવરાજની ઈચ્છા મુજબ ગઈકાલ રાતથી જ એ લોકોએ રામસીતાની પંચવટીની થીમ ઉપર હૉલને શણગાર્યો હતો. હૉલમાં પ્લાસ્ટિકના પાંચ વટવૃક્ષનું આરોપણ કર્યું હતું અને સામે લીલા ઘાસની સરસ મજાની કુટીર બનાવી હતી !
આ કુટીરમાં વરકન્યા માટે ઝાડના થડ જેવાં દેખાતાં બે આસનોની સ્થાપના કરી હતી. આખાય હોલમાં નીચે લીલા ઘાસ જેવી દેખાતી કારપેટ પાથરી હતી. જાણે જંગલમાં હોઈએ એવો આભાસ ઉભો કર્યો હતો. ચારે બાજુ રોશનીથી હૉલ ઝગમગતો હતો તો રૂમ સ્પ્રે છાંટી છાંટીને આખો હોલ મઘમઘતો કર્યો હતો.
દેવરાજ અને મનમોહન શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા. દેવરાજે આ બધા માટે દિલથી ખર્ચો કર્યો હતો.
"દેવ માનવું પડશે. તારું આ પંચવટીનું વિઝન પણ ખરેખર અદભુત છે ! " શેઠ બોલ્યા.
દેવરાજ આજે ખુબ સરસ રીતે તૈયાર થયો હતો. ડાર્ક બ્રાઉન કલરનો સ્યૂટ, આઇવરી કલરનું અંદરનું શર્ટ, ગળામાં સોનાની ચેઇન, ટાઈ , સિકોની ભારે રિસ્ટ વૉચ , મોંઘા બુટ અને વિદેશી પર્ફ્યુમ સાથે આજે દેવરાજ સોહામણો લાગી રહ્યો હતો.
૧૦:૩૦ વાગ્યાથી મહેમાનો આવવાના શરૂ થઈ ગયા. હૉલ ઘણો મોટો હતો અને તમામને બેસવા માટે સામસામેની બન્ને દીવાલોની પાસે સિલ્કના કપડાથી ઢાંકેલી ખુરશીઓ ગોઠવી દીધી હતી. કન્યા પક્ષ એક બાજુ અને વર પક્ષ બીજી બાજુ એ રીતે વિભાગ પાડી દેવાયા હતા.
બરાબર પોણા અગિયાર વાગે શીતલ અને એનો પરિવાર આવ્યો. શીતલ તો હૉલની આવી અદભુત રોનક જોઈને પાગલ જેવી થઈ ગઈ ! શીતલ આજે બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈ હતી એટલે એ અદભુત લાગતી હતી.
દેવરાજ શીતલને મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણી જ્યાં બેઠાં હતાં ત્યાં લઈ ગયો. અને બંનેને ચરણસ્પર્શ કરવાનું કહ્યું.
શીતલે નીચે બેસી માથું નમાવી બંનેને પ્રણામ કર્યા. શીતલનું આવું અદભુત રૂપ જોઈને મનમોહન શેઠ તો અવાક જ થઈ ગયા.
પોતાના દીકરાની વહુ આટલી બધી સુંદર !! દીકરો ખરેખર ચાંદ શોધીને લાવ્યો છે !! કેટલાં વર્ષો પછી મારું સૂનું ઘર વહુના આવ્યા પછી ભર્યું ભર્યું થઈ જશે !!!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
