પીજી હાઉસ (PG House Novel Part-39)

Related

પીજી હાઉસ પ્રકરણ 39

દેવરાજની મંગેતર શીતલને જોઈને મનમોહન શેઠ અવાક થઈ ગયા. પોતાના દીકરાની વહુ આટલી બધી સુંદર !! દેવની પસંદગી માટે એમને માન થયું. એમણે શીતલના હાથમાં આશીર્વાદ રૂપે એક બંધ કવર આપ્યું. એમાં ૫૧૦૦ રૂપિયા હતા !

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

એ પછી થોડીવારમાં જ આદિત્ય વશી આવ્યો અને એણે પણ દેવરાજની મંગેતરને જોઈ. હિરોઈનને પણ ટક્કર મારે એવી શીતલને જોઈને પોતાના ખાસ મિત્ર માટે એને ઈર્ષ્યા થઈ આવી. જબરદસ્ત નસીબ લઈને જનમ્યો હતો આ દેવરાજ ! એણે દિલથી દેવરાજને અભિનંદન આપ્યા.

" દેવ તારી મંગેતરને જોઈને ઘડીભર તો હું ચક્કર ખાઈ ગયો. ખરેખર ખૂબ જ નસીબદાર છે તું. લાડી વાડી અને ગાડી બધું જ તને અદભુત મળ્યું છે !" વશી બોલ્યો.

એ પછી ૧૧ વાગ્યા સુધીમાં શાસ્ત્રીજી પણ આવી ગયા અને બાકીના બધા મહેમાનો પણ આવી ગયા. દેવરાજે બેંકના ૭ સ્ટાફ મેમ્બર્સને આમંત્રણ આપ્યું હતું પરંતુ બેંક ચાલુ હોવાથી માત્ર ત્રણ મિત્રો જ આવ્યા હતા. બંને પક્ષે લગભગ તમામ સગાં વહાલાં આવી ગયાં હતાં.

દેવરાજનો ઠાઠ જોઈને કાન્તિલાલનાં અને હર્ષદ મામાનાં તમામ મહેમાનોની આંખો ચાર થઈ હતી. પંચવટીની આ થીમ તમામ મહેમાનોના આકર્ષણનું કેન્દ્ર બની હતી !

દેવરાજ અને શીતલ રામ અને સીતાની જેમ કુટીરમાં ગોઠવેલાં વૃક્ષના થડ જેવાં આસન ઉપર ગોઠવાઈ ગયાં. કડકડતી ઠંડી હતી છતાં પણ આ હૉલમાં ઉષ્મા હતી.

શાસ્ત્રીજીએ કુટીરની પાસે બેસી મંત્રો બોલવાના ચાલુ કર્યા. વરકન્યા બંનેને ચાંદલો કર્યો. એ પછી કન્યાના માતા પિતાને બોલાવીને એમના દ્વારા મંત્રોથી કન્યાનું દાન કરાવ્યું. લગભગ ૨૦ મિનિટ સુધી આ વિધિ ચાલી.

આ તમામ પ્રસંગને વિડીયોગ્રાફરે અને ફોટોગ્રાફરે અદભુત રીતે કેમેરામાં કવર કરી લીધા.

એ પછી દેવરાજ અને શીતલનો એકબીજાને રીંગ પહેરાવવાનો પ્રસંગ લગભગ ૩૦ મિનિટ સુધી ચાલ્યો. એ પતી ગયો એટલે તમામ નજીકના સગાઓએ વર કન્યા સાથે ફોટોગ્રાફી કરાવી.

ત્યાર પછી સ્ટીલ ફોટોગ્રાફરે 15 મિનિટ સુધી દેવરાજ અને શીતલના અલગ અલગ પોઝમાં ફોટોગ્રાફ લઈને ફોટો સેશન ચલાવ્યું. દેવરાજે પોતાની ત્રણે ત્રણ સાળીઓના પણ અલગ અલગ મુદ્રામાં ફોટા લેવડાવ્યા.

ફોટોગ્રાફી પતી ગયા પછી વ્યવહાર શરૂ થયા. અમુક લોકોએ વર કન્યાને ચાંલ્લો લખાવવા કોશિશ કરી પરંતુ દેવરાજે બધાંને હાથ જોડીને સ્પષ્ટ ના પાડી. માત્ર ગિફ્ટનો સ્વીકાર કર્યો. કાન્તિલાલે જમાઈને રેમન્ડનું સ્યુટનું કાપડ આપ્યું. એ સાથે સોનાની ચેઈન પણ આપી. હર્ષદમામાએ પણ શીતલને અને કાન્તિલાલના પરિવારને સારો એવો વ્યવહાર કર્યો.

સૌથી છેલ્લે મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણી ઉભાં થયાં અને શીતલના હાથમાં ડાયમંડથી જડેલો લગભગ પાંચ લાખની કિંમતનો નેકલેસ સેટ આપ્યો ! જેમાં નેકલેસની સાથે હીરાજડિત બંગડી અને અસલી હીરાનાં ઇયરિંગ્સ હતાં.

મહેમાનોને બતાવવા માટે સુમનબેને એ બોક્સ ખોલ્યું તો મહેમાનો પણ છક થઈ ગયા ! શીતલ ખરેખર નસીબદાર હતી.

" તેં કંઈ પણ લેવાની ના પાડી છે દેવ તો હવે મારે તને શું આપવું ? તારી પાસે બધું જ છે એટલે મારી કોઈ પણ ગિફ્ટ ઝાંખી પડે એટલે પછી મેં ના લીધી. " આદિત્ય વશી બોલ્યો.

" બસ તેં રજા રાખીને હાજરી આપી એ જ મારા માટે બહુ છે આદિ. મારા માટે અમદાવાદમાં આ છેલ્લો પ્રસંગ છે. હવે આપણે મળવાનું બહુ જ ઓછું થશે. " દેવરાજ બોલ્યો.

"હું સમજુ છું દેવ. એક મિત્ર તરીકેની મારી શુભેચ્છાઓ હંમેશા તારી સાથે જ છે. " આદિત્ય બોલ્યો.

એ પછી દેવરાજે શીતલને આદિત્યની ઓળખાણ કરાવી.

" આખા અમદાવાદમાં મારો કોઈ જીગરજાન દોસ્ત હોય તો એ આદિત્ય છે. મારી લાઈફને જેટલી નજીકથી એ જાણે છે એટલું બીજું કોઈ જ જાણતું નથી શીતલ. " દેવરાજ બોલ્યો.

" તમને મળીને આનંદ થયો આદિત્ય ભાઈ. " શીતલ બે હાથ જોડીને બોલી.

"તમારા આ દેવરાજે બહુ દુઃખ જોયું છે ભાભી. એણે જે સંઘર્ષ કર્યો છે એ હું તમને અત્યારે કહી શકતો નથી. નાનપણમાં માતા પિતા ગુમાવ્યા પછી મામી એને નોકરની જેમ ટ્રીટ કરતાં હતાં. બેંકમાં નોકરી કરતો હતો ત્યારે ટિફિનમાં રોજ રોટલી અને મગની છૂટી દાળ લઈને આવતો હતો. સારું ખાવાનું પણ એના નસીબમાં નહોતું. મેં એને એક દિવસ હોટલમાં માત્ર દાળઢોકળી ખવડાવી તો પણ એની આંખમાં પાણી આવી ગયાં હતાં. પરંતુ એના મામા ખરેખર સજ્જન છે." આદિત્ય બોલતાં બોલતાં લાગણીવશ થઈ ગયો.

"તું ભૂતકાળને ઉખેડીશ નહીં આદિ. નસીબ નસીબનો ખેલ છે. મને કોઈના પણ તરફ હવે ફરિયાદ નથી. " દેવરાજ બોલ્યો.

" તારી પત્નીને તારો સાચો પરિચય પણ મળવો જોઈએ દેવ. એમણે તને શ્રીમંત નબીરા જેવો જોયો છે. તારો ભૂતકાળ પણ એમણે જાણવો જોઈએ. કરોડો રૂપિયા મળ્યા પછી પણ એ બદલાયો નથી ભાભી. તમે એને સાચવજો. " આદિત્ય બોલ્યો અને એણે આંખો લુછી.

શીતલ તો આદિત્યની વાતો સાંભળીને દંગ રહી ગઈ. એને બિચારીને તો આ બધી કંઈ ખબર જ ન હતી. દેવરાજ કેટલા બધા ઉદાર દિલના હતા એ તો એણે પોતે જ જોયું હતું. એને દેવરાજ તરફ ખૂબ જ પ્રેમ ઉભરાઈ આવ્યો. તે દિવસે પોતે એમનું કેવું અપમાન કર્યું હતું !!

પ્રસંગ પતી ગયો પછી દેવરાજ બાજુના હૉલમાં બધા મહેમાનોને જમવા માટે લઈ ગયો. અહીં બુફે માટે ચાર કાઉન્ટરો ગોઠવેલાં હતાં. ત્રણ કાઉન્ટર રેગ્યુલર ભોજન માટેનાં હતાં તો એક કાઉન્ટર સાઉથ ઇન્ડિયન ડીશ માટે હતું.

ગુજરાતી અને પંજાબી બંને પ્રકારની ભોજન વ્યવસ્થા હતી. દેવરાજે પોતે મેનુ સિલેક્ટ કર્યું હતું એટલે કંઈ પૂછવા જેવું હતું જ નહીં. ગુજરાતી થાળીમાં સીતાફળની બાસુદી, પૂરી, ઊંધિયું, જલેબી, ખમણ, દાળ, ભાત અને પાપડ હતાં. તો પંજાબી ડીશમાં બટર રોટી, પાલક પનીર, વેજીટેબલ કોફતા, દાલ ફ્રાય અને જીરા રાઈસ હતાં. છાશની વ્યવસ્થા અલગ રાખી હતી. સિનિયર સિટીઝનને બેસવા માટે પણ લિમિટેડ ટેબલ ગોઠવેલાં હતાં.

દેવરાજ શીતલ અને શાલિની પણ એક ટેબલ ઉપર સાથે જમવા બેઠાં.

" જીજુ તમારું વિઝન કાબીલે દાદ છે. શું તમે પંચવટીની થીમ બનાવી છે !! અદભુત ! ઘાસની કુટીરનો આઈડિયા પણ કેટલો બધો અદભુત છે ! અને આજનું મેનુ પણ કેવું સરસ પસંદ કર્યું છે. મને તો ગુજરાતી અને પંજાબી બંને પસંદ આવી ગયાં. " શાલિની બોલી.

"ગુજરાતી જમી લે. પંજાબી પાર્સલ કરાવી દઉં. " દેવરાજ હસીને બોલ્યો.

દેવરાજની વાત સાંભળીને શીતલ અને શાલિની બંને હસી પડ્યાં.

" જીજુ તમારામાં સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત છે. માન ગયે આપકો ! " શાલિની બોલી.

"સોરી મારે ના પૂછવું જોઈએ પણ તારો પેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને? " દેવરાજને અચાનક યાદ આવ્યું એટલે પૂછ્યું.

" હા બે ગોળી લીધા પછી રાત્રે જ એનું યુટેરસ ક્લિયર થઈ ગયું હતું. " શીતલ બોલી.

" નાદાન ઉંમરમાં આવી ભૂલો થઈ જતી હોય છે પણ માણસને ઓળખતાં શીખો. શરૂઆતમાં તો બધા જ મીઠી મીઠી વાતો કરતા હોય છે. " દેવરાજ બોલ્યો.

"મને ઘણું બધું શીખવા મળ્યું છે જીજુ. હવે તો હું લગ્ન જ કરવા માગતી નથી. આ વસ્તુને છુપાવીને હું કોઈનો પણ વિશ્વાસઘાત કરવા માગતી નથી." શાલિની બોલી.

" તું આટલી બધી નિરાશ ના થઈશ. તને સમજી શકે એવો યોગ્ય મુરતિયો તને પણ ચોક્કસ મળી જશે. " દેવરાજ બોલ્યો.

એ પછી બધાંએ જમવામાં મન પરોવ્યું.

જમી લીધા પછી બધા મહેમાનો રવાના થઈ ગયા. દેવરાજ અને શીતલ સિવાય લગભગ તમામ લોકો વિદાય થઈ ગયાં. દેવરાજે બેંકવેટ હોલનું તમામ બિલ ચૂકવી દીધું અને પછી એ મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણી સાથે એમની રૂમમાં ગયો. શીતલ પણ એની સાથે જ હતી.

" બેટા તને જોઈને ખૂબ જ આનંદ થયો છે. મને ઠાકોરજીની કૃપાથી દેવરાજ જેવો સુશીલ અને સંસ્કારી દીકરો મળ્યો તો સાથે સાથે તારા જેવી સુંદર પુત્રવધુ પણ મળી. " રૂમમાં ગયા પછી સોફા ઉપર બેસીને મનમોહન શેઠ બોલ્યા.

" પપ્પાજી એ મારું સૌભાગ્ય છે કે મને તમારા જેવાં સાસુ સસરા મળ્યાં." શીતલ બોલી.

શીતલના શબ્દો શેઠ શેઠાણી બંનેના હૃદયને સ્પર્શી ગયા. આટલી ઉંમરે જ્યારે એમને કોઈ સંતાનસુખ જ ન હતું ત્યારે લાલાએ કૃપા કરીને એમને પુત્ર અને પુત્રવધુ બંને નું સુખ આપ્યું. વહુ પણ કેટલી બધી સુંદર હતી !

" બેટા મારું રાત્રે ૮:૩૦ વાગ્યાનું ફ્લાઇટ છે. મારે લાયક બીજું કંઈ કામકાજ હોય તો કહે. " મનમોહન શેઠ બોલ્યા.

" પપ્પા અત્યારે હજુ અઢી વાગ્યા છે. તમે બે ત્રણ કલાક આરામ કરી લો. હું તમને લેવા સાંજે છ વાગે આવી જઈશ. તમારે જો સાંજે જમવાની ઈચ્છા હોય તો પછી હું ઘરેથી જમવાનું લઈને પાંચ વાગે જ આવી જાઉં. " દેવરાજ બોલ્યો.

" હા પપ્પાજી. હું મારા ઘરે જ તમારા માટે રસોઈ બનાવી દઈશ અને અમે બંને સાંજે આવી જઈશું. " શીતલ બોલી.

" અરે આપણે લોકો હજુ દોઢ બે વાગે તો જમ્યાં છીએ. અને આ ઉંમરે પાંચ વાગ્યામાં ક્યાંથી ભૂખ લાગે ? હું નંદુ મહારાજને ફોન કરી દઈશ. એ રસોઈ બનાવી દેશે. અમે ૧૧ વાગ્યા પહેલાં તો ઘરે પહોંચી જઈશું. " મનમોહન શેઠ બોલ્યા.

" ઠીક છે પપ્પા તો અમે નીકળીએ. તમે આરામ કરો. " કહીને દેવરાજ ઉભો થયો એટલે શીતલ પણ ઊભી થઈ.

બંને બહાર નીકળીને ગાડી પાર્ક કરી હતી ત્યાં આવ્યાં.

" શીતલ હું તને ઘરે મૂકી જાઉં છું. હું પણ ઘરે જઈને કપડાં બદલીને સાંજે છ વાગે પાછો અહીં આવી જઈશ. " દેવરાજ બોલ્યો.

" દેવ... મારો રીંગ સેરીમની આટલો બધો અદભુત હશે એની તો મેં જીવનમાં કલ્પના પણ કરી ન હતી. તમારી પંચવટીની થીમ તો જીવનભર યાદ રહી જશે. " ગાડીમાં બેસતાં શીતલ બોલી.

" તું આટલી બધી સુંદર છે તો તારો આ પ્રસંગ પણ એટલો જ સુંદર હોવો જોઈએ ને ડાર્લિંગ ! " દેવરાજે પહેલી વાર શીતલ માટે ડાર્લિંગ શબ્દનો પ્રયોગ કર્યો. હવે એનો એ હક્ક હતો. શીતલને પણ આ સંબોધન ખૂબ ગમ્યું.

" ખરેખર તમે મારી જિંદગી બદલી નાખી દેવ. મારા મમ્મી પપ્પાની ચિંતા પણ કાયમ માટે દૂર કરી દીધી. તમારો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. " શીતલ દેવરાજનો હાથ પકડીને બોલી.

એ પછી દેવરાજે ગાડી સ્ટાર્ટ કરી અને બોલ્યો. " તારી જો ગાડી લેવાની ઈચ્છા હોય તો મુંબઈ જતાં પહેલાં હું તને લઈ આપું. "

" ના ના. હવે તો ઘરમાં મારા લગનની તૈયારીઓ થશે. અહીં ગાડી લઈને હું શું કરું ? અને મુંબઈમાં તો તમારી પોતાની ગાડી છે જ. " શીતલ બોલી.

" ઠીક છે. પણ તું ગાડી તો શીખી જ જજે. ઘરની ગાડી હોય એટલે ચલાવતાં તો આવડવું જ જોઈએ. ભલે ડ્રાઇવર હોય. " દેવરાજ બોલ્યો.

" આજે તમારા મિત્ર આદિત્યભાઈએ તમારા ભૂતકાળ વિશે જે વાત કરી એ સાંભળીને મને બહુ જ દુઃખ થયું. મામી એ તમારી સાથે આટલું બધું ખરાબ વર્તન કર્યું હશે એવું તો હું વિચારી પણ ના શકું." શીતલ બોલી.

"એ હવે ભૂતકાળ થઈ ગયો શીતલ. હું ભૂલી ગયો છું એમ તું પણ ભૂલી જા. આપણા જ પાછલા જન્મનાં કર્મો આપણને દુઃખ અને પીડા આપતાં હોય છે. મામી સાથે મારો પૂર્વ જન્મમાં એવો જ કોઈ ખરાબ વ્યવહાર હશે. વ્યક્તિ તો નિમિત્ત બને છે. મને કોઈની સામે ફરિયાદ નથી. " દેવરાજ હસીને બોલ્યો.

" ખરેખર તમને ઓળખવામાં મને ઘણો સમય લાગશે. " શીતલ બોલી.

એ પછી ટ્રાફિકના કારણે વાતચીત લગભગ બંધ થઈ ગઈ અને દેવરાજ રાયપુર હજીરાની પોળના નાકે પહોંચી ગયો.

" મને અહીં બહાર જ ઉતારી દો. ઘર નજીક જ છે. પોળનો રસ્તો સાંકડો છે." શીતલ બોલી એટલે દેવરાજે ગાડી સાઈડમાં પાર્ક કરીને એને ઉતારી દીધી.

દેવરાજે ગાડી નારણપુરામાં પોતાના ઘર તરફ લઈ લીધી અને અડધા કલાકમાં એ ઘરે પણ પહોંચી ગયો.

" દેવ ફંકશન બહુ જ સરસ રહ્યું. આવી તો અમે પણ કલ્પના કરી ન હતી. લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે ના પૂછો વાત. થીમ વિશે સાંભળ્યું હતું પરંતુ મેં તો મારી જિંદગીમાં આટલી સરસ થીમ પહેલી વાર જોઈ. આખા હોલમાં પંચવટી જેવું વાતાવરણ તેં ઊભું કર્યું હતું ! " હર્ષદ મામા બોલ્યા.

" હા મામા. અમદાવાદમાં મારી જિંદગીનો આ છેલ્લો પ્રસંગ હતો. લોકો પણ યાદ કરશે. " દેવરાજ બોલ્યો અને એ બેડરૂમમાં કપડાં બદલવા ગયો.

" દેવ શેઠનો સ્વભાવ મને તો બહુ જ ગમી ગયો. બંને પતિ-પત્ની બહુ જ પ્રેમાળ છે. એમણે શીતલને અસલી હીરાની ગિફ્ટ પણ કેટલી બધી સરસ આપી !! લોકોની આંખો ચાર થઈ ગઈ." મામા બોલ્યા.

" હા મામા. પપ્પાનું દિલ ખરેખર બહુ જ ઉદાર છે. તમે પણ હવે એક દિવસ મુંબઈનો પ્રોગ્રામ બનાવો. તમને પણ સંતોષ થઈ જશે. " દેવરાજ બોલ્યો.

" તારા લગનનો પ્રસંગ મુંબઈમાં કરવાનો છે એટલે આમ પણ આવવાનું થવાનું જ છે. " મામા બોલ્યા.

" ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી મામા. તમારી જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તમે આવી શકો છો. તમારી ઈચ્છા જો મુંબઈમાં રહેવાની હોય તો પણ હું તમને ત્યાં ફ્લેટ લઈ આપું. " દેવરાજ બોલ્યો.

" ના દેવ. મારે તો અમદાવાદ બરાબર છે. આખી જિંદગી અહીં કાઢી છે. હવે મને બીજે ક્યાંય ના ફાવે. મહેમાન તરીકે બે ચાર દિવસ જુદી વાત છે. " મામા બોલ્યા.

આ રીતે થોડી વાર મામા ભાણેજ વચ્ચે ચર્ચાઓ ચાલી. એ પછી દેવરાજ બેડરૂમમાં ગયો અને એકાદ કલાક આરામ કર્યો. એ પછી ચા પીને એ હોટલ જવા માટે તૈયાર થઈ ગયો.

" મામા શેઠનું સાડા આઠ વાગ્યાનું ફ્લાઇટ છે એટલે હું હવે નીકળું છું. એમને એરપોર્ટ મૂકીને પછી રાત્રે ઘરે આવીશ. જમવામાં આજે સાદું જ બનાવજો. " કહીને દેવરાજ નીકળી ગયો અને છ વાગે હોટલે પહોંચી ગયો.

મનમોહન શેઠ તૈયાર જ હતા એટલે રૂમમાં ૧૦ મિનિટ બેસીને દેવરાજે વેઈટરને બોલાવ્યો અને બેગ નીચે રિસેપ્શન કાઉન્ટર પાસે લઈ જવાની સૂચના આપી. એ લોકો પણ લિફ્ટ માં નીચે ગયા અને દેવરાજે બધો હિસાબ ચૂક્તે કર્યો.

એ પછી વેઇટર શેઠની બેગને ગાડી સુધી મૂકી ગયો એટલે દેવરાજે એને ૫૦૦ રૂપિયાની ટીપ આપી. દેવરાજે ગાડી સ્ટાર્ટ કરી અને સીધી આશ્રમ રોડ ઉપર લીધી. ભવ્ય આશ્રમ રોડનું શેઠને દર્શન કરાવી દેવરાજે ગાડીને રિવરફ્રન્ટ તરફ લીધી અને સાબરમતી નદીના કિનારે વિકસેલા આ રમણીય વિસ્તારનો શેઠને પરિચય કરાવ્યો. દસ મિનિટ ગાડી ઉભી રાખીને છેક નદી કિનારા સુધી એ લોકો ચક્કર મારી આવ્યા. અદભુત નજારો હતો.

એ પછી ગાડીને ગાંધી આશ્રમ થઈ સુભાષ બ્રિજનો યુ ટર્ન લઈ ગાડીને એરપોર્ટ તરફ ભગાવી. એરપોર્ટ પહોંચ્યા ત્યારે ઘડિયાળમાં સાડા સાત વાગ્યા હતા.

" હવે તું નીકળી જા દેવ. અમે લોકો જતાં રહીશું. તું મુંબઈ આવવાનો હોય ત્યારે મને ખબર કરી દેજે. પીજી હાઉસની કોઈ ચિંતા ના કરતો. મેનેજર જયરાજભાઇ એને ખૂબ સારી રીતે ચલાવે છે." મનમોહન શેઠ બોલ્યા.

" ઠીક છે પપ્પા. હું પણ હવે બે ત્રણ દિવસમાં જ મુંબઈ આવી જાઉં છું. " દેવરાજ બોલ્યો.

પરંતુ ત્યારે એને ખબર ન હતી કે બે ત્રણ દિવસમાં એ મુંબઈ જઈ શકવાનો નથી ! એને અમદાવાદમાં વધુ રોકવા માટે એક ઘટના આકાર લઈ રહી હતી જેમાં ગુરુજીએ આપેલી એની સિદ્ધિની પરીક્ષા થવાની હતી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."