પીજી હાઉસ (PG House Novel Part-40)

Related

પીજી હાઉસ પ્રકરણ 40

શીતલ અને દેવરાજનો સગાઈ પ્રસંગ ખુબ સરસ રીતે પતી ગયો. એમના આખા સમાજમાં દેવરાજની વાહ વાહ થઈ ગઈ. જે લોકો આ પ્રસંગે હાજર નહોતા રહી શક્યા એમને સગાઈ પ્રસંગે ન જવાનો વસવસો રહી ગયો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

દેવરાજ જેવો કરોડોપતિ જમાઈ મળ્યો એનાથી કાન્તિલાલનું પણ એમના સમાજમાં માન વધી ગયું. કાન્તિલાલને પોતાને પણ વિશ્વાસ નહોતો આવતો કે આટલો સરસ જમાઈ એમને મળશે !

સુમનબેન પણ આવો જમાઈ મળવાથી ખૂબ જ ખુશ હતાં અને અડોશપડોશમાં જમાઈની વાતો કરવાથી ધરાતાં નહોતાં. આવા સરસ જીજાજી મળવાથી શીતલની નાની બહેનો પણ ખૂબ જ ખુશ હતી. એક માત્ર શાલિની સિવાય !

શીતલ શાલિનીની મોટી બહેન હતી. બંને બહેનો વચ્ચે પ્રેમ અને લાગણી પણ ખૂબ જ હતી છતાં આવો ભવ્ય સગાઈ પ્રસંગ જોયા પછી શાલિની સ્ત્રીસહજ ઈર્ષ્યાથી પીડાઈ રહી હતી. એ પોતે પણ શીતલ જેટલી જ સુંદર હતી પણ પોતાની નાદાનિયતના કારણે એણે પોતાની જિંદગી બરબાદ કરી હતી. પોતાનું સર્વસ્વ એણે કિરણ જેવા બેજવાબદાર યુવાનને સોંપી દીધું હતું.

શીતલ કરતાં પણ શાલિનીનાં સપનાં ઊંચાં હતાં. એ ખૂબ જ મહત્વકાંક્ષી હતી. એ શોખીન હતી. જીવનને બધી રીતે માણવામાં માનતી હતી અને એટલે જ થોડા પૈસાદાર કહી શકાય એવા નબીરાના પ્રેમમાં એ પડી હતી પરંતુ કિરણ સાવ માટીપગો નીકળ્યો. એને કિરણ પ્રત્યે ખૂબ જ ગુસ્સો હતો.

કોઈપણ હિસાબે હવે કિરણ સાથે આરપારની લડાઈ લડવી જ પડશે એવું એણે નક્કી કર્યું.

સગાઈના બીજા દિવસે એ તૈયાર થઈને રિલીફ રોડ ઉપર કિરણના મોબાઈલ સ્ટોર ઉપર પહોંચી ગઈ.

સ્ટોર ઉપર ખાસ ભીડ ન હતી. એક બે ગ્રાહકો હતા એ નીકળી ગયા પછી એ બોલી.

"આજે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. આપણે ક્યાંક બહાર જઈએ." શાલિની બોલી.

સ્ટોરમાં બીજો પણ એક છોકરો જોબ કરતો હતો એટલે એની હાજરીમાં કોઈ વાત થઈ શકે એમ ન હતી. એ છોકરો પણ શાલિનીને કિરણની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખતો હતો !

કિરણે શાલિનીના ચહેરા ઉપર થોડો ગુસ્સો જોયો. એણે કોઈ દલીલ કરી નહીં અને પેલા છોકરાને કહીને એ શાલિની સાથે બહાર નીકળ્યો.

શાલિની પોતાના એકટીવા ઉપર બેસી ગઈ અને કિરણને પણ પોતાની પાછળ પાછળ આવવા માટે ઈશારો કર્યો. એ લોકો રીલિફ સિનેમા સામે જે હોટલમાં પહેલાં અનેક વાર ચા નાસ્તો કરવા આવી ગયાં હતાં એ જ હોટલમાં શાલિની એને લઈ આવી.

"તમારા ઉપર મેં વિશ્વાસ મૂક્યો. તમારી બધી વાતો મેં સાચી માની. તમે લગ્નનું વચન આપ્યું પછી જ હું આગળ વધી. હું પ્રેગ્નન્ટ બની ત્યારે મેં તમને લગ્ન કરવા માટે બહુ જ આજીજી કરી. એ વખતે તમે મને એવું કહ્યું કે આવી હાલતમાં ઘરે લઈ જાઉં તો ઘરવાળાં મને ચાલુ છોકરી સમજશે. રાઈટ ?" હોટલમાં બેઠા પછી શાલિની બોલી.

" હા " કિરણ બોલ્યો.

" હવે બોલો. મારા ગર્ભમાં કોઈ બાળક નથી. મને તમારા ઘરે લઈ જાઓ. તમે મને પ્રેમ કરો છો એવી કબુલાત કરો. લગ્ન માટે તમારાં મા બાપને સમજાવો. તમને મેં સાચો પ્રેમ કર્યો હતો. હું કોઈ રખડુ છોકરી નથી." શાલિની બોલી.

ત્યાં વેઇટર આવ્યો એટલે કિરણે બે ચા નો ઓર્ડર આપ્યો.

" જો શાલુ. જે પણ થયું હતું એ તારી અને મારી બંનેની મરજીથી થયું હતું. એ યુવાનીની મસ્તી હતી. હજુ પણ હું તને પ્રેમ કરું છું. મેં તને ભૂતકાળમાં અનેક વાર નાની મોટી મદદ પણ કરી છે. મારા પપ્પાના સ્વભાવને હું જાણું છું. લગ્નની વાત શક્ય નથી. હવે તો બધું પતી ગયું છે. સારુ પાત્ર જોઈને લગન કરી લે." કિરણ નફ્ફટની જેમ બોલ્યો.

હવે શાલિનીનો પિત્તો ગયો. એ ભયંકર ગુસ્સે થઈ.

" ઠીક છે. હું તને એક ચાન્સ આપવા માગતી હતી. મને હતું કે તું તારી ભૂલ સ્વીકારી લઈશ અને મેં ગર્ભપાત કરાવી દીધો હોવાથી તું તારા ઘરે મારી ઓળખાણ કરાવી દઈશ. પરંતુ તારામાં કોઈ જ ફરક પડ્યો નથી. તું તો સાવ નપાવટ નીકળ્યો. હવે કાલે હું શું કરું છું એ તું જોઈ લેજે." શાલિની વિફરી. એણે કિરણને તુંકારાથી સંબોધ્યો અને ઊભી થઈ ગઈ.

એ બહાર નીકળવા જતી હતી ત્યાં જ એણે દેવરાજને હોટલમાં દાખલ થતો જોયો. દેવરાજે છેલ્લા સંવાદો સાંભળી લીધા હતા.

"તારે કંઈ જ કરવાની જરૂર નથી શાલુ. જે કરવાનું છે એ હવે હું કરીશ. લાતોં કે ભૂત બાતોંસે નહીં માનતે " કહીને દેવરાજ કિરણની સામે બેસી ગયો.

શાલિની તો અવાક થઈ ગઈ કે જીજુ અત્યારે અહીં ક્યાંથી ! અને એમને કેવી રીતે ખબર પડી કે અમે બંને અત્યારે આ હોટલમાં આવ્યાં છીએ ! જીજુ પ્રત્યે એને માન પણ થયું.

હકીકતમાં દેવરાજને આજે પોતાની શક્તિઓના કારણે એક કલાક પહેલાં જ અંદરથી એવી સ્ફૂરણા થઈ હતી કે શાલિની આજે ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ છે. એ એના પ્રેમીને રીલીફ રોડ સામેની હોટલમાં મળવાની છે અને જો એનો પ્રેમી એને નહીં સ્વીકારે તો એના નામની ચિઠ્ઠી લખીને શાલિની આજે રાત્રે આત્મહત્યા કરી લેવાની છે !

" તારો ખેલ પૂરો થઈ ગયો ભાઈ. હવે હું પિક્ચરમાં આવી ગયો છું. કોઈની ઈજ્જત સાથે રમીને હવે છટકવા માંગે છે ? " દેવરાજ બોલ્યો. શાલિની પણ હવે દેવરાજની બાજુમાં બેસી ગઈ.

" તમે કોણ છો ? " કિરણ બોલ્યો. એ દેવરાજની પર્સનાલિટી અને ગુસ્સો જોઈને થોડો ડરી ગયો હતો.

" હું ગમે તે છું તું તારી વાત કર. બોલ તારે લગ્ન કરવાં છે કે નહીં ? કેવી રીતે કરવાં એ તારો પ્રશ્ન છે. ભાગીને આર્ય સમાજમાં કરવાં, મંદિરમાં જઈ ફૂલહાર કરવા કે કોર્ટ મેરેજ કરવાં એ પણ તારો નિર્ણય હશે. પણ લગ્ન તો તારે કરવાં જ પડશે. તારો બાપ તને કાઢી મૂકે તો હું તને અલગ ફ્લેટ લઈ આપીશ. તું હવે છટકી નહીં શકે." દેવરાજ બોલ્યો.

દિવ્યશક્તિના કારણે દેવરાજનો પ્રભાવ એટલો બધો હતો કે પેલો જવાબ આપી શક્યો નહીં. એટલામાં ચા આવી.

" પહેલાં ચા પી લે એટલે તારું દિમાગ ઠેકાણે આવે. શાલુ તું પણ ચા પી લે. મારે અત્યારે ચા નથી પીવી." દેવરાજ બોલ્યો.

" જુઓ તમે જે હોય તે. હું એની સાથે લગ્ન કરી શકું એમ નથી. મારા પપ્પાનો સ્વભાવ ખૂબ જ ખરાબ છે. એ મને સંમતિ નહીં આપે. જે થઈ ગયું એમાં અમારી બંનેની ભૂલ હતી." કિરણ બોલ્યો.

" ભૂલ કેવી રીતે હતી ? મારા જન્મ દિવસે તેં લગ્નનું મને વચન નહોતું આપ્યું ? દરેક મુલાકાત વખતે લગ્ન પછી હું તને આમ ખુશ રાખીશ, તેમ ખુશ રાખીશ એવી વાતો નહોતો કરતો ? " શાલિની ગુસ્સાથી બોલી.

" તારા પપ્પાને મળવા માટે હું તૈયાર છું. બોલ ક્યારે આવું ? આજે આવું ? કાલે આવું ? તું કહે એ ટાઈમે હું તારા ઘરે આવું. એમને સમજાવવાનું કામ મારું. એ તું મારા ઉપર છોડી દે. બોલ હવે લગન કરવા તૈયાર છે ? " દેવરાજ બોલ્યો.

કિરણને લાગ્યું કે હવે છટકવું મુશ્કેલ છે એકલી શાલિની હતી ત્યાં સુધી તો એ પહોંચી વળે એમ હતો પણ આ યુવાન માથાભારે દેખાય છે. એ પપ્પાને મળવાની વાત કરે છે, મારા માટે ફ્લેટ લઈ આપવાની પણ વાત કરે છે એટલે હવે મારે ના કેવી રીતે પાડવી ?

" ઠીક છે કાલે તમે રાત્રે આઠ વાગે મારા ઘરે આવજો. શાલુએ મારું ઘર જોયેલું છે. કાલે શનિવાર છે તો પપ્પા સાંજે સાડા સાત વાગે એમના ચશ્માના શો રૂમમાંથી ઘરે આવી જશે. તમે એમને પ્રેગ્નન્સીની વાત ના કરતા." કિરણ ઢીલો પડ્યો.

" ઠીક છે તારા પપ્પા સાથે કાલે વાત કરી લેજે કે એક ભાઈ કન્યાને સાથે લઈને સગાઈની વાતચીત માટે રાત્રે આઠ વાગે તમને મળવા આવવાના છે. જેથી અમારા સ્વાગત માટે એ માનસિક રીતે તૈયાર રહે." દેવરાજ બોલ્યો અને શાલિનીનો હાથ પકડીને એ હોટલની બહાર નીકળી ગયો.

" જીજુ તમે અચાનક અત્યારે અહીં ક્યાંથી આવી ગયા ? તે દિવસે ડોક્ટર ના ક્લિનિકમાં મારા પેટમાં ગર્ભ છે એ પણ તમે જાણી ગયા હતા. અત્યારે અહીં અમે ભેગાં થવાનાં છીએ એ પણ તમને ખબર પડી ગઈ. તમને ખરેખર હું ઓળખી શકતી નથી. તમે જે રીતે કિરણ સાથે વાતચીત કરી અને એને મનાવી લીધો એ પણ મારા માટે મોટું આશ્ચર્ય છે ! " શાલિની બોલી.

" આશ્ચર્યને આશ્ચર્ય જ રહેવા દે. હવે હું નીકળું છું. કાલે સાંજે વ્યવસ્થિત તૈયાર થઈને રહેજે. આપણે સાથે જ એના ઘરે જઈશું. તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એમ જ સમજજે. " દેવરાજ આત્મવિશ્વાસથી બોલ્યો અને પોતાની પાર્ક કરેલી ગાડી તરફ રવાના થયો.

બીજા દિવસે સાંજે સાડા સાત વાગે કિરણ પરીખના ઘરે કિરણ અને એના પિતા નવનીતલાલ વચ્ચે વાતચીત ચાલી રહી હતી.. નવનીતલાલ હમણાં જ ઘરે આવ્યા હતા.

" પપ્પા મારે તમને એક વાત કહેવી છે." કિરણ બોલ્યો.

" હા તો બોલને ! એમાં રજા લેવાની થોડી હોય !" પપ્પા બોલ્યા.

" પપ્પા મને એક છોકરી ગમે છે. એ લોકો અહીં રાયપુરમાં જ હજીરાની પોળમાં રહે છે. નાગર બ્રાહ્મણ છે. એક વર્ષથી અમે લોકો એકબીજાના ટચમાં છીએ. હવે અત્યારે આઠ વાગે એ છોકરીના કોઈ સગા છોકરીને લઈને તમારી સાથે વાત કરવા આપણા ઘરે આવવાના છે." કિરણ બોલ્યો. એ વખતે એની મમ્મી સરલાબેન પણ બેઠેલાં હતાં.

" છોકરીવાળા અત્યારે આપણા ઘરે આવે છે ? છેક છેલ્લા દિવસે તું અમને વાત કરે છે કે તું કોઈના પ્રેમમાં છે ? પહેલાં પપ્પા સાથે વાત કરવી જોઈએ ને તો એ છોકરી વિશે એમની રીતે તપાસ પણ કરી લેતા !! " મમ્મી સરલાબેન બોલ્યાં.

" મને પપ્પા સાથે વાત કરતાં થોડો ડર લાગતો હતો મમ્મી. આજે એમના સગા મને મારા સ્ટોર ઉપર મળવા આવ્યા હતા અને તમને મળવાની વાત કરી હતી. ઇન્ટરકાસ્ટ છે એટલે મારું કોઈ દબાણ નથી પપ્પા. તમને યોગ્ય લાગે તો જ તમે હા પાડજો. " કિરણ બોલ્યો.

"હવે અડધો કલાક જ બાકી છે સરલા. છોકરીવાળા આપણને મળવા આવે છે તો ચા નાસ્તાની તૈયારી પણ કરો. રૂમમાં બધું વ્યવસ્થિત ગોઠવી દો. મારે પણ કપડાં બદલી લેવાં પડશે. સંબંધ થાય કે ના થાય પણ મહેમાનોની આગતા સ્વાગતા આપણા ઘર પ્રમાણે કરવી જોઈએ." નવનીતલાલ બોલ્યા.

કડક સ્વભાવના પપ્પાના આજના વાણી વ્યવહારથી કિરણને આશ્ચર્ય થયું. એને તો કલ્પના પણ ન હતી કે પપ્પા ગુસ્સો કરવાના બદલે આવી રીતે વાત કરશે !

સરલાબેને કિરણને આઈસ્ક્રીમનું ફેમિલી પેક લઈ આવવાનું કહ્યું. સાથે ગરમ સમોસા પણ મંગાવ્યા. અમદાવાદમાં મહેમાનો માટે સમોસા કચોરી કે મેથીના ગોટા મંગાવવાનો રિવાજ વધારે છે. અહીં સૌરાષ્ટ્રની જેમ ગાંઠીયા ફાફડાનો રિવાજ નથી.

બરાબર સાંજે આઠ વાગ્યે દેવરાજ શાલિનીને લઈને હાજર થઈ ગયો. શાલિની એટલી સુંદર તૈયાર થઈ હતી કે નવનીતલાલ અને સરલાબેન એને જોઈ જ રહ્યાં. દીકરાએ ચાંદ જેવી કન્યા પસંદ કરી છે છતાં હજુ સુધી ઘરમાં જાણ જ નથી કરી !

" આવો આવો. " નવનીતલાલે પ્રેમથી એ બંનેનું સ્વાગત કર્યું અને સોફામાં બેસવાનું કહ્યું.

" જી વડીલ. ટૂંકી નોટિસ આપીને અમે તમને મળવા આવ્યા છીએ એ બદલ માફી માગું છું પરંતુ હું પોતે મુંબઈ રહું છું અને બે ત્રણ દિવસમાં જ મુંબઈ જવાનો છું. આ મારી સાળી શાલિની દેસાઈ છે. મારું નામ દેવરાજ છે. " દેવરાજ બોલ્યો. અત્યારે એનામાં રહેલી મોહિની વિદ્યા કામ કરી રહી હતી.

" જી મને કિરણે વાત કરી. એક વર્ષથી એ લોકો એકબીજાને મળે છે પરંતુ આજ સુધી એણે ઘરમાં વાત જ નથી કરી. આ તો આજે તમે એના સ્ટોરમાં મળવા ગયા અને મને મળવાની વાત કરી ત્યારે એણે હજુ અડધા કલાક પહેલાં જ ઘરમાં વાત કરી. " નવનીતલાલ બોલ્યા.

કિરણ જે રીતે એના પપ્પાના કડક સ્વભાવની વાત કરી રહ્યો હતો એના બદલે એના પપ્પા તો શાલિનીને નમ્ર અને વિવેકી લાગ્યા.

"હું પણ એ જ કહું છું વડીલ. દીકરીનાં માબાપને દીકરીની ચિંતા હોય જ. એક વર્ષથી એ લોકો પ્રેમમાં છે છતાં ઘરે વાત જ નથી કરતાં. આ તો હું અમદાવાદ આવ્યો અને મને જાણ થઈ કે તરત જ તમને મળવાની ઈચ્છા મેં વ્યક્ત કરી. મુંબઈ જતાં પહેલા સગાઈનું નક્કી થઈ જાય તો મને પણ શાંતિ થાય. છુપાઈ છુપાઈને મળવું એના કરતાં સગાઈ પછી એ કાયદેસર મળી શકે." દેવરાજ બોલ્યો.

" તમારી વાત સાચી છે. બેટા તું શું કરે છે અત્યારે ? " નવનીતલાલે શાલિની સામે જોઈને પૂછ્યું.

" મેં ફેશન ડિઝાઇનીંગ કર્યું છે અને અત્યારે સીજી રોડ ઉપર એક મોટા શોરૂમમાં જોબ કરું છું. " શાલિની બોલી.

" શાલિનીના પિતા કાન્તિલાલ દેસાઈનો ગાંધી રોડ ઉપર બાલા હનુમાનની લાઈનમાં ઈલેક્ટ્રીકનો શોરૂમ છે. એમની મોટી દીકરી શીતલની સગાઈ મારી સાથે થઈ છે. હવે આ શાલિનીનો તમે સ્વીકાર કરી લો એટલે બે દીકરીઓની ચિંતા એમની ઓછી થાય. દીકરીમાં કંઈ જોવાપણું નથી. નાગર કુટુંબ છે. બંનેની જોડી પણ શોભે એવી છે." દેવરાજ બોલ્યો.

"સૌથી મોટી વાત તો એ છે કે બંને એક વર્ષથી એકબીજાને મળે છે પસંદ કરે છે પછી અમને શું વાંધો હોય ! અમારા આશીર્વાદ એ બંનેની સાથે જ છે. " નવનીતલાલ બોલ્યા.

એ સાથે જ શાલિની ઊભી થઈ અને દુપટ્ટો માથે ઓઢી કિરણનાં માતા પિતાના ચરણસ્પર્શ કર્યા. બંનેએ એને આશીર્વાદ આપ્યા.

" કિરણ તું પણ તારા સાઢુભાઈને પગે લાગ. હવે તો સો વર્ષનો સંબંધ થયો." નવનીતલાલ બોલ્યા અને કિરણ દેવરાજ પાસે જઈ નીચા નમીને પગે લાગ્યો. દેવરાજે એને આશીર્વાદ આપ્યા.

કિરણ માટે આજે આશ્ચર્યનો દિવસ હતો. એને કલ્પના પણ ન હતી કે એક જ મિટિંગમાં એના પિતા શાલિનીનો સ્વીકાર કરી લેશે અને લગ્ન સંબંધને મંજુર કરશે.

" સરલા મહેમાનોને પહેલા સમોસા આપી દે અને પછી આઈસ્ક્રીમ કાઢ. બીજી તો કોઈ તૈયારી કરી નથી એટલે આઈસ્ક્રીમથી જ મ્હોં મીઠુ કરો. " પપ્પા બોલ્યા.

એ સાથે જ શાલિની ઊભી થઈ. એ સીધી કિચનમાં સરલાબેનની સાથે જ ગઈ અને એણે જ સમોસા પાંચ ડીશો માં કાઢ્યા અને દરેકના હાથમાં એક એક ડીશ આપીને પાંચમી એણે પોતે લીધી.

"તેં તો આજે જ વહુની ડ્યુટી બજાવવાની ચાલુ કરી દીધી બેટા. " નવનીતલાલ બોલ્યા.

" તમે શું કરો છો વડીલ ? મને કિરણકુમારના મોબાઈલના સ્ટોર વિશે તો ખબર છે જ. પણ તમારા વિશે કોઈ માહિતી નથી. " દેવરાજે પૂછ્યું.

" મારો આશ્રમ રોડ ઉપર સેલ્સ ઇન્ડિયા ની બાજુમાં ચશ્માનો શો રૂમ છે. અમે લોકો વૈષ્ણવ વણિક છીએ." નવનીતલાલ બોલ્યા.

" જાણીને આનંદ થયો. વાલકેશ્વર મુંબઈમાં મારો ફ્લેટ છે. પ્રાર્થના સમાજ રોડ ઉપર મારું પોતાનું પીજી હાઉસ છે. અમે લોકો પણ વૈષ્ણવ છીએ અને પુષ્ટિમાર્ગીય ધર્મને માનીએ છીએ. " દેવરાજે પોતાની ઓળખાણ આપી.

" ઓ હો હો. આ તો તમે મજાની વાત કરી. અમે શ્રીજીબાવાને માનીએ છીએ. આપણો એક સરસ સંબંધ થયો. હવે તમે સગાઈની તારીખ નક્કી કરો એટલે પછી વેવિશાળ પણ જાહેર કરી દઈએ." નવનીતલાલ બોલ્યા.

" જી હું આજે જ મારા સસરાને વાત કરું છું. એ સારો દિવસ જોઈને તમને કહેવડાવશે અને મળવા પણ આવશે." દેવરાજ બોલ્યો ત્યાં કિરણ પોતે આઈસ્ક્રીમના બાઉલ લઈને આવ્યો અને હસીને દરેકના હાથમાં આપ્યા.

એ વખતે શાલિનીએ વિજયના સ્મિત સાથે કિરણની સામે જોયું. કિરણ એની સામે નજર ના મિલાવી શક્યો કારણ કે શાલિનીએ આજે એને મ્હાત કરી દીધો હતો !! દેવરાજની મોહિનીવિદ્યા કામ કરી ગઈ હતી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."