પીજી હાઉસ (PG House Novel Part-41)

Related

પીજી હાઉસ પ્રકરણ 41

દેવરાજે પોતાની અંદર રહેલી શક્તિઓથી જોઈ લીધું હતું કે શાલિની પોતાની મોટી બહેનની ભવ્ય સગાઈ જોઈને થોડીક ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને ગર્ભપાત થયો હોવાથી હવે પોતાને કોઈ સારું પાત્ર નહીં મળે એમ વિચારી આત્મહત્યા સુધીના વિચારોથી પણ ઘેરાઈ ગઈ હતી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

એ એક છેલ્લી કોશિશ તરીકે પોતાના જૂના પ્રેમી કિરણને મળવા ગઈ હતી એ પણ દેવરાજને ખ્યાલ આવી ગયો હતો. એટલે તરત જ એ બધાં કામ પડતાં મૂકી ગાડી લઈને શાલિની તથા કિરણ જે હોટલમાં બેઠાં હતાં ત્યાં પહોંચી ગયો હતો. એણે કિરણનો નફ્ફટ જવાબ પણ સાંભળી લીધો હતો.

એણે હોટલમાં દાખલ થઈને આખી બાજી સંભાળી લીધી હતી અને એની પોતાની શક્તિઓથી કિરણને વશ કરી લીધો હતો. છેવટે કિરણ એના પિતાની મુલાકાત કરાવવા માટે પણ તૈયાર થઈ ગયો હતો.

દેવરાજ બીજા દિવસે રાત્રે આઠ વાગે શાલિનીને લઈને કિરણના ઘરે ગયો હતો અને કિરણના પિતા નવનીતલાલ પરીખ તેમજ સરલાબેન સાથે બધી વાતચીત કરી હતી.

એક તો શાલિની ખૂબસૂરત હતી અને કિરણ છેલ્લા એક વર્ષથી શાલિનીને પ્રેમ કરતો હતો એ બધું જાણ્યા પછી નવનીતલાલ સગાઈ માટે તરત જ તૈયાર થઈ ગયા હતા અને એમણે શાલિનીને પુત્રવધુ તરીકેના આશીર્વાદ પણ આપ્યા હતા. જોકે આ મીટીંગ દરમિયાન દેવરાજની મોહિનીવિદ્યા પણ પોતાનો પ્રભાવ બતાવી રહી હતી.

"ચાલો તો અમે રજા લઈએ શેઠ. હું મારા સસરા સાથે વાત કરી લઉં છું અને તમને કાલ સુધીમાં જણાવી દઉં છું. કિરણનો ફોન નંબર તો શાલિની પાસે છે જ. " દેવરાજ ઉભા થતાં બોલ્યો.

" ખૂબ જ આનંદ થયો તમને મળીને દેવરાજભાઈ. " નવનીતલાલ બોલ્યા.

" અને કિરણકુમાર તમે તો હવે મારા સાઢુભાઈ થયા છો. સંબંધ રાખજો અને શાલિનીને સાચવજો. એ હવે તમારી જવાબદારી છે. " દેવરાજ બોલ્યો.

એ પછી એ શાલિનીને લઈને બહાર નીકળી ગયો. પોળની બહાર નીકળીને એ પોતાની ગાડીમાં બેઠો. શાલિની પણ એની સાથે બેઠી.

" જીજુ તમે તો ખરેખર જાદુગર છો હોં ! તમે તો ૨૪ કલાકમાં મારું કિસ્મત જ બદલી નાખ્યું. કિરણ કોઈપણ સંજોગોમાં માને એવા ન હતા પરંતુ તમે તો એના પપ્પાને પણ મનાવી લીધા. " શાલિની બોલી.

" હા કારણકે તને આત્મહત્યા થોડી કરવા દેવાય ? " દેવરાજ હસીને બોલ્યો.

દેવરાજની વાત સાંભળીને શાલિની ચમકી. કારણ કે કિરણ જો લગન માટે ના પાડી દે તો શાલિની એના નામની ચિઠ્ઠી લખીને ગઈકાલે રાત્રે જ પંખે લટકી જવાની હતી ! પરંતુ આ વાતની દેવરાજને ખબર કેવી રીતે પડી !!

" જીજુ આ બધું તમે કેવી રીતે જાણો છો ? મેં તો મારા મનની વાત કોઈને પણ કરી નથી. " શાલિની આશ્ચર્યથી બોલી.

" ભલે ને તેં કોઈને વાત ના કરી. પરંતુ મેં તો તારા મનની વાત વાંચી લીધી હતી ને ? હવે એ બધું છોડ. હું તારા ઘરે જ આવું છું. તારા મમ્મી પપ્પા તારા આ પ્રેમ વિશે જાણે છે ? " દેવરાજે ચાલુ ગાડીએ પૂછ્યું.

" ના જીજુ. મારી ત્રણ બહેનો જાણે છે બસ. હું અત્યારે પણ ઘરેથી કોઈને કહ્યા વગર જ બહાર નીકળી છું. " શાલિની બોલી.

એટલામાં તો હજીરાની પોળ પણ આવી ગઈ. કારણ કે બંને પોળ વચ્ચે ખાસ અંતર ન હતું. દેવરાજે પોળની બહાર જ સાઈડમાં ગાડી પાર્ક કરી.

બંને ચાલતાં ચાલતાં જ ઘર સુધી પહોંચી ગયાં.

બંનેને રાત્રે નવ વાગે આ રીતે સાથે જોઈને કાન્તિલાલ સુમનબેન અને શીતલ બધાંને આશ્ચર્ય થયું.

"અરે કુમાર તમે અત્યારે અહીં ક્યાંથી ? અને આ શાલિની વળી તમને ક્યાં મળી ગઈ ? " કાન્તિલાલ બોલ્યા. એ જમીને હાલ જ ઊભા થયા હતા.

" અરે પપ્પા. સગાઈ કરીને તમારી એક દીકરીનું ટેન્શન મેં ઓછું કર્યું. તો પછી બીજી દીકરીની તમારી જવાબદારી પણ મારે જ પૂરી કરવી પડે ને ! આજે તમારી બીજી દીકરીનું ટેન્શન પણ ઓછું કરી દીધું. " દેવરાજ હસીને બોલ્યો અને સોફા ઉપર બેઠો.

"હું કંઈ સમજ્યો નહીં કુમાર." પપ્પા કાન્તિલાલ બોલ્યા.

" તમારી બંને દીકરીઓના નસીબમાં વૈષ્ણવો લખેલા છે એટલે વિધાતાના લેખ થોડા મિથ્યા થાય ? હું તો નાગર મટીને વૈષ્ણવ બની ચૂક્યો છું તો શાલુ માટે પણ એક સરસ વૈષ્ણવ છોકરો શોધી કાઢ્યો ! બસ હવે એની સગાઈની તૈયારી કરો. જો બે ત્રણ દિવસમાં મુહૂર્ત આવતું હોય તો હું રોકાઈ જાઉં નહીં તો પછી કાલે જ નીકળી જાઉં. " દેવરાજ બોલ્યો.

કાન્તિલાલ અને સુમનબેન બંને પતિ પત્ની દેવરાજની વાત સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ ગયાં હતાં. એ હજુ દેવરાજની વાત સમજી શકતાં જ ન હતાં કે એકાએક શાલુની સગાઈની વાત ક્યાંથી આવી ! જો કે હવે શીતલને થોડી થોડી ટ્યુબલાઈટ થવા લાગી હતી.

શીતલે શાલિનીને ઈશારો કર્યો અને શાલિનીએ માથું હલાવીને હા પાડી એટલે શીતલ આખી વાત સમજી ગઈ. એને એના ભાવિ પતિ માટે ગર્વ થયો.

" તમને માંડીને બધી જ વાત કહું છું. શાલુ છેલ્લા એક વર્ષથી એક છોકરાના પ્રેમમાં છે. એ લોકો વૈષ્ણવ છે એટલે એ તમને લોકોને કહી શકતી ન હતી પરંતુ તમારી બધી દીકરીઓ શાલુના પ્રેમ વિશે જાણે છે. હવે શીતલે જ્યારે મારી સાથે સગાઈ કરી છે તો પછી એ છોકરો વૈષ્ણવ વાણીયા હોય તો શું ફરક પડે છે ? " દેવરાજ બોલતો હતો.

" એટલે પછી હું શાલુને લઈને કિરણના ઘરે ગયો હતો. એના મમ્મી પપ્પા પણ શાલુને સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. પૈસે ટકે ઘણું સુખી કુટુંબ છે. છોકરાનો રિલીફ રોડ ઉપર પોતાનો મોબાઈલ સ્ટોર છે. તમે પણ વેવાઈને કાલે મળી આવો અને કાલે સાંજ સુધીમાં મુહૂર્ત વિશે પણ શાસ્ત્રીજીને પૂછી લો. " દેવરાજે પોતાની વાત પૂરી કરી.

કાન્તિલાલ તો દેવરાજની વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. છેલ્લા એક વર્ષથી દીકરી કોઈના પ્રેમમાં છે અને છતાં પોતાને એની કોઈ ગંધ જ ના આવી અને આ જમાઈ માત્ર બે જ દિવસમાં એના પ્રેમ વિશે જાણી ગયા અને આજે છોકરાવાળાને પણ મળી આવ્યા !

" શાલુ બેટા તેં એકવાર પણ મને વાત ના કરી ? અરે મને ભલે વાત ના કરી પણ કમ સે કમ તારી મમ્મીને તો તારે વાત કરવી જોઈએ ને ! અમે તારાં એવાં મા-બાપ તો નથી કે તને ઘરમાં પૂરી દઈએ. આપણે બધાં આધુનિક જમાનામાં જ જીવીએ છીએ. તારી ઈચ્છા હોય તો અમે તને શા માટે રોકીએ ? " કાન્તિલાલ બોલ્યા.

શાલિની પપ્પાને ઓળખતી જ હતી. પરંતુ એ વાત પણ કેવી રીતે કરે જ્યારે કિરણ પોતે જ તૈયાર ન હતો ત્યારે !! એની એવી ઈચ્છા હતી કે કિરણના માતા-પિતા તેનો સ્વીકાર કરે એ પછી જ મમ્મી પપ્પાને વાત કરવી.

" ચાલો જે થયું તે. તમારું શાલિની માટે વર શોધવાનું બીજું ટેન્શન પણ ખતમ થઈ ગયું. હવે હું રજા લઉં છું. તમે કાલે નવા વેવાઈને પણ મળી લેજો. અને તમારા શાસ્ત્રીજી સાથે પણ ચર્ચા કરી લેજો પપ્પા. " દેવરાજ બોલ્યો.

" અરે પણ તમે આવ્યા છો તો પછી જમીને જ જાઓ ને. આજે જમવામાં હાંડવો જ બનાવ્યો છે. ચા સાથે તમને મજા આવશે. " સુમનબેન બોલ્યાં.

શીતલે પણ એને રોકાઈ જવા આંખોથી ઈશારો કરી દીધો એટલે દેવરાજે કોઈ આનાકાની કરી નહીં અને એ રોકાઈ ગયો. હાંડવો જમ્યા પછી એ ઘરે જવા માટે રવાના થઈ ગયો.

દેવરાજ ઘરે પહોંચ્યો ત્યારે રાત્રિના સાડા દસ વાગી ગયા હતા.

" આજે તો બહુ મોડું થયું ભાઈ. અમે તો તારી રાહ જોઈને બેઠા છીએ. " દેવરાજે ઘરમાં પ્રવેશ કર્યો કે તરત મામા બોલ્યા.

" આઈ એમ સો સોરી મામા. મારી મોટી ભૂલ થઈ ગઈ. મારે તમને ફોન કરી દેવો જોઈતો હતો. તમે મારી રાહ જોઈને બેસી રહ્યા હશો એ તો મને વિચાર જ ન આવ્યો. હું શીતલના ઘરે હતો અને ત્યાં જમીને આવ્યો છું." દેવરાજ બોલ્યો.

" કંઈ વાંધો નહીં. એમાં અફસોસ કરવાની કોઈ જરૂર નથી. આ તો તારી મામીએ આજે તારા માટે ખાસ હાંડવો બનાવ્યો હતો એટલે તારી રાહ જોતાં હતાં. " મામા બોલ્યા.

" શું વાત છે મામા ! આજે તો હાંડવા નો જ દિવસ લાગે છે !! શીતલના ઘરે પણ હાંડવો જ ખાધો છે. " દેવરાજ હસીને બોલ્યો. એ પછી મામા મામીએ જમી લીધું.

" મામા ગઈકાલે રાત્રે શાલિનીનું પણ એના મનગમતા છોકરા સાથે નક્કી થઈ ગયું. છેલ્લા એક વર્ષથી એ કોઈના પ્રેમમાં હતી. મને ખબર પડી એટલે પછી હું છોકરાવાળાના ઘરે ગયો અને બધું ફાઈનલ કરી દીધું. હવે ફરી પાછો શીતલના ઘરે સગાઈનો બીજો પ્રસંગ આવશે. " બીજા દિવસે સવારે ચા પીતાં પીતાં દેવરાજ બોલ્યો.

"તો તો બહુ સારું. બિચારા કાન્તિલાલ વર્ષોથી ટેન્શનમાં હતા. એમની બંને દીકરીઓનું એક સાથે જ ઠેકાણું પડી ગયું. કાન્તિલાલની હવે ઘણી ચિંતા ઓછી થઈ ગઈ." હર્ષદમામા બોલ્યા.

બપોર સુધીમાં શીતલનો ફોન દેવરાજ ઉપર આવી ગયો કે શાસ્ત્રીજીએ બે દિવસ પછીનું એકાદશીનું મુહૂર્ત કાઢી આપ્યું છે અને પપ્પાએ આસ્ટોડિયા દરવાજાની અંદર શુભમ હોલ બુક કરાવી દીધો છે.

તે દિવસે સાંજે દેવરાજ ફરી પાછો શીતલના ઘરે ગયો. ઘરે સગાઈનો પ્રસંગ હતો એટલે એક જમાઈ તરીકે એની ફરજ હતી.

" આ વખતે શાલુની સગાઈ એકદમ સાદાઈથી કરવી છે. તમારા પ્રસંગે ઘણી ધામધૂમ આપણે કરી. પૈસા હશે તો દીકરીને જ કામમાં આવશે. લગનમાં જે ખર્ચો કરવો હશે તે કરીશું. દરેક વખતે દેખાડો કરવા જઈએ તો લોકોની નજર લાગી જાય. " પપ્પા કાન્તિલાલ બોલ્યા.

" તમારી વાત સાચી છે પપ્પા પરંતુ નવનીતલાલને પણ એકનો એક દીકરો છે એટલે હરખ હોય જ ને ! " દેવરાજ બોલ્યો.

" ના. એ તો મારા કરતાં પણ કરકસર વાળા છે. મારે એમની સાથે બધી વાતચીત થઈ ગઈ. એ પછી જ શુભમ હોલ બુક કર્યો. " કાન્તિલાલ બોલ્યા.

અને એકાદશીના દિવસે સવારે ૧૦ થી ૧ ની વચ્ચે શાલિની અને કિરણની સગાઈ થઈ ગઈ. કાન્તિલાલ તરફથી મર્યાદિત મહેમાનોને જ આમંત્રણ હતું. જ્યારે સામા પક્ષે ઘણાં બધાં સગાં આવ્યાં હતાં.

શાલિની તરફથી કિરણને પહેરાવવા માટે દેવરાજે મોંઘી ડાયમંડની રીંગ શાલિનીને ખરીદી આપી હતી. જો કે કિરણ તરફથી પણ શાલુને ડાયમંડની રીંગ જ આપવામાં આવી હતી !

શાલિનીની સગાઈનો પ્રસંગ પતી ગયો પછી દેવરાજ માટે અમદાવાદમાં વધુ રોકાવાનું કોઈ જ કારણ ન હતું એટલે એણે બીજા દિવસની સાંજના ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દીધી.

" મામા આવતી કાલે સાંજે હું મુંબઈ જવા માટે નીકળી જઈશ. પ્રોપર્ટીની પાવર ઓફ એટર્ની તમને આપી દીધી છે એટલે કોઈ સારી પાર્ટી મળે તો તમે એ વેચી નાખજો અને મને ખાલી જાણ કરી દેજો. તમારે કોઈ બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો એ પણ તમે શરૂ કરી શકો છો. મારી કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો મને જણાવી દેજો. " સાંજે જમતી વખતે દેવરાજ બોલ્યો.

" અરે દેવ તેં મને જે આપ્યું છે એ જ ઘણું છે. પહેલી તારીખે હું નોકરી છોડી દઈશ. એ પછી તેં કહ્યું તેમ મારા માટે સ્ટેશનરીની સાથે પાઠ્યપુસ્તકોની દુકાન વિશે વિચારું છું. એના માટે મારે કોઈ સ્કૂલ કે કોલેજની આજુબાજુ જગ્યા શોધવી પડશે. " હર્ષદ મામા બોલ્યા.

" મામા આ તો તમારો ટાઈમ પાસ થાય એટલા માટે મેં સજેશન કર્યું. બાકી તમે કોઈ ધંધો ના કરો તો પણ ખૂટે એવું નથી. " દેવરાજ બોલ્યો.

" મારે ધંધાની કોઈ ઉતાવળ નથી. મને પોતાને ઈચ્છા થશે ત્યારે વિચારીશ. તારા લગનની જવાબદારી પણ મારા ઉપર છે. મારો વિચાર છે કે વૈશાખ મહિનામાં તારા લગનનું પતાવી દઉં. સગાઈ થઈ ગઈ છે એટલે હવે લાંબો સમય તારે એકલા રહેવાની કોઈ જરૂર નથી. " મામા બોલ્યા.

" લગનનો આખો પ્રસંગ તો મુંબઈમાં જ કરવો છે મામા. એ લોકો સાથે ચર્ચા કરીને મુહૂર્ત કઢાવી દેજો એટલે પછી ત્યાં હું બધી વ્યવસ્થા કરી દઈશ. ત્યાં પણ મારે બેંકવેટ હોલ બુક કરાવવો પડશે. કન્યાપક્ષ વાળાની અને વરપક્ષ વાળાની ઉતરવાની વ્યવસ્થા પણ હું ત્યાં કરી દઈશ. " દેવરાજ બોલ્યો.

રાત્રે શીતલ સાથે પણ દેવરાજે કાલે સાંજના ફ્લાઈટમાં મુંબઈ જવાની વાત કરી દીધી.

" માયા બાંધીને તમે જઈ રહ્યા છો. હવે તમારા વગર મને અહીં મજા નહીં આવે દેવ. તમારી સાથે જીવન જીવવાની તીવ્ર ઈચ્છા પેદા થઈ છે. સપનામાં પણ વિચાર્યું ન હતું કે આ રીતે અચાનક કોઈ રાજકુમાર મારા જીવનમાં આવશે. તમે તો મારી શાલુનું ટેન્શન પણ કેટલું સરસ રીતે દૂર કરી દીધું !! તમારામાં કંઈક તો છે જ. હું તમને પહેલાં ઓળખી ના શકી એનું મને બહુ દુઃખ છે. હવે તો હું તમારા પ્રેમમાં બાવરી બની ગઈ છું. " શીતલ હૃદયના ઉમળકાથી બોલી.

" આપણી વચ્ચે ગયા જનમના કોઈ ઋણાનુબંધ હશે જ ડાર્લિંગ. જગતમાં કોઈ પણ ઘટના અચાનક હોતી જ નથી. " દેવરાજ ફિલોસોફરની જેમ બોલ્યો.

" મુંબઈ જતાં પહેલાં એક વાર મને મળવા આવશો ? બહાર જ ક્યાંક મળવાની ઈચ્છા છે. એકવાર મન ભરીને તમને જોઈ લઉં ! " શીતલ બોલી.

" ઠીક છે. કાલે બપોરે લંચ આપણે સાથે જ લઈએ. એક કામ કર. કાલે બપોરે ૧૨:૩૦ વાગે લો ગાર્ડન પાસે સ્વાતિ સ્નેક્સમાં આવી જા. આખો અલગ જ ટેસ્ટ જમવા મળશે. " દેવરાજ બોલ્યો.

શીતલ સમયસર સ્વાતિ સ્નેક્સમાં પહોંચી ગઈ. દેવરાજ એને લઈને અંદર ગયો. મેનુ મંગાવીને દેવરાજે શિખંડ, પૂરી, બટેટાની સૂકી ભાજી, મેથી ચોળીનાં ઢોકળાંનો ઓર્ડર આપ્યો.

" અહીંનો ગ્રીન ટી આઈસ્ક્રીમ બહુ સરસ આવે છે. જમ્યા પછી આપણે એ પણ મંગાવીશું. " દેવરાજ બોલ્યો.

" હું તો અહીં પહેલીવાર આવું છું. " શીતલ બોલી.

" અહીંની ક્વોલિટી એકદમ ઉત્તમ હોય છે. આ લોકો હેલ્થ કોન્સીયસ હોય છે. ભાવ ઘણો વધારે હોય છે પણ તમને જમવામાં મજા આવે." દેવરાજ બોલ્યો.

" થૅન્ક યુ ફોર લંચ ડીયર. એક જ અઠવાડિયામાં તમે મારા જીવન ઉપર છવાઈ ગયા . ખાસ કરીને શાલુ માટે તમે જે કર્યું એ કોઈ રીતે શક્ય ન હતું. તમે તો એની જિંદગી બનાવી દીધી. જો પહેલાં તમે મને મળ્યા હોત તો કદાચ ગર્ભપાત કરવાની નોબત જ ના આવી હોત ! " શીતલ બોલી અને એણે દેવરાજની હથેળી હાથમાં લીધી.

" હું તો પહેલાં જ મળ્યો હતો. તે દિવસે મેં મદદની ઓફર પણ કરી હતી. જો તેં મને સંમતિ આપી હોત તો ગર્ભ અંદર ને અંદર ઓગળીને અદ્રશ્ય થઈ જાત અને બ્લિડિંગ પણ ના થાત. શાલુને એવો અનુભવ થાત કે જાણે એ પ્રેગનંટ જ નથી." દેવરાજ હસીને બોલ્યો.

" મારી એ મૂર્ખામી બદલ મને માફ નહીં કરો ? તમારી આટલી સારી ભાવના હોવા છતાં પણ મેં તમારું ઘણું જ અપમાન તે દિવસે કર્યું. મેં તમને સમજવામાં બહુ ઉતાવળ કરી. તમે તો મારા પપ્પાને પણ કેટલું બધું ગૌરવ અપાવ્યું ! " કહેતાં કહેતાં શીતલની આંખોમાં પાણી આવી ગયાં.

"તને માફ કરી જ દીધી છે ડાર્લિંગ. તારે એ પ્રસંગ વારંવાર યાદ કરવાની કોઈ જરૂર નથી. " દેવરાજ બોલ્યો. ત્યાં વેઈટર જમવાની વાનગીઓ આપી ગયો.

" આજે તમને હું મારા હાથે મારા પ્રેમનો પહેલો કોળિયો ખવડાવીશ." શીતલ બોલી અને એણે પૂરીના ટૂકડાને શિખંડમાં બોળી દેવરાજના મ્હોંમાં મૂક્યો.

દેવરાજને આજે પત્નીના પ્રેમનો રોમાંચક અનુભવ થયો. સમય સમયની બલિહારી છે. જે કન્યાએ થોડા દિવસો પહેલાં ગુસ્સે થઈને એનું મ્હોં તોડી લીધું હતું એ આજે પ્રેમિકા બનીને જમાડી રહી હતી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."