પીજી હાઉસ (PG House Novel Part-42)

Related

પીજી હાઉસ પ્રકરણ 42

દેવરાજ ઇન્દોરથી અમદાવાદ આવ્યો એ પછીના આઠ દસ દિવસમાં એના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ હતી.

આવીને તરત એણે મામાના ખાતામાં દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને પોતાની પ્રોપર્ટી પણ મામાને લખી આપી હતી. એના બેન્કના સ્ટાફને એણે ડાઇનિંગ હોલમાં પાર્ટી પણ આપી હતી. શીતલ જેવી સુંદર કન્યા સાથે એની સગાઈ પણ થઈ હતી અને એણે વચ્ચે રહીને એની સાળી શાલિનીની સગાઈ પણ કરાવી આપી હતી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

દેવરાજે પોતાના તરફથી દરેકને મદદ કરી હતી અને મામા મામીનું ગૌરવ પણ વધારી દીધું હતું.

અમદાવાદનું એનું બધું જ કાર્ય પૂરું થઈ ગયું હોવાથી એણે મુંબઈ જવા માટેની સાંજની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી. અને શીતલની ઈચ્છા હોવાથી એ બપોરે બાર વાગે શીતલને લઈને સ્વાતિ સ્નેક્સમાં લંચ લેવા માટે આવ્યો હતો.

" આજે હું મારા હાથે મારા પ્રેમનો પહેલો કોળિયો ખવડાવીશ." શીતલ બોલી અને એણે પૂરીના ટૂકડાને શિખંડમાં બોળી દેવરાજના મ્હોંમાં મૂક્યો.

દેવરાજને આજે એના જીવનમાં પત્નીના પ્રેમનો પહેલો અનુભવ થયો. એ રોમાંચિત થઈ ઉઠ્યો. એણે પણ પછી શિખંડ પૂરીનો પહેલો કોળિયો શીતલને ખવડાવ્યો.

" દેવ મેં જોયું છે કે તમારી પાસે ઈશ્વરે કેટલીક વિશેષ શક્તિઓ આપી છે. તમે શાલુ ગર્ભવતી છે એ પણ જોઈ શક્યા હતા. તમે કિરણને પણ મનાવી લીધો અને જે અશક્ય હતું એ શક્ય બનાવી દીધું. શાલુ આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી એ પણ તમને ખબર પડી ગઈ અને તમે એને બચાવી પણ લીધી. તમે આ બધું કઈ રીતે કરી શકો છો ? " જમી લીધા પછી શીતલ બોલી.

" સાવ સાચું કહું તો કેટલીક શક્તિઓ મને ગાયત્રી મંત્રથી પ્રાપ્ત થઈ છે. તો કેટલીક શક્તિઓ મને મારા ગુરુજીએ આપેલી છે. એમણે મારા ઉપર શક્તિપાત પણ કરેલો છે. ઘણી બધી ઘટનાઓને હું જોઈ શકું છું. છતાં આ બધું આપોઆપ થાય છે. હું કોઈ કોશિશ નથી કરતો. શાલુ કિરણને રેસ્ટોરન્ટમાં મળવા ગઈ એ મને ક્યાં ખબર હતી ? છતાં અંદરથી મને બધી જાણ થઈ ગઈ. " દેવરાજ બોલ્યો.

"મને તમે એક મદદ ના કરી શકો ? " શીતલ બોલી.

" હા બોલ ને ! " દેવરાજ બોલ્યો.

" તુલસી ઠક્કર નામનો એક બહુ જ માથાભારે માણસ એક વર્ષથી મારી પાછળ પડ્યો છે. ૩૭ ૩૮ વર્ષનો છે. ખાડિયામાં જ રહે છે. કોર્પોરેટર ના ઇલેક્શનમાં પણ એકવાર ઉભો રહ્યો હતો પણ હારી ગયો હતો. ક્રિકેટના સટ્ટા અને જુગાર રમાડે છે. દુબઈ સાથે એનું કનેક્શન છે. બે ત્રણ વાર પકડાઈ ગયો હતો પણ બિન્દાસ્ત ફરે છે. પોલીસો સાથે પણ એના સારા સંબંધો છે." શીતલ બોલી રહી હતી.

" એક બે વાર તો એણે મારો રસ્તો પણ રોક્યો હતો. મને ક્યારેક ગંદા મેસેજ પણ કરે છે. પોલિટિકલ સંપર્કો હોવાથી એ કોઈનાથી ડરતો નથી. આવા લોકોના કારણે જ મને પુરુષો તરફ થોડી નફરત થયેલી છે. એટલા માટે જ હું તે દિવસે તમારી મદદની વાત સાંભળીને થોડીક ગુસ્સે થઈ ગઈ હતી. " શીતલ બોલી.

" પરંતુ હવે તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે ? હવે તો બે-ચાર મહિના પછી આપણાં લગન પણ થઈ જશે અને તું કાયમ માટે મુંબઈ આવી જઈશ. " દેવરાજ બોલ્યો.

"તમે એને ઓળખતા નથી દેવ. મારી સગાઈ થઈ ગઈ એ પણ એને ખબર પડી ગઈ છે. મારો મોબાઇલ નંબર પણ એની પાસે છે. વચ્ચે મેં એનો નંબર બ્લોક કરી દીધો હતો તો એણે બીજું નવું સીમકાર્ડ લીધું. ગઈકાલે રાત્રે જ એનો મેસેજ આવ્યો છે. " કહીને શીતલે મેસેજ ખોલીને દેવરાજને બતાવ્યો.

# તારી સગાઈ થઈ ગઈ એટલે એવું ના સમજતી કે હું તને છોડી દઈશ. હું જોઉં છું કે તું પેલા મુંબઈવાળા સાથે કેવી રીતે લગન કરે છે ! તું મારી જ છે અને તારા ઉપર બીજા કોઈનો અધિકાર નથી. #

મેસેજ વાંચીને દેવરાજ સમસમી ગયો.

" તેં અત્યાર સુધી મને કહ્યું કેમ નહીં ? વહેલા મને જાણ કરી હોત તો અત્યાર સુધીમાં સોલ્યુશન આવી ગયું હોત ! " દેવરાજ બોલ્યો.

" અરે જાન હું તમને જોખમમાં મૂકવા માગતી ન હતી. મને એમ કે લગન થઈ જશે પછી મારે ક્યાં અમદાવાદ રહેવું છે ? પણ ગઈકાલે જ રાત્રે એનો આ મેસેજ આવ્યો એટલે મને ડર લાગ્યો." શીતલ બોલી.

" એનો મોબાઈલ નંબર મને આપી દે. અને એની બેઠક ક્યાં છે એ પણ મને જણાવી દે. હું ધારું તો અહીં બેઠા બેઠા જ એનું લોકેશન પકડી શકું છું. પરંતુ અત્યારે મારે મારી એનર્જી વેસ્ટ કરવી નથી. સમય આવે એનો યોગ્ય ઉપયોગ થશે. " દેવરાજ બોલ્યો.

" રાયપુર દરવાજા બહાર એની ઓફિસ છે. આખું રાયપુર એને ઓળખે છે એટલે દરવાજા પાસે જઈને કોઈને પણ પૂછો તો પણ બતાવે. એનું રહેવાનું ખાડિયામાં અમૃતલાલની પોળમાં છે. " શીતલ બોલી.

" સારું. એનો રસ્તો હું કાઢી આપું છું. તું હવે બિલકુલ ચિંતા કરીશ નહીં. " દેવરાજ બોલ્યો.

એ પછી દેવરાજે બે મિનિટ તુલસી ઠક્કર નામના એ માણસ ઉપર પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું.

" એ માણસ અત્યારે એની રાયપુર દરવાજા બહારની ઓફિસે જ બેઠો છે. તું ઘરે જવા નીકળી જા. હું સીધો ત્યાં જ જાઉં છું." દેવરાજ બોલ્યો.

એ પછી દેવરાજ અને શીતલ ઊભાં થયાં અને દેવરાજે બિલ ચૂકવી દીધું. એ ગાડી લઈને આવ્યો હતો એટલે શીતલને પ્રેમભરી વિદાય આપીને દેવરાજ રાયપુર દરવાજા જવા માટે નીકળી ગયો.

"તમારું જ નામ તુલસીભાઈ ઠક્કર ?"

તુલસી ઠક્કરની પહેલા માળે આવેલી ઓફિસમાં પહોંચીને દેવરાજ એની સામે બેસી ગયો અને બોલ્યો.

અત્યારે ઓફિસમાં તુલસી એકલો જ હતો. સફેદ સફારીમાં એ અઠંગ રાજકારણી લાગતો હતો. ગળામાં સોનાની ચેઈન. ત્રણ આંગળીઓ ઉપર જુદાં જુદાં નંગોની સોનાની વીંટીઓ અને હાથ ઉપર મોંઘી ઘડિયાળ !

" હા તમે કોણ ? " તુલસી આ અજાણ્યા યુવાનને જોઈને બોલ્યો.

" હું મુંબઈવાળો જેની સાથે શીતલનાં લગન થવાનાં છે. " દેવરાજે એની જ ભાષામાં વાત કરી.

" ઓહ તો તમે અહીં સુધી પહોંચી ગયા ! " તુલસી બોલ્યો.

" છૂટકો જ ન હતો ને ! તમે મારાં અને શીતલનાં લગન અટકાવવા માગો છો એટલે મારે તમને મળવા આવવું જ પડે ને સાહેબ !" દેવરાજ બોલ્યો.

" તમે મને કદાચ ઓળખતા નથી. હું તમારી સાથે અત્યારે રિસ્પેક્ટથી વાત કરું છું. તમે મુંબઈના હો કે કલકત્તાના. સગાઈ તોડી નાખો અને શીતલને ભૂલી જાઓ. શીતલ માત્ર મારી છે. " તુલસી બોલ્યો.

" કેમ ? એને તમારા બાપનો માલ સમજી બેઠા છો ? " દેવરાજ બોલ્યો.

" એ (ગાળ) ... મ્હોં સંભાળીને વાત કર. મારી જ ઓફિસમાં આવીને મારી સાથે આ રીતે વાત કરે છે ? ઉભો થા અહીંથી અને ચાલતી પકડ. હવે જો એક પણ શબ્દ બોલ્યો છે તો એવી થપ્પડ મારીશ કે ધોળા દિવસે તારા દેખાઈ જશે !" તુલસી ભયંકર ગુસ્સાથી બોલ્યો.

" મારી વાત પછી. પહેલાં તમે ધોળા દિવસે તારા જોવાનું બંધ કરો અને શીતલને ભૂલી જાઓ. પરણેલા છો, બે નાની દીકરીઓના બાપ છો અને કુંવારી છોકરીઓ ઉપર હક્ક જમાવો છો ! " દેવરાજ સહેજ ગુસ્સાથી બોલ્યો.

" તારી તો ... " કહીને તુલસી ઉભો થયો. એ જેવો ઊભો થયો કે તરત જ બીજી ક્ષણે ખુરશી ઉપર ફસડાઈ પડ્યો.

એના શરીરની તમામ શક્તિ ચૂસાઈ ગઈ હતી. હાથ પગ પણ જાણે કે કામ કરતા ન હતા. બોલવાની પણ એનામાં તાકાત ન હતી. એ ફાટી આંખે દેવરાજને જોઈ રહ્યો.

" બસ હવે આ જ હાલતમાં રહેજો. તમારો માણસ આવીને તમને હોસ્પિટલ ભેગા કરી દેશે. કોઈ દવા તમને સારા નહીં કરી શકે. શીતલની બે હાથ જોડીને માફી માગશો તો જ સારા થઈ શકશો. તમારી જિંદગી હવે શીતલના હાથમાં છે. હું તો આજે સાંજે મુંબઈ જાઉં છું. ગુડ બાય !" દેવરાજ બોલ્યો અને ઉભો થઈ નીચે ઉતરી ગયો.

દસેક મિનિટ પછી તુલસી ઠક્કરનો નોકર રત્નાજી તુલસીના ઘરેથી એનું ટિફિન લઈને આવ્યો. પરંતુ સાહેબની આ હાલત જોઈને એ ચમકી ગયો.

એના સાહેબનું શરીર જાણે કે ઓગળી ગયું હતું ! સાહેબ ખુરશીમાં સાવ મડદાલ હાલતમાં બેઠા હતા. માથું ઢળી પડ્યું હતું. બંને હાથ લટકી ગયા હતા. સમગ્ર શરીરમાંથી લોહી ચૂસાઈ ગયું હોય એમ સાવ સફેદ થઈ ગયા હતા. ચહેરા ઉપર કરચલીઓ પણ દેખાતી હતી. એમને બોલવાના પણ હોશ ન હતા.

" અરે સાહેબ આ તમને શું થઈ ગયું ?" રત્નાજી લગભગ બૂમ પાડીને બોલ્યો.

" મને.. હોસ્પિટલ... લઈ... જા.." તુલસી ત્રૂટક ત્રૂટક અવાજે માંડ માંડ બોલ્યો.

રત્નાજીને લાગ્યું કે એના સાહેબને પેરાલીસીસનો એટેક આવ્યો લાગે છે. એણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તુલસીની પત્ની સ્વાતિને પણ જાણ કરી.

" બેન સાહેબને પેરાલીસીસનો એટેક આવ્યો હોય એવું લાગે છે. એ સરખું બોલી શકતા પણ નથી. એમ્બ્યુલન્સ બોલાવી છે અને એમને એસ.વી.પી હોસ્પિટલ લઈ જાઉં છું. " રત્નાજી બોલ્યો.

પાંચેક મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી ગઈ અને તુલસી ઠક્કરને એસ.વી.પી હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કર્યો. રાજકીય વગ ધરાવતો માણસ હતો એટલે તાત્કાલિક ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ.

તમામ પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવ્યા પરંતુ ડૉક્ટરોના આશ્ચર્ય વચ્ચે તમામ ટેસ્ટ લગભગ નોર્મલ જ હતા. બીપી પણ એકદમ નોર્મલ હતું. કઈ દવાઓ અને ઇન્જેક્શનનો આપવાં એ પણ ડૉક્ટરો માટે મોટો પ્રશ્ન હતો.

દેવરાજ જાણતો જ હતો કે કોઈપણ દવા તુલસીને સારો કરી શકે તેમ ન હતી. એણે ઘરે જતી વખતે શીતલને ફોન લગાવ્યો.

" શીતલ તારા એ આશિકને જરૂરી ટ્રીટમેન્ટ મેં આપી દીધી છે. હોસ્પિટલ ભેગો એ થઈ ગયો છે. હવે બે ત્રણ દિવસમાં ગમે ત્યારે એના ઘરવાળા તારો સંપર્ક કરવા કોશિશ કરશે. તું હોસ્પિટલ જઈશ એટલે બે હાથ જોડીને એ તારી માફી માગશે. તું એને માફી આપી દેજે એટલે એ નોર્મલ થઈ જશે. બસ એ પછી ક્યારે પણ એ તારું નામ નહીં લે." દેવરાજ બોલ્યો.

" હોસ્પિટલ ભેગો કર્યો એટલે તમે મારામારી કરી ? " શીતલે ચિંતાથી પૂછ્યું.

" મારે મારામારી કરવાની કોઈ જરૂર જ નથી. મારું કામ તો ઉપરવાળો કરે છે. એને બોધપાઠ મળી ગયો છે. હવે હું આજે સાંજે જ મુંબઈ જવા નીકળી જઈશ. " દેવરાજ બોલ્યો.

એ પછી હોન્ડા સિટી પોતાના મિત્ર ભાર્ગવને પાછી આપી દેવા માટે દેવરાજે ગાડીને એસ.જી હાઇવે તરફ લીધી. એક અઠવાડિયા માટે એણે આ ગાડી વાપરવા માટે લીધી હતી. ભાર્ગવનો જૂની ગાડીઓ લે વેચ નો ધંધો હતો.

" બોલ હવે મારે તને કેટલા પૈસા આપવાના ? " દેવરાજે ગાડીની ચાવી ભાર્ગવને પાછી આપતાં પૂછ્યું.

" શાના પૈસા ? મેં કંઈ ગાડી તને ભાડે નહોતી આપી. તેં પેટ્રોલ ભરાવીને વાપરી. વાત ખતમ થઈ ગઈ. " ભાર્ગવ હસીને બોલ્યો.

દેવરાજે ઘણો આગ્રહ કર્યો પણ ભાર્ગવે એક પણ પૈસો લીધો નહીં. દેવરાજ પોતાનું એકટીવા લઈને હર્ષદ મામાના ઘરે જવા માટે નીકળી ગયો.

સાંજે સાડા છ વાગ્યાનું ફ્લાઇટ હતું એટલે મોડામાં મોડા પાંચ વાગે તો નીકળી જવાનું જ હતું.

" મામા દોઢેક કલાક પછી હું મુંબઈ જવા માટે રીક્ષામાં નીકળી જઈશ. હવે લગ્નનું મુહૂર્ત નીકળે એટલે મને જાણ કરી દેજો કારણ કે મારે બંને પાર્ટીઓની રહેવાની વ્યવસ્થા ત્યાં કરવાની છે. મે મહિનામાં વેકેશન હશે એટલે મારા પીજી હાઉસમાં પણ અમુક વ્યવસ્થા તો થઈ જશે. બાકીના મહેમાનો માટે હોટલો બુક કરાવી દઈશ. " દેવરાજ બોલ્યો.

" મુહૂર્ત તો એકાદ અઠવાડિયા પછી તને મળી જશે. આજકાલ મેરેજ માટેના હોલ જલ્દી મળતા નથી. તારા મોભા પ્રમાણે સારો હોલ પણ તારે એડવાન્સમાં બુક કરાવવો પડશે ને ? " મામા બોલ્યા.

" હા એ વાત તમે બહુ સાચી કીધી. એ વિચાર તો મને આવ્યો જ નહીં. અને મામા લગ્ન માટે જે પણ જરૂરી હોય એ બધા દાગીના મામી માટે બનાવજો. જરા પણ કરકસર કરશો નહીં. પૈસાની ગમે ત્યારે જરૂર હોય ત્યારે સંકોચાશો નહીં. " દેવરાજ બોલ્યો.

" તેં મને ઘણું બધું આપ્યું છે બેટા. હું એવો લાલચુ નથી. બસ તું અને શીતલ બંને સુખી રહો એ જ મારા આશીર્વાદ છે. એક સારું પાત્ર મળી ગયું એનો મને આનંદ છે. " મામા બોલ્યા અને થોડા ગળગળા પણ થઈ ગયા.

દેવરાજ જમીને આવ્યો હતો એટલે અત્યારે જમવાનું તો હતું જ નહીં. એણે સાડા ચાર વાગ્યે ચા પી લીધી.

એ પછી પાંચ વાગે એ મામા મામીની વિદાય લઈને ઓલા કરીને એરપોર્ટ જવા માટે નીકળી ગયો. એણે આજે સવારે જ મનમોહન શેઠ સાથે વાત કરી લીધી હતી કે પોતે આઠ વાગે મુંબઈ એરપોર્ટ પહોંચી જશે. શેઠ એને એરપોર્ટ લેવા માટે ગાડી લઈને ડ્રાઇવર વિઠ્ઠલને મોકલવાના હતા.

શિયાળાના દિવસો હતા એટલે સાંજે પોણા સાત વાગ્યે ફ્લાઈટ ટેક ઓફ થયું ત્યારે વિન્ડો પાસે બેઠેલા દેવરાજને અમદાવાદની ઝગમગતી રોશનીનો અદભુત નજારો જોવાનો લ્હાવો મળ્યો.

એક જમાનામાં અમદાવાદની બહાર વહેતી સાબરમતી નદી અત્યારે શહેરની એકદમ વચ્ચેથી પસાર થઈ રહી હતી ! કેટલો બધો વિકાસ થયો હતો આ શહેરનો !! ઘણી બધી સ્મૃતિઓ આ શહેર સાથે જોડાયેલી હતી. આ શહેરમાંથી જ એને શીતલ જેવી સુંદર કન્યા પ્રાપ્ત થઈ હતી.

ધીમે ધીમે દેવરાજ આ બધા વિચારોમાંથી બહાર આવ્યો. પ્લેન મુંબઈ તરફ આગળ વધી રહ્યું હતું. એકાદ કલાકમાં જ મુંબઈની ધરતીનાં એને દર્શન થયાં.

આઠ વાગે દેવરાજનું ફ્લાઇટ લેન્ડ થયું. એ બહાર આવ્યો ત્યારે એનો ડ્રાઇવર વિઠ્ઠલ એરાઈવલ ગેટની બહાર રાહ જોતો ઉભો જ હતો. એણે દેવરાજની બેગ લઈ લીધી અને બંને જણા જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં પાર્કિંગમાં પહોંચી ગયા.

દેવરાજ વાલકેશ્વર પહોંચ્યો ત્યારે રાત્રિના ૯:૩૦ વાગી ગયા હતા. એણે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. મનમોહન શેઠે પ્રેમથી એને આવકાર આપ્યો. દેવરાજ મમ્મી અને પપ્પા બંનેને ચરણસ્પર્શ કરીને પગે લાગ્યો. આ એના સંસ્કાર હતા.

" દેવ હવે હાથ પગ ધોઈને સીધો ડાઇનિંગ ટેબલ ઉપર જ આવી જા. અમે લોકો તારી જ રાહ જોતા હતા." શેઠ બોલ્યા.

માત્ર દસ બાર દિવસ માટે જ એ મુંબઈથી બહાર રહ્યો હતો છતાં એને એવું લાગતું હતું કે જાણે મહિનાઓ પછી પોતાના ઘરે આવ્યો હોય ! બધું જાણે કે નવું નવું લાગતું હતું.

વાતો કરવાનો બહુ મૂડ એને ન હતો એટલે જમીને દેવરાજ સીધો પોતાના બેડરૂમમાં જ ગયો. આટલી વહેલી ઊંઘ તો એને આવતી ન હતી પરંતુ બેડ ઉપર સૂતાંની સાથે જ અમદાવાદના વિચારોમાં એ ખોવાઈ ગયો. છેલ્લા અઠવાડિયામાં કેટલું બધું બની ગયું હતું !!

શીતલને પહેલીવાર મળ્યો ત્યાંથી શરૂ કરીને એની સાથેની ભવ્ય સગાઈ સુધીની યાદો એને ઘેરી વળી. ગઈકાલની સ્વાતિ સ્નેક્સમાં થયેલી છેલ્લી મુલાકાતની વાતો પણ એને યાદ આવી ગઈ. શીતલની યાદ આવતાં જ અચાનક એને તુલસી ઠક્કર યાદ આવી ગયો ! એ બિચારો હોસ્પિટલમાં અત્યારે પેટ ભરીને પસ્તાતો હશે !!

હા, એ પસ્તાઈ રહ્યો જ હતો. કોઈ દવા એના ઉપર કામ કરતી ન હતી. છેલ્લા પાંચ કલાકથી એ આઈસીયુ માં હતો પરંતુ એક ટકાનો પણ ફરક પડ્યો ન હતો. એના શરીરની તમામ શક્તિ હણાઈ ગઈ હતી. હાથ ઊંચો કરવાની તાકાત પણ એનામાં ન હતી કે ના એ સરખું બોલી શકતો હતો !

બપોરે નર્સે એને જમાડવા માટે કોશિશ કરી હતી પરંતુ ખોરાકને ચાવવાની પણ એનામાં તાકાત ના હતી. એક બે કોળિયા દાળભાત ખાઈને એણે જમવાની ના પાડી દીધી.

શરીર એનું કામ કરતું ન હતું પરંતુ મન તો એકદમ એક્ટિવ હતું. કોણ હતો એ માણસ ! શીતલના જેની સાથે લગ્ન થવાનાં છે એ માણસ શું આટલો બધો શક્તિશાળી હતો !! પોતાને બે નાની દીકરીઓ છે એની પણ એને ખબર પડી ગઈ.... અને એને દેવરાજના છેલ્લા શબ્દો યાદ આવી ગયા.

"શીતલની બે હાથ જોડીને માફી માગશો તો જ તમે સારા થઈ શકશો. તમારી જિંદગી હવે શીતલના હાથમાં છે."

શીતલની માફી હું માગું ! કોઈ પણ સંજોગોમાં નહીં !!

તુલસીનો અહંકાર શીતલની માફી માગવા માટે તૈયાર ન હતો. બીજા બે દિવસ નીકળી ગયા. ખાધા પીધા વગર તુલસી સાવ નંખાઈ ગયો. હવે તો બોલવાના પણ હોશ ન હતા. કોઈ દવા પણ લાગુ પડતી ન હતી. એની ટ્રીટમેન્ટ કરનારા ડૉક્ટરો પણ હવે આશા છોડી રહ્યા હતા.

" મેડમ... સાહેબનું બૉડી કોઈ જ રિસ્પોન્સ આપતું નથી. લેટેસ્ટ દવાઓ એમના ઉપર ટ્રાય કરી છે પરંતુ કોઈ જ ફરક નથી પડતો. એમની હાલત ગંભીર થતી જાય છે. હવે કાલથી કદાચ એમને વેન્ટિલેટર ઉપર લેવા પડશે. " મોટા ડોક્ટરે સવારે ૧૧ વાગે તુલસીને ચેકઅપ કર્યા પછી એની વાઈફ સ્વાતિને આઈસીયુમાં બોલાવીને કહ્યું.

તુલસી આ બધું સાંભળી રહ્યો હતો. એનો અહંકાર ઓગળવા લાગ્યો. આમને આમ તો મૃત્યુ આવી જશે. પેલી શીતલની માફી મારે માગવી જ પડશે. પરંતુ માફી કઈ રીતે માગવી ? એને અહીં બોલાવવી કેવી રીતે ?

છેવટે એણે એની પત્ની સ્વાતિને નજીક બોલાવી અને ઈશારાથી પોતાનો મોબાઈલ માગ્યો. કોન્ટેકટ નંબર્સ ઓપન કરી એણે સ્વાતિને શીતલનો નંબર બતાવ્યો.

એ પછી એણે સ્વાતિને ઈશારાથી આ નંબર ઉપર ફોન કરી શીતલને અહીં બોલાવવાની સૂચના આપી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."