પીજી હાઉસ (PG House Novel Part-43)

Related

પીજી હાઉસ પ્રકરણ 43

છેલ્લા ત્રણ દિવસથી તુલસી ઠક્કર હોસ્પિટલમાં આઈસીયુ માં હતો પરંતુ દવાની કોઈ જ અસર થતી ન હતી. બીપી ડાઉન થઈ રહ્યું હતું. હાલત એટલી ખરાબ થતી જતી હતી કે ડોક્ટરે એને વેન્ટિલેટર ઉપર લઈ લેવાની વાત કરી હતી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

તુલસીએ એની પત્ની સ્વાતિને નજીક બોલાવી અને ઈશારાથી શીતલને ફોન કરવા માટે સૂચના આપી.

સ્વાતિએ ફોન લગાવ્યો. શીતલે ફોન ઉપાડ્યો. તુલસી પોતે તો વાત કરી શકે એમ હતો નહીં. એણે ઈશારાથી શીતલને અહીં બોલાવવાનું કહ્યું.

" તમે શીતલબેન બોલો છો ? " સ્વાતિ બોલી.

" જી... તમે કોણ ? " શીતલ બોલી. એ વખતે એ ઘરે જ હતી.

" જી હું સ્વાતિ બોલું છું તુલસી ઠક્કરની વાઈફ. સાહેબ તમને યાદ કરે છે. એમની હાલત બહુ જ સિરિયસ છે. તમે જરા એસવીપી હોસ્પિટલમાં આવી શકશો ? પ્લીઝ." સ્વાતિ વિનંતી કરી રહી હતી.

" જી. એ કયા વોર્ડમાં છે ? " શીતલ બોલી. એને દેવરાજના બધા શબ્દો યાદ આવી ગયા. એ તરત તૈયાર થઈ ગઈ.

" એ આઈસીયુમાં છે. તમે ત્રીજા માળે આવીને મને ફોન કરી દેજો. " સ્વાતિ બોલી અને ફોન કટ કર્યો.

લગભગ અડધી કલાકમાં જ શીતલ એસ.વી.પી હોસ્પિટલ પહોંચી ગઈ અને ત્રીજા માળે પહોંચીને એણે સ્વાતિને ફોન કર્યો.

સ્વાતિ સ્પેશિયલ રૂમમાંથી બહાર આવી અને શીતલને ઉપર આઈસીયુ વોર્ડ પાસે લઈ ગઈ.

" તમને એમણે કેમ યાદ કર્યા એ મને સમજાતું નથી. " સ્વાતિ બોલી અને એણે નર્સને પાંચ મિનિટ આઈસીયુમાં પેશન્ટ પાસે જવાની રજા માગી.

શીતલે અંદર જઈને જોયું તો તુલસી ઠક્કરની હાલત ખૂબ જ દયાજનક હતી. એ ઓળખી જ ના શકી કે આ તુલસી ઠક્કર છે !

" કેમ છો સાહેબ ? " શીતલ તુલસી ઠક્કરની નજીક જઈને બોલી.

તુલસીએ એની સામે જોયું અને આશાભરી આંખે એણે માફી માગવા બે હાથ જોડવા કોશિશ કરી.

પણ આ શું ! જેવી એના મનમાં માફી માગવાની ઈચ્છા પેદા થઈ અને એ બે હાથ જોડવા ગયો કે તરત જ એનામાં અચાનક શક્તિનો સંચાર થયો અને એણે આરામથી બે હાથ શીતલ સામે જોડ્યા.

" મને માફ કરી દેજે બેન. હું દિલથી તારી માફી માગું છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. " તુલસી એકદમ નોર્મલ હોય એ રીતે જ એણે તંદુરસ્ત અવાજે વાત કરી.

તુલસીને પોતાને પણ આશ્ચર્ય થયું અને બાજુમાં ઊભેલી એની પત્ની સ્વાતિને પણ ! જાણે કોઈ રોગ જ નથી એ રીતે તુલસી ઠક્કર એકદમ તંદુરસ્ત થઈ ગયો હતો. એ બેડ ઉપર બેઠો થઈ ગયો.

" અરે અરે સર... તમે બેઠા ના થાઓ. તમારી તબિયત સારી નથી અને તમને બોટલ પણ ચઢાવેલી છે. " નર્સ દોડી આવીને બોલી.

" હવે મને કોઈ જ રોગ નથી સિસ્ટર. હું એકદમ હેલ્ધી છું. મને હવે જલ્દી ડિસ્ચાર્જ આપી દો. " તુલસી બોલ્યો.

સ્વાતિ અને શીતલ બંને આ ચમત્કાર જોઈ રહ્યાં. શીતલને તો જો કે દેવરાજે કહેલું હતું એટલે એને એટલું બધું આશ્ચર્ય ના થયું છતાં પણ જે રીતે બીજી સેકન્ડે તુલસી નોર્મલ થઈ ગયો એ ઘટના એના માટે ખૂબ જ આશ્ચર્યજનક હતી !!

" અરે બેન તમે અહીં આવીને આ શું ચમત્કાર કર્યો ? અને સાહેબ તમારી માફી કેમ માગે છે ? " સ્વાતિ શીતલની સામે જોઈને બોલી.

" સાહેબની ગાડી એક વાર મારા એકટીવાને ટકરાઈ ગઈ હતી. હું પડી ગઈ હતી. એ વખતે મારી ખબર પૂછવાના બદલે સાહેબે જાહેરમાં મારું અપમાન કર્યું હતું અને મારો વાંક હોય એમ ગમે તેમ બોલ્યા હતા." શીતલે વાર્તા કરી.

" એ દિવસે જે થયું એના માટે ખરેખર માફી માગું છું અને આજથી તું મારી નાની બેન છે. અડધી રાત્રે પણ કોઈ કામ હોય તો ગમે ત્યારે તું મને ફોન કરી શકે છે. " તુલસી બોલ્યો.

શીતલે જે રીતે સ્વાતિને જવાબ આપ્યો એ જવાબથી તુલસી ઠક્કરને શીતલ તરફ માન થયું. પોતે વારંવાર એને પજવતો હતો છતાં એણે મારી પત્ની આગળ મારા વિશે કોઈ જ ખરાબ વાત ના કરી.

" હવે તમે એકદમ નોર્મલ છો ભાઈ. બસ આજે જે બોલ્યા છો એ સંબંધ જીવનભર સાચવજો. " કહીને શીતલ તરત બહાર નીકળી ગઈ.

" આ છોકરી કોણ છે ? અને એ આવી કે તરત તમે ચમત્કાર થયો હોય એમ એકદમ સાજા કેવી રીતે થઈ ગયા ? એનો નંબર તમારી પાસે કેવી રીતે છે ? " શીતલના ગયા પછી સ્વાતિએ તુલસીને પ્રશ્નો કર્યા. આ આખી ઘટના એના મગજમાં બેસતી જ ન હતી.

" આ છોકરીને નોકરીની જરૂર હતી એટલે છ મહિના પહેલાં કોઈનો રેફરન્સ લઈને મારી ઓફિસે મને મળવા માટે આવી હતી. એ વખતે એનો નંબર મેં લઈ રાખ્યો હતો. એ પછી ૧૦ દિવસ પહેલાં જ ખાડિયામાં એના એકટીવાને મારી ગાડી અથડાઈ ગઈ હતી અને એ પડી ગઈ હતી." તુલસી એની પત્નીને વાર્તા કરી રહ્યો હતો.

" એ પડી ગયા પછી ગાડીની બહાર નીકળીને મેં એની સાથે ઝઘડો કર્યો હતો અને એને ગમે તેમ બોલ્યો હતો. ભેગા થઈ ગયેલા લોકોએ એને ઊભી કરી હતી. એના હાથે પગે છોલાયુ હતું. એ બિચારી રડવા જેવી થઈ ગઈ હતી. " તુલસી મનમાં શબ્દો ગોઠવી ગોઠવીને વાર્તા કરી રહ્યો હતો.

" એ છોકરી મને તો સીધી રીતે કંઈ કહી શકી ન હતી પરંતુ એણે ગમે તે કર્યું હોય પણ બે દિવસથી રાત્રે મને સપનામાં કોઈ કહી રહ્યું હતું કે શીતલ નામની છોકરીને તેં જે ટક્કર મારી હતી એને બોલાવીને એની માફી માગે તો જ તું બચી શકીશ. સતત બે દિવસ સુધી એક જ સપનું મને આવતું હતું એટલે આજે મેં તને શીતલને બોલાવવાનું કહ્યું. અને તેં પણ જોયું કે એની માફી માગી એ સાથે જ હું એકદમ નોર્મલ પણ થઈ ગયો." તુલસીએ પોતાની વાર્તા પૂરી કરી.

" હા એ વાત તો સાચી છે. એના આવવાથી તરત ચમત્કાર થયો. એ છોકરી તંત્ર મંત્ર જાણતી હશે. " સ્વાતિ બોલી.

" એવું તો મને નથી લાગતું. પણ એનામાં કોઈ શક્તિ તો ચોક્કસ હશે. છોડ હવે... જે હોય તે. ડોક્ટરને બોલાવીને જલ્દી ડિસ્ચાર્જ લઈ લઉં." તુલસી ઠક્કર બોલ્યો અને શીતલની ચર્ચા બંધ કરી.

પત્નીને ગમે તેમ સમજાવીને એણે વાત પૂરી કરી પરંતુ એની આટલી ખરાબ હાલત કરીને એને ફરી પાછો ચમત્કારિક રીતે સાજો કરનાર દેવરાજ વિશે એ જરૂર વિચારમાં પડી ગયો. દુનિયામાં આવું કઈ રીતે થઈ શકે !!

દેવરાજ મુંબઈ પહોંચી ગયો પછી બીજા જ દિવસથી પોતાના પીજી હાઉસનો ચાર્જ એણે લઈ લીધો.

છેલ્લા દસ દિવસનો બધો ફીડબેક અને રિપોર્ટ માગ્યો. એના કર્મચારીઓ સાથે પણ વાત કરી. કોઈના કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો એ પણ એણે સાંભળી લીધાં.

એણે એના મિત્ર કાર્તિક ઓઝાને બોલાવીને પણ એણે એના કામકાજ વિશે પૂછી લીધું.

"કાર્તિક દસ દિવસ માટે હું અમદાવાદ ગયો હતો. ત્યાં શીતલ દેસાઈ સાથે મારી સગાઈ થઈ ગઈ છે. ખૂબ સરસ રીતે આઇટીસી નર્મદા ફાઇવસ્ટાર હોટલના બેન્કવેટ હોલમાં મારી રીંગ સેરીમનીનો પ્રસંગ ઉજવાઈ ગયો. મમ્મી પપ્પાને પણ અમદાવાદ બોલાવ્યા હતા. " દેવરાજ બોલ્યો.

" આ તો બહુ જ સારા સમાચાર આપ્યા. હવે પીજી હાઉસમાં પણ તમારી સરસ મજાની પાર્ટી થઈ જવી જોઈએ. " કાર્તિક હવે પોતાના આ જૂના મિત્ર દેવરાજને બહુમાનથી બોલાવતો હતો કારણ કે એ એનો શેઠ હતો !

" ચોક્કસ એ તો કંઈ પૂછવાનું થોડું હોય ! આવતા રવિવારે આપણી કેન્ટીનમાં તમામ સ્ટુડન્ટ્સ માટે સાંજે ડીનરનો ભવ્ય પ્રોગ્રામ બનાવીએ. કેન્ટીનને પણ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા ને બોલાવી સુંદર રીતે શણગારવાનું કહી દેજે. જરૂર પડે તો આપણા મેનેજર જયરાજ અંકલની પણ મદદ લેજે " દેવરાજ બોલ્યો.

" બસ તો હવે તમારું એ કામ થઈ જશે. પીજી હાઉસમાં રહેનારા પણ ખુશ થઈ જશે. " કાર્તિક બોલ્યો.

" તું આપણા પીજી હાઉસના તમામ રૂમ્સમાં શનિવારે જ આ સમાચાર આપી દેજે કે ડીનર પાર્ટી રાખી હોવાથી રવિવારે સાંજે બધાએ કેન્ટીનમાં જમવાનું છે તેથી કોઈએ બહાર જવાનો પ્રોગ્રામ ન બનાવવો. " દેવરાજ બોલ્યો.

" તમે કેટલું બધું એડવાન્સમાં વિચારો છો ! રવિવાર છે એટલે રજાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ બહાર ફરવા જતા રહે અથવા કોઈ મુવી જોવા પણ જાય. આપણે બધાની રસોઈ બનાવીએ તો પછી રસોઈ પણ વધી પડે. એટલે શનિવારે સૂચના આપી દેવાનું સૂચન ખરેખર સરસ છે. " કાર્તિક બોલ્યો.

અને રવિવાર આવી પણ ગયો. સવારથી જ ઇવેન્ટ મેનેજમેન્ટવાળા આવી ગયા હતા અને કેન્ટીનને તાજાં ફૂલો અને ફૂલમાળાઓથી સુંદર રીતે શણગારવામાં આવી હતી. જમવાના દરેક ટેબલ ઉપર વચ્ચે થોડાં ગુલાબનાં ફૂલો મૂકવામાં આવ્યાં હતાં. સાંજ સુધીમાં તો કેન્ટીન પર્ફ્યુમના સ્પ્રેથી મઘમઘતી હતી !

આગળના ભાગે એક નાનકડું સ્ટેજ પણ બનાવવામાં આવ્યું હતું જ્યાં ઊભા રહીને દેવરાજ માઇકમાં પોતાની સગાઈનું એનાઉન્સમેન્ટ કરે એવી વ્યવસ્થા કરી હતી.

શનિવારે સાંજે જ પીજી હાઉસની તમામ રૂમોમાં જઈને સિક્યુરિટી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી જેથી રવિવારે સાંજે તમામ સ્ટુડન્ટ્સ અને પેઈંગ ગેસ્ટ ડીનરમાં હાજર રહે.

વિદ્યાર્થીઓના પ્રમાણમાં કેન્ટીન નાની હતી એટલે આઠ વાગે વિદ્યાર્થીઓને તથા નવ વાગ્યે વિદ્યાર્થીનીઓ અને પીજી હાઉસમાં રહેતી નર્સોને જમવાનું આમંત્રણ હતું.

જમવામાં શિખંડ, પૂરી, ઊંધિયું, જલેબી, થોડોક કંસાર, દાળ ભાત, ખમણ, પાપડ ચૂરી અને છેલ્લે છાશની વ્યવસ્થા હતી ! આખું મેનુ દેવરાજે પોતે જ નક્કી કર્યું હતું.

બધાંની થાળીઓ પીરસાઈ ગયા પછી જમવાનું ચાલુ થાય તે પહેલાં દેવરાજ કેન્ટીનમાં આવ્યો અને સ્ટેજ ઉપર ઊભા રહી એણે પ્રવચન શરૂ કર્યું.

"વિદ્યાર્થી મિત્રો અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા મારા ભાઈબહેનો... આજની આ ડીનર પાર્ટી મારી સગાઈના ઉપલક્ષ્યમાં રાખવામાં આવી છે. અમદાવાદમાં શીતલ દેસાઈ નામની કન્યા સાથે મારી સગાઈ થઈ છે જેની ખુશીમાં આજે તમને બધાને સહભાગી બનાવવા આ પાર્ટી રાખેલી છે. હું તમને બધાને મારા પોતાના પરિવારના સભ્યો જેવા જ ગણું છું એટલા માટે જ તમારા માટે આ પાર્ટી ગોઠવી છે. તમને પોતાને કોઈ વ્યક્તિગત તકલીફ હોય કે ચિંતા હોય તો પણ તમે મને ગમે ત્યારે મળી શકો છો." દેવરાજ બોલી રહ્યો હતો.

" અને મારી આપ સૌ વિદ્યાર્થીઓને બે હાથ જોડીને એક પ્રાર્થના ! તમે સૌ રોજ થોડોક સમય ફાળવો અને થોડાક વહેલા ઉઠી ગાયત્રી મંત્રની એક ત્રણ અથવા પાંચ માળા ચાલુ કરો. અને પછી તમે જુઓ કે તમારું રિઝલ્ટ કેવું આવે છે ! આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. જો ગાયત્રી મંત્રની માળા તમે કરતા હશો તો પરીક્ષા વખતે ગમે તેવા અટપટા સવાલના જવાબો તમને તમારી અંદરથી જ મળી જશે. તમારે કેરિયર માટે પણ કોઈ ચિંતા નહીં કરવી પડે. મિત્રો મારી આ વાત ગંભીરતાથી લેજો. " દેવરાજ એક અલગ જ ઉર્જાથી બોલી રહ્યો હતો. જાણે કે માં ગાયત્રી એની વાણી દ્વારા બોલી રહી હતી.

" જો તમને ગાયત્રી મંત્ર ના આવડતો હોય તો હું ગાયત્રી મંત્રનાં મોટા અક્ષરે છાપેલાં થોડાં સ્ટીકર મારી ઓફિસમાં લાવી રાખીશ. તમે એ લઈ જઈને તમારા પલંગ પાસે દિવાલ ઉપર ચોંટાડી દેજો. બસ હવે તમે જમવાનું શરૂ કરી શકો છો. " દેવરાજે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

તમામ વિદ્યાર્થીઓએ ઊભા થઈને તાળીઓ પાડી અને દેવરાજના આવા સુંદર વક્તવ્યને વધાવી લીધું અને બધા એક સાથે જ " કોંગ્રેચ્યુલેશન્સ સર " મોટા અવાજે બોલ્યા.

એ પછી બધાએ જમવાનું શરૂ કર્યું અને જમ્યા પછી ભોજનનાં ભરપેટ વખાણ કર્યાં.

રાત્રે નવ વાગે લેડીઝ બેચ જમવા માટે આવી. તમામ વિદ્યાર્થીનીઓ અને ફીમેલ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી છોકરીઓ અને નર્સોને જમવાનું પિરસાઈ ગયું પછી દેવરાજ ફરી કેન્ટીનમાં આવ્યો અને એ જ પ્રવચન આપ્યું જે એણે અગાઉ આપ્યું હતું.

તમામ છોકરીઓ આ અદભુત વક્તવ્ય સાંભળીને મુગ્ધ થઈ ગઈ. કેટલીક ચંચળ મનની ત્રણ ચાર છોકરીઓ જેઓ દેવરાજને જોયો ત્યારથી જ એને પસંદ કરતી હતી એમને શીતલ તરફ ઈર્ષ્યાની લાગણી થઈ આવી ! એમાં વૈદેહીના ૪૨ નંબરના રૂમમાં જ રહેતી એની પાર્ટનર ઝીલ જાની મુખ્ય હતી.

ઝીલ જાની જાણતી હતી કે દેવરાજ કરોડો પતિ છે અને પાછો કુંવારો પણ છે. એ પોતે પણ વૈષ્ણવ વણિક હતી અને રૂપાળી પણ હતી. હંમેશાં લેટેસ્ટ ફેશનનાં કપડાં પહેરતી હતી. એ પણ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં જ ભણતી હતી. દેવરાજની સગાઈના સમાચાર સાંભળીને સૌથી વધુ આઘાત એને લાગ્યો.

એક માત્ર વૈદેહી જ એવી હતી જે ખૂબ ગંભીર હતી. એ પોતે રોજ વહેલી સવારે ઊઠીને ગાયત્રી મંત્રની ત્રણ માળા કરતી હતી. એને દેવરાજ નું આ પ્રવચન ગમી ગયું અને એને દેવરાજને મળવાની ઈચ્છા થઈ.

બે દિવસ પછી દેવરાજની ચેમ્બરમાં જ્યારે કોઈ જ ન હતું ત્યારે સાંજના ટાઇમે વૈદેહી દેવરાજને મળવા એની ચેમ્બરમાં ગઈ. એણે દરવાજો સહેજ ખોલ્યો અને બોલી.

" મે આઈ કમ ઈન સર ? "

" જી આવો ને ..... બેસો. " દેવરાજે પોતાની સામે ગોઠવેલી ખુરશીઓ તરફ ઈશારો કર્યો. વૈદેહીએ એક ખુરશી ઉપર બેઠક લીધી.

" સર મારું નામ વૈદેહી નાયક. વતન મારું વલસાડ. અનાવિલ બ્રાહ્મણ છું. આપનું રવિવારનું વક્તવ્ય મને બહુ જ ગમ્યું અને હૃદયને સ્પર્શી ગયું. " વૈદેહી બોલી.

વૈદેહીની વાત સાંભળીને દેવરાજ એની સામે જોઈ રહ્યો. એના ચહેરા ઉપર તેજ દેખાતું હતું.

" જી થેન્ક્સ. " દેવરાજ માત્ર એટલું જ બોલ્યો. પહેલીવાર વૈદેહી એની સામે આવી હતી. પ્રથમ પરિચય હતો એટલે શું બોલવું એ એને સમજાતું ન હતું.

"સર... ગાયત્રી મંત્ર વિશેની આપની સલાહ મને બહુ જ ગમી ગઈ. હું નાની હતી ત્યારથી જ ગાયત્રી મંત્રની ત્રણ માળા ચાલુ કરેલી અને આજે પણ વહેલી ઊઠીને રોજ ત્રણ માળા કરું છું. તમારા આખાય પ્રવચનની આ જ વાત મને અહીં સુધી ખેંચી લાવી. " વૈદેહી બોલી.

" તમારી વાત સાંભળીને મને બહુ જ સારું લાગ્યું. મેં જે માર્ગ અપનાવ્યો છે એ જ માર્ગે તમે પા પા પગલી ભરી રહ્યાં છો એ જાણી આનંદ થયો. હું તો મારા ગુરુજીની કૃપાથી ગાયત્રી સાધનામાં ઘણો આગળ નીકળી ગયો છું અને કેટલીક દિવ્ય શક્તિઓ પણ મને પ્રાપ્ત થઈ છે. " દેવરાજ બોલ્યો.

" જી સર... મેં પણ એવું સાંભળ્યું છે કે ગાયત્રી મંત્રથી કેટલીક શક્તિઓ આપણને પ્રાપ્ત થાય છે અને ભાવિમાં બનનારી કેટલીક ઘટનાઓને પણ આપણે અગાઉથી જોઈ શકીએ છીએ. મને હજુ સુધી એવી કોઈ શક્તિ તો પ્રાપ્ત નથી થઈ પરંતુ મારા જીવનના સંઘર્ષમાં પણ મને માર્ગ મળતા રહ્યા છે અને સફળતા પણ મળી છે. મારે જે જોઈએ છે તે મને મળે જ છે. " વૈદેહી બોલી.

" ૧૫ મા વર્ષે તમે પિતા ગુમાવી દીધા. એક નાનકડી બહેન પણ છે. મેડિકલ કોલેજમાં નર્સિંગનો એડવાન્સ કોર્સ તમે કરી રહ્યાં છો. તમારાં કોઈ માસી ઘાટકોપર રહે છે. એમની ઉંમર ૬૫ વર્ષ આસપાસ છે." દેવરાજ વૈદેહીની સામે જોઈ રહ્યો હતો. એનાથી આ બધું બોલાઈ ગયું.

" સર આપને મારા વિશે આટલી બધી ડિટેલ્સ કેવી રીતે ખબર ? " વૈદેહી તો દેવરાજની વાત સાંભળીને અવાક જ થઈ ગઈ !

" પરમ દિવસે જ તમારાં એ કીર્તિ માસીને માસિવ હાર્ટ એટેક આવી જશે. બચવાના ચાન્સ ઓછા જ છે. અત્યારે એકદમ તંદુરસ્ત છે. છેલ્લે છેલ્લે એમને જોવાની ઈચ્છા હોય તો ઘાટકોપર આજે જ જતાં રહો. ત્યાં જઈને તમારે એમને ભૂલથી પણ આ બાબતનો કોઈ ઈશારો કરવાનો નથી. તમે જાણે કે જાણતાં જ નથી. એટેક પરમ દિવસે અચાનક જ આવશે. બસ તમે સાક્ષીભાવે માત્ર જોયા કરો. આ છે ગાયત્રી મંત્રનો પ્રભાવ ! આ વાત તમે કોઈને પણ કહેશો નહીં એ મારી શરત છે. " દેવરાજે પોતાની વાત પૂરી કરી.

" જી સર હું કોઈને પણ નહીં કહું. મારા ઘરે પણ એટેકની વાત નહીં કરું. માસીને કહીશ કે બે ત્રણ દિવસ તમને મળવા આવી છું. હું આજે જ નીકળી જાઉં છું સર. આપે કહી દીધું એટલે મને હવે આપની વાતમાં કોઈ જ શંકા નથી. આપની વાણી મને જાણે કે બ્રહ્મની વાણી લાગી ! સર આપના જેવા દૈવજ્ઞને હું નમસ્કાર કરું છું. ગાયત્રી મંત્રમાં આટલી બધી તાકાત હશે એની તો મને આજે જ ખબર પડી !" કહીને વૈદેહીએ માથું નમાવીને બે હાથ જોડી નમસ્કાર કર્યા.

" સર એક વાત પૂછું ? " વૈદેહી બોલી.

" બોલો. " દેવરાજ બોલ્યો.

" સર મારાં માસીના આ એટેકની મને એડવાન્સમાં જાણ કરવા જ મા ગાયત્રીએ આજે મને આપની પાસે તો નહીં મોકલી હોય ને ! કારણ કે આજે આપને મળવાનો તો મારો કોઈ વિચાર હતો જ નહીં. બસ અચાનક જ પ્રેરણા થઈ કે હું આપને મળું ! આ પણ મારી પોતાની ગાયત્રી માળાનો પ્રભાવ હશે ને ? " વૈદેહી બોલી.

" તમે બિલકુલ સાચું સમજ્યાં છો. એ જ ગાયત્રી મહાશક્તિ આજે તમને મારી પાસે લઈ આવી છે. " દેવરાજ હસીને બોલ્યો.

"સર જતાં જતાં એક સવાલ કરું ?"

" જી બોલો. "

" માસીને હું ખૂબ જ પ્રેમ કરું છું. શું આ મૃત્યુને રોકી ન શકાય ? " વૈદેહી બોલી.

" મૃત્યુ એ અવશ્યં ભાવિ છે. એને સંપૂર્ણપણે આપણે રોકી શકતા નથી. હા આપણા શાસ્ત્રોમાં કેટલાક મંત્રો છે જે થોડાક સમય માટે જીવત દાન આપી શકે છે. મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્રમાં એ તાકાત છે. પરંતુ ખાસ સંજોગો સિવાય એનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ. જીવને એના યોગ્ય સમયે ગતિ આપી દેવી જ જોઈએ." દેવરાજ બોલ્યો.

" હું માસી માટે કોશિશ કરી જોઉં ? " વૈદેહી બોલી.

" તમારી ઈચ્છા. " દેવરાજ એટલું જ બોલ્યો.

" ભલે સર. તમારી પાસે ઘણી શક્તિઓ છે બસ મને આશીર્વાદ આપો. " કહીને વૈદેહી ફરી પ્રણામ કરીને બહાર નીકળી ગઈ.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."