પીજી હાઉસ (PG House Novel Part-45)

Related

પીજી હાઉસ પ્રકરણ 45

વૈદેહી કીર્તિ માસીના ઘરે ઘાટકોપર પહોંચી ત્યારે સવારના સવા અગિયાર વાગી ગયા હતા. માસીને સ્મશાને લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી અને વૈદેહીની જ રાહ જોવાઇ રહી હતી.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

વૈદેહી જઈને સીધી સિદ્ધાર્થભાઈને ભેટી પડી અને રડી પડી. એ પછી એ શ્રદ્ધાભાભી પાસે જઈને બેસી ગઈ. એ સમયે તો બીજી કોઈ ચર્ચા થઈ નહીં પરંતુ અગ્નિદાહ પતી ગયા પછી જ્યારે બધા ઘરે આવ્યા અને નજીકના સ્વજનો વિદાય થઈ ગયા એ પછી બપોરે અઢી વાગે ઘરમાં ચર્ચા શરૂ થઈ.

" વૈદેહી તું જેવી નીકળી કે લગભગ ૧૦ થી ૧૫ મિનિટમાં જ મમ્મીએ દેહ છોડી દીધો. તું કાલે આખો દિવસ અને ગઈકાલે રાત્રે પણ એમની સાથે હતી છતાં એમને કંઈ જ ના થયું. " સિદ્ધાર્થ બોલ્યો.

" સિદ્ધાર્થભાઈ મને બધી જ ખબર છે. માસીનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું એ હું જાણતી જ હતી અને એટલા માટે તો હું આવી હતી. હું સતત ૨૪ કલાક સુધી એમની સાથે ને સાથે જ રહી હતી. મારી ઈચ્છા હતી કે મારી હાજરીમાં જ એમનો દેહ છૂટી જાય." વૈદેહી રડમસ અવાજે બોલી.

"શું વાત કરે છે ? તું જાણતી હતી ? મમ્મીને એટેક આવવાનો છે એ તને ખબર હતી ? " સિદ્ધાર્થે આશ્ચર્યથી ઉપરાઉપરી પ્રશ્નો પૂછ્યા.

" હા ભાઈ. સાવ સાચું કહી રહી છું. વર્ષોથી ગાયત્રી મંત્રો હું કરું છું. અનેક અનુષ્ઠાનો પણ કરી ચૂકી છું. ક્યારેક આ રીતે ભાવિ ઘટનાનો અણસાર મને આવી જાય છે. બે દિવસ પહેલાં જ મને સપનું આવ્યું હતું અને કોઈ દિવ્ય શક્તિએ મને કહ્યું હતું કે તાત્કાલિક માસી પાસે પહોંચી જા. આવતી કાલ એમનો છેલ્લો દિવસ છે. એટલે તરત જ હું એ જ દિવસે રાત્રે આવી ગઈ." વૈદેહી બોલી. એ દેવરાજની કોઈ ચર્ચા કરવા માગતી ન હતી.

" અરે પણ તો પછી તારે અમને કહેવું જોઈએ ને !! " સિદ્ધાર્થ આશ્ચર્યથી બોલ્યો. શ્રદ્ધા પણ વૈદેહી સામે જોઈ રહી.

"એવી વાત કેવી રીતે કહું કે માસી થોડા કલાકોનાં મહેમાન છે ? અને માસી એટલાં તંદુરસ્ત હતાં કે મારી વાત કોઈ માને જ નહીં. મને કોઈ છોકરો જોવા માટે આવવાનો નહોતો. હું માત્ર માસી માટે જ આવી હતી. એટલા માટે તો મેં તમને રજા લઈને ઘરે રહેવાની જીદ પકડી હતી." વૈદેહી બોલી રહી હતી.

" મને આવેલું સપનું એટલું બધું સ્ટ્રોંગ હતું કે મને કોઈ શંકા હતી જ નહીં. ગઈકાલે આખી રાત હું સતત જાગતી રહી પરંતુ મારા ગાયત્રી મંત્રના જાપ અને મહામૃત્યુંજય મંત્રના જાપ ના કારણે મૃત્યુ થોડાક કલાકો પાછું ઠેલાઈ ગયું. જેવી હું અહીંથી નીકળી ગઈ કે તરત એમણે દેહ છોડી દીધો." વૈદેહી બોલી.

" માન્યામાં પણ ન આવે એવી વાત તું કરી રહી છે વૈદેહી. પરંતુ તારી વાત ઉપર મને વિશ્વાસ આવે છે. મને રજા લઈને ઘરે રોકાવા માટે તેં ખૂબ જ આગ્રહ કર્યો હતો. ગાયત્રી મંત્રમાં આટલી બધી તાકાત હશે એની તો મને આજે જ ખબર પડી ! " સિદ્ધાર્થ બોલ્યો.

આ જ વાત વૈદેહીને પણ લાગુ પડતી હતી. ગાયત્રી મંત્રમાં આટલી બધી તાકાત હશે એની વૈદેહીને પણ આજે જ ખબર પડી. દેવરાજ પ્રત્યે એને એક આદરભાવ પેદા થયો.

દિવસો વીતતા ગયા. દેવરાજનો ગાયત્રી મંત્ર પ્રત્યેનો અનુરાગ દિવસે દિવસે વધતો જતો હતો. એણે પાંચ માળામાંથી હવે ધીમે ધીમે અગિયાર માળા કરવાની શરૂઆત કરી હતી.

હવે એ નજીકની ભાવિ ઘટનાઓને સ્પષ્ટ જોઈ શકતો હતો. ક્યારેક સામે બેઠેલી વ્યક્તિના વિચારો પણ વાંચી શકતો હતો. ક્યારેક એનાથી કંઈક બોલાઈ જાય તો એ સાચું ઠરતું હતું. એ કોઈ વસ્તુની ઈચ્છા કરે તો તે વસ્તુ અચાનક એને મળી જતી હતી ! એને હવે સિદ્ધપુરુષો અને સંતોનાં પણ સ્વપ્નમાં દર્શન થતાં હતાં.

અમદાવાદથી આવ્યાને એકાદ મહિનાનો ટાઈમ થઈ ગયો હતો. પોષ મહિનો પણ ચાલુ થઈ ગયો હતો. શીતલનો એક ફોન રોજ રાત્રે એના ઉપર આવતો હતો.

દેવરાજ સંસારી બનવા જઈ રહ્યો હતો પરંતુ એની આધ્યાત્મિક દુનિયા અને આધ્યાત્મિક ઊંચાઈ અલગ જ હતી. માનવીમાં યોગ્યતા પ્રાપ્ત થાય એટલે ઈશ્વર એને કંઈ ને કંઈ આપતો જ હોય છે !

દેવરાજ એક વાર શાંતિથી પીજી હાઉસમાં પોતાની ચેમ્બરમાં બેઠો બેઠો માનસિક રીતે ગાયત્રી મંત્ર જપતો હતો ત્યારે સાંજે પાંચ વાગે એના ઉપર મોબાઈલની રીંગ વાગી.

"'દેવરાજ હું સુબોધ મહારાજ બોલું છું. ઓળખાણ પડી ? " સ્વામી સુબોધાનંદ બોલ્યા.

" અરે સ્વામીજી હું તમને ના ઓળખું એવું બને ખરું ? તમે અને નિખિલ મહારાજ તો મારા ભાગ્ય વિધાતા છો. પ્રણામ કરું છું. " દેવરાજ બોલ્યો.

" આવતી કાલે સવારે ૮ વાગે તું બોરીવલી આવી જા. ચંદાવરકર રોડ ઉપર તું જ્યાં પહેલાં આવ્યો હતો ત્યાં જ પટેલ શોપિંગ સેન્ટરમાં હું રોકાયેલો છું. કાલે જ મુંબઈ આવ્યો છું. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. પપ્પાને પણ લેતો આવું ? તમે આવ્યા છો એ જાણીને એ પણ બહુ જ ખુશ થઈ જશે. " દેવરાજ બોલ્યો. સ્વામી સુબોધાનંદ મનમોહન શેઠના ગુરુ હતા.

"ના. હમણાં એમને તું વાત ના કરતો. તારે એકલાએ જ આવવાનું છે. " સુબોધ સ્વામી બોલ્યા.

" ઠીક છે સ્વામીજી. સવારે પહોંચી જઈશ." દેવરાજ બોલ્યો અને ફોન કટ થઈ ગયો.

દેવરાજે રાત્રે જ મનમોહન શેઠને કહી દીધું કે આવતીકાલે સવારે એક અંગત કામથી પોતે બહાર જવાનો છે. શેઠ કદી પણ આ બાબતમાં દેવરાજને કોઈ પ્રશ્ન પૂછતા નહીં. યુવાન પુત્ર હતો અને એને સ્વતંત્રતા આપવી જોઈએ એવું એ માનતા હતા.

" ઠીક છે બેટા. વિઠ્ઠલને કહી દેજે કે સવારે તૈયાર રહે. નંદુ મહારાજને પણ કહી દેજે એટલે વહેલી ચા બનાવી દે." પપ્પા બોલ્યા.

" ગાડી તો હું પોતે જ ડ્રાઇવ કરીશ પપ્પા. સવાર સવારમાં મારે વિઠ્ઠલને ડિસ્ટર્બ કરવો નથી. સાડા છ વાગે હું નીકળી જઈશ. હું નંદુ મહારાજને ચા માટે કહી દઉં છું. " દેવરાજ બોલ્યો.

એણે કિચનમાં જઈને નંદુ મહારાજને સવારે છ વાગે પોતાના રૂમમાં ચા પહોંચાડવાનું કહી દીધું.

દેવરાજ સવારે ૪:૩૦ વાગે જ ઉઠી ગયો અને નાહી ધોઈને ગાયત્રીની ૧૧ માળા પણ કરી દીધી.

નંદુ મહારાજ બરાબર છ વાગે જ ચા લઈને આવ્યા. ચા પીને દેવરાજ તૈયાર થઈ ગયો અને નીચે જઈને એણે ગાડી સ્ટાર્ટ કરી. બોરીવલી પહોંચ્યો ત્યારે આઠ અને દસ મિનિટ થઈ હતી.

ઉપર જઈને દેવરાજે ડોરબેલ વગાડ્યો. સેવકે દરવાજો ખોલ્યો. દેવરાજ અંદર દાખલ થયો અને સીધો સુબોધ સ્વામી દર વખતે જે રૂમમાં રોકાતા હતા એ બેડરૂમમાં અંદર ગયો.

સ્વામીજી નાહી ધોઈને સોફા ઉપર ધ્યાન મુદ્રામાં બેઠેલા હતા. દેવરાજે એમનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને સ્વામીજીની સામે ઉનના આસન ઉપર બેસી ગયો.

" મારે નિખિલ મહારાજ સાથે વાતચીત થતી હોય છે. તારી પ્રગતિ વિશે ઘણું જાણવા મળ્યું. છેલ્લા સવા વર્ષથી હું ગિરનારની ગુપ્ત ગુફામાં હતો અને ત્યાં એક નાગાબાવાના માર્ગદર્શન નીચે મેં હનુમાનજીની સાધના કરેલી. હનુમાનજી પોતે પણ રુદ્ર અવતાર જ છે. આ સાધના દ્વારા મેળવેલી બધી સિધ્ધિઓ મારા સન્યાસી જીવન માટે કામની નથી. " સુબોધ મહારાજ કહી રહ્યા હતા.

" એમાંની એક સર્વજ્ઞતા સિદ્ધિ હું તને આપવા માગું છું. મારે ગઈ કાલે જ નિખિલ મહારાજ સાથે વાત થઈ છે અને આ નિર્ણય એમનો છે. યોગ્ય પાત્ર વગર આ સિદ્ધિ આપી શકાતી નથી. અને મારી અને એમની નજરમાં તારા સિવાય બીજું કોઈ પાત્ર મને દેખાતું નથી." સ્વામીજી બોલ્યા.

" એ આપનો અનુગ્રહ છે સ્વામીજી." દેવરાજ બોલ્યો.

" આ સિદ્ધિ દ્વારા તું સંકલ્પ માત્રથી જે જાણવા માંગે છે તે જાણી શકે છે. કોઈનો પણ ભૂતકાળ જોઈ શકે છે. કોઈપણ વ્યક્તિના પૂર્વજન્મો પણ તું જોઈ શકે છે. સર્વજ્ઞતા એ ત્રિકાળ જ્ઞાનનો જ એક હળવો પ્રકાર છે. ત્રિકાળ જ્ઞાનમાં ત્રણેય કાળનું આપોઆપ જ્ઞાન થાય છે જ્યારે સર્વજ્ઞતામાં સંકલ્પ કરવો પડે છે. " સુબોધ સ્વામી બોલ્યા.

" જી સ્વામીજી. પરંતુ એનાથી મને શું ફાયદો ? મને તો આમાં કંઈ સમજ નથી પડતી કે આવી સિદ્ધિનો મારે શું ઉપયોગ ! કોઈના પૂર્વ જન્મમાં મને રસ પણ નથી. " દેવરાજ બોલ્યો.

" તારો પ્રશ્ન એકદમ સાચો છે. હું પોતે પણ સિદ્ધિથી મોટાભાગે દૂર જ રહું છું. આ સિદ્ધિ તને આપવાની વાત નિખિલ મહારાજે કરી છે એટલે કદાચ એમણે તારા માટે કંઈ વિચાર્યું હોય અથવા ભવિષ્યમાં તને આ સિદ્ધિની જરૂર પડવાની છે એવું એ જાણતા હોય ! " સુબોધ મહારાજ બોલ્યા.

" મારા ગુરુજીએ આપને કહ્યું હોય એટલે પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ઠીક છે હું તૈયાર છું. " દેવરાજ બોલ્યો.

" તું સ્નાન કરીને દસ મિનિટમાં ફરી મારી સામે આવી જા. બાથરૂમમાં ટુવાલ મુકેલો જ છે. માત્ર ટુવાલ વીંટીને જ બહાર આવજે. ગરમ પાણીની પણ અંદર વ્યવસ્થા છે. " સ્વામીજી બોલ્યા.

દેવરાજ એ જ બેડરૂમમાં આવેલા વોશરૂમમાં ગયો અને ઠંડીના દિવસો હતા એટલે ગીઝર ચાલુ કરી ગરમ પાણીથી સ્નાન કરી લીધું. એ પછી એ માત્ર ટુવાલ વીંટીને સ્વામીજીની સામે આવીને બેસી ગયો.

સ્વામીજીએ એના કપાળ ઉપર ચંદન લગાવ્યું. એના માથા ઉપર શિવજીને અર્પણ કરેલું એક બીલીપત્ર મૂક્યું. અને એને આંખો બંધ કરી દેવાનું કહ્યું.

એ પછી સુબોધ સ્વામીએ મંત્રોચ્ચાર ચાલુ કર્યા. એ પૂરા થયા એટલે એમણે હાથમાં થોડું જળ લીધું. એમાં થોડા અક્ષત એટલે કે ચોખા નાખીને ફરી કોઈ સંકલ્પ કર્યો અને હાથમાં રહેલું પાણી દેવરાજના મસ્તક ઉપર રેડ્યું.

આ પાણીનો સ્પર્શ થતાં જ દેવરાજ ના શરીરમાં નીચેથી ઉપર સુધી જાણે કે કોઈ ગલીપચી કરતું હોય એવો અનુભવ થયો. હકીકતમાં એની કુંડલિની જાગૃત થઈને ઉપર નીચે થઈ રહી હતી.

" બસ હવે આંખો ખોલી દે. તારામાં સર્વજ્ઞતા સિદ્ધિ સ્થાપિત કરી દીધી છે. તું જ્યારે પણ કોઈ વ્યક્તિ વિશે અથવા કોઈ ઘટના વિશે કંઈ જાણવા માંગે ત્યારે આંખો બંધ કરીને જે તે વ્યક્તિ કે ઘટના ઉપર ધ્યાન કેન્દ્રિત કરજે. બધાં રહસ્યો તારી સામે આવી જશે. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. " દેવરાજ બોલ્યો.

" બસ મારું કામ પૂરું થઈ ગયું છે હવે તું બાથરૂમમાં જઈને કપડાં પહેરી શકે છે. " સુબોધ સ્વામી બોલ્યા.

દેવરાજ ઊભો થયો અને વોશરૂમમાં જઈને કપડાં પહેરી બહાર આવ્યો અને ફરી સ્વામીજીની સામે આસન ઉપર બેઠો.

" આપણી આ મુલાકાત એકદમ અંગત છે અને કોઈને પણ કહેવાની નથી. હવે મનમોહન શેઠ સાથે આજે હું વાત કરી લઈશ. તારી સગાઈ થઈ ગઈ છે એ વાત મને નિખિલ મહારાજે કરી છે. " સુબોધ મહારાજ બોલ્યા.

" જી સ્વામીજી. સુખી લગ્નજીવન માટે આપના આશીર્વાદ માગું છું." દેવરાજ બોલ્યો.

" મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે. હવે તું જઈ શકે છે. " સ્વામીજી બોલ્યા એટલે દેવરાજ ઉભો થયો અને સ્વામીજીને પ્રણામ કરીને બહાર નીકળી ગયો. એ બહાર નીકળ્યો ત્યારે સવારના સવા નવ વાગ્યા હતા.

દેવરાજે ગાડીમાં બેસીને જેવી ગાડી સ્ટાર્ટ કરી કે ગાડીમાં પાછળથી જાણે કે અવાજ આવ્યો - ગાડીને કાંદીવલી લઈ લે.

એણે ગાડીમાં પાછળ જોયું પરંતુ પાછળ કોઈ જ ન હતું. તો પછી આ સ્પષ્ટ અવાજ ક્યાંથી આવ્યો ?

દેવરાજે એ અવાજની અવગણના કરી કારણ કે કાંદીવલીમાં એ કોઈને પણ ઓળખતો ન હતો.

એણે બોરીવલી સ્ટેશન નજીક આવીને ગાડીને જમણી બાજુ વાળી એસ.વી રોડ ઉપર લીધી. આગળ જઈને એ ગાડીને ડાબી બાજુ વાળીને એક્સપ્રેસ હાઈવે તરફ લઈ જવા માગતો હતો. પરંતુ ઇન્દ્રપ્રસ્થ વટાવીને જેવો ડાબી તરફ હાઇવે તરફ જવાનો બ્રિજ આવ્યો કે ફરીથી અવાજ આવ્યો.

" ગાડીને જમણી તરફ મહાવીરનગર બાજુ લઈ લે. તારે રાજ રેસીડેન્સીમાં જવાનું છે. "

દેવરાજને આવો અનુભવ પહેલીવાર થઈ રહ્યો હતો કે એની પાછળથી કોઈ બોલી રહ્યું હતું અને આદેશ આપી રહ્યું હતું પરંતુ કોઈ દેખાતું ન હતું.

એણે મોબાઇલમાં ડાયરેક્શન મૂકીને ગાડીને રાજ રેસીડેન્સી મહાવીરનગર તરફ લીધી.

રાજ રેસીડેન્સી આવી ગયા પછી એણે સાઈડમાં ગાડીને એવી રીતે પાર્ક કરી કે જેથી ટ્રાફિકને કોઈ અડચણ ન આવે.

રાજ રેસીડેન્સીમાં ત્રણ ટાવર્સ હતાં. એણે ક્યાં જવું એના વિશે કોઈ જ આઈડિયા ન હતો. એ ગાડીમાં એસી ચાલુ રાખીને થોડીવાર બેસી રહ્યો.

પછી અચાનક જ કોઈ ચુંબકીય શક્તિએ એના શરીરનો કબજો લઈ લીધો હોય એમ એ ગાડીમાંથી યંત્રવત બહાર નીકળ્યો અને ગાડીને લોક કરી આગળ ચાલવા લાગ્યો. એણે ગેટમાં પ્રવેશ કર્યો. સિક્યુરિટી વાળો જાણે કે એને ઓળખતો હોય એમ કંઈ પણ બોલ્યો નહીં.

દેવરાજે એક ટાવરની અંદર પ્રવેશ કર્યો અને સીધો લિફ્ટ પાસે જઈને ઉભો રહ્યો. થોડીવારમાં લિફ્ટ નીચે આવી. દેવરાજ અંદર દાખલ થયો. લિફ્ટ એની મેળે ઉપર જઈને ચોથા માળે ઉભી રહી. દેવરાજ બહાર નીકળ્યો. અત્યારે એના ઉપર એનો પોતાનો કોઈ જ કંટ્રોલ ન હતો.

દેવરાજ યંત્રવત્ એક ફ્લેટની પાસે જઈને ઉભો રહ્યો કે તરત જ દરવાજો પણ એની મેળે ખુલી ગયો.

"આવો દેવરાજ. હું તમારી જ રાહ જોતો હતો. " કોઈનો અવાજ આવ્યો.

દેવરાજે અંદર પ્રવેશ કર્યો. વિશાળ ડ્રોઈંગ રૂમમાં લગભગ ૮૦ ૮૫ વર્ષ આસપાસની ઉંમરના એક વડીલ સોફા ઉપર બેઠા હતા. હવે દેવરાજ એકદમ સ્વસ્થ અને નોર્મલ થઈ ગયો હતો.

" મેં જ તમને અહીં બોલાવ્યા છે. તમારે મૂંઝાઈ જવાની કોઈ જ જરૂર નથી." વડીલ બોલ્યા. આટલી ઉંમરે પણ એમના અવાજનો રણકાર ૬૦ વર્ષની ઉંમરના વ્યક્તિ જેવો પડછંદ હતો.

"મૂંઝવણ તો નથી વડીલ પરંતુ છેક બોરીવલીથી જે રીતે તમે અહીં સુધી મને ચુંબકની જેમ ખેંચી લાવ્યા છો એનાથી મને આશ્ચર્ય જરૂર થયું છે. રાજ રેસીડેન્સી સુધી આવ્યા પછી તો જાણે કે મારો બધો જ કંટ્રોલ આપના હાથમાં હતો." દેવરાજ બોલ્યો.

"જગતમાં બધું જ શક્ય છે દેવરાજ. ચમત્કારો આજે પણ બને છે. યોગ અને સાધનાથી ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે. અણુ અને પરમાણુઓથી બનેલું આ વિશ્વ સંપૂર્ણપણે વશ કરી શકાય છે. " વડીલ બોલ્યા.

" જી વડીલ. " દેવરાજ બોલ્યો. એને સમજાતું ન હતું કે એમણે એને કેમ બોલાવ્યો હતો !

" મારું નામ દેવશંકર પાઢ છે. મૂળ વતન દ્વારકા છે નાનપણથી ગાયત્રી મંત્ર ઉપાસક છું અને વર્ષોથી ધ્યાન અને સાધનામાં ડૂબેલો છું. મારી ઉંમર ૮૫ વર્ષ છે. આવતી કાલે હું દેહ છોડી દેવાનો છું. ઈચ્છા મૃત્યુની સિદ્ધિને મેં પ્રાપ્ત કરેલી છે. " દેવશંકર બોલ્યા.

" જી દાદાજી. " દેવરાજ આશ્ચર્યથી દેવશંકર દાદાની વાત સાંભળી રહ્યો હતો. ૮૫ વર્ષ સાંભળી એણે દાદાનું સંબોધન કર્યું. ઉંમરના પ્રમાણમાં એ ૧૦ વર્ષ નાના દેખાતા હતા.

" હું આપને કઈ રીતે મદદ કરી શકું ? અને મને આપે અહીં કેમ બોલાવ્યો છે દાદાજી? " દેવરાજે પૂછ્યું.

" મારે એક જ દીકરો હતો. દીકરા અને એની વહુનું એક અકસ્માતમાં ૧૦ વર્ષ પહેલાં અવસાન થઈ ગયું. એમની ૨૩ વર્ષની એક દીકરી છે. નામ એનું દેવકી છે. એ પણ સંસ્કારી છે અને છેલ્લા પાંચ વર્ષથી એ પણ ગાયત્રીની પાંચ માળા કરે છે. પૈસાની એને કોઈ જ તકલીફ નથી કારણ કે મારા બધા જ પૈસા મેં દેવકીના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે. " દેવશંકર બોલ્યા.

દેવરાજ હજુ સમજી શકતો ન હતો કે આખરે દેવશંકર દાદા શું કહેવા માંગે છે !

" મારો સમય પૂરો થઈ ગયો છે એ મારી પોતાની યોગ વિદ્યાથી અને ગાયત્રીની દિવ્ય શક્તિથી જાણી ગયો છું. એટલે પછી આવતીકાલે જ દેહ છોડી દેવાનો નિશ્ચય કર્યો છે. કાલે દેહ છોડી દઉં તો પછી મારી દીકરીનું શું ? જમાનો ખરાબ છે. આવડા મોટા ફ્લેટમાં એ એકલી ક્યાં સુધી રહે ? શુદ્ધ ચારિત્ર્ય વાળી છે એટલે એના જીવનમાં કોઈ મિત્ર પણ નથી." દાદાજી બોલી રહ્યા હતા.

"ચાર દિવસથી હું કોઈને શોધી રહ્યો હતો. યુનિવર્સમાં દ્રઢ ઈચ્છા શક્તિથી મેં મારો સંકલ્પ મોકલ્યો હતો કે કોઈ આધ્યાત્મિક અને ખાસ કરીને ગાયત્રી ઉપાસક હોય એવી વ્યક્તિ મને મળી આવે જેને હું મારી દેવકીની જવાબદારી સોંપી શકું. અને આજે સવારે ઊંડા ધ્યાનમાં તમારો ચહેરો વારંવાર દેખાયો. તમારું નામ પણ હું જાણી શક્યો." દાદાજી બોલી રહ્યા હતા.

"તમે આજે સવારે બોરીવલીમાં છો એ સંદેશો પણ મને ઉપરથી મળ્યો. મેં ધ્યાનમાં જઈને મારી નજર તમારી ઉપર સ્થિર કરી. જેવા તમે ફ્લેટમાંથી નીચે આવ્યા અને ગાડી સ્ટાર્ટ કરી કે તરત જ મેં સંમોહન વિદ્યાનો ઉપયોગ ચાલુ કર્યો." દેવશંકર દાદા બોલ્યા.

અદ્ભુત ! દાદાજીની વાત સાંભળીને દેવરાજ આશ્ચર્યમાં મૂકાઈ ગયો. ૮૫ વર્ષની ઉંમર સુધીમાં દાદાએ ઈચ્છા મૃત્યુ અને સંમોહન જેવી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."