પીજી હાઉસ પ્રકરણ 46
દેવરાજ સુબોધ મહારાજને મળવા માટે બોરીવલી આવ્યો હતો અને એમણે દેવરાજને એક સિદ્ધિ આપી હતી. આ સર્વજ્ઞતા સિદ્ધિથી દેવરાજ મનમાં સંકલ્પ કરીને કોઈપણ વ્યક્તિનો ભૂતકાળ અને પૂર્વજન્મ જોઈ શકવાનો હતો. મનના વિચારો પણ વાંચી શકવાનો હતો.પીજી હાઉસ નવલકથા
દેવરાજ સુબોધ મહારાજને મળીને બહાર નીકળ્યો ત્યારે દેવશંકર દાદાએ એને કાંદીવલી મહાવીરનગર આવવાનો આદેશ આપ્યો હતો. દાદાનો સંકલ્પ એટલો મજબૂત હતો કે દેવરાજને મહાવીરનગરમાં રાજ રેસીડેન્સીમાં ફ્લેટ ઉપર જવું જ પડ્યું. એ રાજ રેસિડેન્સી પહોંચ્યો ત્યાં સુધી એના મનનો કબજો દાદાએ લઈ લીધો હતો.
૮૫ વર્ષના દેવશંકર દાદા પાસે ઘણી સિદ્ધિઓ હતી. એ વર્ષોથી પ્રખર ગાયત્રી ઉપાસક હતા. એમણે ઈચ્છા મૃત્યુની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
એમણે દેવરાજને કહ્યું કે આવતીકાલે હું દેહ છોડી દેવાનો છું. અને મારી મા બાપ વગરની પૌત્રી તમને સોંપવા માગું છું.
" આવતી કાલે સવારે આઠ વાગે હું દેહ છોડી દઈશ. એ વખતે તમે હાજર રહેજો. સ્મશાનમાં અગ્નિદાહ તમે અને મારી પૌત્રી દેવકી દેજો. મેં દેવકીને પણ મારા મૃત્યુની જાણ કરી દીધી છે. મારાં અંગત સગાંસંબંધી અહીં કોઈ જ નથી. માત્ર ત્રણ મિત્રો છે જેના નંબરો દેવકી પાસે છે. એમને બોલાવી લેજો. " દેવશંકર દાદા બોલી રહ્યા હતા.
" આ મારો ૨૦૦૦ ચો.ફીટનો ફ્લેટ દેવકીના નામે કરી દીધો છે. એને એકલા એકલા અહીં ગમશે નહીં એટલે જો તમે તમારી સાથે એની વ્યવસ્થા કરી શકતા હો તો મને આનંદ થશે. તમે દેવકી સાથે લગ્ન કરવા માગતા હશો તો પણ મારા આશીર્વાદ તમારી સાથે છે. તમારા વિશે હું વધુ જાણતો નથી એટલે આ હું કહી રહ્યો છું." દાદાજી બોલ્યા.
" જી દાદાજી ...પરંતુ મારી સગાઈ અમદાવાદ શીતલ નામની કન્યા સાથે હમણાં જ થઈ છે અને વૈશાખ મહિનામાં લગ્નનું પણ વિચારી રહ્યો છું. એટલે દેવકી સાથે લગ્ન તો હું ના કરી શકું. હા મારું પોતાનું ગિરગાંવમાં પીજી હાઉસ છે. હું દેવકીને ત્યાં રાખી શકીશ. ચાર છોકરીઓ વચ્ચે શેરિંગ હોય છે. એને બીજી છોકરીઓની કંપની પણ ત્યાં મળશે. અને હું પોતે જ એ પીજી હાઉસ ચલાવું છું. ત્યાં જમવાની પણ બધી જ વ્યવસ્થા છે." દેવરાજ બોલ્યો.
" તો તો અતિ ઉત્તમ. મારી ઘણી ચિંતા તમે ઓછી કરી નાખી. વહેલામાં વહેલી તકે તમે એને પીજી હાઉસમાં શિફ્ટ કરી દેજો." દાદાજી બોલ્યા.
" અને આ ફ્લેટ તમારો જ છે એમ માનીને ચાલજો. કોઈ ખરીદનાર મળે તો એને વેચીને જે પૈસા આવે તે દેવકીના ખાતામાં ટ્રાન્સફર કરી દેજો. તમે પોતે અહીં રહેવા માંગતા હો તો પણ વાંધો નથી અને ભાડે આપવા માંગતા હોય તો પણ મને વાંધો નથી. કારણ કે આ સંસારથી હવે હું મુક્ત થઈ રહ્યો છું." દાદાજી બોલી રહ્યા હતા.
" જી દાદાજી તમારી રજા હોય તો આ ફ્લેટ હું જ ખરીદી લઉં. અત્યારે તો મારે જરૂર નથી પરંતુ ભવિષ્યમાં મારા મામાને મુંબઈ સેટ કરવાની મારી ઈચ્છા છે. તમે જે કહો તે રકમ હું દેવકીના ખાતામાં ટ્રાન્સફર કરવા તૈયાર છું. એરિયા પણ ઘણો સરસ છે. " દેવરાજ બોલ્યો.
" ઈશ્વરે જ તમને મારી પાસે મોકલ્યા છે. તમને જે યોગ્ય લાગે તે દેવકીના ખાતામાં ટ્રાન્સફર કરી દેજો. મારી બધી જ ચિંતાઓ તમે દૂર કરી દીધી. હવે હું મુક્ત મને આવતી કાલે મારો દેહ છોડી શકીશ " દાદાજી બોલ્યા.
" દાદાજી તમે મારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો છે તો મારી ફરજ બને છે. " દેવરાજ બોલ્યો.
" હવે એક અગત્યની વાત. ગાયત્રી સાધનાથી મળેલી એક સિદ્ધિ હું તમને આપવા માગું છું. મેં જોઈ લીધું છે કે તમે અધિકારી વ્યક્તિ છો." દાદાજી બોલ્યા.
" દાદાજી તમે મારા દાદાની ઉંમરના છો. તમે મને તું કહી શકો છો. " દેવરાજ બોલ્યો.
" ના બેટા. હું મારી પૌત્રી સિવાય હંમેશા બધાને માનથી જ બોલાવુ છું. મોટાભાગે કોઈને પણ તુંંકારો કરતો નથી. મારી પત્નીને પણ હું તમે કહેતો હતો અને મારી પુત્રવધુને પણ હું તમે જ કહેતો હતો. ઘરે જે કામવાળી આવે છે એને પણ હું તમે જ કહીને બોલાવું છું. " દાદાજી બોલ્યા.
" જી દાદા હું તમને સમજી શકું છું. આ એક ઉત્તમ સંસ્કાર છે." દેવરાજ બોલ્યો.
"તમારી પાસે કઈ કઈ સિદ્ધિઓ છે એ હું જાણી ગયો છું. આજે તમને જે સિદ્ધિ હું આપવાનો છું એ પણ જીવનમાં ક્યારેક ઉપયોગી થઈ પડશે. આ સિદ્ધિથી તમે કોઈપણ વસ્તુને પેદા કરી શકો છો. આ સિદ્ધિમાં સૂર્યના કિરણોનો ઉપયોગ થતો હોય છે. " દાદાજી બોલી રહ્યા હતા.
"તમને આ સિદ્ધિ મળ્યા પછી તમે કોઈપણ વસ્તુનો સંકલ્પ કરો તો તરત જ એ તમારા હાથમાં આવી જશે. જો વસ્તુ નાની હશે તો તરત જ તમારી સામે આવશે કોઈ મોટી વસ્તુ માગો તો થોડીક મિનિટો રાહ જોવી પડશે." દાદાજી બોલ્યા અને એમણે એક ડીશનું સર્જન કર્યું અને દેવરાજ ના હાથમાં આપી. બે મિનિટ પછી ગરમ ગરમ ગાંઠીયા અને તળેલાં મરચાં એ ડીશમાં આવી ગયાં.
" આ તમારો સ્વાગત નાસ્તો છે. હું સૌરાષ્ટ્રનો છું એટલે મને કાઠીયાવાડ ટાઈપની મહેમાન ગતિ કરવી જ ગમે. હમણાં ચા પણ આવી જશે. " દાદાજી હસીને બોલ્યા.
દેવરાજે ગાંઠિયાનો નાસ્તો કરી લીધો. અસલ સૌરાષ્ટ્રનો ટેસ્ટ હતો. થોડીવાર પછી ચા ભરેલો કપ પણ દાદાજીના હાથમાં આવી ગયો જે એમણે દેવરાજને આપ્યો. દેવરાજે ચા પણ પી લીધી.
" દાદાજી આ બધું કેવી રીતે પેદા થાય છે ? કોઈની દુકાનમાંથી આવે છે ? " દેવરાજે કુતૂહલથી પૂછ્યું.
" આ ડીશ આ કપ રકાબી આ ચા આ નાસ્તો એ બધી જ વસ્તુઓનું સૂર્યના કિરણોમાંથી સર્જન કરીને તમને આપ્યું. પહેલાં સ્પષ્ટ આદેશ આપવો પડે કે સૌરાષ્ટ્રના ગાંઠિયાનું સર્જન થાઓ અને પછી જેવા ગાંઠિયા જોઈતા હોય એનું માનસિક ચિત્ર જોવું પડે. તમે જેવી કલ્પના કરો એવી વસ્તુ તમારી સામે આવે. " દાદાજી સમજાવી રહ્યા હતા.
" એ જ પ્રમાણે આદુવાળી ચા પણ પ્રગટ કરી. આદુવાળી ચા પી રહ્યો છું એવી કલ્પના કરી. આ બધી પ્રક્રિયામાં અણુ પરમાણુઓનું વિઘટન અને રૂપાંતર થતું હોય છે. વસ્તુ બની ગયા પછી એમાં તમારી કલ્પના પ્રમાણે સ્વાદ અને સુગંધ પણ ભળે છે. હવે આ ડીશ અને કપ રકાબી ફરી સૂર્યનાં કિરણોમાં સમાઈ જશે. " દાદાજી બોલ્યા અને ખરેખર બધું જ અદ્રશ્ય થઈ ગયું.
" દાદાજી જો આવું જ થઈ શકતું હોય તો પછી આપણને રોજ ઘરમાં રસોઈ કરવાની જરૂર જ ના પડે. બધી રસોઈ પ્રગટ થઈ જાય." દેવરાજ બોલ્યો.
"તમારો પ્રશ્ન સાચો છે. પણ કોઈ એક વસ્તુ પ્રગટ કરવા માટે તમારે એનર્જી વાપરવી પડે છે. તમે મર્યાદિત વસ્તુઓ જ પ્રગટ કરી શકો. આખા ઘરની રસોઈ કરવા માટે તમારે ઘણી બધી એનર્જી વાપરવી પડે. અને મારી માન્યતા પ્રમાણે એ સિદ્ધિનો દુરુપયોગ જ કહેવાય. રોજ રોજ એનો ઉપયોગ ન થાય. અને આ સિદ્ધિનું કોઈની સામે કદી પણ પ્રદર્શન ન થાય. આ સિદ્ધિ ઇમરજન્સી એક્ઝિટ જેવી છે. " દાદાજી હસીને બોલ્યા.
" તમે બે વાર સ્નાન કરીને આવ્યા છો તે મને ખબર છે એટલે સ્નાન વિધિ નથી કરવી. તમે આંખો બંધ કરીને ધ્યાનસ્થ મુદ્રામાં બેસી જાવ અને મનમાં ગાયત્રી મંત્રનું રટણ કરો. તમારી ઓરા અને તમારાં સાત ચક્રો હું ક્લીન કરી દઉં છું " દેવશંકર દાદા બોલ્યા અને ઊભા થયા.
દેવરાજ પાસે આવીને એમણે એના શરીરની આજુબાજુ માથાથી પગ સુધી શરીરને સ્પર્શ ન થાય એ રીતે બન્ને સાઈડ ત્રણ વાર હાથ ફેરવ્યો અને માનસિક મંત્રો બોલીને ઓરાને ક્લિન કરી દીધી. દેવરાજને કંઈક અદભુત અનુભૂતિ થઈ રહી હતી.
એ પછી એમણે દેવરાજના શરીર ઉપર છેક નીચે મૂલાધાર ચક્ર થી શરૂ કરીને ડુંટીમાં રહેલા મણીપુર ચક્રને સ્પર્શ કરીને હૃદય પાસે અનાહત ચક્ર થઈ ઉપર છેક મસ્તક સુધી એમણે હાથ ફેરવ્યો. દેવરાજને પીઠમાં કરંટ પસાર થતો હોય અને એક પ્રકારની ગલીપચી થતી હોય એવો અનુભવ થયો.
" તમારા નીચેનાં ચાર ચક્રો જાગૃત થઈ ચૂક્યાં છે. તમે સમાધિ અવસ્થા નો અનુભવ કર્યો હોય એમ લાગે છે. કારણ કે સાતે સાત ચક્રોમાં મને કરંટ નો અનુભવ થયો." દાદાજી બોલ્યા.
" જી દાદાજી. મારા ગુરુજી સ્વામી આત્માનંદજીએ મને ગાયત્રી મંત્રનો શક્તિપાત આપીને ઇન્દોરમાં સમાધિનો અનુભવ કરાવ્યો છે. " દેવરાજ બોલ્યો. એને ખ્યાલ આવી ગયો કે દાદાજી ઘણા બધા આગળ વધેલા છે.
" બસ હવે આંખો બંધ જ રાખો. હું મારી એ સિદ્ધિ તમારામાં ટ્રાન્સફર કરી દઉં છું. " કહીને દાદાજીએ દેવરાજના માથામાં ચોટીના ભાગ ઉપર પોતાના જમણો હાથ મૂક્યો અને મનમાં કેટલાક મંત્રોચ્ચાર કર્યા.
" હવે આંખો ખોલી શકો છો. તમે આ સિદ્ધિનો મારી સામે જ અત્યારે ટેસ્ટ કરી શકો છો. તમને જે પણ વસ્તુ જોઈતી હોય એ તમે મનમાં સંકલ્પ કરીને માંગો. પછી એ ફળ ફૂલ પણ હોઈ શકે છે. " દાદાજી હસીને બોલ્યા.
દેવરાજે આંખો બંધ કરીને ગુલાબનાં અને મોગરાનાં બબ્બે ફૂલની સૂર્યને યાદ કરી માગણી કરી. ગુલાબ અને મોગરાની કલ્પના પણ કરી. એ પછી પોતાનો ખોબો આગળ ધર્યો. એક મિનિટનો સમય પણ નહીં થયો હોય અને એના ખોબામાં ચાર ફૂલ આવી ગયાં.
દેવરાજે એ ચારે ચાર ફૂલ દાદાજીના ચરણોમાં મૂકી દીધાં.
" આદાન પ્રદાન એ જગતનો નિયમ છે દાદાજી. તમે મને સિદ્ધિ આપી તો હું તમારાં ચરણોની પૂજા સ્વરૂપે આ ફૂલ તમને અર્પણ કરી રહ્યો છું. " દેવરાજ બોલ્યો.
" તમારામાં ઘણા સારા સંસ્કાર છે અને આ બધી વસ્તુઓનું જ્ઞાન પણ ઘણું છે. આ સિદ્ધિ ભવિષ્યમાં તમને ચોક્કસ ઉપયોગમાં આવશે. આ સિદ્ધિ પરોપકાર માટે ખૂબ સારી રીતે કામ કરે છે. પોતાના સ્વાર્થ માટે બને ત્યાં સુધી એનો ઉપયોગ ના કરવો. કોઈને જમાડવામાં રસોઈ ખૂટી ગઈ હોય તો આ સિદ્ધિ અન્નપૂર્ણા જેવું કામ કરે છે. " દાદાજી બોલ્યા.
" હવે હું મારી પૌત્રી દેવકીને બોલાવું છું અને એનો પરિચય કરાવું છું. મેં એને હમણાં કિચનમાંથી બહાર ના આવવા સૂચના આપી છે. તમારે આજે અહીં જ જમવાનું છે. પૃથ્વી ઉપર મારો આજે છેલ્લો દિવસ છે એટલે બ્રાહ્મણ તરીકે તમે મારા ઘરે જમો. રસોઈ દેવકી જ બનાવી રહી છે. " દાદાજી બોલ્યા અને એમણે દેવકીને બૂમ પાડી.
" અરે દેવકી બેટા જરા ડ્રોઈંગ રૂમમાં આવી જા. તને એક પરિચય કરાવવાનો છે. " દાદાજી બોલ્યા.
" જી દાદા. " કિચનમાંથી દેવકીનો અવાજ આવ્યો.
બે મિનિટમાં જ દેવકી ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ અને એણે આવીને તરત જ દેવરાજને બે હાથ જોડયા અને પછી ચરણસ્પર્શ પણ કર્યા. એ પછી એ પણ સોફામાં બેઠી.
દેવરાજ તો દેવકીને જોઈ જ રહ્યો. દેખાવમાં અને સૌંદર્યમાં એ પણ શીતલથી જરા પણ કમ ન હતી. જો એની સગાઈ શીતલ સાથે ના થઈ હોત તો દાદાજીના કહેવાથી એણે દેવકીનો હાથ જરૂર પકડી લીધો હોત.
પરંતુ દેવરાજ એક આધ્યાત્મિક અને ચારિત્ર્યવાન પુરુષ હતો એટલે એની દ્રષ્ટિમાં કોઈ વિકાર ન હતો.
" આ મારી પૌત્રી દેવકી જેનો સંપૂર્ણ પરિચય મેં આપી દીધો છે. અને દેવકી આ દેવરાજ શેઠ છે. વાલકેશ્વરમાં એમનો ફ્લેટ છે અને ગીરગાંવમાં એમનું પોતાનું પીજી હાઉસ છે. કાલે હું દેહ છોડી દઉં પછી તારે એમના પીજી હાઉસમાં શિફ્ટ થઈ જવાનું છે." દાદાજી દેવકી સામે જોઈને બોલી રહ્યા હતા.
" આ દેવરાજ ગાયત્રી સિદ્ધ વ્યક્તિ છે અને આ ઉંમરે એમનામાં પણ ઘણી સિદ્ધિઓ છે. મૃત્યુના દ્વારે ઊભો છું માટે મેં પણ હવે મારી એક સિદ્ધિ એમને અર્પણ કરી દીધી છે. કાલે સવારે દેવરાજ આપણા ઘરે આવી જશે અને મારી મુક્તિ સમયે એ હાજર જ રહેશે. મેં તને મારા ત્રણ મિત્રોના નંબર લખાવેલા છે. તું એમને બોલાવી લેજે. અગ્નિદાહ પણ તમે બંને આપજો. " દાદાજી બોલ્યા.
" તારી બધી જ જવાબદારી આ દેવરાજ શેઠે લઈ લીધી છે. આપણો આ ફ્લેટ પણ એ ખરીદી રહ્યા છે અને જે પણ રકમ નક્કી થાય એ તારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. મારો દેહ છૂટી જાય પછી એકલી તું અહીં રહે એ યોગ્ય નથી. એમણે તારી જવાબદાર લીધી છે માટે એમના પીજી હાઉસમાં તું શિફ્ટ થઈ જજે. તારા મનમાં કોઈ દ્વિધા હોય કે કોઈ સવાલ હોય તો અત્યારે મને પૂછી શકે છે. " દાદાજી બોલ્યા.
"અને દેવરાજ... મારી પૌત્રીની સંપૂર્ણ જવાબદારી હવે તમારી છે. તમારી સગાઈ થઈ ચૂકી છે એટલે વધારે તો હું શું કહું બાકી મારી ઈચ્છા તો એનાં લગ્ન તમારી સાથે જ કરાવવાની હતી. ઈશ્વરને જે મંજૂર હોય તે થશે પણ તમે એને સાચવજો. " દાદાજી દેવરાજને સંબોધીને બોલ્યા.
" દાદાજી તમે જરા પણ ચિંતા ના કરો. દેવકી મારા પીજી હાઉસમાં ખુશ રહેશે. એ તમારી અમાનત છે અને એને કોઈ પણ જાતની તકલીફ હું નહીં પડવા દઉં. હું બધી જ રીતે એની રક્ષા કરીશ. ઈશ્વરકૃપાથી પૈસાની મને કોઈ જ તકલીફ નથી." દેવરાજ બોલ્યો.
" સોરી હું તમને શું કહીને બોલાવું ? " દેવકી બોલી. દાદાએ દેવરાજ સાથે એના લગ્નની વાત છેડી હતી એટલે એ થોડી શરમાઈ ગઈ હતી.
" તું અત્યારે એમને સર કહીને જ બોલાવ. સંબંધોના આટાપાટા આગળ ઉપર બદલાઈ જશે. " દેવશંકર દાદા જાણે કોઈ આગાહી કરતા હોય એમ ગંભીર થઈને બોલ્યા.
" ઓકે દાદાજી... અને સર તમને મળીને ખૂબ જ આનંદ થયો. આઈ એમ ઇમ્પ્રેસ્ડ ! મને પીજી હાઉસમાં આવવામાં કોઈ જ વાંધો નથી. મારા દાદાજીનો આદેશ મારા માટે બ્રહ્મ વાક્ય છે. મારું ભવિષ્ય હવે તમારા જ હાથમાં છે. " દેવકી હસીને બોલી.
દેવકી દેવરાજ જેવા હેન્ડસમ યુવાનને મળીને અને એના વિશે જાણીને વિચલિત થઈ ગઈ હતી !! પરંતુ સાથે સાથે એની સગાઈના સમાચાર સાંભળીને થોડી ડિસ્ટર્બ પણ થઈ હતી.
" બેટા ૧૧ વાગી ગયા છે હવે તમે લોકો જમી લો. હું પછીથી જમીશ. તારા હાથની રસોઈ એને જમાડ. " દાદાજી હસીને બોલ્યા.
" ચાલો સર. હું તમને વોશબેસિન બતાવી દઉં. હાથ ધોઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાઓ." દેવકી બોલી.
દેવરાજ ઉભો થયો અને દેવકીની પાછળ પાછળ ગયો. હાથ ધોઈને એ ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયો.
" આજે પહેલી વાર તમે અમારા ઘરે આવ્યા છો સર. તમને શું ભાવે છે શું નહીં મને કંઈ જ ખબર નથી. તમારા વિશે હું કંઈ જ જાણતી ન હતી એટલે મેં તો મને ભાવતી પંજાબી ડીશ બનાવી છે. મને કુકિંગમાં રસ હોવાથી નવી નવી ડીશો બનાવવાનો શોખ છે." દેવકી હસીને બોલી.
" જિંદગીના બધા જ રસ ચાખવા જોઈએ અને જીવનને આનંદથી માણવું જોઈએ. બધું જ મને ફાવે છે અને બધું જ મને ભાવે છે. " દેવરાજ પણ હસીને બોલ્યો.
" અરે અરે અરે ! આટલા ભારેખમ શબ્દો ન વાપરો. તમે તો ફિલોસોફરની જેમ વાત કરી. મેં તમારા માટે પરોઠા, પનીરભુરજી અને વેજીટેબલ કોફતાની સબ્જી બનાવી છે. સાથે તમે જો ખાતા હો તો કાંદા અને છાસ પણ છે." દેવકી બોલી.
" બધું જ પીરસી દો. કાંદા લસણ પ્રત્યે મને કોઈ વૈરાગ્ય નથી." દેવરાજ બોલ્યો.
" તમે વાતો બહુ મજાની કરો છો સર." દેવકી બોલી અને એણે દેવરાજને પીરસવાનું ચાલુ કર્યું.
પરોઠા તાજા બનાવેલા જ હતા એટલે એકદમ ગરમ જ હતા. સાથે એણે બંને શાક પીરસી દીધાં અને હોટેલ ની જેમ ગોળ ગોળ પિત્તા પાડેલી ડુંગળી તેમજ એક ગ્લાસ ભરીને ગાઢી છાસ પણ આપી.
" લાજવાબ ! બંને સબ્જી એટલી બધી ટેસ્ટી બની છે દેવકી કે ખરેખર દિલથી હું પ્રશંસા કરું છું. મોટાભાગે ગુજરાતી થાળી ખાવાની જ ટેવ હોવાથી આજનો આ પંજાબી ટેસ્ટ અદભુત લાગ્યો. આઈ અપ્રેસિયેટ ! " દેવરાજ બોલ્યો.
" તમે મારી રસોઈની આટલી બધી પ્રશંસા કરી એટલે મને તો જાણે કોઈ મોટો એવોર્ડ મળ્યો હોય એટલો આનંદ થયો ! " દેવકી સહેજ શરમાઈને બોલી.
દેવકી આકર્ષક તો હતી જ અને વાતો પણ સરસ કરતી હતી. હસમુખી પણ હતી. રસોઈ પણ ખૂબ જ સરસ બનાવતી હતી. દેવકીને મળીને દેવરાજના દિલમાં માનવ સહજ થોડીક ઉથલપાથલ જરૂર થઈ હતી.
ના ના... મારે દેવકીને બીજી કોઈ દ્રષ્ટિથી જોવી ના જોઈએ. હું શીતલનો થઈ ચૂક્યો છું. એનો હાથ મેં પકડી લીધો છે તો બીજો હાથ હું કેવી રીતે પકડી શકું ?
તો પછી દેવશંકર દાદા એવું કેમ બોલ્યા હશે કે સંબંધોના આટાપાટા આગળ ઉપર બદલાઈ જશે !! કંઈ સમજાતું ન હતું.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

