પીજી હાઉસ પ્રકરણ 47
દેવરાજ કાંદીવલીના મહાવીરનગરમાં રાજ રેસીડેન્સીમાં દેવશંકર દાદાના ઘરે આવ્યો હતો અને ત્યાં દાદાજીએ એને કોઈપણ ઇચ્છિત વસ્તુ સૂર્યનાં કિરણોમાંથી પ્રગટ કરવાની સિદ્ધિ આપી હતી.પીજી હાઉસ નવલકથા
એ બધું પતી ગયા પછી દાદાજીએ દેવરાજને જમીને જવાનો આગ્રહ કર્યો એટલે દેવકીએ પોતે જાતે બનાવેલી પંજાબી ડીશ ખૂબ જ ભાવથી દેવરાજને જમાડી.
દેવરાજ દેવકીના વાચાળ અને હસમુખા સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. એને એક વિચાર એવો પણ આવી ગયો કે જો શીતલ સાથે એની સગાઈ ના થઈ હોત તો મા બાપ વગરની આ હસમુખી કન્યાને એ જરૂર પત્ની તરીકે સ્વીકારી લેત !
જમ્યા પછી દેવરાજ દાદાજીને પ્રણામ કરીને બહાર નીકળી ગયો અને જેવો ગાડીમાં બેઠો કે તરત જ મનમોહન શેઠનો ફોન આવ્યો.
" બેટા જમવાનો ટાઈમ થઈ ગયો છે. તું ક્યાં છે અત્યારે ? "
" પપ્પા હું અત્યારે કાંદીવલી એરિયામાં છું અને મેં જમી લીધું છે મને પહોંચતાં કદાચ એક વાગી જશે."
" ઠીક છે. તો પછી હું જમીને ઓફિસ જવા માટે નીકળી જઈશ. " પપ્પા બોલ્યા.
" હા પપ્પા. હું પણ હવે ઘરે આવવાના બદલે સીધો પીજી હાઉસ જઈશ. " દેવરાજ બોલ્યો.
દેવરાજ રાત્રે વાલકેશ્વર પોતાના ઘરે આવ્યો ત્યારે મનમોહન શેઠે એને સ્વામી સુબોધાનંદજીના સમાચાર આપ્યા.
" દેવરાજ આપણા ગુરુજી સુબોધ મહારાજ બોરીવલીમાં આવ્યા છે. આજે બપોરે જ એમનો ફોન હતો.
મેં એમને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. પરંતુ બે ત્રણ દિવસ તો એમનું શિડયુલ ખૂબ જ ટાઈટ છે. આ વખતે આપણે જ ત્યાં જઈને એમનાં દર્શન કરી આવવાં પડશે. " મનમોહન શેઠ બોલ્યા.
"જી પપ્પાજી. તમે જ્યારે પણ કહેશો ત્યારે આપણે જઈ આવીશું." દેવરાજ બોલ્યો. એ પોતે સુબોધ મહારાજને મળી આવ્યો છે એ વાત જણાવવાની સુબોધ મહારાજે જ ના પાડી હતી.
" અને પપ્પાજી... આવતી કાલે પણ વહેલી સવારે મારે કાંદીવલી જવું પડશે. મારા દૂરના એક સગાની હાલત ક્રિટીકલ છે. મને એવું લાગે છે કે કાલ સુધીમાં એમનો દેહ છૂટી જશે. જો કદાચ એમને કંઈ થઈ જાય તો મને આવતાં મોડું થઈ જશે. આજની જેમ કાલે પણ તમે અને મમ્મી લોકો જમી લેજો. " દેવરાજ બોલ્યો.
" અમારી ચિંતા ના કરીશ. આવા સમયે તો તારે ત્યાં હાજર રહેવું જ જોઈએ." શેઠ બોલ્યા.
" જી પપ્પાજી. " દેવરાજ બોલ્યો.
બીજા દિવસે સવારે ૭:૩૦ વાગ્યે જ દેવરાજ રાજ રેસીડેન્સી પહોંચી ગયો. આજે તો દેવકીએ જ દરવાજો ખોલ્યો.
" વેલકમ સર. દાદાજી તમારી જ રાહ જોતા હતા. " દેવકી હસીને બોલી.
દેવરાજ ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી દાદાને ચરણસ્પર્શ કરીને સોફા ઉપર બેઠો. દાદાજી પણ ગઈકાલની જેમ એક સિંગલ સોફા ઉપર બેઠા હતા. હંમેશા એ આ જ સોફા ઉપર બેસી રહેતા અને અહીં જ એ પોતે ધ્યાનમાં ઊંડા ઊતરી જતા.
" આવો. " દાદાજી બોલ્યા.
" જી દાદાજી. " દેવરાજ બોલ્યો.
" દેવકી બેટા દેવરાજ માટે ચા બનાવ. મને પણ થોડીક આપજે. દેહ છોડતાં પહેલાં કોઈ ઈચ્છા બાકી રહેવી ના જોઈએ. " દાદાજી હસીને બોલ્યા.
દેવરાજને સમજાતું જ ન હતું કે એકદમ તંદુરસ્ત દેખાતા આ દાદાજી અચાનક પ્રાણ કેવી રીતે ત્યાગી દેશે !
ચા આવી ગઈ. પીવાઈ ગઈ. ચા પીધા પછી દાદાજી ઉભા થયા અને બાથરૂમમાં સ્નાન કરવા ગયા.
" દેવકી એક સવાલ પૂછું ? " દેવરાજ બોલ્યો. દેવકી ત્યાં જ બેઠેલી હતી.
" પૂછો ને સર ... મારી રજા લેવાની થોડી હોય ? " દેવકી હસીને બોલી.
" દાદાજીના જીવનનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દસ વર્ષથી તું એમની સાથે ને સાથે રહે છે. ગઈકાલથી હું જોઈ રહ્યો છું કે દાદાજીના મૃત્યુનો તને કોઈ જ શોક કે આઘાત નથી. તું એકદમ નોર્મલ રીતે જ વાત કરી રહી છે. આવા સમયે તું હસી પણ શકે છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે. " દેવરાજ બોલ્યો.
" તમારી જગ્યાએ તમે સાચા છો સર. પણ છેલ્લા એક વર્ષથી દાદાજી પોતાના મૃત્યુ વિશે જાણે છે. તેમના ગયા પછી હું એકલી પડી જવાનો છું એ પણ એમને ખબર જ છે. છેલ્લા એક વર્ષમાં જીવન અને મૃત્યુનાં ઘણાં રહસ્યો એમણે મને સમજાવ્યાં છે. આખી ગીતાનો સાર પણ એમણે મને અનેક વાર કહ્યો છે. " દેવકી ગંભીર થઈને બોલી રહી હતી.
" મને પણ એમની માયા છે. એમની વિદાયનું મને પણ દુઃખ છે સર. પરંતુ એમણે વારંવાર મને શિખામણ આપી છે કે મારા મૃત્યુને મંગલમય બનાવજે. મારા મૃત્યુનો કોઈપણ જાતનો શોક તું કરીશ નહીં. દાદાજીએ પોતાની શક્તિથી મને ટ્રાન્સમાં લઈ જઈને મારા મમ્મી અને પપ્પાનાં છ મહિના પહેલા દર્શન પણ કરાવેલાં છે." દેવકી બોલી રહી હતી.
" મમ્મીનો જન્મ ફરી ઉત્તર ભારતના કોઈ શહેરમાં એક કન્યા તરીકે થઈ ચૂક્યો છે અને અત્યારે એમની ઉંમર ચાર વર્ષની છે. જે ઘરમાં જન્મ થયો છે એ ઘર પણ એમણે મને બતાવ્યું. પપ્પાનો જન્મ હજુ થયો નથી અને એ સૂક્ષ્મ અવસ્થામાં છે અને ખુશ છે એ પણ એમણે મને પ્રત્યક્ષ બતાવ્યું. એ પછી દાદાએ જન્મ મૃત્યુના આ ચક્કર વિશે મને ઘણી સમજ આપી છે. મારા દાદા બહુ ઊંચી અવસ્થામાં છે સર. " દેવકી બોલી રહી હતી અને દેવરાજ આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો.
" એક મહિના પહેલાં મને એમણે કહી દીધું હતું કે તારી સંભાળ રાખનાર એક યોગ્ય વ્યક્તિ આવશે એટલે મારા ગયા પછી તારું શું થશે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું વિદેશ જતો હોઉં એવી રીતે તારે મને વિદાય આપવાની છે. " દેવકીએ પોતાની વાત પૂરી કરી.
દેવરાજને ખૂબ જ આશ્ચર્ય થયું કે આવા ઉચ્ચ ભૂમિકાવાળા લોકો પણ આ પૃથ્વી ઉપર છે !
દાદાજી સ્નાન કરીને ૧૫ મિનિટમાં પીતાંબર પહેરીને આવી ગયા. ઉપરનું શરીર ખુલ્લું હતું. એ પોતાના સિંગલ સોફા ઉપર ફરી ગોઠવાઈ ગયા.
" હવે હું ધ્યાનમાં જઈ રહ્યો છું. થોડીવારમાં સમાધિ પણ લાગી જશે. ઈચ્છા મૃત્યુની સિદ્ધિ હોવાથી ૮:૩૦ વાગ્યાનો સંકલ્પ કરીને હું સમાધિમાં જઈશ. સમય પ્રમાણે ૧૦ મિનિટમાં જ મારા પ્રાણ નીકળી જશે. તમે મારા માથા ઉપર સતત ફોકસ કરજો. હું બ્રહ્મરંધ્રથી દેહ છોડી દઈશ એ તમને ખ્યાલ આવી જશે." દાદાજી બોલી રહ્યા હતા.
" દેહ છૂટી જાય પછી દેવકી મારા ત્રણ મિત્રોને ફોન કરીને બોલાવી લેશે. મારા અસ્થિને બની શકે તો ઋષિકેશ જઈને ગંગાના પ્રવાહમાં વહાવી દેજો અને દેવકીને પણ સાથે લેતા જજો. મેં મારી માયા સંકેલી લીધી છે અને મને હવે કોઈ પણ જાતનો મોહ રહ્યો નથી. પૌત્રીની જવાબદારી હતી એ પણ મેં તમને સોંપી દીધી છે. બસ હવે હું આંખો બંધ કરીને સમાધિમાં જઈ રહ્યો છું. હરિ ૐ. " દાદાજી બોલ્યા અને સોફામાં ટટ્ટાર થઈને બેસી ગયા. બંને હથેળીઓ ખોળામાં રાખી દીધી.
દેવરાજના આશ્ચર્ય વચ્ચે દાદાજી ત્રણ પ્રાણાયામ કરીને ઝડપથી સમાધિ અવસ્થામાં પહોંચી ગયા અને એમનું શરીર ધીમે ધીમે જડ થતું ગયું. દસેક મિનિટમાં તો શરીર મૃતદેહની જેમ કડક થઈ ગયું. શ્વાસ એકદમ ધીમો પડતો ગયો.
દેવરાજની નજર દાદાજીના માથા ઉપર જ હતી. દેવકી પણ શોકમગ્ન ચહેરે દાદાજીની સામે જોઈ રહી હતી. બરાબર ૮:૩૦ વાગે દાદાજીના માથા ઉપરથી ખટાક કરતો અવાજ આવ્યો અને તેજનો એક લીસોટો ઉપર જતો દેખાયો. બસ એ જ ક્ષણે દાદાજીનું ચેતન શરીર સ્થિર થઈ ગયું. શ્વાસ બંધ થઈ ગયા !
"દેવકી દાદાજી ગયા. ઈચ્છા પ્રમાણે દેહ છોડી દેનારા આવા મહાપુરુષ મેં પહેલીવાર જોયા. તું ભાગ્યશાળી છે કે આવા દાદાજીના ઘરમાં તારો જન્મ થયો છે. " દેવરાજ બોલ્યો.
પરંતુ અત્યાર સુધી શાંત બેઠેલી દેવકી પોતાની જાત ઉપરનો કાબુ ગુમાવી બેઠી હતી. એ ચોધાર આંસુએ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. માતા-પિતાના અવસાન પછી છેલ્લા દસ વર્ષથી આ દાદાજી જ એને લાડ લડાવતા હતા. રડી રડીને એ હિબકે ચડી ગઈ.
દેવરાજ અચાનક ઊભો થયો અને અનુકંપાની લાગણીથી દેવકીને પોતાની છાતી સરસી ચોંપી અને એની પીઠ ઉપર અને માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો.
"રડીશ નહીં દેવકી. આ તો એક મંગલ પ્રસંગ છે. તારા દાદાજી તો એટલા બધા સિદ્ધ મહાત્મા હતા કે પોતાની ઈચ્છા પ્રમાણે નક્કી કરેલા સમયે જ દેહથી મુક્ત થઈ ગયા. આકાશમાં એ ઉર્ધ્વગતિ કરી રહ્યા છે. આપણે એમને રડીને વિદાય નથી આપવાની. એમના માટે તો મૃત્યુ પણ એક અવસર છે દેવકી." દેવરાજ બોલ્યો અને ધીમે રહીને દેવકીને એણે અળગી કરી.
દેવરાજે જે રીતે એની સાથે વાત કરી અને એને ભેટીને જે લાગણી બતાવી એ દેવકીના છેક હૃદય સુધી સ્પર્શી ગઈ અને એ ધીમે ધીમે શાંત થઈ.
" હવે તું દાદાજીના ત્રણ મિત્રોને ફોન કરીને બોલાવી લે. ઈચ્છા મૃત્યુની વાત કોઈને પણ કરવાની નથી. દાદાજી ધ્યાનમાં બેઠા હતા અને અચાનક એમને હાર્ટ એટેક આવી ગયો એટલું જ કહેવાનું. અહીં ગાયનું છાણ તો શક્ય નથી. જો ઘરમાં ગંગાજળ હોય તો નીચે જમીન ઉપર છાંટીને આપણે એમને સૂવાડી દઈએ." દેવરાજ બોલ્યો.
" હા ગંગાજળ તો છે." કહીને દેવકી ગંગાજળની બોટલ લઈ આવી અને દેવરાજે જ્યાં કહ્યું ત્યાં છાંટી દીધું.
એ પછી બંનેએ ભેગા થઈ દાદાને ધીમે ધીમે ઊંચકીને નીચે ઉતારીને ગંગાજળ છાંટ્યું હતું ત્યાં સૂવડાવી દીધા. દેવરાજે જોયું કે એમના માથાના પાછળના ભાગમાં ખોપડી તોડીને થોડુંક લોહી બહાર આવેલું હતું. સહસ્ત્રાર ચક્રમાંથી જીવ બહાર નીકળ્યો હતો !
દેવકીએ દાદાજીના ત્રણ અંગત મિત્રોને ફોન કરી દીધા. આ ત્રણેય મિત્રો દાદાજી કરતાં ઉંમરમાં નાના હતા અને આધ્યાત્મિક રુચિ હોવાથી અવારનવાર દાદાજી પાસે ચર્ચા કરવા માટે આવતા હતા.
" એ લોકોને આવતાં અડધો કલાક તો થશે જ. ત્યાં સુધીમાં હું દાદાજીના દેહને સ્પંજ કરી દઉં છું. જો બીજું પીતાંબર હોય તો લઈ આવ. હું એમને ઓઢાડી દઉં. શબવાહિની બોલાવું છું એટલે એ લોકો આવીને સ્ટ્રેચરમાં એમને લઈ જશે. " દેવરાજ બોલ્યો.
" હા દાદાજીનું બીજું પીતાંબર છે. હું લઈ આવું છું. " કહીને દેવકી થોડી વારમાં પીતાંબર લઈ આવી.
દેવરાજે દાદાજીના દેહને સ્પંજ કરીને બીજું પીતાંબર ઓઢાડી દીધું. બાજુમાં અગરબત્તી કરી. થોડીવારમાં એક પછી એક ત્રણેય મિત્રો આવી ગયા.
" પાઢ સાહેબ આમ અચાનક જ જતા રહ્યા ? " એક વડીલ બોલ્યા.
" હા અંકલ. ચા પીધા પછી મારી સાથે વાતો કરતાં કરતાં જ એમને માસિવ એટેક આવ્યો. " દેવકી બોલી.
" અમે એક ખૂબ સારા મિત્ર ગુમાવી દીધા " બીજા વડીલ બોલ્યા.
શબવાહિની આવી ગઈ એટલે દાદાને સ્ટ્રેચરમાં નીચે લઈ જવામાં આવ્યા.
બે વડીલ મિત્રો સાથે દેવકી શબવાહિનીમાં ગોઠવાઈ ગઈ. દેવરાજ પોતાની ગાડીમાં બેઠો અને અગ્નિદાહ માટે દહાણુકરવાડી સ્મશાન તરફ બધા આગળ વધ્યા.
દાદાજીનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. એમનાં થોડાં અસ્થિને ઠારીને દેવરાજે ત્યાં પડેલી માટીની એક મોટી કુલડીને નળ નીચે પાણીથી ધોઈને એમાં ભરી દીધાં અને પછી બધા ઘરે આવ્યા.
" બધા વડીલો વિદાય લે એ પહેલાં હું મારો થોડો પરિચય આપવા માગું છું. મારું નામ દેવરાજ છે. દાદાજી એક સિદ્ધ વ્યક્તિ હતા અને હું એમને ગુરુતુલ્ય માનતો હતો. દાદાજીએ દેહ છોડી દીધો એટલે દેવકીએ મને પણ ફોન કરીને બોલાવી લીધો. " દેવરાજ બોલી રહ્યો હતો.
" દાદાજીનાં અસ્થિને હું ઋષિકેશ જઈને પધરાવી દઈશ. કારણ કે દાદાજીએ એ ઈચ્છા દેવકી આગળ પ્રગટ કરી હતી. અગિયારમા દિવસે એમનું પિંડદાન પણ હું કરી દઈશ. તમે એમના મિત્રો છો એટલા માટે હું આ તમને જણાવી રહ્યો છું." દેવરાજ બોલ્યો.
" આ તો અતિ ઉત્તમ કાર્ય તમે કરી રહ્યા છો ભાઈ. હિન્દુ ધર્મ પ્રમાણે પિંડવિધિ તો થવી જ જોઈએ. અમે તમને કદી જોયા નથી પરંતુ દેવકી તમને ઓળખે છે એટલે અમારા મનમાં કોઈ સવાલ નથી. પરંતુ અમારી એક જ ચિંતા છે કે દેવકી હવે એકલી અહીં કેવી રીતે રહેશે ?" એક વડીલ બોલ્યા.
" દેવકીની વ્યવસ્થા હું કરી રહ્યો છું. મારુ પોતાનું પ્રાર્થના સમાજ પાસે પીજી હાઉસ છે જ્યાં એ પેઈંગ ગેસ્ટ તરીકે રહેશે. ઘણી બધી છોકરીઓ ત્યાં રહે છે એટલે એને કંપની પણ રહેશે. બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા છે. આ ફ્લેટ હું પોતે જ ખરીદી લઉં છું અને એ પેટે એક કરોડ રૂપિયા દેવકીના ખાતામાં હું ટ્રાન્સફર કરી દઈશ." દેવરાજ બોલ્યો.
" તમે તો અમારી ઘણી ચિંતા ઓછી કરી નાખી. તમે દેવકી માટે આટલું બધું સરસ પ્લાનિંગ કર્યું છે પછી અમારે કંઈ કહેવાનું રહેતું જ નથી. દેવકી માટે એક કરોડ ઘણી મોટી રકમ છે. એની તો લાઈફ બની જશે. ચાલો અમે હવે રજા લઈએ. " બીજા વડીલ બોલ્યા અને ત્રણેય મિત્રો રવાના થઈ ગયા.
દેવકીને તો કલ્પના પણ નહોતી કે આટલો ઝડપી નિર્ણય લઈને એક કરોડ જેટલી માતબર રકમ દેવરાજ સર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરશે ! એ તો અવાક જ થઈ ગઈ !
"દેવકી સૌથી પહેલાં આપણે બંનેએ સ્નાન કરી લેવું પડશે. સ્નાન કર્યા પછી તારી બેગ તું તૈયાર કરી લે. હું તને આજે જ પીજી હાઉસમાં શિફ્ટ કરી દઉં છું. તારે કાયમ ત્યાં જ રહેવાનું છે એમ સમજીને જ બેગ તૈયાર કરજે. " દેવરાજ બોલ્યો.
" જી સર. તમે બદલવા માટે કપડાં લાવ્યા છો ? ટુવાલ તો હું તમને આપું છું. " દેવકી બોલી.
" બદલવાનાં કપડાં મારી ગાડીમાં જ પડ્યાં છે. ટુવાલ પણ છે. હું નીચે જઈને લઈ આવું છું. " દેવરાજ બોલ્યો.
"ઠીક છે હું મારા બેડરૂમમાં જાઉં છું. તમે આ સામેના બેડરૂમમાં એટેચ બાથરૂમ છે એમાં નાહી લેજો. ગરમ પાણીનું શાવર છે. હું પણ નાહીને તૈયાર થઈ જાઉં. તમે નીચેથી આવો ત્યારે દરવાજો ખાલી આડો કરેલો હશે. " કહીને દેવકી પોતાના બેડરૂમમાં ગઈ.
દેવરાજ ગાડીમાંથી પોતાનાં કપડાં ટુવાલ વગેરે લઈ આવ્યો અને ફ્લેટમાં આવીને એણે નાહી લીધું. કપડાં બદલી માથું ઓળી એ તૈયાર થઈ ગયો અને ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા ઉપર બેઠો.
એના જીવનમાં બનતી એક પછી એક ઘટનાઓ સાક્ષીભાવે એ જોયા કરતો હતો ! ઇન્દોરથી શરૂ થયેલી યાત્રા હજુ પણ નવા નવા અનુભવો કરાવતી જતી હતી.
લગભગ અડધા કલાક પછી દેવકી તૈયાર થઈને બહાર આવી. એ બેગ લઈને જ બહાર આવી.
" ૧૦ દિવસ પછી આપણે ઋષિકેશ જઈશું અને ત્યાં અસ્થિ પધરાવી દઈશું. એમનું પીંડદાન ક્રિયાકર્મ પણ ઋષિકેશની પુણ્યભૂમિમાં કરીશું. ત્યાં સુધી અસ્થિ અહીં આ સોફા નીચે જ મૂકી દઉં છું. જ્યારે જવાનું થશે ત્યારે અહીંથી લઈ જઈશું. " દેવરાજ બોલ્યો.
"તમને જેમ યોગ્ય લાગે તેમ સર. મને આમાં કંઈ ખબર નથી પડતી. હું આ બધું સમજવા માટે ઘણી નાની છું. " દેવકી બોલી.
" ફ્લેટના એક કરોડ તારા ખાતામાં એકાદ વીકમાં જમા થઈ જશે એટલે તને પૈસાની હવે કોઈ તકલીફ જ નથી." દેવરાજ બોલ્યો.
" સર મને પૈસાની કોઈ જ તકલીફ નથી. અને હવે તો હું તમારી સાથે જ જોડાયેલું છું પછી પૈસાની મારે ક્યાં જરૂર છે ? " દેવકી હસીને બોલી.
" ઠીક છે તો પછી આપણે હવે નીકળીએ. હું જરા પીજી હાઉસમાં ફોન કરી દઉં. " દેવરાજ બોલ્યો અને એણે જયરાજ અંકલને ફોન લગાવ્યો.
" જયરાજ અંકલ હું દેવરાજ બોલું. ત્રીજા કે ચોથા માળે કોઈ બેડ ખાલી હોય તો તૈયાર કરાવી દેજો ને ! એક એડમિશન આપવાનું છે. હું દોઢ બે કલાકમાં પહોંચું છું. અને મારે જમવાનું પણ બાકી છે. મહારાજને કહેજો કે બે થાળી તૈયાર રાખે. " દેવરાજે પીજી હાઉસમાં ફોન કર્યો.
" જી સર." મેનેજર જયરાજ અંકલ બોલ્યા.
દેવરાજ દેવકીને લઈને ગિરગાંવ જવા નીકળી ગયો અને દોઢેક કલાકમાં પીજી હાઉસ પહોંચી ગયો.
" અંકલ આ દેવકી પાઢ મારા એક નજીકના સંબંધીની દીકરી છે. એ હવે કાયમ માટે આપણા પીજી હાઉસમાં રહેશે. કોઈ ચાર્જ લેવાનો નથી. એક સારો બેડ એને એલોટ કરવાનો છે." દેવરાજે પોતાની ચેમ્બરમાં જયરાજ અંકલને બોલાવીને કહ્યું.
" જી સર. ૩૩ નંબરના રૂમમાં એક બેડ તૈયાર કરાવી દીધો છે. ત્યાં બીજી બે છોકરીઓ પણ છે. પરંતુ તમે લોકો પહેલાં જમી લો. બે વાગી ગયા છે. " જયરાજ અંકલ બોલ્યા.
"જી અંકલ હું કેન્ટીનમાં જ જાઉં છું." કહીને દેવરાજ ઉભો થયો અને દેવકીને લઈને કેન્ટિનમાં ગયો.
દેવરાજ પોતે જ જમવા માટે આવ્યો હતો માટે મહારાજ જાતે જ પીરસવા માટે આવ્યા.
દેવકીને પીજી હાઉસ ગમી ગયું. એક તો મેજેસ્ટિક સિનેમા વાળો આ એરિયા પણ ભરચક હતો. પીજી હાઉસ પણ બધી જ સગવડોવાળું હતું અને રૂમ પણ વ્યવસ્થિત હતો. કેન્ટીનમાં જમવાનું પણ બહુ જ સરસ હતું.
૩૩ નંબરના રૂમમાં ૧ નંબરનો બેડ એને મળ્યો હતો. એની સાથે શેરિંગમાં બે યુવાન છોકરીઓ હતી જેમાંની એક જોબ કરતી હતી અને બીજી સ્ટુડન્ટ હતી. એક બેડ ખાલી હતો. અત્યારે બપોરનો સમય હોવાથી બંને રૂમ પાર્ટનર બહાર હતી.
એક અઠવાડિયામાં દેવરાજે દેવકીને સાથે રાખીને બધી ફોર્માલિટી પૂરી કરીને કાંદીવલીનો ફલેટ પોતાના નામે ટ્રાન્સફર કરાવી દીધો અને ૨૫ લાખના અલગ અલગ તારીખના ચાર ચેક ભરીને દેવકીના ખાતામાં એક કરોડ ટ્રાન્સફર પણ કરી દીધા !
" પપ્પાજી મારા પેલા સંબંધી તે દિવસે ગુજરી ગયા હતા. એમને કોઈ સંતાન નથી એટલે એમની ઇચ્છા મુજબ એમનાં અસ્થિ પધરાવવા માટે બે દિવસ માટે મારે ઋષિકેશ જવું પડશે. ત્યાં પહોંચીને પિંડદાન પણ કરવું પડશે. એ બહુ પવિત્ર આત્મા હતા. " અઠવાડિયા પછી રાત્રે જમતી વખતે દેવરાજે મનમોહન શેઠને વાત કરી.
" પિંડદાનનું બહુ મોટું પૂણ્ય છે બેટા. કોઈના આત્માની સદગતિ માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. તું અહીંની ચિંતા કરીશ નહીં. જરૂર પડે તો વધુ એક દિવસ રોકાજે." મનમોહન શેઠ બોલ્યા.
પપ્પાની સંમતિ મળી ગયા પછી દેવરાજે પીજી હાઉસમાં જઈને દેવકીને પોતાની ચેમ્બરમાં બોલાવી.
" દેવકી પરમ દિવસે રાત્રે દાદાજીના અસ્થિ વિસર્જન માટે ઋષિકેશ જવા નીકળવાનું છે. કાંદીવલીથી અસ્થિ થઈને આપણે એરપોર્ટ જઈશું અને ત્યાંથી દિલ્હીની ફ્લાઈટ પકડીશું. રાત્રે દોઢ વાગ્યાનું ફ્લાઇટ છે." દેવરાજ બોલ્યો.
" ઓકે સર. મેં ઋષિકેશ વિશે બહુ જ સાંભળ્યું છે. ગંગા નદી જોવાની પણ મારી ઘણી ઈચ્છા છે." દેવકી બોલી.
અસ્થિ વિસર્જન દેવરાજ એકલો જઈને પણ કરી શકતો હતો પરંતુ દાદાજીનો બંનેને સાથે ઋષિકેશ મોકલવા પાછળ શું સંકેત હતો એ બંનેમાંથી કોઈ જાણતું ન હતું !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

