પીજી હાઉસ પ્રકરણ 48
દેવરાજે દેવશંકર દાદાનાં અસ્થિ વિસર્જન અને પિંડદાન માટે ઋષિકેશ જવાનું નક્કી કર્યું. દેવકીને પણ સાથે લઈ જવાની દાદાજીએ વાત કરી હતી એટલે એને પણ પોતાની ચેમ્બરમાં બોલાવીને ઋષિકેશ જવાની જાણ કરી.પીજી હાઉસ નવલકથા
" હા. મેં ઋષિકેશ વિશે બહુ જ સાંભળ્યું છે. ગંગા નદી જોવાની મારી પણ ઘણી ઈચ્છા છે. " દેવકી બોલી.
" દાદાજીની ઈચ્છા હતી કે તું પણ મારી સાથે આવે એટલા માટે જ તને લઈ જાઉં છું. તારા માટે એક નાની ટ્રાવેલ બેગ ખરીદવી પડશે." દેવરાજ બોલ્યો.
દેવરાજે ત્રીજા દિવસની રાત્રે દોઢ વાગ્યાની દિલ્હી સુધીની ફ્લાઈટની બે ટીકીટ બુક કરાવી દીધી. સાથે સાથે એના કનેક્શનમાં દિલ્હીથી સવારે પાંચ વાગ્યે ઉપડતી યોગા એક્સપ્રેસની ટુ ટાયર સેકંડ એસીની ટિકિટ પણ રિઝર્વ કરાવી દીધી.
દેવરાજ એ જ દિવસે સાંજે પ્રાર્થના સમાજ પાસેથી એક નાની ટ્રાવેલ બેગ દેવકી માટે લઈ આવ્યો અને એને પહોંચાડી દીધી.
દેવરાજ દેવકીને લઈને ઋષિકેશ જઈ રહ્યો હતો એટલા માટે એણે પીજી હાઉસથી રાત્રે ૮ વાગે વિઠ્ઠલને ઘરે મોકલી દીધો અને પોતે ટેક્સી કરીને દેવકી સાથે રાત્રે ૮ વાગ્યે કાંદીવલી જવા માટે નીકળી ગયો. ત્યાંથી દાદાજીનાં અસ્થિ લઈને એણે ટેક્સીને એરપોર્ટ તરફ લેવડાવી.
કાઉન્ટર ઉપરથી બે બોર્ડિંગ પાસ લઈ સિક્યુરિટી વગેરે પતાવી દેવરાજ દેવકી સાથે લોન્જમાં આવીને બેઠો.
" હું તો પહેલીવાર ફ્લાઇટની મુસાફરી કરીશ સર." દેવકી બોલી.
" હું આજે ત્રીજી વાર ફ્લાઈટનો અનુભવ કરીશ. જો કે સૌને માટે પહેલી વારનો ફ્લાઈટ અનુભવ ખૂબ જ રોમાંચક હોય છે પછી તે ગમે તે ઉંમરની વ્યક્તિ હોય " દેવરાજ બોલ્યો.
" હમ્ .. દસ વર્ષ પહેલાં મમ્મી પપ્પા અને દાદા સાથે ટ્રેઈનમાં દ્વારકા ગયેલી. પણ પછી દાદા સાથે મુંબઈ છોડીને ક્યાંય પણ જવાનું થયું જ નથી. " દેવકી બોલી.
" તું વિન્ડો પાસે જ બેસજે. ખૂબ જ થ્રીલિંગ અનુભવ હશે ! " દેવરાજ બોલ્યો.
થોડીવાર પછી એનાઉન્સમેન્ટ થતાં જ દેવરાજ અને દેવકી લાઈનમાં જોડાઈ ગયાં અને ફ્લાઈટમાં પોતાની સીટ લઈ લીધી. ફ્લાઈટ ટેક ઓફ થયું એ અનુભવ વિન્ડો પાસે બેઠેલી દેવકી માટે ખરેખર એક્સાઈટિંગ હતો !
ફ્લાઇટ વહેલી સવારે પોણા ચાર વાગે દિલ્હી એરપોર્ટ ઉપર લેન્ડ થયું.
દેવરાજે ટેક્સી કરી અને ત્યાંથી સીધો દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચી ગયો. સવા ચાર વાગ્યા હતા. પાંચ વાગે ટ્રેઈન આવી જતી હતી એટલે આરામ કરવાનો કોઈ સમય ન હતો. છતાં થોડો આરામ મળે એટલા માટે દેવરાજ દેવકીને લઈને એસી વેઇટિંગ રૂમમાં ગયો. ફ્લાઈટમાં દોઢેક કલાકની ઊંઘ ખેંચી લીધી હતી એ સિવાય લગભગ આખી રાતનો ઉજાગરો જ હતો.
દિલ્હીમાં પ્રમાણમાં ઠંડક ઘણી હતી. દેવરાજે અગાઉથી જ સૂચના આપી હતી એટલે દેવકીએ જેકેટ પહેરી લીધું હતું. દેવરાજ અને દેવકીએ વેઇટિંગ રૂમના વોશરૂમમાં જઈને બ્રશ કરી લીધું. એ પછી દેવરાજે બે ચા મંગાવી પી લીધી.
દેવરાજ પોણા પાંચ વાગ્યે પ્લેટફોર્મ ઉપર આવી ગયો. ૧૦ મિનિટમાં જ ટ્રેઈન સમયસર આવી ગઈ. ટુ ટાયર સેકંડ એસીમાં ટિકિટ રિઝર્વ જ હતી એટલે દેવરાજ અને દેવકી ગોઠવાઈ ગયાં. બરાબર પાંચ વાગ્યે ટ્રેઈન સ્ટાર્ટ થઈ ગઈ. ઋષિકેશ બપોરે ૧૨:૩૦ વાગે આવતું હતું. સાડા સાત કલાકનો રસ્તો હતો.
દેવકીને ઊંઘ આવતી હતી એટલે દેવરાજને કહીને એ પોતાની બર્થ ઉપર ધાબળો ઓઢીને સૂઈ ગઈ.
બરાબર સવા અગિયાર વાગે હરિદ્વાર આવ્યું ત્યારે દેવરાજે પેન્ટ્રી કારના સર્વિસમેનને ઓર્ડર આપી બે લંચ પેક મંગાવી લીધાં અને દેવકીને જગાડીને જમી લીધું.
બપોરે ૧૨:૩૦ વાગે ઋષિકેશ આવી ગયું. દેવરાજ અહીં પહેલીવાર આવતો હોવાથી એણે ગુગલ સર્ચ કરીને ત્રિવેણી ઘાટ ઉપર નદીના કિનારે આવેલી હોટલ પેરેડાઇઝ ગંગા પસંદ કરી અને રીક્ષા કરીને બપોરે એક વાગે ત્યાં પહોંચી ગયો.
હોટલનું લોકેશન પણ બહુ સરસ હતું અને રૂમ પણ સરસ હતા. દેવરાજની ઈચ્છા બે અલગ અલગ બેડ હોય એવો રૂમ લેવાની હતી પરંતુ અહીં એ શક્ય ન હતું. એક જ મોટો ડબલ બેડ હતો. છેવટે ગુરુજીનું સ્મરણ કરીને એણે રૂમ લઈ લીધો.
હિમાલયની નજીક હોવાથી બપોરે એક વાગે પણ અહીં સારી એવી ઠંડક હતી. આવતી કાલે દાદાજીના અવસાનનો ૧૧ મો દિવસ હતો એટલે કાલે જ અસ્થિ વિસર્જન અને પિંડ દાનનો પ્રોગ્રામ રાખેલો હતો.
આજે ઋષિકેશમાં ફરવા સિવાય બીજો કોઈ જ કાર્યક્રમ ન હતો. પિંડદાન માટે હજુ કોઈ પંડિતને શોધવાના હતા. ત્રિવેણી ઘાટ ઉપર જ કદાચ કોઈ પંડિતજી મળી જશે એવો દેવરાજને વિશ્વાસ હતો.
બપોરે સાડા ત્રણ કલાક આરામ કરીને દેવરાજ દેવકીને લઈને બહાર નીકળ્યો અને રીક્ષામાં બેસીને ત્યાંના ખૂબ જ જાણીતા મુખ્ય ઘાટ ઉપર ગયો. ગીતા ભવન નજીક શિવજીની પ્રતિમાની સામે સાંજે ગંગા આરતી થતી હોવાથી ધીમે ધીમે અહીં યાત્રાળુઓ ભેગા થતા હતા.
" સર મને એવું કેમ લાગે છે કે હું જાણે પહેલાં અહીં આવી ગઈ છું ! આ ઘાટ ઉપર હું ઘણું બધું રખડી હોઉં એવું યાદ આવે છે. " દેવકી બોલી.
" આપણા અનેક જન્મો થઈ ગયા છે દેવકી. બની શકે કે કોઈ જનમમાં તું ઋષિકેશ માં જન્મી હોય ! ક્યારેક ક્યારેક કોઈક સ્થળ આપણને ઘણું પરિચિત લાગતું હોય છે એનું આ જ કારણ હોય છે. " દેવરાજ બોલ્યો.
" હમ્... " દેવકી બોલી.
" દેવકી જો આ ગંગા નદી. શિવજીની જટામાં સમાઈ ગયેલી આ ભાગીરથી ગંગા અતિ પવિત્ર ગણાય છે અને એનું પાણી એટલું બધું શુદ્ધ હોય છે કે વર્ષો સુધી એ એવું ને એવું જ રહે છે. આ નદીમાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે એવી માન્યતા છે પરંતુ એ શ્રદ્ધાનો વિષય છે. કરેલા કર્મનું ફળ તો માણસે ભોગવવું જ પડે છે. " દેવરાજ બોલ્યો.
" હા સર પણ આપણે ગંગા નદીમાં સ્નાન ક્યારે કરીશું ? " દેવકીએ પૂછ્યું.
" આવતી કાલે સવારે. હિમાલયમાંથી આવતું આટલું ઠંડું પાણી ઠંડી ઋતુમાં તું સહન નહીં કરી શકે. જો કે હિંમત કરીને તારે નાહવું તો પડશે જ. ડુબકી લગાવતાં પહેલાં મનને ખૂબ જ મક્કમ કરવું પડશે." દેવરાજ હસીને બોલ્યો અને દેવકીને છેક નીચેના છેલ્લા પગથિયે લઈ ગયો.
" હવે આ પાણીમાં પગ મૂકી જરા હાથ પગ ધોઈ લે. " દેવરાજ બોલ્યો.
દેવકીએ પાણીમાં જેવો પગ મુક્યો કે એ ઠરી જ ગઈ. હાથમાં પાણી લઈને હાથ ધોવાની પણ એની હિંમત ના ચાલી. એક તો શિયાળાના દિવસો હતા અને જાણે બરફ ઉપર પગ મૂક્યો હોય એટલું ઠંડુ પાણી હતું !
" અરે સર સવારે આ નદીમાં કેવી રીતે નાહી શકાશે ? તમે પાણી તો જુઓ એકદમ બરફ જેવું છે !! " દેવકી બોલી.
" મન ઉપર વિજય મેળવવો પડે. તો બધું જ થઈ શકે. કડકડતી ઠંડીમાં પણ આજુબાજુ વસતા સંતો અને સાધુઓ વહેલી સવારે ઠંડા પાણીમાં જ સ્નાન કરે છે. માત્ર સાધુ જ નહીં અહીં આવતા યાત્રાળુઓ પણ હસતાં હસતાં સ્નાન કરી લે છે અને ધન્યતા અનુભવે છે." કહીને દેવરાજે નદીમાં પગ મૂકી પોતાના હાથ અને પગ આરામથી ધોઈ નાખ્યા. એ પછી ધીમે ધીમે દેવકીએ પણ પોતાના હાથ છેક કોણી સુધી ધોયા.
દેવરાજ અને દેવકીએ ગંગાના કિનારે લાંબુ ચક્કર લગાવ્યું અને ગંગા આરતીનો લાભ પણ લીધો. એ પછી અહીંની પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ ચોટીવાલામાં થાળી જમી લીધી.
હોટલે પહોંચ્યા ત્યારે રાતના પોણા નવ વાગી ગયા હતા. દેવરાજે એસી ચાલુ કર્યું અને ડબલ બેડના એક છેડે તકિયાને અઢેલીને એ બેઠો. સૌથી પહેલાં પોતાના મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી. એ પછી એણે પોતાના ગુરુ આત્માનંદ સ્વામી સાથે વાત કરી.
"સ્વામીજી ઋષિકેશ આવ્યો છું. એક દિવ્ય પુરુષની મુલાકાત થઈ હતી અને મારી સામે જ ઈચ્છા મૃત્યુની સિદ્ધિથી એમણે દેહ છોડી દીધો. એમના અસ્થિ પધરાવવા માટે અને પિંડદાન માટે અહીં આવ્યો છું. " દેવરાજ બોલ્યો.
" દેવ તારા ઉપર મારી નજર હંમેશા હોય છે. તારી સાથે એમની પૌત્રી પણ છે એ પણ હું જાણું છું. મારી પાસે જે સર્વજ્ઞતા સિદ્ધિ છે એ સુબોધ મહારાજે તને પણ આપી છે. તને તો એ દાદાજીએ નવી સિદ્ધિ પણ આપી છે. " આત્માનંદજી બોલ્યા.
" જી ગુરુજી. પરંતુ ખબર નહીં કેમ પણ આ બધી સિદ્ધિઓનો ઉપયોગ કરવાની મને કોઈ ઈચ્છા જ થતી નથી. " દેવરાજ નિખાલસતાથી બોલ્યો.
" એટલા માટે તો તને આ બધી સિદ્ધિઓ મળી છે. સમય આવ્યે કુદરત પોતે જ તારી પાસે એનો ઉપયોગ કરાવશે. તારા એ દાદાજીનો આત્મા અત્યારે તારા રૂમમાં જ છે. મોહમાયાથી પર થઈ ગયેલો ઉચ્ચ આત્મા છે. કાલે પિંડદાન વખતે એમના અસ્તિત્વનો અનુભવ તને કરાવશે. " ગુરુજી બોલ્યા.
દાદાજી પોતાની સાથે જ છે એ જાણીને દેવરાજને ખૂબ જ આશ્ચર્ય થયું. ગુરુજી સાથે વાત કરીને દેવરાજે ફોનને ચાર્જિંગમાં મૂકી દીધો.
" સર છેલ્લા દસ દિવસમાં કેટલી બધી ઘટનાઓ બની ગઈ ? દાદાજી સાથ છોડીને ચાલ્યા ગયા. અચાનક તમારો પરિચય થયો. મારે મારો ફ્લેટ છોડી દેવો પડ્યો. પીજી હાઉસના નવા જ વાતાવરણમાં હું શિફ્ટ થઈ ગઈ. મારા ખાતામાં એક કરોડ જેવી રકમ આવી ગઈ જેની હું કલ્પના પણ કરી શકતી નથી. હિમાલય અને ઋષિકેશ વિશે સાંભળ્યું હતું અને આજે હું પોતે ઋષિકેશમાં છું. " દેવકી બોલી.
" આ બધા પ્રારબ્ધના ખેલ છે દેવકી. જીવનમાં ક્યારેક ઉપરા ઉપરી ઘટનાઓ બનતી હોય છે. મેં પણ આવો જ અનુભવ કરેલો છે !! " દેવરાજ બોલ્યો.
"તમારા વિશે હું કંઈ જ જાણતી નથી સર. તમે પીજી હાઉસના માલિક છો અને દાદાજીની જેમ આધ્યાત્મિક માર્ગે છો એટલી જ મને ખબર છે. " દેવકી બોલી.
" હું પોતે પોતાનો પરિચય કેવી રીતે આપું ? બસ તું જે જાણે છે એ પૂરતું છે. દાદાજીએ મારી સાથે તારા લગ્નની વાત વિચારી હતી. તું મને ગમે પણ છે પરંતુ થોડા દિવસ પહેલાં જ શીતલ સાથે મારી સગાઈ થઈ ગઈ છે એટલે તારા પ્રત્યે મારો પવિત્ર ભાવ છે. આજે હોટલના એક જ રૂમમાં એક જ બેડ ઉપર આપણે સૂવાનું છે છતાં મારા મનમાં કોઈ જ વિકાર નથી. " દેવરાજ બોલ્યો.
" એ તો મને ખ્યાલ આવી જ ગયો છે. છતાં દાદાજીએ મારો હાથ તમારા હાથમાં જ આપ્યો છે. તમે તમારા મનમાં ભલે ગમે તે વિચારતા હો પરંતુ હું તો તમને સમર્પિત થઈ ચૂકી છું. દાદાજીના શબ્દો મારા માટે તો બ્રહ્મ વાક્ય હોય છે. એમણે જ કહ્યું છે કે આગળ ઉપર સંબંધોના આટાપાટા બદલાઈ જશે. હું એ સમયની પ્રતીક્ષા કરીશ. અને એ સમય નહીં આવે તો હું લગ્ન જ નહીં કરું. " દેવકી મક્કમ મનથી બોલી.
દેવકીના શબ્દો સાંભળીને દેવરાજ વિચલિત થઈ ગયો. હું તો તમને સમર્પિત થઈ ચૂકી છું - દેવકી આ શું બોલી ગઈ ! ઈશ્વર મારી કઈ પરીક્ષા લઈ રહ્યો છે !!
" દેવકી તારી સામે આખી જિંદગી પડી છે. સમયની પ્રતીક્ષા કરીને આખી જિંદગી કુંવારા ના રહેવાય. અને આવેશમાં આવીને આવા નિર્ણયો પણ ના લેવાય. પ્રારબ્ધમાં જે લખ્યું હશે તે થશે પરંતુ આવી પ્રતિજ્ઞા નહીં લેવાની. આજીવન કુંવારા રહેવું પુરુષ માટે સરળ હશે કદાચ પરંતુ તારા જેવી ખુબસુરત યુવતી માટે એ સરળ નથી." દેવરાજ બોલ્યો.
"કેમ તમે મારી સુરક્ષા નહીં કરો ? તમે ભલે મારો હાથ ના પકડ્યો પણ મેં તો તમારો હાથ પકડી લીધો છે ને ! મારા દાદાજીને હું સારી રીતે ઓળખું છું. એ એક સિધ્ધ મહાપુરુષ હતા સર. મને તો ઘણા અનુભવો થયેલા છે. એ કહે એ કદી મિથ્યા ના થાય. હું તમને છોડવાની નથી. " દેવકી હસીને બોલી.
દેવરાજને લાગ્યું કે દેવકી સાથે વધારે દલીલો કરવાનો કોઈ જ મતલબ નથી. એને નહીં પહોંચાય. અને દેવકી કંઈ નાની ન હતી. યુવાનીના ઉંબરે ઊભેલી ૨૩ વર્ષની પુખ્ત કન્યા હતી. છેવટે સ્ત્રીહઠ આગળ એણે નમતું જોખ્યું.
" ઠીક છે દેવકી. નસીબમાં જે લખ્યું હશે તે થશે. હજુ સવા નવ વાગ્યા છે. આટલી વહેલી ઊંઘ નહીં આવે એટલે હું ટીવી ચાલુ કરું છું. " દેવરાજ બોલ્યો.
" હા મને વાંધો નથી. વોલ્યુમ ધીમું રાખજો. હું સૂવાનો પ્રયત્ન કરું છું. આમ તો રાત્રે ૧૦ વાગે હું સૂઈ જાઉં છું. " દેવકી બોલી અને એણે ખભા સુધી રજાઈ ઓઢી લીધી આંખો બંધ કરીને એ સૂવાનો પ્રયત્ન કરવા લાગી.
દેવરાજ થોડીવાર તો એના નિર્દોષ અને મુગ્ધ ચહેરા સામે જોઈ રહ્યો. કોઈને પણ પ્રેમ થઈ જાય એટલી સુંદર એ હતી. દેવરાજની એ નજરમાં કોઈ જ વિકાર ન હતો માત્ર શુદ્ધ પ્રેમ હતો !
એણે ધીમા અવાજે ન્યુઝ ચેનલ ચાલુ કરી પરંતુ સમાચારો જોઈને એ ૧૫ મિનિટમાં જ કંટાળી ગયો અને ટીવી બંધ કરી એણે સૂવાનો પ્રયત્ન કર્યો.
ધ્યાનમાં જવાની એને આદત હતી એટલે વિચાર શૂન્ય થવાની એણે કોશિશ કરી અને ધીમે ધીમે આલ્ફા લેવલે પહોંચી એ ઘસઘસાટ ઊંઘી ગયો.
રોજની આદત હોવાથી સવારે સાડા ચાર વાગે જ એની આંખ ખુલી ગઈ અને એણે જોયું તો દેવકી એની બહુ નજીક આવી ગઈ હતી અને ભર ઊંઘમાં સૂતેલી દેવકીનો એક હાથ દેવરાજની છાતી ઉપર હતો. એવું લાગતું હતું કે જાણે પોતાનો હાથ એ દેવરાજ ને સોંપી રહી હતી !!
દેવકીની ઊંઘમાં ખલેલ ન પડે એ રીતે દેવરાજે ધીમેથી એનો હાથ નીચે મૂક્યો અને પોતે ઉભો થઈ ગયો. બ્રશ વગેરે પતાવી એણે નાહી લીધું અને પાંચ વાગે ગાયત્રીની ૧૧ માળા કરવા માટે બેસી ગયો.
ઋષિકેશ હિમાલયની ભૂમિ હતી અને સદીઓથી ઋષિઓ અહીં તપ કરતા આવ્યા હતા એટલે તપોભૂમિ હોવાના કારણે અહીંના વાતાવરણમાં અદભુત શાંતિ હતી. અહીં જાણે કે ચૈતન્ય જાગૃત હતું ! દેવરાજને ગાયત્રીમંત્ર કરતાં કરતાં ધ્યાન જ લાગી ગયું.
ધ્યાનમાં આલ્ફા લેવલને ક્રોસ કરીને એ થીટા લેવલ સુધી પહોંચી ગયો. જેવો એ થીટા લેવલે પહોંચ્યો કે એને દેવશંકર દાદાનાં દર્શન થયાં.
" સવારે ૮ વાગે તમે દેવકીને લઈને ત્રિવેણી ઘાટ ઉપર જજો. ટુવાલ અને કપડાં લેતા જજો. ત્યાં ગંગા નદીમાં તમે બન્ને આ અસ્થિનો કુંભ સીધો જ ડૂબાડી દેજો. એ પછી તમે બંને ગંગા નદીમાં સ્નાન કરી લેજો. દેવકીને કહેજો કે એ જ્યાં સ્નાન કરશે ત્યાં પાણી એટલું બધું ઠંડુ નહીં હોય ! અને ગંગાસ્નાન કરતી વખતે એને કોઈ જોઈ શકશે પણ નહીં. તમે પણ નહીં. એ ખૂબ શરમાળ છે પણ એણે સંકોચ કરવાની કોઈ જરૂર નથી. એ કપડાં બદલી લેશે પછી જ એ દ્રશ્યમાન થશે. " દાદાજી બોલી રહ્યા હતા.
" તમે કપડાં બદલી નાખશો પછી તમને પીતાંબર પહેરેલો એક પંડિત દેખાશે. એ પંડિતે માથે મુંડન કરેલું હશે. તમે એને મળજો. એ ખૂબ જ વિદ્વાન પંડિત છે. હું જ એને કાલે સવારે ત્રિવેણી ઘાટ ખેંચી લાવીશ. સંપૂર્ણ શાસ્ત્રોકત પદ્ધતિથી એ પિંડવિધિ કરાવશે. એ પોતે ઘરેથી પિંડ બનાવીને લેતો આવશે. તમને એક ધોતી પણ આપશે. એ પહેરીને પછી જ તમે વિધિમાં બેસજો. તમારે મુંડન કરાવવાની કોઈ જરૂર નથી. " દેવશંકર દાદાએ પોતાની વાત પૂરી કરી.
એ પછી દેવરાજ ધીમે ધીમે આલ્ફા લેવલ ઉપર આવી ગયો અને થોડી ક્ષણોમાં સંપૂર્ણ જાગૃત થઈ ગયો. મૃત્યુ પછી પણ દાદાજી આ રીતે પ્રત્યક્ષ થઈને સૂચના આપી શકે છે એ જોઈ એને આશ્ચર્ય થયું.
જાગૃત થયા પછી દાદાજી સાથેની બધી જ વાતચીત એને યાદ આવી ગઈ. પોતાને થયેલો આવો સુખદ અનુભવ એને રોમાંચિત કરી ગયો.
એણે મોબાઈલમાં જોયું તો સવારના સાડા છ વાગ્યા હતા. આઠ વાગે તો ઘાટ ઉપર પહોંચવાનું હતું. હજુ ચા પીવાની હતી અને દેવકીને સ્નાન પણ કરવાનું હતું. એણે દેવકીને જગાડવાનું નક્કી કર્યું.
એ દેવકીની નજીક ગયો અને એના માથા ઉપર વહાલથી હાથ ફેરવવા લાગ્યો. દેવરાજના સ્પર્શથી દેવકીએ ધીમે ધીમે આંખો ખોલી અને એણે દેવરાજને પોતાના માથા ઉપર હાથ ફેરવતો જોયો. એ રોમાંચિત થઈ ઉઠી. આટલો વહાલભર્યો હાથ વર્ષો પહેલાં એની મમ્મી ફેરવતી હતી !
દેવકી એકદમ બેઠી થઈ ગઈ. બોલવાની ઘણી ઈચ્છા થઈ પરંતુ એ કંઈ બોલી નહીં. આ યોગ્ય સમય ન હતો. દાદાજીના મૃત્યુને હજુ દસ દિવસ થયા હતા. મૃત્યુનો મલાજો પાળવાનો હતો.
" સાડા છ વાગી ગયા છે દેવકી. ૮ વાગે આપણે પહોંચી જવાનું છે. તું ફટાફટ નાહીને તૈયાર થઈ જા. પછી ચા મંગાવી લઉં. " દેવરાજ બોલ્યો.
"હા સર." દેવકી બોલી અને પોતાની બેગમાંથી કપડાં, ટુથપેસ્ટ, બ્રશ અને ટુવાલ કાઢી ઝડપથી વોશરૂમમાં ગઈ.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

