પીજી હાઉસ પ્રકરણ 49
દેવરાજ અને દેવકી હોટલમાંથી બહાર નીકળ્યાં કે તરત જ રીક્ષા મળી ગઈ. રીક્ષા જાણે કે એમની રાહ જોતી હોય એમ ગેટની બહાર જ ઉભી હતી.બરાબર આઠ વાગે ત્રિવેણી ઘાટ પહોંચ્યા પછી દેવરાજે જોયું કે ઘાટ ઉપર ભીડ બહુ જ ઓછી હતી અને છૂટા છવાયા ૭ ૮ યાત્રિકો ત્યાં સ્નાન કરી રહ્યા હતા.
પીજી હાઉસ નવલકથા
" સર મને અહીં આ ઘાટ ઉપર ખબર નહીં કેમ ડર બહુ લાગે છે. અહીં નદી બહુ જ ઊંડી હોય છે. તમે અસ્થિ પધરાવી દેજો. હું કિનારે ઉભી રહું છું." દેવકી બોલી.
" અરે તું ચિંતા નહીં કર. આપણે બહુ આગળ જવાનું જ નથી. હું તારી સાથે જ છું. તને કંઈ પણ નહીં થાય એની મારી ગેરંટી. અને તારી રક્ષા તો દાદાજી પોતે જ કરી રહ્યા છે." દેવરાજ બોલ્યો.
જ્યાં કોઈ ન હતું એવી જગ્યાએ દેવરાજ દેવકીને લઈ ગયો અને દાદાજીની સૂચના મુજબ બંનેએ કળશને પકડ્યો અને નીચા નમીને ગંગાના પાણીમાં ડૂબાડીને છોડી દીધો.
" અત્યારે ગંગા નદીનું પાણી ગઈકાલ જેટલું ઠંડુ નથી સર. એવું કેમ ? " બહાર આવીને દેવકી બોલી.
દેવરાજ સમજી ગયો કે આ બધી દાદાજીની જ માયા છે. એમણે જ કહેલું કે દેવકી માટે ગંગા નદીનું પાણી બહુ ઠંડુ નહીં હોય !
"ગઈકાલે તારા હાથપગ ઠંડા પાણીથી ટેવાઈ ગયા એટલે આજે તને ગંગાનું પાણી ઠંડુ ના લાગ્યું બાકી પાણી તો બરફ જેવું જ છે. સવાર સવારમાં મારા તો હાથ જ ઠરી ગયા " દેવરાજ હસીને બોલ્યો.
" જાઓ ને હવે ! એવું થોડું હોય ? ઉપરથી અત્યારે તો ઠંડી પણ વધારે છે. કારણ ગમે તે હોય પરંતુ મને અત્યારે ગંગાનું પાણી ગઈકાલ જેટલું ઠંડુ લાગતું નથી. " દેવકી બોલી.
" બસ તો પછી તને નાહવાની મજા આવશે. પાણી ઠંડુ ન લાગે એ તો સારી વાત છે ને ? " દેવરાજ બોલ્યો.
અસ્થિ વિસર્જન તો થઈ ગયું પરંતુ દાદાજીએ તર્પણ અને પિંડદાન માટે પીતાંબર પહેરેલા કોઈ પંડિતજીની વાત કરી હતી એ પંડિતજી દેખાતા ન હતા.
દેવરાજના આશ્ચર્ય વચ્ચે ત્રણેક મિનિટમાં જ એક રીક્ષા આવીને ઊભી રહી અને પીતાંબર પહેરેલા અને માથે મુંડન કરેલા એક પંડિતજી થેલો લઈને નીચે ઉતર્યા.
" આઈએ ભૂદેવ ! મૈં આપકી હી પ્રતીક્ષા કર રહા થા. " દેવરાજ બોલ્યો.
" દેવરાજ શેઠ આપકા હી નામ હૈ ?" પંડિતજી બોલ્યા.
" જી પંડિતજી. " દેવરાજ આશ્ચર્યથી બોલ્યો. દેવકીને પણ આશ્ચર્ય થયું.
" કલ શામકો આપકે એક રિશ્તેદાર મેરે ઘર આયે થે. ઉન્હોંને હી મુજે બોલા કિ કલ સુબહ આઠ બજે ત્રિવેણી ઘાટ ક્રિયાકર્મ કા સબ સામાન લેકર પહોંચ જાના. વહાં આપકો દેવરાજ શેઠ મિલેંગે. ઉન્હોંને મેરી દક્ષિણા ભી દે દી હૈ " પંડિતજી બોલ્યા.
વાહ દાદાજી વાહ ! તમારા ક્રિયાકર્મની બધી વ્યવસ્થા પણ તમે જ કરી અને દક્ષિણા પણ તમે આપી દીધી !!
જો કે દેવકીને પંડિતજીની વાત કંઈ સમજાઈ નહીં.
" સર તમારા કયા સંબંધી અહીં રહે છે જે પંડિતજીના ઘરે ગયા હતા અને દક્ષિણા પણ આપી દીધી ? " દેવકીએ પૂછ્યું.
" મારા એક મિત્રના સંબંધી અહીં રહે છે અને મેં એ મિત્ર દ્વારા પંડિતજીની વ્યવસ્થા કરાવી. કારણ કે આપણે તો અહીં કોઈને ઓળખતા જ નથી ને ?" દેવરાજે વાર્તા કરી.
દેવરાજ કેવી રીતે કહે કે તારા દાદાજી જ પંડિતજીના ઘરે ગયા હતા અને એમણે જ પોતાની સિદ્ધિથી જરૂરી દક્ષિણા ઉત્પન્ન કરીને પંડિતજીને આપી હશે !
" જજમાન આપકો અબ સ્નાન કરના હોગા ઔર યે ધોતી મૈ લેકર આયા હું ઉસકો હી પહેનના હોગા." પંડિતજી બોલ્યા અને એમણે ધોતી દેવરાજને આપી.
દેવરાજને દાદાજીના શબ્દો યાદ આવ્યા. એમણે ધોતીની પણ વાત કરી હતી.
"દેવકી તારે ક્રિયાકર્મમાં બેસવાનું નથી છતાં તું પણ નાહી લે. કારણકે પછી ફરી ગંગાસ્નાન કરવાનો અવસર નહીં મળે. અને અત્યારે તારા માટે પાણી થોડું ગરમ પણ છે. " દેવરાજ હસીને બોલ્યો.
"તમારા લોકોની હાજરીમાં ? ના રે બાબા. અહીં હું ગંગાસ્નાન ના કરી શકું. " દેવકી બોલી.
"ત્યાં જો...સ્ત્રીઓ અને પુરુષો સાથે સ્નાન કરે છે કે નહીં ? ગંગા જેવી પવિત્ર નદીમાં પુરુષ અને સ્ત્રીનો ભેદ જ રહેતો નથી." દેવરાજ બોલ્યો.
દેવરાજે એમનાથી થોડેક દૂર બે સ્ત્રીઓ અને બે પુરુષો સ્નાન કરી રહ્યા હતા એ બતાવ્યું.
" ના પણ મને તો શરમ આવે છે. તમારી હાજરીમાં હું આ રીતે ખુલ્લામાં સ્નાન ના કરી શકું. " દેવકી બોલી.
દેવરાજને ખબર હતી કે દાદાજીની કૃપાથી દેવકી સ્નાન કરે એ કોઈ જોઈ શકવાનું ન હતું પરંતુ એ દેવકીને કેવી રીતે સમજાવે ?
" એક કામ કર દેવકી. પહેલા હું સ્નાન કરીને પૂજામાં બેસી જાઉં. એ પછી તું સ્નાન કરવા જા. તારી બાજુ મારી પીઠ હશે એટલે હું તને જોઈ શકવાનો નથી. " દેવરાજે વચલો માર્ગ કાઢ્યો.
" હા એ વાત બરાબર છે. તમે પહેલાં સ્નાન કરી લો." દેવકી બોલી.
દેવરાજે શર્ટ અને પેન્ટ ઉતારીને ગંગા કિનારે મૂકી દીધાં. ટુવાલ અને ધોતી પણ એની સાથે જ મૂક્યાં.
એ પછી એણે ગંગા નદીમાં ઝંપલાવ્યું. દેવરાજને સ્વિમિંગ આવડતું હતું એટલે ગંગામાં ડૂબકી મારીને પછી એણે તરવાનું ચાલુ કર્યું. કિનારે કિનારે તરવામાં કોઈ જોખમ ન હતું ! દેવકી એને તરતો જોઈ રહી.
પાંચેક મિનિટમાં દેવરાજ સ્નાન કરીને બહાર આવી ગયો અને શરીર લૂછી ને એણે ધોતી પહેરી લીધી. એ પછી એ પંડિતજીએ બીછાવેલા આસન ઉપર બેસી ગયો.
દેવકી ટુવાલ અને પોતાનાં બદલવાનાં કપડાં કિનારે મૂકીને પહેરેલા કપડે જ સ્નાન કરવા ગઈ. એના આશ્ચર્ય વચ્ચે અત્યારે પણ ગંગાનું પાણી એને હૂંફાળું લાગ્યું. એણે માથું પલાળીને બરાબર સ્નાન કરી લીધું. સ્નાન કરતી વખતે એણે બે વાર દેવરાજ તરફ જોયું પરંતુ દેવરાજની પીઠ એની તરફ હતી.
જો કે દાદાજીની સિદ્ધિના કારણે દેવકી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગઈ હતી. દાદાજી ઈચ્છે નહીં ત્યાં સુધી એને કોઈ જ જોઈ શકવાનું ન હતું. પરંતુ દેવકી આ બધી બાબતોથી અજાણ હતી.
દેવકી નાહીને બહાર આવી અને ટુવાલથી શરીર લૂછીને સંકોચાતાં સંકોચાતાં એણે કપડાં બદલી લીધાં. એક વાતની એને રાહત થઈ કે એની તરફ કોઈ જ જોઈ રહ્યું ન હતું. પંડિતજી પણ પોતાની પૂજામાં મસ્ત હતા.
દેવકીએ જેવાં કપડાં બદલી નાખ્યાં કે તરત જ એ દ્રશ્યમાન થઈ ગઈ ! એ પછી દેવકી ત્યાં પડેલું એક આસન લઈને દેવરાજની બાજુમાં બેસી ગઈ.
દેવરાજ સંપૂર્ણપણે પૂજા વિધિમાં મગ્ન હતો. દાદાજી સાચું કહેતા હતા. આ પંડિતજી બહુ જ વિદ્વાન હતા અને એમના મંત્રોચ્ચાર પણ એકદમ શુદ્ધ હતા. લગભગ બે કલાક સુધી વિધિ ચાલી. છેલ્લે દાદાજીની પેઢીના તમામ પિતૃઓને બોલાવીને દાદાજીનો પીંડ વહેરવામાં આવ્યો.
જેવો એમના નામનો પીંડ વહેર્યો કે તરત જ પંડિતજી અને દેવરાજની વચ્ચે પ્રકાશનો એક મોટો ઝબકારો થયો. પંડિતજી પોતે ચમકી ગયા.
" અરે યે કયા ? ઐસા તો મૈંને અપની લાઈફ મેં પેહલી બાર દેખા." પંડિતજી બોલ્યા.
" પંડિતજી... દેવશંકર દાદાજીકી આત્મા બહોત ઊંચી થી. વો પ્રખર ગાયત્રી ઉપાસક તો થે હી લેકિન એક યોગી ભી થે. લેકિન આપકે મંત્રોંમેં ભી બહુત તાકત હૈ જો કીસીકો ભી મુક્ત કરા સકતે હૈં. " દેવરાજ બોલ્યો.
દેવરાજની વાત સાંભળીને પંડિતજી પણ ખુશ થઈ ગયા. પ્રશંસા સૌને ગમતી હોય છે.
પંડિતજીની દક્ષિણા દાદાજીએ આપી દીધી હતી છતાં પણ પોતાની એક ફરજ તરીકે દેવરાજે બ્રાહ્મણને દાન સમજીને બીજા ૫૦૦૦ આપ્યા. પંડિતજીને કલ્પના પણ ન હતી કે ક્રિયાકર્મની આટલી મોટી દક્ષિણા મળશે. એ ખૂબ જ ખુશ થઈ ગયા.
"ભગવાન આપ દોનોંકો ખુશ રખ્ખે. આપ દોનો એક દુસરે કે લિયે હી બને હો." પંડિતજીએ આશીર્વાદ આપ્યા.
દેવરાજ ચમકી ગયો. એ કંઈ બોલ્યો નહીં. પંડિતજી આ શું બોલી ગયા ? દેવકી તો મારા માટે પરાઈ છે. શીતલ જ મારી જીવનસાથી છે !
પરંતુ દેવકીને તો પંડિતજીના શબ્દો ખૂબ જ ગમી ગયા. એ દેવરાજ સિવાય કોઈની પણ થવા માગતી ન હતી. ભલે પછી આજીવન કુંવારા રહેવું પડે !
બધી વિધિ પતી ગઈ પછી દેવરાજ અને દેવકી ચાલતાં ચાલતાં મેઇન રોડ સુધી આવ્યાં અને ત્યાંથી ચોટીવાલા રેસ્ટોરન્ટ જવા માટે રીક્ષા કરી.
બપોરના ૧૨:૩૦ વાગી ગયા હતા. આજે તો નાસ્તો પણ કર્યો ન હતો એટલે ભૂખ લાગી હતી.
" દેવકી આપણે સૌથી પહેલાં પેટપૂજા કરી લઈએ. કાલે સાંજે જમવાનું સારું હતું એટલે આપણે ત્યાં જ જઈએ છીએ. " દેવરાજ બોલ્યો.
" હા સર ત્યાં ખરેખર જમવાનું સારું હતું. " દેવકી બોલી.
જમ્યા પછી દેવરાજ અને દેવકી પોતાની હોટલે પહોંચી ગયાં. બપોરના અઢી વાગી ગયા હતા.
દેવરાજે બીજા દિવસે દિલ્હી જવા માટે રિઝર્વેશન કરાવવા મોબાઈલ હાથમાં લીધો અને ગૂગલ સર્ચ કર્યું. બધી ટ્રેઈનો ફુલ હતી. એક માત્ર હરિદ્વારથી સવારે છ વાગે ઉપડતી જનશતાબ્દી એક્સપ્રેસમાં ચેર કારમાં તત્કાલમાં ટિકિટ મળે એમ હતી. દેવરાજે બે ટિકિટ બુક કરાવી દીધી.
એ પછી દિલ્હીથી મુંબઈની સાંજે સવા ચાર વાગે ઉપડતી ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ બે ટિકિટ બુક કરાવી દીધી.
" દેવકી અત્યારે એકાદ કલાક પછી ટેક્સી કરીને આપણે હરિદ્વાર જતાં રહીએ. કાલે સવારની ટ્રેન હરિદ્વારથી ઉપડશે એટલે આજે રાત્રે હરિદ્વાર પહોંચી જવું જરૂરી છે. સમય હશે તો ત્યાં પણ ગંગાઆરતીનાં આજે દર્શન કરી લઈશું. અહીં સુધી આવ્યા જ છીએ તો શાંતિકુંજ જોવાની મારી તીવ્ર ઈચ્છા છે. જો ત્યાં રૂમ મળે તો ત્યાં જ રૂમ લઈ લઈશું. ત્યાં ગાયત્રીની ચેતના પ્રત્યક્ષ છે." દેવરાજ બોલ્યો.
" સર તમે જેમ કહો તેમ. મને કોઈ જ વાંધો નથી. " દેવકી બોલી.
દેવરાજે બપોરે સાડા ત્રણ વાગ્યે ચા મંગાવી અને પી લીધી અને પછી હોટલ છોડીને બંને જણાં ટેક્સી સ્ટેન્ડે આવી ગયાં.
એક પછી એક ટેક્સીઓ ઉપડતી જ હતી. દેવરાજે એને છેક શાંતિકુંજ સુધી લઈ જવાની વિનંતી કરી.
પાંચ વાગ્યા સુધીમાં તો ટેક્સી શાંતિકુંજ પહોંચી ગઈ. દેવરાજને ગુરુજીના આશીર્વાદ હતા એટલે રૂમ મળી પણ ગયો. ત્યાં કાઉન્ટર ઉપર શાંતિકુંજમાં જોવા લાયક સ્થળોનું એક પેમ્ફલેટ હતું. દેવરાજે એ લઈ લીધું અને પછી બંને જણાં રૂમમાં ગયાં.
પાંચ વાગી ગયા હતા અને ઘણું બધું જોવાનું હતું એટલે રૂમમાં આવીને તરત જ દેવરાજ હાથપગ ધોઈને ફ્રેશ થઈ ગયો. દેવકીએ પણ એનું અનુકરણ કર્યું.
પેમ્ફલેટ જોયા પછી બીજાં બધાં સ્થળો તો ઠીક પરંતુ અખંડ દીપક, વેદમાતા ગાયત્રીનું મંદિર, દેવાત્મા હિમાલયનું ધ્યાન મંદિર, શ્રીરામ શર્માજીનો સાધના ખંડ તેમ જ એમનું સમાધિ સ્થાન જોવાની ખાસ ઈચ્છા હતી.
એટલામાં ચાની કીટલી લઈને એક સ્વયંસેવક ચાનું પૂછવા માટે આવ્યો. દેવરાજને અહીંની ચા પીવાની ઈચ્છા થઈ. એણે બે કપ ચા લઈ લીધી.
આદુ નાખેલી ગાયના દૂધની ચા ખરેખર ખૂબ જ સરસ હતી.
"ચાના કેટલા પૈસા આપવાના છે ભાઈ ? " દેવરાજે હિન્દીમાં પૂછ્યું.
" અહીં પાઈ પૈસો આપવાનો હોતો નથી. સિવાય કે તમે કોઈ વસ્તુ અહીંથી ખરીદો. રહેવા જમવા કે ચા પાણીનો અહીં કોઈ જ ખર્ચો નથી. સાંજે સાડા છ વાગે ભોજનશાળા ખુલી જાય છે અને આઠ વાગે બંધ થાય છે." સ્વયંસેવક હિન્દીમાં બોલ્યો.
એ પછી ચા પી લીધી એટલે ખાલી કપ અને કીટલી લઈને સ્વયંસેવક રવાના થઈ ગયો.
દેવરાજે નકશાવાળું લીફલેટ વાળીને પોતાના ખિસ્સામાં મૂક્યું અને પછી એ રૂમની બહાર નીકળી ગયો.
દેવરાજ દેવકીને લઈને સૌપ્રથમ તીર્થ ક્ષેત્રમાં પ્રવેશ્યો અને વેદમાતા ગાયત્રીના મંદિરે ગયો. મંદિર નાનકડું હતું પરંતુ મૂર્તિ સુંદર હતી. એણે બે હાથ જોડી દિલથી પ્રાર્થના કરી.
ત્યાંથી સપ્ત ઋષિઓનાં દર્શન કર્યાં અને વિશ્વામિત્ર તેમજ વશિષ્ઠ ઋષિના આશીર્વાદ પણ માગ્યા. વિશ્વામિત્ર ઋષિએ આ જ ભૂમિ ઉપર ગાયત્રીમંત્રના કરોડો જાપ કર્યા હતા.
એ પછી લાંબી લાઈનમાં ઊભા રહીને દેવરાજ દેવકી સાથે સીડી ચડીને ઉપર અખંડ દીપકનાં દર્શન કરવા માટે ગયો. માં ગાયત્રીની મૂર્તિની સામે એક સફેદ શિવલિંગ હતું અને બાજુમાં નાનકડા મંદિરમાં અખંડ દીપક પ્રજ્વલિત હતો.
"આ દિપક આખાય શાંતિકુંજનો આત્મા છે. ૧૯૨૬ થી આ ગાયના ઘીનો દીપક ખુદ ગુરુજી શ્રીરામ શર્મા આચાર્યશ્રીએ પ્રગટાવેલો છે " ત્યાં ઉભેલો ગાઈડ બધાને સમજાવતો હતો.
હૃદયપૂર્વક ખૂબ જ ભાવથી દેવરાજે આ દીપકનાં દર્શન કર્યાં. દર્શન કરતી વખતે એણે અનુભવ્યું કે એક નવીન પ્રકારની ઉર્જા એના શરીરમાં પ્રવેશી રહી હતી.
દીપકનાં દર્શન કર્યા પછી દેવરાજ આચાર્યશ્રીના સાધના ખંડમાં ગયો અને એમની કાયમી બેસવાની ખુરશી તથા સૂવાની ગાદી ઉપર માથું ટેકવ્યું અને હૃદયના પૂરેપૂરા ભાવથી પ્રાર્થના કરી. ગુરુજીએ પોતાના જીવનમાં કરોડો ગાયત્રી મંત્રના જાપ કર્યા હતા એટલે મંત્રોનાં આંદોલનો અહીં પણ અનુભવી શકાતાં હતાં. મનમાં એક અપાર શાંતિનો અનુભવ થતો હતો !
આ બધું જોવામાં જ કલાક નીકળી ગયો અને પોણા સાત વાગી ગયા એટલે પછી અહીંની ગંગાઆરતી જોવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને દેવરાજ દેવકીને લઈને ભોજનાલયમાં ગયો. અહીં લોકો જમીને પોતપોતાનાં વાસણો જાતે ધોઈને ફરી પાછાં એ જ જગ્યાએ મૂકતાં હતાં જ્યાંથી લીધાં હતાં.
દેવરાજે બે થાળી, બે વાડકી અને બે ગ્લાસ લઈ લીધા અને પછી મોટા હોલમાં જમીન ઉપર જ્યાં લાંબી શેત્રંજી પાથરેલી હતી ત્યાં લાઈનમાં બધાની સાથે નીચે બેસી ગયો. દેવકી પણ એની બાજુમાં નીચે બેસી ગઈ. કોઈક વાર આ અનુભવ પણ લેવા જેવો હોય છે.
જમવામાં સાંજે ખીચડી કઢી પરોઠા અને રીંગણનું શાક હતું. સ્વયંસેવકો પીરસવાની સેવા આપતા હતા. અહીં ભોજન સાત્વિક અને સ્વાદિષ્ટ હતું.
અહીં બે પલંગ અલગ અલગ હતા એટલે દેવરાજને કોઈ સંકોચ થયો નહીં. જમીને આવ્યા પછી એ થોડીવાર માટે આડો પડ્યો. સવારથી સતત દોડધામ ચાલતી હતી. થાકનો અનુભવ પણ થયો હતો. કાલે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠીને દેવાત્મા હિમાલય મંદિરમાં ધ્યાન કરવા જવાની દેવરાજની ઈચ્છા હતી.
" દેવકી કાલે સવારે હું સાડા ત્રણ વાગ્યે ઊઠીને નાહી ધોઈ હિમાલય મંદિરમાં ધ્યાન કરવા જઈશ. સવારે ૬:૩૦ વાગે ટ્રેઈન ઉપડી જાય છે. એટલે આપણે અહીંથી પોણા છ વાગે તો નીકળી જવું પડશે. તું સાડા ચાર વાગ્યાનું એલાર્મ મૂકી દે. હું સાડા પાંચ વાગ્યા સુધીમાં આવી જઈશ. ત્યાં સુધીમાં તું તૈયાર રહેજે. " દેવરાજ બોલ્યો અને એણે પોતે સાડા ત્રણ વાગ્યાનું એલાર્મ મૂકી દીધું.
પરંતુ સવારે એલાર્મ વાગે એના પાંચ મિનિટ પહેલાં જ અચાનક એની આંખો ખૂલી ગઈ જાણે કે એને કોઈએ ઢંઢોળ્યો હોય !! એ ઊભો થઈ ગયો અને બ્રશ કરી જલ્દી જલ્દી નાહી લીધું. આટલી પવિત્ર જગ્યાએ જવા માટે થોડીક દેહશુદ્ધી જરૂરી હતી !
બરાબર ૩:૩૦ વાગે મંદિર ખોલવાના સમયે જ દેવરાજ પહોંચી ગયો. અંદર પગ મૂક્યો ત્યાં જ એને અલૌકિક અનુભવ થયો. જાણે હિમાલયની તળેટીમાં પહોંચી ગયો હોય એવી અનુભૂતિ અંદર એને થતી હતી. વાતાવરણ પણ એકદમ ઠંડુ હતું.
ત્રણ ચાર બીજા સાધકો પણ એની સાથે જ આ ધ્યાન મંદિરમાં પ્રવેશ્યા. દેવરાજ અંદર સહેજ આગળ જઈને એક સરસ જગ્યાએ ગોઠવાઈ ગયો. અંદર એકદમ નીરવ શાંતિ હતી.
દેવરાજ ગુરુજીનું સ્મરણ કરીને ધ્યાન કરવા બેસી ગયો. થોડી મિનિટોમાં તો એના મગજના તરંગો શાંત થતા ગયા અને એ આલ્ફા લેવલમાં પહોંચી ગયો. એ પછી જોતજોતામાં થીટા લેવલમાં પણ સરી પડ્યો. થીટા લેવલમાં દેવરાજને એક પરિચિત અવાજ સંભળાયો.
"દેવરાજ હું દેવશંકર. તમને અહીં આવવાની પ્રેરણા મેં જ આપી છે. તમે ગાયત્રી મંત્રની સાધના કરી રહ્યા છો એટલે જેમણે કરોડો ગાયત્રી મંત્રના જાપ કર્યા હોય એમની ચેતનાના આશીર્વાદ તમને મળે એ જ હેતુ છે. "
દેવરાજને પોતાની સામે ધ્યાન અવસ્થામાં એક સફેદ વાદળી હોય એવો ભાસ થયો. એ વાદળીમાં એક યુવાન ચહેરો પણ દેખાયો.
" અરે દાદાજી તમે અહીં ક્યાંથી ? તમે તો આજે સવારે સૂક્ષ્મ જગતમાં ઉપર જવા માટે નીકળી ગયા હતા ને ! અને તમારી ઉંમર જાણે કે યુવાન હોય એવો ચહેરો કેમ દેખાય છે ? " દેવરાજે આશ્ચર્યથી પૂછ્યું. આ સંવાદો ધ્યાન અવસ્થામાં જ ચાલી રહ્યા હતા.
" હું સૂક્ષ્મ જગતમાં જ છું અને હવે આત્મા સ્વરૂપમાં છું. આત્માની કોઈ ઉંમર નથી હોતી. મૃત્યુ પછી તમામ આત્માઓ યુવાન સ્વરૂપે જ હોય છે. અને અહીં મારું કોઈ શરીર નથી. હું ધારું તો જ સ્થૂળ સ્વરૂપે દેખાઈ શકું. હવે મારી ફિક્વન્સી અલગ છે અને તમારી ફ્રિક્વન્સી અલગ છે. મને ચોથા લોકની પ્રાપ્તિ થઈ ગઈ છે પણ તમારા માટે જ હું અહીં આવ્યો છું. પંડિતજી ની વિધિથી મને સંપૂર્ણ સંતોષ થયો છે." દાદાજી હજુ પણ દેવરાજને તમે કહીને બોલાવતા હતા.
" દાદાજી મને એક વાતનો જવાબ આપો કે તમે પંડિતજીના ઘરે કોઈ બીજા સ્વરૂપમાં પહોંચી ગયા ત્યાં સુધી તો બધું બરાબર છે. પરંતુ દક્ષિણા તમે કેવી રીતે પેદા કરી ? " દેવરાજે સવાલ કર્યો.
" મેં પંડિતજીને કોઈ દક્ષિણા આપી જ નથી. મેં માત્ર એમને સવારે ત્રિવેણી ઘાટ ઉપર પહોંચી જવાનું કહ્યું હતું અને તમને મળવાનો આદેશ આપ્યો હતો. મેં એમને દક્ષિણા આપી છે એવો ભ્રમ એમના મનમાં મેં જ પેદા કર્યો હતો પરંતુ એ દક્ષિણા તો મેં તમારી પાસેથી જ અપાવી. તમે કાલે જે રકમ આપી એ મારી પ્રેરણાથી જ આપી અને એ જ એમની સાચી દક્ષિણા !" દાદાજી હસીને બોલ્યા.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

