પીજી હાઉસ (PG House Novel Part-50)

Related

પીજી હાઉસ પ્રકરણ 50

હિમાલય ધ્યાન મંદિરમાં દેવરાજની સામે દેવશંકર દાદાનો આત્મા પ્રગટ થયો હતો. સૂક્ષ્મ જગતમાં ગયા પછી દાદાજીનો આત્મા યુવાન લાગતો હતો અને સૂક્ષ્મ શરીર પણ સફેદ વાદળી જેવું પારદર્શક દેખાતું હતું.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

" હવે હું રજા લઉં. મારા માર્ગદર્શક એક દિવ્ય આત્મા છે અને એ મારી રાહ જોઈ રહ્યા છે. મારો દેવકી સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ ગયો છે. હવે તમે એનું ધ્યાન રાખજો." દાદાજી નો આત્મા બોલ્યો અને દાદાજી અદ્રશ્ય થઈ ગયા.

દેવરાજ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો. આ ધ્યાનખંડમાં એ એટલા બધા આનંદનો અનુભવ કરી રહ્યો હતો કે દુનિયાનાં બધાં જ સુખો આ આનંદની પાસે ફિક્કાં હતાં.

એણે એ પછી સમય ઓછો હોવાથી ગાયત્રીની માત્ર પાંચ માળા કરી અને ઉભો થઈને ધીમેથી બહાર નીકળી ગયો.

પોતાના રૂમ ઉપર આવ્યો ત્યારે દેવકી લગભગ તૈયાર થઈ ગઈ હતી અને અત્યારે પોતાના લાંબા વાળ ઓળી રહી હતી. દેવરાજે એક બાબતની ખાસ નોંધ લીધી કે શીતલ અને દેવકી બંનેના વાળ ખૂબ જ લાંબા હતા.

" બસ પાંચ મિનિટ. " દેવકી બોલી.

" હજુ સવા પાંચ વાગ્યા છે. અહીંની ગાયના દૂધની ચા સરસ આવે છે. હું ચા મંગાવી દઉં છું. ચા પીને પછી આપણે નીકળીએ. " દેવરાજ બોલ્યો અને એણે રૂમમાંથી જ ઇન્ટરકોમ ઉપર બે ચાનો ઓર્ડર આપ્યો.

દસેક મિનિટમાં જ સ્વયંસેવક કીટલી લઈને આવ્યો અને બે કપ ભરી દીધા. ચા આપીને એ બહાર નીકળી ગયો.

દેવરાજ અને દેવકીએ ગરમ ગરમ ચા પી લીધી અને પછી બેગ લઈને બંને જણાં રિસેપ્શનની ઓફિસે આવ્યાં. રૂમ ખાલી કર્યાની ત્યાં જાણ કરી દીધી અને બંને જણાં શાંતિકુંજમાંથી બહાર આવ્યાં.

બહાર આવીને રીક્ષા કરી અને ૧૫ મિનિટમાં રેલ્વે સ્ટેશન પહોંચી ગયાં. જનશતાબ્દી એક્સપ્રેસ દેહરાદુનથી આવતો હતો. પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા પછી પાંચેક મિનિટમાં જ ટ્રેઈન આવી ગઈ. રિઝર્વેશન પ્રમાણે ત્રણ નંબરના કોચમાં દેવરાજ દેવકીને લઈને પોતાની સીટ ઉપર બેસી ગયો. બારી પાસેની સીટ એણે દેવકીને આપી.

"હજુ ટ્રેઈન ઉપડવાની ૧૦ મિનિટની વાર છે. કોઈ નાસ્તો કરવાની ઈચ્છા છે ? " દેવરાજે દેવકીને પૂછ્યું.

" આટલા વહેલા નાસ્તો કરવાની ટેવ નથી એટલે અત્યારે તો કોઈ ઈચ્છા થતી નથી. ઠંડી બહુ છે એટલે ફરી ચા પી લઈએ. " દેવકી બોલી.

"ઓકે." દેવરાજે કહ્યું અને કોચમાં આવેલા વેન્ડર પાસેથી પેપર કપમાં બે ચા લઈ લીધી.

" એક વાત પૂછું સર ? " ચા પીધા પછી દેવકી બોલી.

" ઑફ કોર્સ... પૂછી શકે છે." દેવરાજ હસીને બોલ્યો.

"તમે મને કઈ નજરથી જુઓ છો ?" દેવકી દેવરાજની સામે જોઈને નટખટ અંદાજથી બોલી.

" આપણા સંબંધોનું નામ આપવાની કોઈ જરૂર નથી દેવકી. હું તને પવિત્ર નજરથી જ જોઉં છું. " દેવરાજ બોલ્યો.

જવાબ તો એણે આપી દીધો પરંતુ બાજુમાં બેઠેલી એકદમ યુવાન દેવકી અત્યારે ખૂબ જ સુંદર દેખાતી હતી. સવાર સવારમાં ઠંડી ખૂબ જ હતી એટલે એણે મરૂન કલરનું ખૂલ્લું જેકેટ અને માથા ઉપર રુંછાવાળી ટોપી પહેરી હતી ! એ ખૂબ જ સોહામણી લાગતી હતી ! ગમે તેમ તોય દેવરાજ યુવાન પુરુષ હતો. એ આકર્ષણ તો અનુભવતો જ હતો પરંતુ મનને વાળી લેતો હતો.

"શું શીતલ મારાથી પણ સુંદર છે ? " અચાનક દેવકીએ પૂછ્યું.

" સરખામણી હું નથી કરતો. દરેક વ્યક્તિની સુંદરતા અલગ અલગ હોય છે. તું પણ મને એટલી જ ગમે છે. આકર્ષણ પણ થાય છે. પરંતુ મારા સંસ્કારોના કારણે હું શીતલ સાથે વિશ્વાસઘાત કરવા માંગતો નથી. હું એને મારી ભાવિ પત્ની તરીકે જોઈ રહ્યો છું એટલે તને હું પ્રેમ કરી શકતો નથી. " દેવરાજ બોલ્યો.

"હું તમારા પ્રેમની પ્રતીક્ષા કરીશ. મને મારા દાદાજીના શબ્દોમાં વિશ્વાસ છે. હું તો તમને સમર્પિત થઈ ચૂકી છું સર અને જિંદગીભર તમને જ પ્રેમ કરતી રહીશ. તમારી નજરમાં હું જો સુંદર હોઉં તો એ સુંદરતાના માલિક પણ માત્ર તમે જ છો દેવરાજ. આઇ લવ યુ." પ્રેમના આવેશમાં દેવકીથી બોલાઈ ગયું અને એણે દેવરાજનો હાથ પકડી લીધો.

ફરી દેવરાજ વિચલિત થઈ ગયો. એણે દેવકીની સામે જોયું. દેવકી તો એની સામે જ જોઈ રહી હતી. શું જવાબ આપવો એ દેવરાજને સૂઝ્યું નહીં. એણે ધીમેથી દેવકીનો હાથ છોડાવી લીધો.

બંનેના દિલના ધબકારા વધી ગયા હતા. બંનેનાં શરીર ગરમ થઈ ગયાં હતાં પરંતુ દેવરાજે ખૂબ સંયમથી કામ લીધું.

" દેવકી પ્લીઝ મારી પરીક્ષા ના કર. જે માર્ગે હું જઈ રહ્યો છું ત્યાં ચારિત્ર્યની બહુ મોટી કિંમત હોય છે. હું પણ તને પ્રેમ કરું જ છું. પરંતુ તારા પ્રત્યેનો મારો પ્રેમ વાસનાથી મુક્ત છે. સમયના ગર્ભમાં શું છુપાયેલું છે એ તો હું પણ નથી જાણતો. પરંતુ અત્યારે તો તારા પ્રત્યેની મારી દ્રષ્ટિમાં પવિત્રતા છે !" દેવરાજ બોલ્યો.

એ પછી દેવકી કંઈ બોલી નહીં. એણે પોતાની લાગણીઓને કંટ્રોલ કરવા બહુ મહેનત કરવી પડી.

બરાબર છ વાગે ટ્રેન હરિદ્વાર થી ઉપડી. પાંચ કલાક પછી દિલ્હી આવવાનું હતું. દેવકીએ વિચારોને બીજી દિશા આપવા માટે કાનમાં ઈયરફોન ભરાવી યુટ્યુબના વિડીયો જોવાનું ચાલુ કર્યું.

પરંતુ દેવરાજ તો દેવકીના જ વિચારે ચડી ગયો હતો. એને એ સમજાતું ન હતું કે એના જીવનમાં દેવકી શા માટે આવી ? એ જે માર્ગે જઈ રહ્યો હતો એ માર્ગે આવાં પ્રલોભનો આવે એ એને પસંદ ન હતું. ચારિત્ર્યમાં એ માનતો હતો. એટલે દેવકીની વાતોથી વારંવાર એનું મન વિચલિત થતું હતું જે એને પસંદ ન હતું. પરંતુ પ્રકૃતિ ઉપર પોતાનું કોઈ નિયંત્રણ ન હતું ! અગ્નિ અને પેટ્રોલ નજીક હોય તો ક્યારેક તો ભડકો થાય જ !

શું દેવકી સાથે મારો પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હશે ? મને તો મારો વૈકુંઠલાલ તરીકેનો પૂર્વજન્મ ખબર છે પરંતુ એ પૂર્વજન્મમાં દેવકી સાથે મારો કયો સંબંધ હતો એ મારે જાણવું પડશે. મને સર્વજ્ઞતા સિદ્ધિ મળી છે તો એનો ઉપયોગ કરવો જોઈએ.

પરંતુ અહીં ટ્રેઈનમાં ધ્યાનમાં બેસવું શક્ય નથી. અહીં બધા વેન્ડરો આવતા જતા હોય એવા સમયે એક કલાકનું ધ્યાન કરી શકાય જ નહીં. મુંબઈ ગયા પછી જ આ બધું શક્ય છે. એણે સમયનો ઉપયોગ કરવા માટે મનમાં ગાયત્રી મંત્ર જપવાનું ચાલુ કર્યું.

" સર સાડા આઠ વાગી ગયા છે. હવે કંઈક નાસ્તો કરવાની ઈચ્છા છે." બે કલાક પછી દેવકી બોલી.

" દસેક મિનિટમાં જ મુઝફ્ફરનગર સ્ટેશન આવશે. ત્યાં કંઈ ગરમ મળતું હોય તો હું જોઈ લઉં છું. બાકી ટ્રેઈનમાં તો નાસ્તાના વેન્ડરો ફરતા જ હોય છે. એમની પાસે સમોસા પોહા ઈડલી અને ઉપમા તો મળી જ રહેશે" દેવરાજ બોલ્યો.

દેવરાજને ઈચ્છા થઈ કે પોતાની પાસે દાદાજીએ જે સિદ્ધિ આપી છે એનાથી ગરમાગરમ નાસ્તો દેવકી માટે એ પેદા કરે. પરંતુ જાહેરમાં આ રીતે દેવકીની સામે એ સિદ્ધિનો ઉપયોગ કરવો યોગ્ય નથી. એવી કોઈ જગ્યા એને દેખાતી ન હતી કે જ્યાં જઈને એ નાસ્તાની ડીશ પેદા કરે. એણે એ વિચાર અત્યારે માંડી વાળ્યો.

બરાબર ૮:૪૦ વાગે મુઝફ્ફરનગર સ્ટેશન આવ્યું. દેવરાજ નીચે ઉતર્યો. એક સ્ટોલ ઉપર ગરમ ગરમ પૂરી અને બટેટાનું શાક મળતું હતું. દેવરાજે પૂરી શાક લઈ લીધાં અને પાછો કોચમાં ચડી ગયો.

"કેમ તમે માત્ર મારા માટે જ લાવ્યા ? તમને ભૂખ નથી લાગી ? " દેવકી બોલી.

" મેં ચારના બદલે છ પૂરી લીધી છે. માત્ર બે પૂરી હું ખાઈ લઈશ. બાકીની તારી. " દેવરાજ હસીને બોલ્યો અને એણે એક પૂરી હાથમાં લઇ શાકમાં બોળી ખાવાનું ચાલુ કર્યું.

એનું જોઈને દેવકીએ પણ જમવાનું ચાલુ કર્યું. પૂરી તો ઠીક હતી પરંતુ શાક ખરેખર સરસ બનાવ્યું હતું. પૂરી શાક જમી લીધા પછી દેવકીને સંતોષ થયો.

બરાબર ૧૧ વાગે ન્યુ દિલ્હી સ્ટેશન આવી ગયું. ૧૨:૩૦ વાગ્યાનું ફ્લાઇટ હતું એટલે દેવરાજે સ્ટેશનની બહાર નીકળીને ટેક્સી કરી લીધી અને દિલ્હી એરપોર્ટ પહોંચી ગયો.

બોર્ડિંગ પાસ લઈને દેવરાજ દેવકી સાથે અંદર ગયો. પોણા બાર વાગી ગયા હતા અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે દેવરાજે ઇન્કવાયરીમાં પૂછી લીધું અને પછી ચોથા માળે આવેલી દિલ્લી સ્ટ્રીટ રેસ્ટોરન્ટમાં દેવકીને લઈને ગયો.

વેઈટર પાસે મેનુ મંગાવ્યું અને દેવકીને પૂછીને એના માટે છોલે ભટુરે અને પોતાના માટે થાળી મંગાવી લીધી. સર્વિસ ફાસ્ટ હતી. દસેક મિનિટ બાદ બંને આઈટમ આવી ગઈ. એકંદરે જમવાનું પણ સારું હતું. આઇસ્ક્રીમ દેવકીને ભાવતો હોવાથી દેવરાજે છેલ્લે આઈસ્ક્રીમ પણ મંગાવી લીધો.

દેવકી માટે એરપોર્ટ ઉપર જમવાનો આવો અનુભવ પણ નવો હતો. દેવરાજની સાથે રહીને એ આ યાત્રાને ખૂબ જ એન્જોય કરી રહી હતી.

છેવટે ફ્લાઈટનો સમય થઈ ગયો. દેવરાજ અને દેવકી ફ્લાઈટમાં ગોઠવાઈ ગયાં. બે દિવસ પહેલાં મુંબઈથી ટેક ઓફ વખતે રાત્રિના સમયે ઝગમગતી રોશની જોઈને દેવકીને જે રોમાંચ થયો હતો એવો એક્સાઈટિંગ અનુભવ દિવસના કારણે દિલ્હીથી ફ્લાઇટ ઉપડી ત્યારે ન થયો.

" દેવકી થોડીવારમાં પીજી હાઉસ આવી જશે. આપણા નામ વગરના જે પણ સંબંધો છે એ હું ગુપ્ત જ રાખવા માગું છું. સ્ત્રી અને પુરુષના સંબંધો જલ્દી ચર્ચાનો વિષય બને છે. હા, કંઈ પણ કામ હોય તો વિના સંકોચે મારી ચેમ્બરમાં આવી શકે છે. ભવિષ્યની વાત મને ખબર નથી પરંતુ અત્યારે તો આપણે અંતર રાખીને જ ચાલવાનું છે. " મુંબઈ એરપોર્ટથી ગીરગાંવ પીજી હાઉસ જતી વખતે ટેક્સીમાં દેવરાજ બોલ્યો.

" હું સમજી શકું છું સર. તમે જરા પણ ચિંતા નહીં કરો." દેવકી બોલી.

દેવરાજે દેવકીને પીજી હાઉસની નજીકમાં ઉતારી દીધી અને એણે ટેક્સી વાલ્કેશ્વર તરફ લીધી. દેવકી સાથેના એના સંબંધો જાહેર ચર્ચાનો વિષય બને એવું એ નહોતો ઈચ્છતો.

દેવરાજ ઘરે પહોંચ્યો ત્યારે સાંજના સવા ચાર વાગવા આવ્યા હતા. પપ્પા તો ઓફિસે ગયેલા હતા. સુમિત્રા મમ્મી ઘરે હતાં.

" આવી ગયો બેટા ? " મમ્મીએ માની મમતાથી પૂછ્યું.

" હા મમ્મી. હરિદ્વાર શાંતિકુંજ પણ ગયો હતો અને અત્યારે ત્યાંથી જ આવું છું. શ્રી રામ શર્મા આચાર્યજીનો એ આશ્રમ ખરેખર અદભુત છે. " દેવરાજ બોલ્યો.

" હા મેં પણ નામ સાંભળ્યું છે. પરંતુ મારે તો મારો લાલો ભલો અને હું ભલી. લાલાએ મને ઘણું આપ્યું છે. " મમ્મી બોલ્યાં.

મમ્મીની વાત સાચી હતી. ઈશ્વર એક જ છે. એની પાસે પહોંચવાના અનેક માર્ગો છે. અનેક મંત્રો છે. દરેક માર્ગના જુદા જુદા માર્ગદર્શકો અને આચાર્યો છે. દરેક પોતાના પાછલા જન્મના કર્મો અને જન્મના સંસ્કાર પ્રમાણે અલગ અલગ માર્ગે આગળ વધે છે.

" નંદુ મહારાજને કહી દે તારા માટે ચા બનાવી દે." મમ્મી બોલ્યાં.

દેવરાજ કિચનમાં ગયો અને નંદુ મહારાજને ચા નું કહી પોતાના બેડરૂમમાં ગયો.

સવારે સાડા ત્રણ વાગ્યે ઉઠ્યો હતો અને જરા પણ આરામ મળ્યો ન હતો એટલે એ બેડ ઉપર આડો પડ્યો.

છેલ્લા ત્રણ ચાર દિવસમાં એને બે સિદ્ધિઓ મળી હતી. આ બધી સિદ્ધિઓ એના કોઈ જ કામની ન હતી. ના એને હવામાંથી કોઈ વસ્તુ પેદા કરવી હતી અને ના તો કોઈના વિચારો કે એના ભૂતકાળ વિશે જાણવું હતું.

કોઈને પણ મદદ કરવા માટે એ હંમેશા તત્પર રહેતો અને પોતાના કરતાં સામેની વ્યક્તિનો એ હંમેશા વિચાર કરતો. એણે ગરીબી જોઈ હતી અને જીવનમાં સંઘર્ષ પણ ઘણો કર્યો હતો. એટલા માટે તો એણે પોતાના સસરા કાન્તિલાલને આર્થિક રીતે આટલી મદદ કરી હતી.

સસરાની યાદ આવતાં જ એને શીતલ યાદ આવી. એણે તરત જ શીતલને ફોન લગાવ્યો.

" શું વાત છે... આજે તો સાહેબને દિવસે વાત કરવાનો ટાઇમ મળી ગયો ? " શીતલ હસીને બોલી.

" હા શીતલ. ઋષિકેશથી બપોરના ફ્લાઈટમાં પાછો આવી ગયો છું અને અત્યારે ઘરે જ છું. " દેવરાજ બોલ્યો.

એણે બે દિવસ પહેલાં પણ ઋષિકેશથી એક વાર ફોન કર્યો હતો.

" ચાલો સારી વાત છે. મારે પણ એકવાર હરિદ્વાર અને ઋષિકેશ જવાની ઈચ્છા છે. હિમાલયનાં દર્શન કરવાં છે. " શીતલ બોલી.

" ચોક્કસ જઈશું. ત્યાંનું વાતાવરણ જ કંઈક અલગ છે. વર્ષોથી અનેક ઋષિમુનિઓએ ત્યાં તપ કરેલાં છે એટલે એ તપોભૂમિ છે. એમાં પણ શ્રીરામ શર્મા આચાર્યનો શાંતિકુંજ આશ્રમ એક વાર જોવા જેવો છે. ત્યાં જ વિશ્વામિત્ર ઋષિએ તપ કરેલું. મેં પણ ત્યાંના ધ્યાનખંડમાં બે કલાક ધ્યાન કર્યું. " દેવરાજ બોલ્યો.

"અરે સાધુ મહારાજ પાછા વળો. હજી તો સંસાર શરૂ કરવાનો બાકી છે અને અત્યારથી તમે તો ધ્યાન અને તપસ્યાની વાતો કરવા લાગ્યા ! " શીતલ હસીને બોલી.

"ઓહ્.. સોરી શીતલ. બે ત્રણ દિવસથી ત્યાં હતો એટલે આધ્યાત્મિક નશો હજુ ઉતર્યો નથી. ઘરે કેમ છે બધા ? " દેવરાજે વિષય બદલ્યો.

" ઘરે બધા જ મજામાં છે અને બધા જ તમને યાદ પણ કરે છે. પપ્પા આ વીકમાં શાસ્ત્રીજીને મળવાના છે અને લગ્નની તારીખ નક્કી કરવાના છે. આપણી તારીખ નક્કી થઈ જાય પછી એકાદ અઠવાડિયા બાદ શાલુનાં લગ્નનું પણ પપ્પા વિચારે છે. " શીતલ બોલી.

"હા તારીખ નક્કી થઈ જાય એટલે હું પણ અહીં બેંકવેટ હોલ બુક કરાવી દઉં. એ સિવાય મહેમાનોના ઉતારા માટે એક બે હોટલ પણ બુક કરાવવી પડશે. વેકેશન નો સમય હશે એટલે મારા પીજી હાઉસમાં પણ ૨૦ ૨૫ મહેમાનોનો સમાવેશ થઈ શકશે. એક ફ્લેટ પણ મારી પાસે ખાલી છે. ત્યાં મારું ફેમીલી રહી શકશે. " દેવરાજ બોલ્યો.

" તમે તો બધું પ્લાનિંગ કરીને જ બેઠા છો. ચાલો સારી વાત છે. હવે આપણી વાત કરો. મારી યાદ આવે છે ખરી ? મને તો રોજ તમે સપનામાં આવો છો રાજ. " શીતલ બોલી.

" સપનામાં શા માટે? હું તો તને ધારું ત્યારે પ્રત્યક્ષ જોઈ શકું છું." દેવરાજ બોલ્યો.

" રહેવા દો ને હવે ! બોલ્યા... પ્રત્યક્ષ જોઈ શકું છું ! " શીતલ ખડખડાટ હસીને બોલી.

દેવરાજ એક મિનિટ માટે મૌન થઈ ગયો અને એણે પોતાના માનસ પટલ ઉપર સંપૂર્ણ ધ્યાન શીતલ ઉપર ફોકસ કર્યું.

" અરે તમે ચૂપ કેમ થઈ ગયા ? ખોટું લાગ્યું ? " શીતલ બોલી.

" તેં ગ્રીન કલરનું ટોપ પહેર્યું છે. માથે વાળની પોની કરેલી છે. સાંજે રસોઈ માટે કોબીજ સમારી રહી છે. દરવાજા પાસે જમીન ઉપર તું બેઠેલી છે. " દેવરાજ બોલી ગયો.

શીતલ તો અવાક જ થઈ ગઈ ! મારું આટલું બધું સચોટ વર્ણન ! અમેઝિંગ !! અનબિલીવેબલ !!!

શીતલને માનવું જ પડ્યું કે દેવરાજ પાસે ઘણી બધી શક્તિઓ છે. આ જ દેવરાજ શાલિની અને કિરણ પાસે હોટલ સુધી પહોંચી ગયા હતા. આ જ દેવરાજે તુલસી ઠક્કરને માત્ર પોતાની શક્તિથી હોસ્પિટલ ભેગો કર્યો હતો ! મારે એમની શક્તિઓ વિશે શંકા કરવી જોઈએ નહીં.

"સોરી રાજ ! હું ભૂલી ગઈ હતી કે તમારી પાસે ઘણી બધી શક્તિઓ છે." શીતલ બોલી.

" હા પણ એ બધી શક્તિઓ મંત્રો ધ્યાન અને તપસ્યાના કારણે છે શીતલ." દેવરાજે થોડો કટાક્ષમાં જવાબ આપ્યો.

" લાગે છે કે મારી વાતનું ખોટું લાગ્યું છે તમને. " શીતલ બોલી. એને પસ્તાવો થયો કે દેવરાજ શાંતિકુંજની વાત કરી રહ્યા હતા તે કાપી નાખવાની જરૂર ન હતી.

" ના મને ખોટું નથી લાગ્યું શીતલ. આધ્યાત્મિક યાત્રાના કારણે જ મને કરોડો રૂપિયા મળ્યા છે અને આ બધી શક્તિઓ પ્રાપ્ત થઈ છે. સંસારી જરૂર છું પરંતુ મારી દોટ અનંત તરફ છે ! " દેવરાજ બોલ્યો.

" સોરી રાજ. તમને હું પૂરેપૂરા ઓળખી શકી નથી. " શીતલ એટલું જ બોલી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)
"પીજી હાઉસ" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."