પીજી હાઉસ પ્રકરણ 51
દેવરાજ વાલકેશ્વરના પોતાના ફ્લેટ ઉપર આવીને શીતલ સાથે ઋષિકેશ અને હરિદ્વારની વાત કરી રહ્યો હતો પણ એમાં શીતલને બહુ રસ પડતો ન હતો.પીજી હાઉસ નવલકથા
દેવરાજને ખ્યાલ આવી ગયો એટલે એણે વાત બદલી નાખી અને વૈશાખ મહિનામાં બંનેના લગ્ન થવાનાં છે એના વિશે થોડી ચર્ચા કરી. દેવરાજે છેલ્લે શીતલને એ પણ કહ્યું કે આજે એ જે પણ કંઈ છે એ એની આધ્યાત્મિકતા ના કારણે જ છે.
શીતલ સાથે વાત પૂરી થઈ ગયા પછી એ થોડો વિચારે ચડી ગયો. શીતલ પોતે ચોક્કસ એક સારી છોકરી હતી. દેવકી કરતાં પણ થોડી વધુ ખૂબસૂરત હતી. પોતાને પસંદ પણ હતી. બંને એક બીજાને ખૂબ પ્રેમ પણ કરતાં હતાં. છતાં આધ્યાત્મિકતાની બાબતમાં બંનેના વિચારો થોડા જુદા પડતા હતા.
શીતલ સંપૂર્ણપણે ભૌતિક વિચારધારા ધરાવતી હતી જ્યારે દેવકી એની સરખામણીમાં અધ્યાત્મના માર્ગે હતી. એનામાં એના દાદાએ ઘણા સંસ્કાર રેડ્યા હતા. ગીતા પચાવી હતી. રોજ ગાયત્રીની પાંચ માળા પણ કરતી હતી.
પોતાના જીવનમાં દેવકી અચાનક શા માટે આવી હતી એ દેવરાજને સમજાતું ન હતું. અત્યારે સમય છે તો અત્યારે જ પોતાને મળેલી સર્વજ્ઞતા સિદ્ધિથી દેવકીના પૂર્વજન્મ વિશે થોડું જાણી લેવું જોઈએ.
સૌથી પહેલાં એણે નંદુ મહારાજ જે ચા મૂકી ગયા હતા એ પી લીધી અને પછી બેડરૂમને અંદરથી બંધ કરીને એ ધ્યાનમાં બેસી ગયો. પોતાના માનસ પટલ ઉપર એણે સતત દેવકીનું ચિંતન કર્યું અને બંને વચ્ચે પાછલા કોઈ જન્મમાં શું સંબંધ હતો એ જાણવા ધ્યાનમાં ઊંડો ઉતરતો ગયો.
ઋણાનુબંધ માત્ર પાછલા જન્મનો જ નથી હોતો પરંતુ પાછલા અનેક જન્મોનો હોય છે. પાછલા જન્મમાં તો દેવરાજ વૈકુંઠલાલ સ્વરૂપે હતો અને એ વખતે એના જીવનમાં એની પત્ની નિર્મલા અને પ્રેમિકા કમલા હતી. એ બંને સાથેનો એનો ઋણાનુબંધ તો મૈત્રી અને કાવ્યાના રૂપમાં ગુરુજીએ માયા રચીને સ્વપ્ન અવસ્થામાં પૂરો કરાવી દીધો હતો.
દેવરાજ પોતાની સિદ્ધિના કારણે વધુ ઊંડો ઉતરતો ગયો અને એણે પોતાને રાજસ્થાનના જેસલમેરમાં જોયો. કોઈ રજવાડાના કુટુંબમાં એનો જન્મ થયો હતો. એનું નામ મદનસિંહ હતું. એણે માતા પિતાના દબાણથી ૨૦ વર્ષની ઉંમરે સુંદરી નામની એક કન્યા સાથે લગ્ન કર્યાં હતાં અને પછી માત્ર ત્રણ જ વર્ષમાં સંસાર છોડીને એ ઋષિકેશ જતો રહ્યો હતો. ત્યાં છ મહિના ભટકીને પછી એ સાધુ થઈ ગયો હતો. બદ્રીનાથના રસ્તે ઋષિકેશ થી થોડેક દૂર એક ઝુંપડી બનાવીને એ રહેતો હતો.
પતિ છોડીને જતો રહ્યો પછી સુંદરી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. એના સાસુ સસરા પણ મદનસિંહ ઘર છોડીને જતો રહ્યો એના માટે સુંદરીને જ જવાબદાર ગણતા હતા. સુંદરીને દોઢ વર્ષ પછી ખબર પડી કે એનો વર ઋષિકેશમાં છે અને સાધુના વેશમાં છે. એ સાસુ સસરાના ત્રાસથી કંટાળીને એક દિવસ ઘરમાંથી થોડા પૈસા લઈને ઋષિકેશ જવા ભાગી નીકળી.
ઋષિકેશમાં એ એક ધર્મશાળામાં ઉતરી અને બંને બાજુના ઘાટ ઉપર સારું એવું રખડ્યા પછી ચોથા દિવસે એને મદનસિંહની ભાળ મળી.
એ મદનસિંહને મળી. સાધુનો વેશ છોડી ઘરે પાછા ફરવા માટે એણે બહુ જ કાકલુદી કરી. જો ઘરે ન આવવું હોય તો સાથે રાખવા માટે વિનંતી કરી.
પરંતુ મદનસિંહ માન્યો નહીં. સંસાર ઉપરથી એનું મન ઊઠી ગયું હતું અને ઈશ્વરના માર્ગે એ આગળ વધવા માગતો હતો.
" તમે જો પાછા ફરવા ના માગતા હો તો મને તમારી સેવા કરવા માટે તમારી સાથે રાખો. મારે તમારી પાસેથી કંઈ જ જોઈતું નથી. તમારે ભોજન માટે ભિક્ષા માગવાની કોઈ જરૂર નથી હું તમને રસોઈ કરીને જમાડીશ. તમારા માર્ગમાં હું વચ્ચે નહીં આવું. તમે મારી સાથે લગ્ન કર્યા છે. મને સંભાળવાની તમારી જવાબદારી છે." સુંદરી રાજસ્થાની ભાષામાં બોલી.
" હું તને કોઈપણ સંજોગોમાં મારી સાથે રાખી શકું નહીં. તું ઘરે પાછી જા અને મારા માતા-પિતાની સેવા કર. " મદનસિંહ બોલ્યો.
" દોઢ વર્ષથી એ જ કરતી આવી છું. મેં લગન તમારી સાથે કર્યા છે. તમારા પરિવાર સાથે નહીં. તમે સાધુ થઈ ગયા એના માટે પણ એ લોકો મને જવાબદાર ગણે છે અને મને ત્રાસ આપે છે. મારો વાંક શું ? મને તમે આ ઝુંપડીમાં તમારી સાથે તમારી સેવા કરવા માટે રાખો. હું અહીં મજૂરી કરીને ગુજરાન ચલાવીશ. " સુંદરી બોલી.
" એ કદી પણ નહીં બને સુંદરી. મારા માર્ગમાં તું વચ્ચે આવીશ નહીં. તારો અને મારો સંબંધ પૂરો થઈ ગયો છે. વધારે જીદ કરીશ તો મારે આ જગ્યા પણ છોડી દેવી પડશે" મદનસિંહ બોલ્યો.
સુંદરી ખૂબ જ નિરાશ થઈ ગઈ. એ પતિની સાથે રહેવા અને એમની સેવા કરવા માટે અહીં સુધી આવી હતી. પણ પતિએ તો એને અહીં પણ જાકારો આપી દીધો.
સુંદરી આ આઘાત સહન કરી શકી નહીં. એ ત્યાંથી નીકળી ગઈ અને ત્રિવેણી ઘાટ ઉપર જઈ ગંગા નદીમાં આત્મહત્યા કરી લીધી. એ જ સુંદરી દેવકી બનીને ત્રીજા જન્મમાં ફરી એના જીવનમાં આવી.
દેવરાજ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો. દેવકી વિશે એના મનમાં સ્પષ્ટ ચિત્ર આવી ગયું. દાદાજી આ બધું જાણતા જ હશે એટલા માટે જ દેવકીને સાથે રાખીને ઋષિકેશ જવાનું સૂચન એમણે કરેલું. એટલા માટે જ દેવકીને ઋષિકેશમાં બધું પરિચિત લાગતું હતું ! એટલા માટે જ એને ત્રિવેણી ઘાટ ઉપર ડર લાગતો હતો !
અનેક જન્મોથી સંબંધોની હેરાફેરી ચાલતી જ હોય છે. કોઈ બીજા જન્મમાં જ મળી જાય છે તો કોઈ વળી બે જનમ પછી જીવનમાં આવી જાય છે. દેવકી પણ બે જનમ પહેલાં પોતાની પત્ની જ હતી અને એને ખૂબ જ અન્યાય થયો હતો ! પોતે એની જવાબદારીમાંથી છટકી ગયો હતો તો કુદરતે આ જનમમાં એની જવાબદારી પોતાના માથે નાખી હતી.
ગયા જન્મમાં નિર્મલા એની પત્ની હતી અને એ સ્વપ્નની માયાવી અવસ્થામાં મૈત્રી બનીને આવી હતી. એનાથી પણ પાછલા જન્મની પત્ની સુંદરી આ જન્મમાં દેવકી બનીને આવી હતી. તો પછી શીતલ કોણ હતી ? એનો અને મારો પૂર્વ જન્મમાં શું સંબંધ હતો ? - દેવરાજ વિચારી રહ્યો હતો.
એ હમણાં જ ધ્યાનમાંથી બહાર આવ્યો હતો એટલે અત્યારે શીતલ વિશે પોતાની સર્વજ્ઞતા સિદ્ધિનો ઉપયોગ કરવાનું એણે માંડી વાળ્યું.
સાંજના સાડા પાંચ વાગ્યા હતા. એણે એકાદ કલાક આરામ કરવાનું પસંદ કર્યું અને પછી ચાલતો ચાલતો ચોપાટી ના દરિયાકિનારે પહોંચી ગયો. રોજ એના ફ્લેટની બારીમાંથી એ ચોપાટીનાં દર્શન કરતો હતો પરંતું અહીં સુધી એ આવ્યો ન હતો. આ ચોપાટી વર્ષોથી મુંબઈની એક આગવી ઓળખ હતી. દેવરાજ મન ભરીને ઉછળતાં દરિયાનાં મોજાંને જોઈ રહ્યો !
જ્યાં ભીડ ઓછી હતી એવી એક જગ્યાએ પોતાનો હાથરૂમાલ પાથરીને દેવરાજ રેતીમાં બેસી ગયો. એને એનું બાળપણ યાદ આવી ગયું. એક વાર મમ્મી પપ્પા ટેક્સી કરીને સોમનાથ ગયાં હતાં ત્યારે પણ વચ્ચે ચોરવાડના દરિયા કિનારે એ આ રીતે જ રૂમાલ પાથરીને બેઠો હતો !
સંધ્યાકાળ થવાની તૈયારી હતી. આથમણી દિશાનું આકાશ આખું લાલ રંગથી છવાઈ ગયું હતું. ૧૫ મિનિટ જેવું બેસીને દેવરાજ ઉભો થયો ત્યાં જ એની સામે ત્રણ છોકરીઓ આવીને ઊભી રહી ગઈ. એક હતી વૈદેહી બીજી હતી વૈશાલી અને ત્રીજી હતી ઝીલ !
"અરે સર તમે અહીં !!! તમે પણ અહીં હશો એની તો હું કલ્પના જ ના કરી શકું ! " વૈદેહી બોલી.
" કેમ ચોપાટી ઉપર મારાથી ના અવાય ? " દેવરાજ હસીને બોલ્યો.
"મારા કહેવાનો અર્થ એવો નથી સર. તમારું શિડયુલ એકદમ બિઝી હોય છે. અને આ સમયે તો તમે પીજી હાઉસમાં જ હો છો ! " વૈદેહી બોલી.
" બસ આજે જ મને મોકો મળ્યો છે અને પહેલીવાર ચોપાટી આવ્યો છું. સામે ત્યાં મલબાર હિલ ઉપર જ મારો ફ્લેટ છે અને બેડરૂમની બારીમાંથી રોજ ચોપાટીનાં દર્શન કરું છું. આજે બપોરે જ ઋષિકેશથી આવ્યો એટલે પછી ઓફિસે ગયો જ નથી. તમે લોકો બધાં અહીંયા ક્યાંથી ? " દેવરાજ બોલ્યો.
ઝીલ અને વૈશાલી તો વૈદેહીની સામે જોઈ જ રહી. એ બંનેને તો કલ્પના જ નહોતી કે વૈદેહી દેવરાજ સરને આટલી નજીકથી ઓળખતી હશે અને આ રીતે વાતો પણ કરી શકતી હશે !
" હું પણ ઘાટકોપરથી માસીની બધી વિધિ પતાવીને આજે સવારે જ પીજી હાઉસ આવી. અમે લોકો બાબુલનાથ દર્શન કરવા માટે ગયાં હતાં. ત્યાંથી અમે અહીં આવ્યાં. અમે બહાર નીકળીને ટેક્સી કરવા જતાં હતાં ત્યાં તમને જોયા એટલે પાછાં વળ્યાં. " વૈદેહી બોલી.
" સર આ ઝીલ છે. એ મેક અપ આર્ટિસ્ટ છે અને મહેંદી પણ બહુ સરસ મૂકે છે. જો તમારાં લગ્ન મુંબઈમાં જ થવાનાં હોય તો ઝીલને તમે બોલાવી લેજો. એ મેડમને સરસ રીતે સજાવશે." વૈદેહી બોલી.
" મુંબઈમાં જ થવાનાં છે. પણ એ લગભગ મે મહિનામાં થવાનાં છે એટલે જો એ વખતે એ પીજી હાઉસમાં હશે તો જરૂર બોલાવીશ." દેવરાજ બોલ્યો.
"એ પીજી હાઉસમાં જ હશે સર. એ ગોરેગાંવ સ્ટુડિયોમાં જાય છે. અને શૂટિંગમાં કલાકારોના મેકઅપ કરતી હોય છે. એ એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટના હાથ નીચે કામ કરે છે. એ સુરતની છે અને અહીં મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ન હોવાથી પીજી હાઉસમાં રહે છે. " વૈદેહીએ ઝીલનો પૂરો પરિચય આપ્યો.
" અને આ વૈશાલી પંડ્યા જામનગરની છે. એ હરકિશનદાસ રિલાયન્સ હોસ્પિટલમાં નર્સ છે. એ બિચારી અત્યારે બહુ તકલીફમાં આવી ગઈ છે. એના પપ્પાની એક કિડની ફેલ થઈ ગઈ છે અને છેલ્લા બે મહિનાથી એના પપ્પાને એ જ હોસ્પિટલમાં એડમિટ કરેલા છે. અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. " વૈદેહી બોલી.
" એક કામ કરો. તમારા પપ્પાની મેડિકલ ફાઇલ મને મોકલી આપો. તમામ રિપોર્ટ મારે જોવા છે. હું તરત જ પાછી આપી દઈશ. " દેવરાજ સહાનુભૂતિથી બોલ્યો.
"ઠીક છે સર. કાલે જ હું તમને બતાવી જઈશ. કયો સમય તમને ફાવશે ? તો એ સમયે જ હું આવું. " વૈશાલી બોલી.
" સવારે ૧૦:૩૦ વાગ્યા પછી રાત્રે ૮ સુધીમાં ગમે ત્યારે તમે આવી શકો છો. બપોરે ૧૨ થી ૨ સિવાય. અને તમારા પપ્પાનો ફોટો છે ? " દેવરાજ બોલ્યો.
" જી સર. મારા મોબાઈલમાં જ છે. કયા નંબર ઉપર મોકલું ? " વૈશાલી બોલી.
" મોકલવાનો નથી. મને ખાલી બતાવી દો. " દેવરાજ બોલ્યો.
વૈશાલીએ મોબાઇલમાં એના પપ્પાનો ફોટો દેવરાજને બતાવ્યો. દેવરાજ એક મિનિટ સુધી એ ફોટા સામે તાકી રહ્યો અને પછી મોબાઇલ પાછો આપ્યો.
વૈશાલીને સમજાતું ન હતું કે દેવરાજ સર મેડિકલ ફાઈલ કેમ મંગાવતા હશે અને ફોટો શું કામ જોયો હશે ! જો કે વૈદેહી સમજી ગઈ હતી કે દેવરાજ સર પોતાની ગાયત્રી મંત્રની શક્તિનો ઉપયોગ કરવા માગે છે.
" ઠીક છે સર અમે નીકળીએ છીએ." વૈદેહી બોલી.
" તમે એક કામ કરો. હું પણ પીજી હાઉસ આવું છું. તમે મારી ગાડીમાં જ બેસી જાઓ. " દેવરાજ બોલ્યો.
" ના સર. અમે લોકો ટેક્સીમાં જતાં રહીશું. તમારી ભાવના સારી છે પરંતુ તમારે અમારાથી એક અંતર રાખવું જ જોઈએ. પાછળથી કોઈ પણ ચર્ચા થાય એ અમને ના ગમે. " વૈદેહી બોલી.
દેવરાજને લાગ્યું કે વૈદેહીની વાત એકદમ સાચી હતી. એ પોતે ગમે તેમ તોય પીજી હાઉસનો માલિક હતો. એ છોકરીઓની સાથે પીજી હાઉસમાં પ્રવેશ કરે તો તરત જ એની નોંધ લેવાય ! એને વૈદેહી માટે માન ઉપજ્યું.
" તમારી વાત સાચી છે. ઓકે તમે લોકો નીકળો. " દેવરાજ બોલ્યો.
એ તો સારું થયું કે વૈદેહી લોકો એની ગાડીમાં બેસવા તૈયાર ના થયા. એમના ગયા પછી દેવરાજને યાદ આવ્યું કે પોતે તો ચાલતો ચાલતો જ ચોપાટી સુધી આવ્યો હતો અને ગાડી તો ઘરે હતી ! એણે પણ ટેક્સી કરીને પીજી હાઉસ જવાનું નક્કી કર્યું.
આ લોકો બધા ટેક્સીમાં બેસી ગયા એ એણે દૂરથી જોયું. એ પછીની પાંચેક મિનિટ પછી એ દરિયા કિનારેથી બહાર આવ્યો અને ટેક્સી કરી.
" સર જઈ આવ્યા ઋષિકેશ ? " દેવરાજ પોતાની ચેમ્બરમાં દાખલ થયો કે તરત જ જયરાજ અંકલ અંદર આવ્યા.
" હા અંકલ. આજે બપોરે જ આવ્યો. ઘરે ટાઈમ જતો ન હતો એટલે ઈચ્છા થઈ કે એકાદ કલાક પીજી હાઉસ આંટો મારી આવું. " દેવરાજ હસીને બોલ્યો.
" સર ગઈકાલે કોર્પોરેશનમાંથી ફૂડ ઇન્સ્પેક્ટર આવ્યો હતો. આપણે કેન્ટીનમાં ભોજનાલય ચાલુ કર્યું પરંતુ જૂનું લાયસન્સ રીન્યુ કરાવવાનું રહી ગયું છે. રાનડે કરીને કોઈ હતો. જરા વધુ પડતું બોલતો હતો અને બંધ કરાવી દેવાની વાત કરતો હતો. મેં એને કહ્યું કે શેઠ બહારગામ ગયા છે તમે પરમ દિવસે આવજો. એટલે કાલે એ ફરી આવવાનો છે. " જયરાજ અંકલ બોલ્યા.
" એ તો હું એને કાલે જોઈ લઈશ પરંતુ આપણાથી આવડી મોટી ભૂલ કેમ થઈ ગઈ અંકલ ? " દેવરાજ બોલ્યો.
" સોરી સર. જૂનું લાયસન્સ હતું જ એટલે ફરી પરમિશન લેવાની રહી ગઈ.. એ રીન્યુ કરાવવું પડે એ વાત મગજમાંથી જ નીકળી ગઈ. " અંકલ બોલ્યા.
" ઠીક છે. લાયસન્સની એ ફાઈલ કાલે મારા ટેબલ ઉપર મૂકી દેજો. " દેવરાજ બોલ્યો.
" જી સર. " જયરાજ અંકલ બોલ્યા અને ઊભા થઈને બહાર નીકળી ગયા.
એ પછી દેવરાજ કાર્તિકને મળ્યો અને થોડી આડી અવળી વાતો કરીને ઘરે આવવા માટે નીકળી ગયો.
બીજા દિવસે સવારે લગભગ ૧૧:૩૦ વાગે વૈશાલી એના પપ્પાની મેડિકલ ફાઈલ લઈને દેવરાજની ચેમ્બરમાં આવી.
" સર આ પપ્પાની ફાઈલ છે. હું પોતે નર્સ છું એટલે લાવી શકું છું. બપોરે એક વાગે ડોક્ટર આવે એ પહેલા મારે ફાઈલ પાછી લઈ જવી પડશે. " વૈશાલી બોલી.
" તમે માત્ર પાંચ મિનિટ બેસો. હું જોઈને તરત જ પાછી આપું છું. " દેવરાજ બોલ્યો.
દેવરાજે મેડિકલ ફાઇલના એક પછી એક તમામ રિપોર્ટ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ગાયત્રી માતાનું સ્મરણ કર્યું અને પોતાની અંદરની તમામ શક્તિઓ કામે લગાડી. થોડી ક્ષણો માટે એ અંદર ખોવાઈ ગયો.
"મેં ફાઈલ જોઈ લીધી છે. તમે પાછી લઈ જાઓ. પરમ દિવસે તમે આ બધા જ ટેસ્ટ ફરી કરાવજો. તમારે એમઆરઆઈ કરાવવાની હમણાં જરૂર નથી." દેવરાજ બોલ્યો અને એણે ફાઈલ પાછી આપી.
"બધા ટેસ્ટ કેમ ફરી કરાવું સર ? આ બ્લડ ટેસ્ટ તો હજુ ગઈકાલનો જ છે. અને તમામ ટેસ્ટ એકદમ જેન્યુઇન છે. આઈ મીન સાચા છે." વૈશાલી બોલી.
" મને ખ્યાલ છે. હું એમ નથી કહેતો કે આ ટેસ્ટ ખોટા છે પરંતુ બધા જ ટેસ્ટ પરમ દિવસે ફરી કરાવો. " દેવરાજ બોલ્યો.
વૈશાલીને દેવરાજની વાત સમજાઈ નહીં પરંતુ એણે કોઈ દલીલ કરી નહીં. એ ચેમ્બરની બહાર નીકળી ગઈ અને હોસ્પિટલ ગઈ.
બીજા દિવસે સવારે દેવરાજે ધ્યાનમાં બેસીને સૌથી પહેલાં પોતાના ગુરુજીને પ્રાર્થના કરી અને પછી વૈશાલીના પપ્પા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. એણે ફોટો જોઈ લીધો હતો એટલે એ ફોટા ને પોતાના માનસપટલ ઉપર લાવીને હીલિંગ ચાલુ કરી દીધું. ઑરા ક્લીન કરી. સાતે સાત ચક્રો પણ એણે એનર્જી આપીને શુદ્ધ કરી દીધાં. છેલ્લે એણે પોતાનું ધ્યાન કિડની ઉપર કેન્દ્રિત કર્યું. લગભગ ૩૦ મિનિટ સુધી એણે કિડની તેમજ શરીરનાં તમામ અંગો ઉપર હીલિંગ કર્યું અને પછી પ્રાર્થના કરીને એ ધ્યાનમાંથી બહાર આવી ગયો.
બે દિવસ પછી વૈશાલી સાંજના સમયે દેવરાજની ચેમ્બરમાં આવી અને નીચા નમીને એણે દેવરાજના ચરણ સ્પર્શ કર્યા અને સામેની ખુરશીમાં બેઠી. દેવરાજે જોયું કે એ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને એની આંખો ભીની હતી.
" સર ખબર નથી પડતી કે કયા શબ્દોમાં તમારો આભાર માનું ! આવું બને જ કઈ રીતે એ મને સમજાતું નથી. પપ્પા લગભગ નોર્મલ થઈ ગયા છે. બધા ટેસ્ટ પણ ઘણો સુધારો બતાવે છે. ડોક્ટર પોતે પણ ખૂબ જ આશ્ચર્ય પામી ગયા છે. જગતમાં આ કદાચ પહેલો ચમત્કાર હશે સર. પપ્પાની કિડનીમાં ૭૦ ટકા સુધારો બતાવે છે. યુરીન પણ નોર્મલ થાય છે. પપ્પાને પોતાને પણ ખબર નથી પડતી કે આવું કેવી રીતે બને !" વૈશાલીની આંખમાં આંસુ હતાં પણ એ આંસુ ખુશીનાં હતાં.
"હવે મારી વાત ધ્યાનથી સાંભળી લો. પપ્પાનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. દરેક વ્યક્તિનો એક સમય પહેલેથી જ નક્કી હોય છે એ સમય પૂરો થાય એટલે એણે જવું જ પડે છે. છેલ્લી અવસ્થામાં રિબામણી ન થાય એટલા માટે કિડની તો નોર્મલ કરી દીધી છે પરંતુ બે મહિનાથી વધારે આયુષ્ય હવે નથી. બે મહિના પછી એમનું આયુષ્ય પૂરું થઈ જશે. તમે એમની સેવા કરો. હવે મૃત્યુ હાર્ટ એટેકથી થશે." દેવરાજ બોલ્યો.
" ઓહ... પપ્પા લાંબુ નહીં જીવે ? " વૈશાલી બોલી અને થોડું અટકી. "ઠીક છે સર. બસ પપ્પા અસહ્ય પીડામાંથી મુક્ત થયા અને હોસ્પિટલના તેમજ ડાયાલિસિસના લાખોના ખર્ચામાંથી અમે લોકો બચી ગયાં એનો પણ મને આનંદ છે." વૈશાલી આંખો લૂછીને બોલી.
" હવે આ વાત મારા અને તમારા સુધી જ રાખજો. વૈદેહી જાણે એનો મને વાંધો નથી પરંતુ બીજા કોઈને પણ આ વાત કરશો નહીં. મારો પ્રચાર થાય એ મને પસંદ નથી. જે પણ થયું તે ઈશ્વરે જ કર્યું છે. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. " દેવરાજ બોલ્યો.
વૈશાલી ઊભી થઈ અને ફરી પ્રણામ કરીને બહાર નીકળી ગઈ. દેવરાજ સર ખરેખર દેવપુરુષ જ છે !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

