પીજી હાઉસ પ્રકરણ 52
વૈશાલીના ગયા પછી લગભગ પંદર મિનિટ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ ઇન્સ્પેક્ટર રાનડે દેવરાજની ચેમ્બરમાં દાખલ થયો." તમે જ મિ. દેવરાજ શેઠ ?" રાનડે બોલ્યો.
" હા આવો સાહેબ. " દેવરાજ બોલ્યો.
રાનડે આવીને દેવરાજની સામે બેઠો. દેવરાજ એની સામે જોઈ રહ્યો. થોડો ઠીંગણો કહી શકાય એવો રાનડે રંગે શ્યામવર્ણો હતો અને ઉપરથી કાળી ફ્રેમના ચશ્માથી થોડો વિચિત્ર દેખાતો હતો. ગુટકા ચાવી ચાવીને દાંત પણ પીળા પડી ગયા હતા.
પીજી હાઉસ નવલકથા
" સાહેબ ચા પીશો કે ઠંડુ ? " દેવરાજ બોલ્યો.
" ચા પાણીની વાત જવા દો. તમે ભોજનાલય ચાલુ કરી દીધું છે પણ હજુ લાયસન્સ લીધું નથી." રાનડે મરાઠી ભાષામાં બોલ્યો.
દેવરાજે લાયસન્સની ફાઈલ રાનડેની સામે ધરી.
" આ જુઓ. લાયસન્સ લીધેલું જ છે સાહેબ. માત્ર રીન્યુ કરવાનું બાકી છે. અને એના માટે જે પણ પેનલ્ટી થતી હોય તો તે ભરવા પણ હું તૈયાર છું. " દેવરાજ પણ મરાઠીમાં જ બોલ્યો. આટલા સમયમાં એ મરાઠી બરાબર શીખી ગયો હતો.
" લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ભોજનાલય ચાલુ કરી જ ના શકાય મિસ્ટર." રાનડે બોલ્યો.
" ચાલુ તો થઈ ગયું છે રાનડે સાહેબ. બોલો હવે શું કરીશું ? " દેવરાજ હસીને બોલ્યો.
" આજથી ભોજનાલય બંધ કરી દો. હું સીલ મરાવી દઈશ. રીન્યુ થશે પછી ચાલુ થશે. " રાનડે રૂઆબથી બોલ્યો.
" અરે સાહેબ આટલાં બધાં બાળકો ભૂખે મરશે. આવો જુલમ તો ના કરાય ને ! કંઈક રસ્તો કાઢો. તમારા હાથમાં જ બધું છે. " દેવરાજ હસીને બોલ્યો.
" કોઈ રસ્તા ના નીકળે મિસ્ટર. તમે લાયસન્સ રીન્યુ કરાવ્યું નથી અને ભોજનાલય ચાલુ પણ કરી દીધું. મારે સીલ મરાવી દેવું જ પડશે. રીન્યુ થાય પછી ચાલુ કરી દેજો." ફરી રાનડેએ રૂઆબ છાંટ્યો.
" સમજી જાઓ ને સાહેબ. જે જોઈતું હોય તે બોલી જાઓ. અહીં આપણા બે સિવાય ત્રીજું કોઈ નથી. અને રીન્યુ પણ તમે જ કરી આપજો." દેવરાજ બોલ્યો.
હવે રાનડે થોડો પીગળ્યો અને ત્યાં મૂકેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું.
"મારે જૂની તારીખથી લાયસન્સ રીન્યુ કરવું પડશે એટલે મારી જવાબદારી ઘણી વધી જાય છે. બોલો કેટલા આપો છો ? " રાનડે હવે ધીમા અવાજે બોલ્યો.
" તમે જે કહો તે. હું એક શબ્દ નહીં બોલું. " દેવરાજ બોલ્યો.
" ઠીક છે ૫૦૦૦૦ થશે. લાયસન્સ રીન્યુ કરાવવાની ફી અલગ. " રાનડે બોલ્યો.
" અત્યારે આ ૫૦૦૦૦ તો લઈ લો. રીન્યુઅલ ના જે પણ થશે તે પણ મળી જશે. તમે જ આવીને આપી જજો. " દેવરાજ બોલ્યો અને એણે ડ્રોવરમાંથી કાઢીને ૫૦૦૦૦ નું બંડલ રાનડેના હાથમાં આપ્યું.
રાનડેએ પચાસનું બંડલ એની બેગમાં મૂક્યું અને ઉભો થયો. નીચે જઈને પોતાની બાઈક લઈને ઓફિસ તરફ રવાના થયો.
એના ગયા પછી દેવરાજને રાનડે સાથે થોડીક મજાક કરવાની ઈચ્છા થઈ. એણે પચાસના બંડલને પોતાની સિદ્ધિથી પાછું ખેંચી લીધું અને ફરી પોતાના ડ્રોવરમાં મૂકી દીધું. ઓફિસમાં તો રાનડે બેગ ખોલીને જોઈ નહીં શકે પરંતુ ઘરે જશે ત્યારે ખબર પડશે.
અને થયું પણ એવું જ. રાનડે આજે થોડો વહેલો ઘરે જવા માટે નીકળી ગયો. ઘરે જઈને એણે એની પત્નીને પાસે બોલાવી અને એની હાજરીમાં જ બેગ ખોલી. એના ચહેરા ઉપર સ્મિત હતું પરંતુ જેવી એણે બેગ ખોલી કે એના પેટમાં ફાળ પડી.
પૈસા તો આ બેગમાં જ રાખ્યા હતા અને આખો દિવસ બેગ સતત પોતાની પાસે રાખી હતી તો પછી આ બંડલ કોણ કાઢી ગયું !
"અરે આજે પચાસ હજાર રૂપિયા મને મળ્યા હતા અને આ બેગમાં જ મૂક્યા હતા. પૈસા ગયા ક્યાં ? " રાનડે મરાઠીમાં બોલ્યો અને આખી બેગ ખાલી કરી.
"તમારું કામ જ એવું છે. આટલી મોટી રકમ મળી હતી તો પછી સીધા ઘરે જ અવાય ને ! તમારે તો આમ પણ ફરવાનું જ હોય છે. તમને કોણ પૂછવાનું હતું ? "રાનડેની પત્ની બોલી.
" અરે પણ મેં બેગ ક્યાંય સૂની મૂકી ન હતી. મારા ટેબલ ઉપર જ રાખી હતી. કોઈ બીજું આવ્યું પણ નથી. " રાનડે માથે હાથ દઈને બોલ્યો.
" તમે સાવ ભાન વગરના છો. ટેબલ ઉપર રાખો તો કોઈ કાઢી જ જાય ને ! કંઈ નહીં હવે છોડો. નસીબમાં નહોતા તે ગયા. " રાનડેની પત્ની બોલી.
બીજા દિવસે ઓફિસમાં ગયા પછી પણ રાનડેને ચેન ના પડ્યું. ૫૦૦૦૦ જેવી માતબર રકમ ચોરાઈ ગઈ હતી. હવે તો મફતમાં લાઇસન્સ રીન્યુ કરી આપવાનું થયું. સાહેબ માનતા નથી કહીને બીજા થોડા પૈસા પડાવવાનો વિચાર આવ્યો. એ સીધો પહોંચી ગયો પીજીહાઉસ !
"સોરી મિ. દેવરાજ... મારે ફરીથી આવવું પડ્યું. મેં તો તમે જે આપ્યું તે લઈ લીધું પરંતુ સાહેબ માનતા નથી. હવે એમને કંઈ ના મળે તો એ સાઇન કેવી રીતે કરે ? સાહેબને તો હું વધારે કંઈ કહી ના શકું એટલે મારે ફરી આવવું પડ્યું. " રાનડે મરાઠીમાં બોલ્યો.
" સાહેબને કેટલા આપવા પડે ? " દેવરાજ બોલ્યો. મનમાં તો એ હસતો હતો. દેવરાજ પણ મરાઠીમાં જ વાત કરતો હતો.
આટલી સરળતાથી દેવરાજ માની ગયો એટલે રાનડે મનમાં ખુશ થઈ ગયો. એને થયું કે પાર્ટી મજબૂત લાગે છે અને જરા પણ આનાકાની કરતી નથી. એને ખંખેરવામાં કોઈ વાંધો નથી.
" આટલું મોટું પીજી હાઉસ છે એટલે સાહેબની ડિમાન્ડ મોટી છે. મને એક લાખની વાત કરી છે." રાનડે હિંમત કરીને બોલ્યો.
" મારું પીજી હાઉસ આટલું મોટું છે એ સાહેબને કેવી રીતે ખબર પડી ? એ જોવા આવ્યા હતા ? " દેવરાજ બોલ્યો.
દેવરાજનો સવાલ સાંભળીને રાનડે થોડો અસ્વસ્થ થઈ ગયો પણ પછી બોલ્યો. " મેં જ એમને કહ્યું કે પાંચ માળનું પીજી હાઉસ છે અને બહુ બધા સ્ટુડન્ટ્સ ત્યાં રહે છે. બાળકોને જમવાની તકલીફ ના પડે એટલા માટે તાત્કાલિક રીન્યુ કરી આપવાનું છે. "
" હમ્ .. તમે આટલી ભલામણ કરી એના માટે ખૂબ આભાર પરંતુ તમને મેં ગઈકાલે ૫૦૦૦૦ આપ્યા અને આજે એક લાખ આપું તો દોઢ લાખ થાય. આટલી મોટી રકમ તો ના અપાય સાહેબ. બહુ બહુ તો હું છેલ્લે બીજા ૫૦૦૦૦ આપું. એ મંજૂર ના હોય તો પછી પેલા ૫૦૦૦૦ પાછા આપો. હું કમિશનર સાહેબ જોડે ડાયરેક્ટ વાત કરી લઈશ. થોડા દિવસ ભોજનાલય બંધ રહેશે એટલું જ ને !! " દેવરાજ બોલ્યો.
હવે રાનડે બરાબરનો ભરાઈ ગયો. પૈસા તો ચોરાઈ ગયા હતા એટલે પાછા આપી શકે એમ હતો નહીં . હવે પચાસ તો પચાસ. ઝાઝો લોભ કરવામાં કોઈ માંલ નથી. એ સમજી ગયો.
"ઠીક છે મિ. શેઠ... પચાસ આપી દો. ગમે તેમ કરીને હું સાહેબને સમજાવી દઈશ. એ નહીં માને તો મારામાંથી થોડા ઉમેરી દઈશ." રાનડે બોલ્યો.
દેવરાજે કંઈ પણ બોલ્યા વગર ગઈકાલે જે બંડલ પોતાની શક્તિથી પાછું ખેંચી લીધું હતું એ જ એના હાથમાં ફરી આપ્યું.
વધુ ચર્ચા કરવામાં જોખમ છે એમ માનીને રાનડે તરત ઊભો થઈ ગયો અને બહાર નીકળી ગયો. આજે એની પત્નીની સલાહ માનીને એ સીધો પોતાના ઘરે જ ગયો.
એણે એની પત્નીને એની સાથે જ બેસવાનું કહ્યું અને બેગ હાથમાં લીધી.
" તું કાલે કહેતી હતી ને કે હું ભાન વગરનો છું ! જો એ બંડલ મને મળી ગયું. મેં જ મારા કબાટમાં સાચવીને મૂક્યું હતું પરંતુ મારા મગજમાંથી નીકળી ગયું હતું. આજે કબાટ ખોલ્યું તો તરત જ બંડલ મળી ગયું." રાનડે મરાઠીમાં વટથી બોલ્યો.
રાનડેએ બેગની ચેન ખોલી. પચાસનું બંડલ અત્યારે પણ ગાયબ હતું ! હવે રાનડે શું બોલે ?
" કેમ પરસેવો વળે છે ? ટેન્શનમાં કેમ આવી ગયા ? " પત્ની બોલી.
" અરે યાર આજે પણ બંડલ ગાયબ છે. મેં કબાટમાંથી કાઢીને મારા સગા હાથે બેગમાં મૂક્યું હતું. બંડલ મૂકીને સીધો ઘરે જ આવું છું. ચેન પણ બરાબર બંધ કરી હતી તો બંડલ જાય ક્યાં ? " રાનડે એની પત્ની આગળ બે વાર મૂરખ બન્યો હતો.
" જ્યાં ગયું હશે ત્યાં ભલે ગયું. તમે પણ જાઓ. મારે નથી જોઈતા તમારી હરામની કમાણીના પૈસા. " રાનડેની પત્ની ગુસ્સે થઈને અંદર ચાલી ગઈ.
હવે શું કરવું ? પૈસા ગયા ક્યાં ? હું પીજી હાઉસમાં હતો ત્યારે મેં મારી બેગમાં તો મૂક્યા હતા ને ? કે પછી બેગમાં મૂકતી વખતે ઉતાવળમાં બંડલ નીચે પડી ગયું હશે ? હવે પૈસા મળે કે ના મળે પણ એક વાર પીજી હાઉસમાં આંટો તો મારવો જ પડશે. - રાનડે વિચારી રહ્યો.
એ બરાબરનો મૂંઝાઈ ગયો હતો. બે વાર ૫૦૦૦૦ મળ્યા હતા અને બંને વાર ખોવાઈ ગયા હતા. આવું તો જિંદગીમાં પહેલીવાર બન્યું હતું ! હવે પીજી હાઉસમાં જવું કે નહીં એની મોટી મૂંઝવણ હતી. આટલી મોટી રકમ એમ હાથમાંથી થોડી જવા દેવાય ? એણે પીજી હાઉસ જવાનો નિર્ણય લઈ જ લીધો.
" આવો આવો રાનડે સાહેબ. બહુ મૂંઝાઈ ગયેલા લાગો છો ! સાહેબ નથી માનતા ? તો પછી એક લાખ મને પાછા આપી દો. હું કમિશનર સાથે ફોડી લઈશ. " દેવરાજ મરાઠીમાં બોલ્યો.
" અરે ના ના એવું નથી. એમને તો હું મનાવી લઈશ. હું સવારે આવ્યો ત્યારે પચાસનું બંડલ બેગમાં મૂકતી વખતે અહીં તમારી ઓફિસમાં ક્યાંક નીચે તો નથી પડી ગયું ને ? કારણ કે ઓફિસમાં જઈને જોયું તો બંડલ મને દેખાયું નહીં. એટલે તરત જ હું પાછો આવ્યો. " રાનડે બોલ્યો.
" અરે સાહેબ તમે જાતે જ મારી સામે તમારી બેગમાં મૂક્યું હતું. તમે બંડલ આગળના ખાનામાં જ મૂક્યું હતું. ફરી જોઈ લો. " દેવરાજ બોલ્યો અને તરત જ એણે પોતાની સિદ્ધિથી બંડલને આગળના નાના ખાનામાં ગોઠવી દીધું.
રાનડેએ આગળના ખાનાની ચેન ખોલી તો ૫૦૦૦૦ નું બંડલ એને દેખાયું. એના હોશમાં હોશ આવ્યા.
" હું પણ કેવો ભૂલકણો છું ! બંડલ ઉતાવળમાં આગળના ખાનામાં મૂકી દીધું અને ઓફિસમાં જઈને મોટું ખાનું ચેક કરી રહ્યો હતો ! સારું થયું હું અહીં આવ્યો તો બંડલ મને મળી ગયું. ખૂબ ખૂબ આભાર મિ. દેવરાજ. " રાનડે બોલ્યો અને ઉભો થઈને બહાર નીકળી ગયો.
બાઈક ઉપર બેસતી વખતે પણ એણે ચેન ખોલીને બંડલ સલામત છે કે નહીં એ જોઈ લીધું. હવે એ સીધો ઘરે ના ગયો પરંતુ ઓફિસે જ ગયો અને ત્યાં પહોંચ્યા પછી પણ આ બંડલ ચેક કર્યું !
દેવરાજ આજે માંડ માંડ પોતાનું હસવું રોકી શક્યો. હકીકતમાં એ રાનડેને પાઠ ભણાવવા માગતો હતો. એણે પોતાની શક્તિઓથી જોઈ લીધું હતું કે આ ખંધો માણસ ખાયકીવાળો છે !
એના ગયા પછી દેવરાજે જયરાજ અંકલને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા.
" લાયસન્સનું કામ થઈ જશે. રાનડે સાથે વાત થઈ ગઈ છે. એણે પચાસ હજારની ડિમાન્ડ કરી હતી એ આપી દીધા છે. એ હવે અહીં ઓફિસે આવીને રીન્યુ કરેલું લાયસન્સ આપી જશે." દેવરાજ બોલ્યો.
" ચાલો આ કામ સરસ થઈ ગયું. સર કાલે હું ઓફિસ નહીં આવી શકું. કાલે મારા ઘરે મારા ગુરુજીની પધરામણી છે. " જયરાજ અંકલ બોલ્યા.
" તમારા ગુરુજી ? તમે તો એમના વિશે ક્યારે પણ મારી આગળ વાત કરી જ નથી. " દેવરાજ બોલ્યો.
" હા સર. ક્યારે પણ એમના વિશે વાત કરવાનો મોકો મળ્યો નથી એટલે પછી રહી ગયું. ગિરનારમાં રહીને એમણે સાધના કરેલી છે અને ગમે તેવી તકલીફો દૂર કરી શકે છે. મેં તો જો કે એમને બે વર્ષ પહેલાં જ ગુરુ કરેલા છે. અમારા એક સગા એમને બહુ જ માને છે અને એમણે એમને એક મંત્ર પણ આપ્યો છે. " જયરાજ અંકલ બોલ્યા.
" તો તો પછી મારે પણ એમનાં દર્શન કરવા માટે તમારા ઘરે આવવું પડશે. મને તો મહાપુરુષોને મળવાનો શોખ છે. " દેવરાજ બોલ્યો.
" મોસ્ટ વેલકમ સર. મારું ઘર પાવન થશે. એ બહાને તમે મારા ઘરે આવશો. હું તમને ફોન કરું પછી તમે નીકળજો. " જયરાજ અંકલ બોલ્યા.
" તમે ક્યાં રહો છો ? " દેવરાજે પૂછ્યું.
" અહીં નજીકમાં ગાયવાડીમાં જ. ચાલતા જવાય. " જયરાજ અંકલ બોલ્યા.
"તમારે મુંબઈના લોકોને તો ચાલવાની ઘણી પ્રેક્ટિસ હોય છે. ટૂંકા અંતર માટે ટેક્સીઓ મળતી પણ નથી. અમારે અમદાવાદમાં તો રિક્ષાઓની સગવડ હોવાથી થોડેક દૂર જવાનું હોય તો પણ લોકો રીક્ષા કરી લેતા હોય છે. " દેવરાજ બોલ્યો.
" હા એ વાત તો તમે સાચી કહી સર. અમારે અહીં ફરજીયાત ચાલવું પડે છે. અને સમયની પણ કિંમત હોય છે એટલે નાનપણથી જ ખૂબ ઝડપથી ચાલવાની પ્રેક્ટિસ હોય છે." જયરાજ અંકલ બોલ્યા
" ઠીક છે. પણ હું તમારા ઘરે આવું ત્યારે મારી ઓળખાણ ના આપતા." દેવરાજ બોલ્યો.
" કેમ સર ? તમે પહેલીવાર મારા ઘરે આવો છો તો મારું ફેમિલી પણ તમને ઓળખે ને ? " જયરાજ અંકલ બોલ્યા.
" હા હા ઓળખાણ ચોક્કસ આપજો પણ શરૂઆતમાં નહીં. સંત મહાત્માની સામે પદ પ્રતિષ્ઠાની કોઈ જ કિંમત નથી. " દેવરાજ બોલ્યો.
બીજા દિવસે બપોરે સાડા ત્રણ વાગે જ જયરાજ અંકલનો ફોન આવી ગયો.
" સર ગુરુજી આવી ગયા છે અને ફળાહાર વગેરે પતી ગયું છે એટલે તમે હવે આવી શકો છો. તમે કહેતા હો તો પીજી હાઉસ માણસ મોકલી આપું જેથી તમારે શોધવું ના પડે. ગાયવાડી માં દાખલ થશો એટલે ડાબા હાથે પહેલી ગલીમાં જ મારું મકાન છે. જુનુ મકાન છે. કોઈને પણ પૂછશો તો બતાવશે. " જયરાજ અંકલ બોલ્યા.
"ના ના તમારે કોઈને મોકલવાની જરૂર નથી હું પણ ચાલતો જ આવું છું. મને પણ ચાલવાની તો પ્રેક્ટિસ છે જ. " દેવરાજ બોલ્યો અને રિસેપ્શનિસ્ટને કહીને બહાર નીકળી ગયો.
પીજી હાઉસથી ગાયવાડી ખરેખર બહુ જ નજીક હતી. ૧૦ મિનિટમાં તો એ પહોંચી પણ ગયો. મોટા રૂમમાં સામેની ખુરશીમાં સાધુ જેવા લાગતા એમના ગુરુજી બેઠેલા હતા. રૂમમાં બીજા બે ભક્તો પણ બેઠેલા હતા.
દેવરાજે નીચા નમીને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા. ગુરુજીએ જેમ બીજા સંન્યાસીઓ આશીર્વાદ આપે છે એવું કંઈ પણ ના કર્યું. બસ પ્રણામ સ્વીકારી લીધા. દેવરાજ ત્યાં પાથરેલી શેતરંજી ઉપર એક બાજુ બેસી ગયો.
જયરાજ અંકલના ગુરુજીને જોઈને દેવરાજની શક્તિઓ સક્રિય થઈ ગઈ હતી. દેવરાજની છઠ્ઠી ઈન્દ્રીય પણ જાગૃત હતી. જયરાજ અંકલ બિચારા એક સીધા સાદા વ્યક્તિ હતા. એમનામાં સાચા ગુરુને પારખવાની શક્તિ ન હતી.
" ગુરુજી આ દેવરાજ શેઠ છે." જયરાજ અંકલે ટૂંકો પરિચય કરાવ્યો.
"હું અંકલની સાથે જ જોબ કરું છું. અંકલે કહ્યું એટલે તમારા દર્શને આવ્યો છું. " દેવરાજ બોલ્યો.
" સાધુ સંન્યાસીનાં દર્શન કરવાથી પાપ ધોવાય છે. " ગુરુજી બોલ્યા.
" ગુરુજી કંઈક ઉપદેશ આપો. અમે બધા તમારી વાણી સાંભળવા આતુર છીએ." જયરાજ અંકલ બોલ્યા.
" આ કળિયુગ છે. ઉપદેશ કોઈને ગમતો નથી. સંસારી લોકોને તો માત્ર પૈસાની, પ્રતિષ્ઠાની, સત્તાની ભૂખ હોય છે તો એમને એવા આશીર્વાદ આપી દઉં છું. મારા આશીર્વાદ મેળવીને લોકો લાખોપતિ થઈ ગયા છે. તમને બધાને પણ મારા આશીર્વાદ મળી ગયા છે. તમે બધા જ હવે સુખી થઈ જશો. " ગુરુજી બોલ્યા.
" વાહ ગુરુજી વાહ. વગર માગે તમે અમને ઘણું આપી દીધું." જયરાજ અંકલ બોલ્યા.
" અઘોરી બાવાઓ સાથે રહ્યો છું. શિવજીની તાંડવ લીલા જોઈ છે. શિવરાત્રિના દિવસે શિવ સાથે વાતો કરું છું. છ મહિના તો હું સમાધિ અવસ્થામાં રહું છું." ગુરુજી બોલ્યા.
" ગુરુજી આશીર્વાદ આપો કે મારી આ દીકરીનું ક્યાંક સારા ઠેકાણે ગોઠવાઈ જાય. ૨૬ વર્ષની થઈ ગઈ. " જયરાજ અંકલ બોલ્યા.
" એનું પણ ગોઠવાઈ જશે જયરાજ. દીકરી ભારે મંગળ લઈને જન્મી છે. રાહુ પણ ખરાબ છે. બંનેને શાંત કરવા પડશે. ગિરનાર જઈને હું તપસ્યા કરીને બંનેને શાંત કરી દઈશ. સામે ચાલીને માગું આવશે. તમારી દીકરી ગાડીઓમાં ફરશે. બસ એક ભંડારાની વ્યવસ્થા કરી દો. " ગુરુજી બોલ્યા.
"જરૂર ગુરુજી. જેવો આપનો આદેશ. કેટલો ખર્ચ થશે ભંડારામાં ? " જયરાજ અંકલ બોલ્યા.
એ તો ગુરુજીની વાણીથી ખુશ ખુશ થઈ ગયા હતા. સામે ચાલીને માગુ આવશે અને દીકરી ગાડીઓમાં ફરશે એ બે વાક્યો જ એમના માટે તો વરદાન જેવાં હતાં.
" આજના જમાનામાં દીકરીનાં લગન થાય એટલે ઓછામાં ઓછા સાત આઠ લાખ તો ખર્ચ થાય જ. અને આ ભંડારો પણ દીકરીના લગન માટે જ કરવાનો છે એટલે ભંડારો કરો તો દિલથી કરો. સાધુઓ જમશે એટલે એમના આશીર્વાદ પણ મળશે. બસ એકાદ લાખ પકડીને ચાલો." ગુરુજી બોલ્યા.
" જી ગુરુજી. તમારા આશીર્વાદથી એ વ્યવસ્થા પણ થઈ જશે. " જયરાજ અંકલ બોલ્યા.
હવે દેવરાજનો પિત્તો ગયો. દેવરાજ પોતાની શક્તિઓથી ઓળખી ગયો હતો કે આ એક ઢોંગી સાધુ છે. સમાધિની વાતો કરે છે પણ ધ્યાન કેમ કરવું એનું પણ એને ભાન નથી ! શિવ સાથે વાતો કરે છે પણ શિવ તત્ત્વ શું છે એનું એને ભાન નથી ! મંગળ અને રાહુનો ડર બતાવીને લાખ રૂપિયાની માગણી કરી રહ્યો છે !!
આ ઢોંગી ગુરુજીને ચમત્કાર બતાવવો જ પડશે !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

