પીજી હાઉસ (PG House Novel Part-53)

Related

પીજી હાઉસ પ્રકરણ 53

પીજી હાઉસના વર્ષો જૂના મેનેજર જયરાજ અંકલના ત્યાં એમના ગુરુજી પધાર્યા હતા અને મેનેજરના આમંત્રણને માન આપીને દેવરાજ બપોરે પોણા ચાર વાગે એમના ઘરે ગાયવાડી પહોંચ્યો હતો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

દેવરાજે પોતાની શક્તિઓથી જોઈ લીધું હતું કે ગુરુજી બની બેઠેલો આ સાધુ કોઈ સંત નથી પણ ઢોંગી લેભાગુ સાધુ છે. એ ત્રિકાળજ્ઞાની હોવાનો ઢોંગ કરતો હતો અને સમાધિની વાતો કરતો હતો !

ગુરુજીએ જયરાજ અંકલની દીકરીના લગ્નમાં મંગળ અને રાહુ નડી રહ્યા છે એવી વાત કરીને એક લાખ રૂપિયાના ભંડારાની માગણી કરી હતી.

" ગુરુજી ભંડારાના એક લાખ તો તમને મળી જશે. પણ મને તમે એ જણાવો કે અંકલની દીકરીની કુંડળી જોયા વગર તમને કેવી રીતે ખબર પડી કે એને મંગળ રાહુ નડે છે ? " દેવરાજ બોલ્યો.

" અમારે કુંડળી જોવાની જરૂર ના પડે. આખા બ્રહ્માંડની અમને ખબર હોય." ગુરુજી બોલ્યા.

"ચાલો તમારી વાત માની લઈએ પણ તમારો આ ભંડારો ક્યાં થશે ગુરુજી ?" દેવરાજે બીજો સવાલ કર્યો.

" જૂનાગઢ ગિરનારની તળેટીમાં. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી અમારા તરફથી જ ભંડારો થવાનો હોય અને અમે પોતે યજમાન તરીકે હાજર ન રહીએ એવું તો બને જ નહીં. અમારે પણ ભંડારાનો પ્રસાદ લેવાની ઈચ્છા છે. કેમ બોલતા નથી અંકલ ? " દેવરાજ જયરાજ અંકલની સામે જોઈને બોલ્યો.

" હા હા અમે પણ પ્રસાદ લેવા માટે હાજર રહીશું. દીકરી પણ આવશે. " જયરાજ અંકલ ઉત્સાહથી બોલ્યા.

" ગુરુજી લાખના બે લાખ થાય તો પણ અમને ચિંતા નથી. અમે પૈસા ત્યાં આવીને ભંડારાના દિવસે જ ચૂકવી દઈશું. તમે સન્યાસી મહાત્મા છો. રોકડા રૂપિયાનું જોખમ સાથે લઈને તમારે શું કામ ફરવું પડે ? " દેવરાજ બોલ્યો.

" દેવરાજભાઈ સાચું કહે છે ગુરુજી. તમારે અનેક જગ્યાએ ફરતા ફરતા જવાનું હોય. એના કરતાં જે દિવસે અમારો ભંડારો તમે નક્કી કરો તે દિવસે સવારે અમે પહોંચી જઈશું. તમારે પૈસા સાચવવાનું કોઈ ટેન્શન જ નહીં. " જયરાજ અંકલ બોલ્યા.

" વિશ્વાસ ના હોય તો રહેવા દો. મારે કોઈ ભંડારો કરવો નથી." ગુરુજી થોડા ગુસ્સે થઈને બોલ્યા.

" અરે ગુરુજી તમે નારાજ ના થાઓ. તમારે તો ભંડારાથી મતલબ છે ને ! " દેવરાજ બોલ્યો.

"ભંડારો એમ જાહેરમાં ના થાય. મારે અગાઉથી બધી વ્યવસ્થા કરવી પડે અને એડવાન્સ પણ આપવા પડે. અને આ બધા ભંડારા તો ગુપ્ત હોય. નાગાબાવાઓ એમ જાહેરમાં જમવા ના આવે. જમવા માટે મારે એમને મનાવવા પડે અને ગિરનારની ગુપ્ત જગ્યાઓમાં ભંડારો થાય. દીકરીનાં લગન કરવાં હોય તો લાખ રૂપિયા મને જ આપવા પડે." ગુરુજીએ લાખ રૂપિયા લેવા માટે હવે બીજી જ વાત કરી.

" અને માનો કે ભંડારો ના કરીએ તો પછી આ દીકરી કુંવારી રહેવાની છે ?" દેવરાજ બોલ્યો.

" હું એમ નથી કહેતો પણ જો લગન કરવાં હોય તો મંગળ રાહુની શાંતિ કરવી જ પડે. શાંતિ ના કરો તો લગન પછી પણ એ નડે. " ગુરુજી બોલ્યા.

" તો પછી મંગળ રાહુની શાંતિ અમે અમારા જાણીતા પંડિતજી પાસે જ કરાવી દઈએ ને ! એમાં ભંડારાની શું જરૂર ? " દેવરાજ બોલ્યો.

" તમારા જેવા માણસો જ સારા કામમાં વિઘ્નો નાખતા હોય છે. જેની દીકરીનાં લગનનો આ પ્રશ્ન છે એ નથી બોલતા અને તમે વચ્ચે શું કામ આવો છો ? દીકરીનાં લગન ના થતાં હોય તો બાપને કેટલું ટેન્શન હોય એ તમે શું જાણો ? સો વાતની એક જ વાત. લગન માટે આટલો ખર્ચો તો કરવો જ પડશે." ગુરુજી બોલ્યા.

આ વાત ચાલતી હતી બરાબર એ જ સમયે બીજા એક ભક્ત રૂમમાં દાખલ થયા અને સ્વામીજીનાં ચરણ સ્પર્શ કરીને સામે બેઠા.

" આવો મનસુખભાઈ. દીકરો પછી વિદેશ ગયો કે નહીં ? " ગુરુજી બોલ્યા.

" ના રે ના ગુરુજી. બે વર્ષ પહેલાં તમારી પાસે દોઢ લાખનો ભંડારો કરાવ્યો છતાં બે વાર વિઝા રિજેક્ટ થયા. તમે તો કહ્યું હતું કે ભંડારો કરવાથી વિઝા તરત મળી જશે અને બે વર્ષમાં તો દિકરો ડોલર છાપતો થઈ જશે. અત્યારે તો એને અહીં પણ નોકરી નથી મળતી. મારે એનું પણ ટેન્શન છે. એટલે જ તમારાં દર્શને આવ્યો છું." મનસુખભાઈ બોલ્યા.

ગુરુજીને મનમાં થયું કે અત્યારે આ ટાણે જ આ ક્યાં આવી ચડ્યો ! અને આવીને આ વાત કેમ કરી !

"વડીલ ખોટું ના લગાડશો. ભંડારા પાછળ દોઢ લાખ રૂપિયા તમે બગાડ્યા. છતાં દીકરો વિદેશ જઈ શક્યો નહીં. ડોલર છાપવાની વાત તો બાજુમાં, તમારા દીકરાને બે વર્ષ પછી પણ નોકરી નથી મળતી અને છતાં તમે આમના આશીર્વાદ લેવા આવ્યા છો ? આ ગુરુજી તો જયરાજ અંકલ પાસે પણ ભંડારાના નામે એક લાખ માગી રહ્યા છે. ગુરુજીનું કામ જ લાખો રૂપિયા ખંખેરવાનું છે. ગુરુજી સાચી વાત છે ને ? આ ભાઈને જવાબ તો આપો. દોઢ લાખ લઈને વિઝા કેમ ના અપાવ્યા ? " હવે દેવરાજ ગુસ્સે થઈને બોલ્યો.

જયરાજ અંકલ પણ મનસુખભાઈની વાત સાંભળીને ચમકી ગયા. દેવરાજ સર સાચું કહે છે. સાચા ગુરુજી લાખો રૂપિયા લેવાની વાત કદી કરે જ નહીં. સારું થયું મનસુખભાઈ આવી ગયા અને મારી આંખ ઉઘડી.

ગુરુજીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. મનસુખભાઈ આવવાથી એ ખુલ્લા પડી ગયા હતા.

" મનસુખભાઈ એના નસીબમાં અમેરિકા જવાનું નહીં લખ્યું હોય એટલા માટે જ વિઝા ના મળ્યા. બાકી ભંડારો કર્યા પછી કામ ન થાય એવું બને જ નહીં. " ગુરુજી પોતાનો બચાવ કરવા લાગ્યા.

" તમે તો બ્રહ્માંડ સાથે વાતો કરો છો. ત્રિકાળજ્ઞાની છો. છ મહિના સુધી સમાધિમાં રહેનારા ઉચ્ચ આત્મા છો તો પછી તમને દોઢ લાખ લેતી વખતે કેમ ખબર ના પડી કે એને અમેરિકા જવાના યોગ નથી ? " દેવરાજ હવે ગુસ્સે થઈને બોલ્યો.

"તમે ભાઈ હદ વટાવી રહ્યા છો. એક સંન્યાસી ઉપર શક કરી રહ્યા છો. અમને પોતાને પૈસાનો કોઈ મોહ નથી. બધા જ પૈસા ભંડારામાં જાય છે. અને લોકોનું કામ થાય એટલા માટે ભંડારા કરીએ છીએ." ફરી ગુરુજી પોતાનો બચાવ કરવા લાગ્યા.

" ગુરુજી તમે કેટલા ભંડારા કરવાના છો ? મુંબઈમાંથી આ સાત દિવસમાં સાત લોકોના કુલ નવ લાખ રૂપિયા તમે ઉઘરાવી ચૂક્યા છો. એ નવ લાખ રૂપિયા તમે કાલબાદેવી આંગડિયાથી જુનાગઢ રવાના કર્યા છે. જુનાગઢ કોને મોકલ્યા છે એ નામ આપું તમને ? કોઈને ગ્રહ નડે છે તો કોઈના ઉપર મેલી વિદ્યા થઈ છે કહી કહીને તમે ભંડારાના નામે લાખો રૂપિયા ઉઘરાવી દીધા છે. કેટલા રૂપિયાનો ટાર્ગેટ લઈને મુંબઈ આવ્યા છો ગુરુજી ? " દેવરાજ બોલ્યો.

દેવરાજની આ ચોંકાવનારી વાત સાંભળીને જયરાજ અંકલના રૂમમાં સન્નાટો છવાઈ ગયો. દેવરાજે એક જ ઝાટકે ગુરુજી બની બેઠેલા આ સાધુને ઉઘાડો કરી દીધો હતો. ગુરુજીની હાલત તો કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ હતી.

" જુનાગઢ તમે જેને પણ પૈસા મોકલો છો એનો ફોન નંબર પણ મારી પાસે છે ગુરુજી. અહીં કાલબાદેવીમાં જે આંગડિયાથી તમે પૈસા મોકલો છો એને ફોન કરી તમારા આ ભક્તો સાથે અત્યારે વાત કરાવુ ? ગુરુજી બનીને તમે તાંત્રિકનું કામ કરવા મંડી પડ્યા ? કેટલી શ્રદ્ધાથી લોકો તમને ભગવાન માનીને તમારા ચરણસ્પર્શ કરે છે ! " દેવરાજ ગુસ્સાથી બોલી રહ્યો હતો.

" તમારા શબ્દો ઉપર જયરાજ અંકલ એક લાખ જેવી મોટી રકમ આપવા તરત તૈયાર થઈ ગયા. આ બધા પાપમાંથી ક્યારે છૂટશો ? કોઈ ભંડારો થતો નથી. પૈસા તમારા ઘરે પહોંચી જાય છે." દેવરાજ બોલ્યો.

હવે ખરેખર સાધુની હાલત જોવા જેવી હતી. ત્યાં બેઠેલા બધાની આંખોમાં નફરત અને ગુસ્સો હતાં.

" અહીંથી ચૂપચાપ નીકળી જાઓ અને જુનાગઢ ભેગા થઈ જાઓ. હવે બીજા કોઈને ફસાવશો તો મને તરત ખબર પડી જશે. જેટલા તમને મળ્યા એટલું તમારું નસીબ. પણ હવે પછી ગુરુજી બનીને લૂંટવાનું બંધ કરો. તમે માત્ર એક સાધુ છો અને ગિરનારના નાગાબાવાઓ સાથે તમારો કોઈ સંબંધ નથી. તમે ઈશ્વરથી ડરો અને તમારા ખાતામાં જે ૨૮ લાખ પડ્યા છે એનાથી સંતોષ માની હવે પછી ઈશ્વરનું ભજન કરો." દેવરાજે ફરી ધડાકો કર્યો.

સાધુ કંઈ પણ બોલ્યા વગર પોતાનો બગલ થેલો લટકાવીને સીધો રૂમની બહાર નીકળી ગયો. દેવરાજથી એ એટલો બધો ડરી ગયો હતો કે સડસડાટ સીડી ઊતરીને ગાયવાડીની બહાર જ નીકળી ગયો.

" અરે સર તમને આ બધી કેવી રીતે ખબર પડી કે એણે ૯ લાખ રૂપિયા ઉઘરાવ્યા છે અને એના ખાતામાં ૨૮ લાખ છે ?" જયરાજ અંકલ બોલ્યા.

જયરાજ અંકલે સર શબ્દ વાપર્યો એટલે એમનો પરિવાર પણ ચમકી ગયો.

" આ ભાઈ કોણ છે ? અને તમે એમને સર કહીને કેમ બોલાવો છો ? " જયરાજ અંકલનાં પત્ની બોલ્યાં.

" દેવરાજ સરે મને એમની ઓળખાણ આપવાની ના પાડી હતી એટલા માટે હું કંઈ બોલ્યો ન હતો. આ જ મારા શેઠ છે અને પીજી હાઉસના માલિક છે. પોતે કરોડોપતિ છે. મેં એમને ગુરુજી આવવાના છે એવું કહ્યું હતું એટલે દર્શન કરવા માટે આવ્યા હતા." જયરાજ અંકલે પોતાના પરિવારને દેવરાજની સાચી ઓળખાણ કરાવી.

પરિવારના સભ્યો તો દેવરાજ શેઠને જોઈને ચકિત થઈ ગયા. આટલી મોટી વ્યક્તિ પોતાના ઘરે આવી હતી એ એમના માટે જાણે કે ગૌરવની વાત હતી.

" સર તમે નીચે ના બેસો. તમે આ સાધુ બેઠો હતો એ ખુરશી ઉપર જ બેસો. ઘર નાનું છે એટલે બીજું ફર્નિચર વસાવ્યું નથી. મલાડમાં એક ફ્લેટ લઈ રાખ્યો છે પણ આ ઘર છોડી ત્યાં જવા કોઈ તૈયાર નથી. તમે અમારા ઘરે આવ્યા એટલે અમારું આ ઘર પાવન થઈ ગયું." જયરાજ અંકલ બોલ્યા.

એ દરમિયાન ત્યાં બેઠેલા બે ભક્તો તો ઉભા થઈને બહાર નીકળી ગયા પણ મનસુખભાઈ બેસી રહ્યા.

" સર તમને આ સાધુનો આટલો બધો ઇતિહાસ કેવી રીતે ખબર ? તમે તો એના ખાતામાં કેટલા પૈસા છે એ પણ કહી દીધું. " હવે એ જ સવાલ મનસુખભાઈએ પૂછ્યો.

" હું આ સાધુને ઓળખતો પણ નથી પરંતુ અહીં આવીને એને જોયા પછી ખબર નહીં કેમ પણ મને એના વિશેની બધી જ માહિતી અંદરથી મળી ગઈ કે આ તો જુનાગઢ બાજુનો કોઈ બાવો છે. એટલા માટે જ એમને શરૂઆતમાં આટલા બધા સવાલો પૂછ્યા હતા. બાકી સાચા ગુરુજીનો હું હંમેશાં આદર કરું છું. " દેવરાજ બોલ્યો.

" સર ભલે તમે ના કહો પણ ૯ લાખ રૂપિયા અને ૨૮ લાખ રૂપિયા જેવી રકમ પણ તમે કહી દીધી એ સામાન્ય માણસનું કામ જ નથી. તમે મારા ઘરે પણ પધારો. ઉંમરમાં હું તમારાથી ઘણો મોટો છું છતાં તમને વંદન કરું છું." ૫૭ વર્ષના મનસુખભાઈ બોલ્યા.

"હા સર એકવાર તમે એમના ઘરે જઈ આવો. મનસુખભાઈ મારા ઓળખીતા છે અને આજે અહીંયાં મેં જ એમને બોલાવ્યા હતા. એમના કહેવાથી જ મેં આ સાધુને ગુરુ બનાવ્યા હતા. એમની વાતોથી અમે બંને અંજાઈ ગયા હતા. અમને બીજી તો કંઈ ખબર પડે નહીં એટલે પછી એમને ગુરુ માની લીધા." જયરાજ અંકલે ખુલાસો કર્યો.

" ઠીક છે. હું મારી અનુકૂળતાએ જયરાજ અંકલ સાથે આવી જઈશ. પણ કોઈ ચમત્કારની આશા મારી પાસેથી ના રાખશો. મારી પાસે બસ ગાયત્રી સાધનાનું બળ અને મારા દિવ્ય ગુરુજીના આશીર્વાદ છે. ક્યારેક ક્યારેક આ રીતે હું બધું જોઈ શકું છું. આ બાવાનો બધો ઇતિહાસ મારી સામે આવી ગયો એટલે પછી મારે એને ખુલ્લો પાડવો પડ્યો. " દેવરાજ બોલ્યો.

" હવે સાહેબ અને મનસુખભાઈ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો અથવા તો આઈસ્ક્રીમ લઈ આવો. દેવરાજ સર પહેલી વાર આપણા ઘરે પધાર્યા છે." જયરાજ અંકલ અહોભાવથી બોલ્યા.

આજે એમણે દેવરાજ સરમાં જે જોયું હતું એ એમની કલ્પનાની બહાર હતું. મારાથી આટલી નાની ઉંમરના આ શેઠ પાસે આટલી બધી શક્તિઓ છે !! ખરેખર મનમોહન શેઠે વારસદાર તરીકે સાચો હીરો પસંદ કર્યો છે. !!

" તમે લોકો થોડીવાર બેસો. બસ ૧૫ મિનિટમાં મેથીના ગોટા બની જશે. બીજા ગેસ ઉપર ચા પણ મૂકી દઉં છું." જયરાજ અંકલનાં પત્ની બોલ્યાં.

" તમારે દીકરીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્રણ મહિના પછી એની સગાઈ થઈ જશે. " દેવરાજ અચાનક બોલ્યો.

દેવરાજની વાત સાંભળીને તો જયરાજ અંકલ અને મનસુખભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

" અરે સર તમારા મ્હોંમાં ઘી અને સાકર." જયરાજ અંકલ બોલ્યા.

" અરે શિલ્પા જરા બહાર આવ તો." જયરાજ અંકલે દીકરીને બૂમ પાડી.

" જી પપ્પા." શિલ્પા ઝડપથી રસોડામાંથી બહાર આવી.

" આ દેવરાજ સર કહે છે કે ત્રણ મહિના પછી તારી સગાઈ થઈ જશે. એ જે કહે એ પથ્થર કી લકીર સમજવાની. બસ હવે બધું ટેન્શન છોડી દે. એમણે કહ્યું એટલે મારી બધી ચિંતા દૂર થઈ ગઈ. " જયરાજ અંકલ બોલ્યા.

શિલ્પા શરમાઈને પાછી અંદર ચાલી ગઈ. એણે અંદર જઈને એની મમ્મીને વાત કરી. મમ્મી પણ આ સમાચારથી ખૂબ જ ખુશ થઈ ગયાં.

થોડીવારમાં જ શિલ્પા બે ડીશમાં ગરમાગરમ મેથીના ગોટા લેતી આવી અને પછી બીજી વાર અંદર જઈને મનસુખભાઈ માટે પણ ડીશ લઈ આવી. બધા માટે ચા પણ લેતી આવી. એ પછી બધાને એક ડીશ હાથમાં આપી.

" આજનો દિવસ આમ તો મારા માટે ઘણો સારો ઉગ્યો છે સર. તમે ના આવ્યા હોત તો આજે લાખ રૂપિયા ના ખાડામાં હું ઉતરી ગયો હોત. એ તમે બચાવી લીધા. તમે મારી દીકરીની આગાહી કરીને મારી અડધી ચિંતા ઓછી કરી નાખી." જયરાજ અંકલ દેવરાજની સામે જોઈને બોલ્યા.

"જીવનમાં બનતી બધી જ ઘટનાઓ સમયના પ્રવાહમાં સુનિશ્ચિત જ હોય છે. બસ આપણે જોઈ શકતા નથી એટલે વ્યર્થ ચિંતા કરીએ છીએ. રેલવે સ્ટેશન ઉપર ઉભા હોઈએ ત્યારે ટ્રેઈન ક્યારે આવશે ની ચિંતા આપણે કરતા હોઈએ છીએ. પણ પાંચ દસ મિનિટ વહેલી કે મોડી એ આવવાની જ હોય છે." દેવરાજ બોલ્યો.

" તમારી વાત સાચી છે સર. પણ દીકરી ઉંમરલાયક થાય એટલે ચિંતા તો થાય જ ને ! અમારા ક્ષત્રિય સમાજમાં ૨૬ વર્ષની ઉંમર એ વધારે કહેવાય. " જયરાજ અંકલ બોલ્યા.

" ચિંતા એ માનવ સ્વભાવ છે અંકલ. એમાં તમારો કોઈ વાંક નથી. પૃથ્વી ઉપર જન્મેલી દરેક વ્યક્તિ આવતી કાલની ચિંતા કરતી જ હોય છે. ચિંતા આપણા લોહીમાં વણાઈ ગયેલી છે. અનેક પ્રકારની ચિંતાઓથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. જેમ જેમ માનવી આધ્યાત્મિક પ્રગતિ કરતો જાય તેમ તેમ બિનજરૂરી ચિંતાઓ આપોઆપ દૂર થઈ જાય છે. ગાયત્રી મંત્રથી કમ સે કમ હું તો ચિંતામુક્ત થઈ જ ગયો છું." દેવરાજ બોલ્યો.

"તમારી આ ઉંમરમાં પણ તમે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સર. તમારું લેવલ અમારા કરતાં ઘણું ઊંચું છે. જેમ જેમ તમને હું સમજતો જાઉં છું તેમ તેમ તમારા પ્રત્યેનું મારું રિસ્પેક્ટ વધતું જાય છે. " જયરાજ અંકલ બોલ્યા.

એ પછી ત્રણેય જણાએ મેથીના ગોટા ખાઈ લીધા અને ચા પણ પી લીધી.

" મેં એક વસ્તુની ખાસ નોંધ લીધી છે અંકલ કે દરેક ઘરના મેથીના ગોટાનો સ્વાદ અલગ જ હોય છે. ઘરની વાત જવા દઈએ તો પણ દરેક હોટલના કે લારીના મેથીના ગોટાનો સ્વાદ એક સરખો હોતો નથી. મેથીની ભાજી, લોટ અને મસાલા તો એના એ જ હોય છે પરંતુ દરેકના હાથની પોતાની એક કમાલ હોય છે. " દેવરાજ બોલ્યો.

" તમારી વાત સાચી છે. ક્યાંક લોટનું પ્રમાણ વધારે હોય છે તો ક્યાંક મેથીનું પ્રમાણ વધારે હોય છે. કોઈ કોઈ હોટલવાળા વળી ચણાના લોટમાં બીજો પણ કોઈ લોટ ભેળવતા હોય છે." મનસુખભાઈ બોલ્યા.

" હોટલની વાત તો ઠીક છે પરંતુ દરેક ઘરમાં સ્ત્રીઓની રસોઈ બનાવવાની પણ એક આગવી સૂઝ હોય છે ! ચાલો હવે હું રજા લઉં. સાડા પાંચ વાગી ગયા છે. " દેવરાજ બોલ્યો.

"અરે શિલ્પા.. દેવરાજ સર હવે જઈ રહ્યા છે. તું એમને પગે લાગ બેટા." જયરાજ અંકલ બોલ્યા.

શિલ્પા કિચનમાંથી બહાર આવી. સાથે જયરાજ અંકલનાં પત્ની પણ આવ્યાં.

શિલ્પાએ નીચે નમીને દેવરાજના ચરણ સ્પર્શ કર્યા. દેવરાજે એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

" બસ હવે લગ્નની તૈયારી કરો. ત્રણ મહિના પછી સગાઈ નક્કી જ છે. " દેવરાજ હસીને બોલ્યો.

" તમે તો સાહેબ અમારી અડધી ચિંતા ઓછી કરી નાખી. દીકરી મોટી થાય એટલે મા બાપની ચિંતા એના લગનની જ હોય. બસ તમારા આશીર્વાદ ફળે." જયરાજ અંકલનાં પત્ની બે હાથ જોડીને બોલ્યાં.

એ પછી દેવરાજ ઉભો થયો અને એણે બૂટ પહેરી લીધા.

" ખૂબ ખૂબ આભાર. આજે તમે અમારા ઘરે પધાર્યા અને અમારી આંખો પણ ખોલી નાખી." જયરાજ અંકલ બોલ્યા.

દેવરાજે પણ બધાને હાથ જોડ્યા અને બહાર નીકળી ગયો.

દેવરાજ પીજી હાઉસ પહોંચીને પોતાની ચેમ્બરમાં હજુ બેઠો જ હતો ત્યાં જ શીતલનો ફોન આવ્યો.

" હલો રાજ... આપણા મેરેજની તારીખ ફાઇનલ થઈ ગઈ. વૈશાખ સુદ પાંચમના દિવસે આપણાં મેરેજ અને અગિયારસના દિવસે શાલુનાં પણ મેરેજ !" શીતલ બોલી. એના અવાજમાં ઉત્તેજના હતી.

" કોન્ગ્રેચ્યુલેશન્સ " દેવરાજ બોલ્યો.

" તમને પણ કોન્ગ્રેચ્યુલેશન્સ રાજ. " શીતલ બોલી.

" કોને કોન્ગ્રેચ્યુલેશન્સ આપો છો ? " બરાબર એ જ વખતે ચેમ્બરનો દરવાજો ખોલી દેવકી ટહૂકી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."