પીજી હાઉસ (PG House Novel Part-54)

Related

પીજી હાઉસ પ્રકરણ 54

જયરાજ અંકલના ઘરેથી આવીને દેવરાજ જેવો ચેમ્બરમાં પોતાની ખુરશી ઉપર બેઠો કે તરત જ શીતલનો અમદાવાદથી ફોન આવ્યો અને એણે વૈશાખ સુદ પાંચમના દિવસે લગ્નની તારીખ નક્કી થઈ છે એની દેવરાજને ખુશખબરી આપી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

દેવરાજે શીતલને કોન્ગ્રેચ્યુલેશન આપ્યા અને બરાબર એ જ ટાણે દેવકીએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો.

" કોને કોન્ગ્રેચ્યુલેશન્સ આપો છો ? " દેવકી બોલી.

" શીતલ હું તને થોડી વાર પછી ફોન કરું છું. અત્યારે મિટિંગમાં છું એટલે લાંબી વાત નહીં કરી શકું. " દેવરાજ ધીમેથી બોલ્યો જેથી શીતલને લાગે કે ખરેખર મિટિંગમાં હશે !

" ઓકે " શીતલ બોલી અને એણે ફોન કટ કર્યો.

" શીતલને. અમારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. વૈશાખ સુદ પાંચમના દિવસે અમારાં લગ્ન છે. અભિનંદન તો આપવાં જ જોઈએ. " દેવરાજ હસીને બોલ્યો.

" તો મારે તમને પણ અભિનંદન આપવાં જોઈએ. કોન્ગ્રેચ્યુલેશન્સ !" દેવકી બોલી.

" થેન્ક્સ. હવે બોલો કેમ આજે અહીં મારી ચેમ્બરમાં ! " દેવરાજ બોલ્યો.

" બસ તમને જોવા માટે. ક્યારેક તો આવી શકું ને ! બે પાંચ મિનિટ મળવા માટે આવું એમાં કોઈ વાતો ના કરે. અને તમે જ મને અહીં એડમિશન અપાવ્યું છે એ બધા જ જાણે છે એટલે પણ કોઈ વાતો ના કરે. અવાર નવાર આવતી હોઉં તો ચર્ચાનો વિષય બને. " દેવકી હસીને બોલી.

" નો પ્રોબ્લેમ. હું તો જસ્ટ અમસ્તો જ પૂછું છું. " દેવરાજ બોલ્યો.

" આજકાલ તમારા નામની ચર્ચા પીજી હાઉસમાં થવા લાગી છે. " દેવકી બોલી.

" મારા નામની ચર્ચા ? " દેવરાજે આશ્ચર્યથી પૂછ્યું.

" મારા દાદા એક કહેવત અવારનવાર કહેતા. મને આખી તો યાદ નથી પરંતુ 'ચંદ્ર છુપે નહી બાદલ છાયો' એવું કંઈક કહેતા. " દેવકી બોલી.

દેવરાજ હસી પડ્યો. " અરે મને ચણાના ઝાડ ઉપર ચઢાવ નહીં. "

" આ વળી નવી કહેવત ! આનો શું મતલબ ? " દેવકી નિર્દોષભાવે બોલી.

" કંઈ નહીં. ખોટા ખોટા વખાણ કરીશ નહીં લગભગ એવો મતલબ થાય. " દેવરાજ બોલ્યો.

" વખાણની વાત નથી. તમારી ચર્ચા થાય છે. કાલે સાંજે કેન્ટીનમાં અમે જમવા બેઠાં હતાં ત્યારે વૈશાલીબેન તમારી બહુ જ પ્રશંસા કરતાં હતાં. વૈદેહીબેન પણ સાથે જ હતાં. કહે કે આપણા આ જે દેવરાજ સર છે એમની પાસે સુપરનેચરલ પાવર છે. " દેવકી બોલી.

" વૈશાલી જાહેરમાં આ બધું કહી રહી હતી ? " દેવરાજે પૂછ્યું.

"ના રે ના. અમે ત્રણ જણાં જ હતાં. એમણે મને આ વાત કોઈને ના કહેતી એમ પણ કહ્યું. " દેવકી બોલી.

" પણ તારી એ લોકો સાથે મિત્રતા કેવી રીતે થઈ ? એ તો ચોથા માળે રહે છે. " દેવરાજ બોલ્યો.

" મારે એવી કોઈ મિત્રતા થઈ નથી. આ તો જસ્ટ અમે ત્રણ જણાં એક જ ટેબલ ઉપર કાલે જમવા માટે બેઠાં હતાં ત્યાં તમારી વાત નીકળી." દેવકી બોલી.

" હા એના પપ્પાની હેલ્થનો થોડો પ્રોબ્લેમ હતો તો ગાયત્રી મંત્રના પ્રભાવથી થોડુંક હિલિંગ કરી આપ્યું. આપણે કોઈના કિસ્મતને તો બદલી શકતા નથી પરંતુ જેટલી રાહત થઈ શકે એટલી કરવાની કોશિશ કરું છું ." દેવરાજ બોલ્યો.

" હમ્... આ તો જસ્ટ એ વાત કહેવાના બહાને તમને મળવા જ આવી છું. ઈચ્છા તો એવી થાય છે કે ૨૪ કલાક બસ તમારી સામે જ બેસી રહું પરંતુ એવું કિસ્મત ક્યાંથી લાવવું ! સાહેબ તો કોઈની સાથે સગાઈ કરીને બેઠા છે." દેવકી બોલી.

" કિસ્મત ઉપર આપણો કોઈ જ કંટ્રોલ નથી દેવકી. નસીબમાં જે લખ્યું છે તે તો બનવાનું જ છે. " દેવરાજ બોલ્યો.

" હું બધું સમજુ છું સર પરંતુ પાની મેં મીન પિયાસી જેવી મારી હાલત છે. તમારી સાથે જ છું છતાં તમારી નથી. લાગણીઓ ઉપર કોઈ કાબુ રહેતો નથી. દાદાજીના શબ્દો ઉપર અટલ વિશ્વાસ છે એટલે હું તો જીવનભર તમારી જ બની ચૂકી છું. " દેવકી નિઃસાસો નાખીને બોલી.

" મને પોતાને પણ ક્યારેક ક્યારેક એવા વિચારો આવે છે કે શીતલ સાથે સગાઈ થઈ ગયા પછી જ તું કેમ મારા જીવનમાં આવી ! પહેલાં કેમ ના આવી ? મને તારા પ્રત્યે પણ શીતલ જેટલો જ પ્રેમ છે દેવકી પરંતુ શીતલ પ્રત્યેની વફાદારી મારા સંસ્કાર છે. " દેવરાજ બોલ્યો.

એને પૂર્વજન્મમાં સુંદરી સાથે પોતે કરેલો અન્યાય અત્યારે યાદ આવી ગયો હતો એટલા માટે એ દેવકી પ્રત્યે આટલી લાગણી બતાવી રહ્યો હતો. શીતલ સાથે લગ્ન કર્યા પછી દેવકીને હું કેવી રીતે ન્યાય આપી શકીશ ?

" બસ તમારો આ પ્રેમ ચાલુ રાખજો. દાદાજીના ગયા પછી તમારા સિવાય મારું કોઈ જ નથી. " દેવકી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

" દાદાજીને મેં વચન આપ્યું છે એ તો હું પાળીશ જ. તારે એ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " દેવરાજ બોલ્યો.

"એક વાત કહું સર ? " દેવકી બોલી.

" હા બોલ ને ? " દેવરાજે કહ્યું.

" મારો ટાઈમ બિલકુલ પસાર થતો નથી. મારી ત્રણેય કલિગ લગભગ આખો દિવસ બહાર જ હોય છે અને રૂમમાં હું માત્ર એકલી જ હોઉં છું. મને કોઈ પ્રવૃત્તિ જોઈએ છે. કોઈ નોકરી હોય તો પણ ટાઈમ પસાર થાય. મારે પૈસાની જરૂર નથી. મારા માટે આ બાબતમાં જરા વિચારોને સર ! " દેવકી બોલી.

"સારું. હું ચોક્કસ કંઈક વિચારું છું. " દેવરાજ બોલ્યો.

"ચાલો તમારો વધારે સમય નહીં લઉં. હું જાઉં." દેવકી બોલી અને ઠસ્સાથી બહાર નીકળી ગઈ.

દેવરાજ ચેમ્બરની બહાર જતી દેવકીને એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી જોઈ રહ્યો. એણે એક નિઃસાસો નાખ્યો. ઈશ્વર આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે ! યૌવનથી છલકાતું આટલું અદભુત સૌંદર્ય અને છતાં સ્પર્શ કરવાની પણ મનાઈ !! આ જન્મની પત્ની અને ગયા જન્મની પત્ની વચ્ચે એક જનમારાનો ફરક હતો.

દેવકીના ગયા પછી ધીમે ધીમે દેવરાજ એના વિચારોમાંથી બહાર આવ્યો અને પછી એણે ઘરે મામાને ફોન કર્યો.

" મામા શીતલનો હમણાં ફોન આવ્યો હતો. વૈશાખ સુદ પાંચમના દિવસે લગ્નની તારીખ નક્કી થઈ છે." દેવરાજ બોલ્યો.

"હા મારે આજે સવારે જ કાન્તિભાઈ સાથે વાત થઈ હતી. હું આજે રાત્રે તને ફોન કરવાનો જ હતો. " હર્ષદ મામા બોલ્યા.

" મામા તમે મામી સાથે ચર્ચા કરીને એક લિસ્ટ બનાવો અને એકાદ અઠવાડિયામાં મને આપી દો કે આપણા તરફથી કોણ કોણ લગ્નમાં આવવાનું છે જેથી મને હોટલના રૂમ બુક કરવાની ખબર પડે. એ જ પ્રમાણે તમે મારા સસરા સાથે પણ વાત કરી લો અને એમની સંખ્યા પણ મને જણાવો. " દેવરાજ બોલ્યો.

" હા દેવ. આ બાબતે હું કાન્તિભાઈ સાથે પણ વાત કરી લઈશ અને ચોક્કસ સંખ્યા જાણી લઈશ. એકાદ વીકમાં તને મેસેજ કરી દઈશ. " મામા બોલ્યા.

" કાંદીવલીમાં મેં એક ફ્લેટ લઈ લીધો છે. ત્રણ બેડરૂમનો વિશાળ ફ્લેટ છે. હૉલ પણ મોટો છે એટલે શીતલનો આખો પરિવાર ત્યાં આવી જશે. કુલ ૧૦ ૧૨ માણસો ત્યાં એડજસ્ટ થઈ શકે એટલી જગ્યા છે. એટલે એના નજીકનાં સગાં પણ ત્યાં જ રહી શકશે ." દેવરાજ બોલ્યો.

" તો તો બહુ સારું. હોટલ કરતાં પણ આવો ફ્લેટ હોય તો કન્યાવાળાને વધુ અનુકૂળ રહે. બાકીના મહેમાનો માટે હોટલના રૂમ ચાલે. " મામા બોલ્યા.

" તમારે અને મામીને તો મારી સાથે વાલકેશ્વર જ રહેવાનું છે. મારો ફ્લેટ પણ ઘણો વિશાળ છે. " દેવરાજ બોલ્યો.

" ના બેટા. અમે ત્યાં આવીશું ચોક્કસ પરંતુ રહેવાની વ્યવસ્થા હોટલમાં જ કરે તો વધારે સારું. આપણે રહ્યા દેશી માણસ. આટલા મોટા લોકો સાથે અમને બહુ અનુકૂળ નહીં આવે. અને લગ્ન કરીને તારે શીતલ સાથે પાછું એ જ ફ્લેટમાં જવાનું હોય. એટલે તું અમારા માટે હોટલનો એક રૂમ બુક કરાવી દેજે. " હર્ષદમામા બોલ્યા.

" ઠીક છે મામા. તમે જેમ કહો તેમ. તો પછી મેરેજ માટે બેંકવેટ હોલ પણ કાંદીવલી આસપાસ જ બુક કરાવી દઉં છું જેથી કન્યાપક્ષ વાળાને નજીક પડે. ટોટલ માણસોનું લિસ્ટ એક વાર મને મળી જાય પછી હું બધું પ્લાનિંગ કરું છું. " દેવરાજ બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

એકાદ અઠવાડિયામાં જ દેવરાજને નામ સાથે મામાએ લિસ્ટ મેસેજ કરી દીધું. એના પોતાના પક્ષ તરફથી એટલે કે મામા તરફથી સ્ત્રી પુરુષ થઈ કુલ ૭ વ્યક્તિ હતી. મામા મામી અને બાળકો માટે એક રૂમ તથા બાકીના પાંચ વ્યક્તિ માટે બીજા ત્રણ રૂમ. એમ કુલ ચાર ડીલક્ષ રૂમ બુક કરવાના હતા.

શીતલ તરફથી એના પોતાના પરિવારના પાંચ વ્યક્તિ, કાકા કાકી અને એમનો દીકરો તથા ફોઇ ફુવા એમ ૧૦ લોકો માટે તો ફ્લેટ તૈયાર જ હતો. એ સિવાય એમના બીજા ૪ અંગત મહેમાનો હતા જેમના માટે કાંદીવલીની જ કોઈ હોટલમાં બે રૂમ બુક કરાવવાનું દેવરાજે નક્કી કર્યું.

હજુ તો જાન્યુઆરી મહિનો ચાલતો હતો અને લગ્ન મે મહિનામાં હતા એટલે અત્યારથી હોટલના રૂમ બુક કરાવવાની કોઈ ઉતાવળ ન હતી.

તે દિવસે રાત્રે દેવરાજે જમતી વખતે પપ્પા સાથે વાત કરી.

" પપ્પા અમદાવાદથી ફોન આવી ગયો છે અને મારા લગ્નની તારીખ વૈશાખ સુદ પાંચમની નક્કી થઈ છે. કન્યા પક્ષને ઉતારો આપવા માટે તો મેં લીધેલો કાંદીવલીનો ફ્લેટ ખાલી જ છે પરંતુ મારા મામા મામી અને બીજા મહેમાનો માટે મારે હોટલમાં છ રૂમ બુક કરાવવા પડશે." દેવરાજ બોલ્યો.

" લગ્નની તારીખ નક્કી થઈ ગઈ એ તો બહુ સારા સમાચાર તેં મને આપ્યા દેવ. આપણા મહેમાનોને અહીં કોઈ જ તકલીફ ન પડવી જોઈએ. ફાઇવ સ્ટાર હોટલના રૂમ જ બુક કરાવજે. લગ્નનો પ્રસંગ ક્યાં ગોઠવવો છે ? " મનમોહન શેઠ બોલ્યા.

" કન્યાપક્ષ વાળા બધા કાંદીવલી જ ઉતરવાના છે એટલે લગ્ન માટે સારો બેન્કવેટ હોલ પણ કાંદીવલી બાજુ જ બુક કરાવવાનું વિચારું છું. મારા રિસેપ્શન માટે આપણા આ એરિયામાં જ કોઈ પાર્ટી પ્લોટ અથવા બેંકવેટ હોલ શોધી કાઢીશ. " દેવરાજ બોલ્યો.

" રિસેપ્શનની ચિંતા તું છોડી દે. એ મને મેનેજ કરવા દે. તું મારો દીકરો છે. મારે પણ એકાદ જવાબદારી તો લેવી જ પડે ને." મનમોહન શેઠ હસીને બોલ્યા.

" ઠીક છે પપ્પા." દેવરાજ બોલ્યો.

"તું એક કામ કર. તું શીતલને એકવાર અહીં મુંબઈ બોલાવી લે. આપણા ઘરે જૂનું ઝવેરાત પણ પડેલું છે. સુમિત્રાના કેટલાક હાર અને ડાયમંડની બંગડીઓ વગેરે એ પોતે જોઈ લે. જો એમાંથી એને કંઈ પસંદ આવે તો પછી એને આપણે પોલીશ કરાવી દઈએ. કારણ કે આખરે જે પણ સુમિત્રાનું છે એ શીતલનું જ છે ને ! " મનમોહન શેઠ બોલ્યા.

" તારા પપ્પા સાચું કહે છે. હું તો હવે કંઈ પહેરતી નથી. બધું જર ઝવેરાત શીતલનું જ છે. અને મારા સાસુનો હીરા માણેક અને પન્ના મઢેલો એક નવલખો હાર પણ મારે વહુને આપવાનો છે. મોતીના સેટ પણ ઘણા પડ્યા છે તો એ પણ શીતલને બતાવીને સાફ કરાવી દઈએ." સુમિત્રા મમ્મી બોલ્યાં.

દેવરાજ એના માતા પિતાની મમતા અને દિલેરી જોઈને ભાવુક થઈ ગયો. ખબર નહીં પાછલા જન્મોમાં કેવાં પૂણ્ય મારાથી થઈ ગયાં હશે કે આજે રાજકુમાર જેવું જીવન હું જીવી રહ્યો છું !

એણે એ રાત્રે જ શીતલને ફોન લગાવ્યો.

" સોરી ડાર્લિંગ મિટિંગમાં હતો અને સામે બધા બેઠેલા હતા એટલે એ વખતે હું લાંબી વાત ના કરી શક્યો. અત્યારે ફરીથી અભિનંદન આપું છું અને મુંબઈ આવવાનું આમંત્રણ પણ આપું છું. " દેવરાજ બોલ્યો.

" મુંબઈ ? લગ્ન પહેલાં મુંબઈ ? " શીતલ આશ્ચર્યથી બોલી.

"વાત એમ છે શીતલ કે લગ્ન વખતે તું અમદાવાદમાં ઘડેલા દાગીના પહેરે એ મારા મમ્મી પપ્પાને પસંદ નથી. એમનું કહેવું છે કે દાગીના તો મુંબઈમાં જ બનેલા હોવા જોઈએ." દેવરાજ ઠાવકાઈથી બોલ્યો.

" તમે ભૂલો છો રાજ. અમદાવાદના જ્વેલર્સ મુંબઈને પણ ટક્કર મારે એવા છે. આપણે ડાયમંડની રીંગ લેવા માટે ત્રિભુવન ભીમજી ઝવેરીના શોરૂમમાં ગયાં હતાં ને ? ત્યાં જોયું નહોતું કે કેવા કેવા લેટેસ્ટ ડિઝાઇનના નેકલેસ આપણને બતાવેલા ? " શીતલ બોલી.

"અરે ડાર્લિંગ એ ટીબીઝેડ શોરૂમ પણ મૂળ તો મુંબઈનો જ ને ! અમદાવાદમાં તો એની બ્રાન્ચ છે. સૌથી પહેલી ફેશન મુંબઈમાં આવે કારણકે મુંબઈ તો બોલીવુડની નગરી છે. " દેવરાજ હસીને બોલ્યો.

" તો મારે જ્વેલરી પસંદ કરવા માટે મુંબઈ આવવું પડશે એમ ? " બોલતાં બોલતાં શીતલ રોમાંચિત થઈ ઉઠી.

" હા મમ્મી પપ્પાએ જ તને આમંત્રણ આપ્યું છે. હું તો મજાક કરતો હતો કે મમ્મી-પપ્પાને અમદાવાદના ઘડેલા દાગીના પસંદ નથી. સાચી વાત એ છે કે મમ્મીનું બહુ બધું ઝવેરાત એમણે સાચવીને રાખેલું છે. અસલી સોનાના અને હીરા માણેક પન્ના મઢેલા હાર તથા મોતીના સેટ પણ છે. એમની ઈચ્છા છે કે આમાંથી વહુને જે પણ દાગીના પસંદ આવે એ બધા દાગીના પોલીશ કરાવી લઈએ. આવા દાગીના અત્યારે મળતા નથી. એ બધી એન્ટીક આઈટમો ગણાય." દેવરાજ બોલ્યો.

દેવરાજની વાત સાંભળીને શીતલને પોતાના કાન ઉપર વિશ્વાસ આવતો ન હતો. એ પોતે શું સાંભળી રહી છે ? જુના જમાનાની રાણીઓની વાતો તો એણે સાંભળી હતી પરંતુ પોતાના જીવનમાં આટલો બધો વૈભવ લખેલો હશે એની તો એને કલ્પના પણ ન હતી.

" રાજ જો તમે આ બધું સાચું જ કહેતા હો તો મારે મમ્મી પપ્પાને વાત કરવી પડશે. કારણ કે મુંબઈ હું એકલી ના આવી શકું." શીતલ બોલી.

" અરે શીતલ હું ખોટું શું કામ બોલું ? હું મારા આ મમ્મી પપ્પાનો એકનો એક દીકરો છું. વહુને પોતાના દાગીના ચડાવવાની એમને હોંશ છે. લગ્નની તારીખની મેં વાત કરી તો પણ એ એકદમ ખુશ થઈ ગયા. અને... તું એકલી કેમ ના આવી શકે ? ત્યાંથી ફ્લાઇટમાં બેસી જજે અને હું તને એરપોર્ટ ઉપર લેવા આવી જઈશ. " દેવરાજ બોલ્યો.

" અરે મારા સ્વામીજી.. તમારી આ શીતલ ક્યારે પણ ફ્લાઇટમાં બેઠી નથી. પહેલીવાર બેસું છું એટલે મને એકલીને ડર લાગે. અહીંથી રાત્રે દસ વાગે ગુજરાત મેલમાં નીકળી જઈશ અને સવારે છ વાગે તમે મુંબઈ સેન્ટ્રલ લેવા આવી જજો. એ જ ટ્રેઈનમાં હું બે વાર મુંબઈ આવેલી છું. " શીતલ બોલી.

" ચાલો મંજૂર. હું આઠ દસ દિવસ પછીની ગુજરાત મેલની ફર્સ્ટ ક્લાસની તારી ટિકિટ બુક કરાવી દઈશ." દેવરાજ બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે શીતલે પોતાના મમ્મી પપ્પાને દેવરાજના ફોનની વાત કરી અને દેવરાજે જે પણ કહ્યું હતું તે બધી જ ચર્ચા એણે કરી.

" બેટા જમાઈની વાત આમ તો સાચી છે કારણ કે મોટા ઘરના શેઠિયાઓના ઘરમાં ઝવેરાત ઘણું હોય. સાસુના દાગીના વહુ ને ચડે અને વહુના દાગીના એની નવી આવનારી વહુને ચડે. આ તો વર્ષો જૂની પરંપરા છે. પરંતુ લગ્ન પહેલાં આ રીતે તું તારા સાસરે પગ મૂકે એ બરાબર નથી. વહુનાં પગલાં લક્ષ્મી પગલાં ગણાય. કુમારને કહે કે તારી વ્યવસ્થા હોટલમાં કરે. તારે જે પણ દાગીના પસંદ કરવા હોય તે હોટલમાં કરી લેવાના." પપ્પા કાન્તિલાલ બોલ્યા.

" ઓકે પપ્પા હું એમની સાથે વાત કરી લઈશ. એ તો મને પ્લેનમાં આવવાનું કહેતા હતા પરંતુ મેં જ ના પાડી. મેં કહ્યું કે મને ગુજરાત મેલમાં સારું ફાવશે. એટલે એ ટ્રેઈનની ટિકિટ કઢાવી લેશે." શીતલ બોલી.

" અરે પગલી હવે તો તારે ફ્લાઇટની પ્રેક્ટિસ કરવી જ પડશે. તારું કિસ્મત બદલાઈ ગયું છે બેટા. મારી દીકરી હવે રાજરાણી બનવા જઈ રહી છે. થોડા દિવસની મહેમાન છે હવે તું. આ ગરીબ માબાપના ખોળા ભૂલીને તારે સાસુ સસરાના ખોળા વહાલા કરવા પડશે બેટા !" મમ્મી સુમનબેન શીતલ ના માથે હાથ ફેરવીને બોલ્યાં.

"મમ્મી મને તમે રડાવો નહીં." કહીને શીતલ સાચે જ રડી પડી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."