પીજી હાઉસ પ્રકરણ 55
શીતલ સાથે વાતચીત થઈ ગઈ હતી એટલે પછી બીજા દિવસે દેવરાજે પંદર દિવસ પછીની ત્રણ ફેબ્રુઆરીની અમદાવાદથી મુંબઈની ગુજરાત મેલની ટિકિટ બુક કરાવી દીધી. એણે ફર્સ્ટ ક્લાસનો કપલ ફૂપે જ બુક કરાવી દીધો. એક પ્રાઇવેટ કેબિનમાં માત્ર બે જ બર્થ !પીજી હાઉસ નવલકથા
સાથે સાથે એણે એ જ તારીખની મુંબઈથી અમદાવાદની સાંજની ફ્લાઈટની એક ટિકિટ પણ લઈ લીધી. સાંજે અમદાવાદ પહોંચી રાત્રે શીતલની સાથે ટ્રેનમાં રિટર્ન થવાનું એણે મનોમાન નક્કી કરી દીધું. જો કે આ બાબતે એ પોતે શીતલને સરપ્રાઈઝ આપવા માગતો હતો.
" શીતલ દેવરાજ બોલું છું. તારી ૩ ફેબ્રુઆરીની ગુજરાત મેલની ફર્સ્ટ ક્લાસની એક ટિકિટ બુક થઈ ગઈ છે. તારો બર્થ નંબર એચ-૧ કોચ માં ૨ નંબર છે. હું તને એ વોટ્સએપ કરી દઉં છું. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને હું તને લેવા આવી જઈશ." દેવરાજે રાત્રે સૂતી વખતે શીતલને ફોન કર્યો.
"ઓકે રાજ... ટ્રેઈનની મુસાફરી આમ પણ મને બહુ ગમે છે. " શીતલ બોલી.
" અને સાંભળ તું હવે મોટી થઈ ગઈ. અમદાવાદ સ્ટેશન સુધી તારું ફેમિલી તને મૂકવા આવે એવું ના કરતી ! " દેવરાજ હસીને બોલ્યો.
" શું તમે પણ !! હું એટલી પણ નાની નથી કે મને કોઈ સ્ટેશન સુધી મૂકવા આવે. " શીતલ મીઠો છણકો કરીને બોલી.
" ચાલો સારી વાત છે. મુંબઈ સ્ટેશને મળીશું. ગુડ નાઈટ." દેવરાજ બોલ્યો અને એણે સૂવાની તૈયારી કરી.
બીજા દિવસે સવારે ૧૦ વાગે એણે પોતાના અંગત પ્યુનને ૪૨ નંબરના રૂમમાં મોકલીને વૈશાલી પંડ્યાને બે મિનિટ માટે નીચે આવી જવાનું કહ્યું.
પાંચેક મિનિટમાં જ વૈશાલી લગભગ દોડતી જ નીચે આવી.
" જી સર ?" વૈશાલી બોલી. દેવરાજ સરે એને બોલાવી એટલે એને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.
" અરે બેસો. ટેન્શનમાં આવી જવાની કોઈ જરૂર નથી. તમારે હોસ્પિટલ જવાનું મોડું તો થતું નથી ને ? " દેવરાજે પૂછ્યું.
" ના સર. આજે મારે બપોરની ડ્યુટી છે. " વૈશાલી બોલી.
" મારે તમારું થોડું કામ હતું. તમે જો કરી શકો તો. મારા એક સંબંધીની દીકરી દેવકી પાઢ અહીં ઉપર ૩૩ નંબરના રૂમમાં રહે છે. એના મમ્મી પપ્પા દસ વર્ષ પહેલાં ગુજરી ગયેલા. એના એક દાદા હતા એ પણ થોડા દિવસ પહેલાં દેવલોક પામી ગયા. એટલે પછી હું એને અહીં પીજી હાઉસમાં લઈ આવ્યો છું." દેવરાજે પૂર્વભૂમિકા કહી.
" હવે એને કોઈ પ્રવૃત્તિ જોઈએ છે. ૨૪ કલાક પીજી હાઉસના રૂમમાં ચાર દીવાલો વચ્ચે કેવી રીતે પસાર કરવા ? તમારી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે અથવા બીજી કોઈ જગ્યાએ તમારી પોતાની ઓળખાણથી એને ગોઠવી શકાય ? હોસ્પિટલમાં મારી પોતાની કોઈ ઓળખાણ નથી." દેવરાજ બોલ્યો.
" સર હું એક સામાન્ય નર્સ છું. મારી એવી કોઈ ઓળખાણ નથી કે હું એને હોસ્પિટલમાં કોઈ પોસ્ટિંગ અપાવી શકું. એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ આખું અલગ છે. " વૈશાલી સંકોચથી બોલી.
" હું તમારી વાત સમજી શકું છું. મારો કહેવાનો મતલબ એવો છે જ નહીં. એને ખાલી ટાઇમપાસ કરવા માટે ગોઠવવી છે. આટલી મોટી હોસ્પિટલ છે તો ક્યાંક બેસવાની વ્યવસ્થા થઈ જાય તો પણ એનો ટાઈમ પાસ થાય. કોઈની આસિસ્ટન્ટ તરીકે પણ જોડાઈ શકે. પૈસાની એને કોઈ જરૂર જ નથી. એના દાદાનો વારસો એને મળેલો જ છે. " દેવરાજ બોલ્યો.
" હા સર. એમ તો આવડા મોટા સ્ટાફમાં ત્યાં કોઈ કોઈને ઓળખતું જ ના હોય. એમ કરું કે હું એને મારી સાથે જ રાખી લઉં. એ ટ્રેઈની નર્સ છે એમ હું મારી કલિગ્ઝને કહી દઈશ. થોડું ઘણું શીખવાડી પણ દઈશ. એને એપ્રોન પણ લાવી દઈશ. સાથે સાથે એક બીજું કામ પણ થઈ શકે. એને નર્સિંગનો બેઝિક કોર્સ પણ કરાવી દઈએ. એપ્રિલ મહિનાથી નવી બેચ ચાલુ થશે." વૈશાલી બોલી.
" હા આ બહુ સરસ આઈડિયા તમે આપ્યો. બેઝિક નર્સિંગ એને કરાવી દઈએ અને અત્યારે ટ્રેનિંગ માટે તમારી સાથે એને રાખી લો. આમ પણ સેવાની ભાવના એનામાં બહુ જ છે." દેવરાજ બોલ્યો.
" ઠીક છે સર. તમે આટલી સેવાનો મને મોકો આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર. હું અત્યારે જ દેવકીને મળી લઉં છું. " કહીને વૈશાલી ઉભી થઈ અને બહાર નીકળી ગઈ.
વૈશાલી દેવરાજની ચેમ્બરમાંથી નીકળીને સીધી ત્રીજા માળે ૩૩ નંબરના રૂમમાં ગઈ. ત્યાં એક બેડ ઉપર દેવકી બેઠી હતી અને બીજા એક બેડ ઉપર બીજી એક છોકરી હતી. દેવકી કાનમાં ઈયર ફોન ભરાવીને મોબાઇલ જોઈ રહી હતી.
" તારું જ નામ દેવકી ? " વૈશાલીએ પૂછ્યું. હજુ પરમ દિવસે જ આ છોકરી પોતાની સાથે કેન્ટીનમાં જમવા બેઠી હતી.
" હા વૈશાલીબેન. તમારે કેમ મારી પાસે આવવું પડ્યું ?" દેવકી આશ્ચર્યથી બોલી.
" તને મારું નામ કેવી રીતે ખબર ? " વૈશાલીને પણ આશ્ચર્ય થયું.
" પરમ દિવસે આપણે લોકો જમવામાં સાથે જ હતાં. એ વખતે તમારી ઉપર કોઈનો ફોન આવ્યો હતો અને તમે કહ્યું હતું કે હું વૈશાલી. યાદ છે ? " દેવકી હસીને બોલી.
"વેરી સ્માર્ટ ગર્લ. હવે સાંભળ. સરે તારી ભલામણ કરી છે અને તારે આવતી કાલથી મારી સાથે હોસ્પિટલ આવવાનું છે અને નર્સિંગની ટ્રેનિંગ લેવાની છે. " વૈશાલી બોલી.
" ઓ વાઉ ! આઈ એમ સો એક્સાઇટેડ. ૨૪ કલાક અહીં રૂમમાં ને રૂમમાં બેસીને બોર થઈ જાઉં છું. કાલે કેટલા વાગે જવાનું છે ? " દેવકી બોલી.
" કાલે સવારે આઠ વાગ્યાથી મારી ડ્યુટી છે એટલે સાડા સાત વાગ્યે તું તૈયાર રહેજે. રિલાયન્સ હોસ્પિટલ તો નજીકમાં જ છે. કાલે હું તને નવું એપ્રોન લઈ આપીશ જેથી તું ટ્રેઈની નર્સ હોય એવું લાગે. હમણાં બે અઢી મહિના હું તને થોડી ટ્રેનિંગ આપીશ. પછી એપ્રિલ મહિનાથી તારે નર્સિંગનો બેઝિક કોર્સ કરવાનો છે. દેવરાજ સરે કહ્યું છે." વૈશાલી બોલી.
" મને તો નર્સિંગનો કોર્સ ખૂબ જ ગમશે. મેં હજુ ગઈકાલે જ સરને વાત કરી હતી અને આજે એમણે નિર્ણય પણ લઈ લીધો." દેવકી બોલી.
અને બીજા દિવસથી જ દેવકીએ સર હરકિશનદાસ હોસ્પિટલ (રિલાયન્સ હોસ્પિટલ ) માં જવાનું ચાલુ કરી દીધું. પહેલા દિવસે તો એણે આટલી મોટી હોસ્પિટલના દરેક વોર્ડમાં ચક્કર જ માર્યાં. જાતજાતના રોગોથી પીડાતા દર્દીઓને પણ જોયા. ગરીબ અને શ્રીમંત બંને પ્રકારના દર્દીઓ આ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા.
બપોરના સમયે દેવકીએ હોસ્પિટલની કેન્ટીનમાં વૈશાલી સાથે લંચ લઈ લીધું. એણે કેન્ટીનમાં એ પણ જોયું કે દર્દીઓનાં કેટલાંક સગાંવહાલાં ગરીબ હોવાથી માત્ર ચા અને વડાપાઉં ખાઈ રહ્યાં હતાં.
" વૈશાલીબેન આવા ગરીબ લોકો માટે આપણે જમવાની વ્યવસ્થા ના કરી શકીએ ? " દેવકી બોલી.
" કેવી રીતે કરી શકીએ ? પૈસા હોય તો પણ અહીં હોસ્પિટલમાં રોજે રોજ જમાડવાનું આપણે મેનેજ કેવી રીતે કરીએ ? અને કેટલીક સંસ્થાઓ આવા લોકો માટે વ્યવસ્થા કરતી હોય છે પરંતુ બધા એનો લાભ લઇ શકતા નથી. ઘણાને તો ખબર પણ નથી હોતી. " વૈશાલી બોલી.
દેવકીને લાગ્યું કે વૈશાલી સાવ સાચું કહી રહી હતી. ભાવના સાચી હોવા છતાં પણ એને અમલમાં મૂકવાનું મુશ્કેલ હતું.
એ પછી વૈશાલી દેવકી માટે એક સફેદ એપ્રોન લઈ આવી. એપ્રોન પહેર્યા પછી તો દેવકી અસલ નર્સ લાગી રહી હતી.
" તું ગળામાં સ્ટેથેસ્કોપ ભરાવી દે તો જુનિયર ડોક્ટર જ લાગે. " વૈશાલી હસીને બોલી.
એ પછીના અઠવાડિયામાં તો દેવકી નર્સિંગના કામમાં ઘણી જાણકાર થઈ ગઈ. એનામાં શીખવાની ઘણી હોંશ હતી. ઘણીવાર વૈશાલીથી દર્દીની નસ પકડાતી ના હોય તો દેવકી બરાબર નસ પકડીને એમાં વીગો ભરાવી દેતી હતી. દેવકી રોજ ગાયત્રીની પાંચ માળા કરતી હોવાથી એનામાં એક પ્રકારની દિવ્ય શક્તિ કામ કરી રહી હતી.
નવરાશના સમયમાં દેવકી ટેબલ ઉપર પડેલી તમામ દર્દીઓની કેસ ફાઈલોનો અભ્યાસ કરતી અને વિઝીટમાં આવેલા ડોક્ટરો જે પણ લખી જતા એ પણ જોઈ લેતી. એને આ બધા કામમાં બહુ જ મજા આવતી હતી.
એકવાર તો એક મોટા સર્જન વિઝીટ ઉપર આવ્યા ત્યારે એમના ઓપરેશન કરેલા જે પેશન્ટ હતા એમને તપાસતી વખતે જે પણ સૂચનો આપવાનાં હતાં તે એ સર્જને દેવકીને રેગ્યુલર નર્સ સમજીને એની સામે જોઈને એને જ આપ્યાં. દેવકીએ સર્જનના ગયા પછી એ તમામ સૂચનોની નોંધ જે તે ફાઇલમાં કરી.
" વાહ દેવકી વાહ. તું તો ખરેખર હવે હોસ્પિટલમાં છવાતી જાય છે. કોઈ માની જ ના શકે કે તું નર્સ નથી. તને ઇન્જેક્શન આપતાં પણ આવડી ગયું. બાટલા ચડાવતાં પણ આવડી ગયા. દવાઓની પણ સમજ તને પડે છે. ડોક્ટરનાં સૂચનો પણ તું બરાબર સમજી શકે છે. અદભુત !! " વૈશાલી બોલી.
" આ બધું તમારી મહેરબાનીથી જ થયું છે વૈશાલીબેન. તમે જ મને બધું શીખવાડ્યું છે. " દેવકી બોલી.
" હા પણ આટલા ઝડપથી તું આટલી બધી એક્સપર્ટ થઈ જઈશ એની મને કોઈ કલ્પના પણ ન હતી. " વૈશાલી બોલી.
દેવકી પાસે એક બીજી પણ કળા હતી. ગાયત્રી મંત્રના પ્રભાવથી એનામાં સંજીવની શક્તિ એટલે કે હીલિંગ પાવર પણ ડેવલપ થયેલો હતો.
એ દરેક ઉંમરલાયક પેશન્ટના માથા ઉપર હાથ ફેરવતી અને પ્રેમથી " તમને હવે સારું થઈ જશે" જેવા મીઠા શબ્દો પણ બોલતી. દેવકીના શબ્દો સાંભળીને પેશન્ટને પોઝિટિવ ઉર્જાનો અનુભવ પણ થતો.
ક્યારેક કોઈ નર્સ રજા ઉપર હોય તો બાજુના વોર્ડમાં પણ એને બોલાવવામાં આવતી. દસેક દિવસના સમયગાળામાં તો દેવકીનું નામ તમામ નર્સિંગ સ્ટાફમાં જાણીતું થઈ ગયું. કોઈને પણ કલ્પના ન હતી કે દેવકી ખરેખર નર્સ છે જ નહીં !!!
દેવકી નર્સિંગના કામમાં એટલી બધી એક્સપર્ટ થઈ ગઈ કે એનું નામ રજીસ્ટરમાં પણ ચડી ગયું અને એને સ્વતંત્ર ડ્યુટી આપવાનું ચાલુ થઈ ગયું. એક વોર્ડમાં દરેક પાળીમાં ચાર નર્સનો સ્ટાફ રહેતો. બારમા દિવસે તો જ્યારે ડ્યુટીની વહેંચણી થઈ ત્યારે વૈશાલીની ડ્યુટી તો સવારની જ ચાલુ રહી જ્યારે દેવકીનું નામ બપોરના બે વાગ્યાની ડ્યુટીમાં લખવામાં આવ્યું.
" વૈશાલીબેન આવતીકાલથી એક વીક માટે મને બે વાગ્યાની ડ્યુટી આપવામાં આવી છે. તમે નહીં હો તો હું એકલી કેવી રીતે સ્વતંત્ર ડ્યુટી કરીશ ? " દેવકી બોલી.
" તું શું કામ મૂંઝાય છે દેવકી ? તું મારા કરતાં પણ હોશિયાર થઈ ગઈ છે. અને તારી સાથે બીજી ત્રણ નર્સ પણ છે જ ને ? છતાં હું રિયાને ભલામણ કરતી જઈશ. એ તારું ધ્યાન રાખશે. તને કોઈ જ તકલીફ નહીં પડે. રિયા બહુ જ કોઓપરેટીવ છે. " વૈશાલીએ એને હિંમત આપી.
જો કે હોસ્પિટલમાં જે પણ સહકાર દેવકીને મળી રહ્યો હતો અને સ્વતંત્ર નર્સ તરીકે એને ડ્યુટી આપવામાં આવતી હતી એની પાછળ દેવરાજની શક્તિ પણ કામ કરી રહી હતી. એ રોજ સવારે ધ્યાનમાં દેવકી ઉપર ફોકસ કરતો હતો અને હોસ્પિટલમાં એની આજુબાજુના વાતાવરણને પણ અનુકૂળ બનાવી રહ્યો હતો !
૧૫ દિવસનો સમય પૂરો થઈ ગયો અને બીજી ફેબ્રુઆરી આવી પણ ગઈ. આવતી કાલે ત્રણ તારીખે સાંજના ફ્લાઈટમાં દેવરાજને અમદાવાદ જવાનું હતું અને શીતલને સરપ્રાઈઝ આપીને એની સાથે જ મુંબઈ પાછા આવવાનું હતું.
" પપ્પા હું આવતી કાલે સાંજના ફ્લાઈટમાં શીતલને લેવા માટે અમદાવાદ જાઉં છું. આવતી વખતે ટ્રેઈનની ટિકિટ કરાવી છે એટલે પરમ દિવસે સવારે હું પાછો આવી જઈશ." દેવરાજે સવારે ચા પીતી વખતે પપ્પા સાથે વાત કરી.
" હા હા જઈ આવ. શીતલ જૂના દાગીના પસંદ કરી લે એટલે પછી બીજા નવા દાગીના લેવાની ખબર પડે. તારી મમ્મીનાં જે પણ ઘરેણાં એને પસંદ આવે એ પોલિશ કરવા માટે આપી દઈએ. " મનમોહન શેઠ બોલ્યા.
" હા પપ્પા.... પરંતુ શીતલ અત્યારે અહીં આપણા ઘરે નહીં આવે. એ હોટલમાં રોકાશે. એના મમ્મી પપ્પા કહેતા હતા કે વહુનાં પગલાં લક્ષ્મી પગલાં ગણાય એટલે લગ્ન પહેલાં સાસરિયામાં પગ ના મૂકાય." દેવરાજ બોલ્યો.
" હા તારી એ વાત પણ સાચી છે. ઠીક છે એને મળવા માટે અમે બંને હોટલમાં જ આવી જઈશું. ત્યાં જ એને ઝવેરાત બતાવી દઈશું." સુમિત્રા મમ્મી બોલ્યાં.
બીજા દિવસે સાંજે સાડા સાત વાગે દેવરાજ અમદાવાદ પહોંચી ગયો. શિયાળો હતો એટલે રાત પડી ગઈ હતી. એરપોર્ટ ઉપર ઉતરીને એ એરપોર્ટની પાસે જ આવેલી ફાઈવ સ્ટાર હોટલ ટ્રાઇડન્ટમાં ગયો અને બે કલાક માટે રૂમ લઈ લીધો.
હમણાં જ અમદાવાદ આવ્યો હતો એટલે અત્યારે મામાના ઘરે જવાની એની કોઈ જ ઈચ્છા ન હતી. નવ વાગ્યા સુધીમાં એણે હોટલના રેસ્ટોરન્ટમાં શાહી ભોજન લઈ લીધું.
જમીને એ જેવો રૂમ ઉપર આવ્યો કે તરત જ શીતલનો ફોન આવ્યો.
" અરે રાજ તમે મને હજુ સુધી ટિકિટ મોકલી નથી. હું હવે સ્ટેશન જવા માટે નીકળું છું. " શીતલ બોલી.
" તું જરા પણ ચિંતા કરીશ નહીં. ગાડી સ્ટાર્ટ થાય તે પહેલાં તને ટિકિટ વોટ્સએપ કરી દઈશ. અને તને કોચ નંબર અને બર્થ નંબર તો આપેલો જ છે. ફર્સ્ટ ક્લાસના કોચમાં કોઈ ટિકિટ ચેક કરતું જ નથી. માત્ર ચહેરો જોઈ લે. " દેવરાજ બોલ્યો.
" હા બર્થ નંબર તો યાદ છે પરંતુ તમે અત્યારે કેમ ટિકિટનો મેસેજ નથી કરતા ? ટિકિટ વગર મારે ટ્રેઈનમાં કેવી રીતે બેસવું ? " શીતલ બોલી.
" ૧૦ વાગ્યા સુધીમાં તને ટિકિટ મળી જશે. હું અત્યારે એવી જગ્યાએ છું જ્યાં નેટવર્કનો પ્રોબ્લેમ છે." દેવરાજ બોલ્યો.
" ઓકે જાન " શીતલ બોલી અને એણે ફોન કટ કર્યો.
શીતલ સ્ટેશન ઉપર આવી ત્યારે ટ્રેઈન ઉભેલી જ હતી. એ એચ -૧ કોચમાં ચડી ગઈ અને પોતાના કૂપેમાં દાખલ થઈ. આ કપલ કેબિન હતી અને એમાં માત્ર બે જ બર્થ હતી.
શીતલને હવે ડર લાગવા માંડ્યો. પોતાની બર્થનો નંબર ૨ હતો તો ૧ નંબરની બર્થ કોની હશે ? આ તો પાછી અંદરથી બંધ થઈ શકે એવી કેબિન હતી અને રાતનો ટાઈમ હતો ! દેવરાજ પણ ખરા છે ને ! આવી બર્થ કેમ પસંદ કરી હશે !!
૧૦ વાગવા આવ્યા હતા અને ટ્રેઈનનો ટાઈમ પણ થઈ ગયો હતો છતાં હજુ દેવરાજે ટિકિટ મોકલી ન હતી. શીતલે દેવરાજને ફોન કર્યો પરંતુ એનો ફોન તો સ્વીચ ઓફ આવતો હતો.
ટ્રેઈનની વ્હિસલ વાગી અને ધીમે ધીમે ગુજરાત મેઈલ મુંબઈની દિશામાં આગળ વધ્યો. હજુ ૧ નંબરની બર્થ ઉપર કોઈ આવ્યું ન હતું છતાં શીતલ એકલી બેઠી બેઠી ગભરાઈ રહી હતી.
ટ્રેઈન સ્ટાર્ટ થઈ એટલે તરત જ દેવરાજ કોચમાં ચડી ગયો અને દરવાજા પાસે જ ઉભો રહ્યો. એણે જાણી જોઈને દસ મિનિટથી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો !
મણીનગર આવવા થયું ત્યાં સુધી એ દરવાજા પાસે જ ઉભો રહ્યો અને પછી એક નંબરના કપલ કૂપેમાં દાખલ થયો.
અચાનક આ રીતે પોતાના જ કૂપે માં દેવરાજને જોઈને શીતલ ચમકી ગઈ. એને તો કલ્પના જ ન હતી કે દેવરાજ આ રીતે પોતાના કૂપેમાં આવશે !!
" હલો ડાર્લિંગ.. કોઈ તકલીફ તો નથી પડી ને ! " દેવરાજ બાજુમાં બેસીને બોલ્યો.
" તમે બહુ બદમાશ છો રાજ ! મને આજે કેટલી બધી ટેન્શનમાં નાખી દીધી. આવું કરાતું હશે ? હજુ પણ મારું દિલ ધડક ધડક થાય છે. " શીતલ મીઠો છણકો કરીને બોલી.
" આવું કરવાનો મોકો જ આજે મળ્યો છે ને ! ક્યારેક ક્યારેક આવા અનુભવમાંથી પણ પસાર થવું પડે મેડમ. રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ ઉપર પણ હું તારી પાછળ જ હતો અને ટ્રેઈન સ્ટાર્ટ થઈ ત્યારથી આ કોચમાં જ છું. તને કંપની આપવા માટે સાંજના ફ્લાઈટમાં જ અમદાવાદ આવ્યો અને ૧ નંબરની બર્થ મારી જ છે. " દેવરાજ હસીને બોલ્યો.
" હમ્...ખરેખર હું મૂંઝાઈ ગઈ હતી રાજ. એક તો તમારો ફોન પણ બંધ આવે. ટીટીઈ આવે તો શું જવાબ આપુ એનું મને ટેન્શન થઈ ગયું હતું. " શીતલ બોલી. હવે એ એકદમ રિલેક્સ થઈ ગઈ હતી.
" ફર્સ્ટ ક્લાસના કોચમાં મોટાભાગે ટીટીઈ ટિકિટ ચેક કરતા જ નથી. કારણ કે અહીં કોઈ સામાન્ય માણસો આવીને બેસી જતા નથી." દેવરાજ બોલ્યો.
અને ખરેખર એમ જ બન્યું. બીજી જ ક્ષણે ટીટીઈ આવ્યો અને બંને જણને જોઈને આગળ નીકળી ગયો.
" જો મેં કહ્યું ને તને ? એ ટિકિટનું પૂછે પણ નહીં. હા કેટલાક ટીટીઈ એવા હોય છે જે ખાલી નામ પૂછીને કન્ફર્મ કરે છે અને આગળ વધે છે." દેવરાજ બોલ્યો.
" તમે મને કંપની આપવા આવ્યા એ મને બહુ જ સારું લાગ્યું. ખરેખર તમે મને મોટું સરપ્રાઈઝ આપ્યું. " શીતલ બોલી.
" આવવું જ પડે ને ! તને એકલીને થોડી આવવા દઉં ? " દેવરાજ બોલ્યો અને એણે ફૂપેનો દરવાજો અંદરથી બંધ કરીને બારીનો પડદો પણ બંધ કર્યો.
" અરે પણ તમે સ્ટોપર કેમ અંદરથી બંધ કરી ? " શીતલ બોલી.
" કારણ કે આ કપલ કુપે છે અને દરવાજો બંધ કરવા માટે જ સ્ટોપર રાખેલી છે." દેવરાજ બોલ્યો અને શીતલની એકદમ નજીક સરક્યો.
" રાજ પ્લીઝ...." શીતલ બોલી.
" આટલી ખૂબસૂરત પત્ની મારી બાજુમાં જ બેઠી હોય અને હું મારી જાતને કેવી રીતે કાબુમાં રાખું ? " દેવરાજ ધીમેથી બોલ્યો.
"રાજ પ્લીઝ... આપણી પાસે ઘણો સમય છે. આજે નહીં." શીતલ બોલી. એનું શરીર ધ્રુજવા લાગ્યું હતું.
" અરે તું મારાથી આટલી બધી ડરે છે કેમ ? હું કંઈ જ કરવાનો નથી. બસ મારે તારા ખોળામાં માથું રાખી સૂઈ જવું છે." દેવરાજ બોલ્યો.
હવે શીતલે જરા પણ આનાકાની ન કરી અને દેવરાજ શીતલના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો. શીતલ માટે આ પહેલો અનુભવ હતો. એનું શરીર એકદમ ગરમ થઈ ગયું હતું. એણે પોતાનો હાથ દેવરાજના માથા ઉપર મૂક્યો અને ધીમે ધીમે વ્હાલથી વાળ ઉપર હાથ ફેરવતી રહી.....!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

