પીજી હાઉસ પ્રકરણ 56
ગુજરાત મેલ મણીનગર છોડ્યા પછી મુંબઈ તરફ ધસમસતો હતો. શીતલના ખોળામાં માથું મૂકીને સૂતેલો દેવરાજ ધ્યાનમાં થીટા લેવલ સુધી પહોંચીને પોતાની સર્વજ્ઞતા સિદ્ધિથી પોતાના શીતલ સાથેના પૂર્વજન્મના સંબંધો જોવા કોશિશ કરી રહ્યો હતો.પીજી હાઉસ નવલકથા
આ એક સરસ મોકો એને મળ્યો હતો. શીતલના ફોટા સામે જોઈને એનો પૂર્વજન્મ જાણવો એના કરતાં પ્રત્યક્ષ એના ખોળામાં સૂઈને જ કોશિશ કરું તો કદાચ સચોટ રીતે એના પૂર્વજન્મને જોઈ શકાય એમ વિચારીને જ એ અત્યારે શીતલના ખોળામાં સૂતો હતો. એના મનમાં અત્યારે કોઈ જ વિકાર ન હતો.
પરંતુ કોણ જાણે કેમ અડધો કલાક વીતી ગયા પછી પણ એ શીતલનો પૂર્વ જન્મ જોઈ શકતો ન હતો ! એણે એના ગુરુજીને પ્રાર્થના કરી તેમ છતાં પણ અત્યારે એને કોઈ જ રિસ્પોન્સ મળતો ન હતો. છેવટે એણે એ પ્રયાસ પડતો મૂક્યો.
શીતલને પણ આરામ કરવો હશે એમ વિચારી એ ધીમે રહીને ઉભો થઈ ગયો અને ખસીને થોડોક દૂર બેઠો.
"કેમ ઉભા થઈ ગયા ?" શીતલ બોલી.
" માથામાં તારો હાથ એટલો સરસ ફરતો હતો કે મને ઊંઘ ચડી ગઈ પરંતુ પછી મને તારી દયા આવી. એટલે ઉભો થઈ ગયો. ૧૧ વાગવા આવ્યા છે હવે તું પણ આરામ કર." દેવરાજ બોલ્યો અને ઉભો થયો.
એણે ઉપરની બર્થ ઉપર રેલ્વે તરફથી મૂકેલી સફેદ ચાદર પાથરી દીધી અને ઉપર ચઢીને સૂઈ ગયો.
શીતલનો પૂર્વજન્મ જોવામાં આજે એને સફળતા ના મળી એનું કારણ જાણવા બે ત્રણ દિવસ પછી ગુરુજીને જ પૂછવાનો એણે નિર્ણય લીધો.
દેવરાજ એની રોજની આદત મુજબ સવારે સાડા ચાર વાગે જ જાગી ગયો અને વોશ રૂમમાં જઈ બ્રશ વગેરે પતાવી લીધું. એ પછી પોતાની બર્થ ઉપર બેસીને એક કલાકમાં ગાયત્રી મંત્રની ૧૧ માળા એણે પૂરી કરી.
એ પછી એ નીચે ઉતર્યો અને એણે શીતલને જગાડી.
" દસ મિનિટમાં મુંબઈ સેન્ટ્રલ આવી જશે. જાગો. " દેવરાજ શીતલના પગ પાસે બેસીને બોલ્યો.
શીતલ તરત જ ઊભી થઈ ગઈ અને વોશરૂમમાં જઈ મ્હોં ધોયું અને વાળ સરખા કર્યા.
શીતલ ફૂપેમાં પાછી આવી ત્યારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ગાડી પ્રવેશી રહી હતી.
" આપણે અત્યારે જ ચા પી લઈએ કારણ કે ફોર સ્ટાર હોટલની ચા આપણને નહીં ભાવે." કોચમાંથી નીચે ઉતર્યા પછી દેવરાજ શીતલને સંબોધીને બોલ્યો.
" પરંતુ મેં તો બ્રશ પણ કર્યું નથી. " શીતલ બોલી.
" કોઈક દિવસ ચલાવી લેવાનું. ઘણા લોકો તો સવારે બ્રશ કર્યા વગર જ પાણી પી લેતા હોય છે. " દેવરાજ હસીને બોલ્યો.
એ પછી બંને જણાં એક સ્ટોલ પાસે ઊભાં રહ્યાં અને પેપર કપમાં ચા પી લીધી.
બહાર નીકળીને દેવરાજે એમ્બેસેડર હોટલ ચર્ચગેટ જવા માટે ટેક્સી કરી લીધી.
સવારે ટ્રાફિક ઓછો હોવાથી ટેક્સી લગભગ અડધી કલાકમાં જ એમ્બેસેડર હોટલ પહોંચી ગઈ.
વીર નરીમાન રોડ ઉપર મરીન ડ્રાઈવ પાસેનું આ ફોર સ્ટાર હોટલનું લોકેશન અદભુત હતું. શીતલ તો આ એરિયા જોઈને જ ખુશ થઈ ગઈ.
દેવરાજ શીતલને લઈને હોટલમાં દાખલ થયો અને રિસેપ્શન ઉપર જઈને પોતાનું નામ આપ્યું. એણે અગાઉથી જ બુકિંગ કરાવેલું હતું. ચોથા માળે એક ડીલક્ષ રૂમ એને આપવામાં આવ્યો હતો.
દેવરાજે પોતાનું આઈકાર્ડ આપ્યું અને રજીસ્ટરમાં વિગતો લખી નાખી. રિસેપ્શનિસ્ટે એને ૪૦૬ નંબરની ચાવી આપી અને વેઇટરને બોલાવી સામાન ૪૦૬ માં લઈ જવાનું કહ્યું.
રૂમનું લોકેશન પણ એકદમ સરસ હતું અને વિન્ડોમાંથી દરિયાને પણ જોઈ શકાતો હતો.
"રાજ થેન્ક્યુ. આટલી સરસ હોટલમાં ઉતારો આપવા બદલ. અહીં આવીને હું એટલી બધી ખુશ છું કે તમને કહી શકતી નથી. આટલો વિશાળ અદભુત રૂમ અને સામે ઘૂઘવતો દરિયો ! " શીતલ બોલી.
" વીઆઈપી માણસો માટે વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી જ પડે ! " દેવરાજ હસીને બોલ્યો.
"હું કોઈ વીઆઈપી નથી રાજ. તમારી પત્ની છું. " શીતલ બોલી.
" દરેક પુરુષ માટે એની પત્ની જ વીઆઈપી હોય છે. વેરી ઇન્ટીમેટ પાર્ટનર ! " દેવરાજ બોલ્યો.
" ક્યા બાત હૈ ! કુછ ભી બના દો. " શીતલ ખડખડાટ હસી પડી.
" અચ્છા સાંભળ. અત્યારે હું નાહી લઉં. એ પછી તું પણ બ્રશ કરી નાહી લે. અહીં સવારે ૮ થી ૧૦ વચ્ચે કોમ્પ્લીમેન્ટરી બ્રેકફાસ્ટ મળે છે. આપણે પાંચમા માળે હોલમાં જઈને બ્રેકફાસ્ટ લઈ લઈએ અને પછી હું ઘરે જાઉં. હું એક વાગ્યા પહેલાં પાછો આવી જઈશ. અહીંથી મારું ઘર બહુ દૂર નથી. " દેવરાજ બોલ્યો અને બેગમાંથી પોતાનાં કપડાં કાઢી ન્હાવા માટે વોશરૂમમાં ગયો.
૮:૩૦ વાગ્યા સુધીમાં બંને એકદમ તૈયાર થઈ ગયાં. શીતલે આજે બ્લૂ જીન્સ અને પિંક કલરનું ટોપ પહેર્યું હતું અને ઠંડીના કારણે ઉપર મરૂન જેકેટ પહેરી લીધું હતું.
કોમ્પ્લીમેન્ટરી બ્રેકફાસ્ટમાં વેજીટેબલ કાઉન્ટર ઉપર ડોસા, ઈડલી, ઉપમા, સેન્ડવીચ, લાઈવ ઢોકળાં, વડાપાઉં અને ચણાના લોટના પુડલા હતા. આ ઉપરાંત યોગર્ટ, મઘ અને ત્રણ ચાર પ્રકારની ચટણીઓ પણ મૂકેલી હતી.
દેવરાજે ડોસા અને સેન્ડવીચ લઈ લીધી તો શીતલે ઢોકળાં અને વડાપાઉં પસંદ કર્યા. એણે દેવરાજની પ્લેટમાંથી અડધી સેન્ડવીચ ચાખી લીધી.
" હવે હું નીકળું છું. એક વાગ્યા સુધીમાં આવી જઈશ. રૂમમાં આરામ કરજે. અહીં કોઈ જાતનું ટેન્શન ના કરીશ. ટાઇમપાસ કરવા માટે ઘરે વાતચીત પણ કરી શકે છે. " દેવરાજ રૂમમાં આવ્યા પછી બોલ્યો.
" એ તો તમે ના કહો તો પણ હું ઘરે વાત કરવાની જ છું. હું વીડિયો કોલ કરીશ અને આ રૂમનો લાઇવ વિડિયો પણ બતાવીશ." શીતલ હસીને બોલી.
" ઓકે બાબા. ચાલો હવે હું નીકળું." અને દેવરાજ રૂમમાંથી બહાર નીકળી ગયો.
દેવરાજ અડધા કલાકમાં જ ઘરે પહોંચી ગયો. આજે શીતલ મુંબઈ આવવાની હતી એટલે મનમોહન શેઠે ઓફિસમાં રજા રાખી હતી અને ઘરે જ રોકાયા હતા.
"આવી ગયા તમે લોકો ? " મનમોહન શેઠે પૂછ્યું.
" હા પપ્પા. સવારે છ વાગે જ ટ્રેઈન મુંબઈ સેન્ટ્રલ આવી ગઈ હતી અને ત્યાંથી અમે ટેક્સી કરીને એમ્બેસેડર હોટલ ગયા. મેં ત્યાં શીતલ માટે રૂમ બુક કરાવેલો હતો." દેવરાજ બોલ્યો.
"સારી હોટલ પસંદ કરી. જૂની હોટલ છે પણ હેરિટેજ ટાઇપની છે. " શેઠ બોલ્યા.
" હા પપ્પા. હવે તમે અને મમ્મી કેટલા વાગે હોટલ ઉપર આવશો ? ૪૦૬ નંબરનો રૂમ છે. હું તો ૧૨:૩૦ વાગે નીકળી જઈશ અને શીતલની સાથે જ જમીશ. એને મારે કંપની આપવી પડશે. એને એકલીને આવી મોંઘી હોટલમાં જમવાનું નહીં ફાવે. " દેવરાજ બોલ્યો.
" હું સમજી શકું છું દેવ. તું તારે નીકળી જજે. હું અને સુમિત્રા ચાર વાગે અહીંથી નીકળીશું. તું તારી ગાડી લઈને જ જજે. " પપ્પા બોલ્યા.
દેવરાજ શીતલને કંપની આપવા માટે એક વાગ્યા પહેલાં જ એમ્બેસેડર હોટલ પહોંચી ગયો.
" હોટલનો રૂમ જોઈને મારા પરિવાર વાળા બધા ખુશ થઈ ગયા રાજ. મેં વિન્ડોમાંથી એમને દરિયાનાં દર્શન પણ કરાવ્યાં. " શીતલ બોલી.
" મારા ઘરે તો તને રોજ દરિયાનાં દર્શન થશે. મારા ફ્લેટની વિન્ડોમાંથી ચોપાટી દેખાય છે. " દેવરાજ બોલ્યો.
" વાઉ ! મને આમ પણ નદી અને દરિયો ખૂબ જ ગમે. હવે બોલો આગળનો શું પ્રોગ્રામ છે ? " શીતલ બોલી.
" સૌથી પહેલાં તો પેટ પૂજા. એ પછી થોડો આરામ. સાડા ચાર વાગ્યા આસપાસ મમ્મી પપ્પા એમનું ઝવેરાત બતાવવા માટે આવી જશે. એમાંથી તને જે પણ પસંદ આવે તે બાજુમાં મુકાવી દેજે એટલે એને પોલીશ કરવા માટે આપી દઈશું. પછી જે દાગીના બાકી રહે એ આપણે કાલે શોપિંગ કરવા માટે જઈશું. " દેવરાજ બોલ્યો.
" ઠીક છે તો પછી આપણે જમી લઈએ. " શીતલ બોલી.
" જો તારી ઈચ્છા ગુજરાતી થાળી જમવાની હોય તો સરસ થાળી અહીં બાજુમાં જ સમ્રાટ હોટલ છે ત્યાં મળી જશે. આ ફાઇવ સ્ટાર હોટલ છે. અહીં વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય એટલે પ્યોર ગુજરાતી થાળી તો નહીં મળે પરંતુ પંજાબી ડીશ તો ચોક્કસ જમી શકીશ. અહીં પંજાબી, ચાઈનીઝ, થાઈ, ઇટાલિયન વગેરે ઇન્ટરકોંટિનેન્ટલ ફૂડ મળે. નોનવેજ પણ મળે અને સાથે ઈચ્છા હોય તો વાઇન પણ મળે " દેવરાજ હસીને બોલ્યો.
" ના રે બાબા ના. આપણે તો પ્યોર વેજિટેરિયન ફૂડ જિંદાબાદ. " શીતલ બોલી.
એ પછી દેવરાજ અને શીતલ હોટલની રેસ્ટોરન્ટમાં ગયા. બંનેએ પંજાબી ડીશ જમી લીધી અને ફરી પાછાં પોતાની રૂમ ઉપર આવી ગયાં.
હજુ બપોરના બે વાગ્યા હતા અને મમ્મી પપ્પા સાડા ચાર વાગે આવવાના હતા એટલે દેવરાજે આરામ કરવાનું પસંદ કર્યું.
મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણી સાડા ચાર આસપાસ એમ્બેસેડર હોટલ પહોંચી ગયાં.
ડોરબેલ વાગ્યો એટલે શીતલે માથે દુપટ્ટો ઓઢીને દરવાજો ખોલ્યો અને એણે મમ્મી પપ્પાના ચરણસ્પર્શ કર્યા.
" સુખી રહો બેટા. આમ તો તને ઘરે બોલાવવાની ઈચ્છા હતી. પરંતુ જે સામાજિક માન્યતા હોય એ પ્રમાણે અમારે પણ ચાલવું પડે. અમારા માટે તો તારાં પગલાં કાયમ માટે લક્ષ્મી પગલાં જ હોય ! " મનમોહન શેઠ બોલ્યા.
શેઠ અને શેઠાણી સોફા ઉપર બેઠાં. દેવરાજ બરાબર એમની સામે બેડ ઉપર જ બેઠો. બીજી સાઈડ ઉપર શીતલ બેઠી.
" પપ્પા ચા મંગાવું છું. તમે લોકો આવવાનાં હતાં એટલે અમે લોકોએ પણ ચા પીધી નથી. " દેવરાજ બોલ્યો અને એણે ઇન્ટરકોમમાં રૂમ સર્વિસનો નંબર દબાવી ચા નો ઓર્ડર આપ્યો.
" દેવ બેટા રૂમનો દરવાજો જરા અંદરથી બંધ કરી દે." ચા પીવાઈ ગયા પછી સુમિત્રાબેને દેવરાજની સામે જોઈને કહ્યું.
દેવરાજે રૂમને અંદરથી લોક કરી દીધો.
એ પછી મનમોહન શેઠે પોતાની સાથે લાવેલી લગભગ ચારથી પાંચ કિલો વજનની બેગ ટેબલ ઉપર ખોલી નાખી.
" જો બેટા આમાંથી તને જે પણ દાગીના ગમે એ તું પસંદ કરી લે. આમ તો મારા ગયા પછી આ બધું જ ઝવેરાત તારું જ છે છતાં અત્યારે તારા લગ્ન પ્રસંગે તારે જે પણ પહેરવાની ઈચ્છા હોય એ બધું અમે પોલીશ કરાવી દઈએ. " સુમિત્રાબેન શીતલની સામે જોઈને બોલ્યાં.
શીતલ તો ટેબલ ઉપર પાથરેલા દાગીના જોઈને અવાક થઈ ગઈ હતી. આટલું બધું ઝવેરાત. એક એક દાગીનો વજનદાર હતો !
પાંચ છ પ્રકારની અલગ અલગ ડિઝાઇનની સોનાની બંગડીઓ, આઠ નેકલેસ, બાજુબંધ, સોનાની ચેઈનો, અસલી મોતીના ત્રણ સેટ, ડાયમંડ જડેલાં ઇયરિંગ્સ, નાકની નથણીઓ, બે ત્રણ પ્રકારની ચુની, બે ત્રણ વાળી, ત્રણ બ્રેસલેટ, અલગ અલગ ડિઝાઇનના પાટલા, પગમાં પહેરવા માટે સોનાનાં ઝાંઝરા, હાથમાં પહેરવાના પોંચા, માથાના ટીકા, ચાંદીનાં કડાં અને ચાંદીનાં સાંકળાં ! એ બધાની વચ્ચે હીરા પન્ના અને માણેકથી જડેલો વજનદાર નવલખો હાર !!
શું પસંદ કરવું અને શું પસંદ ના કરવું ? દરેક દાગીનો એક એક થી ચડિયાતો હતો !
" રાજ તમે જ પસંદ કરો. મને તો ખબર જ નથી પડતી કે મારે આમાંથી શું પસંદ કરવું ? " શીતલ બોલી.
"આરામથી દરેક વસ્તુ હાથમાં લઈને બરાબર જોઈ લે બેટા. મૂંઝાવાની જરૂર નથી. તને જે પણ પસંદ આવે એ તું બાજુમાં મૂકતી જા. આપણે કોઈ જ ઉતાવળ નથી. " સુમિત્રાબેન બોલ્યાં.
અને લગભગ અડધા કલાક સુધી એક એક દાગીનો હાથમાં લઈને જોયા પછી અને દેવરાજને પણ બતાવ્યા પછી શીતલે કેટલાક દાગીના પસંદ કરીને બાજુમાં મૂક્યા.
જેમાં બે અલગ અલગ ડિઝાઇનની બંગડી, એક ડાયમંડનો આખો સેટ, બે નકશી કામ કરેલા પાટલા, બે નેકલેસ, એક મોતીનો સેટ, નવલખો હાર, એક બ્રેસલેટ, બે સોનાની ચેઈન, બે વીંટીઓ તથા ત્રણ ઇયરિંગ્સ પસંદ કર્યાં.
" તારી પસંદગી બિલકુલ મારા જેવી જ છે. તેં જે પણ પસંદ કર્યા છે એ બધા દાગીના મારા લગ્ન વખતે મેં પસંદ કરેલા છે." સુમિત્રાબેન હસીને બોલ્યાં.
" જી મમ્મીજી. " શીતલ બોલી.
"બસ આ બધા દાગીના હું પોલીશ કરવા માટે આપી દઈશ અને આ સિવાય તારે જે પણ ખરીદી કરવી હોય એ આવતી કાલે તું કરી લેજે. જરા પણ મૂંઝાતી નહીં. ગમે એટલું ખરીદ કરીશ, સોનાના ભાવ તો દિવસે દિવસે વધવાના જ છે." મમ્મી સુમિત્રાબેન બોલ્યાં.
એ પછી શીતલે પસંદ કરેલા બધા જ દાગીના સાથે લાવેલી એક થેલીમાં અલગ મૂકીને સુમિત્રાબેને ફરી પાછા બેગમાં ગોઠવી દીધા.
" ચાલો અમારું કામ પૂરું થયું. હવે અમે રજા લઈએ. તને કંપની આપવા માટે દેવરાજ અહીં જ રોકાશે. હવે જલ્દી જલ્દી તમારાં લગન થઈ જાય અને તું અમારા ઘરે રહેવા આવી જાય એટલે મારી બધી જવાબદારી પૂરી. પછી હું ભલી અને મારો લાલો ભલો !" સુમિત્રાબેન બોલ્યાં અને ઉભાં થયાં.
દેવરાજ છેક નીચે સુધી મમ્મી પપ્પાને મૂકી આવ્યો.
" ચાલો એક મહત્વનું કામ પૂરું થઈ ગયું. પોલીશ કર્યા પછી એ બધા જ દાગીના નવા જેવા થઈ જશે. હવે કાલે આપણે નવી જ્વેલરી જોવા જઈશું. અહીં ટીબીઝેડ નો શોરૂમ પણ બાજુમાં છે અને ઝોયા પણ બાજુમાં જ છે. " રૂમમાં પાછા આવ્યા પછી દેવરાજ બોલ્યો.
"આપણે પહેલાં ઝોયામાં જઈએ. ત્યાં જો પસંદ આવી જાય તો ત્યાંથી જ લઈ લઈએ. નહીં તો પછી ટીબીઝેડ તો છે જ. " શીતલ બોલી.
" ઠીક છે. આપણે કાલે ઝોયામાં જઈશું. હવે અત્યારે આપણે મરીન ડ્રાઈવ ઉપર દરિયા કિનારે એક લટાર મારી આવીએ અને આજે સાંજનો પ્રોગ્રામ સમ્રાટ રેસ્ટોરન્ટનો બનાવીએ. ત્યાં ગુજરાતી ફૂડ બહુ સારું મળે છે." દેવરાજ બોલ્યો.
એ પછી શીતલ કપડાં બદલીને તૈયાર થઈ ગઈ અને લગભગ છ વાગે બંને જણાં મરીન ડ્રાઇવ ફરવા માટે નીચે ઉતર્યાં.
શિયાળો હતો એટલે સંધ્યા આથમી ગઈ હતી પરંતુ અહીં માનવ ભીડ ઘણી હતી. નયનરમ્ય નજારો હતો. શીતલ તો મરીન ડ્રાઈવનો આ નજારો જોઈને પાગલ જેવી થઈ ગઈ. એક બાજુ ગોળાકાર દરિયો અને બીજી બાજુ એકસરખાં મકાનોની હારમાળા !
બંનેએ દરિયાના કિનારે ઉભી કરેલી પાળી પાસે ચાલવાનું શરૂ કર્યું. એકાદ કિલોમીટર જેટલું અંતર કાપ્યા પછી બંને પાછાં ફર્યાં અને શાંતિથી એક જગ્યાએ પાળી ઉપર બેઠાં.
" પેલા ફેરીયા પાસેથી ચણા જોર ગરમ લઈ લઉં ? " શીતલ બોલી.
" એના માટે મારી આજ્ઞા થોડી લેવાની હોય ? " દેવરાજ બોલ્યો અને પોતે જ ઉભો થઈને ફેરિયા પાસે જઈને ચણા જોર ગરમ એક પડીકામાં લઈ આવ્યો.
" આ બધી નાની નાની ખુશીઓ છે શીતલ. આ ઉંમરે જ આવી બધી ખુશીઓ માણવાની હોય છે. અમુક ઉંમર થયા પછી આવા અવસર ફરી ફરી મળતા નથી. " દેવરાજ બોલ્યો.
" એક વાત પૂછું રાજ ? " શીતલ બોલી.
" એક નહીં બે પૂછી શકે છે." દેવરાજ હસીને બોલ્યો.
" તમે કાયમ માટે મને આટલો જ પ્રેમ કરશો ને ? સાંભળ્યું છે કે મુંબઈની દુનિયા બહુ રંગીલી છે. તમારી પાસે અઢળક પૈસો છે. તમે પોતે આટલા હેન્ડસમ છો. ભવિષ્યમાં તમારા જીવનમાં બીજું કોઈ આવશે તો મારાથી સહન નહીં થાય ! " શીતલ ગંભીર થઈને બોલી.
" આવો બધો ડર રાખવાની તારે કોઈ જ જરૂર નથી શીતલ. હું આધ્યાત્મિક માર્ગે વળેલો છું. પ્રમાણિકતા અને વફાદારી આ બે સદગુણ તો મારામાં છે જ. હું રૂપની પાછળ પાગલ નથી. તેં તે દિવસે ક્લિનિકમાં મને ટોણો માર્યો હતો કે રૂપાળી છોકરી જોઈ કે તરત ચાલુ થઈ ગયા ! પરંતુ એ વખતે મારી ભાવના શાલિનીને મદદ કરવાની જ હતી ! " દેવરાજ બોલ્યો.
" તમે વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા રાજ ! હજુ પણ મારા એ શબ્દો તમે ભૂલ્યા નથી ? હું તમને સારી રીતે ઓળખું છું અને મને તમારામાં વિશ્વાસ છે જ. પણ મન અવળચંડુ છે એટલે ક્યારેક આવો ડર લાગે." શીતલ બોલી.
" તારે એ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી શીતલ." દેવરાજ બોલ્યો અને એણે શીતલના ખભા પકડીને એને પોતાની નજીક ખેંચી.
શીતલ દેવરાજના પ્રેમનો અનુભવ કરી રહી હતી. એ થોડી ઉત્તેજિત પણ થઈ ગઈ હતી ! બસ આ હળવું આલિંગન લંબાતું જાય તો કેવું સારું ! પરંતુ જાહેર સ્થળ ઉપર એ શક્ય ન હતું . જો કે આવાં દ્રશ્યો મરીન ડ્રાઈવ ઉપર બહુ સામાન્ય હતાં !!
ઠંડીનો ચમકારો હતો છતાં પણ દેવરાજ અને શીતલ હાથમાં હાથ પરોવીને રાત્રિના આઠ વાગ્યા સુધી મરીન ડ્રાઈવની પાળી ઉપર બેસી રહ્યાં. આ પાળી વર્ષોથી હજારો યુગલોની પ્રણય ચેષ્ટાની સાક્ષી બની હતી !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

