પીજી હાઉસ (PG House Novel Part-57)

Related

પીજી હાઉસ પ્રકરણ 57

"વર્ષોથી જમવા માટે આ સમ્રાટ રેસ્ટોરન્ટ પ્રખ્યાત છે. મને તો મુંબઈનો હજુ એટલો બધો પરિચય નથી પરંતુ વીસેક વર્ષ પહેલાં મારાં મમ્મી પપ્પા હયાત હતાં ત્યારે એમની સાથે એકવાર અહીં જમવા માટે આવ્યો હતો ત્યારે પપ્પાએ મને કહેલું કે અહીં ઘણા ફિલ્મી કલાકારો પણ જમવા આવતા હોય છે." સમ્રાટ રેસ્ટોરન્ટમાં જમતી વખતે દેવરાજ શીતલને કહી રહ્યો હતો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

" હા અને જમવાનું પણ ખરેખર બહુ સ્વાદિષ્ટ છે. કારેલાંના શાકનો ટેસ્ટ પણ એકદમ સ્વીટ છે. જરા પણ કડવાશ નથી અને આ હાફૂસ કેરીનો રસ પણ એકદમ ઓરીજનલ છે. !!" શીતલ બોલી.

" મુંબઈની આ ખાસિયત છે. ભલે એ લોકો પૈસા વધારે લે પણ ક્વોલિટી માં કોમ્પ્રોમાઇઝ કરતા નથી. " દેવરાજ બોલ્યો.

" અહીં નજીકમાં ચર્ચગેટ સ્ટેશન છે અને ત્યાંથી તમામ લોકલ ટ્રેઈનો ઉપડે છે. આ આખી વેસ્ટર્ન લાઈન છે. આ જ લાઈનમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન આવે છે. મોટાભાગના ગુજરાતીઓ બધા આ વેસ્ટર્ન લાઈનમાં જ વસેલા છે. સાન્તાક્રુઝ સ્ટેશનથી શરૂ કરીને છેક ભાઈંદર સુધી ગુજરાતીઓ છવાયેલા છે. " દેવરાજ શીતલને બધું સમજાવી રહ્યો હતો.

જમ્યા પછી દેવરાજ શીતલને લઈને હોટલ ઉપર પાછો આવ્યો ત્યારે રાત્રિના ૯:૩૦ વાગી ગયા હતા.

દેવરાજે વોશરૂમમાં જઈને નાઈટ ડ્રેસ પહેરી લીધો. હોટેલનો વોશરૂમ પણ ઘણો વિશાળ હતો.

દેવરાજ બહાર નીકળ્યો પછી શીતલે પણ અંદર જઈને ગાઉન પહેરી લીધો.

" ગાઉનમાં તો તું ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે. " દેવરાજ હસીને બોલ્યો.

" નજર ના બગાડો સાહેબ. લગનને હજુ ત્રણ મહિનાની વાર છે." શીતલ બોલી.

" પણ ડબલ બેડમાં તો એક જ મોટી રજાઈ આપેલી છે. શું કરીશું ? " દેવરાજ બોલ્યો.

" ભલે એક જ રજાઈ હોય. ઓઢીને પડખું ફરીને ચૂપચાપ શાંતિથી સૂઈ જાઓ. " શીતલ હસીને બોલી.

બંનેએ રજાઈ શરીર ઉપર ખેંચી લીધી. ઠંડી ઘણી હતી એટલે રજાઈ ઓઢ્યા પછી એકબીજાની હૂંફ પણ મળી. દૂર દૂર સૂતાં હતાં પરંતુ રાત્રે બંને ક્યારે એકબીજાની નજીક આવી ગયાં એનું કોઈને પણ ભાન ન હતું.

આદત મુજબ સવારે સાડા ચાર વાગે દેવરાજની આંખ ખુલી ગઈ ત્યારે એણે જોયું કે શીતલ બિલકુલ એની બાજુમાં જ સૂતી હતી અને એનો એક પગ દેવરાજના પગ ઉપર હતો !!

દેવરાજે ધીમે રહીને એનો પગ ખસેડી લીધો અને પછી ઊભો થયો. એણે વોશરૂમમાં જઈને બ્રશ કરી લીધું. એ પછી હાથ પગ ધોઈને બેડ ઉપર આવી ગાયત્રી મંત્રની માળા કરવા લાગી ગયો. ૧૧ માળા પૂરી કરી ત્યારે હજુ પોણા છ વાગ્યા હતા.

વહેલા ઊઠવાની કોઈ જ ઉતાવળ ન હતી એટલે દેવરાજની ઈચ્છા ધ્યાનમાં બેસવાની હતી. શીતલ બાજુમાં જ સૂતી હતી એટલે આજે ફરી શીતલના અને એની વચ્ચેના પૂર્વ જન્મના સંબંધો જાણવાની એની ઈચ્છા થઈ.

દેવરાજે પોતાના ગુરુજીનું સ્મરણ કર્યું અને ધીમે ધીમે ધ્યાનમાં ઊંડો ઉતરતો ગયો. વારંવાર શીતલ ઉપર એણે માનસિક રીતે ફોકસ કર્યું અને પોતાની સર્વજ્ઞતા સિદ્ધિ દ્વારા શીતલના પૂર્વ જન્મ વિશે જાણવાની કોશિશ કરી.

એના આશ્ચર્ય વચ્ચે આજે પણ એને શીતલના પૂર્વ જન્મ વિશે કોઈ જ અણસાર ના મળ્યો. દેવરાજે પોતાના ગુરુજીને યાદ કર્યા અને ધ્યાનમાં એમનો સંપર્ક કરવાની કોશિશ કરી.

દસેક મિનિટની કોશિશ પછી એના માનસ પટલ ઉપર એના ગુરુજી નિખિલ મહારાજનો ચહેરો એને દેખાયો.

" ગુરુજી મારાં લગ્ન શીતલ સાથે થવાનાં છે તો મારા અને શીતલ વચ્ચે પૂર્વ જન્મમાં કોઈક તો સંબંધ હશે જ. ઋણાનુબંધ સિવાય તો આ જગતમાં કોઈ બે વ્યક્તિઓ ભેગી થતી જ નથી તો પછી મને શીતલ વિશે કેમ કંઈ જાણવા મળતું નથી ? મેં ગઈકાલે રાત્રે ટ્રેઈનમાં પણ કોશિશ કરી હતી છતાં પણ મારા પાછલા જન્મોમાં એનો મારી સાથે શું સંબંધ હતો એ હું જોઈ શકતો નથી. આવું કેમ થતું હશે ? " દેવરાજ બોલ્યો. આ બધો સંવાદ મનોમય જગતમાં થઈ રહ્યો હતો.

" તને શીતલના પાછલા જન્મ વિશે કોઈ માહિતી ન મળતી હોય તો એની પાછળ પણ કુદરતનો કોઈ સંકેત હશે. તને સર્વજ્ઞતા સિદ્ધિ મળી છે એટલે તું શીતલના પૂર્વ જન્મ વિશે ચોક્કસ જાણી શકે છે છતાં પણ તું જો એ જોઈ શકતો ન હોય તો ઈશ્વરની ઈચ્છા નથી એવું સમજવાનું." ગુરુજી બોલી રહ્યા હતા.

" કોઈપણ સિદ્ધિ ઈશ્વરનું જ વરદાન હોય છે અને ઈશ્વર પોતે જો ના ઈચ્છે તો એ સિદ્ધિ કોઈ વાર કામ નથી પણ કરતી ! જેમ કે કોઈને સંજીવની વિદ્યા મળી હોય તો તે વ્યક્તિ કોઈને પણ સજીવન કરી શકે છે પરંતુ જે વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય એને જીવતો ન કરી શકાય. દરેક સિદ્ધિની એક મર્યાદા હોય છે. શીતલ તારા જીવનમાં આવી છે પરંતુ એના અને તારા પાછલા જન્મના સંબંધો બતાવવાની નિયતિની ઈચ્છા નથી. " ગુરુજી બોલ્યા.

" પણ તો પછી એવી સર્વજ્ઞતા સિદ્ધિ શું કામની ગુરુજી ? " દેવરાજ બોલ્યો.

" કોઈપણ સિદ્ધિ નકામી નથી હોતી. તારા જીવનમાં એનો ઉપયોગ થવાનો જ છે. તું દેવકી વિશે પણ જાણી શક્યો છે માટે સિદ્ધિ નકામી છે એવું તું ના વિચાર. મને થોડો સમય આપ. હું શીતલ વિશે જાણવા માટે પ્રયત્ન કરીશ અને જો તને કહેવાય એવું હશે તો ચોક્કસ કહીશ. " કહીને ગુરુજી અદ્રશ્ય થઈ ગયા.

એ પછી દેવરાજ ધીમે ધીમે ધ્યાનમાં થી બહાર આવ્યો. સવારના સાત વાગી ગયા હતા.

હવે શીતલને જગાડવી જોઈએ. એણે શીતલના ગાલ ઉપર વહાલથી પોતાનો હાથ ફેરવ્યો. હવે શીતલ પોતાની ભાવિ અર્ધાંગિની હતી.

ઈશ્વરે જ એના જીવનમાં આ માયા મોકલી હતી. આ માયા ઉપર એનો અધિકાર હતો અને આ માયા સાથે જ એણે રમવાનું હતું. માયાનો અનુભવ કર્યા વગર મુક્તિ પણ નથી મળતી. ઋષિમુનિઓએ પણ સંસારનો અનુભવ કર્યો હતો અને પછી જ વાસના મુક્ત થયા હતા.

બે ત્રણ વાર ગાલ ઉપર આંગળીઓ ફેરવ્યા પછી શીતલ જાગી ગઈ અને એણે આંખો ખોલી. પોતાની સાવ નજીક જ એણે દેવરાજને જોયો.

" અરે તમે આટલા વહેલા ઉઠી ગયા ?" શીતલ બોલી અને એ ધીમે રહીને બેઠી થઈ.

" ડાર્લિંગ સવારના સાત વાગી ગયા છે. હું તો સાડા ચાર વાગ્યાનો ઉભો થઈ ગયો છું. બ્રશ કરી લે એટલે હું ચા મંગાવી દઉં. " દેવરાજ બોલ્યો.

શીતલે પોતાની બેગમાંથી બ્રશ અને ટૂથપેસ્ટ બહાર કાઢી અને વોશરૂમમાં ગઈ. બ્રશ વગેરે પતાવી ફ્રેશ થઈ એ ૨૦ મિનિટમાં બહાર આવી.

" નાસ્તો કરવાની ઈચ્છા હોય તો ચા સાથે મંગાવું. નહીં તો આઠ વાગ્યા પછી કોમ્પ્લીમેન્ટરી બ્રેકફાસ્ટ તો મળે જ છે. ગઈકાલની જેમ આપણે ઉપર જઈને નાસ્તો કરી આવીએ. " દેવરાજ બોલ્યો.

" હા એ જ ઠીક રહેશે. અત્યારે ખાલી ચા મંગાવી દો. " શીતલ બોલી.

ચા પી લીધા પછી દેવરાજે નાહી લીધું અને એ બહાર નીકળ્યો એટલે શીતલે પણ ગરમ પાણીના શાવરમાં સ્નાન કરવાનો આસ્વાદ લીધો. બાથરૂમમાં જ એણે જીન્સ અને ચેક્સનું શર્ટ પહેરી લીધું અને બહાર આવીને જેકેટ પહેર્યું. શેમ્પુ કર્યા હોવાથી એણે આજે પણ લાંબા વાળને ખુલ્લા જ રાખ્યા. શર્ટમાં અત્યારે એ બહુ જ આકર્ષક દેખાતી હતી !

" નજર લાગી જાય એટલી સુંદર દેખાય છે તું ! " દેવરાજ હસીને બોલ્યો.

" તમે પણ ઓછા હેન્ડસમ નથી સાહેબ ! તમારા ગોરા શરીર ઉપર આ બ્લેક શર્ટ બહુ સરસ લાગે છે. " શીતલે પણ હસીને એવો જ જવાબ આપ્યો.

સાડા આઠ વાગે એ લોકો ઉપર હોલમાં બ્રેકફાસ્ટ માટે ગયાં અને બંનેએ પોતપોતાની મનપસંદ આઈટમ લઈ લીધી. બંનેને કોબિજનાં મુઠીયાં બહુ જ સ્વાદિષ્ટ લાગ્યાં.

"ફ્લાઈટનો અનુભવ કરવો હોય તો સાંજની ટિકિટ બુક કરાવી દઉં. " રૂમમાં ગયા પછી દેવરાજ બોલ્યો.

" ના મારે તો કર્ણાવતી એક્સપ્રેસ બરાબર છે. રાત્રે ૯:૩૦ વાગે તો ઘરે પણ પહોંચી જઈશ. " શીતલ બોલી.

"આપણે હજી જમવાનું બાકી છે. ઝોયામાં જ્વેલરી ખરીદવાની બાકી છે. કર્ણાવતીમાં કઈ રીતે જઈ શકાશે શીતલ ? દોઢ વાગે તો ટ્રેઈન ઉપડી જાય છે. તારે આજે રાતની ટિકિટ લેવાની જરૂર હતી. " દેવરાજ બોલ્યો.

" જુઓ મને તો હવે ભૂખ નથી. અને કર્ણાવતીમાં જમવાનું પણ મળે છે અને વેન્ડરો પાસેથી નાસ્તા પણ મળે છે. રસ્તામાં ખાઈ લઈશ. અને ના મળતું હોય તો પણ હું ભૂખી રહી શકું છું. અમને છોકરીઓને ખાવાના જેટલા ચટાકા હોય એટલી ઉપવાસ કરવાની ટેવ પણ હોય ! " શીતલ હસીને બોલી.

" જો અત્યારે દસ વાગ્યા છે. એક કલાક પછી શોરૂમ ખુલી જશે. ઝોયા બાજુમાં જ છે. આપણે ઓપનિંગમાં જ પહોંચી જઈએ." દેવરાજ બોલ્યો.

અને ૧૧ વાગે શોરૂમ ખુલે બરાબર એ જ સમયે દેવરાજ અને શીતલ શોરૂમ પહોંચી ગયાં. આટલા વહેલા ગ્રાહકને જોઈને શોરૂમની સેલ્સ ગર્લ્સ સ્ટાફે બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

" વેડિંગ માટે જ્વેલરી ખરીદવાની છે. લેટેસ્ટ તમામ ડિઝાઇનો મેડમને બતાવી દો." દેવરાજે કાઉન્ટર ઉપર બેસીને કહ્યું. શીતલ પણ દેવરાજની બાજુમાં જ બેઠી.

" સર કઈ કઈ આઈટમ જોવી છે ?" સેલ્સ ગર્લ બોલી.

" રીયલ ડાયમંડ નેકલેસ, નકશી કામ કરેલા નેકલેસ, પાટલા, બ્રેસલેટ, હાથમાં પહેરવાના પોંચા, બેંગાલ્સ, ચેઈન, ઇયરિંગ્સ, પગની સોનાની પાયલ, ચાંદીના સાંકળા બધું જ. " દેવરાજ બોલ્યો.

અને સેલ્સ ગર્લ એક પછી એક તમામ જ્વેલરી બતાવતી ગઈ અને શીતલ પસંદ કરતી ગઈ. શીતલ ના ના કરતી રહી છતાં પણ અમુક જ્વેલરી દેવરાજે આગ્રહ કરી કરીને બાજુમાં મૂકાવી.

છેવટે એક કલાક પછી તમામ ખરીદી પૂરી થઈ. ૬૮ લાખ જેટલું બિલ થયું. દેવરાજે ચેક લખીને આપ્યો અને પોતાનું ઘરના એડ્રેસ વાળું કાર્ડ પણ આપ્યું.

સેલ્સ ગર્લ ચેક અને કાર્ડ લઈને મેનેજર પાસે ગઈ. મેનેજર ઉભો થઈને દેવરાજ પાસે આવ્યો.

" ચેક ક્લિયર થાય એટલે આ એડ્રેસ ઉપર આ તમામ દાગીનાની ડિલિવરી કરાવી દેજો." દેવરાજ મેનેજર સામે જોઈને બોલ્યો.

" જી સર. આજે સવારમાં જ તમે અમારા શોરૂમ ની શોભા વધારી. વી આર વેરી હેપ્પી ટુ સી યુ. હવે તમે શું લેશો ? કંઇક તો લેવું જ પડશે. " શોરૂમનો મેનેજર દેવરાજની પાસે આવીને બોલ્યો.

" થેંકસ પણ ફોર્માલિટીની કોઈ જરૂર નથી. અમે હવે નીકળીએ. " દેવરાજ બોલ્યો અને ઉભો થયો.

" પ્લીઝ સર માત્ર બે મિનિટ બેસો. અમે આઇસ્ક્રીમ તૈયાર જ રાખીએ છીએ. અમને પ્લીઝ એટલો મોકો આપો. " મેનેજર બોલ્યો અને એણે એના માણસને આઈસ્ક્રીમના બે બાઉલ લઈ આવવાનું કહ્યું.

આઇસ્ક્રીમ ખાઈને દેવરાજ અને શીતલ શોરૂમ ની બહાર નીકળ્યાં અને ચાલતાં ચાલતાં હોટલ પહોંચી ગયાં.

" કર્ણાવતી મુંબઈ સેન્ટ્રલથી ૧:૪૦ કલાકે ઉપડે છે એટલે આપણે દોઢ વાગ્યા પહેલાં મુંબઈ સેન્ટ્રલ પહોંચી જવું પડે. " દેવરાજ બોલ્યો.

અને ૧૨:૪૫ વાગે દેવરાજે હોટલ ચેક આઉટ કરી લીધી અને પોતાની ગાડીમાં શીતલને લઈને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સવા વાગે પહોંચી ગયો.

" તમારે મારા માટે આટલી બધી જ્વેલરી ખરીદવાની શું જરૂર હતી ? ૬૮ લાખ ! બાપ રે !! મને તો રકમ જોઈને જ શો રૂમમાં ચક્કર આવી ગયા. અને આ બધું પહેરીને હું ક્યાં ફરવાની છું ? લગ્નના ચાર દિવસ તો ચાર દિન કી ચાંદની જેવા હોય છે !" પ્લેટફોર્મ ઉપર એક બાંકડા ઉપર બેસીને શીતલ બોલી.

" મમ્મીએ શું કહ્યું હતું ખબર છે ને ? સોનાના ભાવ હંમેશાં વધતા જ જાય છે. આ ૬૮ લાખ જોતજોતામાં એક કરોડ થઈ જશે. અને તું તો અમારા ઘરની ગૃહલક્ષ્મી છે શીતલ ! " દેવરાજ હસીને બોલ્યો.

" તમારો આટલો બધો પ્રેમ જોઈને મને રડવું આવે છે. તમારી સાથેના આ બે દિવસ મને સ્વર્ગ જેવો અનુભવ કરાવી ગયા. તમે મારી જિંદગીમાં આવ્યા અને મારી આખી લાઇફ બદલાઈ ગઈ. મારા તે દિવસના વર્તનથી મારા માટે મનમાં કંઈ પણ કડવાશ હોય તો પ્લીઝ દૂર કરી દેજો. મારો સ્વભાવ એવો તોછડો કે અભિમાની નથી. " શીતલ બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

" અરે શીતલ આટલી બધી ઇમોશનલ ના થઈ જા. મારા મનમાં ત્યારે પણ કડવાશ ન હતી અને આજે પણ નથી. હું તો વ્યક્તિને આરપાર જોઈ શકું છું." દેવરાજ બોલ્યો.

" હું દિલથી તમને પ્રેમ કરું છું રાજ. આખો દિવસ હું તમને જ યાદ કરતી હોઉં છું. લગન પહેલાં જ હું તો વરઘેલી બની ગઈ છું." શીતલ બોલી.

એ પછી ટ્રેઈન પ્લેટફોર્મ ઉપર આવી રહી હતી એટલે બંને થોડાં આગળ ચાલ્યાં. ટ્રેઈન ઉભી રહી એટલે શીતલ દેવરાજને હગ કરીને પોતાના એસી કોચમાં ચડી ગઈ. વિન્ડો પાસે જ એની ટિકિટ હતી છતાં બંધ કાચ હોવાથી બંને વચ્ચે વાતચીત શક્ય ન હતી. તેમ છતાં દેવરાજ દસ મિનિટ સુધી ત્યાં ઉભો રહ્યો અને ટ્રેઈન સ્ટાર્ટ થઈ પછી જ ત્યાંથી ગેટ તરફ ચાલ્યો.

દોઢ દિવસના સહવાસમાં દેવરાજને શીતલ પ્રત્યે આકર્ષણ પેદા થયું હતું. સ્ટેશનમાંથી બહાર નીકળ્યા પછી એ પણ થોડો ઉદાસ થઈ ગયો. વિયોગની ચિનગારી બંને હૃદયમાં પ્રગટી હતી !!

દેવરાજથી છૂટા પડ્યા પછી શીતલ પણ ઉદાસ થઈ ગઈ હતી. હોટલના એક જ રૂમમાં રાત્રે સાથે રહેવા છતાં પણ દેવરાજે એની સાથે જે સંયમ ભર્યું વર્તન કર્યું હતું એનાથી શીતલ ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી અને દેવરાજ પ્રત્યે એનું માન વધી ગયું હતું. દેવરાજ પોતાની નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખતા હતા.

દેવરાજનાં મમ્મી અને પપ્પા પણ એને ખૂબ જ પ્રેમાળ લાગ્યાં. મમ્મીના આપેલા દાગીના અને દેવરાજે ખરીદેલા સોનાના દાગીનાનું કુલ વજન લગભગ અઢી થી ત્રણ કિલો જેટલું થતું હતું. આટલા બધા વજનનું સોનુ પોતાને મળ્યું હતું એ એની કલ્પના બહારનું હતું. મુંબઈની આ સફર એના માટે યાદગાર બની ગઈ હતી !

કર્ણાવતી એક્સપ્રેસ બોરીવલી છોડીને અમદાવાદ તરફ આગળ વધી રહી હતી. હવે ભૂખનો પણ અનુભવ થતો હતો એટલે એણે પેન્ટ્રી કારના ઓર્ડરલીને જમવાનો ઓર્ડર નોંધાવ્યો.

વાપી આવ્યું ત્યાં સુધીમાં જમવાનું એને મળી ગયું. જમવામાં બે પરોઠા, બટેટા વટાણાનું શાક, દાળ ભાત અને દહીં હતાં. જમવાનું ઠીક ઠીક હતું. મનોમન એનાથી સમ્રાટ રેસ્ટોરન્ટના ભોજનની સરખામણી થઈ ગઈ !

રાત્રે સવા નવ વાગે કર્ણાવતી ટ્રેઈન અમદાવાદ સ્ટેશને પહોંચી ગઈ. શીતલને લેવા માટે શાલિની એકટીવા લઈને આવી હતી અને એ બહાર નીકળવાના ગેટ ઉપર જ ઊભી હતી.

" વેલકમ ટુ અમદાવાદ દીદી. કેવી રહી તમારી યાત્રા ? " શાલિનીએ પહેલો સવાલ કર્યો.

" બધું જ ઘરે જઈને બધાની હાજરીમાં કહું છું. ત્યાં સુધી સસ્પેન્સ ! " શીતલ હસીને બોલી.

ઘરના બધા જ સભ્યો શીતલની રાહ જોઈને બેઠા હતા. જેવી શીતલ ઘરે પહોંચી કે તરત જ આગળના મોટા રૂમમાં બધાં ભેગાં થઈ ગયાં.

" દીદી હવે જલદી વાત શરૂ કરો. બધા તમને સાંભળવા જ ભેગા થયા છે." શાલિની બોલી.

" મમ્મી મુંબઈ જતી વખતે એમણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. ત્રણ તારીખે હું ગુજરાત મેલમાં ગઈ ત્યારે એ પણ અમદાવાદથી મારી સાથે જ હતા. એ મને કંપની આપવા માટે સાંજની ફ્લાઈટમાં અમદાવાદ આવી ગયા હતા. " શીતલે વાતની શરૂઆત કરી.

" જીજુ તો જીજુ જ છે. તમે ખરેખર નસીબદાર છો દીદી. આટલા પ્રેમાળ વ્યક્તિ છે છતાં તે દિવસે તમે એમને કેવા ખખડાવ્યા હતા ? " શાલિની બોલી.

" તે દિવસે હું એમને થોડી ઓળખતી હતી ? અને હવે તો મેં એમની માફી પણ માંગી લીધી છે પછી શું કામ એ વાત આખો દિવસ યાદ કરે છે શાલુ ? " શીતલ બોલી.

" ઓહ સોરી સોરી. હું તો ખાલી મજાક કરતી હતી. સિરિયસ ના લો." શાલિની બોલી.

" મમ્મી મરીન ડ્રાઈવ ઉપર એમ્બેસેડર હોટલમાં મને ઉતારો આપ્યો હતો. લોકેશન એટલું બધું સરસ હતું કે ના પૂછો વાત. વિન્ડોમાંથી જ દરિયાનાં દર્શન થાય. હોટલના રૂમ પણ કેટલા બધા મોટા !! અમે તો કાલે સાંજે મરીન ડ્રાઈવ ઉપર લટાર મારવા ગયાં હતાં અને ત્યાં પાળી ઉપર એક કલાક સુધી બેઠાં હતાં." શીતલ ઉત્સાહથી બોલી રહી હતી.

"હા હોટલનો રૂમ તો તેં અમને વિડીયો કોલ કરીને બતાવ્યો હતો." સુમનબેન બોલ્યાં.

"કાલે મારાં સાસુજીએ એમનું જૂનું ઝવેરાત મને બતાવ્યું. મમ્મી બધા જ દાગીના વજનદાર હતા. કોતરણી અને નકશીકામ પણ અદભુત હતું. લગભગ બે કિલો જેટલા વજનના સોનાના દાગીના મેં પસંદ કર્યા છે. મારાં સાસુજી એ બધા દાગીના પોલીશ કરવા માટે આપશે. " શીતલ બોલી.

" ઓહ્હો.. બેન બા આજે તો સાસુ શબ્દ બોલ્યાં ! " નાની બહેન મોના શીતલને ખીજવવા માટે બોલી.

" તું ચૂપ કર. સાસુ ના બોલે તો શું બોલે ? સાસુને સાસુ જ કહે ને ! " મમ્મી બોલી.

" મમ્મી એ ભલે ને બોલતી. હું કંઈ ખીજાઈશ નહીં એના ઉપર ." શીતલ હસીને બોલી.

" બે કિલો સોનાના દાગીના તેં પસંદ કર્યા ? " હવે પપ્પા કાન્તિલાલ આશ્ચર્યથી બોલ્યા.

" હા પપ્પા. અને બીજા ૭૦૦ ૮૦૦ ગ્રામ જેટલા વજનના નવા દાગીના અમે આજે ખરીદ્યા. ૬૮ લાખ રૂપિયાનું બિલ ચૂકવ્યું. " શીતલ બોલી.

શીતલની વાતો સાંભળીને પરિવારના તમામ સભ્યો દંગ રહી ગયા.

"અને પપ્પા હીરા માણેક અને પન્નાથી મઢેલા નવલખા હારમાં તો નકશી કામની એટલી બધી ઝીણી કારીગરી હતી કે જાણે રાજા મહારાજાના પરિવારનો જ કોઈ દાગીનો જોઈ લો !!" શીતલ બોલી.

" તું ખરેખર ખૂબ જ નસીબદાર છે બેટા. અમને એવી કલ્પના પણ ન હતી કે તને આટલું બધું શ્રીમંત સાસરુ મળશે !! " પપ્પા કાન્તિલાલ બોલ્યા.

દીકરીના આટલા બધા વૈભવની વાત સાંભળીને કાન્તિલાલ થોડાક ભાવુક પણ થઈ ગયા !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."