પીજી હાઉસ પ્રકરણ 58
મુંબઈ સેન્ટ્રલથી નીકળીને દેવરાજ સીધો પીજી હાઉસ ગયો. અત્યારે એનું મન થોડુક ઉદાસ હતું.હજુ બપોરના અઢી વાગ્યા હતા. એણે પોતાના અંગત પ્યુનને કહીને જયરાજ અંકલને બોલાવ્યા.
પીજી હાઉસ નવલકથા
" અંકલ તે દિવસે તમારા ઘરે તમારા મિત્ર મનસુખ અંકલ આવેલા અને એમણે મને એક વાર ઘરે આવવાનું આમંત્રણ આપેલું છે. તો શું આજે સાંજે અનુકૂળ છે ? " દેવરાજ બોલ્યો.
" જી સર, હમણાં જ પૂછી લઉં છું. " જયરાજ અંકલ બોલ્યા અને એમણે દેવરાજની સામે બેસીને જ મનસુખભાઈને ફોન લગાવ્યો.
" અરે મનસુખભાઈ હું જયરાજ બોલું છું. દેવરાજ સર આજે તમારા ઘરે આવવા માંગે છે તો આજે તમને અનુકૂળતા છે ? " જયરાજ અંકલ બોલ્યા.
" એમના માટે તો અનુકૂળતા ન હોય તો પણ ઉભી કરવી પડે. એ કેટલા વાગે આવવા માંગે છે એ મને જણાવો તો હું એ પ્રમાણે ઘરે પહોંચી જાઉં." મનસુખભાઈ બોલ્યા.
" સર મનસુખભાઈ પૂછે છે કે તમને કેટલા વાગે ફાવશે તો એ પ્રમાણે એ ઘરે પહોંચી જાય. " જયરાજ અંકલે દેવરાજને પૂછ્યું.
" અત્યારે અઢી વાગ્યા છે આપણે સાડા પાંચ વાગ્યે એમના ઘરે જઈએ." દેવરાજ બોલ્યો.
" મનસુખભાઈ અમે લોકો સાંજે સાડા પાંચ વાગે તમારા ઘરે પહોંચી જઈશું. " જયરાજ અંકલ બોલ્યા.
" ઠીક છે હું સાંજે પાંચ વાગ્યે ઘરે પહોંચી જઈશ. " મનસુખભાઈ બોલ્યા અને ફોન કટ કર્યો.
" આપણે પાંચ વાગ્યે અહીંથી નીકળી જઈએ. મનસુખભાઈ દાદર ઇસ્ટમાં દાદા સાહેબ ફાળકે માર્ગ ઉપર રુપલ એપાર્ટમેન્ટમાં રહે છે. અહીંથી પહોંચતાં અડધો કલાક તો થશે જ." જયરાજ અંકલ બોલ્યા.
" તમે પણ મારી સાથે ગાડીમાં જ આવજો." દેવરાજ બોલ્યો.
" સર બીજો કોઈ રસ્તો છે જ નહીં. મારી પાસે ક્યાં વાહન છે ? હું તો ચાલતો જ ઘરેથી આવું છું. " અંકલ હસીને બોલ્યા.
" અરે હા તમે તો બાજુમાં જ રહો છો. " દેવરાજ હસી પડ્યો.
સાંજે પાંચ વાગ્યે દેવરાજ જયરાજ અંકલને લઈને દાદર જવા માટે નીકળી ગયો અને ૨૫ મિનિટમાં રુપલ એપાર્ટમેન્ટ પહોંચી ગયો.
મનસુખભાઈ ઘરે આવી જ ગયા હતા. એક બેડરૂમ હૉલ કિચનનો નાનો ફ્લેટ હતો પરંતુ લોકેશન સરસ હતું.
મનસુખભાઈની ઉંમર ૫૭ વર્ષની હતી. પરિવારમાં એ પોતે એમની પત્ની એક દીકરો અને એક દીકરી હતાં. દીકરો ૨૬ વર્ષનો અને દીકરી હજુ ૨૦ વર્ષની હતી.
" આવો સાહેબ. મને વિશ્વાસ હતો જ કે તમે આવશો જ. " મનસુખભાઈ બોલ્યા અને એમણે દેવરાજને તથા જયરાજ અંકલને સોફામાં બેસવા ઈશારો કર્યો.
" મેં તમને મારી દીકરી કાજલ માટે બોલાવ્યા છે. મારી એ એકની એક દીકરી છે. અત્યારે એ ૨૦ વર્ષની થઈ છે. બારમા ધોરણમાં એ ૯૪ ટકા માર્કસ લાવી છે. ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. પરંતુ છેલ્લા ચાર વર્ષથી એ એવી ડિપ્રેશનમાં ચાલી ગઈ છે કે અમે ઘરના બધા જ મૂંઝાઈ ગયા છીએ. આટલું સારું પરિણામ લાવ્યા પછી પણ અભ્યાસ છૂટી ગયો. " મનસુખભાઈ બોલી રહ્યા હતા.
" કોઈની પણ સાથે બોલતી નથી. એકલી સુનમુન બેસી રહે છે. અમારે પરાણે એને બે ટાઈમ જમાડવી પડે છે. અમારા ઘરમાં આ એક જ બેડરૂમ છે. બસ ૨૪ કલાક એ બેડરૂમમાં જ પુરાઈ રહે છે. અમે એનો ઉપચાર કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. ભુવાજીને પણ બતાવ્યું. દોરાધાગા પણ કરાવ્યા. ડિપ્રેશનની પણ દવા ચાલુ છે. જેણે જે કહ્યું તે કર્યું પરંતુ કોઈ જ ફરક નથી. " મનસુખભાઈ નિરાશાના સુરમાં બોલ્યા.
" અચાનક ડિપ્રેશન આવી જવા પાછળ કોઈ કારણ બન્યું હતું ખરું ? એના જીવનમાં કોઈ ઘટના બની હોય, આ કાચી ઉંમરે કોઈના પ્રેમમાં પડી હોય અને નિરાશા મળી હોય અથવા તો કોઈ છોકરાએ એને ધમકી આપી હોય અને એ ડરી ગઈ હોય ! " દેવરાજે પૂછ્યું.
"ના સાહેબ.એવી કોઈ જ ઘટના બની નથી. એકદમ સીધી છોકરી છે. એની તમામ બહેનપણીઓ સાથે પણ અમે ચર્ચા કરી ચૂક્યા છીએ. બારમાના પરિણામ પછી પણ એ ખૂબ જ ખુશ હતી. એની ઈચ્છા ડોક્ટર બનવાની હતી. વેકેશન દરમિયાન જ અચાનક એને ડિપ્રેશન આવી ગયું. શરૂઆતમાં તો અમને એવું લાગ્યું કે એને કોઈ વળગાડ છે પરંતુ એ કોઈ જ પ્રકારનું તોફાન કે ચેનચાળા કરતી નહોતી. બસ સુનમુન થઈ ગઈ હતી અને એ જ હાલત આજે પણ ચાલુ છે. " મનસુખભાઈ બોલ્યા.
" ઠીક છે ચાલો આપણે જરા એને જોઈ લઈએ. " દેવરાજ બોલ્યો અને ઉભો થયો.
મનસુખભાઈ એને બેડરૂમમાં લઈ ગયા. કાજલ બેડ ઉપર બન્ને ઢીંચણ ઉપર માથું ઢાળીને બેઠી હતી.
" કાજલ બેટા... જો આ દેવરાજ અંકલ તને મળવા માટે આવ્યા છે. " મનસુખભાઈ બોલ્યા.
કાજલે દેવરાજ સામે નજર મિલાવી પણ એ જાણે કે ડરી ગઈ હોય એમ મ્હોં ફેરવી લીધું અને તરત ટૂંટિયું વાળીને સૂઈ ગઈ. દેવરાજ બે મિનિટ સુધી એની સામે જોઈ રહ્યો.
" ચાલો આપણે બહાર જઈને બેસીએ." કહીને દેવરાજ વળી પાછો સોફા ઉપર આવીને બેસી ગયો.
" અંકલ દરેક વ્યક્તિએ પોતાના સારા કે ખરાબ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. અને મોટેભાગે આ જન્મનું ફળ આ જ જન્મમાં તો મળતું જ નથી. એના માટે બીજા કે ક્યારેક ત્રીજા જન્મ સુધી રાહ જોવી પડે છે. જનમોજનમનું આ સંસાર ચક્ર ઈશ્વરે એટલું બધું વ્યવસ્થિત ગોઠવેલું છે કે કર્મો પ્રમાણે નવા નવા જન્મ થતા રહે છે અને પછી જીવનમાં ઘટનાઓ બનતી રહે છે. " દેવરાજ બોલી રહ્યો હતો.
" ઈચ્છાઓ અને વાસનાઓ જેમ નવા જન્મોનું કારણ બને છે એ જ પ્રમાણે માણસના કર્મોનું સારું કે ખરાબ ફળ ભોગવવા જનમ લેવો જ પડે છે અને એ નવા જન્મમાં ફળ ભોગવવું જ પડે છે. તમારી દીકરીની જ વાત કરીએ તો અત્યારે એ ગયા જનમની સજા ભોગવી રહી છે. " દેવરાજ બોલી રહ્યો હતો.
" એને કોઈ રોગ નથી. કોઈ ડિપ્રેશન નથી. હવે તમામ દોરા ધાગા કાઢી નાખો. એની તમામ દવાઓ બંધ કરી દો. ખોટી એના મગજ ઉપર અસરો થશે અને ઘેનમાં જ રહેશે. એની સજા પૂરી થશે એટલે એ બહાર આવી જશે. " દેવરાજ બોલ્યો.
" હું તમારી વાત કંઈ સમજ્યો નહીં સાહેબ. કઈ સજાની તમે વાત કરો છો ? " મનસુખભાઈ બોલ્યા. એ દેવરાજની ફિલોસોફીની વાતને સમજી શક્યા નહીં.
" મેં તમને કહ્યું ને કે એ ગયા જન્મના કર્મોની સજા અત્યારે ભોગવી રહી છે. ગયા જન્મમાં એ ઉત્તર પ્રદેશના એક નાના પોલીસ સ્ટેશનમાં લેડી કોન્સ્ટેબલ હતી. દોષી હોય કે નિર્દોષ હોય પણ એ પકડાયેલી સ્ત્રીઓ ને રિમાન્ડ ઉપર લઈને ખૂબ જ મારતી અને લાંબા સમય સુધી કસ્ટડીમાં પૂરી રાખતી. સ્ત્રી બિચારી નિર્દોષ હોય તો પણ ગુનો કબુલી લેતી. પોલીસ સ્ટેશનમાં લેડી ડોન જેવી છાપ એણે ઊભી કરી હતી." દેવરાજ બોલતો હતો.
" કર્મ તો કોઈને છોડતું જ નથી . બસ એ બધી સ્ત્રીઓની હાય એના આત્માને લાગેલી છે. દરેકનો પોતાનો આત્મા તમામ કર્મોનો સાક્ષી હોય છે. એ લેડી કોન્સ્ટેબલ એની પાછલી ઉંમરમાં પાગલ થઈ ગઈ હતી. હવે આ જન્મમાં એ પોતે જ ચાર વર્ષથી કસ્ટડીમાં પુરાઈ ગઈ છે ! " દેવરાજ બોલ્યો.
થોડીવાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં.
" પણ તો પછી એની ૧૬ વર્ષની ઉંમર પછી જ એને આ સજા કેમ મળી ? અત્યાર સુધી તો એ એકદમ નોર્મલ હતી ! " હવે જયરાજ અંકલ બોલ્યા.
" પાછલા જન્મોના કર્મનું ફળ ક્યારે મળશે એ તો કોઈ જ જાણી શકતું નથી. જન્મ વખતે જ કર્મના ફળનો સમય નક્કી કરેલો હોય છે અને એ સમય પાકે ત્યારે ફળ મળવાનું ચાલુ થાય છે. અને એટલા માટે તો ગ્રહોની રચના કરવામાં આવી છે. લોકો સાડા સાતીમાં કેમ આટલા હેરાન થતા હોય છે ? કારણ કે સાડાસાતી એ ખરાબ કર્મોના ભોગવટાનો સમય હોય છે. સારી દશામાં પૂણ્ય કર્મોનું ફળ મળે છે. " દેવરાજ બોલ્યો.
" મારી દીકરીને સારું ક્યારથી થઈ જશે ? અમારાથી એનું આ દુઃખ જોવાતું નથી. " મનસુખભાઈ બોલ્યા.
" આમ તો હજુ એક વર્ષનો સમય બાકી છે છતાં મારા ગુરુજીના આશીર્વાદથી આવતી કાલથી જ એની આ તકલીફ દૂર થઈ જશે. હું કાલે સવારે મારા ગુરુજીને પ્રાર્થના કરીશ કે એના કર્મોને માફ કરી દેવામાં આવે. થોડીક મદદ હું પણ કરીશ. " દેવરાજ બોલ્યો અને એ ઉભો થયો.
" સર એવું સાંભળ્યું છે કે કર્મનું ફળ ક્યારેય પણ મિથ્યા થતું નથી અને એ ભોગવવું જ પડે છે તો પછી માફ કેવી રીતે થશે ? " જયરાજ અંકલ વચ્ચે બોલ્યા.
" સારો સવાલ પૂછ્યો છે અંકલ તમે. કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને એ કદી મિથ્યા થતું નથી પરંતુ યોગી પુરુષો એ કર્મના ફળને આગળ પાછળ ચોક્કસ કરી શકે છે. અત્યારે એ સારી થઈ જશે પણ એનું જે કર્મ ભોગવવાનું બાકી રહેશે તે પાછલી જિંદગીમાં ભોગવવું પડશે અથવા તો પછી આવતા જનમમાં ભોગવવું પડશે. " દેવરાજ બોલ્યો.
એ પછી દેવરાજ ફરી એ બેડરૂમમાં ગયો અને કાજલની નજીક જઈને એના માથા ઉપર હાથ મૂક્યો. ઠંડી લાગતી હોય એમ એ થોડીક ધ્રુજવા લાગી. સતત બે મિનિટ સુધી એણે હાથ કાજલના માથા ઉપર જ રાખ્યો અને પોતાની આંખો બંધ કરી દીધી. એની પાસે જે પણ સિદ્ધિ હતી એને યાદ કરીને એણે હીલિંગ ચાલુ કરી દીધું. ત્રણેક મિનિટમાં જ કાજલની આંખો ઘેરાવા લાગી અને એ ઉંઘી ગઈ. દેવરાજે એના ઉપર કામળો ઓઢાડી દીધો.
મનસુખભાઈ અને એમનાં પત્ની પણ દેવરાજની બાજુમાં આવીને ઊભાં રહી ગયાં હતાં અને આ બધું જોઈ રહ્યાં હતાં.
" એ અત્યારે ગાઢ નિદ્રામાં સરી ગઈ છે. કાલ સવાર સુધી તમે એને જગાડશો નહીં. એ એની મેળે જાગી જશે અને જાગ્યા પછી એકદમ નોર્મલ હશે. ઊંઘમાં એ રડતી હોય કે કણસતી હોય તો પણ તમે એના ઉપર ધ્યાન ના આપશો. સ્વપ્ન અવસ્થામાં પણ એના પાપોની થોડી સજા એને મળી જશે. " દેવરાજ બોલ્યો અને બહાર આવ્યો.
" સર જો મારી દીકરી ખરેખર કાલે નોર્મલ થઈ ગઈ તો તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. " મનસુખભાઈ બે હાથ જોડીને બોલ્યા.
" જો અને તો નો સવાલ જ નથી. એ અત્યારે નોર્મલ થઈ જ ગઈ છે પરંતુ ઘેરી ઊંઘમાં છે. " દેવરાજ હસીને બોલ્યો.
" મનસુખભાઈ તમે ચિંતા છોડી દો. સરે કહ્યું એટલે સમજી લો કે તમારું કામ થઈ જ ગયું છે. કાજલ હવે એકદમ નોર્મલ છે. અને હરીશ કેમ દેખાતો નથી ? " જયરાજ અંકલ બોલ્યા.
" એ રાત્રે આઠ વાગ્યે આવશે. સારી નોકરી મળતી નથી એટલે વિદેશ જવા માટેના કોઈ ક્લાસ ભરે છે. એ હમણાં સાંજે ચાર વાગે જ ગયો " મનસુખભાઈ બોલ્યા.
" કાલે કાજલ નોર્મલ થઈ ગયા પછી તમારે ૪૦ દિવસ સુધી બીજું એક કામ કરવું પડશે અંકલ. " દેવરાજ બોલ્યો.
" તમે જે કહો તે કરવા અમે તૈયાર છીએ. " મનસુખભાઈ બોલ્યા.
" ૪૦ દિવસ સુધી રોજ સ્નાન કરતી વખતે પાણીની ડોલમાં એક ચમચી જેટલું ગૌમૂત્ર અને ચપટી મીઠું નાખી દેવાનું. એટલે કે ગૌમુત્ર અને મીઠું નાખેલા પાણીથી એને સ્નાન કરાવવું." દેવરાજ બોલતો હતો.
" જો શક્ય હોય તો ૪૦ દિવસ સુધી ગાયને ગોળ ખવડાવવો અથવા ગોળથી બનાવેલી સુખડી કે લાડુ કે શીરો એના હાથે જ ખવડાવવો. અહીં મુંબઈ જેવા શહેરમાં ગાયને શોધવી અઘરું કામ છે છતાં તપાસ કરજો. " દેવરાજ બોલ્યો.
" અહીં નજીકમાં જ એક રામમંદિર છે ત્યાં કાયમ માટે ગાય લઈને એક ઘાસચારા વાળી બાઈ બેસે છે. ત્યાં જઈને ખવડાવી આવીશું. લોકો ૧૦ ૨૦ રૂપિયા આપીને ગાયને ઘાસ ખવડાવતા હોય છે. " મનસુખભાઈ બોલ્યા.
" ચાલો સરસ. હવે ૪૦ દિવસ સુધી કાજલે ગાયનું દૂધ જ પીવાનું છે અને જેટલું બને એટલું ગાયનું ઘી ખાવાનું છે. એટલે કે રોજે રોજ ગાયના ઘીનો શીરો, સુખડી વગેરે તમે બનાવી શકો. બસ આ ત્રણ નિયમો ૪૦ દિવસ માટે તમારે પાળવાના છે. ચાર ચાર વર્ષના ડિપ્રેશનના કારણે એના મગજના કોષો જે સુષુપ્ત થઈ ગયા છે એ બધા જાગૃત અને એક્ટિવ થઈ જશે. " દેવરાજે પોતાની વાત પૂરી કરી.
" સર એક સવાલ પૂછું ? " જયરાજ અંકલ બોલ્યા.
" તમે શું પૂછવાના છો એ મને ખ્યાલ છે જ એટલે હું તમને જણાવી દઉં છું. આપણા સનાતન હિંદુ ધર્મમાં ગાયને માતા માની છે એની પાછળ ઘણાં કારણો છે. આ વિશ્વમાં સૌથી વધુ પોઝિટિવ એનર્જી કોઈ પ્રાણીમાં હોય તો તે માત્ર ગાય છે. ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગૌમુત્ર પણ પોઝિટિવ એનર્જીથી ભરપૂર હોય છે. ગાયના છાણાથી કરેલો હવન આખા વાતાવરણને શુદ્ધ કરી દે છે. " દેવરાજ બોલી રહ્યો હતો.
" ગાયના સ્પર્શ માત્રથી આપણા શરીરની અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે. ગાયનું દૂધ માતાના દૂધ જેટલું જ સુપાચ્ય હોય છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ ગાય અને ગોવાળો સૌથી પ્રિય હતા. પહેલાંના જમાનાના રાજાઓ પણ બ્રાહ્મણો અને ગાયોને બહુ જ માન આપતા હતા. ગૌ ગંગા ગાયત્રી ગૌરી અને ગીતા આ પાંચ અતિ પવિત્ર ગણાય છે. " દેવરાજે કહ્યું.
" સર ગૌરી એટલે ? એનો અર્થ જરા સમજાવશો ? " જયરાજ અંકલ બોલ્યા.
"ગૌરીના બે અર્થ છે. એક અર્થ છે માતા પાર્વતી અને બીજો અર્થ છે સાત વર્ષની ઉંમર સુધીની કન્યા. આવી કન્યાને જગદંબા સ્વરૂપ અને અતિ પવિત્ર માનવામાં આવે છે. નવચંડી વખતે પણ યજમાન પાસે આવી કન્યાઓનું પૂજન કરાવવામાં આવે છે અને એના પગ ધોવામાં આવે છે. નવરાત્રીની આઠમ કે નોમના નૈવેદ્ય વખતે પણ આવી નાની બાળાઓ ને જમાડવામાં આવે છે. ગૌરીવ્રતનો અર્થ પણ ગૌરીઓ દ્વારા કરાવવામાં આવતું વ્રત એવો છે." દેવરાજે સમજાવ્યું.
" વાહ સાહેબ આ તો પહેલી વાર જાણ્યું. " મનસુખભાઈ બોલ્યા.
"તમારી દીકરી મા ગાયત્રીની કૃપાથી કાલથી નોર્મલ તો થઈ જ જશે પરંતુ પાછલા જન્મનાં ક્રૂર કર્મોના કારણે એનામાં જે નેગેટિવ એનર્જી આ ખરાબ સમયમાં સક્રિય થયેલી છે એ પણ આ પ્રયોગથી દૂર થઈ જશે." દેવરાજે પોતાની વાત પૂરી કરી.
" આજે તો તમારી પાસેથી ઘણું જાણવા મળ્યું. ગાય વિશે આટલી બધી માહિતી તો અમને ખબર જ ન હતી. " જયરાજ અંકલ બોલ્યા.
" સાહેબ અમે લોકો તો નાનાં માણસ કહેવાઈયે છતાં તમે આજે મારી દીકરીને સારી કરી દીધી એના માટે એક મા તરીકે હું તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ભગવાન તમને ખૂબ સુખી રાખે અને આવી જ રીતે લોકોનાં દુઃખ તમે દૂર કરતા રહો એ જ માતાજીને પ્રાર્થના. " મનસુખભાઈ નાં પત્ની લાગણીશીલ થઈને બોલ્યાં.
એમની ઉંમર ૫૫ જેવી હતી.
"અરે ગાંડી એમના આશીર્વાદ આપણે લેવાના હોય ! આપણે એમને શું આશીર્વાદ આપી શકીએ ? તેં જોયું નહીં ? બે મિનિટમાં એમણે આપણી દીકરીને સાજીનરવી કરી દીધી ! " મનસુખભાઈ બોલ્યા.
" નહીં નહીં અંકલ. આ તો એક માની લાગણી છે ! અને માના આશીર્વાદમાં તો બહુ જ તાકાત હોય છે. માં એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ કહેવાય છે. મારે એમના આશીર્વાદની ખૂબ જરૂર છે. " દેવરાજ માસી સામે બે હાથ જોડીને બોલ્યો.
" એ તમારી મહાનતા છે સાહેબ. હવે બોલો અમે તમારી શું સેવા કરી શકીએ ? શિયાળો છે એટલે કંઈક ગરમ જ બનાવીએ. જમીને જ જાઓ." મનસુખભાઈ બોલ્યા.
" તમે ખાલી ચા બનાવો. જમવાનું તો શક્ય નથી અને આટલા વહેલા હું જમતો પણ નથી. " દેવરાજ બોલ્યો.
" કંઇક તો લેવું જ પડશે સાહેબ. એકલી ચા ન ચાલે. ગરમ ગરમ બટેટાપૌંઆ બનાવી દઉં. ૧૦ ૧૫ મિનિટમાં જ તૈયાર થઈ જશે. " મનસુખભાઈનાં પત્ની બોલ્યાં.
" ઠીક છે ચાલો. " દેવરાજે સંમતિ આપી.
બટેટાપૌંઆ અને ચાને ન્યાય આપીને દેવરાજ ઉભો થયો.
" કાલે તમે જે હોય તે જયરાજ અંકલને રિપોર્ટ આપી દેજો. કાલે તમારી કાજલ એકદમ નોર્મલ હશે. એ ડિપ્રેશનમાં હતી એવું તમારે એને યાદ કરાવવાની જરૂર નથી. જાણે કંઈ બન્યું જ નથી એવું જ રાખજો. " દેવરાજ બોલ્યો અને જયરાજ અંકલ સાથે બહાર નીકળ્યો.
" સર ખરેખર આજે મનસુખભાઈની બહુ મોટી તકલીફ તમે દૂર કરી આપી. ખરેખર એના પાછલા જન્મના કર્મનું ફળ આ રીતે મળે ? " પીજી હાઉસ જતી વખતે ગાડીમાં જયરાજ અંકલે પૂછ્યું.
" સમય જ્યારે પણ નબળો પડે ત્યારે જ પાપકર્મો જાગૃત થાય. અને જ્યારે ખરાબ સમય શરૂ થાય એટલે પાપકર્મોનું ફળ તો મળે જ પણ સાથે સાથે કેટલાક મલીન તત્ત્વો પણ હેરાન કરે. એના શરીરમાં એક પ્રેતાત્મા સ્ત્રી પણ હતી. એમના કુટુંબની જ એક સ્ત્રી હતી જેણે આત્મહત્યા કરી હતી. એને તો મેં ગાયત્રીની શક્તિથી રવાના કરી દીધી છે પરંતુ આ વાત મારે એ લોકોને કરવી ન હતી. " દેવરાજ બોલ્યો.
"શું વાત કરો છો સાહેબ ! તમારી વાત હવે મને સમજાય છે. મનસુખભાઈનો એમના નાના ભાઈ સાથે વતનની એક પ્રોપર્ટી માટે વર્ષોથી ઝગડો ચાલે છે. અત્યારે એમને બોલવાનો વ્યવહાર પણ નથી. એમના ભાઈની પત્નીએ પાંચ વર્ષ પહેલાં જ ગળે ફાંસો ખાઈ લીધેલો." અંકલ આશ્ચર્યચકિત થઈને બોલ્યા.
" મને ખબર છે અને એટલા માટે જ મેં એ વાત ન કરી. તમે મનસુખ અંકલને કહી દેજો કે વતનની પ્રોપર્ટી માટે બને એટલું વહેલું સમાધાન કરી લે. મેં કાજલને પ્રોટેક્શન તો આપી દીધું છે છતાં હલ્કા પ્રેતાત્મા દુશ્મની નિભાવતા હોય છે. વધુ પડતો મોહ રાખવો નહીં. બધું અહીંને અહી જ છોડીને જવાનું હોય છે. પછી આટલા બધા ઝઘડા શા માટે ? " દેવરાજ બોલ્યો.
" હું જરૂર કહીશ મનસુખભાઈને. હા એમના ભાભીની વાત નહીં કરું પણ સરે કહ્યું છે એવું ચોક્કસ કહીશ અને એ તમારું માની જશે. " જયરાજ અંકલ બોલ્યા.
દેવરાજ સર ઘણું બધું જાણી શકે છે. ઘણી બધી શક્તિઓ એમની પાસે છે. ઘણું બધું જ્ઞાન ધરાવે છે. બહુ ઓછા લોકો એમને ઓળખી શક્યા છે. મનમોહન શેઠે દીકરા તરીકે એક શ્રેષ્ઠ પાત્ર પસંદ કર્યું છે પણ દેવરાજ સર વિશે કદાચ શેઠ પોતે કંઈ જ જાણતા નહીં હોય !! - જયરાજ અંકલ મનમાં વિચારતા હતા !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

