પીજી હાઉસ (PG House Novel Part-59)

Related

પીજી હાઉસ પ્રકરણ 59

ફેબ્રુઆરી મહિનો લગભગ અડધો પૂરો થઈ ગયો હતો અને લગ્નને હવે ત્રણ મહિના જ બાકી હતા. શીતલના નવા દાગીના આવી ગયા હતા અને જૂના પણ પોલીશ થઈ ગયા હતા. મેરેજ માટે સારું લોકેશન શોધવાનું હજુ બાકી હતું અને મહેમાનો માટે સારી હોટલમાં છ ડીલક્ષ રૂમ પણ બુક કરવાના હતા !

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

હોટલના રૂમ તો ગમે ત્યારે મળી જાય પરંતુ વેડિંગ માટે સારું લોકેશન સૌથી પહેલાં શોધવું પડશે. મુંબઈ જેવા શહેરમાં લગ્ન માટેના હૉલ જલ્દી બુક થઈ જતા હોય છે.

દેવરાજે ગૂગલમાં સર્ચ કર્યું અને ત્રણ ચાર લોકેશન એણે પસંદ કર્યાં. પોતે જે કંઈ હતો એ પપ્પાના કારણે હતો અને પપ્પાની અહીં એક મોટી પ્રતિષ્ઠા હતી એટલે એમને શોભે એવું વેડિંગ વેન્યુ શોધવું પડે !

પોતે ભલે વાલકેશ્વર રહેતો હતો પરંતુ પોતાના ફેમિલીનો ઉતારો કાંદીવલીના ફ્લેટમાં આપવાનો હતો એટલે સગવડતા ખાતર કાંદીવલી કે મલાડ જેવા એરિયામાં જ મેરેજ સેરેમની ગોઠવવો એવું એણે નક્કી કર્યું.

દેવરાજે જોયું કે કાંદીવલી કરતાં પણ મલાડ વેસ્ટમાં હોટલો વધારે હતી અને લોકેશન પણ સારાં હતાં. એણે એક આખો દિવસ ફાળવીને પહેલાં મેરેજ સેરેમની માટે સારા મેરેજ હૉલ જોવાના ચાલુ કર્યા. ત્રણ ચાર લોકેશન્સ રૂબરૂ જોયા પછી એને મલાડ વેસ્ટમાં આવેલી તુલસી વિહાર જગ્યા બહુ જ પસંદ પડી.

રિસોર્ટ જેવું આ લોકેશન સુંદર હતું. નાની મોટી કોટેજો હતી અને બહુ જ વિશાળ લોન હતી. મેરેજ માટે અલગ લગ્નમંડપ પણ કાયમી ધોરણે અહીં બનાવેલો હતો. તુલસી વિહાર જ મેરેજ માટે ઉત્તમ વેન્યુ રહેશે એવો વિચાર કરીને એ મેનેજરની કેબિનમાં ગયો. એણે ૧૩મી મે વૈશાખ સુદ પાંચમનો દિવસ મેરેજ સેરેમની માટે રિઝર્વ કરવાની વાત કરી.

" સોરી સર... એ દિવસ ખાલી નથી. રિઝર્વ થઈ ચૂક્યો છે. " મેનેજરે રજીસ્ટર જોઈને કહ્યું.

" એ શક્ય જ નથી. મારા મેરેજ માટે મેં આ જ લોકેશન પસંદ કર્યું છે અને મારાં લગ્ન અહીં જ થશે. તમે ફરી બરાબર ચેક કરો. " દેવરાજ ખૂબ જ આત્મવિશ્વાસથી બોલ્યો. અંદરની કોઈ શક્તિ એને બોલાવી રહી હતી.

" સર આઈ એમ સોરી પરંતુ એ દિવસ ખાલી નથી. " મેનેજરે પોતાની એ જ વાત દોહરાવી.

" અરે ભાઈ પાર્ટીએ જો ૧૩ તારીખ પોતાના પ્રસંગ માટે રિઝર્વ કરી છે તો એના માટે એપ્લિકેશન ફોર્મ તો ભર્યું હશે ને ? એડવાન્સ પેમેન્ટ પણ આપ્યું જ હશે ને ? કે અહીં બધું મૌખિક જ ચાલે છે ? " દેવરાજ બોલ્યો.

હવે મેનેજર ગુંચવાયો. દેવરાજ જે રીતે વાતચીત કરતો હતો એ જોઈને મેનેજર પોતે જ કન્ફ્યુઝ થઈ ગયો.

" એક મિનિટ હું ફાઈલ જોઈ લઉં. " મેનેજર બોલ્યો અને એણે પાછળ રહેલા કબાટમાંથી ફાઈલ કાઢી.

એણે ચેક કર્યું તો ૧૩ તારીખ માટે ૧૫ દિવસ પહેલાં ફોર્મ તો ભરાયેલું હતું પરંતુ એડવાન્સ પેટે એક પણ રૂપિયો જમા થયેલો ન હતો. પાર્ટીનો ફોન નંબર પણ લખેલો ન હતો. જ્યાં સુધી પેમેન્ટ ના આવે ત્યાં સુધી એ કન્ફર્મ ના ગણાય. મેનેજરે હવે માથું ખંજવાળ્યું.

મેનેજર સમજી શકતો ન હતો કે આ નવી પાર્ટી આટલા બધા આત્મ વિશ્વાસથી કઈ રીતે કહી રહી હતી ! છેવટે એણે નમતું જોખવું પડ્યું.

" જી સર તમારી વાત સાચી છે. પરંતુ તમને કઈ રીતે ખબર પડી કે એ દિવસ ખાલી છે ? કારણ કે રજીસ્ટરમાં તો એ દિવસ રિઝર્વ થયેલો બતાવે છે. " મેનેજર વિનમ્રતાથી બોલ્યો.

" પૈસા લીધા વગર તમે ડેટ કન્ફર્મ કરી દો તો એ તો તમારી જ ભૂલ છે ને ! તમે રજીસ્ટરમાં બરાબર જોયું જ નથી. મેં દૂરથી રજીસ્ટર જોયું તો પહેલી કોલમમાં ખાલી કોઈ નામ જ લખેલું છે. ફોન નંબર અને પેમેન્ટની બીજી અને ત્રીજી કોલમ સાવ ખાલી છે. જો એણે એડવાન્સ પેમેન્ટ કંઈ પણ આપ્યું હોય તો નામની સામે તમે એડવાન્સ રકમ પણ લખેલી હોય ! " દેવરાજ બોલ્યો.

" સાહેબ તમે તો મને કાન પકડાવ્યા. એ તો મેં જોયું જ નહીં. માફી માગું છું. ૧૩ તારીખ માટે હવે તમારું નામ લખાવો." મેનેજર બોલ્યો.

" લખો દેવરાજ મનમોહન શેઠ. કોન્ટેક નંબર xxxxx xxxxx. " દેવરાજ બોલ્યો.

" નવાઈની વાત છે ! ૧૩ તારીખ માટે અગાઉ જે નામ લખેલું છે એ પણ દેવરાજ શેઠ જ છે ! તમારો જ કોઈ માણસ તો નામ લખાવી નથી ગયો ને ? " મેનેજર બોલ્યો.

" ના રે ભાઈ. વેડિંગ માટે હજુ મેં આજે તો તપાસ શરૂ કરી છે. તમારું લોકેશન મેં આજે જ પસંદ કર્યું છે." દેવરાજ બોલ્યો.

જો કે દેવરાજને પણ ખૂબ જ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બની શકે ? ૧૩ તારીખ કોઈ બીજું બુક ના કરાવી જાય એટલા માટે અગાઉથી કોણે અહીં આવીને નામ લખાવ્યું હશે !! ક્યારેક ક્યારેક મારા જીવનમાં આવી ભેદભરમવાળી ઘટનાઓ કેમ બને છે !

" તમારું નામ શું ? " દેવરાજે મેનેજર ને પૂછ્યું.

" જી શૈલેષ મહેતા. " મેનેજર બોલ્યો.

" જુઓ શૈલેષભાઈ. મારો વેડિંગ સેરેમની એકદમ હટકે થવો જોઈએ. અહીં ડેકોરેશન, કેટરિંગ, ફ્લાવરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે તમે જ પ્રોવાઇડ કરો છો કે એ બધી વ્યવસ્થા અમારે કરવી પડશે ? " દેવરાજે પૂછ્યું.

" બંને ઓપ્શન ઓપન છે સર. તમે બધું મેનેજ કરતા હો તો પણ અમને કોઈ વાંધો નથી અને તમે અમને સોંપવા માગતા હો તો પણ અમે બેસ્ટ સર્વિસીસ પૂરી પાડીશું. અમારી પાસે બધી જ વ્યવસ્થા છે સર. તમારી ચોઇસ પ્રમાણે જ અમે બધું ગોઠવી આપીશું. વિડીયો શુટીંગની પણ વ્યવસ્થા થઈ જશે. " મેનેજર ઉત્સાહથી બોલ્યો.

" મારા તો અહીં એટલા બધા કોન્ટેક્ટ નથી એટલે હું બધું તમને જ સોંપવા માગું છું. હજુ આપણી પાસે સમય છે. મે મહિનો શરૂ થાય એ વખતે આપણે ફરી મળીશું. પૈસાનો મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે મારા માટે જે બેસ્ટ હોય એવા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાનો સંપર્ક મને કરાવજો. ભોજન સમારંભ પણ અદભુત થવો જોઈએ શૈલેષભાઈ." દેવરાજ બોલ્યો.

" થઈ જશે સર. તમે જ્યારે અમારા પર આટલો બધો વિશ્વાસ મૂકો છો તો અમારી પણ ફરજ બને છે. આપની સેવા કરવામાં અમને આનંદ થશે. " મેનેજર ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો.

એ પછી દેવરાજે એડવાન્સ પેટે ૫૦% જેટલી રકમનો ચેક આપી દીધો.

મુખ્ય કામ પતી ગયું એટલે દેવરાજ ત્યાંથી નીકળી હોટલો જોવા માટે નીકળ્યો અને કાંદીવલી તેમજ મલાડ એરિયામાં પાંચથી છ હોટલો જોઈ. છેવટે મલાડ વેસ્ટમાં જ આવેલી ૪ સ્ટાર સરોવર પોર્ટિકો હોટલ એણે પસંદ કરી.

એણે મે મહિનાની ૧૨ થી ૧૫ તારીખ માટે ૬ ડિલક્ષ રૂમ બુક કરાવી દીધા. ચાર રૂમ પોતાના મહેમાનો માટે જ્યારે બે રૂમ શીતલના મહેમાનો માટે ! એણે એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું.

સવારે ૧૦ વાગ્યાનો એ નીકળ્યો હતો અને આ બધું પતાવવામાં બપોરના ત્રણ વાગી ગયા હતા. સવારે ૮ વાગે એણે ઘરે નાસ્તો કરી લીધો હતો એટલે બહુ ભૂખ લાગી ન હતી છતાં જમવાની ઈચ્છા તો હતી જ.

બપોરે ત્રણ વાગે તો બધા ડાઇનિંગ હોલ અને રેસ્ટોરન્ટ લગભગ બંધ જ થઈ જાય. નાના-નાના ફૂડ સ્ટોલ તો ખુલ્લા હોય પણ જંક ફૂડ ખાવાના બદલે વ્યવસ્થિત જમવાની એની ઈચ્છા હતી.

એણે પોતાના પીજી હાઉસમાં કેન્ટીન ઇન્ચાર્જ કાર્તિક ઓઝાને ફોન કર્યો.

" અરે કાર્તિક. હું અત્યારે મલાડ છું. મારે હજુ જમવાનું બાકી છે. આપણી કેન્ટીનમાં કંઈ મેળ પડે એવો છે કે બધું પૂરું થઈ ગયું ?" દેવરાજે હસીને પૂછ્યું.

" અરે સર તમે તો માલિક છો. પૂરું થઈ ગયું હોય તો નવું બને. મહારાજ આપણા ઘરના જ છે. ચિંતા ના કરો કેટલા ટાઈમમાં આવો છો ? " કાર્તિક બોલ્યો.

" હાઇવે પકડીને આવું તો પણ અડધો પોણો કલાક તો થાય જ. " દેવરાજ બોલ્યો.

" ઠીક છે હું રસોડું ચેક કરી લઉં છું. જો કંઈ નવું બનાવવાનું હશે તો પણ બની જશે. " કાર્તિક બોલ્યો.

અને દેવરાજ લગભગ ૪૦ મિનિટમાં પીજી હાઉસ પહોંચી ગયો.

" દાળ ભાત રોટલી વગેરે તો થોડાં વધેલાં જ હતાં. શાક અને કઠોળ ખલાસ હતાં. મહારાજે તમારા માટે પાપડી રીંગણનું તાજું શાક બનાવી દીધું." દેવરાજ કેન્ટીનમાં ગયો એટલે કાર્તિક આવીને બોલ્યો.

" થેક્સ. કઠોળ નહીં હોય તો ચાલશે." દેવરાજ હસીને બોલ્યો.

થોડીવારમાં મહારાજ જાતે જ થાળી લઈને આવી ગયા. સાથે છાશનો ગ્લાસ અને પાપડ પણ મૂક્યાં.

" મહારાજ તમારી રસોઈનો કોઈ જવાબ નથી. દાળ અને શાક એટલાં બધાં સ્વાદિષ્ટ છે કે મારે તમને ખાસ અભિનંદન આપવાં પડે છે." દેવરાજ જમતી વખતે બોલ્યો.

" જી માલિક. તમને સંતોષ થયો એ જ અમારું ઇનામ છે. " મહારાજ બોલ્યા.

જમ્યા પછી દેવરાજ પોતાની ચેમ્બરમાં ગયો. એણે પપ્પાને ફોન કરીને જાણ કરી કે મલાડમાં આવેલું તુલસી વિહાર રિસોર્ટ લગ્ન માટે બુક કરાવી દીધું છે અને મહેમાનો માટે છ રૂમ પણ બુક કરાવી દીધા છે.

" આ કામ તેં સારું કરી દીધું. મુંબઈમાં લગ્ન માટે હૉલ મળવા બહુ મુશ્કેલ હોય છે. અગાઉથી જ પ્લાનિંગ કરવું પડે છે. તુલસી વિહાર મેં જોયેલું છે. એકવાર એક પ્રસંગમાં હું ગયેલો છું. ખૂબ જ સારું લોકેશન છે. " મનમોહન શેઠ બોલ્યા.

" હવે રિસેપ્શન માટેનું લોકેશન તમારે નક્કી કરવાનું છે. તમે કહેતા હો તો હું એ પણ શોધી કાઢું. " દેવરાજ બોલ્યો.

" ના. રિસેપ્શનની જવાબદારી મેં માથે લીધી છે. ૧૦ ૧૫ દિવસમાં એ પણ ફાઈનલ થઇ જશે. તું ચિંતા ના કર. " શેઠ બોલ્યા અને ફોન કટ કર્યો.

એક મોટું કામ પાર પડી ગયું હતું. હવે આવતી કાલે શિવરાત્રી હતી. ભલે એ ગાયત્રી મંત્ર કરતો હતો છતાં એ નાનપણથી જ શિવનો ઉપાસક હતો. અમદાવાદમાં હતો ત્યારે તો નિયમિતપણે નારણપુરામાં કામેશ્વર મહાદેવમાં જળનો અભિષેક કરવા માટે જતો હતો.

અહીં આવ્યા પછી પણ મહિનાનાં પહેલા સોમવારે એ બાબુલનાથ મહાદેવ અવશ્ય જતો અને શિવલિંગ ઉપર ઘડો ભરીને જળનો અભિષેક કરી આવતો. એ સિવાય પોતાના માટે લઘુરુદ્ર કરાવવા માટે ત્યાંના પંડિતને દક્ષિણા પણ આપી આવતો.

શિવરાત્રિના દિવસે એણે નકોરડો ઉપવાસ રાખ્યો. સવારમાં બાબુલનાથ જઈને એણે પોતાના માટે ખાસ લઘુરુદ્ર કરાવ્યો. ભીડ તો ઘણી હતી છતાં પંડિતજી એને ઓળખતા હતા એટલે વધુ વાર રાહ જોવી ના પડી.

દેવરાજ મંદિરમાંથી બહાર નીકળ્યો તો એણે છ સાત સાધુઓને બહાર બેઠેલા જોયા. શિવરાત્રિ હોવાથી સાધુઓ દર્શને આવે એ સ્વાભાવિક હતું. કેટલાક ભક્તો આ સાધુઓને યથાશક્તિ દક્ષિણા પણ આપી રહ્યા હતા. દેવરાજે પણ તમામ સાધુઓને વંદન કરી દરેકના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટ મૂકી અને આશીર્વાદ લીધા.

એ પછી દેવરાજનું ધ્યાન આ બધા સાધુઓથી દૂર એક ખૂણામાં બેઠેલા એક વૃદ્ધ સંન્યાસી તરફ ગયું. લાંબી જટા અને દાઢી ! દેવરાજે જોયું કે એ સન્યાસીની ઑરા ઘણી વિશાળ હતી. ચહેરો પણ પ્રભાવશાળી અને તેજસ્વી હતો ! એમની આંખો બંધ હતી જાણે કે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હોય !

દેવરાજ એમની પાસે ગયો અને 'નમો નારાયણ' બોલીને એમના ખોળામાં ૫૦૦ ની બે નોટો મૂકી.

" ૐ નમઃ શિવાય. મુઝે દક્ષિણા નહીં ચાહીયે બચ્ચા. મૈં ખુદ તુમકો બહોત કુછ દે સકતા હૂં. મુઝે શિવજીકી પૂજા કરની હૈ. મુઝે સિર્ફ પાંચ બિલિપત્ર દીલવા દે. " સન્યાસી ધીમેથી આંખો ખોલીને બોલ્યા અને દેવરાજને ૧૦૦૦ પાછા આપ્યા.

દેવરાજ ત્યાં મંદિરના ગેટ પાસે જ બેઠેલી એક બાઈ પાસેથી સારાં જોઈને પાંચ બીલીપત્ર ખરીદી લાવ્યો અને સન્યાસીના હાથમાં આપ્યાં.

" આજ શિવરાત્રિ હૈ. મહારાત્રિ હૈ. આજકી રાત શિવજીકી લીલારાત્રિ હૈ. ભોલેનાથ આજ નટરાજ બનકે ગિરનારમેં નૃત્ય કરેંગે. મધ્યરાત્રિમેં શિવ ઔર શક્તિકા મિલન હોગા. જય બમ્ બમ્ ભોલે. " સન્યાસી બાબા બોલ્યા અને ઊભા થયા.

" સુનો બચ્ચા... તુમ જો જવાબ ઢુંઢ રહે હો વો તુમકો કભી નહિ મિલેગા. સબકો પૂછના છોડ દો. કુછ રાઝ કો રાઝ હી રેહને દો. તુમ્હારી ભલાઈ ઈસીમેં હૈ." કહીને સંન્યાસીએ દેવરાજના ખભા ઉપર હાથ મૂક્યો અને ચાલતા થયા. એ ઝડપથી બાબુલનાથ મંદિરમાં પ્રવેશ કરી ગયા.

દેવરાજ સન્યાસીના શબ્દો સાંભળીને આશ્ચર્ય પામ્યો. એક તો સન્યાસીએ એક પણ રૂપિયો લીધો નહીં માત્ર બિલિપત્ર માગ્યાં. અને જતી વખતે કહેતા ગયા કે - કુછ રાઝ કો રાઝ હી રેહને દો. તુમ્હારી ભલાઈ ઈસીમેં હૈ.

સન્યાસી આ શું બોલી ગયા ? નક્કી આ સન્યાસી કોઈ દિવ્ય મહાત્મા લાગે છે. નહીં તો મારા મનની વાત કેવી રીતે જાણી શકે ? અને ઉપરથી પાછી સલાહ પણ આપી.

કેટલી ઉચ્ચ અવસ્થામાં હશે આ સંન્યાસી ! શિવના વિશે પણ કેવી રસપ્રદ વાતો કરી !! મારે એમની પૂજા પણ જોવી પડશે.

અને દેવરાજ ફરીથી બાબુલનાથ મંદિરની અંદર ગર્ભગૃહ સુધી ગયો. અહીં કેટલાક પંડિતો એમના યજમાનને રુદ્રાભિષેક કરાવતા હતા. પરંતુ સન્યાસી ગર્ભગૃહમાં ક્યાંય જોવા ન મળ્યા. હા એણે સન્યાસીને આપેલાં પાંચ મોટાં બીલીપત્ર શિવલિંગની ઉપર મૂકેલાં એણે જોયાં.

દેવરાજ તરત જ ગર્ભગૃહની બહાર આવી ગયો અને આખા મંદિરમાં ચારે બાજુ એ ફર્યો. સન્યાસી ક્યાંય પણ ન હતા. એ હવે મંદિરની બહાર આવ્યો. બહાર આવીને પણ એણે બધે જ તપાસ કરી. દૂર દૂર સુધી સન્યાસી દેખાતા ન હતા.

તો આ કોણ હતું ? કોણે એની પાસે પાંચ બિલિપત્ર માગ્યાં ? શીતલના પૂર્વજન્મ વિશે જાણવાની આડકતરી રીતે એમણે મનાઈ પણ કરી. આજે શિવરાત્રીના દિવસે શું એણે સાક્ષાત મહાદેવજીનાં દર્શન કર્યાં !!!

એ ખૂબ જ રોમાંચિત થઈ ઉઠ્યો. આજનો દિવસ એના માટે મહાન હતો શિવનો સાક્ષાત્કાર થયો હોય એટલો બધો એ આનંદિત હતો. નક્કી એ શિવ જ હતા. તો જ એ એવું કહી શકે કે - મૈં ખુદ તુમકો બહોત કુછ દે સકતા હૂં.

દર્શન કરીને દેવરાજ પીજી હાઉસમાં આવી ગયો. હજુ પણ એના દિલમાં આનંદની ઉર્મિઓ લહેરાતી હતી. છતાં એક વાતનો એને રંજ પણ હતો કે શીતલના પૂર્વજન્મ વિશે અને એની સાથેના પાછલા સંબંધો વિશે એ જાણી શકવાનો ન હતો. પોતાના સમર્થ ગુરુજીએ પણ લાચારી બતાવી હતી. અને આજે આ સંત મહાત્માએ પણ આ રહસ્યને રહસ્ય જ રહેવા દેવાની વાત કરી.

આ બાજુ અમદાવાદમાં શીતલનો પરિવાર પણ દર વર્ષે શિવરાત્રિનો ઉપવાસ કરતો હતો. આ ઉપવાસ ફરાળ કરીને જ કરવામાં આવતો હતો એટલે શીતલ અને શાલિનીએ વહેલા ઊઠીને ફરાળ બનાવવાનું ચાલુ કરી દીધું.

સૌ પ્રથમ શીતલે રાજગરાના લોટનો શીરો બનાવી દીધો તો બીજા ગેસ ઉપર શાલિનીએ બટેટા બાફીને સૂકી ભાજી બનાવી દીધી. એ પછી મોરૈયો અને મોરૈયાની કઢી બનાવી દીધી. રાજગરાના લોટની ભાખરી બાકી રાખી જેથી જમતી વખતે ગરમ ગરમ ભાખરી ખાઈ શકાય.

એ પછી શીતલ અને શાલિની દૂધના બે લોટા લઈને નજીકના ચકલેશ્વર મહાદેવમાં અભિષેક કરવા માટે નીકળી. મંદિરે પહોંચીને બાઈ પાસેથી બિલિપત્ર પણ લઈ લીધાં. એ પછી બંને બહેનો અંદર ગર્ભગૃહમાં દૂધ ચડાવવા માટે ગઈ.

અહીં જાણે કે એક ચમત્કાર જેવું થયું. અંદર ભીડ બહુ જ હતી. શીતલે પહેલાં બિલિપત્ર ચડાવી દીધાં. એ પછી એ જેવી લોટામાં રહેલા દૂધની શિવલિંગ ઉપર ધારા કરવા ગઈ કે પાછળથી કોઈનો ધક્કો વાગ્યો અને તમામ દૂધ એક સાથે જ શિવલિંગ ઉપર અભિષેક થઈ ગયું. એણે પાછળ જોયું તો પાંચ વર્ષની એક નાનકડી બાળકી હતી. શું બોલવું એને ?

એ પછી શાલુએ પણ બિલિપત્ર ચઢાવીને દૂધનો અભિષેક કર્યો અને બંને બહેનો પ્રાર્થના કરીને બહાર આવી.

બહાર આવી તો એમણે પણ એક લાંબી જટા અને દાઢીવાળા વૃદ્ધ સંન્યાસીને જોયા.

" બેટા જરા પાંચ બિલિપત્ર મુઝે દિલવા દે. શિવજીકી આજ પૂજા કરની હૈ. " સન્યાસી બોલ્યા.

શીતલે પેલી બાઈ પાસેથી બીજાં પાંચ બિલિપત્ર ખરીદ્યાં અને સંન્યાસી પાસે જઈને એમના હાથમાં આપ્યા.

"અખંડ સૌભાગ્યવતી ભવ" સન્યાસી બોલ્યા અને એ શિવમંદિરની અંદર ચાલ્યા ગયા.

બંને બહેનો ઘરે આવી. ઘરે આવીને શીતલ દૂધવાળા લોટાને નળ નીચે ધોવા જતી હતી ત્યાં એણે જોયું કે એના લોટામાં પાંચ બિલિપત્રો હતાં. એણે શિવલિંગ ઉપરથી તો કોઈ બિલિપત્ર લીધું જ ન હતું તો પછી આ બિલિપત્ર લોટામાં ક્યાંથી ?

એણે આશ્ચર્યથી બિલિપત્રને બહાર કાઢ્યાં તો ગણીને પાંચ બિલિપત્ર હતાં. આ કેવી રીતે બને ? એણે તો આ બિલિપત્ર પેલા સંન્યાસીને આપ્યાં હતાં. શિવરાત્રિના દિવસે આવો અનુભવ એની જિંદગીમાં પહેલીવાર જ થયો હતો.

એણે એના મમ્મી પપ્પાને પણ બધી વાત વિગતવાર કરી. શાલુને પણ આશ્ચર્ય થયું કારણ કે એ પણ એની સાથે જ હતી. બિલિપત્ર તો લીધાં જ ન હતાં.

" આજે શિવરાત્રિના દિવસે તારા ઉપર સાક્ષાત મહાદેવજીની કૃપા થઈ છે બેટા. એ સન્યાસી કોઈ સામાન્ય સન્યાસી નહીં હોય ! આ બિલિપત્ર ખૂબ જ પવિત્ર છે. એ શિવ નિર્માલ્ય છે. એમને આંખે અડાડો, માથે ચડાવો અને પછી તિજોરીમાં મૂકી દો." કાન્તિલાલ બોલ્યા.

ઘરના તમામ સભ્યોએ પાંચ બિલિપત્રને વારાફરતી આંખે અને માથે સ્પર્શ કરાવ્યો અને પછી તિજોરીમાં ગોઠવી દીધાં.

શીતલે આવો અનુભવ પહેલીવાર કર્યો હતો એટલે એની ઈચ્છા દેવરાજ સાથે શેર કરવાની હતી. રાત્રે ૧૦ વાગે એણે દેવરાજને ફોન કર્યો.

" રાજ આજે તો એક નવી નવાઈની ઘટના બની. ચમત્કાર શું કહેવાય એનો અનુભવ મારી જિંદગીમાં મને તો પહેલીવાર થયો. " શીતલ બોલી.

" કેવો ચમત્કાર થયો મારી શીતલ ડાર્લિંગને ? " દેવરાજ બોલ્યો. આજે એ એક અલગ મસ્તીમાં જ હતો.

અને શીતલે એક સાથે બધા જ દૂધનો અભિષેક આપોઆપ થઈ ગયો ત્યાંથી શરૂ કરીને પાંચે પાંચ બિલિપત્ર લોટામાંથી નીકળ્યાં ત્યાં સુધીની બધી જ વાત દેવરાજને માંડીને કરી.

" એવો જ અનુભવ આજે મને પણ અહીં બાબુલનાથના મંદિરમાં થયો છે. આપણા બંનેના જીવનમાં એક સાથે એક જ સન્યાસી મહાત્માએ આજે સામેથી પાંચ બિલિપત્ર માગ્યાં છે ! તું પણ મારા જેટલી જ નસીબદાર છે શીતલ." દેવરાજ બોલ્યો.

" શું વાત કરો છો ? તમને પણ એવો જ અનુભવ થયો ?" શીતલ આશ્ચર્ય થી બોલી.

" હા. એ સંન્યાસી કોણ હતા જેમણે સામેથી પાંચ બિલિપત્ર માગ્યાં એ તને ખબર છે ? " દેવરાજ બોલ્યો.

"ના રાજ. મને કેવી રીતે ખબર પડે ?" શીતલ બોલી.

" દેવોના દેવ મહાદેવ સ્વયં કદાચ આપણને બંનેને દર્શન આપીને ગયા !! આજે શિવરાત્રી છે !!! " દેવરાજ બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."