પીજી હાઉસ (PG House Novel Part-60)

Related

પીજી હાઉસ પ્રકરણ 60

" દેવોના દેવ મહાદેવ કદાચ સ્વયં આપણને બંનેને દર્શન આપીને ગયા !!!" દેવરાજ બોલ્યો.

" શું વાત કરો છો રાજ ? આઈ કાન્ટ બિલિવ ધિસ. આપણે ક્યાં એટલાં પૂણ્યશાળી છીએ કે શિવજી પોતે દર્શન આપવા આવે ! " શીતલ બોલી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

" દરેકની શ્રદ્ધાનો વિષય છે શીતલ. તારે માનવું હોય તો માન. વિશ્વાસ ના આવતો હોય તો એ તારો પ્રોબ્લેમ છે. મને જે લાગ્યું એ મેં કહ્યું. " દેવરાજ બોલ્યો.

" મારી વાતનું તમે ખોટું ના લગાડશો રાજ. હું થોડી બુદ્ધિજીવી વધારે છું. ચમત્કાર ચોક્કસ થયો છે પરંતુ એ ચમત્કાર સન્યાસી બાબાએ કર્યો હોય એવું મને લાગે છે. હું કંઈ એટલી બધી ભક્તિ ભાવનાવાળી નથી કે ભગવાન મને દર્શન દેવા આવે ! તમે ખૂબ જ શ્રદ્ધાળુ છો એટલે તમને એવું લાગે છે ! " શીતલ બોલી.

" સાવ સાચી વાત કહી શીતલ તેં ! અનેક જન્મો સુધી તપ કર્યા પછી પણ ઈશ્વર દર્શન દેતો નથી. કદાચ મારો ભ્રમ હોઈ શકે ! બોલો બીજા શું ખબર છે ? " દેવરાજે વાતને બદલી નાખી.

" બસ લગનની તૈયારીઓ ચાલે છે. તમે આટલા બધા દાગીના મારા માટે ખરીદ્યા એનાથી મમ્મી પપ્પા ખૂબ જ ખુશ છે." શીતલ બોલી.

" ચાલો તારો પરિવાર ખુશ છે એનો મને આનંદ છે. ગુડ નાઈટ. " કહીને દેવરાજે ફોન કટ કર્યો.

શીતલ સાથે વાત કરીને દેવરાજ થોડોક અપસેટ થઈ ગયો. એને શીતલની દલીલો ગમી નહીં. આટલા બધા દિવ્ય અનુભવો પછી પણ જો એને ઈશ્વરમાં શ્રદ્ધા ના પ્રગટે તો શું કામનું ? બુદ્ધિજીવી તો બધા હોય છે પરંતુ શ્રદ્ધા પણ હોવી જોઈએ ને !

દેવરાજને જો કે એ વાતનું પણ આશ્ચર્ય થયું કે શિવજીએ શીતલને આવો અનુભવ શા માટે કરાવ્યો ? સન્યાસી બનીને એને પણ દર્શન શા માટે આપ્યાં ? આ પ્રશ્નનો એની પાસે કોઈ જવાબ ન હતો.

આજે શિવરાત્રી છે. રાત્રિના સવા દસ વાગ્યા છે. સવારથી નકોરડો ઉપવાસ કર્યો છે. ભૂખ પણ કકડીને લાગી છે. કંઈક તો લેવું પડશે.

દેવરાજ કિચનમાં ગયો. હજુ નંદુ મહારાજ કિચનમાં જ હતા.

" જી શેઠજી. કંઈ જોઈએ તમારે ? " નંદુ મહારાજ બોલ્યા.

" મને થોડું દૂધ ગરમ કરીને આપી જાવ. આજે નકોરડો ઉપવાસ છે એટલે સાવ ખાલી પેટે રાત્રે ઊંઘ નહીં આવે. " દેવરાજ બોલ્યો.

" શેઠ દૂધમાં થોડી બદામ ઉકાળું ? બદામથી પેટમાં થોડો ભાર રહેશે અને ભૂખનો અનુભવ નહીં થાય. " નંદુ મહારાજ બોલ્યા.

" ઠીક છે. " દેવરાજે સંમતિ આપી.

" બસ પાંચ જ મિનિટમાં તમારા રૂમમાં પહોંચાડું છું." મહારાજ બોલ્યા.

દેવરાજ પોતાના રૂમમાં પાછો આવ્યો. જિંદગી કેટલી બધી બદલાઈ ગઈ ! મામા મામીના ત્યાં કદી પણ આ રીતે દૂધ પી શકાતું ન હતું. જ્યારે અહીં તો પાણી માંગો તો દૂધ મળે એવી સરભરા થઈ રહી છે ! બસ મનમાં ઈચ્છા થાય અને બધું મળી જાય. ઈશ્વરની લીલા પણ અપરંપાર છે !!

થોડીવાર પછી નંદુ મહારાજ દેવરાજ ના રૂમમાં મોટો ગ્લાસ ભરીને બદામ વાળું દૂધ આપી ગયા. દેવરાજને દૂધ પીધા પછી થોડીક રાહત થઈ.

આજે શિવરાત્રિની મહારાત્રિ હોવાથી શિવની ચેતના બ્રહ્માંડમાં ખૂબ જ સક્રિય હોય છે એ એને ખબર હતી. એટલે આજે વહેલી સવારે ચાર વાગે ઊઠીને ધ્યાનમાં બેસવાનું એણે નક્કી કર્યું અને પછી સૂઈ ગયો.

રોજની આદત હોવાથી એ વહેલી સવારે ચાર વાગે જાગી ગયો. એને હંમેશા એવો અનુભવ થતો કે વહેલી સવારે જાણે કે એને કોઈ ઉઠાડે છે. ગમે એટલી ભર ઊંઘ હોય તો પણ ચાર વાગે આંખ અચાનક જ ખુલી જતી.

દેવરાજે ઊઠીને સૌ પ્રથમ બ્રશ કરી લીધું. મ્હોં અને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો. એ પછી એ બેડ ઉપર આવીને પૂર્વ તરફ ચહેરો રાખીને ઘ્યાન કરવા માટે બેસી ગયો. ધ્યાન કરતી વખતે સામે ઈશાન દિશા, પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા હોય તો ધ્યાન જલ્દી લાગી જાય છે.

ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ પૃથ્વીનું પોઝિટિવ વીજ ચુંબકીય બળ સતત સક્રિય હોય છે. તે જ પ્રમાણે સૂર્ય જ્યાં ઊગે છે એ પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ પણ સૂર્યની એક પોઝિટિવ સાઈકલ સતત સક્રિય હોય છે. તેથી ઉત્તર અને પૂર્વ આ બે દિશાઓ ખૂબ જ મહત્ત્વની છે. અને એ બન્નેની વચ્ચેનો ઈશાન ખૂણો એકદમ વાઇબ્રન્ટ હોય છે. એટલે ઈશાન, પૂર્વ અને છેલ્લે ઉત્તર દિશા પોઝિટિવ ગણાય છે.

દેવરાજ ધ્યાનમાં ઊંડો ઉતરતો ગયો અને શિવનું સ્મરણ કરીને એણે સ્વામી આત્માનંદજીને યાદ કર્યા. આજે તો ત્રણ ચાર મિનિટમાં જ એના માનસપટલની સામે ગુરુજી પ્રત્યક્ષ થઈ ગયા.

" મહાત્માજીનાં દર્શન કરી લીધાં ? " ગુરુજીએ પહેલો પ્રશ્ન પૂછ્યો.

" હા ગુરુજી આપના આશીર્વાદથી આજે તો એવું લાગ્યું કે જાણે પ્રત્યક્ષ મહાદેવનો સાક્ષાત્કાર થઈ ગયો. અફસોસ એક જ થયો કે હું એમને ઓળખી શક્યો નહીં. મને એમ હતું કે એ કોઈ સિદ્ધ કક્ષાના સંત મહાત્મા છે." દેવરાજ બોલ્યો.

"ઈશ્વર કદી ઈશ્વરના સ્વરૂપમાં દેખાતો જ નથી. શિવજી પોતાના મૂળ સ્વરૂપમાં ક્યારેય પણ પ્રગટ થતા નથી. અને કોઈ તપસ્વીને કદાચ એ પ્રત્યક્ષ થાય તો પણ જે કલ્પનામાં આપણે ભગવાન શંકરની તસવીરો જોઈ છે એ જ સ્વરૂપમાં ગળામાં સર્પ અને હાથમાં ત્રિશુલ સાથે એ દેખાય છે. હકીકતમાં શિવ એવા છે જ નહીં. એ તો એક નિરાકાર સ્વરૂપમાં જ પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. " ગુરુજી બોલ્યા.

"ગુરુજી શિવજી મૂર્તિના બદલે લિંગ તરીકે કેમ પૂજાય છે ? " દેવરાજે કુતૂહલથી પ્રશ્ન પૂછ્યો.

" શિવજીનું કોઈ સ્વરૂપ છે જ નહીં એ નિરાકાર છે એટલા માટે એમની કોઈ મૂર્તિ નથી. સર્પો ધારણ કરેલી જે પણ મૂર્તિ દેખાય છે એ પુરાણોમાં આપેલા વર્ણનના આધારે શંકર વિશેનું આપણું કલ્પના ચિત્ર છે. રહી વાત શિવના લિંગની તો એ તને હું સમજાવું છું. " કહીને ગુરુજીએ શિવલિંગનું આખું તાંત્રિક રહસ્ય દેવરાજને સમજાવ્યું.

"શિવ એ નિરાકાર બ્રહ્મ છે, પુરુષ છે અને પાર્વતી એ શક્તિ છે અથવા પ્રકૃતિ છે. શિવ નિરાકાર હોવાથી એમનું કોઈ સ્થૂળ સ્વરૂપ નથી એટલે પુરુષના પ્રતીક તરીકે લિંગ આકારે એમની પૂજા શરૂ થઈ અને એ લિંગને પ્રકૃતિ સાથે એટલે કે યોનિ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું. પરંતુ શિવે કામને બાળી નાખ્યો છે. આખી સૃષ્ટિ લિંગ અને યોનિનું જ સર્જન અને વિસ્તાર છે." સ્વામી આત્માનંદજી બોલી રહ્યા હતા.

" અને એક બીજી વાત. શિવલિંગ એ બ્રહ્માંડનું પ્રતીક છે. બ્રહ્મનું અંડ એટલે બ્રહ્માંડ ! એટલે શિવલિંગ અંડાકાર છે. ઈંડાના આકારનું ! આવું અંડાકાર દેખાતું શિવલિંગ ઉજ્જૈનના મહાકાલનું છે અને એ એકદમ જાગૃત છે. ઉજ્જૈન એ આખી પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે. અને ત્યાં મહાકાલ બિરાજે છે. અમુક શિવ મંદિરોમાં ઉપરથી એકદમ સપાટ શિવલિંગ જોવા મળે છે. એ દોષ છે. એ ઉપરથી લંબગોળ આકારનું જ હોવું જોઈએ. " ગુરુજી બોલ્યા.

" ગુરૂજી વાત નીકળી જ છે તો એક છેલ્લો સવાલ પૂછું ? " દેવરાજ બોલ્યો.

" તું પૂછ્યા વગર રહેવાનો છે જ નહીં માટે પૂછી જ નાખ. " ગુરુજી હસીને બોલ્યા.

" ગુરુજી શિવલિંગ ઉપર અભિષેક શા માટે કરવામાં આવે છે ? શિવલિંગ ની પૂજા કરવાના બદલે એના ઉપર દૂધ પાણી અને બિલિપત્ર ચઢાવવાનું આટલું બધું મહત્વ શા માટે છે ? " દેવરાજે પૂછ્યું.

" સમુદ્રમંથન વખતે શિવજીએ પોતે ઝેર પીધું હતું અને દેવોને અમૃત વહેંચ્યું હતું. ઝેર પીવાના કારણે એમના આખા શરીરમાં દાહ બળતરા ઉપડી હતી અને ત્યારે દેવો દ્વારા એમના ઉપર સતત જલાભિષેક કરવામાં આવેલો અને બિલિપત્રનાં પાન ખાવા માટે આપેલાં. બિલિપત્ર અતિ શીતલ છે અને ઝેરનું મારણ પણ છે. એ પછી એમનો દાહ થોડો શાંત થયેલો. બસ ત્યારથી બિલિપત્ર અને જળાભિષેકની પ્રથા શરૂ થઈ. દૂધ પણ શીતલ છે. ધતુરો પીડાનાશક છે. એટલે એનાથી ઘેન રહેવાના કારણે વિષવેદના ઓછી થાય છે. " નિખિલ મહારાજ બોલી રહ્યા હતા.

" આ બધી ગહન વાતો છે દેવ. શિવ એ નિરાકાર બ્રહ્મ છે. સાક્ષાત ઈશ્વર છે. ચંદ્ર, ત્રિશૂળ અને જટાને ધારણ કરનાર શંકર એ તો એમનું સ્થળ સ્વરૂપ છે. બાકી એ તો નિરાકાર છે. આ શંકર જ્યારે ક્રોધાયમાન થઈ તાંડવ નૃત્ય કરે છે ત્યારે એમને રુદ્ર કહેવામાં આવે છે અને જ્યારે પ્રસન્ન મુદ્રામાં નૃત્ય કરે છે ત્યારે નટરાજ કહેવામાં આવે છે. " ગુરુજી બોલ્યા.

દેવરાજ તો ગુરુજીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. એને તો કલ્પના પણ ન હતી કે આ કારણથી શિવલિંગની પૂજા થતી હશે !!

" ગુરુજી સંન્યાસી મહાત્માએ મને કહ્યું કે - 'તુમ જો જવાબ ઢુંઢ રહે હો વો તુમકો કભી નહિ મિલેગા. કુછ રાઝ કો રાઝ હી રેહને દો. ઈસી મેં તુમ્હારી ભલાઈ હૈ " દેવરાજ બોલ્યો.

"એ તો મેં પણ તને કહેલું કે કુદરતની ઈચ્છા ન હોય તો સિદ્ધિ પણ કામ ના કરે. હવે એ દિશામાં વિચારવાનું બંધ કરી દે. નિયતિમાં જે લખ્યું હશે એ પ્રમાણે થશે. " ગુરુજી બોલ્યા.

" ભલે ગુરુજી. સાક્ષાત શિવજી પોતે પ્રગટ થઈને મને આવો આદેશ આપતા હોય પછી મારે શીતલ વિશેની તપાસ બંધ કરી દેવી જોઈએ. પરંતુ મને એક વાતનો જવાબ આપો ગુરુજી. શીતલ પોતે તો થોડીક નાસ્તિક લાગે છે. એને ધ્યાનમાં અને ઈશ્વરની વાતોમાં રસ ઓછો પડે છે તો પછી એને પણ શિવજીએ દર્શન કેમ આપ્યાં ? " દેવરાજ બોલ્યો.

" તારા છેલ્લા ત્રણ ચાર જન્મો જ હું જાણું છું પરંતુ શિવ તો સાક્ષાત ઈશ્વર છે. એ તો એના તમામ જન્મોને જાણતા હોય ! અને આજે એને દર્શન આપવાનું કારણ પણ તું જ છે. કારણ કે એ હવે તારી પોતાની અર્ધાંગિની બનવાની છે એટલે એમણે તમને બંનેને આશીર્વાદ આપ્યા હોય ! " ગુરુજી બોલ્યા.

" સમજી ગયો ગુરુજી. હવે મારા મનમાં કોઈ જ સવાલ નથી. બસ આપના આશીર્વાદ આપો. " દેવરાજ બોલ્યો અને આશીર્વાદ આપીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

દેવરાજ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો અને પછી સૂર્ય ઉદય થયો ત્યાં સુધી એણે ગાયત્રી મંત્રના બદલે *ૐ નમઃ શિવાય* ના જાપ કર્યા.

બીજો એક મહિનો પસાર થઈ ગયો. ફાગણ પણ આથમવા આવ્યો હતો. દેવકી હોસ્પિટલમાં એક કાયમી અનુભવી નર્સ તરીકે જાણીતી થઈ ગઈ હતી. એનામાં જબરદસ્ત પોઝિટિવ ઉર્જા હતી અને હિલીંગ પાવર પણ હતો એટલે મોટાભાગના પેશન્ટો પણ દેવકી મેમ ઇન્જેક્શન આપે એવો આગ્રહ રાખતા.

વ્યક્તિને જ્યારે બહુ જ પ્રશંસા મળવા લાગે ત્યારે આજુબાજુના લોકોને ઈર્ષ્યા થવા લાગતી હોય છે. દેવકીના કેસમાં પણ એવું જ હતું. એની સાથેની એક નર્સ દેવકીની ટૂંક સમયમાં જ આટલી બધી પ્રસિદ્ધિ અને પ્રગતિ જોઈને ઈર્ષ્યાથી બળી જતી હતી. એનું નામ જલ્પા હતું.

અને જલ્પાને દેવકીને ફસાવવાનો એક મોકો મળી પણ ગયો. બન્યું એવું કે છેલ્લા એક અઠવાડિયાથી જલ્પાની ડ્યુટી ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી વોર્ડમાં હતી. ઇમર્જન્સી વોર્ડની એક નર્સ બે દિવસની રજા ઉપર હોવાથી દેવકીને બે દિવસ માટે ઇમરજન્સી વોર્ડમાં જલ્પાની સાથે ડ્યુટી મળી.

સિરિયસ અકસ્માતના ઇમર્જન્સી કેસો ટ્રોમા સેન્ટરમાં જ આવતા હતા. આજે પણ બપોરે એક વાગે રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા એક યુવાનને એમ્બ્યુલન્સમાં આ ઇમર્જન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો.

યુવાનનું ઘણું લોહી વહી ગયું હતું અને ગળાના ભાગમાંથી હજુ પણ બ્લિડિંગ ચાલુ જ હતું. કેસ સીરીયસ થતો જતો હતો. યુવાન બેભાન જ હતો. તાત્કાલિક ઇન્ચાર્જ ડોક્ટરે બ્લિડિંગ બંધ થવાનું ઇન્જેક્શન ફાઈલમાં લખી દીધું અને તાત્કાલિક એ ઇન્જેક્શન પેશન્ટને આપી દેવાની સૂચના દેવકીને આપી.

દેવકીએ નામ વાંચીને ઈમરજન્સી વોર્ડમાં રાખેલા કબાટમાંથી ઇન્જેક્શન બહાર કાઢ્યું અને ટ્રોલીમાં મૂક્યું. એ પછી ટ્રોલી ત્યાં જ રાખીને એ ઘાયલ યુવાનના હાથની નસમાં વીગો નાખવા માટે ગઈ.

બરાબર એ જ વખતે બીજા એક દર્દી માટે જલ્પા પણ એક ઇન્જેક્શન લેવા માટે આવી હતી. એ સિનિયર નર્સ હતી એટલે બ્લિડિંગ બંધ કરવા માટે ડોકટરે કયું ઇન્જેક્શન લખ્યું હશે એ એને ખબર જ હતી.

દેવકીની ગેરહાજરીમાં જલ્પાએ ફટાફટ કબાટમાંથી એક બીજું ઇન્જેક્શન બહાર કાઢ્યું અને એ ટ્રોલીમાં મૂકીને દેવકીએ બહાર કાઢેલું ઇન્જેક્શન પાછું લઈ લીધું અને કબાટમાં મૂકી દીધું.

હકીકતમાં એણે જે ઇન્જેક્શન બદલી નાખ્યું એ ઇન્જેક્શન બ્લડમાં કલોટીંગ જ ના થાય એ માટેનું હતું. એટલે જો આ ઇન્જેક્શન આપવામાં આવે તો બ્લડ જામી જ ના શકે અને વધુને વધુ બ્લિડિંગ ચાલુ જ રહે. ઘાયલ યુવાનને તાત્કાલિક બ્લિડિંગ બંધ કરવાની જરૂર હતી. જલ્પાએ દેવકીને બદનામ કરવા માટે ખતરનાક ખેલ ખેલ્યો.

પરંતુ જેની પાસે ગાયત્રી સાધનાનું બળ હોય અને રોજ ગાયત્રી મંત્રની પાંચ માળા કરતી હોય એને કોણ ફસાવી શકે ? દેવકી ઉપર તો દેવરાજે બનાવેલું સુરક્ષા ચક્ર પણ સક્રિય હતું !

જલ્પાને ખબર ન હતી પરંતુ એણે દેવકી મેમનું ઇન્જેક્શન બદલી નાખ્યું છે એ જોનાર એક વોર્ડબોય રમેશ જલ્પાની પાછળ જ ઉભો હતો અને એ કબાટમાંથી ગ્લોવ્ઝ એટલે કે હાથનાં મોજાં લેવા માટે આવ્યો હતો.

રમેશની ડ્યુટી કાયમી ધોરણે ટ્રોમા સેન્ટરમાં જ રહેતી. સિનિયર હોવાના કારણે એને પોતાને પણ ઇન્જેક્શનો વિશે ઘણી માહિતી હતી. કબાટમાં રોજ ઇન્જેક્શનો એ જ ગોઠવતો હતો.

જલ્પાએ ઇન્જેક્શન એના બોક્ષમાં મૂકવાના બદલે ઉતાવળમાં કબાટમાં છૂટું જ મૂક્યું હતું. વોર્ડબોયે એ ઇન્જેક્શન હાથમાં લઈને નામ વાંચી લીધું. એ ઇન્જેક્શન બ્લડ બંધ કરવા માટેનું હતું ! તો પછી જલ્પા મેડમે એને પાછું મૂકીને બીજું કયું ઇન્જેક્શન ટ્રોલીમાં મૂક્યું ?

બરાબર એ જ વખતે દેવકી પેલા સીરીયસ યુવાનને આપવા માટે ઇન્જેક્શન સીરીંજમાં ભરી રહી હતી. વોર્ડબોય રમેશ એકદમ દોડ્યો.

" અરે મેડમ તમે કયું ઇન્જેક્શન આપી રહ્યાં છો ? જરા નામ તો વાંચો." વોર્ડબોય બોલ્યો.

ખાલી કરેલું ઇન્જેક્શન હજુ તો ટ્રોલીમાં જ પડ્યું હતું. દેવકીએ નામ વાંચ્યું . ડોક્ટરે લખેલું ઇન્જેક્શન આ તો ન જ હતું ! પોતે તો બરાબર નામ વાંચીને જ ઇન્જેક્શન કબાટમાંથી લીધું હતું. તો પછી આ ઇન્જેક્શન કેવી રીતે આવ્યું ?

રેસિડેન્ટ ડોક્ટર સામે જ બેઠો હતો. વોર્ડબોય જે બોલ્યો એ એણે પણ સાંભળ્યું. એ ત્યાં આવ્યો અને ઇન્જેક્શન જોઈને એ પણ ચમક્યો.

"અરે તમે આ કયું ઇન્જેક્શન લઈ આવ્યાં મેડમ ! દર્દી હમણાં ખલાસ થઈ જાત. સારું થયું આ રમેશ આવી ગયો. " રેસીડેન્ટ ડોક્ટર થોડા ગુસ્સાથી ધીમા અવાજે બોલ્યો.

" સાહેબ આ મેડમનો કોઈ વાંક નથી. પેલાં જલ્પા મેડમે ઇન્જેક્શન બદલી નાખ્યું છે અને મેં મારી સગી આંખે જોયું છે. હું એમની પાછળ જ ઉભો હતો. " કહીને વોર્ડ બોય રમેશ દોડીને કબાટમાં છૂટું મૂકેલું ઇન્જેક્શન લઈ આવ્યો અને ડોક્ટરને બતાવ્યું.

દેવકીની કોઈ જ ભૂલ ન હતી. એણે તો બરાબર ઇન્જેક્શન પસંદ કર્યું હતું. તો પછી જલ્પાએ શા માટે ઇન્જેક્શન બદલી નાખ્યું ? અને બદલીને પણ એવું ઇન્જેક્શન એણે ટ્રોલીમાં મૂક્યું કે બ્લડ બંધ જ ના થાય ! આ તો ખૂબ જ સિરિયસ મેટર છે.

" મેડમ તમે આ રમેશ લાવ્યો છે એ ઇન્જેક્શન જલ્દી આપી દો અને હું અત્યારે મોટા ડોક્ટરને વાત કરું છું. આ બહુ જ સીરિયસ મેટર છે. આ જલ્પા મેડમે તો કોઈનો જીવ લેવાની કોશિશ કરી છે. " ડોક્ટર બોલ્યો.

ત્યાં જલ્પા દોડતી આવી. હવે એ ખરેખર ગભરાઈ ગઈ. ઈર્ષ્યાની આગમાં એનાથી બહુ જ ખોટું પગલું ભરાઈ ગયું હતું એ એને હવે સમજાઈ ગયું.

" સાહેબ પ્લીઝ પ્લીઝ આગળ વાત ના કરશો. મારી નોકરી જતી રહેશે. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. દેવકી હું તને બે હાથ જોડું છું પ્લીઝ મને માફ કરી દે. સાહેબને કહે કે એ આગળ કોઈ પગલાં ના ભરે. મારે નાની બેબી છે. હું બદનામ થઈ જઈશ. " જલ્પા કરગરતી હતી.

"સોરી મેડમ. આવા કૃત્ય બદલ તમને માફ ના કરી શકાય. તમે ખૂબ જ ગંભીર ગુનો કર્યો છે. રમેશ જો સહેજ મોડો પડ્યો હોત તો થોડીવાર પછી આ પેશન્ટ છેલ્લા શ્વાસ લેતો હોત. કોઈની જીંદગી છીનવી લેવાનો તમને કોઈ જ અધિકાર નથી. મારી પણ અહીં જવાબદારી હોય છે. " ડોક્ટર ધીમેથી પણ ગુસ્સાથી બોલ્યો અને એણે સિનિયર સર્જનને ફોન કરી દીધો.

દસ જ મિનિટમાં સિનિયર સર્જન લગભગ દોડતા આવ્યા. રેસીડેન્ટ ડોક્ટરે બધી જ વાત કરી.

સર્જને રમેશને પણ પૂછ્યું અને રમેશે બધી સાચી વાત કરી દીધી. આ તો પેશન્ટની હત્યાનો પ્રયાસ હતો !

" મારે આ હોસ્પિટલમાં તારી સેવાની કોઈ જરૂર નથી. હું મેનેજમેન્ટને કહીને તને સસ્પેન્ડ કરાવી દઉં છું. હું ધારું તો અત્યારે તારી સામે પોલીસ કેસ પણ કરી શકું છું. અને હજુ પેશન્ટના કોઈ સગા આવ્યા નથી. એમને જો ખબર પડે તો એ તારી શું હાલત કરે એ તું સમજી શકે છે. " સિનિયર સર્જન બોલ્યા અને અહીં તાત્કાલિક બીજી નર્સ મુકવાની સૂચના રેસીડેન્ટ ડોક્ટરને આપી.

" અને તમે લોકો આ ચર્ચા બહાર ન કરશો. જે થઈ ગયું તે થઈ ગયું. એને સજા મળી જશે. નર્સથી બેદરકારી થઈ છે એટલી જ વાત જાહેર કરવાની. રમેશ તું પણ કોઈને કહેતો નહીં." સર્જન બોલ્યા અને બહાર નીકળી ગયા.

જલ્પા પાસે હવે અફસોસ કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો ન હતો. દેવકીને ફસાવવામાં એને પોતાને જ સસ્પેન્ડ થઈ જવાનો વારો આવ્યો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."