પીજી હાઉસ (PG House Novel Part-61)

Related

પીજી હાઉસ પ્રકરણ 61

હોસ્પિટલમાં જે પણ ઘટના બની એનાથી દેવકી થોડી વિચલિત થઈ ગઈ હતી. દેવકીના હૃદયમાં ઈર્ષ્યા જેવો કોઈ શબ્દ જ ન હતો. એણે જલ્પાનું શું બગાડ્યું હતું ! છતાં પણ એણે એને ફસાવવાની આવી હલકી કોશિશ કરી ! એની ઈર્ષ્યામાં બિચારો આ યુવાન મોતને ભેટ્યો હોત !!

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

એ તો મોટા ડોક્ટર એટલા સજ્જન હતા કે એમણે બહાર ક્યાંય પણ આ વાત લીક ન કરવાની સ્ટાફને સૂચના આપી. વોર્ડબોય રમેશની સતર્કતાના કારણે યુવાનનો જીવ બચી ગયો.

વાત ગમે એટલી છાની રાખો છતાં પણ આવી વાત લીક થયા વગર રહે જ નહીં. ટ્રોમા સેન્ટરની આ વાત ભલે બહાર ન ફેલાઈ હોય પરંતુ જલ્પા સસ્પેન્ડ થવાથી નર્સિંગ સ્ટાફમાં તો એ ચર્ચાનો વિષય બની જ ગઈ.

"એ જલ્પાડી હતી જ કામચોર ! આવું તે કરાતું હશે ? કોઈની જિંદગી સાથે ખેલતાં એને શરમ પણ ના આવી ? અને બિચારી દેવકીએ એનું શું બગાડ્યું હતું ? દેવકી તો બિચારી બીજી નર્સોને પણ મદદ કરે છે !" વગેરે ચર્ચાઓ થવા લાગી.

આ વાત વૈશાલી પંડ્યાના કાને પણ પડી હતી. એણે જ તો દેવકીને આ હોસ્પિટલમાં ગોઠવી હતી. દેવકી એની પોતાની પણ જવાબદારી હતી એટલે એને આ સમાચારોથી દુઃખ થયું.

" આ દુનિયામાં બહુ સારા થવામાં મજા નથી. ટૂંક સમયમાં જ તેં જે સફળતા અને કાબેલિયત મેળવી છે એ ઘણી નર્સોથી સહન થતું નથી. આ માનવ સ્વભાવ છે. તારી પાછળ તો દેવરાજ સરનો આટલો સપોર્ટ છે એટલે તું બચી ગઈ બાકી જો લાંબુ થયું હોત તો હું પણ તકલીફમાં મૂકાઈ જાત. કોઈ દુર્ઘટના ઘટે તો બધી જ પૂછપરછ થાય અને રેલો મારા સુધી આવે. " કેન્ટીનમાં જમતાં જમતાં વૈશાલી બોલી.

" તમને ક્યારેય પણ હું તકલીફ ન પડવા દઉં દીદી. અને હવે જલ્પા દીદી સસ્પેન્ડ થઈ ગયાં એટલે બીજી વાર આવું કંઈ કરતાં કોઈ સો વાર વિચાર કરશે. " દેવકી બોલી.

ફાગણ મહિનો પૂરો થઈ ગયો. આવતી કાલથી ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ રહ્યાં હતાં. દેવરાજ ચૈત્ર અને આસો મહિનાના નવરાત્રીમાં ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરતો. અનુષ્ઠાનથી એનામાં એક નવી જ ઉર્જા પેદા થતી.

દેવરાજ પોતાની ચેમ્બરમાં ગાયત્રી અનુષ્ઠાનના વિચારોમાં બેઠો હતો ત્યાં સાંજે સાત વાગે દેવકીએ પ્રવેશ કર્યો.

" આવ દેવકી. હોસ્પિટલમાં જોડાઈ ગયા પછી આજ કાલ તારાં દર્શન દુર્લભ થઈ ગયાં છે. " દેવરાજ હસીને બોલ્યો.

" શું વાત છે ! તમે જો મને ખરેખર મિસ કરતા હો તો આવતી કાલથી રોજ દર્શન આપવાનું ચાલુ કરી દઉં." ચબરાક દેવકીએ પણ હસીને જવાબ આપ્યો.

" તારી પાસે જવાબ હંમેશા તૈયાર જ હોય છે. વેરી સ્માર્ટ ! બોલ હવે આજે શું સેવા છે ? " દેવરાજ બોલ્યો.

" તમારી સેવા લેવાની ના હોય સર. ઉપરથી મારે સેવા આપવાની હોય." દેવકી બોલી.

"હા તો કઈ સેવા આપવા આવ્યાં છો દેવીજી ? " દેવરાજ બોલ્યો.

" વાહ આજ તો સરસ શબ્દ પ્રયોગ કર્યો તમે તો ! દેવ અને દેવીજી !! અસલ જોડી તો એ જ કહેવાય ને ?" દેવકી બોલી.

" હવે મૂળ વાત ઉપર આવશો ? " દેવરાજ બોલ્યો.

" ઓકે... સર હું દર વર્ષે ચૈત્ર અને આસો મહિનામાં ૨૪૦૦૦ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન વર્ષોથી કરું છું. અત્યાર સુધી આ અનુષ્ઠાન કરવાની તાકાત અને પ્રેરણા મને મારા દાદાજી આપતા હતા. પરંતુ હવે એ રહ્યા નથી તો મારે તમારા આશીર્વાદ જોઈએ છે. કાલથી નવ દિવસનું અનુષ્ઠાન હું કરવા માગું છું. નવ દિવસ સુધી મારી ડ્યુટી પણ મેં બપોરના બે વાગ્યાની લઈ લીધી છે." દેવકી બોલી.

" તું અહીંયાં હોસ્ટેલમાં રહીને ગાયત્રી અનુષ્ઠાન કરીશ ? " દેવરાજે આશ્ચર્ય થી પૂછ્યું.

" કેમ ના કરી શકું સર ? મારા મનમાં ક્યાં કોઈ કામના છે ? મારે તો બસ રોજ ૨૭ માળા કરવી છે. માતાજીને એ સ્વીકારવી હોય તો સ્વીકારે. અનુષ્ઠાન ના ગણાય તો પણ મને કોઈ ફરક પડતો નથી. ૨૪૦૦૦ મંત્રો તો માતાજી સુધી પહોંચવાના જ છે ને ! મારા દાદાજી કહેતા હતા કે નિષ્કામ ભક્તિથી કરેલા જાપ નિષ્ફળ જતા નથી. બસ સવારે ચાર વાગ્યે નાહી ધોઈને પલંગમાં જ બેસી જઈશ અને એક વાર જમીશ " દેવકી બોલી.

" તારા આ વિચારો મને બહુ ગમ્યા. ગીતામાં પણ કહ્યું જ છે કે શુદ્ધ અને નિઃસ્વાર્થ ભાવથી કરેલું કર્મ કદી નિષ્ફળ જતું નથી. તું ચોક્કસ કરી શકે છે. આશીર્વાદ આપવા માટે હું યોગ્ય છું કે નહીં એ મને ખબર નથી પરંતુ આવા પવિત્ર કાર્ય માટે મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે." દેવરાજ બોલ્યો.

" તમે યોગ્ય કેમ નથી ? તમે તો મારું સર્વસ્વ છો. મારા માલિક છો. પાછા પ્રખર ગાયત્રી ઉપાસક પણ છો ! ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યને પોતાનો શિષ્ય માનતા ન હતા પરંતુ એકલવ્ય તો એમને પોતાના ગુરુ માનીને જ બાણવિદ્યા શીખ્યો હતો ને ! તમે મને પ્રેમ કરો કે ના કરો પરંતુ મારુ દિલ માત્ર તમારા માટે જ ધડકે છે સર ! " દેવકી બોલી.

"દેવકી...પ્લીઝ તું આવી વાતો ન કર. તું બધું જ જાણે છે. શીતલ મારા માટે સર્વસ્વ છે. " દેવરાજ બોલ્યો.

" સર હું ક્યાં કહું છું કે તમે મને પ્રેમ કરો ? પરંતુ મને પ્રેમ કરતી રોકી તો ના શકો ને ? જેમ શીતલ તમારા માટે સર્વસ્વ છે એમ તમે મારા માટે સર્વસ્વ છો. આ મારી સ્ત્રી હઠ છે. દાદાજીની ભવિષ્યવાણી ઉપર મને પૂરો વિશ્વાસ છે. શ્રદ્ધા ડગમગી શકે પરંતુ વિશ્વાસ નહીં ! " દેવકી ખુમારીથી બોલી.

"દલીલોમાં હું તને ક્યારેય પણ પહોંચી નહીં શકું દેવકી. ઠીક છે તને જેમ યોગ્ય લાગે તેમ કર. " દેવરાજે હસીને પોતાની હાર કબૂલ કરી.

" સર હવે હું રજા લઉં. મારા માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપો. તમારા સ્પર્શથી જ મને નવ દિવસની ઉર્જા મળી જશે. " દેવકી બોલી અને ખુરશીમાંથી ઊભી થઈને દેવરાજ પાસે આવી અને બે હાથ જોડીને માથું નમાવીને ઉભી રહી.

દેવરાજે એના માથા ઉપર પોતાના જમણા હાથની હથેળી મૂકી અને એ સાથે જ દેવરાજને કંઈક ન સમજાય એવો અનુભવ થયો.

શક્તિનો કોઈ પ્રવાહ એના શરીરમાંથી નીકળીને દેવકીના શરીરમાં પ્રવેશતો હોય એવી અનુભૂતિ એને થઈ. એની પીઠમાં પણ સળવળાટ થઈ રહ્યો હતો. એ પોતે પણ સમાધિ જેવા દિવ્ય નશામાં ખોવાઈ ગયો હતો. જાણે શિવ અને શક્તિનું મિલન થઈ રહ્યું હોય એવો અનુભવ થતો હતો !!

દેવકીના મસ્તક ઉપર હાથ તો એણે માત્ર એક બે ક્ષણ માટે જ મૂક્યો હતો છતાં લગભગ બે મિનિટ સુધી એ પોતાનો હાથ પાછો ખેંચી શક્યો નહીં. દેવકી નતમસ્તકે ઉભી રહી હતી અને એક અલગ જ આનંદમાં ડૂબી ગઈ હતી !

દેવરાજે ધીમે રહીને પોતાનો હાથ પાછો ખેંચી લીધો. દેવકી પણ ધીમે ધીમે નોર્મલ થઈ અને એણે ઊંચું જોયું.

" સર તમે કોણ છો ? આવો અનુભવ તો મારી પૂરી લાઇફમાં મેં ક્યારેય પણ કર્યો નથી. એક ઊંડા અનંત સાગરમાં જાણે કે હું તરી રહી હતી. આનંદ આનંદ અને માત્ર આનંદ ! તમે હાથ પાછો કેમ ખેંચી લીધો ? " દેવકી બોલી.

" આ સવાલ તો મારે તને પૂછવો છે દેવકી કે તું કોણ છે ? તારા મસ્તક ઉપર હાથ મૂક્યા પછી મને પોતાને પણ કંઈક વિચિત્ર અનુભવ થયો હતો. હું પોતે જાણે સમાધિમાં ખોવાઈ ગયો હોઉં એવી અનુભૂતિ થતી હતી. કંઈ સમજાતું નથી. આ બધી ઈશ્વરની જ લીલા છે દેવકી ! તારા દાદાજીએ તારી સોંપણી મને કરી એની પાછળ પણ કોઈ ગૂઢ રહસ્ય હવે મને લાગે છે ! " દેવરાજ બોલ્યો.

અને એ સાથે જ કંઈ પણ બોલ્યા વગર દેવકી ત્યાંથી ઝડપથી બહાર નીકળી ગઈ. આજના અનુભવે એને થોડી હચમચાવી નાખી હતી. બહાર નીકળી ત્યારે એની આંખમાં આંસુ હતાં.

દેવકીના ગયા પછી દેવરાજ પાંચ મિનિટ સુધી સુનમુન બેસી જ રહ્યો. દેવકી વિશે એના મનમાં અનેક સવાલો ઊભા થયા હતા. દેવકી ખરેખર કોણ હતી ?

પોતાને મળેલી સર્વજ્ઞતા સિદ્ધિથી એ જાણી શક્યો હતો કે દેવકી અગાઉના એક જન્મમાં પોતાની પત્ની સુંદરી હતી. એ પોતે રાજસ્થાનમાં જન્મ્યો હતો અને પછી સાધુ બની ગયો હતો. દેવકી એને શોધતી શોધતી છેક ઋષિકેશ સુધી આવી હતી અને પોતે એને સ્વીકારી ન હોવાથી એણે ગંગા નદીમાં આત્મહત્યા કરી હતી.

પરંતુ શું દેવકી સાથેનો એનો માત્ર આટલો જ સંબંધ હતો ? દેવશંકર દાદાએ એને પોતાના ઘરે કેમ બોલાવ્યો હતો ? સિદ્ધિ આપવાનું તો કદાચ એક બહાનું હતું. એમનો મુખ્ય હેતુ તો દેવકી મને સોંપી દેવાનો હતો ! પણ શા માટે ? દેવશંકર દાદા તો સિદ્ધ મહાત્મા હતા. એ તો મને અને દેવકીને પૂરેપૂરા જાણતા જ હશે ને ! દેવકીને સ્પર્શ કરીને મને ક્ષણિક સમાધિ જેવો અનુભવ કેમ થયો ? સવાલો અનેક હતા પરંતુ જવાબો જડતા ન હતા ! દેવકી મારા જીવનમાં આવી એની પાછળ કંઈક તો રહસ્ય છે જ !

બહુ બધું વિચાર્યા પછી પણ એને કોઈ જ જવાબ ન મળ્યો એટલે એણે એ દિશામાં વિચારવાનું બંધ કર્યું અને શીતલને ફોન લગાવ્યો.

" શું વાત છે રાજ ! આજે તો સાડા સાત વાગ્યામાં ફોન કર્યો ? " શીતલ બોલી.

" હા આજે જરા ફ્રી હતો. આવતી કાલથી ચૈત્રી નવરાત્રી ચાલુ થાય છે એટલે નવ દિવસનું મારું ગાયત્રી અનુષ્ઠાન પણ ચાલુ થઈ જશે. નવ દિવસ સુધી આપણી વચ્ચે કોઈ રોમેન્ટિક વાતો નહીં થાય. તું પણ નવ દિવસ સુધી યથાશક્તિ ગાયત્રી મંત્ર કરતી હોય તો ? " દેવરાજ બોલ્યો.

"તમે મને માળા કરવાનું કહો છો ? મને એવો સમય જ ક્યાં મળે છે રાજ ? અત્યારે તો ઘરનું બધું કામ લગભગ મારે જ કરવાનું હોય છે. એમાં રોજ સવારે પૂજામાં બેસવાનું મને ક્યાંથી ફાવે ? " શીતલ બોલી.

" તારે ક્યાં રોજ માળા કરવાની છે શીતલ ? માત્ર નવ દિવસ માટે તો સવારે એક કલાક ફાળવી શકે ને ? અને મંત્ર ન ફાવે તો ૧૨ વખત ગાયત્રી ચાલીસાના પાઠ કર." દેવરાજ બોલ્યો.

" રાજ ભક્તિ કરવા માટે તો આખી જિંદગી પડી છે. હજી તો આપણે સંસાર પણ શરૂ નથી કર્યો. આ ઉંમરે તો રોમેન્ટિક વાતો જ આપણને શોભે. તમે અત્યારે મને માળાઓ કરવા માટે ફોન કર્યો છે ? " શીતલ શુષ્કતાથી બોલી.

" ના જરા પણ નહીં. આ તો આવતી કાલથી ચૈત્રી નવરાત્રી ચાલુ થાય છે એટલે મને જસ્ટ યાદ આવ્યું. લગ્નની તૈયારીઓ કેવીક ચાલે છે ? " દેવરાજે તરત વાતને બદલી નાખી.

" હા હવે મૂળ વાત ઉપર આવ્યા તમે. તૈયારીમાં તો આવતીકાલે અમે લોકો કપડાં ખરીદવા માટે રતનપોળ જવાનાં છીએ. લગ્નના ભારે ડ્રેસ પણ લેવા પડશે અને રૂટિન ડ્રેસ પણ ખરીદવા પડશે. કપડાંની તમામ ખરીદી હજુ બાકી જ છે રાજ. હવે તો લગભગ એક મહિનો જ બાકી છે. " શીતલ હવે ઉત્સાહિત થઈને બોલી.

શોપિંગ માટે પૈસાની કંઈ જરૂર હોય તો મોકલી આપું એવું કહેવાની દેવરાજની ઈચ્છા થઈ પરંતુ એણે એવી કોઈ જ વાત ના કરી. શીતલની વાતોથી એ થોડો અપસેટ થઈ ગયો હતો.

" ઓકે ઓકે એન્જોય. શોપિંગ કરવામાં કોઈ પણ જાતની કરકસર ના કરતી. " દેવરાજ બોલ્યો અને એણે ફોન કટ કર્યો. શીતલને ક્યારે પણ આધ્યાત્મિક ચર્ચા ગમતી ન હતી.

દેવકી ઉત્તર ધ્રુવ હતી તો શીતલ દક્ષિણ ધ્રુવ ! દેવરાજ પોતે લોહચુંબક ની જેમ બંને તરફ ખેંચાતો જતો હતો.

ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ ગઈ. દેવરાજ સવારે ચાર વાગે ઊઠીને નાહી ધોઈને સુમિત્રા મમ્મીના પૂજા રૂમમાં અલગ આસન પાથરીને ગાયત્રી મંત્રની માળા કરવા માટે બેસી જતો હતો. ૪:૩૦ વાગે એની માળા શરૂ થતી અને અઢી કલાકમાં એટલે કે સવારે ૭ વાગે એની માળા પૂરી થઈ જતી.

દેવરાજ જ્યારે જ્યારે પૂજા રૂમમાં આવતો ત્યારે એને યાદ આવતું કે પૂજા રુમમાં ગોઠવેલું આરસનું મંદિર પૂર્વજન્મમાં એણે પોતે જ ખરીદ્યું હતું અને એ મંદિરના પાછળના ભાગમાં એણે કરોડો રૂપિયાના અસલી હીરા છુપાવેલા છે. એને અત્યારે પૈસાની કોઈ જ જરૂર ન હતી એટલે એ હીરા તરફ એ ધ્યાન આપતો ન હતો.

દેવકી પણ એલાર્મ મૂકીને વહેલી સવારે ચાર વાગ્યે ઊભી થઈ જતી અને નાહી ધોઈને એ પણ બેડ ઉપર જ માળા કરવા માટે બેસી જતી હતી. એને જો કે માળા પૂરી કરવામાં સાડા સાત વાગી જતા હતા.

દેવરાજે દરેક રૂમમાં ગાયત્રી મંત્ર છાપેલાં સ્ટીકર પહોંચાડેલાં હતાં એટલે પીજી હાઉસના લગભગ તમામ સ્ટુડન્ટ્સ પણ એક માળા તો રોજ કરતા જ હતા.

નવરાત્રિ પૂરી થઈ ગઈ. નિર્વિઘ્ને આ અનુષ્ઠાન પૂરું કર્યાનો દેવકીને ખૂબ જ આનંદ હતો. અનુષ્ઠાન પૂરું કર્યા પછી એ દેવરાજને રૂબરૂ મળવા નહોતી આવી પરંતુ એણે ફોન જરૂર કર્યો હતો.

" સર તમારા આશીર્વાદથી મારું ગાયત્રી અનુષ્ઠાન નિર્વિઘ્ને પૂરું થઈ ગયું છે અને આ વખતે મને ખૂબ જ મજા આવી છે. તમારો ખુબ ખુબ આભાર. " બોલીને દેવકીએ ફોન કટ કરી દીધો.

એ દેવરાજને મળવા નહોતી આવી કારણકે દેવરાજની સામે એ ખૂબ જ ઇમોશનલ થઈ જતી હતી. કંઈક ન સમજાય એવું ખેંચાણ એ અનુભવતી હતી.

બીજા ૧૫ દિવસ વીતી ગયા. દેવકી પોતાની રેગ્યુલર ડ્યુટી ઉપર હાજર થઈ ગઈ હતી. આ વખતે એને સ્પેશિયલ રૂમ્સના ફ્લોર ઉપર સવારે ૮ થી સાંજના ૪ સુધીની ડ્યુટી આપવામાં આવી હતી. એની સાથે બીજી પણ એક સિનિયર નર્સ હતી. આ ફ્લોર ઉપર સર્જીકલ અને નોન સર્જીકલ વીઆઈપી પેશન્ટો એડમિટ થતા હતા.

દેવકી એટલા બધા પ્રેમથી અને લાગણીથી દર્દીઓની સંભાળ રાખતી હતી કે તમામ પેશન્ટો દેવકીથી ખુશ રહેતા. દેવકી પેશન્ટોમાં એક નવી જ હિંમત અને આશા પેદા કરતી હતી.

એક વૃદ્ધ માજીની એણે એટલી બધી સેવા કરી કે ડિસ્ચાર્જ વખતે એ માજી દેવકીના માથે હાથ ફેરવીને રડી પડ્યાં.

" બેટા કાશ મારે પણ તારા જેવી એક દીકરી હોત. દીકરી સગી માની સેવા કરતી હોય એવી રીતે તેં આ દશ દિવસ મારું ધ્યાન રાખ્યું." માજી બોલ્યાં અને એમણે ૧૦૦૦ રૂપિયા દેવકીને બક્ષિસ આપવાની કોશિશ કરી પરંતુ દેવકીએ એક પણ રૂપિયો લેવાની ના પાડી.

" ના માસી. તમારા આશીર્વાદ જ મારા માટે પૂરતા છે. મને પૈસાની કોઈ જ જરૂર નથી. આ રકમ કોઈ ગરીબને આપી દેજો જેને ખરેખર જરૂર હોય." દેવકી બોલી.

એ જ સમય ગાળામાં ૭૯ વર્ષની ઉંમરના બીજા એક શ્રીમંત નંદલાલ ભાટીયા પણ એમના પિત્તાશયના ઓપરેશન માટે સ્પેશિયલ રૂમ નંબર ૩ માં એડમિટ થયેલા હતા. નંદલાલ ઓપરેશનથી બહુ જ ગભરાતા હતા.

" સિસ્ટર આ ડોક્ટર મુનશીનો હાથ તો સારો છે ને ? મતલબ કે એમના ઓપરેશન તો સફળ થાય છે ને ? કાલે મારું ઓપરેશન છે એટલે બહુ ડર લાગે છે. " નંદલાલ બોલ્યા.

" અરે અંકલ. મુનશી સર એટલાં સરસ ઓપરેશન કરે છે કે લોકો હસતા હસતા ઘરે જતા હોય છે. આખી હોસ્પિટલમાં સૌથી સારા સર્જન આ મુનશી સાહેબ જ છે. અને તમારું ઓપરેશન તો સાવ સામાન્ય ઓપરેશન છે. " દેવકી બોલી.

" વારુ. ઓપરેશન કર્યા પછી બહુ દુખાવો થાય છે ? " નંદલાલ બોલ્યા.

" ના રે ના અંકલ. ઓપરેશન વખતે તમને દુખાવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને રૂમમાં લાવ્યા પછી પણ બે ત્રણ દિવસ સુધી પેન કિલર ઈન્જેકશન અમે આપીશું એટલે તમને કોઈ પણ જાતનો દુઃખાવો નહીં થાય." દેવકી બોલી.

" તો તો સારું. અને સિસ્ટર મારો બાયોપ્સી રિપોર્ટ આવી ગયો ? આજે આવી જવાનો હતો. મને કેન્સરનો બહુ ડર લાગે છે. " નંદલાલ બોલ્યા.

" અંકલ તમે શા માટે આટલા બધા ડરો છો ? તમારો રિપોર્ટ નોર્મલ આવ્યો છે અને સાહેબે પણ જોઈ લીધો છે. એટલે જ કાલે તમારું ઓપરેશન છે. " દેવકી બોલી.

" હાશ. શ્રીનાથજી બાવા ઉપર મને પૂરો વિશ્વાસ હતો. " નંદલાલ બે હાથ જોડીને બોલ્યા.

" અંકલ જો તમને આટલો બધો વિશ્વાસ હોય તો આટલો બધો ડર શા માટે ? તમારું દર્દ તો કંઈ જ નથી. લોકો બિચારા કેવાં કેવાં દર્દોથી પીડાતાં હોય છે એ અમે રોજ જોતાં હોઈએ છીએ." દેવકી બોલી.

" તમારી વાત સાચી છે સિસ્ટર. પણ મને તો ઇન્જેક્શનથી પણ ડર લાગે છે. સ્વભાવ જ બળ્યો ગભરાટિયો છે ! " નંદલાલ બોલ્યા.

" મને તમે માનથી ન બોલાવો અંકલ. તમે તો મારા દાદાની ઉંમરના છો. તમે મને મારા નામથી બોલાવશો તો પણ ચાલશે. મારું નામ દેવકી છે. " દેવકી બોલી.

પરંતુ દેવકીની આટલી બધી સારપતા નિખાલસતા અને સેવા ભાવના એના પોતાના માટે કેવી મુસીબત ઊભી કરવાની હતી એની એને ખુદને જ ખબર ન હતી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."