પીજી હાઉસ (PG House Novel Part-62)

Related

પીજી હાઉસ પ્રકરણ 62

નંદલાલ ભાટીયાને બીજા દિવસે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા ત્યારે પણ દેવકીએ એમને ઘણી હિંમત આપી હતી. પિત્તાશયનું ઓપરેશન બીજા દિવસે સરસ રીતે પતી ગયું હતું અને ફરી પાછા એમને સ્પેશિયલ રૂમમાં લાવવામાં આવ્યા હતા.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

એ પછી છ દિવસ સુધી નંદલાલ ભાટીયા સ્પેશિયલ રૂમમાં રહ્યા હતા. આ છ દિવસ દરમિયાન એક નર્સ તરીકે દેવકીએ એમની ખૂબ જ સારી સંભાળ લીધી હતી. એ રોજ સવારે એમને સ્પંજ કરતી. હોસ્પિટલનો યુનિફોર્મ બદલાવતી. સમયસર આવીને ગોળીઓ ગળાવતી અને પોતાની ડ્યુટી દરમિયાન ઇન્જેક્શન પણ આપી જતી.

આટલી બધી સાર સંભાળ અને કાળજીથી નંદલાલ ભાટીયા ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.

લોહાણા જ્ઞાતિના નંદલાલ ભાટીયા એક કરોડપતિ શેઠ હતા અને મુંબઈના ફ્લોરા ફાઉન્ટન એરિયામાં એમનો ડ્રાયફ્રુટનો મોટો સ્ટોર હતો. એ પોતે ડ્રાયફ્રુટ એક્સપોર્ટ પણ કરતા હતા. જો કે અત્યારે એમનો આ સ્ટોર એમના બે દીકરા ચલાવતા હતા. મોટો હિરેન અને નાનો વિવેક.

હિરેનનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં અને ૨૮ વર્ષનો વિવેક હજુ કુંવારો હતો. વિવેક પોતે હેન્ડસમ હતો અને એણે એમબીએ માર્કેટિંગ કર્યું હતું. છેલ્લા બે વર્ષથી એના લગ્નની વાતો ચાલતી હતી પરંતુ કોઈ યોગ્ય પાત્ર મળતું ન હતું. પોતે શ્રીમંત હોવાના કારણે વાતો તો ઘણી આવતી હતી પરંતુ વિવેકને છોકરી પસંદ આવતી ન હતી.

નંદલાલ શેઠ હોસ્પિટલમાં એડમિટ થયેલા હોવાથી એમનો આખો પરિવાર વારાફરતી સ્પેશિયલ રૂમમાં આવતો જતો હતો. અને બધાને હોસ્પિટલની આ નર્સ અને એની આટલી બધી સાર સંભાળ પસંદ આવી ગઈ હતી.

દેવકી વાચાળ પણ હતી અને વાતો પણ સરસ કરતી હતી. નંદલાલનો ડર દૂર કરવા માટે એ ઘણી હિંમત પણ આપતી હતી અને મોટીવેટ પણ કરતી હતી. ઘરના બધાને આ ખૂબસૂરત છોકરી ગમી ગઈ હતી.

આ બધામાં વિવેક પોતે પણ બાકાત ન હતો. એ તો દેવકીને જોઈને જ જાણે કે એના પ્રેમમાં પડી ગયો હતો. હોસ્પિટલની એની મુલાકાતો વધી ગઈ હતી. કોઈને કોઈ બહાને એ દેવકી સાથે વાત કરવાની કોશિશ કરતો. દેવકી નિર્દોષ ભાવે બધા સાથે હસીને વાત કરતી.

" વિવેક તને આ દેવકી નર્સ કેમ લાગે છે ? આ છ દિવસમાં એણે મારી એટલી બધી સેવા કરી છે કે મારી પાસે એનાં વખાણ કરવા માટે કોઈ શબ્દો નથી. આ છોકરી આપણા આખા કુળને ઉજાળે એવી છે. દેખાવે પણ પરી જેવી છે."

ડિસ્ચાર્જ થવાના આગલા દિવસે નંદલાલ ભાટીયા પોતાના નાના દીકરા વિવેક અને મોટી વહુ જયશ્રી સાથે વાત કરી રહ્યા હતા.

"પપ્પા સાવ સાચું કહું તો મને પણ દેવકી ગમી જ ગઈ છે. મેં અત્યાર સુધીમાં આટલી બધી છોકરીઓ જોઈ પરંતુ આ દેવકી જેટલી ખૂબસુરત અને સંસ્કારી છોકરી આપણી જ્ઞાતિમાં તો બીજી કોઈ નથી. " વિવેક સંકોચ સાથે બોલ્યો.

" હા પપ્પા. વિવેકભાઈ માટે આ કન્યા ખરેખર ખૂબ જ સરસ છે. આપણા ઘરમાં શોભે એવી છે. " પપ્પાનું ટિફિન લઈને આવેલી મોટા દીકરાની વહુ જયશ્રી બોલી.

" ઠીક છે તમારા લોકોની હા જ છે તો પછી હું આજે જ એની સાથે જરા વાત કરી જોઉં છું. ચાર વાગે એની ડ્યુટી પૂરી થઈ જાય છે. એ વખતે જ હું એની સાથે વાત કરી લઈશ. એ આવે ત્યારે તું જરા બહાર જતો રહેજે. " શેઠ બોલ્યા.

એ પછી એક ઇન્જેક્શન આપવા માટે અઢી વાગે દેવકી એમના રૂમમાં આવી. એ વખતે જયશ્રી તો ખાલી ટિફિન લઈને ઘરે ચાલી ગઈ હતી. વિવેક ત્યાં બેઠો બેઠો ટીવી જોઈ રહ્યો હતો.

"કેમ છે અંકલ હવે તમારી તબિયત ? હવે તો કાલે તમને રજા આપવાની છે. હમણાં થોડા દિવસ ઘરે આરામ જ કરજો. " કહીને દેવકીએ સીરીંજમાં ઇન્જેક્શન ભર્યું અને નંદલાલ શેઠને વીગોમાં આપી દીધું.

" બેટા તારી ડ્યુટી તો ચાર વાગ્યે પૂરી થઈ જાય છે ને ?" નંદલાલ બોલ્યા.

" હા અંકલ. હવે હું કાલે સવારે ૮ વાગે આવીશ. ચાર વાગ્યા પછી હર્ષાબેન આવશે. " દેવકી બોલી.

" મારે તારું થોડું કામ છે. તારી ડ્યુટી પતી જાય પછી તું જરા મારા રૂમમાં આવી જજે ને ! " નંદલાલ બોલ્યા.

" હા હા ચોક્કસ. હું સવા ચાર વાગે આવીશ. " દેવકી હસીને બોલી અને બહાર નીકળી ગઈ.

અને બરાબર સવા ચાર વાગે દેવકી એનો પોતાનો નોર્મલ ડ્રેસ પહેરીને રૂમ નંબર ૩ માં આવી. અત્યારે એ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

દેવકી આવી એની પાંચ મિનિટ પહેલાં જ વિવેક ભાટીયા જાણી જોઈને બહાર નીકળી ગયો હતો.

" આવ બેટા. અહીં મારી સામે આ સોફામાં બેસ. તારું આખું નામ શું ? તારા ફેમિલીમાં કોણ કોણ છે ? તું ક્યાં રહે છે ? " ભાટીયા શેઠે એક સાથે અનેક પ્રશ્નો પૂછી લીધા.

" જી અંકલ મારું નામ દેવકી પાઢ છે. મારા ફેમિલીમાં તો કોઈ જ નથી. હું પોતે નજીકમાં જ એક હોસ્ટેલમાં એટલે કે પીજી હાઉસમાં રહું છું. " દેવકીએ જવાબ આપ્યો. એને સમજાતું ન હતું કે આ પેશન્ટ આટલા બધા સવાલ કેમ કરે છે !

"તારી સરનેમ પાઢ છે ? આ સરનેમ તો મેં પહેલીવાર સાંભળી. " શેઠ બોલ્યા.

" દ્વારકાના ગુગળી બ્રાહ્મણમાં આ અટક હોય છે અંકલ." દેવકી બોલી.

" તારા ફેમિલીમાં અહીંયાં કોઈ જ નથી ? એટલે કે બધા દ્વારકા રહે છે ?" ભાટીયા શેઠ બધું જ જાણવા માગતા હતા.

" મમ્મી પપ્પા તો દશ વર્ષ પહેલાં જ અકસ્માતમાં ગુજરી ગયાં. એક દાદાજી હતા એ પણ થોડા દિવસ પહેલાં ગુજરી ગયા એટલે હું હવે હોસ્ટેલમાં રહું છું." દેવકી બોલી.

દેવકીની વાત સાંભળીને ભાટીયા શેઠ મનોમન ખૂબ જ ખુશ થયા. બ્રાહ્મણ કુળની આટલી સુંદર છોકરી અને એ પણ મા બાપ વગરની ! વિવેક માટે આનાથી સુંદર બીજી કન્યા મળે જ નહીં. પરંતુ વાત કેવી રીતે કરવી ?

"બેટા તેં આ સાત દિવસ સુધી મારી ખૂબ જ સેવા કરી છે. મારો પરિવાર તારાથી ખૂબ જ ખુશ છે. અહીંયાં હોસ્પિટલમાં તો અમે તારું કોઈ સન્માન ના કરી શકીએ પરંતુ આવતા રવિવારે મારા ઘરે એક ફંકશન રાખ્યું છે. આમ તો હું સાજો સારો થઈને ઘરે જઈ રહ્યો છું એટલા માટે જ પરિવારે આ ફંકશન રાખ્યું છે પરંતુ અમે તારું પણ સન્માન કરવા માગીએ છીએ." ભાટીયા શેઠ બોલ્યા.

" એવા કોઈ સન્માનની મને જરૂર નથી અંકલ. તમારી સારવાર એ તો મારી ફરજ છે. બધા જ પેશન્ટોની આ જ રીતે હું સંભાળ રાખું છું. તમે આટલું કહ્યું એમાં જ બધું આવી ગયું." કહીને દેવકી ઊભી થઈ ગઈ.

" અરે તું ઉભી શું કામ થઈ ગઈ ? તારે આવવાનું જ છે બેટા. મરીન ડ્રાઈવ ઉપર નરીમાન પોઇન્ટ તરફ ટ્રાઇડન્ટ હોટલની બાજુમાં જ મારો ફ્લેટ છે. તું જ્યાં કહે ત્યાં મારો દીકરો ગાડી લઈને તને લેવા આવશે. તેં આટલી મારી સેવા કરી છે બેટા તો મને પણ તારું બહુમાન કરવાનો એક મોકો આપ." ભાટીયા શેઠ બોલ્યા.

" અંકલ પ્લીઝ આવી વાત ન કરો. મારુ સન્માન કે બહુમાન કરવાનું હોય જ નહીં. હું આ રીતે તમારા ફંકશનમાં ના આવી શકું. " દેવકી બોલી. એને આવી બધી વાતો ગમતી જ ન હતી.

" પ્લીઝ બેટા. તને અમે વધારે રોકીશું નહીં. જમીને તરત જ નીકળી જજે. મારો દીકરો જ તને મૂકી જશે. હું તારા દાદાની ઉંમરનો છું. " ભાટીયા શેઠ હવે ઈમોશનલ વાતો કરી રહ્યા હતા.

" ઠીક છે. તમારો ફોન નંબર મને આપી રાખો. મારો નિર્ણય હું તમને ફોન ઉપર જ કહીશ. અત્યારે હું કોઈ પણ કમિટમેન્ટ કરતી નથી." દેવકી બોલી.

ભાટીયા શેઠને લાગ્યું કે હવે વધુ આગ્રહ કરવાથી વાત બગડી જશે એટલે એમણે દેવકીને પોતાનો ફોન નંબર લખાવ્યો. દેવકી તરત જ બહાર નીકળી ગઈ.

દેવકી બહાર નીકળી એ લિફ્ટ પાસે ઉભેલા વિવેકે જોયું એટલે એ ધીમે રહીને પપ્પાના રૂમમાં આવી ગયો.

"શું જવાબ આપ્યો દેવકીએ પપ્પા ? " અંદર આવીને તરત જ વિવેક બોલ્યો. એ તો આજે યુનિફોર્મ વગરની નોર્મલ દેવકીને જોઈને પાગલ જ બની ગયો હતો.

" એમ આજ ને આજ થોડો જવાબ મળે વિવેક ? આવા કામમાં ધીરજ રાખવી પડે. કોઈને એમ સીધી રીતે ના પૂછાય. આવતા રવિવારે ઘરે ફંકશન છે એમ કહી એને જમવાનું આમંત્રણ આપ્યું છે. એમ પણ કહ્યું કે તેં આટલી બધી સેવા કરી છે તો તારું સન્માન પણ કરવું છે. " ભાટીયા શેઠ બોલ્યા.

" એણે આવવાની હા પાડી ? " વિવેકે અધીરાઈથી પૂછ્યું.

"એમ થોડી હા પાડે વિવેક ? એણે તો ચોખ્ખી ના જ પાડી કે પેશન્ટોની સેવા કરવાની અમારી ફરજ છે એમાં કંઈ સન્માન કરવાનું ના હોય. છતાં મેં બહુ આગ્રહ કર્યો તો એણે મારો ફોન નંબર લીધો છે. જોઈએ હવે. વધુ દબાણ કરવા જઈએ તો એને વહેમ આવે." નંદલાલ શેઠે વાત પૂરી કરી.

પપ્પાનો જવાબ સાંભળીને વિવેક અપસેટ થઈ ગયો પરંતુ પપ્પાની વાત સાચી હતી. હોસ્પિટલની નર્સને એમ થોડી પ્રપોઝ કરાય ? ગુસ્સે થઈ જાય તો બધી વાત બગડી જાય !

બીજા દિવસે સવારે ૧૧ વાગે નંદલાલ શેઠને ડિસ્ચાર્જ મળ્યો ત્યાં સુધી દેવકી એ જ ફ્લોર ઉપર ડ્યુટી ઉપર હતી છતાં આજે એ ૩ નંબરના રૂમમાં ગઈ જ નહીં. બે વાર એણે એની કલીગ સંધ્યાને જ મોકલી. ઘરે જતી વખતે નંદલાલ શેઠે દેવકીને એના ટેબલ ઉપર જોઈ પરંતુ એ કંઈ બોલ્યા નહીં.

સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય બહુ જાગૃત હોય છે. અને દેવકી તો પાછી ગાયત્રી ઉપાસક હતી ! ભાટીયા શેઠની વાતોમાં એને કંઈક બીજી જ ગંધ આવતી હતી. બધા જ પેશન્ટોની એ આ રીતે જ પ્રેમથી સાર સંભાળ રાખતી હતી પરંતુ કોઈ પેશન્ટ આ રીતે ઘરે બોલાવીને સન્માન કરવાની વાત કરતું ન હતું ! એ થોડી અપસેટ થઈ ગઈ હતી.

ભાટીયા શેઠનો છોકરો પણ એણે એ રૂમમાં જોયો હતો અને એ જે રીતે એની સામે તાકી રહેતો હતો એ પણ શંકા ઉપજાવનારું હતું. એ ગઈકાલની વાતથી થોડી અપસેટ થઈ ગઈ હતી.

તન મન ધનથી એ સંપૂર્ણપણે દેવરાજને સમર્પિત હતી એટલે કોઈ બીજું એને ખરાબ નજરથી જુએ એ પણ એને સહન થતું ન હતું. આ બાબતની ચર્ચા દેવરાજ સર સાથે કરવી જોઈએ એવો એણે નિર્ણય લીધો.

એ દિવસે સાંજે જ એ દેવરાજની ચેમ્બરમાં પહોંચી ગઈ. દેવરાજને જોતાં જ એ લાગણીશીલ થઈ જતી. અત્યારે જે વાત કરવા આવી હતી એ વાત યાદ કરીને ફરી થોડી અપસેટ થઈ ગઈ અને એની આંખમાં પાણી આવી ગયાં.

" અરે દેવકી આજે કેમ આટલી બધી સિરિયસ છે ! તારી આંખોમાં આટલી બધી ઉદાસી કેમ ? " દેવરાજ લાગણીથી બોલ્યો. દેવકી એની જવાબદારી હતી.

અને દેવરાજની આટલી લાગણી જોઈને દેવકી રડી પડી.

"અરે પણ મને વાત તો કર. હોસ્પિટલ માં કંઈ થયું છે ? " દેવરાજ બોલ્યો.

અને દેવકીએ પોતાની આંખો લૂછીને માંડીને બધી વાત કરી.

" હું એ શેઠના ઘરે જવા નથી માગતી સર. તમારા સિવાય હું બીજા કોઈનો વિચાર પણ કરી શકતી નથી. " દેવકી બોલી.

" પણ તને કોણ દબાણ કરે છે ? તારે જવાની કોઈ જરૂર નથી. " દેવરાજ બોલ્યો.

દેવરાજના જવાબથી દેવકીને ઘણી માનસિક શાંતિ મળી. એ ઊભી થઈને બહાર નીકળી ગઈ.

શુક્રવાર સુધી દેવકીનો કોઈ ફોન ન આવ્યો એટલે વિવેક ભાટીયા બેચેન થઈ ગયો. એણે હોસ્પિટલ એક ચક્કર મારવાનું નક્કી કર્યું.

એ બપોરે ૧૨ વાગે હોસ્પિટલ પહોંચી ગયો પરંતુ એક નર્સ રજા ઉપર હોવાથી દેવકીને આજે બીજા એક વોર્ડમાં મૂકવામાં આવી હતી.

" દેવકી મેડમ છે ? " વિવેકે સ્પેશિયલ વોર્ડના નર્સિંગ ટેબલ ઉપર જઈને એક અજાણી નર્સને પૂછ્યું.

" ના સર. એની ડ્યુટી બદલાઈ ગઈ છે. એ હવે બીજા વોર્ડમાં છે. કંઈ કામ હતું ? " પેલી નર્સ બોલી.

" ના. હોસ્પિટલ સુધી આવ્યો હતો તો થયું કે મળતો જાઉં. મેડમ મને સારી રીતે ઓળખે છે. " વિવેક બોલ્યો.

" ઓકે સર. તમારું નામ શું ? " નર્સ બોલી.

" જી. વિવેક ભાટીયા. " વિવેક બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો. હવે અહીં આવડી મોટી હોસ્પિટલમાં દેવકીને શોધવાનો કોઈ મતલબ નથી. એના વિશે વધુ પૂછપરછ કરવી પણ યોગ્ય નથી.

બપોરે જમવાના રીસેસ ટાઈમે દેવકી આ સ્પેશિયલ વોર્ડમાં આંટો મારવા આવી ત્યારે ત્યાં જે નર્સ આજે હતી એણે દેવકીને સમાચાર આપ્યા કે કોઈ વિવેક ભાટીયા નામના ભાઈ તને શોધતા હતા.

હવે દેવકી ચમકી. આ તો હદ થઈ ગઈ. આવું કોઈ કઈ રીતે કરી શકે ? એ ફરી પાછી સાંજે દેવરાજની ચેમ્બરમાં ગઈ અને દેવરાજને બધી હકીકત કહી.

" તારી વાત સાચી છે. આ વધારે પડતું થઈ રહ્યું છે. આ ન ચાલે." દેવરાજ બોલ્યો અને બે મિનિટ માટે એ ઊંડા ધ્યાનમાં ઉતરી ગયો.

" હોસ્પિટલમાં દાખલ થયેલા એ શેઠ એમના દીકરા વિવેક સાથે તારાં લગ્ન કરાવવા માંગે છે. તું એમને બહુ જ ગમી ગઈ છે. સીધી રીતે પૂછવાની એમની હિંમત ન ચાલી એટલે વધુ પરિચય કેળવવા માટે એમણે ફંક્શનના બહાને તને ઘરે બોલાવી છે. અને તારે રવિવારે એમના ઘરે જવાનું છે. તું અત્યારે એમને ફોન કરીને જાણ કરી દે કે હું ફંક્શનમાં આવું છું. " દેવરાજ દેવકીની સામે જોઈને બોલ્યો.

"વ્હોટ !! મારે એમના ઘરે જવાનું છે ? તમે શું કહી રહ્યા છો સર ? " દેવકી આશ્ચર્યથી અને થોડા ગભરાટથી બોલી.

" હા તારે એમના ઘરે જવાનું છે. ત્યાં તને કોઈ તકલીફ નહીં પડે. ત્યાં તને જોવા માટે એના નજીકના કુટુંબીઓ ભેગા થશે. તારે ડરવાની કોઈ જરૂર નથી. જમણવાર બધું પતી ગયા પછી તને વિવેકની ભાભી વિવેક માટે પ્રપોઝ કરશે. તને આપવા માટે એક ભારે ડ્રેસ પણ એ લોકો લાવી રાખશે. તારે એ વખતે માત્ર એટલો જ જવાબ આપવાનો કે મારી તો સગાઈ થઈ ગઈ છે અને બે મહિના પછી મારાં લગ્ન છે." દેવરાજ હસીને બોલ્યો.

" બે મહિના પછી મારાં લગ્ન છે એમ કહું ? " દેવકી આશ્ચર્યથી બોલી.

" મુસીબતને ટાળવા માટે આ રીતે ક્યારેક નાનકડું અસત્ય બોલવું પડે. તારો પ્રોબ્લેમ બીજી જ મિનિટે સોલ્વ થઈ જશે. " દેવરાજ બોલ્યો.

" એ મને પૂછે કે તારાં લગ્ન કોની સાથે થવાનાં છે તો શું જવાબ આપું ? " દેવકી દેવરાજની સામે જોઈને બોલી.

" હું તને ખાત્રી આપું છું કે એવો કોઈ જ સવાલ એ લોકો નહીં પૂછે. તું જેવી ત્યાં પહોંચીશ કે મારી નજર તારી ઉપર જ રહેશે અને તારી રક્ષા પણ કરીશ. " દેવરાજ બોલ્યો.

" તમે જો મારી ઉપર નજર રાખવાના હો તો તો પછી મને કોઈનો પણ ડર નથી. હું ચોક્કસ જઈશ અને આ વાતનો કાયમ માટે છેડો ફાડીશ. " દેવકી હવે મૂડમાં આવી ગઈ.

" સાંભળ. ભાટીયા શેઠ તને કહેશે કે વિવેક ગાડી લઈને તને લેવા આવી જશે તો તારે કહી દેવાનું કે એવી કોઈ જરૂર નથી. હું ટેક્સીમાં જ આવીશ. તમે તમારું એડ્રેસ મને લખાવી દો." દેવરાજ બોલ્યો.

દેવકીએ ભાટીયા શેઠને ફોન કરવા માટે જેવો મોબાઈલ હાથમાં લીધો કે તરત જ દેવરાજે એને રોકી દીધી.

" ના. તારા મોબાઇલથી ફોન કરવાનો નથી. તું આપણા પીજી હાઉસના આ લેન્ડલાઈન ફોનથી વાત કર અને એ જે એડ્રેસ લખાવે એ તું આ પેડ માં લખી લે." કહીને દેવરાજે એને લેટર પેડ અને પેન આપ્યા.

દેવકીએ દેવરાજના ટેબલ ઉપર પડેલા લેન્ડલાઈન ફોનથી ભાટીયા શેઠને ફોન લગાવ્યો.

" અંકલ હું દેવકી બોલું છું પીજી હાઉસ થી. તમારા આમંત્રણને માન આપીને રવિવારે હું ચોક્કસ આવીશ. મારે કેટલા વાગે આવવાનું છે અને ક્યાં આવવાનું છે એ મને લખાવી દો." દેવકી બોલી.

" અરે બેટા તું એડ્રેસની ચિંતા શું કામ કરે છે ? વિવેક ગાડી લઈને તને તારા પીજી હાઉસ સુધી લેવા આવી જશે. સાંજે છ વાગે તૈયાર રહેજે. આપણું ફંક્શન સાત વાગે છે. " નંદલાલ શેઠ એકદમ ઉત્સાહથી બોલ્યા.

"તમે એડ્રેસ લખાવી દો અંકલ. હું ટેક્સીમાં જ આવી જઈશ." દેવકી બોલી.

ભાટીયા શેઠ સમજી ગયા. કોઈ પણ છોકરી એમ પરિચય વિના અજાણ્યા પુરુષ સાથે ગાડીમાં બેસવા તૈયાર ના થાય !

" ઠીક છે બેટા મારું એડ્રેસ લખી લે. હું સાંજે સાડા છ વાગે તારી રાહ જોઈશ. " કહીને ભાટીયા શેઠે મરીન ડ્રાઈવ ઉપર આવેલા પોતાના ઝવેર મહેલનું એડ્રેસ લખાવી દીધું. દેવકીએ ફોન કટ કર્યો.

" હવે સાંભળ. આ એડ્રેસ તો ખૂબ જાણીતું છે. એની પાછળ જ વાનખેડે સ્ટેડિયમ છે. રવિવારે સાંજે હું જાતે જ તને એના ફ્લેટ સુધી મૂકી જઈશ. તારું ફંકશન પતે ત્યાં સુધી હું મરીન ડ્રાઈવ ઉપર લટાર મારીશ. " દેવરાજ બોલ્યો.

અને રવિવારે સાંજે સાડા છ વાગે દેવરાજ દેવકીને લઈને ઝવેર મહેલ પહોંચી ગયો. એણે દેવકીને ઝવેર મહેલથી થોડેક દૂર જ ઉતારી દીધી અને પછી પોતે નરીમાન પોઇન્ટ તરફ આગળ વધ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."