પીજી હાઉસ (PG House Novel Part-63)

Related

પીજી હાઉસ પ્રકરણ 63

દેવરાજે દેવકીને ઝવેર મહેલથી થોડેક દૂર વળાંક ઉપર ઉતારી જેથી એ ગાડીમાં આવી છે એવી કોઈને ખબર ના પડે. એને ઉતારીને દેવરાજ નરીમાન પોઇન્ટ તરફ આગળ વધ્યો. આગળથી યુ ટર્ન લઈને એ મરીન ડ્રાઈવ પાછો આવ્યો અને ગાડીને સાઈડમાં પાર્ક કરીને એક પાળી ઉપર બેઠો. સાંજનો સમય હતો એટલે ઘણા બધા લોકો અત્યારે મરીન ડ્રાઈવ ઉપર ફરવા માટે આવેલા હતા.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

દેવકીનું સ્વાગત કરવા માટે વિવેક નીચે જ ઊભો હતો. એણે દેવકીને આવતી જોઈ. દેવકીનું આજનું રૂપ જોઈને વિવેક લગભગ પાગલ જ થઈ ગયો. એણે પોતાનો હાથ હલાવ્યો. દેવકી નજીક આવી ગઈ.

" વેલકમ દેવકી " વિવેક બોલ્યો.

વેલકમ સિસ્ટર બોલવાના બદલે એણે દેવકીને નામથી બોલાવવાનું પસંદ કર્યું. એ દેવકીને ઉપર બીજા માળે લઈ ગયો. વિશાળ ફ્લેટ હતો. ફંકશન હોવાથી થોડો સજાવ્યો પણ હતો. સામેની દીવાલમાં જ મોટો શ્રીનાથજી બાવાનો ફોટો લટકાવેલો હતો.

ફ્લેટમાં ૧૦ ૧૨ લોકો જોવા મળ્યા. ભાટીયા પરિવારના પાંચ સભ્યો સિવાય બીજા સાતેક નજીકના સગાને એમણે આમંત્રણ આપ્યું હતું.

મૂળ તો નંદલાલ ભાટીયાની ઈચ્છા બધાને દેવકી બતાવવાની હતી. જો આજે ને આજે દેવકી માની જાય તો સગાઈનું એનાઉન્સમેન્ટ કરવા સુદ્ધાંની તૈયારી ભાટીયા શેઠની હતી !

બધાએ દેવકીનું ભાવભીનું સ્વાગત કર્યું. દેવરાજની સૂચના પ્રમાણે દેવકી આજે તૈયાર થઈને આવી હતી. ગ્રીન પિસ્તા કલરનો પટિયાલા ડ્રેસ આજે એણે પહેર્યો હતો. માથાના વાળને પણ શેમ્પુ કરીને છૂટા રાખ્યા હતા.

" વેલકમ દેવકી. તેં એક અઠવાડિયા સુધી મારી જે સેવા કરી છે એ બદલ મારો આખો પરિવાર તારું સ્વાગત કરે છે. " કહીને ભાટીયા શેઠે પોતે જ ગુલાબનાં તાજાં ફૂલોનો બુકે દેવકીને આપ્યો.

" અરે અંકલ એક નર્સ તરીકે મેં તો મારી ફરજ બજાવી હતી. મારું આટલું બધું બહુમાન કરવાની કોઈ જરૂર નહોતી." દેવકી હસીને બોલી. બધાની નજર દેવકી ઉપર હતી.

મોટાભાઈ હિરેનની વાઈફ જયશ્રી દેવકીની નજીક આવી અને એનો હાથ પકડીને સોફા પાસે લઈ ગઈ અને પોતાની પાસે બેસાડી. એણે એ જ સોફા ઉપર બેઠેલી પોતાની સાસુનો એટલે કે નંદલાલ શેઠનાં પત્નીનો પરિચય કરાવ્યો.

" દેવકી આ મારાં સાસુ સુશીલાબેન છે. " જયશ્રી બોલી.

" જી એમને મેં હોસ્પિટલમાં એક બે વાર જોયેલાં છે. " દેવકી સુશીલાબેન તરફ બે હાથ જોડીને બોલી.

" અને સામે જે બેઠા છે એ મારા હસબન્ડ હિરેન છે. સૌથી મોટા દીકરા." જયશ્રી બોલી.

દેવકીએ એમને પણ બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

" અને તને નીચે લેવા આવ્યા હતા એ મારા દિયર વિવેકભાઈ. અમારો ફોર્ટમાં ફાઉન્ટેન સામે ડ્રાયફ્રુટનો મોટો સ્ટોર છે અને અત્યારે બંને ભાઈઓ જ ચલાવે છે." જયશ્રીએ વિવેકનો પણ પરિચય કરાવ્યો.

" હા એમને પણ હું ઓળખું છું. " દેવકી બોલી.

" અને આ દેવકી છે. પ્રાર્થના સમાજ પાસે રિલાયન્સ હરકિશનદાસ હોસ્પિટલમાં એ નર્સ તરીકે સેવા બજાવે છે. બ્રાહ્મણની દીકરી છે. માતા પિતા નથી અને અત્યારે એ પીજી હાઉસમાં રહે છે. એણે મારી ખૂબ જ સેવા કરી છે. આજે એનું સન્માન કરવા આ નાનકડી પાર્ટી ગોઠવી છે." નંદલાલ ભાટીયાએ મોટા અવાજે મહેમાનોને દેવકીનો પરિચય કરાવ્યો.

બધાએ તાળીઓથી દેવકીને વધાવી લીધી. દેવકીએ બધાને હાથ જોડ્યા.

" હવે જમવાનું શરૂ કરીએ ત્યાં સુધી દેવકીને આખો ફ્લેટ તો બતાવો. " ભાટીયા શેઠ બોલ્યા.

જયશ્રી દેવકીને લઈને ઊભી થઈ અને તમામ રૂમ્સ બતાવ્યા. મોટું કિચન બતાવ્યું. એ પછી પાછળની બાલ્કની માં જઈ વિશાળ વાનખેડે સ્ટેડિયમ પણ બતાવ્યું.

"ક્રિકેટની મેચ તો અમે અહીં ગેલેરીમાં બેઠાં બેઠાં લાઈવ જોઈ શકીએ છીએ. વિવેકભાઈને ક્રિકેટનો ગાંડો શોખ છે અને પોતે સારા પ્લેયર પણ છે. " જયશ્રી બોલી.

એ પછી દેવકીને લઈને જયશ્રી મુખ્ય હૉલમાં પાછી આવી.

" હવે જમવાનું ચાલુ કરી શકો છો. જયશ્રી... દેવકીની પ્લેટ તું જ લઈ આવ. " ભાટીયા શેઠ બોલ્યા.

" ના ના અંકલ હું લઈ લઈશ." દેવકી બોલી અને એ જયશ્રીની સાથે જ ઊભી થઈ ગઈ.

કિચનના મોટા પ્લેટફોર્મ ઉપર જ બુફે ગોઠવ્યું હતું. કેરીની સીઝન ચાલુ થઈ ગઈ હતી એટલે કેરીનો રસ, પૂરી, કાજુ કારેલાનું શાક, મગની છૂટી દાળ અને કઢી ભાત હતાં. પોતાની પ્લેટ લઈને દેવકી ફરી પાછી પોતાની મૂળ જગ્યાએ સોફા ઉપર બેસી ગઈ. જયશ્રી પણ એની જોડે જ બેઠી.

જમતી વખતે જયશ્રીએ ભાટીયા શેઠના બિઝનેસનો બધો પરિચય આપ્યો. કરોડોની મોટી મોટી વાતો કરી. થોડી વાતો વિવેક વિશે પણ કરી.

જમવાનું પતી ગયું એટલે આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો.

એ પછી પ્લાન મુજબ જયશ્રી જરીભરત ભરેલો એક ભારે ડ્રેસ અંદરથી લઈ આવી અને દેવકીના હાથમાં મૂક્યો. સાથે ડ્રાયફ્રુટનું મોટું ગિફ્ટ પેક પણ એના ખોળામાં મૂક્યું.

" અરે પણ આટલો બધો મોંઘો ડ્રેસ મને શા માટે ? " દેવકી બોલી.

" તારો હક છે દેવકી. લઈ લે બેટા." ભાટીયા શેઠ બોલ્યા.

" દેવકી જો તને કોઈ વાંધો ના હોય તો અમારી ઈચ્છા તને આ ઘરની લક્ષ્મી બનાવવાની છે. ઘરમાં બધાંને તું પસંદ આવી ગઈ છે. વિવેકભાઈ સાથે તારી જોડી સારી શોભે છે." જયશ્રી ધીમે રહીને બોલી.

" અરે જયશ્રીબેન... આ બધું કરતાં પહેલાં કમ સે કમ તમે લોકો મને પૂછો તો ખરાં ! મારી તો સગાઈ થઈ ગઈ છે અને બે મહિના પછી મારું મેરેજ છે !!! મારી સગાઈ ના થઈ હોત તો ચોક્કસ મેં તમને હા જ પાડી હોત. " દેવકી હસીને બોલી અને આખાય હૉલમાં સોપો પડી ગયો.

ત્યાં ઉપસ્થિત બધા જ લોકો ભાટીયા શેઠ સામે જોઈ રહ્યા. એમણે જ દેવકીનો પરિચય આપ્યો હતો અને વિવેક સાથે એનું ગોઠવવાની ઘરમાં વાત કરી હતી. ક્યાંક કાચું કપાઈ ગયું હતું !

" અરે બેટા તેં પહેલાં અમને કહ્યું કેમ નહીં ? " ભાટીયા શેઠ થોડા નારાજ થઈને દેવકી સામે જોઈને બોલ્યા.

"અંકલ તમે મને મારા લગ્ન વિશે પૂછ્યું જ ક્યાં હતું ? તમે જે જે સવાલો પૂછ્યા એના મેં જવાબો આપ્યા હતા. મારી સગાઈ વાલકેશ્વરમાં થઈ છે. મનમોહન શેઠની હું ભાવિ પુત્રવધુ છું. મારા હસબન્ડ પણ કરોડોપતિ જ છે. હોસ્પિટલમાં નર્સની જોબ તો માત્ર ટાઇમપાસ કરવા માટે જ હું કરું છું." દેવકી બોલી.

ભાટીયા શેઠને લાગ્યું કે દેવકીની વાત સાચી હતી. દેવકી કુંવારી હશે એવી કલ્પના તો એમણે પોતે જ કરી હતી. બધાની વચ્ચે એ છોભીલા પડી ગયા હતા.

વિવેકને પણ પપ્પા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. એમણે અધૂરી માહિતી મેળવી હતી. અત્યારે બધાની વચ્ચે એક મોટી મજાક થઈ ગઈ !

નંદલાલ ભાટીયા જમાનાના ખાધેલ હતા અને એક કાબેલ વેપારી પણ હતા. અત્યાર સુધીમાં ૭૮ દિવાળી જોઈ ચૂક્યા હતા. એમણે તરત જ બાજી સંભાળી લીધી.

" કંઈ વાંધો નહીં બેટા. તું મારી દીકરી જેવી જ છે. તેં મારી ઘણી સંભાળ રાખી છે. મારી ગેરસમજ થઈ છે અને એનાથી તને કંઈ દુઃખ થયું હોય તો હું માફી માગું છું. આ ડ્રેસ ઉપર તારો જ અધિકાર છે. મારે કોઈ દીકરી નથી એટલે દીકરી માનીને જ આ ગિફ્ટ તને આપું છું. તારે મારા લાયક કંઈ પણ કામ હોય તો મારા ઘરના દરવાજા તારા માટે હંમેશ માટે ખુલ્લા છે. " ભાટીયા શેઠ બોલ્યા.

શેઠની આ વાત પછી ઘરના તમામ સભ્યો અને મહેમાનો પણ થોડા રિલેક્ષ થઈ ગયા. દેવકીને પણ રાહત થઈ.

" હવે હું જાઉં અંકલ ? " દેવકી બોલી.

"હા બેટા. નીચેથી જ તને ટેક્સી મળી જશે. " ભાટીયા શેઠ બોલ્યા. આ વખતે એમણે કારમાં મૂકી આવવાનો કોઈ આગ્રહ કર્યો નહીં.

દેવકી ડ્રેસ અને ગિફ્ટ બોક્સ લઈને નીચે ઉતરી ગઈ અને એણે દેવરાજને ફોન કરી દીધો.

"રોડ ક્રોસ કરીને સામેની સાઈડ આવી જા. તારી સામે જ મારી ગાડી ઉભી છે. " દેવરાજ બોલ્યો.

પ્રોગ્રામ પતી ગયો છે એ દેવરાજને ખબર પડી ગઈ હતી એટલે એ પાળી ઉપરથી ઉભો થઈને પોતાની ગાડી પાસે આવી ગયો હતો.

" કેવું રહ્યું ફંકશન ? " ગાડી સ્ટાર્ટ કરતાં દેવરાજ બોલ્યો.

" અરે સર બહુ જ મજા આવી. મને આ ભારે ડ્રેસ પણ આપ્યો. તમે કહ્યું હતું એમ જયશ્રીબેને મને વિવેક માટે પ્રપોઝ પણ કર્યું પરંતુ મેં જ્યારે કહ્યું કે મારી તો સગાઈ થઈ ગઈ છે અને બે મહિના પછી મારાં લગન છે ત્યારે તો બધાના ચહેરા એવા ઉતરી ગયા કે ના પૂછો વાત. બધા ભાટીયા અંકલ ઉપર ગુસ્સે હતા !" દેવકી બોલી.

" પરંતુ તારે હું મનમોહન શેઠની પુત્રવધુ છું અને વાલકેશ્વર મારું સાસરું છે એવું કહેવાની ક્યાં જરૂર હતી !!" દેવરાજ બોલ્યો.

દેવકી ચમકી ગઈ. સરને આ બધી ખબર કેવી રીતે પડી ? પરંતુ દેવકીને ખબર ન હતી કે દેવરાજ દૂર બેઠાં બેઠાં પણ બધું જોઈ શકતો હતો ! એણે પોતાનું બધું જ ફોકસ નંદલાલ ભાટીયાના ફ્લેટની અંદર કરેલું હતું.

" મને અંદરથી જે જવાબ મળ્યો એ હું બોલી ગઈ. મને ખબર નથી કે મેં આવું કેમ કહ્યું ! અને તમે અને હું થોડાં અલગ છીએ સર ? તમે ભલે ને મારો સ્વીકાર ન કરો. પરંતુ મેં તો સ્વીકાર કરી જ દીધો છે ને ? " દેવકી હસીને બોલી.

દેવરાજ સમજી ગયો કે દેવકીને દલીલોમાં નહીં પહોંચાય એટલે એ ચૂપ જ રહ્યો.

દેવરાજ દેવકીને પીજી હાઉસ પાસે ઉતારીને વાલકેશ્વર જવા માટે નીકળી ગયો. આજે રવિવાર હતો એટલે પીજી હાઉસમાં પોતે રજા રાખતો. જયરાજ અંકલ રવિવારે આવતા અને શનિવારે રજા રાખતા.

" બેટા આપણે તારા રિસેપ્શન માટે સંસ્કૃતિ બેંકેટ્સ ફાઇનલ કરી દીધું છે. બાબુલનાથની બાજુમાં જ દાદી શેઠ રોડ ઉપર આવેલું આ લોકેશન ખૂબ જ સરસ છે. એક એક વર્ષ અગાઉ આ હૉલ બુક થઈ જાય છે. મારી ઓળખાણ હતી એટલે ૧૪મી મે ની સાંજનું બુકિંગ મળી ગયું. " મનમોહન શેઠ રાત્રે આઠ વાગે જમતી વખતે બોલ્યા.

"ચાલો આ ટેન્શન પણ આપણું પૂરું થઈ ગયું. મુંબઈમાં સારાં વેડિંગ લોકેશન મળવાં મુશ્કેલ હોય છે. લગ્ન માટેની લગભગ બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ. " દેવરાજ બોલ્યો.

" ના. લગ્નની આમંત્રણ પત્રિકાઓ હજુ છાપવાની બાકી છે. લગ્નને હવે એક મહિનો બાકી રહ્યો. મે મહિનાની પહેલી તારીખે આ કંકોત્રીઓ મોકલી દેવી જોઈએ. આજે ૧૫ એપ્રિલ તો થઈ ગઈ. તારે થોડી ઉતાવળ કરવી પડશે. સિલેક્શન સારું કરજે. મારું સર્કલ વીઆઇપી છે. " શેઠ બોલ્યા.

"મારી ચોઇસ પણ એટલી જ ઊંચી છે પપ્પા. હું બે ત્રણ દિવસમાં જ સિલેક્શન કરી દઈશ. આપણે તમારા તરફથી કેટલી કંકોત્રી છાપાવવી પડશે ? મારા પોતાનાં સગાંવહાલાંમાં તો દસેક ફૅમિલી છે. બીજી દસેક કંકોત્રી મિત્રો અને શ્વસુર પક્ષની ગણો તો વધુ માં વધુ મારી વીસ કંકોત્રી થશે." દેવરાજ બોલ્યો.

" ટોટલ ૭૫ કંકોત્રી છપાવી દે. ૫૦ કંકોત્રી તો મારે પોતાને જોઈશે જ. એ કામ તું ચાલુ કરી દે. એ સિવાય રિસેપ્શન માટે પણ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને કહેવું પડશે. હવે તો એ લોકો જ ડેકોરેશન ફ્લાવરિંગ કેટરિંગ બધું જ પૂરું પાડે છે. આપણે અલગ અલગ કોન્ટ્રાક્ટરો શોધવા પડતા નથી." મનમોહન શેઠ બોલ્યા.

"મલાડમાં તુલસી વિહારની જે જગ્યા વેડિંગ સેરિમની માટે નક્કી કરી છે ત્યાંનો મેનેજર શૈલેષ મહેતા બે ત્રણ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને ઓળખે છે. હું એની સાથે વાત કરી લઈશ." દેવરાજ બોલ્યો.

" ઠીક છે તું વાત કરી લેજે. લગ્ન કરવા માટે શાસ્ત્રીજી તો મારા જાણીતા છે એટલે એમને પણ મારે ૧૩ તારીખ માટે બુક કરી દેવા પડશે. " મનમોહન શેઠ બોલ્યા.

બીજા દિવસે ઓફિસે જઈને દેવરાજે આમંત્રણ પત્રિકાનાં સારામાં સારાં સેમ્પલ લઈ આવવાનું કામ જયરાજ અંકલને સોંપ્યું.

" અંકલ તમે પૈસાની કોઈ ચિંતા ના કરશો. ગમે એટલાં મોંઘાં હોય આપણે બેસ્ટ કંકોત્રી પસંદ કરવાની છે. " દેવરાજ બોલ્યો.

" એમાં તમારે કંઈ કહેવું નહીં પડે. હું એક કાર્ડ કંકોત્રીવાળાને ઓળખું છું કાલે સવારે જ જઈ આવીશ." અંકલ બોલ્યા.

અને બીજા દિવસે જયરાજ અંકલ આઠ દશ અલગ-અલગ સેમ્પલ લઈ આવ્યા.

" સાહેબ આ બધાં કાર્ડ ૧૦૦૦ થી શરૂ કરીને ૨૦૦૦ સુધીની કિંમતનાં છે. એક ત્રીજું કાર્ડ મેં જોયું છે એ ૫૦૦૦ ની કિંમતનું છે. એ કાર્ડ નથી પણ ત્રણ ખાનાવાળું એક નાનકડું ફોલ્ડિંગ બોક્સ છે. એમાં બાળ કનૈયાની એટલે કે લાલાની એક નાનકડી મૂર્તિ અને સોનાનો સિક્કો પણ ફીટ કરેલો છે. ત્રણ ખાનામાં ત્રણ અલગ અલગ કાર્ડ મૂકેલાં છે. દરેક કાર્ડની પાછળ બાળ કનૈયાની લીલાઓ દોરેલી છે. એ આમંત્રણ બોક્ષ તમારે ત્યાં જઈને જોવું પડશે. કારણ કે એ જોવા માટે આપતા નથી. એને ટપાલમાં નહીં મોકલી શકાય. રૂબરૂ જ વહેંચવું પડશે." જયરાજ અંકલ બોલ્યા.

" તો તો એ કંકોત્રીનું બોક્ષ મમ્મીને બહુ જ પસંદ આવશે. આજે રાત્રે હું ઘરે વાત કરી લઉં છું. જો રૂબરૂ વહેંચવાનું હશે તો પછી આપણે એ જ બોક્ષ પસંદ કરીશું. હું તમને કાલે જણાવું તમે આ ૧૮૦૦ અને ૨૧૦૦ વાળાં બે કાર્ડ અહીં રહેવા દો અને બાકીનાં પાછાં આપી દો. " દેવરાજ બોલ્યો.

દેવરાજ એ બે કાર્ડ ઘરે લઈ ગયો અને રાત્રે પપ્પા સાથે વાત કરી. પેલા ૫૦૦૦ વાળા બોક્ષની પણ વાત કરી.

"એ જે બોક્ષ પત્રિકા છે એ ટપાલમાં નહીં મોકલી શકાય પપ્પા. એને આપણે રૂબરૂમાં જઈને મહેમાનોને હાથોહાથ આપી આવવી પડશે. એ બોક્ષમાં બાળ કનૈયાની મૂર્તિ છે અને અને એમાં સોનાનો સિક્કો પણ ફીટ કરેલો છે. " દેવરાજ બોલ્યો.

" તો તો એ જ પસંદ કરી લે. તારી મમ્મી ખુશ થઈ જશે. વિઠ્ઠલ દરેકના ઘરે જઈને રૂબરૂ આપી આવશે. અને અંદર જે ત્રણ કાર્ડ મૂકવાનાં છે એની મેટર હું તને લખી આપું છું એ તું પછી પ્રિન્ટ કરવા માટે આપી દેજે. આજ કાલ અલગ અલગ કાર્ડ બનાવવાની સિસ્ટમ થઈ ગઈ છે. " મનમોહન શેઠ બોલ્યા.

અને એક અઠવાડિયાની અંદર ૫૦૦૦ વાળી કંકોત્રીઓ પણ છપાઈ ગઈ. મનમોહન શેઠે આમંત્રણ પત્રિકામાં છાપવા માટે મેટર પણ સરસ તૈયાર કરી હતી. પોતાની સાથે દેવરાજનાં મામા મામીનાં નામ પણ લખ્યાં હતાં.

દેવરાજે એકાદ વીક પછી તુલસી વિહાર રિસોર્ટના મેનેજર શૈલેષ મહેતાનો સંપર્ક પણ કર્યો અને સારામાં સારો ઇવેન્ટ મેનેજર શોધી આપવાનું એને સૂચન કર્યું. બીજા દિવસે ઇવેન્ટ મેનેજરે જ દેવરાજનો સંપર્ક કર્યો.

" સર હું આશુતોષ તાવડે બોલું છું. શૈલેષભાઈનો મારા ઉપર ફોન હતો. હું ઇવેન્ટ મેનેજમેન્ટ છેલ્લા દશ વર્ષથી કરું છું. તમને ક્યાં મળી શકાય ? " તાવડે ગુજરાતીમાં જ બોલ્યો.

" મારા પીજી હાઉસમાં જ આવી જાઓ. ગિરગાંવ મેજિસ્ટિક સિનેમાની બાજુમાં જ છે. આખો દિવસ હું ઓફિસમાં જ હોઉં છું. " દેવરાજ બોલ્યો.

અને બીજા દિવસે તાવડે સાંજે ૪ વાગે દેવરાજને મળવા માટે આવ્યો.

"મોટાભાગના મારા ક્લાયન્ટ ગુજરાતી જ છે સર એટલે તમારી ભાષા મને આવડી ગઈ છે. બોલો શું સેવા છે ?" તાવડે બોલ્યો.

" ઓકે ઓકે મને પણ તમારું શુદ્ધ ગુજરાતી સાંભળીને આશ્ચર્ય થયું હતું. હવે મારી વાત સમજી લો સંસ્કૃતિ બેંકેટ્સ તો બહુ જ જાણીતું લોકેશન છે. મારા બધા જ મહેમાનો વીઆઈપી છે એટલે એ બેન્કવેટને તમારે સજાવવાનું છે. કેટરિંગ કોન્ટ્રાક્ટ પણ તમે જ મેનેજ કરજો. લોકો યાદ કરે એવી રસોઈ બનવી જોઈએ. " દેવરાજ બોલ્યો.

" સર તમે મને યાદ કરશો. મુંબઈમાં આજે મારું નામ છે. સારામાં સારી સર્વિસ હું તમને પૂરી પાડીશ. તમે બધું મારી ઉપર છોડી દો. બસ મને મહેમાનોની સંખ્યા લગ્નના દસ દિવસ પહેલાં બતાવી દેજો." તાવડે બોલ્યો.

લગ્ન માટેનાં મહત્વનાં બધાં જ કામ લગભગ પૂરાં થઈ ગયાં હતાં. લગ્નને હવે માત્ર ૨૦ દિવસની વાર હતી. છતાં કોણ જાણે કેમ લગ્નની તારીખ જેમ જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ એક પ્રકારનો ઉચાટ દેવરાજ ના દિલમાં પેદા થતો હતો. લગ્ન માટેની જે ઉત્તેજના હોવી જોઈએ તે એના દિલમાં પેદા નહોતી થતી.

શીતલના ફોન રોજ રાત્રે આવતા હતા અને દેવરાજ પણ પ્રેમાલાપ કરતો જ હતો છતાં શીતલની વાતોમાં લગ્ન પછીના મિલનનો જે તલસાટ હતો, જે પ્રેમની ઊર્મિઓ હતી એ દેવરાજ પોતાના હૃદયમાં અનુભવતો ન હતો !

દેવરાજને લાગતું હતું કે શીતલ એક સારી છોકરી છે, સંસ્કારી અને લાગણીશીલ પણ છે. એક સારી જીવનસાથી બની શકે એમ છે છતાં એના આધ્યાત્મિક માર્ગમાં એને પૂરો સાથ આપે એવી એ નથી. જીવનને માણવામાં એને વધારે રસ છે અને માળા કે ધ્યાનથી એ જોજનો દૂર છે !

ક્યારેક એ દેવકી સાથે મનોમન એની સરખામણી કરી દેતો ત્યારે એનાથી એક નિઃસાસો નંખાઈ જતો. દેવકી એના જીવનમાં પહેલાં કેમ ના આવી ?

આવું કેમ થઈ રહ્યું છે ? લગ્ન શીતલ સાથે જ થશે ? એની સાથેનું મારું લગ્નજીવન સુખી જશે ? શીતલનો પૂર્વ જન્મ કેમ જાણી શકાતો નથી ? સંબંધોના આટાપાટા બદલાઈ જશે એવું દાદાજી શા માટે બોલ્યા હતા ? પ્રશ્નો ઘણા હતા પરંતુ જવાબ મળતો ન હતો !!!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."