પીજી હાઉસ પ્રકરણ 64
છેવટે વરરાજાનો વરઘોડો વાજતે ગાજતે કન્યાને પરણવા નીકળી ગયો. દેવરાજ તરફથી મામા મામી અને પપ્પા મમ્મી સાથે કુલ ૨૭ જાનૈયા હતા તો કન્યા પક્ષે અમદાવાદથી આવેલા ૧૦ અને બહારગામથી આવેલા તેમજ મુંબઈમાં રહેતા એમના ૧૧ સગાઓ મળી કુલ ૨૧ માંડવીયાઓ હતા.પીજી હાઉસ નવલકથા
દેવરાજે મલાડમાં સરોવર પોર્ટીકો હોટલથી તમામ મહેમાનોને તુલસી વિહાર સુધી લઈ જવા માટે પાંચ ગાડીઓની વ્યવસ્થા વહેલી સવારે જ કરી દીધી હતી. જેથી બધા મહેમાનો સવારે ૮:૩૦ વાગે જ તુલસી વિહાર પહોંચી ગયા હતા.
શીતલ અને તેના કુલ ૧૦ મહેમાનો જે કાંદીવલીના ફ્લેટમાં હતા તેમને લઈ જવા માટે બીજી ચાર ગાડીઓ મોકલી હતી જે એ લોકોને લઈને ૮ વાગે જ કાંદીવલીથી નીકળી ગઈ હતી.
શીતલનો પરિવાર તથા તેના તમામ મહેમાનો માટે તુલસી વિહારમાં ત્રણ કોટેજો બુક કરી હતી જ્યારે વર પક્ષ માટે ત્રણ કોટેજો અને એક બેન્કવેટ હૉલ બુક કર્યો હતો.
ઝીલ શીતલને મહેંદી મૂકવા તથા આઇબ્રો કરવા માટે ગઈકાલે સાંજે જ કાંદીવલી પહોંચી ગઈ હતી અને અત્યારે મેકઅપ કરવા તથા એની હેર સ્ટાઈલ બનાવવા માટે બીજી બે બ્યુટી પાર્લર આર્ટિસ્ટો સાથે ૮:૩૦ વાગે તુલસી વિહાર પહોંચી ગઈ હતી.
શીતલને જોયા પછી એને લાગ્યું કે દેવરાજ સરની પસંદગી અતિ સુંદર છે અને એ એટલી સુંદર છે કે એને વધારે મેકઅપની કોઈ જરૂર જ નથી !
દેવરાજ સર માટે પણ ઝીલે એક મેકઅપ મેન દેવરાજની કોટેજમાં મોકલી આપ્યો હતો. જરીભરત ભરેલી લાઈટ બ્રાઉન કલરની શેરવાની અને ક્રીમ કલરનો સુરવાલ દેવરાજે ધારણ કર્યો હતો. બ્રાઉન કલરની સુંદર પાઘડી પણ ગૌર વર્ણના દેવરાજને સુંદર લાગતી હતી. આ ઉપરાંત દેવરાજે સોનાની બે વજનદાર ચેઈન અને એક મોતીની માળા પણ ગળામાં પહેરી હતી. સુંદર પરફ્યુમની સુગંધ ચારેબાજુ પમરાટ ફેલાવી રહી હતી.
બીજી બાજુ લાલ અને સફેદ રંગના કોમ્બિનેશન વાળાં સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થયેલી શીતલ પણ આજે આકાશની પરી જેવી લાગતી હતી !!
તુલસી વિહારના મેનેજર શૈલેષે તુલસી વિહારને સજાવવામાં કોઇ જ કમી રાખી ન હતી. સ્વર્ગનું વાતાવરણ અહીં ઊભું કર્યું હતું. તુલસી વિહારમાં સુંદર ઘાસ તો પહેલેથી ઉગાડેલું જ હતું. ગાર્ડન જેવા આ માર્ગ ઉપર ચારે બાજુ ફૂલોની અદભુત સજાવટ એણે કરાવી હતી !
તો વર પક્ષની કોટેજમાંથી લગ્નમંડપ સુધી જવાના રસ્તા ઉપર પ્લાસ્ટિકનાં બનેલાં નારીયેળીનાં વૃક્ષોની હારમાળા અને ઉપર રંગબેરંગી મંડપ બાંધીને એની નીચે લટકાવેલાં જુદા જુદા કલરનાં ઝુમ્મરો અદભુત દ્રશ્ય ઊભું કરી રહ્યાં હતાં.
ઠેક ઠેકાણે ફૂલોનાં તોરણો, અદભુત લાઇટિંગ, સતત વાગી રહેલા ઢોલક અને શરણાઈના સૂર વાતાવરણને મદહોશ કરી રહ્યાં હતાં. મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણી પણ તુલસી વિહારની આવી અદભુત સજાવટ જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયાં હતાં અને દેવરાજની પસંદગી ઉપર એમને માન ઉપજ્યું હતું.
લગ્ન કરાવનાર નારાયણ શાસ્ત્રી સવારે ૮ વાગ્યાથી જ એમના બે આસિસ્ટન્ટ પંડિતોને લઈને હોલ ઉપર આવી ગયા હતા. લગ્ન મંડપમાં હવન કુંડ એમણે ગોઠવી દીધો હતો. અને બેન્કવેટ હૉલ ના ઈશાન ખૂણામાં બાજોઠ ઉપર ગણેશજીનું સ્થાપન પણ કરી દીધું હતું. ગણેશજીના બાજોઠની બરાબર સામે બેસવા માટે બે મોટી શેત્રંજીઓ પણ પાથરી દીધી હતી.
હૉલની પાછળ આવેલા રસોડામાં જાતજાતની અને ભાત ભાતની રસોઈ વહેલી સવારથી બની રહી હતી. કેટરિંગ કોન્ટ્રાક્ટ એક મારવાડી પાર્ટીને આપવામાં આવ્યો હતો. અને એ એના ત્રણ રસોઈયા અને પાંચ મજૂરો સાથે સવારથી જ હાજર થઈ ગયો હતો. આ ત્રણ રસોઈયા બધા ગુજરાતી જ હતા કારણ કે આજે જે પણ મહેમાનો હતા તે લગભગ બધા ગુજરાતી હતા. મનમોહન શેઠના બધા વીઆઈપી નોન ગુજરાતી મહેમાનો આવતી કાલે રિસેપ્શનમાં આવવાના હતા.
લગ્ન મંડપની એક બાજુ તમામ જાનૈયાઓ માટે તો બીજી બાજુ તમામ માંડવીયાઓ માટે સુંદર ખુરશીઓ અને સોફાસેટ મૂકવામાં આવ્યા હતા.
ગણેશ સ્થાપનનું મુહૂર્ત સવારે ૯:૩૦ વાગે હતું એટલે શાસ્ત્રીજીએ સૌ પ્રથમ દેવરાજનાં માતા પિતા તેમજ ત્યાર બાદ કન્યાનાં માતા પિતા પાસે વારાફરતી ગણેશજીની પૂજા કરાવી.
ગણેશ પૂજન પતાવીને ફરી પાછા બંને પક્ષના સ્વજનો પોતપોતાની કોટેજમાં ગયાં.
સવારે ૧૦ વાગે વૈદેહી અને વૈશાલી પણ દેવરાજ સરના આમંત્રણને માન આપીને હાજર થઈ ગઈ હતી અને ઝીલ સાથે જોડાઈ ગઈ હતી.
દેવકીને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ એ આજે પીજી હાઉસમાં જ રોકાઈ હતી. ૧૫ એપ્રિલથી એના નર્સિંગ ક્લાસ ચાલુ હતા તેમ છતાં આજે એને ક્લાસમાં જવાનું મન થતું ન હતું. એ બેડ ઉપર આડી પડી હતી.
વૈદેહી લોકો આવી ગયાં એ પછી જયરાજ અંકલ, ઓફિસનો રિસેપ્શનિષ્ટ તથા દેવરાજનો મિત્ર કાર્તિક ઓઝા પણ આવી ગયા હતા.
ગણેશજીની પૂજા પતી ગઈ પછી ૧૦:૩૦ વાગે કન્યા પક્ષવાળા તમામ મહેમાનો લગ્ન મંડપની પાસે એમને આપેલા સ્થાને ગોઠવાઈ ગયા. એ પછી વર પક્ષ તરફથી જાનૈયાઓ કોટેજમાંથી બહાર આવ્યા અને બેન્ડ વાજાંના તાલે નાચતા કૂદતા નાળિયેરીના માર્ગે થઈને લગ્ન મંડપ સુધી આવ્યા.
શીતલની માતા તરફથી દેવરાજ જમાઈને મંડપમાં વધાવવામાં આવ્યા. બંને પક્ષ તરફથી સ્ત્રીઓએ સુંદર લગ્ન ગીતો ગાયાં અને વરરાજાને મંડપમાં સજાવેલી ચાંદીથી મઢેલી અને રેશમનું લાલ આસન પાથરેલી સુંદર ખુરશીમાં બેસાડવામાં આવ્યા. દેવરાજની બાજુમાં એની કઝીન સિસ્ટર માનસી પણ ગોઠવાઈ ગઈ. એ પછી કન્યાના માતા પિતા પાસે જમાઈની ચરણપૂજા કરાવવામાં આવી.
એ દરમિયાન કેટરિંગ સર્વિસ તરફથી દરેક મહેમાનોને હાફૂસ કેરીનો જ્યુસ સર્વ કરવામાં આવ્યો. વિડીયો શુટીંગ માટે મંડપની ચારે તરફ વિડીયોગ્રાફર ગોઠવાઈ ગયા હતા. સીસીટીવી કેમેરા પણ લાગેલા હતા !
લગ્ન માટેની વિધિ શરૂ થઈ એટલે ત્યાં બોલાવેલાં બે પ્રોફેશનલ ગાયિકા બહેનોએ પોતાના મધુર કંઠમાં લગ્ન ગીતો ગાવાનાં ચાલુ કરી દીધાં.
" કંકુ છાંટી લખો રે કંકોતરી... એમાં લખો મારાં શીતલબેનનું નામ
માણેકથંભ રોપિયો.
જેની જગમાં મળે નહીં જોડ રે... મારી બેની નાગરવેલનો છોડ
માણેકથંભ રોપિયો. "
બીજી બાજુ શાસ્ત્રીજીના મંત્રોચ્ચાર ચાલુ હતા. આખું વાતાવરણ જાણે કે સ્વર્ગીય અનુભૂતિ કરાવતું હતું.
અડધા કલાક પછી શાસ્ત્રીજીએ કન્યા પધરાવવાનો આદેશ આપ્યો. કેટલીક સ્ત્રીઓ શીતલના મામા સાથે કન્યાની કોટેજમાં ગઈ અને હિરોઈનને પણ ટક્કર મારે એવી શીતલ ધીમા પગલે મામાનો હાથ પકડીને બહાર આવી. સાથે એને સજાવનાર ઝીલ પણ હતી.
એ સાથે જ ગાયિકા બહેનોએ નવું ગીત ઉપાડ્યું
"ઓઢી નવરંગ ચુંદડી..... પાયે ઝાંઝરનો ઝણકાર...
પાયે ઝાંઝરનો ઝણકાર... માંયરામાં ચાલે મલકતી મલકતી"
શીતલ મલકતી ચાલે આવીને દેવરાજ ની બાજુની ખુરશી ઉપર બેસી ગઈ. એની સાથે ઝીલ, વૈદેહી અને બીજી નજીકની સ્ત્રીઓ પણ ગોઠવાઈ ગઈ.
બરાબર એ જ સમયે એક વિચિત્ર ઘટના બની. શીતલ જેવી ખુરશી ઉપર બેઠી કે તરત જ એને ઓચિંતી મૂર્છા આવી ગઈ. બે ચાર ક્ષણો માટે એ બેહોશ થઈ ગઈ. આખું શરીર એકદમ જડ થઈ ગયું.
આજુબાજુ બેઠેલી તમામ સહેલીઓ અને સ્વજનો ગભરાઈ ગયાં. આવું તો શીતલના જીવનમાં ક્યારે પણ બન્યું ન હતું ! શાસ્ત્રીજીએ ઉભા થઇ તરત જ એના ઉપર થોડું પાણી છાંટ્યું. એ પછી શીતલ ધીમે ધીમે હોશમાં આવી ગઈ.
"હમણાં થોડા દિવસથી શીતલના ઉજાગરા જ ચાલે છે. એટલા માટે જ એને ચક્કર આવી ગયાં હશે. " મમ્મી સુમનબેન બોલ્યાં.
શાસ્ત્રીજીએ એ પછી લગ્ન માટેની વિધિ ચાલુ કરી. અગ્નિ પ્રગટાવીને આહુતિઓ પણ આપી. થોડા સમય પછી એકબીજાને કંસાર જમાડવાની વિધિ પણ આવી.
"લાડો લાડી જમે રે કંસાર.. કંસાર કેવો ગળ્યો લાગે રે.
નાખી મહીં ઘીની ધીમી ધાર, કંસાર કેવો ગળ્યો લાગે રે".
લગ્નની વિધિ આગળ ચાલતી ગઈ અને છેલ્લે સાત ફેરા ફરવાનો સમય પણ આવી ગયો. વરકન્યા બંને ઊભાં થયાં અને ફેરા ફરવાના ચાલુ કર્યા.
પહેલું રે પહેલું મંગળિયું વર્તાય રે, પહેલું રે પહેલું મંગળિયું વર્તાય રે
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે, માંડવામાં મંગળ ગીત ગવાય રે...
મંગળફેરા ફરતી વખતે એક બાજુ શાસ્ત્રીજીના શુદ્ધ મંત્રોચ્ચાર થતા હતા તો બીજી તરફ ઢોલક અને શરણાઈના સૂરમાં મંગળિયાં ગવાતાં હતાં.
એ સમયે મંગળફેરા ફરતાં નવદંપત્તિને મહેમાનો ફૂલોથી વધાવી રહ્યા હતા. એ સમયે એવું લાગતું હતું કે જાણે દેવો પોતે ત્યાં હાજર રહી સાત ફેરા ફરતી આ જુગલજોડી ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા હતા !
સંતાન વગરનાં મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણીને આ ઉંમરે આટલો સુંદર પુત્ર મળશે અને એનાં આવી સુંદર કન્યા સાથે ભવ્ય લગ્ન થશે અને એના પોતે સાક્ષી બનશે એવી કલ્પના પણ નહોતી !
પોતાના પુત્ર અને પુત્રવધુને લગ્ન મંડપમાં જોઈને શેઠાણીની આંખો ભારોભાર ભરાઈ આવી હતી. એમને આમંત્રિત કરેલા તમામ મહેમાનો પણ આ જોડીને જોઈને ખૂબ જ ખુશ અને પ્રભાવિત થઈ ગયા હતા . મનમોહન શેઠે આ ઉંમરે પુત્રની પસંદગી ખૂબ જ શ્રેષ્ઠ કરી હતી !
બીજી બાજુ કાન્તિલાલ સુમનબેન અને એમનાં સગાં વહાલાં પણ શીતલનાં આવાં ભવ્ય અને અદભુત લગ્ન જોઈને દંગ રહી ગયાં હતાં. આવા સમારંભો ફિલ્મોમાં જોયા હતા પરંતુ પોતાની દીકરીનાં લગ્ન આટલાં સુંદર હશે એની તો એમને પણ કલ્પના ન હતી !
આ લગ્નમાં શાલિનીનાં જેની સાથે અઠવાડિયા પછી લગ્ન થવાનાં હતાં એ કિરણને પણ આમંત્રણ અપાયું હતું. એ તો દેવરાજની આટલી સાહ્યબી અને વૈભવ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે દિવસે દેવરાજ પોતાને અલગ ફ્લેટ લઈ આપવાની જે વાત કરતો હતો એ વાત આજે એને સમજાતી હતી કે દેવરાજ માટે બધું જ શક્ય હતું ! પોતાનો આ સાઢુ તો કરોડોપતિ હતો.
લગ્નપ્રસંગ પતી ગયા પછી મંડપમાં જ શીતલ ઉપર કન્યા દાનની ભેટસોગાદો નો જાણે કે વરસાદ વરસી ગયો. કાન્તિલાલનાં નજીકના સગાં તરફથી કન્યાને નાની મોટી સોનાચાંદીની જ ગિફ્ટ અપાતી હતી.
એ પછી મનમોહન શેઠ અને શેઠાણી તરફથી પોતાની વહુને હીરા માણેક અને પન્ના જડેલો મોંઘો નવલખો હાર આપવામાં આવ્યો અને સાથે બીજી જ્વેલરી પણ શીતલને ચડાવી. નહીં નહીં તો પણ એક કરોડ કરતાં પણ વધુ કિંમતની ભેટ સોગાદ શીતલને મળી.
આવતી કાલે દેવરાજનું રિસેપ્શન હતું એટલે કેટલાક આમંત્રિત મિત્રો અને મહેમાનોએ દેવરાજને આપવાની ગિફ્ટ આવતી કાલ ઉપર જ રાખી હતી.
હસ્તમેળાપનો સમય ૧૧:૧૫ કલાકે હતો પરંતુ હસ્તમેળાપ અડધો કલાક લેટ એટલે કે ૧૧:૪૫ વાગે થયા. કોઈના પણ લગ્નમાં હસ્તમેળાપનો સમય સચવાતો નથી. ૧૨:૪૫ સુધીમાં તો લગ્ન પ્રસંગ આખો પતી ગયો.
એ પછી બેન્કવેટ હૉલમાં તમામ મહેમાનો માટે ભોજન સમારંભ ચાલુ થયો. હૉલ વિશાળ હતો અને એમાં ત્રણ કાઉન્ટર ગુજરાતી વાનગીઓનાં ગોઠવેલાં હતાં. એક ચોથું કાઉન્ટર આઈસ્ક્રીમનું પણ ગોઠવેલું હતું. પાણી પીવા માટે નાની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડીલો માટે બેસીને જમવા માટે એક અલગ વિભાગ હતો જ્યાં ખુરશી અને ગોળ ટેબલ મૂકવામાં આવ્યાં હતાં. જ્યારે બૂફે લઈને ઉભા ઉભા જમનારા વર્ગ માટે અલગ જગ્યા ફાળવવામાં આવી હતી.
દેવરાજ અને શીતલ સાથે આ વખતે જમવામાં કિરણ અને શાલિની ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં હતાં. દેવરાજ અને શીતલનાં લગ્ન હતાં એટલે સવારથી એમણે ઉપવાસ કર્યો હતો. હવે ભૂખ પણ લાગી હતી અને વાનગીઓ પણ અતિ ઉત્તમ હતી !
એ લોકોએ ગુજરાતી થાળી જ પસંદ કરી હતી. જમવામાં હાફુસનો રસ અને પૂરી, કાજુ કારેલાનું શાક, બટેટાનું રસાવાળુ શાક, દહીં ભીંડી, કોબીનો સંભારો, જલેબી અને ફરસાણમાં બટાટા વડા અને ખમણ હતાં તો સાથે ભાત સાથે દાળ અથવા કઢીનું ઓપ્શન પણ હતું.
" દેવરાજભાઈ સાવ પ્રમાણિકતાથી કહું છું કે આટલો સુંદર અને વૈભવી લગ્ન સમારંભ મેં આજ સુધી જોયો નથી. ફિલ્મોમાં બતાવાતા સમારંભોને પણ ટક્કર મારે એવો તમારો આ લગ્ન પ્રસંગ આજે મેં જોયો. ઑસમ ! " કિરણ જમતાં જમતાં બોલ્યો.
"બસ માતા ગાયત્રીની કૃપા છે કિરણ. આ બધો ચમત્કાર એના થકી જ થયો છે. માત્ર ગાયત્રી મંત્રની શરણાગતિ લેવાથી વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે એનું પ્રત્યક્ષ ઉદાહરણ હું પોતે છું. અલબત્ત મારા ગુરુજીના આશીર્વાદ પણ મારા માટે ખૂબ જ મહત્વના છે. " દેવરાજ બોલ્યો.
"ગાયત્રી મંત્ર તો મહાન છે. દુનિયાના તમામ મંત્રોમાં ગાયત્રી મંત્રને સર્વશ્રેષ્ઠ માન્યો છે. મને પોતાને પણ એનો અનુભવ થયેલો છે. છતાં અમુક વસ્તુ તો કિસ્મતને આધીન હોય છે. તમારા પોતાના પાછલા જન્મનાં પૂણ્ય કર્મોનું ભાથું ના હોય તો ગાયત્રી મંત્ર સુખ અને શાંતિ જરૂર આપે પરંતુ આવો વૈભવ ના આપી શકે." શીતલ બોલી.
શીતલની વાત સાંભળીને દેવરાજને ખૂબ જ આશ્ચર્ય થયું. શીતલ ગાયત્રી મંત્ર વિશે આવી વાત કરે એ એની કલ્પનાની બહાર હતું.
" તારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું શીતલ. પાછલા જન્મોમાં પાપકર્મો ખડકી દીધાં હોય તો આ જનમમાં ગાયત્રી મંત્રનો અનુભવ તમને કેવી રીતે થાય ? સૌ પ્રથમ તો ગાયત્રીમંત્ર આપણાં એ પાપ કર્મોનો ઢગલો ઓછો કરવાનું કામ કરે છે. આત્માને કાટ લાગી ગયો હોય તો આત્મા સુધી મંત્ર પહોંચે જ નહીં. મંત્ર પહેલાં કાટને દૂર કરે અને પછી આત્માનો પ્રકાશ તમને જે જોઈએ તે આપે ! " દેવરાજ બોલ્યો.
" હવે તમે લોકો ટોપીક બદલો. હજુ હમણાં જ લગન થયાં છે. કંઈક રોમેન્ટિક વાતો કરો. અને દીદીને વળી ગાયત્રી મંત્રના અનુભવો ક્યારે થયા ? મેં તો એમને ક્યારેય પણ ગાયત્રીની માળા કરતાં જોયાં નથી. " શાલિની બોલી. એને પણ દીદીની વાતથી આશ્ચર્ય થયું હતું.
" શાલિનીની વાત સાચી છે. અત્યારે આ સમય રોમેન્ટિક વાતો કરવાનો જ છે. ટુડે આઈ એમ સો એક્સાઇટેડ ! મને ક્યારેય પણ કલ્પના ન હતી કે મારાં લગ્ન આટલાં બધાં અદભુત થશે ! " શીતલ બોલી.
" યુ આર વેલ્કમ ! તારા પ્રારબ્ધમાં આ બધું લખેલું જ હશે. પાછલા જન્મોમાં તેં કોઈ પુણ્ય કર્મો તો કર્યાં જ હશે. અનાયાસે જગતમાં કંઈ જ મળતું નથી. " દેવરાજ હસીને બોલ્યો.
એ પછી બધાંએ જમવામાં મન પરોવ્યું. દેવરાજનાં તેમજ શીતલનાં તમામ સગાંવહાલાં પણ આજુબાજુ બેસીને ગુજરાતી થાળીનો જ સ્વાદ માણી રહ્યાં હતાં.
મનમોહન શેઠના થોડાક વીઆઈપી મહેમાનો માટે એક કોર્નરમાં ડ્રિંક્સની વ્યવસ્થા પણ કરેલી હતી અને એ લોકો ત્યાં બેસીને જ ડ્રિંક્સની સાથે ગુજરાતી ભોજનનો સ્વાદ માણતા હતા.
ઝીલ વૈદેહી અને વૈશાલી એક જ ટેબલ ઉપર બેસીને ભોજનનો સ્વાદ માણી રહ્યાં હતાં.
" શીતલ મેડમ ખરેખર ખૂબ જ સરસ દેખાય છે નહીં ? " વૈશાલી બોલી.
" હા મેં તો એમને તૈયાર કર્યાં છે એટલે ખૂબ નજીકથી જોયાં છે. એમના વાળ પણ ખૂબ જ લાંબા છે. સ્વભાવ પણ બહુ જ સરસ છે. " ઝીલ બોલી.
" ચાલો લગ્ન સરસ રીતે પતી ગયાં. દેવરાજ સર પરણી પણ ગયા. પરંતુ એક વાતની તમે લોકોએ નોંધ લીધી ?" વૈદેહી બોલી.
" કઈ વાતની નોંધ ? " વૈશાલીએ પૂછ્યું.
"દેવરાજ સરનાં આટલાં બધાં ભવ્ય લગ્ન થયાં, આટલી સુંદર શીતલ જેવી કન્યા એમને મળી છતાં પણ લગ્ન મંડપમાં સર કેટલા બધા ધીરગંભીર હતા ? લગ્ન સમયે તો પુરુષો કેટલા બધા એક્સાઇટેડ દેખાતા હોય છે ! જ્યારે પોતે જાણે આ લગ્ન પ્રસંગને સાક્ષીભાવે જોઈ રહ્યા હોય એ રીતે એમના ચહેરા ઉપર ક્યાંય પણ ઉત્તેજના દેખાતી નહોતી ! " વૈદેહી બોલી.
" ના ના એવું કંઈ ના હોય. અંદર તો એમને પણ ઉત્તેજના હોય પરંતુ દેવરાજ સર આમ પણ થોડા ગંભીર છે એટલે આપણને એવું લાગે !" ઝીલ બોલી.
લગ્ન પ્રસંગ અને જમણવાર પતી ગયા પછી બંને પક્ષ વચ્ચે સામસામા થોડા વ્યવહારો થયા. મામા મામીને પણ શેઠ શેઠાણી તેમ જ શીતલનાં મમ્મી પપ્પા તરફથી ઘણું બધું મળ્યું.
બપોરે ૩:૩૦ વાગે કન્યા વિદાયનું મુહૂર્ત હતું. આ પ્રસંગ ભલભલાને રડાવી દેતો હોય છે.
આંસુ ભીની આંખે કાન્તિલાલ અને સુમનબેને શીતલને વિદાય આપી. શીતલની નાની ત્રણેય બહેનો પણ રડી પડી. એ પછી દેવરાજનો પરિવાર શીતલને લઈને એમને આપેલી કોટેજમાં ગયો.
પ્રસંગ પૂરો થઈ ગયો હતો એટલે ગાડીઓ બધી આવી ગઈ હતી. જેમને જ્યાં ઉતારો આપ્યો હતો ત્યાં જવા માટે બધા એક પછી એક વિદાય લેતા ગયા. શીતલનો આખો પરિવાર ફરી પાછો કાંદીવલીના ફ્લેટમાં જતો રહ્યો. આવતી કાલે રિસેપ્શન હતું એટલે એ લોકો આજે રાત્રે રોકાવાના હતા.
"પપ્પા અત્યારે અમે સિદ્ધિવિનાયક અને બાબુલનાથનાં દર્શન કરવા જઈએ છીએ. ગૃહપ્રવેશનું મુહૂર્ત ૭ વાગ્યાનું છે તો ત્યાં સુધીમાં અમે બધાં વાલકેશ્વર પહોંચી જઈશું." દેવરાજ બોલ્યો.
" હા આજે દર્શન કરવાનું કામ પહેલું પતાવો. અમારે પણ ઘરે જઈને તમારા સ્વાગતની તૈયારી કરવાની છે એટલે અમે પણ શાસ્ત્રીજીને લઈને નીકળીએ છીએ. " મનમોહન શેઠ બોલ્યા.
શીતલ તેમ જ મામા મામીના પરિવાર સાથે દેવરાજ બીજી મોટી એસયુવી ગાડીમાં બેસીને દાદરમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયો !
સાંજે ૪:૩૦ વાગે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ત્યારે ખાસ કોઈ ભીડ ન હતી. બહારથી લાડુનો પ્રસાદ લઈને બધા સીધા ગર્ભ ગૃહમાં જ ગયા. ત્યાંના મહારાજને દેવરાજે ૧૦૦૧ દક્ષિણા આપી એટલે એણે નવ દંપત્તિને હાથમાં જલ આપી ત્યાં ઉભા ઉભા જ પૂજા કરાવી. દેવરાજ અને શીતલે સિદ્ધિવિનાયક દાદાને સુખી લગ્નજીવન માટે દિલથી પ્રાર્થના કરી અને આશીર્વાદ માગ્યા.
ત્યાં દર્શન પતાવીને ફરી પાછા બધા ગાડીમાં બેસી ગયા અને ગાડીને બાબુલનાથ મંદિર તરફ લઈ લીધી.
દેવરાજ અને શીતલની સાથે એમની જ ગાડીમાં સૂક્ષ્મ સ્વરૂપે બેઠેલા દેવશંકર દાદા ત્યારે મનોમન હસી રહ્યા હતા. એમણે ગોઠવેલા પ્લાન પ્રમાણે દેવકીને દેવરાજ સાથે પરણાવવાનો એમનો સંકલ્પ આજે પૂરો થયો હતો. સૂક્ષ્મ જગતમાંથી ખાસ પરમિશન લઈને એ આજે નીચે પૃથ્વી ઉપર આવ્યા હતા !
શીતલના બદલે દેવકીનો આત્મા જ દેવરાજ સાથે સાત ફેરા ફર્યો હતો !! હજુ પણ શીતલના શરીરમાં દેવકીનો જ આત્મા હતો. લગ્નનું બંધન હંમેશાં આત્મા સાથે થાય છે, શરીર સાથે નહીં એટલે લગ્ન વખતે એમણે શીતલને દેવરાજથી દૂર જ રાખી હતી !!
શીતલ જેવી લગ્નમંડપમાં બેઠી કે તરત જ દેવશંકર દાદાએ પોતાની દિવ્ય શક્તિઓથી શીતલના આત્માને બહાર ખેંચી એની જગ્યાએ દેવકીના પવિત્ર આત્માનો શીતલના શરીરમાં પ્રવેશ કરાવી દીધો હતો અને દેવકીનો આત્મા આવતી કાલ સવાર સુધી શીતલના શરીરમાં જ રહેવાનો હતો ! એટલે જ શીતલને મૂર્છા આવી હતી !! અને એટલા માટે જ આજે દેવકીને દાદાજીએ પીજી હાઉસમાં રોકી રાખી હતી !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

