પીજી હાઉસ પ્રકરણ 65
(આ પ્રકરણનો બીજો ભાગ ઘણો ગૂઢ છે અને એમાં ઘણાં બધાં રહસ્યો ખુલ્લાં થયેલાં છે માટે આ પ્રકરણને ધ્યાનથી અને શાંતિથી વાંચવું )બાબુલનાથ મંદિરમાં પ્રવેશ કરતાં જ દેવરાજને શિવરાત્રિની યાદ આવી ગઈ. અહીં જ એને સાધુ મહાત્માના રૂપમાં સ્વયં ભગવાન શંકરનાં દર્શન થયાં હતાં અને એમણે સામેથી પાંચ બિલિપત્રની માંગણી કરી હતી.
પીજી હાઉસ નવલકથા
સાંજે છ વાગે શીતલને સાથે લઈને દેવરાજે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને શીતલ સાથે બેસીને શિવનાં દર્શન કર્યાં. દેવરાજે અહીં આવતાં પહેલાં એના જાણીતા પંડિતને ફોન કરી દીધો હતો એટલે એ પણ આવી ગયા હતા. દેવરાજે સુખી દાંપત્યજીવન માટે એમની પાસે રુદ્રાભિષેકનો સંકલ્પ કરાવ્યો અને બીજા દિવસે સવારે અભિષેક કરવાનું પંડિતજીને કહી દીધું અને દક્ષિણા પણ આપી દીધી.
દર્શન કરીને દેવરાજ અને શીતલ મામા મામી સાથે વાલકેશ્વર જવા નીકળી ગયાં. વાલકેશ્વરમાં ૬૫મા રસ્તા ઉપર કૃષ્ણનગર સોસાયટીમાં સાગર મહેલ ફ્લેટ પાસે આવીને ગાડી ઊભી રહી ગઈ. આજે તો સમગ્ર સાગર મહેલ ફ્લેટ્સનું બિલ્ડિંગ અદ્ભુત રોશનીથી ઝગમગી રહ્યું હતું !
સાગર મહલનું લોકેશન જોઈને જ દેવરાજનાં મામા મામી અવાક થઈ ગયાં. સામે દૂર દૂર દરિયો ઘૂઘવી રહ્યો હતો. મલબાર હિલ ઉપર આવેલી આ જગ્યા ઉપરથી મરીન ડ્રાઈવથી આવતો ક્વિન્સ નેકલેસ રોડ અને એના ઉપર દોડતાં વાહનોની વણઝાર અદભુત નજારો પેદા કરતાં હતાં.
પોતાનો ભાણો દેવરાજ ખરેખર ખૂબ જ નસીબદાર છે. કિસ્મત એને ક્યાંથી ક્યાં લઈ આવ્યું ! - મામા વિચારી રહ્યા.
જો કે દેવકી શીતલના શરીરમાં આત્માના સ્વરૂપમાં હતી એટલે એ પોતે એવો અનુભવ નહોતી કરતી કે હું દેવકી છું. પરકાયા પ્રવેશ થાય ત્યારે ટ્રાન્સ જેવી સ્થિતિ પેદા થતી હોય છે. એ સમયે એના મનની ભૂમિકા દેવકીની જ હોય પરંતુ પોતે શીતલના શરીરમાં છે એવું એને ભાન ન હોય ! આત્મા થોડો અસમંજસમાં હોય છે.
દેવરાજ અને શીતલ આવી ગયાં એટલે ફરી ઢોલ શરણાઈના સૂર ચાલુ થઈ ગયા. સાગર મહલ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પડોશીઓ પણ બહાર આવ્યા અને બધાએ વર કન્યાનું સ્વાગત કર્યું. દેવરાજ અને શીતલની જોડી ખૂબ જ સુંદર શોભી રહી હતી.
મામા મામીના પરિવાર સાથે દેવરાજ અને શીતલ ત્રીજા માળે ૩૦૨ નંબરના ફ્લેટમાં ગયાં. મનમોહન શેઠનો આ ફ્લેટ ફૂલોનાં તોરણ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો. શાસ્ત્રીજીએ એમને દરવાજામાં જ ઊભાં રાખી મંત્રો બોલીને સુમિત્રા શેઠાણી પાસે વહુનું સ્વાગત કરાવ્યું.
શીતલે પોતાના આ સુંદર સાસરિયામાં લક્ષ્મી પગલાં કર્યાં. શેઠનાં બીજાં સગાં વહાલાં પણ અહીં હાજર જ હતાં. સૌ મહેમાનોએ શીતલનું એના ઘરમાં ભાવભીનું સ્વાગત કર્યું.
એ પછી શાસ્ત્રીજી વરકન્યાને ઘરના પૂજા રૂમમાં લઈ ગયા અને ત્યાં ગણેશ સ્થાપન કરેલું હોવાથી એમની પૂજા કરાવી. એ પછી મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણીના ઈષ્ટદેવ લાલાનાં બંનેએ દર્શન કર્યાં. શાસ્ત્રીજીએ ત્યાં લાલાની ખાસ પૂજા પણ કરાવી. એ પછી રૂઢિ પ્રમાણે રૂપિયો શોધવાની રમત રમાઈ.
આજે પણ મનમોહન શેઠ તરફથી તમામ અંગત મહેમાનો અને સાગર મહલના તમામ પડોશીઓ માટે સાંજનો જમણવાર રાખ્યો હતો એટલે બધી વિધિ પૂરી થયા પછી રાત્રે ૮ વાગે તમામ મહેમાનો નીચે જમવા માટે ગયા.
રાત્રે લગભગ ૧૧ વાગ્યા સુધી ભોજન સમારંભ ચાલ્યો અને પછી એક પછી એક મહેમાનો અને પડોશીઓ વિદાય થઈ ગયા. ગાડીઓ તૈયાર હતી એટલે મામા મામી અને દેવરાજનાં બીજાં સગાંઓ ફરી પાછાં સરોવર પોર્ટિકો હોટલ જવા રવાના થઈ ગયાં.
આજે દેવરાજ અને શીતલની સુહાગ રાત હતી અને એના માટે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાએ બેડરૂમને અદભુત રીતે સજાવ્યો હતો. તાજાં ફૂલો અને લેટેસ્ટ પર્ફ્યુમથી મઘમઘતા વિશાળ બેડરૂમમાં દેવરાજ અને શીતલે રાત્રે ૧૧:૧૫ વાગે પ્રવેશ કર્યો !!
શબ્દોમાં વર્ણવી ના શકાય એવો એક રોમાંચક અનુભવ બન્ને કરી રહ્યાં હતાં. શીતલના ચહેરા ઉપર તો સંકોચ અને શરમના ભાવો જ લીંપાઈ ગયા હતા. પણ આ શરમ હકીકતમાં દેવકીને આવતી હતી !
બેડરૂમમાં પ્રવેશ કરતાં જ દિલને મદહોશ કરી દેતું વાતાવરણ જોઈને બંને એકદમ ખુશ થઈ ગયાં. ફિલ્મોમાં પણ ન જોયો હોય એટલો સુંદર બેડરૂમ શણગારેલો હતો. ગુલાબની પાંખડીઓથી સુંદર ડિઝાઇન બેડ ઉપર બનાવી હતી. પર્ફ્યુમની સુગંધની સાથે ભળી ગયેલી ગુલાબના ફૂલોની પણ એક આગવી સુગંધ મનને માદક બનાવી રહી હતી !!
" હું આ ભારે કપડાં વોશરૂમમાં જરા ચેન્જ કરીને આવું છું." કહીને દેવરાજ વોશરૂમમાં ગયો અને પાંચેક મિનિટમાં રેશમી સફેદ પાયજામો અને આછો ગુલાબી કુર્તો પહેરીને બહાર આવ્યો.
" હવે તારો વારો. તારા આ બધા ભારે દાગીના ઉતારી દે અને રિલેક્સ થઇ જા. અંદર જઈને ચેન્જ કરી આવ. વોશરૂમમાં તારા માટે સિલ્કી નાઇટી મૂકેલી જ છે. નાનામાં નાની બાબતોની આપણા માટે કાળજી રાખવામાં આવી છે." દેવરાજ બોલ્યો. દેવરાજ તો એને શીતલ જ માનતો હતો !
શીતલે શરીર ઉપરના ભારે દાગીના એક પછી એક ઉતારી દીધા. ગળામાં પહેરેલો ડાયમંડનો નેકલેસ અને મોતીનો સેટ ઉતારી દીધો. માત્ર સોનાની ચેન પહેરી રાખી. હાથના ભારે પાટલા ઉતારીને બે સોનાની બંગડી અને બે ડાયમંડની બંગડી રહેવા દીધી. બંને હાથના પોંચા કાઢી હથેળીઓ પણ ખુલ્લી કરી દીધી.
એ પછી શીતલ ધીમે રહીને વોશરૂમમાં ગઈ. ૧૫ મિનિટ પછી એ પણ આછા ગુલાબી રંગની નાઇટી પહેરીને બહાર આવી. વાળ પણ એણે ખુલ્લા કરી દીધા.
દેવરાજ શીતલના આ નશીલા સ્વરૂપને જોઈને મુગ્ધ થઈ ગયો !! રતિ અને કામદેવ ધીમે પગલે બેડરૂમમાં પ્રવેશ કરી રહ્યાં હતાં.
શીતલ ધીમે રહીને બેડ ઉપર સરકતી ગઈ અને તકિયાને અઢેલીને બેસી ગઈ. બાજુના તકિયાનો ટેકો લઈને દેવરાજ તો પહેલેથી જ બેઠેલો હતો.
" તું સુંદર તો છે જ પરંતુ આજે ખરેખર ખૂબ જ સુંદર દેખાય છે ! યુવાનીમાં પ્રવેશ કર્યા પછી દરેક યુવક અને યુવતી આજના દિવસની ચાતકની જેમ પ્રતીક્ષા કરતાં હોય છે." દેવરાજ શીતલની સામે જોઇને બોલ્યો.
"મને તો બહુ શરમ આવે છે. લાઈટ બંધ કરી દો ને પ્લીઝ. " શીતલ બોલી.
" કેમ બહુ ઉતાવળ આવી છે ? "
" જાઓ ને હવે. મારી નજીક તો તમે આવી રહ્યા છો અને પાછા મને કહો છો ! " કહીને શીતલે માથું દેવરાજની છાતી ઉપર ઢાળી દીધું. દેવરાજ શીતલના માથે વાળમાં આંગળીઓ ફેરવતો રહ્યો. ધીમે ધીમે દેવરાજની આંગળીઓ ઉપર કામદેવે કબજો લઈ લીધો અને એ શીતલના ઉરપ્રદેશ તરફ નીચે સરકવા લાગી.
કામદેવે રતિને પણ બોલાવી લીધી અને બંનેએ ભેગાં થઈને દેવરાજ અને શીતલને અનંગ લીલામાં ધીમે ધીમે મદહોશ બનાવી દીધાં !! લાઈટ બંધ કરવાનું પણ ભાન ના રહ્યું અને પરોઢીયાના પાંચ વાગ્યા સુધી બંને શારીરિક આવેગોનાં તોફાનોમાં ખેંચાઈ ગયાં.
વહેલી સવારે પાંચ વાગે જેવી શીતલ થાકીને ઘસઘસાટ નિદ્રામાં સરી પડી કે તરત જ દેવશંકર દાદાએ શીતલના શરીરમાંથી દેવકીના આત્માને પાછો ખેંચી લીધો અને શીતલનો મૂળ આત્મા એના શરીરમાં ફરી પાછો પ્રસ્થાપિત કરી દીધો !
એ સમયે પીજી હાઉસમાં દેવકી પણ નિદ્રાધીન સ્થિતિમાં જ હતી. દાદાએ એના શરીરમાં એના પોતાના આત્માનો ફરી પાછો પ્રવેશ કરાવી દીધો. બંનેનો આત્મા બદલાઈ ગયો એની બંનેમાંથી કોઈને કંઈ ખબર ના પડી. ગઈ કાલે બપોરે દેવકીના શરીરમાં શીતલનો આત્મા પ્રવેશ કરી ગયો હોવાથી દેવકી જાણે કે કોઈ નશામાં હોય એ રીતે આખો દિવસ સૂમસામ થઈને પડી રહી હતી. સાંજે જમી પણ ન હતી.
દેવકીના શરીરમાં વહેલી સવારે એનો પોતાનો આત્મા આવી ગયો એ પછી એ જાગૃત થઈ ગઈ. ખબર નહીં કેમ પણ એક અવર્ણનીય આનંદનો દેવકી અનુભવ કરી રહી હતી. એને પોતાને સમજ નહોતી પડતી કે આવી આનંદની અનુભૂતિ એને કેમ થઈ રહી છે !
દેવકીનાં લગ્ન દેવરાજ સાથે થઈ ગયાં હતાં અને સુહાગરાતે દેવરાજ સાથે શરીર સુખ પણ એણે માણી લીધું હતું પરંતુ દેવકીને પોતાને એ વિશે કંઈ જ ખબર ન હતી !
મનમોહન શેઠના ઘરમાં સવારે આઠ વાગ્યા સુધી દેવરાજ અને શીતલને કોઈએ પણ ડિસ્ટર્બ કર્યાં નહીં. એમની મેળે જાગશે એટલે બહાર આવી જશે એમ જ સૌએ સ્વીકારી લીધું.
સૌથી પહેલાં શીતલની આંખ ખૂલી ગઈ. પુરુષ કરતાં સ્ત્રી જ વહેલી જાગી જતી હોય છે ! મોબાઈલમાં જોયું તો સવારના સાત અને વીસ મિનિટ થઈ હતી. શીતલને બધું નવું નવું લાગી રહ્યું હતું. એણે પોતાની જાતને દેવરાજની સાથે એક જ બેડ ઉપર અસ્તવ્યસ્ત હાલતમાં જોઈ. એના અને દેવરાજની વચ્ચે શારીરિક સંબંધ થઈ ગયો હતો એનો અનુભવ એને થતો હતો પરંતુ એ રોમાંચક અનુભવ એને કેમ યાદ આવતો ન હતો !! આખી રાત શું બન્યું એ બધું જ જાણે કે વિસ્મૃતિમાં ચાલ્યું ગયું હતું !!
શીતલ સફાળી બેઠી થઈ ગઈ અને સીધી વૉશરૂમમાં ભાગી. દેવરાજના આ ફ્લેટનો વૉશરૂમ પણ ઘણો વિશાળ હતો !
વૉશરૂમમાં જેમ રાત માટે નાઇટી ગોઠવેલી હતી એ જ રીતે સવારે પહેરવાનો એક ફોર્મલ ડ્રેસ પણ મુકેલો જ હતો. આ કામ પણ પેલી ઈવેન્ટ મેનેજમેન્ટવાળી બે છોકરીઓનું જ હતું.
દેવરાજ હજુ સૂતો હતો એટલે એણે ફટાફટ બ્રશ કરી લીધું અને નાહીધોઈને તૈયાર થઈ ગઈ. લાઈટ બ્લુ રંગનો સુંદર ભરતકામવાળો ડ્રેસ એણે પહેરી લીધો. લેટેસ્ટ પરફ્યુમ પણ વૉશરૂમમાં ગોઠવેલાં હતાં. એણે એના મનગમતા પરફ્યુમનો હળવો સ્પ્રે કર્યો.
બહાર આવીને એણે દેવરાજના કાનમાં માથાના ભીના વાળથી ગલીપચી ચાલુ કરી. દેવરાજ સળવળ્યો એટલે ધીમેથી એણે એના કાનમાં " ગુડ મોર્નિંગ રાજ" કહ્યું.
દેવરાજની આંખો ખૂલી ગઈ. એ બેઠો થઈ ગયો. શીતલને એણે તૈયાર થયેલી જોઈ અને મોબાઇલમાં ટાઈમ જોયો. અરે બાપ રે સવા આઠ વાગી ગયા !!
" અરે... તું તૈયાર પણ થઈ ગઈ અને મને જગાડ્યો પણ નહીં ? " દેવરાજ બોલ્યો.
" હા તો અત્યારે હું જ જગાડું છું ને !! " શીતલ લાડથી બોલી.
" હવે જગાડે છે ને ? તું જ્યારે જાગી ત્યારે ના જગાડાય ? " દેવરાજે મીઠો ઠપકો આપ્યો.
" વૉશરૂમ એક જ છે ને સાહેબ !! જાગીને કોઈ ફાયદો ખરો ? મેં મારું કામ પતાવી દીધું. હવે તમારો વારો. " શીતલ રમતિયાળ મૂડમાં હતી.
દેવરાજ થોડી વાર બેસી રહ્યો. જિંદગીમાં પહેલી વાર એણે આવો રોમેન્ટિક અનુભવ કર્યો હતો !! કાલની રાત ખરેખર કામણગારી રાત હતી.
એ ઉભો થયો. વૉશરૂમમાં નાહી ધોઈને અડધા કલાક પછી બહાર આવ્યો. ડાર્ક ગ્રીન કલરનું ચેક્સવાળું શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરી લીધું. પર્ફ્યુમનો એને ખાસ શોખ ન હતો તો પણ પર્ફ્યુમનો થોડો છંટકાવ કર્યો. ગમે તેમ તોય હજુ વરરાજા હતો !!
"હવે આપણે બહાર જઈશું ? ૯ વાગી ગયા છે ! " દેવરાજ બોલ્યો.
" જેવી તમારી ઈચ્છા." શીતલ લાડથી બોલી.
અને દેવરાજે બેડરૂમનો દરવાજો ખોલી નાખ્યો.
***********************
વહેલી સવારે શીતલના શરીરમાં શીતલનો જ આત્મા પ્રસ્થાપિત કર્યા પછી દેવશંકર દાદા ઉપર ચોથા લોકમાં પ્રસ્થાન કરી ગયા અને ત્યાંથી એમણે અલ્મોડા આશ્રમમાં ધ્યાનમાં બેઠેલા સ્વામી આત્માનંદજીનો સંપર્ક કર્યો.
" કામ પતી ગયું છે. આત્માના લેવલે દેવકીનાં લગ્ન દેવરાજ સાથે થઈ ગયાં છે. શિવ અને શક્તિનું રાત્રે મિલન પણ થઈ ગયું છે. બંને એક થઈ ગયાં છે. હવે ચિંતાનું કોઈ કારણ નથી. હવે ભલે શીતલ દેવરાજ સાથે રહે. દેવરાજના આત્મા સાથે શીતલના આત્માનું જોડાણ તોડવામાં આપણને સફળતા મળી છે. " દેવશંકર દાદા બોલ્યા. આ બધી વાતો સૂક્ષ્મ લેવલે ચાલી રહી હતી.
હકીકતમાં દેવશંકર દાદા પોતે જ સ્વામી આત્માનંદજી અને સ્વામી સુબોધાનંદજીના ગુરુજી હતા ! સંસારી હોવા છતાં પણ એ ઉચ્ચ કોટિના એક સિદ્ધ મહાત્મા હતા. એમણે જ વર્ષો પહેલાં યુવાન નિખિલને સ્વામી આત્માનંદ તરીકે અને સુબોધને સ્વામી સુબોધાનંદ તરીકે દીક્ષા આપી હતી અને તપસ્યા કરવા ગિરનાર પણ મોકલ્યા હતા !!
વાલકેશ્વરમાં વૈકુંઠલાલના પૌત્ર તરીકે જન્મેલા મનમોહન શેઠનો સ્વામી સુબોધાનંદ સાથે પરિચય પણ દાદાજીની ઈચ્છાથી જ થયો હતો ! કારણકે દાદાજી દેવરાજનો વૈકુંઠલાલ તરીકેનો પૂર્વ જન્મ જાણતા હતા !
થોડા મહિના પહેલાં દાદાજીના કહેવાથી જ સ્વામી સુબોધાનંદજીએ દેવરાજને બોરીવલીના ફલેટમાં બોલાવ્યો હતો અને એક સિદ્ધિ પણ આપી હતી !
દેવશંકર દાદા જ્યારે હયાત હતા ત્યારે એમણે એમની પુત્રવધુના ગર્ભમાં સૂક્ષ્મ જગતમાંથી એક અતિ પવિત્ર આત્માને બોલાવીને પ્રસ્થાપિત કર્યો હતો. જેનો જન્મ દેવકી તરીકે થયો હતો.
દેવશંકર દાદા પોતાના જન્મ પહેલાં જ્યારે સૂક્ષ્મ જગતમાં હતા ત્યારે પણ એમણે આ જ આત્માને સુંદરીના સ્વરૂપમાં પૃથ્વી ઉપર મોકલ્યો હતો પરંતુ ત્યારે જેસલમેરમાં મદનસિંહ તરીકે જન્મેલો દેવરાજ સાધુ બની ગયો હતો એટલે દાદાજીને સફળતા મળી ન હતી !
એ જ પવિત્ર આત્માને પોતાની પૌત્રી દેવકી તરીકે ફરી જન્મ આપ્યા પછી દેવકીમાં દાદાજીએ યોગમાયાની સ્થાપના કરી હતી ! દેવકી શક્તિ સ્વરૂપ બની ગઈ હતી !!
" આ તમે બહુ જ સારું કામ કર્યું છે ગુરુજી. દેવકીની અંદર રહેલા તેજસ્વી આત્માનું દેવરાજ સાથે જોડાણ થવું બહુ જ જરૂરી હતું. શક્તિના મિલન વિના શિવ અધૂરા છે." નિખિલ મહારાજ બોલ્યા.
"હા. શીતલની અંદર રહેલા માયાવી આત્માથી છોડાવવા આ જન્મમાં દેવરાજ અને દેવકીનું એક થવું ખૂબ જ જરૂરી હતું." દાદાજી બોલી રહ્યા હતા.
"શક્તિ સ્વરૂપે રહેલી દેવકીએ અત્યાર સુધીમાં દેવરાજને આકર્ષવા બહુ જ કોશિશ કરી હતી પરંતુ આ જન્મમાં દેવરાજનું ચારિત્ર્ય ખૂબ જ પવિત્ર હોવાથી એ દેવકીની કોઈપણ વાતોમાં આવ્યો ન હતો. " દેવશંકર દાદા બોલ્યા.
" હા ગુરુજી. ઋષિકેશમાં પણ બંનેને એક થવાની તક મળી હતી. દેવકીએ એને એ સમયે પણ આકર્ષવાની કોશિષ કરી હતી પરંતુ દેવરાજ મક્કમ રહ્યો હતો. મને એક વાત સમજાતી નથી ગુરુજી કે દેવરાજને શીતલના આત્માથી કાયમ માટે જો મુક્ત કરવાનો જ છે તો પછી તે દિવસે શિવજીએ શીતલ પાસે પણ બિલિપત્ર કેમ માગ્યાં ? " નિખિલ મહારાજે પૂછ્યું.
" એ સાધુ મહાત્માના સ્વરૂપમાં હું પોતે જ હતો. શિવરાત્રિના દિવસે મેં મારી અંદર શિવજીનું અવતરણ કર્યું હતું. શિવજીનો આવિર્ભાવ કરીને જ હું બાબુલનાથ ગયો હતો. દેવરાજ પાસેથી બિલિપત્ર માગીને ફરી હું સૂક્ષ્મ સ્વરૂપમાં આવી ગયો હતો અને શિવજીને બિલિપત્ર અર્પણ કર્યાં હતાં. શિવ અને શક્તિના મિલનની એ પૂર્વભૂમિકા હતી. શિવની આજ્ઞા લેવી જરૂરી હતી." દેવશંકર દાદા બોલી રહ્યા હતા.
" એ પછી શીતલ પાસે પણ મેં પાંચ બિલિપત્ર માગ્યાં હતાં. શીતલના આત્માથી કાયમ માટે દેવરાજને મુક્તિ મળે એના માટે પ્રાર્થના કરી એ બિલિપત્ર મેં શિવજીને અર્પણ કર્યાં હતાં. અને પછી એ જ બિલિપત્ર શીતલના લોટામાં પાછાં મૂકયાં હતાં. શીતલે જેવો એ બિલિપત્રનો સ્પર્શ કર્યો કે તરત જ શીતલના આત્મા સાથે જોડાયેલી આસુરી શક્તિઓ નષ્ટ થઈ ગઈ." દાદાજીનો દિવ્ય આત્મા બોલ્યો.
" શીતલના આત્મા સાથે આસુરી શક્તિઓ ? શીતલ અત્યારે તો એક સારી પ્રેમાળ છોકરી જ દેખાય છે અને એ દેવરાજને સાચો પ્રેમ પણ કરે છે. પરંતુ દેવરાજે પોતાને મળેલી સર્વજ્ઞતા સિદ્ધિથી શીતલનો ભૂતકાળ જોવા પ્રયત્ન કર્યો ત્યારે એક પણ વાર એને સફળતા મળી ન હતી. બાબુલનાથ મંદિરમાં સિદ્ધ મહાત્માના સ્વરૂપમાં આપશ્રીએ પણ એને શીતલ વિશે કંઈ પણ જાણવાની મનાઈ કરી હતી. આ રહસ્ય શું છે ?" નિખિલ મહારાજ બોલ્યા.
" ગયા જન્મને બાદ કરતાં શીતલ પાછલા અનેક જન્મોથી દેવરાજની સાથે જોડાયેલી છે. શીતલનો આત્મા અતિશય માયાવી છે. દેવરાજના આટલા બધા જન્મો થયા એની પાછળ પણ શીતલ જ જવાબદાર છે. દેવરાજની મુક્તિના માર્ગે એ સૌથી મોટું વિઘ્ન છે. શીતલ સાથે આસુરી શક્તિઓ પણ જોડાયેલી હતી. એણે પાછલા જન્મોમાં વશીકરણ જેવી મેલી સાધનાઓ પણ કરેલી છે. અને આ બધી સાધનાઓ આત્મા સાથે જોડાયેલી જ રહે છે." દાદાજી બોલી રહ્યા હતા.
"આ જન્મમાં શિવજીને અર્પણ કરેલાં બિલિપત્રનો સ્પર્શ કરાવીને મેં એની તમામ મેલી સાધના તથા આસુરી શક્તિઓ નિષ્ફળ કરી દીધી છે એટલે હવે શીતલનો આત્મા દેવરાજનું અહિત નહીં કરી શકે. " દાદાજી બોલી રહ્યા હતા.
" દેવરાજે જ્યારે જ્યારે પણ શીતલના પૂર્વ જન્મો જોવા માટે કોશિશ કરી ત્યારે ત્યારે ત્યારે મેં જ તેની સર્વજ્ઞતા સિદ્ધિ જે તે વખતે નિષ્ક્રિય કરી દીધી હતી. જો એ એનો ભૂતકાળ જોઈ લે તો ફરી પાછો એ શીતલના આત્માના માયાના ચક્કરમાં આવી જવાની પૂરી શક્યતાઓ હતી. કારણકે શીતલના આત્મા પાસે વશીકરણ જેવી આસુરી સિદ્ધિઓ હતી." દાદાજી બોલ્યા.
" છેલ્લો સવાલ ગુરુજી. હવે તો શીતલ સાથે કાયમ દેવરાજનો સંબંધ થવાનો જ છે ને ? ભલે એની આસુરી શક્તિઓ તમે નિષ્ફળ કરી પરંતુ સંસારિક જીવન ચાલુ રહેશે તો દેવરાજને એની માયા ફરી નહીં વળગે ? " સ્વામી આત્માનંદજી બોલ્યા.
" ના. એટલા માટે તો મેં દેવરાજનું દેવકી સાથે લગ્ન કરાવી દીધું અને શિવ અને શક્તિનું મિલન પણ થઈ ગયું. *દેવકી પોતે યોગમાયા છે. એની સાથેના શારીરિક મિલન પછી દેવરાજ સંપૂર્ણપણે સુરક્ષિત થઈ ચૂક્યો છે. એને રક્ષાકવચ મળી ગયું છે. શીતલની માયામાં આ જન્મમાં એ હવે નહીં લપેટાય*. સ્ત્રી અને પુરુષનું શારીરિક મિલન થાય ત્યારે બંનેની ઉર્જાઓની આપ-લે થાય છે. એટલા માટે જ પુરુષની ઉર્જા પ્રાપ્ત થવાથી લગ્ન પછી સ્ત્રીનું શરીર પુષ્ટ થાય છે !" દેવશંકર દાદા બોલી રહ્યા હતા.
"અને હવે શીતલ એની પત્ની પણ નથી રહી. સંબંધો ભલે થયા કરે પરંતુ દેવરાજ હવે એનાથી મુક્ત છે. હવે પછીના જનમમાં શીતલ ક્યારે પણ એના જીવનમાં નહીં આવે." દાદાજી એટલે કે નિખિલ મહારાજના ગુરુજી બોલ્યા.
" હવે દેવકીની જિંદગીનું શું ? દેવરાજ તો શીતલને જ પોતાની પત્ની માને છે. દેવકી સાથે લગ્ન કર્યાં હોવા છતાં પણ એ તો દેવકીથી દૂર જ રહેવાનો છે ! " નિખિલ મહારાજ બોલ્યા.
દાદાજી ખડખડાટ હસી પડ્યા.
" દેવરાજને મુક્તિ ના મળે ત્યાં સુધી હવે સૂક્ષ્મ જગતમાં રહીને પણ મારી નજર દેવરાજ ઉપર રહેવાની જ છે. અમદાવાદમાં દેવરાજને મેં જ તમારી પાસે મોકલ્યો હતો એ ભૂલી ગયા ? અને એનો પૂર્વજન્મ વાલકેશ્વરમાં હતો એ પણ મેં જ તમને કહ્યું હતું ને ! સુબોધાનંદ દ્વારા મનમોહન શેઠનો દેવરાજ સાથે પરિચય કરાવનાર પણ હું જ હતો ને ! દેવરાજની રાજકોટની સ્વપ્નાવસ્થાનું સર્જન પણ મેં જ કરી આપ્યું હતું ને !" દેવશંકર દાદા બોલી રહ્યા હતા.
" દેવકી જ દેવરાજને મુક્તિ અપાવશે. એ જ તો એની શક્તિ છે ! યોગમાયા ની શક્તિ દેવકી દ્વારા દેવરાજના શરીરમાં સક્રિય થઈ ગઈ છે ! મેં મારું કાર્ય પૂરું કર્યું. હવે થોડું આપણે નિયતિ ઉપર છોડી દઈએ અને જોયા કરીએ ! " દેવશંકર દાદા બોલ્યા અને સ્વામી આત્માનંદજીના ધ્યાનમાંથી અદ્રશ્ય થઈ ગયા !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

