પીજી હાઉસ પ્રકરણ 66
સૂક્ષ્મ જગતમાં બેઠેલા દેવશંકર દાદા જ દેવરાજના અનેક જન્મોથી સ્પીરીચ્યુઅલ ગાઈડ હતા. દાદાજી આધ્યાત્મિક લેવલે બહુ જ ઊંચાઈ ઉપર હતા અને દેવરાજના પાછલા અનેક જન્મોને જાણતા હતા.પીજી હાઉસ નવલકથા
પાછલા અનેક જન્મોમાં દાદાજી સન્યાસી બની ચૂક્યા હતા. સાત જનમ પહેલાં દાદાજીએ દેવરાજના આત્માને દીક્ષા પણ આપી હતી. પરંતુ દરેક જન્મમાં શીતલના આત્મા સાથે જોડાઈને દેવરાજનું પતન થયું હતું. દેવરાજનું પતન અટકાવવા માટે જ એમણે પોતાની પૌત્રી દેવકીમાં યોગમાયાનુ આવાહન કર્યું હતું અને યોગમાયાનો દેવરાજ સાથે સંબંધ કરાવી દીધો હતો !
એમણે જ દેવરાજને પ્રેરણા આપીને પોતાના શિષ્ય આત્માનંદ પાસે અને પછી સુબોધાનંદ પાસે મોકલ્યો હતો. દાદાજી દેવરાજનો પાછલો જન્મ જાણતા હતા અને જે ઘરમાં એનો વૈકુંઠલાલ તરીકે જન્મ થયો હતો એ જ ઘરમાં એને મનમોહન શેઠના દત્તક પુત્ર તરીકે મોકલ્યો હતો અને શ્રીમંત બનાવ્યો હતો.
દાદાજી જાણતા જ હતા કે પાછલા અનેક જન્મોના ઋણાનુબંધના કારણે શીતલ ફરી દેવરાજના જીવનમાં આવવાની જ છે એટલે એ કોઈપણ સંજોગોમાં દેવરાજનું લગ્ન શીતલથી ટાળવા માગતા હતા. અને એમાં એ સફળ પણ થયા હતા !
***********************
દેવરાજ અને શીતલ સવારે ૯ વાગે પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યાં. શીતલ જેવી બહાર આવી કે તરત જ નટખટ માનસી શીતલ પાસે આવી.
" ગુડ મોર્નિંગ ભાભી. ગઈકાલે રાત્રે તો તમારી સાથે વાત થઈ શકી ન હતી. પરંતુ અત્યારે તમારા શરૂ થયેલા નવા સંસારમાં તમારું સ્વાગત કરું છું. કેવી રહી તમારી પરણ્યાની પહેલી રાત ? " માનસી બોલી.
માનસી આમ તો દેવરાજની કઝીન સિસ્ટર થતી હતી. મનમોહન શેઠની માસીના દીકરા ભગવાનદાસની એ સૌથી નાની દીકરી હતી. ઉંમરમાં એ શીતલ કરતાં પાંચેક વર્ષ મોટી અને દેવરાજ કરતાં એક વર્ષ મોટી હતી. બહુ જ વાચાળ અને બોલકી હતી.
" થૅન્ક યુ ...." શીતલ બોલી. એને નામ નહોતી ખબર એટલે એ વધુ બોલી ના શકી.
" માનસી. માનસી મારું નામ. હવે બરાબર યાદ રાખજો. આ ઘરમાં તમારે વાત કરવા માટે મારા સિવાય બીજું કોઈ નથી. બાકીના બધા વડીલો છે. અને હું પણ હવે બે ત્રણ દિવસની મહેમાન છું. હા તમે મને કાયમ માટે અહીં રોકવા માંગતા હો તો મને કોઈ વાંધો નથી. " માનસી હસીને બોલી.
"તમે વાતો બહુ સરસ કરો છો માનસી બેન. " શીતલ હસીને બોલી.
" ચાલો તમને તમારું નવું ઘર બતાવી દઉં. મારા સિવાય તમારી આંગળી પકડીને અહીં બીજું કોઈ નહીં બતાવે." માનસી બોલી અને એણે શીતલને દેવરાજનો આખો ફ્લેટ ફરી ફરીને બતાવ્યો. તમામ બેડરૂમ અને કિચન પણ બતાવ્યું. નોકરોનો તેમજ નંદુ મહારાજનો પણ પરિચય કરાવ્યો.
" આ નંદુ મહારાજ છેલ્લાં ૩૫ વર્ષથી અહીં સેવા આપે છે. એ હંમેશાં તમારી સેવામાં હાજર રહેશે. તમને જે પણ ખાવાનું મન થાય, બસ હુકમ કરો એટલે હાજર. એમને જરા પણ આળસ નહીં. રાત્રે બે વાગ્યે પણ તમે એમને જગાડીને ઓર્ડર કરી શકો." માનસી બોલી.
" આ નાનાં શેઠાણીનું નામ શું ? " નંદુ મહારાજે માનસીને પૂછ્યું.
" શીતલ નામ છે મારું મહારાજ. તમે શીતલબેન પણ કહી શકો. " શીતલ બોલી.
" નાના શેઠને તો હું શેઠ કહીને જ બોલાવું છું પણ તમને હું બેન કહીને બોલાવીશ. " નંદુ મહારાજ બોલ્યા.
" હા ચાલશે. મમ્મી છે ત્યાં સુધી મને પણ શેઠાણી કહો એ બરાબર નથી. " શીતલ બોલી.
"હવે તમારાં આ બેન માટે ચા પાણીનો બંદોબસ્ત તો કરો ! ભાઈ અને ભાભી સીધાં બેડરૂમમાંથી આવે છે. " માનસી બોલી.
" બસ પાંચ મિનિટમાં જ થઈ જશે. નાસ્તામાં ગરમાગરમ ઢોકળાં હમણાં જ ઉતાર્યાં છે. તમને બીજું કંઈ ખાવાની ઈચ્છા હોય તો પણ બનાવી આપું. " મહારાજ બોલ્યા.
" ના... ઢોકળાં મને ફાવશે. " શીતલ બોલી.
એ પછી શીતલ મનમોહન શેઠ બેઠા હતા ત્યાં ડ્રોઈંગ રૂમમાં ગઈ અને પ્રથમ દિવસ હતો એટલે એમના ચરણસ્પર્શ કર્યા. સુમિત્રા શેઠાણી એ વખતે ઉભાં ઉભાં કોઈની સાથે વાત કરી રહ્યાં હતાં તો શીતલ એમની પાસે પણ ગઈ અને મમ્મીના પણ નીચે નમીને ચરણ સ્પર્શ કર્યા.
" અખંડ સૌભાગ્યવતી રહે બેટા. " સુમિત્રા મમ્મી બોલ્યાં.
" અરે માનસી આ લોકોએ ચા પાણી પીધાં કે નહીં ? " સુમિત્રા શેઠાણી બોલ્યાં.
" આન્ટી હું એમને ડાઇનિંગ ટેબલ ઉપર જ લઈ જાઉં છું. " માનસી બોલી અને શીતલને ડાઇનિંગ ટેબલ ઉપર લઈ ગઈ.
દેવરાજ ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર જ બેઠેલો હતો અને સવારનું પેપર વાંચી રહ્યો હતો.
" ભાઈ તમે આ રીતે એકલા એકલા આવીને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જાઓ એ ન ચાલે. ભાભી તમને ક્યારનાં શોધ્યા કરે છે ! " માનસી બોલી.
" માનસીબેન તો મજાક કરે છે. એ પોતે જ મને આખો ફ્લેટ બતાવવા લઈ ગયાં હતાં. " શીતલ બોલી.
" માનસીબેનને તો હું બહુ સારી રીતે ઓળખું છું. એમનો પરિચય જો કે મને પણ હમણાં જ થયો છે. ગમે તેવું ટેન્શન હોય એમની પાસે બેસો એટલે બધું દૂર ! નેચર એમનો બહુ સરસ છે. પોતાની પીડાને બાજુમાં રાખીને બીજાંને હસતાં રાખે છે. " દેવરાજ બોલ્યો.
દેવરાજની વાત સાંભળીને માનસી સડક જ થઈ ગઈ - દેવરાજને મારી પીડાની કઈ રીતે ખબર ? મેં તો એમને મારી કોઈ વાત કરી જ નથી. અંકલ પણ જાણતા નથી અને અઠવાડિયા પહેલાં તો હું અહીં રહેવા આવી છું.
" તમે કઈ પીડાની વાત કરો છો દેવરાજભાઈ ? " માનસી બોલી.
" દુનિયામાં દરેકને કોઈને કોઈ પીડા તો હોય જ છે. મેં તો અમસ્તું જ કહી દીધું. બીજાને હસાવનારા મોટાભાગે પોતે અંદરથી દુઃખી હોય છે." દેવરાજ બોલ્યો પરંતુ એણે માનસીને આંખોથી શીતલ તરફ ઈશારો કર્યો.
માનસી સમજી ગઈ કે શીતલભાભીની હાજરીમાં ભાઈ કોઈ ચર્ચા કરવા માગતા નથી. એને ભાઈ તરફ માન ઉપજ્યું. એ નવદંપત્તિને એકલાં મૂકીને હળવેથી ત્યાંથી નીકળી ગઈ.
" તમારો ફ્લેટ તો ખરેખર બહુ જ ભવ્ય છે. આપણા બેડરૂમની બારીમાંથી જ દૂર દૂર દરિયાનાં દર્શન થાય છે. બહુ જ રળિયામણી જગ્યા છે." શીતલ બોલી.
દેવરાજને કહેવાની ઈચ્છા થઈ કે ગયા જનમમાં આ જગ્યા મેં જ ખરીદી હતી અને એ જ ઘરમાં ફરી હું વારસદાર તરીકે રહેવા આવ્યો છું પરંતુ કોણ જાણે કેમ શીતલ સાથે આ વાત કરવાનું એણે માંડી વાળ્યું. એ આવી બધી બાબતોમાં માનતી જ ન હતી.
ચા નાસ્તો પતી ગયા પછી સુમિત્રા શેઠાણીએ વહુને તમામ સગાંઓનો પરિચય કરાવ્યો જેમાં માનસીનો હસબન્ડ મિહિર અને મમ્મી પપ્પા પણ હતા.
બપોરે એક વાગે ઘરમાં જમણવાર ચાલુ થઈ ગયો. સ્ત્રીઓ અને બાળકોને સૌથી પહેલાં જમાડી દીધાં અને એ પછી પુરુષ વર્ગે જમી લીધું. દેવરાજ અને શીતલ સૌથી છેલ્લે જમ્યાં.
" ભાભી સાંજે રિસેપ્શન છે. હું તમને આજે અહીંના એક સરસ પાર્લરમાં લઈ જાઉં છું. આજે તમારો દિવસ છે અને તમારે હિરોઈનની જેમ તૈયાર થવાનું છે. આજે વીઆઈપી મહેમાનો રિસેપ્શનમાં હાજરી આપશે. તમે મને તમારી સાડીઓ બતાવો. તમને આજે કઈ સાડી સારી લાગશે એનું સિલેક્શન હું જ કરીશ. " માનસી બોલી.
" વાહ... તમે તો મારું કામ આસાન કરી દીધું માનસીબેન. હું પોતે જ આજે વિમાસણમાં હતી કે આજે રિસેપ્શનમાં હું શું પહેરું ! " શીતલ બોલી.
" તમારા મનની વાત મેં વાંચી લીધી હતી એટલેસ્તો તમારી મદદે આવી." માનસી હસીને બોલી.
એ પછી શીતલ માનસીને પોતાના બેડરૂમમાં લઈ ગઈ અને એની પાસે જે પણ બેસ્ટ સાડીઓ અને ડ્રેસ હતા એ માનસીને બતાવ્યા.
" ડ્રેસ રહેવા દો ભાભી. તમારું બોડી સ્ટ્રક્ચર એવું છે કે તમને સાડી જ સારી લાગશે અને એ પણ ડાર્ક કલરની !" માનસી બોલી.
ત્રણ-ચાર અલગ અલગ સાડીઓ જોયા પછી માનસીએ સિલ્કી બોર્ડર વાળી બોટલ ગ્રીન કલરની એક સાડી પસંદ કરી જેમાં પીળા કલરનું ભરત કામ કરેલું હતું. બ્લાઉઝ પણ પીળા કલરનો હતો.
" જુઓ આ સાડી તમને જબરદસ્ત ઉઠાવ આપશે. તમારા આટલા લાંબા વાળ છે તો હેર સ્ટાઈલ પણ તમારી એવી સરસ બનશે કે ફંકશનમાં તમે છવાઈ જશો." માનસી બોલી.
" તમારી ચોઇસ ખરેખર સરસ છે. " શીતલ બોલી.
" હવે જુઓ. રાતનો ઉજાગરો છે એટલે તમે સાડા ત્રણ વાગ્યા સુધી થોડો આરામ કરી લો. આપણે સાંજે ચાર વાગે નીકળી જઈશું. રાત્રે ૮ વાગે રિસેપ્શન છે એટલે તૈયાર થઈને સીધાં સંસ્કૃતિ હૉલ ઉપર જ જઈશું. " માનસી બોલી.
સાંજે ચાર વાગે શીતલ તૈયાર જ હતી. માનસી એને પોતાની ગાડીમાં લઈને ડી.એન. રોડ ઉપર આવેલા લેસિયા સલૂન ગઈ. અતિ શ્રીમંતવર્ગનું આ પ્રિય સલૂન હતું.
ફેશિયલ, મેકઅપ, આઈબ્રોથી માંડીને હેર સ્ટાઈલ સુધીની તમામ પ્રક્રિયામાં થી પસાર થઈને એકદમ તૈયાર થવામાં શીતલને લગભગ અઢી કલાક લાગ્યા. માનસી કહેતી હતી એ પ્રમાણે તૈયાર થયા પછી શીતલ કોઈની પણ નજર લાગી જાય એટલી સુંદર દેખાતી હતી !
બાબુલનાથની નજીક આવેલું સંસ્કૃતિ બેંકવેટ્સ આજે સવારથી ધમધમતું હતું. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા સાંજના રિસેપ્શન માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા.
રસોઈ માટે સવારથી જ અલગ અલગ રસોઈયા પોતાના આસિસ્ટન્ટ સ્ટાફ અને મજૂરો સાથે આવી ગયા હતા. જુદી જુદી વાનગીઓ માટે બે સાઉથ ઇન્ડિયન સ્પેશિયાલિસ્ટ, બે પંજાબી ડીશના સ્પેશિયાલિસ્ટ અને ત્રણ ગુજરાતી રસોઈયા આવ્યા હતા તો ચાઈનીઝ વાનગીઓ માટે બે ચાઈનીઝ સ્પેશિયાલિસ્ટ છોકરાઓ પણ આવ્યા હતા.
સાંજે સાત વાગ્યા સુધીમાં તો સંસ્કૃતિ બેંકવેટ્સ અદભુત રોશની અને વિવિધ ફૂલોની સજાવટથી શણગારાઈ ગયો હતો. આખા ય હોલને પરફ્યુમનો સ્પ્રે કરીને મઘમઘતો કરી દીધો હતો.
શીતલ અને દેવરાજ માટે સુંદર સ્ટેજની સજાવટ કરી હતી. રંગબેરંગી ફૂલોથી સ્ટેજની પાછળનો ભાગ ખૂબ સરસ રીતે સજાવ્યો હતો. સ્ટેજની બંને બાજુ ફુવારાની વ્યવસ્થા પણ કરી હતી. જમીન ઉપર વૉલ ટુ વૉલ જાજમ પાથરી હતી.
સ્ટેજની બરાબર સામે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ગોઠવાઈ ગયા હતા. સ્ટેજની સામે મહેમાનો માટે સોફા અને રોયલ ખુરશીઓ પણ ગોઠવાઈ ગઈ હતી.
બરાબર આઠ વાગે દેવરાજ પોતાના પરિવાર સાથે રિસેપ્શન હૉલ ઉપર પહોંચી ગયો. એની બરાબર દસ મિનિટ પછી માનસી પણ શીતલને લઈને આવી ગઈ. શીતલ આવી ગયા પછી દેવરાજ અને શીતલ મમ્મી પપ્પા અને માનસી સાથે સ્ટેજ ઉપર પહોંચી ગયાં. મનમોહન શેઠ અને સુમિત્રા શેઠાણીને બેસવા માટે સ્ટેજ ઉપર ખુરશીની વ્યવસ્થા કરેલી હતી.
હર્ષદમામા અને નલિની મામી આગલી હરોળમાં દેવરાજની સામે જ બેસી ગયાં. મામા મામી બંને આ લગ્નથી ખૂબ જ ખુશ હતાં. દેવરાજે મુંબઈમાં એમની ખૂબ જ સંભાળ રાખી હતી. દેવરાજનું નિવાસસ્થાન પણ એમને ખૂબ જ ગમ્યું હતું.
કાન્તિલાલનો પરિવાર પણ મામા મામીની સાથે આગલી હરોળમાં જ સોફામાં ગોઠવાઈ ગયો હતો. એમની લાડકી દીકરી આજે ખૂબ જ સુંદર તૈયાર થઈ હતી.
શીતલનો પરિવાર રોકાઈ ગયો હતો અને હજુ એક દિવસ વધુ રોકાવાનો હતો. કારણકે મનમોહન શેઠે એમને તથા દેવરાજનાં મામા મામીને બીજા દિવસે વાલકેશ્વરના ફ્લેટ ઉપર આગ્રહ કરીને જમવાનું આમંત્રણ આપ્યું હતું. શીતલના પરિવારે તો હજુ જમાઈનું ઘર જોયું જ ન હતું !
દેવરાજ આજે ગ્રે કલરના જોધપુરી સ્યુટમાં ખૂબ જ સોહામણો લાગતો હતો. દેવરાજ અને શીતલની જોડી કોઈની પણ નજર લાગે એટલી સુંદર દેખાતી હતી.
આજના રિસેપ્શનમાં વૈદેહી, વૈશાલી અને ઝીલની સાથે દેવકી પણ આવી હતી. લાઈનમાં ઊભા રહીને એ ચારેય સખીઓએ સ્ટેજ ઉપર જઈને દેવરાજ સર તથા શીતલ મેડમ સાથે હાથ મિલાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને કવર આપ્યું હતું.
દેવકીએ જ્યારે દેવરાજ સાથે સ્ટેજ ઉપર હાથ મિલાવ્યા ત્યારે ફરી પાછી દેવરાજના શરીરમાં એક પ્રકારની ઝણઝણાટી પેદા થઈ હતી. આવું બીજી વાર થયું હતું. જાણે કે અરસ પરસ એકબીજાની ઊર્જાની ટ્રાન્સફર થતી હતી ! દેવરાજને દેવકીનો હાથ છોડવાનું મન જ થતું ન હતું !
સતત અઢી કલાક સુધી દેવરાજ અને શીતલને ઊભા રહેવું પડ્યું. મનમોહન શેઠનું મિત્ર વર્તુળ ઘણું મોટું હતું. લગભગ ૧૫૦ જેટલા વીઆઈપી મહેમાનો આ રિસેપ્શનમાં આવ્યા હતા અને ભેટ સોગાદો આપવા માટે લાંબી લાઈન લાગી હતી.
દેવરાજ અને શીતલ સ્ટેજ ઉપર આવી ગયાં એ સાથે જ બીજી બાજુ જમણવાર ચાલુ થઈ ગયો હતો.
બે કાઉન્ટર ગુજરાતી રસોઈ માટે હતાં. એક કાઉન્ટર સૂપ માટે હતું તો બે કાઉન્ટર પંજાબી વાનગીઓ માટે હતાં. એક કાઉન્ટર સાઉથ ઇન્ડિયન ડીશ માટે હતું તો એક કાઉન્ટર ચાઈનીઝ વાનગીઓ માટે હતું. છેલ્લે એક કાઉન્ટર આઈસ્ક્રીમ માટે રાખેલું હતું. મનમોહન શેઠના ઘણા મિત્રો નોનવેજ ખાનારા હતા પરંતુ દેવરાજે એના માટે ના પાડી હતી.
દરેક મેનુ દેવરાજે પોતે જ પસંદ કરેલું હતું. રસોઈ ખરેખર ખૂબ જ સરસ બની હતી. ગુજરાતી રસોઈમાં આજે પણ હાફૂસ કેરીનો રસ, પૂરી, બટેટાનું રસાવાળું શાક, કાજુ કારેલાનું શાક, છોલે ચણા અને જલેબી હતાં તો ફરસાણમાં પાતરાં અને ખમણ હતાં. ભાતની સાથે દાળ કઢીનું ઓપ્શન હતું.
આજે મનમોહન શેઠના ઘણા બધા વીઆઈપી મહેમાનોએ ગુજરાતી થાળી ખાવાનું પસંદ કર્યું હતું. પંજાબી ડીશ ખાનારો વર્ગ લિમિટેડ હતો.
વીઆઈપી મહેમાનો માટે ડ્રિંક્સની વ્યવસ્થા પણ એણે કરી હતી. એક સાઈડમાં ખાસ મહેમાનો માટે ડ્રિંક્સ સર્વ થઈ રહ્યું હતું.
દેવરાજ અને શીતલને જમવાનો વારો છેક રાત્રે ૧૧ વાગે આવ્યો. દેવરાજનાં મામા મામી અને શીતલનો પરિવાર પણ દેવરાજ સાથે જમવામાં જોડાઈ ગયો.
દેવરાજ અને શીતલ સાથે જમવામાં એક જ ટેબલ ઉપર માનસી પણ ગોઠવાઈ ગઈ.
" આજે તો દેવરાજભાઈ અને શીતલ ભાભી માટે ભેટ સોગાદોનો વરસાદ વરસ્યો છે. તમારી સાથે હું પણ ઉભી ઉભી થાકી ગઈ. " માનસી બોલી.
" થાક તો મને એવો લાગ્યો છે કે ના પૂછો વાત. હાથ મિલાવી મિલાવીને હું પણ થાકી ગઈ છું. " શીતલ બોલી.
" હા તમને તો ગઈકાલ રાતનો પણ થાક લાગેલો જ હશે ને ! એમાં પાછું આજે અઢી કલાક ઊભા રહેવાનું થયું ! આજે તો તમને સરસ મજાની ઊંઘ આવી જશે જોજો. " માનસી બોલી.
" માનસીબેન તમારી કંપનીમાં મને ખરેખર મજા આવે છે. હું અહીં રહું ત્યાં સુધી તમે અમારા ઘરે જ રોકાજો." શીતલ બોલી.
" એવાં નસીબ ક્યાંથી લાવું ! મારો વર જ મને ખેંચી જશે. મારા વગર એ રહી શકતા જ નથી. " માનસી બોલી.
માનસી અને શીતલ વાતો કરી રહ્યાં હતાં ત્યારે દેવરાજનું સંપૂર્ણ ધ્યાન માનસી ઉપર કેન્દ્રિત થયું હતું અને એણે માનસીના મન અને શરીરને જોઈ લીધું હતું.
રિસેપ્શનમાંથી બધાં ઘરે આવ્યાં ત્યારે રાતના ૧૨:૩૦ વાગી ગયા હતા. હર્ષદ મામા અને મામી પોતાની મલાડની હોટલમાં ગયાં હતાં અને શીતલનો પરિવાર કાંદીવલીના ફ્લેટમાં ગયો હતો. બધાં માટે ગાડીઓની વ્યવસ્થા દેવરાજે કરેલી જ હતી. માનસીના સાસુ સસરા અને બીજા બધા મહેમાનો તો આજે બપોર સુધીમાં જ રવાના થઈ ગયા હતા.
દેવરાજ અને શીતલે બેડરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે ૧૨:૪૫ થયા હતા. દેવરાજ કરતાં શીતલ ખૂબ જ થાકી ગઈ હતી. ગઈકાલે રાત્રે એના શરીરમાં ભલે દેવકીનો આત્મા હતો પરંતુ શરીર તો એનું પોતાનું હતું ! અને આજે પણ ખાસ આરામ કરવા નહોતો મળ્યો.
" મને તો આજે ખબર નહીં કેમ બહુ જ ઊંઘ આવે છે રાજ." શીતલ બગાસુ ખાઈને બોલી.
" તારી આંખો જ કહી આપે છે. તું સૂઈ જા. આજની રાત ઊંઘી જઈશ તો કાલે તું ફ્રેશ થઈ જઈશ. " દેવરાજ બોલ્યો અને બીજી જ મિનિટે શીતલ ઘસઘસાટ ઊંઘવા લાગી.
જેવી શીતલ નિંદ્રામાં સરી ગઈ કે તરત જ દેવશંકર દાદાએ એના આત્માને પોતાની પાસે બોલાવી લીધો. શીતલને આટલી બધી ઊંઘ લાવનાર પણ દાદાજી જ હતા. શીતલનો આત્મા દાદાજીની સામે આવીને ઊભો રહ્યો.
" તું સૂક્ષ્મ જગતમાં હતી ત્યારે પણ
મેં તને સ્પષ્ટ સૂચના આપી હતી કે વૈકુંઠલાલના આત્માને તું છોડી દે. તેમ છતાં પણ જેવો એ આત્માએ દેવરાજ તરીકે જન્મ લીધો કે તરત જ એની સાથે લગ્ન કરવા તેં એના જ શહેરમાં શીતલ તરીકે ફરી જન્મ લીધો. જો કે તારી ઈચ્છા ફળીભૂત થઈ નથી. દેવરાજનાં લગ્ન તારી સાથે થયાં જ નથી અને હું ક્યારેય પણ થવા દઈશ નહીં. બોલ હવે તારે શું કરવું છે ? "
અને એ સાથે જ દાદાજીએ શીતલના આત્મા સામે ક્રોધાયમાન નજરે જોયું. એ નજરમાં જાણે કે આગ વરસતી હતી. અનેક જન્મો સુધી કરેલી ગાયત્રી સાધનાનું એ તપોબળ હતું !
" મને છોડી દો. હું એ આત્માને હવે હેરાન કરીશ નહીં અને ફરી ફરી એને મારા બંધનમાં બાંધીશ પણ નહીં. " શીતલનો આત્મા ડરી ગયો અને બોલ્યો.
" તું શીતલનો દેહ છોડીને અહીં સૂક્ષ્મ જગતમાં પાછી આવી જા જેથી દેવરાજ દેવકી સાથે રહી શકે. દેવકી સાથે એનાં લગ્ન થયાં છે. " દાદાજી બોલ્યા.
" મને હમણાં શીતલના શરીરમાં જ રહેવા દો. હું ચોક્કસ પાછી આવી જઈશ. હું વચન આપું છું કે દેવરાજને મારી માયાના બંધનમાં બાંધીશ નહીં. મારે પૃથ્વી ઉપરનો વૈભવ માણવો છે. ઘણા જનમ પછી મારી ઈચ્છા પૂરી થઈ છે અને આટલું સુખ અને શ્રીમંતાઈ મને મળ્યાં છે." શીતલનો આત્મા બે હાથ જોડીને દાદાજીને કરગરી રહ્યો હતો.
" તારી ઉપર હું કેવી રીતે વિશ્વાસ રાખું ? તેં પહેલાં પણ મને આવું વચન આપ્યું હતું. " દાદાજી બોલ્યા.
" હવે એવું નહીં થાય. હું ખરેખર એ આત્માને કાયમ માટે છોડી દઈશ. " શીતલનો આત્મા બોલ્યો.
" ઠીક છે આ વખતે તને જવા દઉં છું. તારે જેટલો વૈભવ માણવો હોય એટલો શીતલના શરીરમાં રહીને માણી લે અને પછી પાછી આવી જા. મારી નજર તારી ઉપર જ રહેશે. " દાદાજી બોલ્યા અને એમણે પોતાની દિવ્ય શક્તિથી શીતલના આત્માને ફરીથી એના ઊંઘતા દેહમાં પ્રવેશ કરાવી દીધો.
એ સાથે જ શીતલે પડખું ફેરવ્યું અને ફરી પાછી ઘસઘસાટ ઊંઘી ગઈ.
આ બધી જ વાતોથી અજાણ દેવરાજ સૂતેલી શીતલને જોતો રહ્યો. એને બિચારાને એ પણ ખબર ન હતી કે ગઈકાલે રાત્રે એણે દેવકી સાથે સહશયન કર્યું હતું ! દેહ ભલે શીતલનો હતો પરંતુ ઊર્મિઓ અને આવેગો દેવકીના જ હતા !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

