પીજી હાઉસ (PG House Novel Part-67)

Related

પીજી હાઉસ પ્રકરણ 67

બીજા દિવસે વહેલી સવારે ચાર વાગે દેવરાજ જાગી ગયો અને વોશરૂમમાં જઈ બ્રશ વગેરે પતાવી ધ્યાનમાં બેસી ગયો. બાજુમાં શીતલ ઘસઘસાટ ઊંઘતી હતી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

આજે એના મનમાં કોઈ જ પ્રશ્નો ન હતા એટલે એણે એના ગુરુજીને ડિસ્ટર્બ ના કર્યા. ધ્યાનમાં એને ઘણી શાંતિ મળી. એકાદ કલાક ધ્યાન કરીને એણે ગાયત્રી મંત્રની માળા ચાલુ કરી. ૧૧ માળા પતાવી ત્યારે ૬:૩૦ વાગ્યા હતા.

અત્યારે મમ્મી સિવાય બીજા બધા સૂતા હશે એટલે એણે બેડરૂમ ખોલીને બહાર જવાનો વિચાર માંડી વાળ્યો. એ બસ બેડ ઉપર તકિયાને અઢેલીને બેઠો અને શીતલ સામે જોતો રહ્યો.

ગઈ કાલે રાત્રે તો શીતલ સૂઈ ગઈ હતી પણ પરમ દિવસે એણે શીતલ સાથે જિંદગીમાં પહેલીવાર શારીરિક સુખનો બહુ જ રોમાંચક અનુભવ કર્યો હતો. સામે શીતલના શરીરમાં રહેલી દેવકીએ પણ ઘણો સારો રિસ્પોન્સ આપ્યો હતો. આ જ સુખ માટે જગત આખું પાગલ બને છે. એક વાર આ સુખ માણ્યા પછી વધુને વધુ સુખની ઈચ્છા થતી જાય છે અને પછી માનવી વાસનામાં ડૂબી જાય છે. કદાચ આનું જ નામ માયા હશે !

સાત વાગ્યા એટલે શીતલની આંખો પણ ખુલી ગઈ.

" અરે તમે જાગી ગયા ? " શીતલ બોલી.

" મારો તો ચાર વાગે ઉઠી જવાનો નિત્યક્રમ છે. મેં તો મારી પૂજા પણ પતાવી દીધી." દેવરાજ બોલ્યો.

" ચાલો હું પણ બ્રશ કરી લઉં. આજે તો મસ્ત ઊંઘ આવી ગઈ. બધો જ થાક ઉતરી ગયો રાજ. " શીતલ બોલી અને ઊભી થઈ.

નાહી ધોઈને બંને બહાર નીકળ્યાં ત્યારે સવારના આઠ વાગ્યા હતા. આ સમય બરાબર હતો. ઘરમાં હવે મમ્મી પપ્પા માનસી અને એનો વર હતાં. બાકીના મુંબઈમાં રહેતા બધા જ મહેમાનો રાત્રે રિસેપ્શનમાં જમ્યા પછી પોતપોતાના ઘરે જવા નીકળી ગયા હતા.

" ગુડ મોર્નિંગ ભાભી. " બટકબોલી માનસી બોલી.

" તમારી નજર મારા બેડરૂમ ઉપર જ હતી કે શું ? એવું લાગે છે કે જાણે તમે મારા બહાર નીકળવાની રાહ જ જોતાં હતાં. " શીતલ હસીને બોલી.

" બિલકુલ સાચી વાત કરી. તમારી રાહ જોઈને મેં ચા પણ નથી પીધી. મને ખાતરી હતી કે આજે નવ નહીં વાગે." માનસી બોલી.

" એવું તમે કેવી રીતે ધારી લીધું ? " દેવકીએ પૂછ્યું. બંને જણાં ડાઇનિંગ ટેબલ ઉપર પહોંચી ગયાં હતાં.

" એવું જ હોય ભાભી. પહેલા દિવસે સવારના નવ. બીજા દિવસે સવારના આઠ. ત્રીજા દિવસે સવારના સાત. પ્રેમ અને ઉન્માદનો નશો જે પહેલી રાત્રે હોય છે તે બીજી રાત્રે નથી હોતો. બોલો તમે ગઈકાલે રાત્રે વહેલાં સૂઈ ગયાં હશો. મારી વાત સાચી ને ? " માનસી બોલી.

" યુ આર ગ્રેટ. તમને બોલવામાં નહીં પહોંચાય. તમારી વાતો પણ ગજબ હોય છે. " શીતલ બોલી. એટલામાં દેવરાજ પણ આવી ગયો. એ પૂજા રૂમમાં મમ્મીના લાલાનાં એટલે કે બાળ કનૈયાનાં દર્શન કરવા ગયો હતો. આ એનો ક્રમ હતો.

" શું વાતો કરો છો તમે બંને નણંદ ભાભી ? " દેવરાજે ખુરશી ખેંચી અને ચા પીવા માટે બેઠો.

એટલામાં નંદુ મહારાજ મોટી ટ્રે માં બધાની ચા લઈને આવ્યા. એ પછી બીજો ધક્કો ખાઈને ગરમા ગરમ બટેટાપૌંઆની ત્રણ ડીશ લઈ આવ્યા.

" આજે તો તમારે તમારો ભેટ ખજાનો ખોલવાનો છે. કાલે બહુ બધી ગિફ્ટ આવી છે. " માનસી બોલી.

" હા અમારા બેડરૂમમાં ભેટ સોગાદો નો ઢગલો પડ્યો છે. આજે બધાં પેકેટ ખોલવાં પડશે." શીતલ બોલી.

" મોટા ભાગે બધી જ્વેલરી જ છે એટલે મમ્મીને પણ સાથે રાખજો. કોણે શું આપ્યું એની મમ્મીને ખબર પડવી જોઈએ." દેવરાજ બોલ્યો.

" મને ખબર જ છે ભાઈ તમે ચિંતા નહીં કરો. આન્ટીને અમે સાથે રાખીશું અને એક ડાયરીમાં દરેક ગિફ્ટની એન્ટ્રી નામ સાથે કરીશું. " માનસી હસીને બોલી.

અને એક કલાક પછી દેવરાજના બેડરૂમમાં શીતલ, માનસી અને સુમિત્રા મમ્મી તમામ ભેટ સોગાદો ખોલવા માટે ગોઠવાઈ ગયાં.

તમામ પેકેટો ખોલવામાં લગભગ એક કલાકનો સમય પસાર થઈ ગયો. જાતજાતની જ્વેલરી ગિફ્ટમાં આવી હતી. ત્રણ તો ડાયમંડના નેકલેસ હતા. મોટાભાગની ગિફ્ટો નેકલેસ, ચેઈન અને બ્રેસલેટની હતી. ૭૦ થી ૮૦ લાખ સુધીની ગિફ્ટ તો માત્ર રિસેપ્શનમાં જ આવી હતી. તમામ ગિફ્ટની નોંધ ડાયરીમાં કરી લેવામાં આવી.

મનમોહન શેઠના કોઈ ખાસ મિત્રે તો કવરમાં દેવરાજ શેઠના નામનો દોઢ લાખનો ચેક મૂક્યો હતો અને સાથે એક કાગળમાં લખ્યું હતું - હનીમૂન માટે મારા તરફથી ગિફ્ટ !

" વાહ ક્યા બાત હૈ ! મેં તો આવી ગિફ્ટ પહેલીવાર જોઈ. " માનસી બોલી.

" આ ચેક પપ્પાને બતાવજો. એમને પણ ખ્યાલ આવે. " મમ્મી બોલ્યાં.

એ પછી તમામ દાગીના સુમિત્રા શેઠાણીએ પોતાની તિજોરીમાં મૂકી દીધા. જ્યુસર અને મિક્સર જેવી અમુક આઈટમો કિચનની હતી એ પણ યથા સ્થાને ગોઠવી દીધી.

"નસીબદાર છો ભાભી. ગઈકાલની અને આજની ગિફ્ટ ભેગી કરીએ તો દોઢેક કરોડની કિંમત થાય. " માનસી બોલી.

" જ્વેલરી હંમેશા તિજોરીમાં જ શોભતી હોય છે માનસી બેન. આ જમાનામાં રીયલ જ્વેલરી પ્રસંગો સિવાય તો પહેરી શકાતી નથી ! એ માત્ર આપણું ઇન્વેસ્ટમેન્ટ બની જાય છે. સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધે છે. " શીતલ હસીને બોલી.

" વાહ.. તમારી આટલી સમજ માટે મને માન થઈ ગયું. " માનસી બોલી.

બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ દેવરાજનાં મામા મામી અને કાન્તિલાલનો આખો પરિવાર દેવરાજના ઘરે સાગર મહલ ફ્લેટમાં આવી ગયો. કિરણ પણ આવ્યો હતો. દેવરાજે એ લોકોને લેવા માટે ગાડીઓ મોકલી હતી.

" પધારો પધારો વેવાઈ. હું તમારા લોકોની જ રાહ જોતો હતો. " મનમોહન શેઠે દિલથી મહેમાનોનું સ્વાગત કર્યું. શેઠાણીએ પણ સહુને ભાવભીનો આવકાર આપ્યો.

બધા જ મોટા મહેમાનો સોફા ઉપર બેઠા. બે ત્રણ ખુરશીઓ પણ ત્યાં ગોઠવી દેવામાં આવી. શીતલની નાની બે બહેનો તથા મામા મામીનાં બાળકો ખુરશી ઉપર બેઠાં.

નોકર રૂપાજી બધાને માટે પાણી લઈ આવ્યો. દેવરાજ અને શીતલ આવીને મામા મામી તથા કાન્તિલાલ અને સુમનબેનને પગે લાગ્યાં.

"તમે તમારી દીકરીની જરા પણ ચિંતા ના કરશો. અમારા માટે પણ એ દીકરી જ છે. એને અહીં કોઈ જ તકલીફ નહીં પડે. અમારી આ એક જ વહુ છે. અમારું જે પણ છે એ હવે દેવરાજનું અને શીતલનું જ છે. " મનમોહન શેઠ લાગણીથી બોલ્યા.

" શેઠ અમારી પાસે તો કોઈ શબ્દો જ નથી. અમે તો દીકરી તમને સોંપી દીધી છે. અને અહીં આવ્યા પછી અમને બહુ જ સંતોષ થયો છે. તમારા જેવાં મા બાપ એને મળ્યાં છે અને દેવરાજ કુમાર જેવા જમાઈ મળ્યા છે. પછી બીજું અમારે શું જોઈએ ! " કાન્તિલાલ બોલ્યા અને એમની આંખોમાં જળજળિયાં આવી ગયાં.

" બેટા તારાં મમ્મી પપ્પાને અને મામાજીને આપણું ઘર તો બતાવી દે." મનમોહન શેઠ બોલ્યા.

" હું બતાવી દઉં છું અંકલ. " માનસી બોલી.

તમામ મહેમાનો ઊભા થયા અને માનસી તેમજ શીતલ સાથે આખું ઘર ફરી ફરીને જોયું. તમામ બેડરૂમ કિચન વગેરે જોઈને બધાંને ખૂબ જ સંતોષની લાગણી થઈ. દેવરાજની વિન્ડોમાંથી દરિયાનાં દર્શન થતાં હતાં એ જોઈને શાલિની અને નાની બંને બહેનો તો ખૂબ જ ખુશ થઈ ગઈ. કિરણ પણ દેવરાજના આ લોકેશનથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો.

" વાહ દીદી રાજમહેલ જેવું સાસરુ મળ્યું છે તમને તો." શાલિની ધીમે રહીને શીતલ સાંભળે એ રીતે બોલી.

" અમારે હવે કંઈ બોલવા જેવું જ નથી. શીતલને આવું સુંદર ઘર મળશે એની તો અમને કલ્પના પણ ન હતી. બસ બંને જણાં સુખી રહે એવા જ અમારા આશીર્વાદ છે. " સુમનબેન બોલ્યાં.

" મારા દાદા વૈકુંઠલાલે આ બંગલો ખરીદ્યો હતો. બંગલા તોડીને ફ્લેટ તો પાછળથી બન્યા. એમના જમાનામાં વાલકેશ્વર અને મલબાર હીલનો આ વિસ્તાર એકદમ પૉશ ગણાતો અને તમામ શેઠિયાઓ અહીં રહેતા ! એ જમાનામાં કેટલાક શેઠિયાઓની તો પોતાની બગીઓ હતી ! " મનમોહન શેઠ ગર્વથી બોલ્યા.

" આજે પણ આ વિસ્તાર અમને તો પૉશ જ લાગે છે. અને તમારા બંનેનો સ્વભાવ જ એટલો સરસ છે શેઠ કે અમને દેવરાજની પણ કોઈ ચિંતા નથી કે શીતલની પણ કોઈ ચિંતા નથી." હર્ષદમામા બોલ્યા.

એ પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે તમામ મહેમાનોને સૌથી પહેલાં જમવા બેસાડી દીધા. આજે જમવામાં રસ, પૂરી, પાત્રાં, કારેલાંનું ભરેલું શાક, ફજેતો, ભાત અને શુકન માટે થોડો કંસાર પણ હતો !

એ લોકો જમી રહ્યા એટલે દેવરાજ શીતલ અને ઘરના બાકીના તમામ સભ્યો જમવા માટે બેસી ગયા. તમામ લોકો જમી રહ્યા ત્યારે અઢી વાગ્યા હતા.

આજે સાંજની બધાની અમદાવાદ જવાની ગુજરાત મેઈલની ટિકિટ હતી.

" હવે અમે રજા લઈએ. થોડો આરામ કરીને પછી સાંજે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન જવા માટે નીકળી જઈશું. " હર્ષદ મામા બોલ્યા.

"તમે નીકળો ત્યાં સુધી ગાડીઓ ત્યાં જ રહેવાની છે. તમારા બધા માટે નંદુ મહારાજે મેથીનાં ૫૦ થેપલાં અને બટેટાની સુકી ભાજી બનાવી છે. નંદુ મહારાજના હાથનાં થેપલાં ચાખીને તમે ખુશ થઈ જશો. સાંજે સાત વાગે જમી લેજો. રાત્રે ૮:૩૦ વાગ્યા પહેલા તો સ્ટેશન જવા માટે તમારે નીકળી જવું પડશે." દેવરાજ બોલ્યો.

" અને દેવરાજભાઈ બે દિવસ પછી તમારે અમારાં લગ્નમાં અમદાવાદ આવવાનું છે એ ભૂલતા નહીં. અગિયારસનાં લગ્ન છે. કંકોત્રી તો તમને મળી જ હશે. " કિરણ બોલ્યો.

" હા હા કંકોત્રી તો મળી જ છે અને ના મળી હોય તો પણ આ તો ઘરનો જ પ્રસંગ છે ને ! અમે બન્ને ચોક્કસ આવીશું. " દેવરાજ હસીને બોલ્યો.

એ પછી શીતલે હર્ષદમામા અને મામીને તથા મમ્મી પપ્પાને બે અલગ અલગ પાર્સલ આપ્યાં. કાન્તિલાલના પરિવાર માટે ૩૦ તો મામા મામી માટે ૨૦ થેપલાં પેક કર્યાં હતાં તો સાથે બટેટાની સૂકી ભાજી, દહીંના ૫૦૦ ગ્રામના બે પેક ડબા, પેપર ડીશો અને પ્લાસ્ટિકની ૨૦ ચમચીઓ પણ મૂકેલી હતી.

" તમે લોકો અમારું કેટલું બધું ધ્યાન રાખો છો ? " કાન્તિલાલ બોલ્યા.

" તમે બધાં અમારાં મહેમાનો છો એટલે અમારે તો પૂરી સંભાળ રાખવી પડે ને ! " દેવરાજ હસીને બોલ્યો.

એ પછી શેઠ શેઠાણીની રજા લઈને તમામ મહેમાનો નીકળી ગયા.

"હવે કાલે તો હું પણ ઘરે જઈશ ભાઈ." મહેમાનોના ગયા પછી માનસી દેવરાજની સામે જોઈને બોલી.

" અરે તમે લોકો રોકાઈ જાઓ ને ! ઘરે જવાની શું ઉતાવળ છે ? " દેવરાજના બદલે મનમોહન શેઠ બોલ્યા.

" પ્રસંગ પૂરો થઈ ગયો અંકલ. હવે આ લોકો પણ આજકાલમાં હનીમૂન ઉપર જશે. વધુ રોકાવાનો કોઈ મતલબ પણ નથી ને ! " માનસીના બદલે એનો હસબન્ડ મિહિર બોલ્યો.

" અમે લોકો આજ કાલમાં ક્યાંય જવાના નથી મિહિરભાઈ. મારી સાળીનાં લગ્ન છે એટલે બે દિવસ પછી અમે અમદાવાદ જઈશું. તમે લોકો બે દિવસ રોકાઈ જાઓ. શીતલને પણ માનસીબેનની કંપની મળે છે." દેવરાજ બોલ્યો.

દેવરાજની વાણીમાં જ એવી તાકાત હતી કે સામેવાળી વ્યક્તિ ના પાડી શકે જ નહીં.

" ઠીક છે ચાલો. માનસી બે દિવસ રોકાશે. મારે તો કાલે સવારે નીકળી જવું પડશે. " મિહિર બોલ્યો.

મિહિર અને માનસી મુલુંડમાં રહેતાં હતાં. મિહિરનો પોતાનો મુલુંડમાં જવેલરીનો મોટો શો રૂમ હતો.

" ભાભી આજે આપણે સાંજે ચોપાટી ઉપર ફરવા જઈશું. તમે પહેલાં કદી ગયેલાં છો ? " માનસી બોલી.

" ના માનસીબેન. મુંબઈ બે વાર આવેલી છું પરંતુ બંને વાર બોરીવલી જ રોકાયેલી છું." શીતલ બોલી.

અને એ સાંજે દેવરાજ શીતલ અને માનસી દેવરાજની ગાડીમાં ચોપાટી ઉપર ફરવા માટે ગયાં.

" અત્યારે હવે આ ચોપાટી એટલી બધી સ્વરછ અને આકર્ષક રહી નથી. વર્ષો પહેલાં આ ચોપાટીની બહુ જ બોલબાલા હતી. અત્યારે બધા જૂહુની ચોપાટી પસંદ કરે છે." માનસી બોલી.

માનસી કંઈક કહેવા માગતી હતી એ દેવરાજને યાદ હતું પરંતુ અહીં પણ શીતલની હાજરીમાં એ અનુકૂળતા ન હતી. આવતી કાલે મિહિર જાય પછી જ માનસી સાથે વાત થઈ શકે.

બે કલાક જેટલું બેસીને આઈસ્ક્રીમ ખાઈને એ લોકો સાંજે સાડા સાત વાગે ઘરે પાછા આવી ગયા.

આજે સાંજે જમવામાં મહારાજે સાદું ભોજન જ બનાવ્યું હતું. ભાખરી શાક ખીચડી અને કઢી !

" આપણે હનીમૂન માટે ક્યાંય બહાર નથી જવાનું? " રાત્રે ૧૦:૩૦ વાગે બેડરૂમમાં ગયા પછી શીતલે સવાલ કર્યો.

" હનીમૂન માટે કેવી રીતે જઈએ ? બે દિવસ પછી તો શાલિનીના લગ્નમાં અમદાવાદ જવાનું છે !" દેવરાજ બોલ્યો.

" હા પણ હનીમૂનનો પ્રોગ્રામ તો બનાવવો જ પડે ને રાજ ! ભલે અમદાવાદથી આવ્યા પછી જઈએ !" શીતલ બોલી.

" તારે મને હનીમૂન માટે બહાર જવાનું પણ યાદ કરાવવું પડે શીતલ ? મારું કામ ચોક્કસ હોય છે. ૨૦ દિવસ પછીનો વિદેશ જવાનો પ્રોગ્રામ બની જ ગયો છે ! આપણી સાથે શાલિની અને કિરણ પણ આવે એવી મારી ઈચ્છા છે પરંતુ જો એ બંનેનો પાસપોર્ટ હશે તો જ એ શક્ય બનશે. તારો પાસપોર્ટ છે એ તો મને ખબર છે." દેવરાજ બોલી રહ્યો હતો.

" એ બંનેનાં લગ્ન થઈ જાય એટલે તરત જ એ બંનેનો પાસપોર્ટ લઈને મારે ચાર પાસપોર્ટ એડવાન્સમાં વીણા ટ્રાવેલ્સમાં મોકલવા પડશે. ક્યાં જવાનું છે એ હું તને અત્યારે કંઈ જ નહીં કહું. મારે તને અમદાવાદ ગયા પછી સરપ્રાઈઝ આપવું હતું પરંતુ તારી અધીરાઈ જોઈને મારે અત્યારે કહી દેવું પડ્યું." દેવરાજ બોલ્યો. એ થોડો નારાજ હતો.

"આઈ એમ સોરી રાજ ! મારો તમને નારાજ કરવાનો કોઈ જ ઇરાદો ન હતો. લગ્ન પછી બધા તરત જ હનીમૂન માટે જતા હોય છે એટલે મેં જસ્ટ તમને પૂછ્યું ! તમે શાલિની અને કિરણને પણ આપણી સાથે લીધાં એ મને બહુ જ ગમ્યું. શાલુ તો રાજીના રેડ થઈ જશે ! યુ આર ગ્રેટ ડાર્લિંગ !" શીતલ બોલી અને દેવરાજને વળગી પડી.

શીતલ હનીમૂનના પ્રોગ્રામથી ખૂબ જ એક્સાઇટેડ હતી. શીતલ દેવરાજને વળગી પડી પરંતુ દેવરાજે એને કોઈ રિએક્શન ના આપ્યું.

થોડી મિનિટો પછી શીતલ દેવરાજથી છૂટી પડી અને સૂવા માટે આડી પડી. દેવરાજ પણ બાજુમાં લાંબો થઈને સૂઈ ગયો.

દેવરાજ સૂતો એટલે શીતલ નજીક આવી અને ફરી એને વળગી પડી.

" કેમ આજે નારાજ છો મારાથી ? ગઈકાલે રાત્રે તો આપણે આરામ કર્યો. આજે કેમ મૂડ નથી ? આટલી સુંદર પત્ની તમને વળગીને સૂતી છે અને તમે આટલા શુષ્ક બની ગયા છો ! મેં તો સાંભળ્યું હતું કે લગ્ન પછી પુરુષો બહુ જ આક્રમક હોય છે ! " શીતલ બોલી.

શીતલની વાતો સાંભળ્યા પછી દેવરાજની નારાજગી લાંબી ના ચાલી. એ ઉત્તેજિત થઈ ગયો અને એણે પણ શીતલ તરફ પડખું ફેરવ્યું અને શીતલના માથે વહાલથી હાથ ફેરવ્યો. દેવરાજના સ્પર્શથી શીતલ ઉત્તેજિત થતી ગઈ અને પછી બંને યુવાન હૈયાં એક બીજામાં ખોવાઈ ગયાં.

બીજા દિવસે સવારે જ મિહિર મુલુંડ જવા માટે રવાના થઈ ગયો. માનસી હવે સ્વતંત્ર હતી.

આજે તો સવારે સવા સાત વાગે જ દેવરાજ અને શીતલ બેડરૂમમાંથી બહાર આવી ગયાં. એ પછી સવારે સાડા સાત વાગે જ બધાંએ સાથે બેસીને ગરમા ગરમ નાસ્તો કર્યો અને ચા પી લીધી.

" ભાભી તમને વાંધો ના હોય તો મારે ભાઈ સાથે એક પર્સનલ વાત કરવી છે. હું એમને થોડા સમય માટે મારા બેડરૂમમાં લઈ જાઉં છું. " માનસી બોલી.

શીતલ સતત દેવરાજની સાથે ને સાથે જ રહેતી હતી એટલે માનસીએ કહેવું પડ્યું.

" અરે માનસીબેન...મારી રજા લેવાની થોડી હોય ! એ તમારા ભાઈ છે અને ભાઈ સાથે કોઈ વાત કરવી હોય તો મને શું વાંધો હોય ? " શીતલ બોલી.

માનસી દેવરાજને લઈને એને જે બેડરૂમ રહેવા માટે આપ્યો હતો ત્યાં લઈ ગઈ.

" મારે તમારી એક સલાહ લેવી છે ભાઈ. " બેડરૂમમાં બેઠા પછી માનસી બોલી.

" તમારે કાંઈ જ કહેવાની જરૂર નથી. મને બધો જ ખ્યાલ આવી ગયો છે. લગ્નના અઢી વર્ષ પછી પણ તમે હજુ વર્જીન છો. મિહિરભાઈ પુરુષમાં નથી. તમે આટલું બધું કોમ્પ્રોમાઇઝ કેમ કર્યું ? તમને તો તરત જ ડિવોર્સ મળી જાય ! " દેવરાજ બોલ્યો.

માનસી તો દેવરાજની વાત સાંભળીને સડક થઈ ગઈ. દેવરાજભાઈને આટલી બધી ખબર કેવી રીતે પડી !

" તમને કેવી રીતે ખબર કે હું વર્જીન છું ભાઈ ? " માનસી આશ્ચર્યથી બોલી.

" બસ એમ જ મને ખબર પડી. મને કોઈએ કહ્યું નથી અને હું કોઈને કહેવાનો પણ નથી." દેવરાજ બોલ્યો.

" મારે ડિવોર્સ લેવા નથી. મિહિર ખુબ જ સારા છે. આ એક સુખને બાદ કરતાં મને ઘણું સુખ એ ઘરમાં મળ્યું છે. એમના મમ્મી પપ્પા પણ બહુ જ સારા છે. મને બધી જ છૂટ આપી છે. પૈસા પણ ઘણા છે. ડિવોર્સ લઈને હું શું કરું ? બસ મન ક્યારેક ચંચળ થઈ જાય છે અને બળવો પોકારે છે ત્યારે કોઈની સાથે રિલેશનશિપ કરવાની ઈચ્છા થઈ જાય છે પણ હજુ સુધી હું ક્યાંય આગળ વધી નથી. " માનસી ખૂબ જ નિખાલસતાથી બોલી.

" તમારું ચારિત્ર્ય હજુ સુધી પવિત્ર છે એ પણ મને ખબર છે. આશિષ નામના એક વ્યક્તિ સાથે રિલેશનશિપ કરવાની ઈચ્છા થાય છે એ પણ હું જાણું છું. પરંતુ તમારે આગળ વધવાની બિલકુલ જરૂર નથી. તમારો આ પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપીશ. તમે નોર્મલ લાઈફ જીવી શકશો. " દેવરાજ બોલ્યો.

દેવરાજની વાતોથી માનસી અવાક થઈ ગઈ. દેવરાજભાઈને તો આશિષ નું નામ પણ ખબર છે. !

" ભાઈ દવાઓ કરવામાં કંઈ પણ બાકી રાખ્યું નથી. એલોપથી, આયુર્વેદ અને હોમિયોપેથી પણ ટ્રાય કરી છે. દવાઓની કોઈ જ અસર જોવા મળતી નથી." માનસી બોલી.

" મારે ક્યાં એમને કોઈ દવા આપવી છે ? બસ તમે જોયા કરો. મને તમે પંદર વીસ દિવસનો સમય આપો. આવતી ૩૦ મે ના દિવસે તમે એમની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરજો. ૩૧ તારીખે મને ફોન કરીને ખુશ ખબર આપજો. " દેવરાજ હસીને બોલ્યો.

" ભાઈ આ બધું તમે શું કહી રહ્યા છો એ મારી તો સમજની બહાર છે. અઢી વર્ષથી હું તડપી રહી છું અને તમે કહો છો કે ૩૦ મે ના દિવસે તમે કોશિશ કરજો ! જો નહીં થાય તો એ બિચારા બહુ જ અપસેટ થઈ જશે ! " માનસી બોલી.

"તમે મારા ઉપર ભરોસો રાખો માનસી બેન. તમે મારી આપેલી તારીખ યાદ રાખો અને એ દિવસે કોશિશ કરો. તમને નિરાશા નહીં મળે એની મારી ગેરંટી ! જિંદગીમાં પહેલીવાર તમે એક નવો જ અનુભવ કરશો ! " દેવરાજ આત્મવિશ્વાસથી બોલ્યો.

માનસી દેવરાજ સામે બસ જોઈ જ રહી !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."