પીજી હાઉસ (PG House Novel Part-44)

Related

પીજી હાઉસ પ્રકરણ 44

દેવરાજની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા પછી વૈદેહી પોતે પણ દેવરાજથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. એને કોઈ શારીરિક આકર્ષણ ન હતું પણ દેવરાજ ઉપર ગાયત્રીની મંત્ર શક્તિનો જે પ્રભાવ હતો અને એણે પોતાના વિશે જે વાતો કરી હતી તે એના ઉપર ખૂબ જ અસર કરી ગઈ હતી. દેવરાજ જાણે ત્રિકાળજ્ઞાની હોય એવી રીતે વાત કરતા હતા !

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

પોતે વલસાડની હતી. પિતાનું અવસાન ૧૫ મા વર્ષે થઈ ગયું હતું. પોતાને એક નાની બહેન છે. ૬૫ વર્ષનાં કીર્તિમાસી ઘાટકોપરમાં રહે છે જેવી વાતો એમણે કરી હતી જે આશ્ચર્યજનક હતી !

એને દેવરાજમાં પૂર્ણ શ્રદ્ધા પેદા થઈ હતી. એણે આજે જ ઘાટકોપર જતા રહેવાનો નિર્ણય કર્યો અને એક કલાકમાં જ એણે બેગને પીઠ પાછળ લટકાવી દીધી. કેન્ટીનમાં જઈને થોડો નાસ્તો પણ કરી લીધો અને પીજી હાઉસથી ચર્ની રોડ સ્ટેશન સુધી ચાલતી ગઈ. ત્યાંથી અંધેરી જઈને મેટ્રો ટ્રેન પકડી અને ઘાટકોપર પહોંચી. સ્ટેશનથી ગરોડિયા નગરની રીક્ષા પકડી લીધી અને બી બ્લોકમાં બીજા માળે માસીના ઘરે રાત્રે ૮:૩૦ વાગે પહોંચી પણ ગઈ.

" અરે વૈદેહી તું ! આમ અચાનક ? આવવાની હતી તો મને ફોન ના કરાય ? તારી રસોઈ પણ બનાવી દેત ને ! " કીર્તિ માસી બોલ્યાં.

" માસી હું કેન્ટીનમાં નાસ્તો કરીને જ આવી છું એટલે બહુ ભૂખ પણ નથી." વૈદેહી બોલી.

" નાસ્તાથી આખી રાત જાય નહીં. શ્રદ્ધાએ ભાખરી શાક બનાવ્યાં છે. અમારે પણ જમવાનું બાકી છે. તું પણ એક બે ભાખરી ખાઈ લે. આપણી શ્રદ્ધાના હાથે બે ત્રણ ભાખરીઓ વધારે જ થાય છે. ઓછી હશે તો શ્રદ્ધા બે ભાખરી બનાવી દેશે. " માસી પ્રેમથી બોલ્યાં.

" માસી તમે મારી આટલી બધી ચિંતા ના કરો. હું શ્રદ્ધા ભાભીને ઓળખું છું. એમના હાથે રસોઈ થોડી વધારે જ થાય છે. છતાં આજે નહીં બની હોય તો બે ભાખરી હું જ બનાવી દઈશ. મને ક્યાં આળસ છે ?" વૈદેહી બોલી.

એ કીર્તિમાસી સામે જોઈ રહી હતી કે મારાં આ પ્રેમાળ માસી આ ઘરમાં માત્ર બે દિવસનાં મહેમાન છે ! એની લાગણીઓ ઉભરાઈ રહી હતી પરંતુ એ વ્યક્ત કરી શકતી ન હતી ! અને આવી વાત કોઈને કરાય પણ નહીં. કેવી કરુણતા ! જાણ્યાનું પણ ઘણું દુઃખ છે.

હવે આવતી કાલનો દિવસ જ માસી આ ઘરમાં હયાત હશે. પરમ દિવસે તો સરે કહ્યું છે એ પ્રમાણે ગમે ત્યારે એમનું પ્રાણ પંખેરુ ઉડી જશે. મારે પરમ દિવસે કોઈપણ હિસાબે ભાઈ ભાભીને જોબ ઉપર જતાં રોકવાં પડશે.

બીજા દિવસે વૈદેહીએ માસીની ખૂબ જ સેવા કરી. ખૂબ વાતો પણ કરી. આ અવાજ ફરી ક્યાં સાંભળવાનો હતો ! માસીના હાથ પગ પણ દબાવી આપ્યા.

" અરે પણ બેટા તું શું કામ મારી આટલી બધી સેવા કરે છે ? મને કોઈ જ તકલીફ નથી અને મારા હાથ પગ દુખતા પણ નથી. ૬૫ વર્ષે પણ મને કોઈ જ બીમારી નથી." કીર્તિ માસી બોલ્યાં.

" માસી મને સેવા કરવા દો. હવે તો મારાથી વારંવાર તમારા ઘરે અવાતું નથી. ગમે તેમ તોય તમારી ઉંમર થઈ છે એટલે આવી સેવા કરવાની ઈચ્છા થાય છે. અને હું નર્સ છું. સેવા એ મારો ધર્મ છે." વૈદેહી હસીને બોલી.

" તું પહેલેથી જ બહુ સેવાભાવી છે. તારા પપ્પાની તેં કેટલી બધી સેવા કરી હતી ! હું નથી જાણતી ? પણ મને કોઈ તકલીફ નથી એટલા માટે હું ના પાડું છું. " માસી બોલ્યાં.

અને એ દિવસે સાંજે શ્રદ્ધાભાભી ઘરે આવે એ પહેલાં વૈદેહીએ માસીને ભાવતી સફેદ મીઠી કઢી અને તુવરની દાળની ખીચડી બનાવી દીધી. બટેટાનું રસાવાળું શાક પણ બનાવ્યું. ભાખરી નો લોટ પણ બાંધી દીધો.

" તું રસોડામાં જઈને શું કામ આટલી બધી ધમાલ કરે છે બેટા ? શ્રદ્ધા આવીને કરવાની જ છે." માસી બોલ્યાં.

"અરે માસી.. આજે તો તમને ભાવતી ખીચડી કઢી ખાવાની મારી ઈચ્છા થઈ છે. બટેટાનું ગોળ ખટાશ નાખીને છાલવાળું શાક પણ બનાવ્યું છે. પીજી હાઉસમાં તો આવું કંઈ મળે નહીં. એટલે આજે તમારા ઘરે જ કોશિશ કરું છું. ખાલી ભાખરી શ્રદ્ધાભાભી બનાવી દેશે. " વૈદેહી કિચનમાંથી મોટા અવાજે બોલી અને થોડીવારમાં રસોઈ પતાવીને બહાર આવી.

વૈદેહીએ રસોઈ એટલી સરસ બનાવી હતી કે ઘરના તમામ સભ્યોએ દિલથી વખાણી.

" વૈદેહી તારો હાથ રસોઈમાં સરસ બેસી ગયો છે. અસલ મમ્મી જેવી રસોઈ તેં બનાવી." સિદ્ધાર્થ બોલ્યો.

" સિદ્ધાર્થની વાત સાચી છે વૈદેહી. ખીચડી કઢી અને શાક તો મારા કરતાં પણ સરસ બન્યાં છે." કીર્તિ માસી બોલ્યાં.

શ્રદ્ધા ત્રણેયને ગરમ ગરમ ભાખરી પીરસી રહી હતી. બધી ભાખરીઓ પતાવીને એ પણ જમવા માટે બેઠી અને એને પણ વૈદેહીની રસોઈ ગમી ગઈ.

" આવ્યાં છો તો બે ત્રણ દિવસ રોકાઈ જાઓ વૈદેહીબેન. ભણવાનું તો ચાલ્યા જ કરવાનું છે અહીં ઘરની રસોઇ તો જમવા મળે. કેન્ટીન એ કેન્ટીન ! " શ્રદ્ધા ભાભી બોલ્યાં.

" અમારી કેન્ટીનની રસોઈ પણ ઘરના જેવી જ બને છે ભાભી. ઉત્તર ગુજરાતના રસોઈયા છે અને રસોઈ બહુ સારી બનાવે છે. " વૈદેહી બોલી.

" સિદ્ધાર્થ ભાઈ એક વાત કહું ? " જમ્યા પછી વૈદેહી ડ્રોઈંગ રૂમમાં કીર્તિ માસીના દીકરા સાથે વાત કરી રહી હતી. માસી અને શ્રદ્ધા પણ હાજર હતાં.

" હા બોલને... એમાં પૂછવાનું થોડું હોય ? " સિદ્ધાર્થ બોલ્યો.

" મારી ઈચ્છા છે કે આવતીકાલે તમે અને ભાભી રજા રાખો. ઈમરજન્સી કારણ આપો અથવા સિક લીવ લઈ લો. મારે તમારું આવતીકાલે એક કામ છે. સમય ખબર નથી એટલે આખો દિવસ તમારી હાજરી ઘરે જોઈએ છે." વૈદેહી શબ્દો ગોઠવી ગોઠવીને બોલતી હતી.

" અરે પણ એવું તે શું છે કે કાલે અમારે બંનેએ રજા રાખીને ઘરે જ રહેવું પડે ? " શ્રદ્ધા બોલી.

" એ તમને કાલે ખબર પડી જશે. અત્યારે હું તમને કંઈ જ નહીં કહું. બસ તમારે બંનેએ આવતીકાલે ઘરે જ રોકાવાનું છે. મારે તમને બંનેને હાથ જોડીને વિનંતી છે. " વૈદેહી બોલી.

" હવે સમજી ગયો. કોઈ છોકરો તને જોવા માટે આવવાનો છે અને તેં અહીંનું એડ્રેસ આપ્યું છે. એણે તને ચોક્કસ સમય નથી આપ્યો. એ ગમે ત્યારે ઘરે મળવા આવી શકે છે અને એટલા માટે જ તું અમને રોકાવાનું કહે છે. રાઈટ ? " સિદ્ધાર્થ બોલ્યો.

" સસ્પેન્સ ભાઈ ! બસ ૨૪ કલાકનો સમય તમારી પાસે માગું છું. અત્યારે હું કંઈ પણ ડિકલેર નહીં કરું." વૈદેહી બોલી.

" આમ પણ વૈદેહી બહુ જીદ્દી છે. એ પોતાનું ધાર્યું કામ કરાવીને જ રહેશે. એ આટલું બધું કહે છે તો કાલે તમે બંને જણા ઘરે જ રોકાઈ જાઓ. " કીર્તિ માસી બોલ્યાં.

"ઠીક છે મમ્મી. તમે કહો છો તો પછી કાલે અમે ઘરે જ રોકાશું. " સિદ્ધાર્થ બોલ્યો.

બીજા દિવસે સવારે વૈદેહી ચાર વાગ્યે જ ઉઠી ગઈ. નાહી ધોઈને એણે સવારના ૭ વાગ્યા સુધી ગાયત્રી મંત્રની જેટલી થાય એટલી માળા કરી. એ પછી ત્રણ માળા મહામૃત્યુંજય મંત્રની કરી.

વૈદેહીની એવી ઈચ્છા હતી કે માસીનું મૃત્યુ પોતાની હાજરીમાં એકદમ શાંતિથી થઈ જાય અને સરળતાથી એમનો આત્મા મુક્ત થઈ જાય. માસી કોઈ જ વેદના ના અનુભવે.

દેવરાજે કહ્યું હતું કે અચાનક જ માસીવ એટેક આવશે એટલે એ સતત માસીની આજુબાજુ જ ફર્યા કરતી હતી.

બપોરનો ટાઈમ થયો. બધાએ જમી લીધું. માસી હજુ સુધી તો એકદમ તંદુરસ્ત હતાં અને હસી હસીને પરિવાર સાથે વાતો પણ કરતાં હતાં.

" તને જોવા માટે છોકરો કેટલા વાગે આવવાનો છે ? તું જરા ફોન ઉપર એની સાથે વાત તો કરી લે ! આમ દરવાજા સામે જોઈને આપણે ક્યાં સુધી બેસી રહીશું ? " સિદ્ધાર્થ બોલ્યો.

" સિદ્ધાર્થભાઈ એ સરપ્રાઈઝ આપવાનો છે. મેં ઘણું કહ્યું પરંતુ એણે ટાઈમ કહ્યો જ નથી. એટલા માટે મેં તમને લોકોને રજા લેવાની વાત કરી અને હું પણ અહીં આવી. " વૈદેહી બોલી.

એ બિચારી કઈ રીતે કહી શકે કે હું માસીને લેવા આવનાર મહેમાનની વાત કરી રહી છું !

આમને આમ સાંજ પડી ગઈ. રાતની રસોઈ પણ બની ગઈ. બધાંએ ફરી જમી પણ લીધું.

રાત્રિના સાડા નવ વાગી ગયા તો પણ કોઈ આવ્યું નહીં.

" વૈદેહીબેન મને નથી લાગતું કે હવે આટલા મોડા એ છોકરો તમને મળવા માટે આવે. હવે તમે આશા છોડી દો. આજે આખો દિવસ અમે કારણ વગર ઘરે બેસી રહ્યાં. કાલે તો અમારે જોબ ઉપર જવું જ પડશે." શ્રદ્ધા બોલી.

" હા હા ભાભી. કાલે તો તમે બંને ઓફિસ જઈ શકો છો. મને આજનું જ કહ્યું હતું એટલા માટે મેં તમને ઘરે રહેવાની વાત કરી હતી. હું પણ કાલે સવારે હવે નીકળી જઈશ." વૈદેહી બોલી.

વૈદેહીને ખાતરી જ હતી કે હવે આજે રાત્રે તો કંઈક બનવું જ જોઈએ. જે પણ થશે એ કાલ સવાર સુધીમાં થઈ જવું જોઈએ. દેવરાજની વાણી કદી ખોટી ના પડે.

" માસી આજે રાત્રે તો હું તમારી સાથે જ સૂઈશ. કાલે સવારે તો હું જવાની છું. " વૈદેહી બોલી.

માસીએ એની લાગણી જોઈને એની વાત માની લીધી. એ દિવસે આખી રાત વૈદેહી સતત જાગતી રહી અને માસીની બાજુમાં સૂતાં સૂતાં પણ ગાયત્રી મંત્ર જ કરતી રહી. વચ્ચે વચ્ચે મહામૃત્યુંજયના મંત્રો પણ કરતી હતી.

બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. માસી ની તબિયત એકદમ ઘોડા જેવી જ હતી. સૂર્ય ઉદય થયા પછી દેવરાજ ની મુદત પૂરી થઈ જતી હતી એટલે એ સવારે છ વાગે ઊભી થઈ ગઈ. નાહી ધોઈને પીજી હાઉસ જવા માટે તૈયાર થઈ ગઈ. ખબર નહીં કેમ પણ આજે દેવરાજ સરની આગાહી ખોટી પડી હતી !

"ચાલો માસી હવે હું રજા લઉં. મને જોવા માટે તો કોઈ આવ્યું નથી પરંતુ તમારી સેવાનો લાભ મળ્યો એ જ મારા માટે આનંદની વાત છે. ફરી ક્યારેક સમય મળશે તો ખબર કાઢવા આવી જઈશ. " ચા પાણી પીને સવારે ૭:૩૦ વાગે વૈદેહી બોલી.

" હજી તો હું ઓછામાં ઓછાં દસ વરસ જીવવાની છું. ખબર કાઢવા આવવાનો સમય શરૂ નથી થયો બેટા." માસી હસીને બોલ્યાં.

" હું પણ એ જ ઈચ્છું છું માસી. ભાઈ ભાભી... હું હવે નીકળું. માસીનું ધ્યાન રાખજો. " વૈદેહી બોલી અને ઘરની બહાર નીકળી ગઈ.

વૈદેહી ઘાટકોપરથી નીકળીને દોઢેક કલાકમાં પીજી હાઉસ પહોંચી ગઈ. એણે પહેલા માળે ચેમ્બરમાં ડોકિયું કર્યું તો હજુ સુધી દેવરાજ સર આવ્યા ન હતા.

વૈદેહી પોતાના ૪૨ નંબરના રૂમમાં પહોંચી ગઈ અને પોતાની બેગ એણે પોતાના પલંગ ઉપર મૂકી. આખી રાતનો ઉજાગરો હતો. એ આડી પડવા જતી હતી ત્યાં જ એના મોબાઈલમાં રીંગ વાગી.

" વૈદેહી... મમ્મી ઈઝ નો મોર. મમ્મી આપણને મૂકીને ચાલ્યાં ગયાં. અત્યારે ૧૦ મિનિટ પહેલાં જ અમારી સાથે વાતો કરતાં કરતાં અચાનક ઢળી પડયાં. ડોક્ટર બોલાવ્યા છે પણ આશા ઓછી છે. ધબકારા પણ બંધ છે અને શ્વાસ પણ બંધ છે. " સિદ્ધાર્થ લગભગ રડમસ અવાજે બોલી રહ્યો હતો.

" હું પીજી હાઉસ પહોંચી ગઈ છું ભાઈ પરંતુ થોડીવારમાં ત્યાં આવવા માટે નીકળું છું. " વૈદેહી બોલી અને એનાથી રડી પડાયું. માસી સાથેના એના ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો હતા. પિતાના મૃત્યુ પછી માસીએ ખૂબ જ સાથ આપ્યો હતો.

વૈદેહીની સાથે એક જ રૂમમાં રહેતી ઝીલ અંતરા અને વૈશાલી અચાનક એની પાસે દોડી આવી.

" અરે અચાનક અહીં આવીને કેમ રડવા બેઠી ? શું થયું છે વૈદેહી ? " વૈશાલી બોલી.

"અહીં આવીને સમાચાર મળ્યા કે મારાં માસી ગુજરી ગયાં. ગઈકાલે આખો દિવસ તો હું એમની સાથે જ હતી. અને અહીં આવ્યા પછી અચાનક આવા સમાચાર મળ્યા. " વૈદેહી રડતાં રડતાં બોલી. એના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો.

ઝીલ તરત દોડીને પાણીની બોટલ લઈ આવી. વૈદેહીએ પાણીના બે ઘૂંટડા પીધા અને વોશબેસીન પાસે જઈ મ્હોં ધોઈ નાખ્યું. એણે મન મક્કમ કર્યું અને થોડી સ્વસ્થ થઈ.

દેવરાજ સરના શબ્દો સાચા પડ્યા. મૃત્યુ નિશ્ચિત જ હોય છે. કઈ રીતે થશે તે પણ સરે કહી દીધું હતું. માત્ર સમયની બાબતમાં થોડાક કલાક માટે એ ખોટા પડ્યા. સર ખોટા પડી જ ના શકે તો આવું કેમ થયું ?

સર એક વાર આવી જાય. એમને મળી લઉં. પછી જ હું માસીના ઘરે જવા માટે નીકળું. - વૈદેહી વિચારી રહી. અને થોડીવાર માટે એ પોતાના બેડ ઉપર બેસી રહી. સાડા નવ વાગ્યા હતા અને સર દસ વાગ્યે આવતા હતા.

" હું અંદર આવું સર ? " દેવરાજ ચેમ્બરમાં આવી ગયો પછી દસેક મિનિટ પછી વૈદેહી ચેમ્બરનો દરવાજો ખોલીને બોલી.

" હા હા આવો ને. " દેવરાજ બોલ્યો એટલે વૈદેહી અંદર આવીને બેઠી.

" આજે સવારે જ તમારાં માસી ગુજરી ગયાં. મને એ જ સમયે ખબર પડી ગઈ હતી. તમે ગઈકાલે એમની સાથે આખો દિવસ ગાળ્યો એ પણ સારું કર્યું. છેલ્લે છેલ્લે મુલાકાત તો થઈ ગઈ ! " દેવરાજ બોલ્યો.

" સર આ જ મારે જાણવું છે. આપે કહ્યું હતું કે એ ગઈ કાલે જ ગુજરી જવાનાં છે તો પછી મૃત્યુ એક દિવસ મોડું કેમ આવ્યું ? " વૈદેહીએ કુતૂહલ થી પૂછ્યું.

"તમે જ તો રોકી રાખ્યું હતું ! " દેવરાજ હસીને બોલ્યો.

"ના સર. મેં તો કંઈ જ કર્યું નથી. બસ એમની સેવા કરી અને આખી રાત એમની સાથે સૂઈ ગઈ. " વૈદેહી બોલી.

"તમે સતત એમની સાથે રહીને ગાયત્રી મંત્રના જાપ ચાલુ જ રાખ્યા. મહામૃત્યુંજય મંત્રના જાપ પણ કર્યા. રાત્રે પણ એમની સાથે જ સૂઈને આખી રાત મંત્રજાપ કર્યા. તમે વર્ષોથી ગાયત્રી ઉપાસક પણ છો. તમારી આજુબાજુ ગાયત્રી મંત્રની એક ઓરા છે. હવે તમે જ્યારે એમની બિલકુલ બાજુમાં રહીને ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરો તો એમને લેવા આવનારા મહેમાનો એમની નજીક કેવી રીતે આવી શકે ?" દેવરાજ બોલતો હતો.

" મૃત્યુ તો નિશ્ચિત જ હતું. તમે જેવાં ઘરની બહાર નીકળી ગયાં કે થોડા સમયમાં જ એમના એક સ્વજન જે પવિત્ર આત્મા હતા એ આવીને એમને ઉપર લઈ ગયા. આત્માને લેવા માટે કંઈ યમદૂતો નથી આવતા." દેવરાજ બોલ્યો.

" જી સર પણ એનો મતલબ એવો સમજવો કે મૃત્યુને આગળ પાછળ કરી શકાય છે ? " વૈદેહીએ પૂછ્યું.

" જી મંત્રોમાં તાકાત છે. મહામૃત્યુંજય મંત્ર પણ અમુક મર્યાદામાં મૃત્યુને પાછું ઠેલી શકે છે. ગાયત્રી મંત્રમાં પણ એ તાકાત છે. પરંતુ વ્યક્તિ આ જન્મમાં જે પણ કર્મબંધન લઈને આવ્યો હોય એ ભોગવાઇ જાય એટલે દેહ છોડી દેવો જ પડે છે. તમે એને થોડા કલાકો અથવા એકાદ બે દિવસ આગળ પાછળ કરી શકો. તમારી પોતાની પાસે મંત્રોની ઉર્જા જેટલી પાવરફૂલ હોય એ પ્રમાણે તમે મૃત્યુને થોડુક આગળ પાછળ કરી શકો !" દેવરાજ બોલ્યો.

" ખૂબ ખૂબ આભાર સર. મને ઘણું નવું જાણવાનું મળ્યું અને મનનું સમાધાન પણ થયું. આપનું જ્ઞાન અને આપની શક્તિઓ ખરેખર અદભુત છે ! પ્રણામ !!" કહીને વૈદેહી તરત બહાર નીકળી ગઈ.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."