એક બટકું રોટલો! (Batku Rotlo)

Related

એક બટકું રોટલો!
------------------------------ ફાલ્ગુની વસાવડા.

નૈતિક ને રેખા એ નવો ફ્લેટ લીધો અને દેવદિવાળીનાં રોજ નાનું એવું ફંક્શન કરી, તેઓ અહીં રહેવા આવશે એવું નક્કી કર્યું. બંને જણા એ મહેમાનોનું લીસ્ટ બનાવ્યું, કેટલીય કાપકૂપ કરી પણ દોઢસો જણા તો આરામથી થઈ જતા હતાં. 

બંને જણાં મૂંઝાયા કે હવે શું કરીશ કારણ કે આમ તો બંને જોબ કરતા હતા પરંતુ આ ફ્લેટનો ઇન્સ્ટોલમેન્ટ બહુ જ મોટો આવવાનો હોવાથી, હવે થોડી કરકસર કરવી પડશે, અને આવા વહેવારોમાં કાપ મૂકવો પડશે એવું નક્કી કર્યુ હતું. પરંતુ સંબંધમાં અને પરિવારમાં દરેકના ઘરે સગાઈ શ્રીમંત વાસ્તુ વગેરેમાં ગયા હોઈએ એટલે એમ કોઈને કાપીને કેમ પ્રસંગ કરે એની દ્વિધામાં હતાં.

#આવકાર
એક બટકું રોટલો!

વાત જાણે એમ હતી કે નૈતિક અને રેખા બન્ને જણાં મીડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતાં, અને બન્ને જોબ કરીને પોતાની જીવન ગાડી ચલાવી રહ્યાં હતાં, અને પોતાના પુત્ર રોહન નું સી બી એસ સીનું ભણતર સારી રીતે પૂરું થાય એ માટે તનતોડ મહેનત કરતા હતાં. 

તેમના વડીલો એ કહ્યું કે પછી રોહન નાનો છે, ત્યાં તમે ઘર કરી લો તો સારું! એટલે એ વિચાર તેમને યોગ્ય લાગતાં તેમણે એક ફ્લેટ ખરીદ્યો. સ્વાભાવિક રીતે ઘર તો જિંદગીમાં એક જ વાર ખરીદવાનું હોય, એ હિસાબે થોડું મોંઘું પસંદ થઈ ગયું હતું, અને એની માટે હવે વાસ્તુ સેરીમની કરવી તો કેટલા ને આમંત્રિત કરવા એની દ્વિધામાં હતાં.

મમ્મી ડેડી ને જોઈને તેમનો સન રોહન બોલ્યો શું વિચારો છો? નવા ઘરમાં રહેવા નથી જવું કે શું? કે પછી મમ્મીને તેની સહેલીઓ ને મૂકીને અહીંથી જવું ગમતું નથી? અને સંતોક માસી પણ ત્યાં નહીં આવે એટલે કામ હાથે કરવું પડશે એની ચિંતામાં છે કે શું? કે પછી કમલા તાઈ વગર શાક લેવું નહીં ગમે !! અને ડેડી ને પણ એનાં ફ્રેન્ડની કંપની પણ નહીં મળે, કે સામેવાળા મધુ આન્ટી વગર હાય હેન્ડસમ કોણ કહેશે! કે પછી લીફ્ટ બંધ થાય ત્યારે આ મોટા શરીરથી સાત માળ કેમ ચડાશે એની ચિંતા છે, એમ કરી હસવા લાગ્યો. એક મિનિટ માટે તો નૈતિક અને રેખા બંને સ્તબ્ધ થઈ ગયાં કે આ દસ વરસનો નાનકડો રોહન કેટલું ઓબઝર્વ કરે છે. પછી બંને હસી પડ્યાં, અને કહ્યું એવું કંઈ નથી બેટા પણ આ મહેમાનનું લીસ્ટ નાનું કેમ કરવું એની ચિંતા છે.

રોહન એ કહ્યું એમ એમાં વળી શું!! કોઈને નહીં બોલાવવાના, એટલે એકબીજાને ખોટું લાગવાનો પ્રશ્ન જ ન રહે! અને એ ઉપરાંત આજે જલારામ જયંતી હોવાથી ટીચર એ સ્કૂલમાં એના વિશેની સુંદર વાત કરી હતી, કહેતા હતા કે એમણે કોઇ મોટી મૂડી ન હોવા છતાં અન્ન ક્ષેત્રની શરૂઆત કરી હતી, અને બહુ બધી કસોટી આવી પણ એમણે પોતાનું પ્રણ છોડ્યું નહીં. આજે તો હવે એ જગ પ્રસિદ્ધ છે, આપણે પણ ગરીબોને કટકો રોટલો ખવડાવીને આ વાસ્તુ સેરીમની કરી શકાય!! 

દોઢસો જણને ઈન્વાઈટ કરવાના હોય તો એની જગ્યાએ સો જણાને હાથોહાથ જઈને ભોજન આપી શકાય, અને આમ પણ સૌનક અંકલ અને સોહા આન્ટી તો તમે આમ કર્યું હોત તો સારું હતું, અને આ જમવામાં બનાવ્યું હોત તો સારું હતું એવું જ બોલવાના છે, અને પેલા નીલમ આન્ટી તો મારી પાસેથી કેટરિંગ વાળાનો નંબર લીધો હોત તો વધુ સરસ રસોઈ બનાવત, એમ પણ કહેશે! એટલે સાચું કહું છું કે આપણે પણ આ વખતે જલારામ જયંતિ માંથી કંઈક બોધ લઈને આવા કેટલાય રખડતાંને ભૂખ્યા લોકો માંથી થોડાને બટકું રોટલો આપવો જોઈએ. ભલેને મીઠાઈના આપીએ તો રોટલો શાક આપીશું, અને તેમના મોઢા પર પ્રસન્નતા તો આવશે! 

બાકી આપણાં સ્વજનોને તમારા બેયનાં ફ્રેન્ડ તો બધા ગમે તેટલું કરો કંઈનેં કંઈ ભૂલ કાઢવાનાં જ છે, અને આમ પણ આજ સુધી એ બધાને મારા બર્થ ડે પર તમારી એનીવર્સરી પરને દાદાનાં શ્રાદ્ધ વગેરેમાં જમાડ્યા જ છે ને!, પછી તમને બંનેને જે યોગ્ય લાગે તે એમ કરીને રોહન તો બંનેને વિચારતા મુકી ચાલ્યો ગયો.

નૈતિક અને રેખાને રોહનનો આ વિચાર મન મગજમાં ઉતરી ગયો,અને પોતાનો નાનકડો‌ એવો દિકરો કેટલો સંસ્કારી છે, એ વિચારી ગર્વ થયો. તેમજ પોતાને કેમ આવો સારો વિચાર આજ સુધી ન આવ્યો? એવું ગીલ્ટ પણ થયું. એમણે અંતે વાસ્તુ સેરીમની આ રીતે જ કરવી એવું નક્કી કર્યુ, અને એ દિવસે બસ્સો ફૂડ પેકેટ બનાવી અને આવાં ભૂખ્યા ભીક્ષુકને વહેંચવા નીકળી પડ્યા.

બીજે દિવસે સ્કૂલમાં ટીચરે બધાને પુછ્યું કે કોઈ એ જલારામ જયંતિના બોધ પેટે કંઈ કર્યું કે નહીં? અને રોહને પોતાના ફેમિલી સાથે કરેલા એ નેક કાર્યની વાત કરી, અને બધા બાળકો એ તેને તાળીઓથી વધાવી લીધો.

મિત્રો આજનો સમાજ ઉત્સવ પ્રિય થતો જાય છે, અને બીજું દેખાદેખીમાં ઘણીવાર પોતાની હેસિયતથી વધુ વ્યવહાર કરે છે, અને પછી પાછળથી પસ્તાય છે, ત્યારે ઉજવણીનું કોઈ નવું મુલ્યાંકન વિચારવામાં આવે કે જેમાં થોડો પરમાર્થ હોય તો જીવન ધન્ય બની જાય છે. સૌરાષ્ટ્રનાં શ્રદ્ધેય સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે સમાજને કરવા જેવાં કર્મ તરફ અંગુલિનિર્દેશ માત્ર કર્યો છે. ----> ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post