સવાયું સુખ (Savayu Sukh)

Related

સવાયું સુખ
------------------------ વાસુદેવ સોઢા

પંદર વર્ષનો દાંપત્યકાળ પલ્લવીના જીવનમાં પસાર થઈ ગયો. ધસમસતા પૂરની માફક વીતી ગયો. હણહણતા ઘોડાની તેજ ગતિએ ચાલ્યો ગયો. ખિલખિલ થતા ઝરણાઓ જેવો વહી ગયો. ગુલશનોમાં મહેકતાં ગુલો જેવો મહેકી ઉઠ્યો. નાઈટ ક્લબની ઝગમગતી રોશની જેવો ચમકીલો ગાળો પસાર થઈ ગયો.

#આવકાર
સવાયું સુખ

કોઈ ઉણપ ન રહી. કોઈ અધૂરપ ન રહી. લગ્ન પૂર્વે સેવેલી આકાંક્ષાઓનો કોઈ અસંતોષ ન રહ્યો. મધુર સ્વપ્નમાં કોઈક પ્રકારની અધૂરપ રહી શકે, પરંતુ પલ્લવીના આટલા દાંપત્યકાળમાં વાસ્તવરૂપે એને કોઈ અધૂરપનો અહેસાસ ન થયો.

પલ્લવી માનવા લાગી, આટલું બધું સુખ હોઈ શકે ? સુખની કલ્પના સ્વપ્નમાં પણ પૂરેપૂરી પ્રાપ્ત થઈ શકતી નથી, અને તે બધું જ સુખ આમ સાચી જિંદગીમાં પ્રાપ્ત થઈ શકે? ઓહ્.. આવા સુખના ભારથી ક્યાંક હું ભાંગી નહીં પડું ને!! આ સુખને હું જીરવી શકીશ ને? પલ્લવીને થતું, ઓ ઈશ્વર..! ક્યાંક તો થોડી ઉણપ આપવી હતી ! ક્યાંક તો અધૂરપની અવધિ આંકવી હતી..!

માણસ એક સામટું આવી પડેલું દુઃખ નથી વર્ણવી શકતો, એમ એક સામટું આવી પડેલા સુખને પણ નથી વર્ણવી શકતો.

કોઈ પૂછે તો શું કહે ? કેમ કહે ? એકાદ મુશ્કેલી હોય તો પહેલા એ જણાવે. પછી સુખના પાસાને કહેવામાં આનંદ આવે. એની પણ એક મજા હોય છે. પલ્લવી પાસે તો માત્ર સુખ સુખ અને સુખ જ. જાણે સુખને રેલમછેલ સાગર ....!

ચાલો, ભૌતિક સુખ મળ્યું માની લઈએ. બંગલો મળ્યો. કાર મળી. નોકર - ચાકર મળ્યા. વિદેશ પ્રવાસની સફર મળી. દેશના રમણીય સ્થળોને માણવાની મોકળાશ મળી. ઘણાંને મળે છે એ પલ્લવીને પણ મળ્યું. પણ આટલી સુખ સમૃદ્ધિ હોય ને છતાં ઘરમાં પોતાનું માન- સ્થાન ઓછું હોય કે ન હોય એવું બને.! તો પેલું સુખ શા કામનું? પલ્લવીને એ સુખ પણ ભરપૂર મળ્યું.

પરિવારની પુત્રવધૂ તરીકે તેનું ગૌરવ સચવાતું હતું. તેનું એક ચોક્કસ સ્થાન હતું. તેનું ચોક્કસ માન હતું. તેનો યોગ્ય મોભો હતો.એવી ફરિયાદ પણ પલ્લવીને ન હતી.

કયાંક બધું જ હોય ને ખાટલે મોટી ખોટ હોય. પતિ તરફથી સુખ નામનો સુગંધી પદાર્થ વત્તા ઓછા પ્રમાણમાં સુગંધ પ્રસરાવે, ક્યારેક વ્હાલ વરસાવે, તો ક્યારેક વિવાદની ઝડી બોલાવે. પજવે, ધિક્કારે, તરછોડે, અવગણે. ના, આવું પણ પલ્લવીના જીવનમાં ન બન્યું. જરાય ન બન્યું. પંદર વર્ષના દાંપત્યજીવનમાં પલ્લવીને એક ક્ષણ પૂરતો અફસોસ થાય તેવું તેના પતિનું વર્તન ક્યારે ન લાગ્યું.

તેનો પતિ પ્રણવ આટલો બધો સમજદાર. એક રીતે કહીએ તો આટલો બધો અણગડ કે પતિ તરીકેના હકકની તરાપ પત્ની પર ક્યારેય ન મારી? એકાદ પ્રસંગ તો એવો ઉભો કરવો હતો કે પતિ તરીકે એણે પત્નીને નીચી દેખાડી હોય. ના ,એ પ્રકારનો ચાન્સ પણ પલ્લવીને ન મળ્યો.

હા, દાંપત્યજીવનને મધુરતા પ્રેરતા પ્રસંગો એક નહીં અનેક ઊભા થતા. જેમાં પતિ પત્ની માત્ર સાક્ષી હોય. રિસામણા- મનામણા, બોલા -અબોલા, ગમા- અણગમા ,આવા પ્રસંગો બનતા.અને આવા પ્રસંગોમાં પણ પ્રણવ પાસે જેવી અપેક્ષા પલ્લવીએ રાખેલી એ જ રીતે પ્રણવે સાહજીક વર્તાવ કર્યો હતો.

પલ્લવી કોઈ પ્રસંગે પ્રણવથી રિસાઈ હતી. એવી જ રીતે પ્રણવે તેને મનાવી હતી ત્યારે પલ્લવીને સવાયું સુખ લાગતું હતું. ક્યારેક પ્રણવે અબોલા કર્યા હતા. ત્યારે પલ્લવીએ બોલતા કરવાની પહેલ કરીને સુખને માણ્યું હતું. વડછડ, તડજોડ, આ બધા જ પ્રસંગોમાં સુખની જ અનુભવતી પલ્લવીને થઈ હતી.

યોગ્ય સમયે જ આ બધું બનતું હતું. પલ્લવીને થતું, આ ક્ષણે પ્રણવ મને ઉંચે અવાજે ઠપકો આપે તો કેવી મજા આવે? પ્રણવનો ગુસ્સાથી તણાયેલો ચહેરો જોઉં! તો કેવો લાગે એ ? પ્રણવ તે જ ક્ષણે ચહેરા પર કશુંક કહેતો હોય એવો પલ્લવીના અંતરમાં આનંદનો ધોધ છૂટતો. પ્રણવ સામે જોઈને મંદ મંદ મલકી ઊઠતી.- બસ આવું જ હું ઝંખતી હતી.એ ઝંખના તરત આમ ક્ષણમાં જ પૂર્ણ થઈ જતી.આને કહેવાય માગ્યું સુખ...!

ભર્યા પરિવારના વિશાળ કુટુંબ સાથે હરતાં ફરતાં બધાની વચ્ચે, બધાંની નજર ચૂકવીને પ્રણવ પલ્લવીને અટકચાળું કરી લેતો.પલ્લવીની સ્થિતિ દયાજનક થઈ જતી. તરત પ્રણવનો પ્રતિકાર પણ ન કરી શકતી.ત્યારે પ્રણવ પલ્લવીના મુખને તાકી રહેતો. પલ્લવી આ વખતે દયાનીય સ્થિતિમાં નહીં પણ એક પ્રકારની દિવ્ય સ્થિતિમાં મુકાતી. મનોમન તેના રોમરોમમાં આનંદ થતો.આવા સુખની અનુભૂતિ તો ક્યારેક જ કરતી.ગમતું છતાં ઉપરથી અણગમતું દર્શાવવું, અંદર વ્હાલની લાગણી ને ઉપરથી અણગમો દર્શાવવો એ ક્ષણ પણ આનંદની ચરમસીમાની હોય છે. પલ્લવીએ આવી ક્ષણને ભરપૂર માણી. કોઈ પરિવારનાં પુત્રવધૂને એવું નહીં હોય કે તેને સાસુજી તરફથી એકાદ બાબતનો અસંતોષ ન હોય. અને તો જ જામે. તો જ મજા આવે. તો જ સાસુ એ સાસુ ગણાય.એ જ સાચું કહેવાય.પણ પલ્લવીનું દુર્ભાગ્ય અહીં પણ એક ડગલું આગળ હતું. એવી મજા પણ એ લૂંટી શકે એમ ન હતી. સાસુની જગસ્વિકૃત વ્યાખ્યાઓ પલટી નાખે એવો અનુભવ પલ્લવીને તેના સાસુ દેવીબેન તરફથી થયો હતો.

સાસુનાં વ્યક્તિત્વનો ખ્યાલ પલ્લવીનાં દિમાગમાંથી ભૂસાઈ ગયો.સાસુના ચરિત્રના ગુણ - દોષો પણ પલ્લવી ભૂલી ગઇ.દેવીબેનના મમતાળા સ્વભાવના સાનિધ્યમાં પલ્લવી ભૂલી ગઈ કે દેવીબેન નામની વ્યક્તિ એ મારા સાસુ થાય. એ મારી મા નથી. એ જનેતા નથી. એ જનની નથી. પણ પલ્લવીને લાગ્યું કે માતૃત્વનું બીજું રૂપ એટલે દેવીબેન. કોઈએ શા માટે આ નામ રાખ્યું હશે ? એક દેવી જેવી જ કોઈ વ્યક્તિ તેની સાસુ હોય એ તેના મગજમાં શરૂઆતમાં ઉતર્યું જ નહીં.

આટલી મમતાના પ્રવાહમાં વહેવડાવવા પાછળ સાસુનો ક્યો પેંતરો હશે? વહુ પોતાના કહેવામાં રહે તે? આ બહાને પોતાનું જ પ્રભુત્વ રાખવાનો પેંતરો ? પોતાના પુત્રને આંચકી ન લે તે માટેનો અંતરાય?ના, પછી જ ખ્યાલ આવ્યો કે દેવીબેનના હાડોહાડમાં મમતાનો મહેકતો સાગર છે. જે આજે પણ અવિરત ઉછળ્યા કરે છે. એમાં લેશમાત્ર ઓટ આવી નથી.

મોડી રાત્રે પ્રણવ કામસર ક્યાંક રોકાયો હોય એને ન આવ્યો હોય, તેની રાહ પલ્લવી જોતી હોય, માથામાં સબાકા આવતા હોય, એનાં માત્ર મુખના ભાવ પરથી દેવીબેન પારખી જતાં.તે પલ્લવી પાસે આવી જતા રૂમમાં. ધીરે ધીરે પાસે આવતા," પલ્લું.. દીકરી..! સુઈ જા." દેવીબેન તેને પથારીમાં સુવડાવી દે. અને પછી પથારીની ધારે , પલ્લવીનાં માથા પાસે બેસીને હળવે હળવે, પોચા હાથે પલ્લવીનું માથું દબાવવા લાગે.

પલ્લવી સડાક કરતી બેઠી થઈ જાય," આ શું કરો છો મમ્મી? "

"તારું માથું દાબું છું."

" ના..ના ..દવા છે મારી પાસે. ને છતાં એક ફોન કરતા ડોક્ટર હાજર થઈ જશે."

" દીકરી, અત્યારે તારે દવા કે ડોક્ટરની જરૂર નથી. માત્ર મારા ધીમા ધીમા હાથની જ જરૂર છે."

પલ્લવીને પતિનું સુખ પણ ભરપૂર સાપડ્યું. અમાપ આપી દીધું. જેની કોઈ સીમાઓ ન રહી. ચાલો માની લઈએ કે સમૃદ્ધિ મળી જાય. પતિ પણ સારો મળી જાય. કશીયે ફરિયાદ ન રહે. તો પણ ક્યાંક તો કશીક ખોટ રહેને? પણ ના , પલ્લવીને એ ચાન્સ પણ ન હતો. તે એટલી કમનસીબ હતી કે કોઈની પાસે, સાસુ કે સસરાની ફરિયાદ કરી શકે, તેના સ્વભાવનું એક પણ સહેજ વાંકું બોલી શકે,કોઈ બાજુ રજૂ કરી શકે એવું કશું જ હાથ લાગતું ન હતું.- બોલો, પલ્લવીની કેટલી કઠણાઈ.

પિતા કરતાં પણ અદકેરું વાત્સલ્ય પલ્લવી પર સસરા મુકુંદરાય વરસાવતા. પિતા જેટલા લાડ અને અધિકારથી પુત્રી પાસે અપેક્ષા રાખે એવી જ અપેક્ષા અને વર્તન મુકંદરાયનું પલ્લવી પ્રત્યે હતું. પલ્લવીને ક્યારેક મનોમન એવું થતું. હું શું સાસરિયું છોડીને અહીં પિયરિયામાં પિતા પાસે આવી ગઈ છું ? મારા પપ્પા વેણીભાઈ ક્યારેક તો વગર કારણે ગુસ્સે થઈ જતા. એ મનોમન બહુ દુઃખી પણ થઈ જતી.અહીં તો સસરા મુકુન્દરાય એ મારા સસરા છે કે પિતાજી ? એનો જ ભેદ પારખવો મુશ્કેલ છે. આટલું બધું સુખ મળે ખરું? જેમાં પિતા અને સસરાનો ભેદ ન પારખી શકું?

પલ્લવીને થતું, મુકુન્દરાય એવું વિચારીને મારી સાથે એવો વ્યવહાર નથી કરતા ને કે આ પારકી દીકરી,મારા પુત્રની વહુ બનીને આવી છે. માટે મારે આદર્શ સસરા બનવું જોઈએ.પણ એ તો સ્વભાવગત અને સાહજિક રીતે જ વર્તે છે.એમાં એની કોઈ ચાલ નથી. સસરાના મામલે પણ પલ્લવી કોઈને ફરિયાદના બે શબ્દો કહી શકે એમ ન હતી.

તો? તો હવે તો એકાદ વ્યક્તિએ હોય જ ...હોય જ ને..! કે જેના વિશે ફરિયાદ ન કરી શકે એવું બને જ નહીં. કોઈ કાળે ન બને. એ પરિવાર ઝૂંપડામાં હોય કે મોટા મહેલમાં હોય.કોઈ પ્રત્યેનું કશુંક તો કશુંક મળી જ આવે. કે જેની ફરિયાદ રસપૂર્વક કહેતા મજા આવે. જેની ફરિયાદ કરવાનો આનંદ લૂંટી શકાય. જેની ખણખોદ આરામથી કરી શકાય. એ પાત્ર દરેક પરિવારમાં હોય છે. તે છે પરિવારને રિંગ માસ્ટર સાસુજી. એ.?ના એની ફરિયાદ પણ ન રહી.

આવા તો અનેક પ્રસંગો પંદર વર્ષના દાંપત્ય જીવનમાં પલ્લવીએ અનુભવ્યા.કહો શી ફરિયાદ કરવી આ દેવી સાસુની? આ સાસુ ખરેખર દેવી સાસુજી હતા. આટલું સુખ ? એ તો સુખની ચરમસીમા નહીં તો બીજું શું?

બધા પ્રકારનું સુખ સાંગોપાંગ હોય,તો પણ ક્યાંક તો જરા જેટલી ઉણપ જણાય ને? એક આખા વૃક્ષમાં કોઈને કોઈ ડાળી સડેલી કે કોઈને કોઈ શાખા તૂટેલી હોય છે.અહીં કોઈ પરિવારના સભ્યોમાં કશીક તો ખામી હોય ને..!કોઈ બાબત અણગમતી હોય, જે એના સુખને અવરોધતી હોય.પલ્લવીના જ પરિવારમાં શા માટે ? દરેક પરિવારમાં એવા બીજા પાત્રો અચૂક હોય જ. જે વહુની આડે અણધાર્યા ઉતરતા હોય.મુખ્ય પાત્ર સાસુમાની આડમાં તેનું પ્રતિકૃતિ સમુ ચરિત્ર નણંદ હોય છે. પણ રીમા તો લગ્ન કરીને અમેરિકા સ્થિર થઈ ગઈ.એની તો યાદ સતાવ્યા કરતી હતી.પલ્લવી પરણીને આવી ત્યારે નાની સીમા માંડ પાંચેક વર્ષની હતી.સીમા તો પલ્લવીનો ખોળો ખૂંદીને મોટી થઈ. બંને નણંદોનો પ્રેમ પલ્લવીને પખાળી જતો.ઓ ..હો હો હો હો હો...આ તે નણંદો છે કે ગયા જન્મની દીકરીઓ કે બહેનપણીઓ? રીમા સાસરે ગઈ ત્યારે તેના પપ્પા મુકુન્દરાય ,મમ્મી દેવીબેન, ભાઈ પ્રણવને નહીં પણ પલ્લવીને વળગીને ખૂબ રડી પડી હતી. "ભાભી તું અમારી ભાભી નથી. પણ મા છો. બહેન છો. અમારી સખી છો. "ડુસકાં ભરતા તેણે ઉમેર્યું હતું," હું ભૂલી જઈશ બધું કદાચ અમેરિકાના સમૃદ્ધિમાં. પિતાની યાદ પણ ઝાંખી થઈ જશે. માની મમતા કાળનો કોળિયો બની જશે. ભાઈનો ભાવ ઝંઝાવાતમાં ઝંખવાય જશે, પણ મારી પલ્લુભાભી તો ક્યારેય નહીં ભુલાય. - ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ ...!એ ગુંજન અમારા હૈયામાં સતત ગુંજતું રહેશે.

અને સીમાના પ્યારની કોઈ હદ ન હતી. હાલતા -ચાલતા ,ઉઠતા- બેસતા પલ્લવીનો પલ્લુ છોડે જ નહીં .મને નણંદ મળી જાણે નદીના બે કાંઠા જેવી. પલ્લવી એ નદીનો પ્રવાહ હોય અને રીમા અને સીમા બંને કાંઠાં હોય. ત્રણેય અવિભાજ્ય.પણ દિયર ??દિયરની માત્ર કલ્પના જ રહીઁ. દિયર ન હતો. અને હોય તો એનો પ્રેમ કેવો હોત? ચાર ચાસણી ચડે એવો જ.પલ્લવી એ કલ્પનાથી સંતોષ માનવો પડ્યો.

ઘરના નોકર- ચાકર, માળી, વોચમેન દરેક તરફથી તેને આટલો બધો સ્નેહ ને પ્રેમ મળતો. જાણે સુખની તમામ વ્યાખ્યાના સીમાડાઓ તોડીને પાર નીકળી જવાય, એટલું બધું સુખ પલ્લવીને તેના પંદર વર્ષના દાંપત્યજીવનમાં પ્રાપ્ત થયું.

આ દાંપત્યકાળમાં પલ્લવીએ ત્રણ ત્રણ પુત્રીઓ આ પરિવારને આપી. લગ્ન બાદ એ ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશી કે તરત પુત્રીને જન્મ આપ્યો. પરિવારમાં ખિલખિલાટનું મોજું છવાઈ ગયું. ત્યાર પછીના ત્રીજા જ વર્ષે એને બીજી પુત્રીને જન્મ આપ્યો. ત્યારે પલવીની ઉંમર છવ્વીશ વર્ષની હતી. અને હવે પ્રણવે ને પલ્લવીએ થોડો વિરામ લીધો. એકાંતે વાતો કરતા .પલ્લું, બે પુત્રીઓના આપણે માબાપ બની ગયા. હવે પુત્ર આપીશ ને? પલ્લવી હેતથી આંખો નચાવતી. પ્રણવના ખોળે માથું નાખીને કહેતી ,"ચોક્કસ ...!"ને એકત્રીસમાં વર્ષની પીડા પલ્લવીએ ભોગવી. ત્યારે તેના આંચલમાં ત્રીજી પુત્રીએ રુદનથી ઓરડો ભરી દીધો. પહેલી પુત્રીના જન્મના વખતનો કિલ્લોલ,તે વખતનો ઉત્સાહ અને આજની ત્રીજી પુત્રીના જન્મ વખતે રહેલું વાતાવરણ, બંને વખતે જમીન આસમાનનું અંતર હતું.પલ્લવી પણ મનોમન ખેદ પામી.આ વખતે પુત્ર આવ્યો ન હતો.

મુકુન્દરાય, દેવીબેન, પ્રણવ ઘરના નોકર ચાકર સૌના ચહેરા પર ન સમજાય તેવું મૌન વિટળાયેલું હતું. અરે ખુદ પલ્લવીના ચહેરે પણ અકળામણ ફરી વળેલી હતી.

ત્રણ પુત્રીની માતા હોવા છતાં પલ્લવીનું રૂપ જાણે કુમારિકા જેવું જ હતું. પાતળો બાંધો. ગૌર વર્ણ.ચમકેલી આંખો. કાળા કેશ,અનારકલી જેવા દાંત. મુલાયમ ગુલાબી હોઠ. પતલી કમર.અને મોહક મંદ મંદ હાસ્ય. કોઈને ન લાગે કે આ પલ્લવી ત્રણ પુત્રીની માતા છે. સૌથી નાની પુત્રી બે વર્ષની હશે.

સુખ સમૃદ્ધિમાં આળોટતા આ પરિવારમાં એક આકાંક્ષાએ જોર લીધું. પલ્લવીનાં સુખનો પ્રવાહ જાણે એકાએક વળાંક લઈને જુદી જ દિશામાં ફંટાયો.સમૃદ્ધિનો સાગર માજા મૂકીને કિનારા પર ફરી વળ્યો. સુખના આસમાનમાં લટકતા પહાડો ધરતી પર પડીને ચૂરચૂર થવા લાગ્યા.

એક ધીમી ધીમી, દબાતી વાત પલ્લવીની આસપાસ ફરતી હોય તેવું તેને લાગ્યા કરતું હતું. જાણે કોઈ અદ્રશ્ય આત્મા તેની આસપાસ ભમી રહ્યો છે. તેને ભરોડો લઈ રહ્યો છે. એ ભીંસાઈ રહી છે. એ તેનાથી ગૂંગળાઈ રહી છે.

વાત્સલ્યમૂર્તિ મુકુન્દરાયનો વાત્સલ્યભાવ એવો જ હતો.પણ ન જાણે તેમાં આજકાલ કશુક ખૂટી રહ્યાનો અનુભવ પલ્લવીને થયા કરતો હતો. મમતાળુ દેવીબેન જેવી મા સરખી સાસુના સ્નેહમાં ક્યાંક કોઈક જગ્યાએ ઉણપ કેમ દેખાવા લાગી ? પ્રણવના પ્રેમમાં હુંફની જગ્યાએ કશીક બીજી અનુભૂતિ કેમ થવા લાગી? શા માટે પલ્લવીને આવું લાગ્યા કરે છે ? ત્રીજી પુત્રીના જન્મ પછી એ સતત અનુભવતી આવી છે. આજે ત્રીજી પુત્રી પણ બે વર્ષ ઉપરની થવા આવી ત્યારે હવે પલ્લવી ભેદ પાડી શકે એવી અનુભૂતિ થવા લાગી. ક્યાંક ખૂટી રહ્યું છે, આ પરિવારની હવામાં? શા માટે પલ્લવી મનોમન વિચારે ચડી જતી?

એક દિવસ જાણે પલ્લવીને આટલાં વર્ષના દાંપત્યના વહેણના કિનારાઓ તૂટીને નેસ્તનાબૂદ થઈ જાય એવી વાત કાને પડી. ત્યારે ઘડીભર પલ્લવી ચેતનહીન બની ગઈ. સ્તબ્ધ થઈ ગઈ.

એક દિવસ સૂર્ય ઢળ્યા પછી એ ઘેર પાછી ફરી રહી હતી. તેની સાથે તેની સૌથી નાની પુત્રી હતી. મા દીકરી બંને કારની પાછળલી સીટમાં બેઠાં હતાં. કારની બારી ખુલ્લી રાખીને નાની પુત્રી ટ્વિન્કલને પલ્લવી પસાર થતા સ્થળો બતાવી રહી હતી. કાર અબ્દુલચાચા ચલાવતા હતા.જે આ પરિવારનો જૂનામાં જૂનો ડ્રાઇવર હતો. રસ્તા પર નજર નોંધીને એક હાથ પોતાની સફેદ દાઢીએ ફેરવી રહ્યો હતો.

"શું કહેતા હતા અબ્દુલચાચા ?" પલ્લવી આવી ત્યારથી જ અબ્દુલને અબ્દુલચાચા કહીને બોલાવતી.

" બેટા, આ પુત્રી ટ્વિંકલને બદલે અલ્લાતાલાએ તેને પુત્ર બનાવ્યો હોત તો પરિવારની ખુશીમાં ચાર ચાંદ લાગી જાત "

ત્યારે જ પલ્લવીને ખ્યાલ આવી ગયો કે આ પરિવારમાં પુત્રેશ્ના કેટલી પ્રબળ બની છે. એ ડ્રાઇવર સુધી લંબાઇ ગઈ હતી.

પરિવારના પરંપરાગત ખ્યાલોથી બંધાયેલાને પુત્ર ઈચ્છા હોય જ. આજ સુધી ત્રણ ત્રણ વાર એ પુત્રને આપી શકી ન હતી. જાણે પલ્લવીના સુખનો એ સ્પીડબ્રેકર આવી ગયો.

એ જ દિવસે રાત્રે પલ્લવીએ પોતાના કાનોકાન આ વાત સાંભળી. ત્યારે અત્યાર સુધી મળેલું તમામ સુખ તેને સ્વપ્ન સમાન લાગવા માંડ્યું. જાણે કોઈ મધુર સ્વપ્ન આવ્યું ને ઉડી ગયું. હજી એ બંગલામાં પગ મુકતી હતી ને દિવાનખંડમાં બેઠેલા પરિવારના સભ્યો વાતોમાં ગૂંચવાયેલા હતા. ક્યારેય પણ કોઈથી ગુપ્ત રીતે વાત કરવાનો પ્રસંગ આ પરિવારમાં ઉદ્ભવ્યો ન હતો. ક્યારેય પણ ચોરીછુપેથી વાત સાંભળવાનો કોઈને વિચાર આવ્યો ન હતો. આજે પલ્લવીના પગ થંભી ગયા. આ રીતે ગુપ્તવાત થતી હોય તે પહેલીવાર જોઈ રહી હતી. પહેલીવાર જ પલ્લવીના પગ બારણા આગળ અટકી ગયા.

નાની ટ્વિંકલ તો હજુ ગાડીમાં જ અબ્દુલ ચાચા સાથે રમી કરી રહી હતી.આ રીતે ઘણી વખત અબ્દુલચાચા તેને રમાડતા.

પલ્લવી એકલી હતી. ચોરની માફક આજે એ બારણે ઉભી રહી ગઈ. આવો વિચાર કેમ ઉદ્ભવ્યો? એ પોતે જ ન સમજી શકી.

" આપણા આ પરિવારને આવડી મોટી વિશાળ સંપત્તિનો વારસ તો જોઈએ જ .."મુકંદરાય બોલી રહ્યા હતા.

" ત્રણ ત્રણ પુત્રીને જન્મ આપ્યા પછી, ચોથો પુત્ર થશે એ ખાતરી નથી ને.." દેવીબહેનનો અવાજ કંઈક જુદો જ હતો.

" આમાં હું કે પલ્લવી શું કરીએ ?"પ્રણવનો એ બચાવ હતો કે અભિપ્રાય? ભારેખમ મૌન છવાઈ ગયું. પલ્લવીના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. તે તેનો શ્વાસ માંડ રોકી રહી હતી.

" આપણા પરિવારની પરંપરા છે કે આપણો વંશ આગળ વધવો જોઈએ. પુત્રીઓ પરણીને ચાલી જશે ત્યારે મિલકતનો વારસ કોણ?"

આજે પણ આ સમયે, આસમાનને આંબી જનારા આ ફાસ્ટ યુગમાં આ પ્રશ્નનો સામનો બહુ ઓછા લોકો કરી શક્યા છે. સૌને ઝંખના છે, પોતાના વંશ વારસની. ભલે નારીની અવગણના ન હોય ,પણ પુત્ર મોહના નાગપાશથી છૂટ્યા નથી.

" એક ઉકેલ છે." દેવીબેન બોલતા હતા.

પલ્લવીનો શ્વાસ અધ્ધર થઈ ગયો.

સૌની આંખો દેવીબેન તરફ હતી. પ્રણવ માતાના મુખને તાકી રહ્યો હતો. મુકુન્દરાય એ સુખદ ઉકેલને વધાવવા અધીરા થયા. આસપાસ ઘૂમી રહેલી પલ્લવીની બે મોટી દીકરીઓ પર દેવીબેને નજર નાખી. પછી હળવેથી કહ્યું," આપણા પરિવારમાં અને વંશમાં આ નવું નથી. સ્વીકારેલી બાબત છે." કહીને દેવીબેન અટક્યા.

દેવીબેનનું અટકવું મુકુન્દરાયને ખટક્યું. ને પલ્લવીનો ધબકારો ચૂકવી ગયું. પ્રણવની જિજ્ઞાસા તીવ્ર બની .

"આપણા પરિવારના દાદાજીને બે સ્ત્રીઓ હતી. તેની આગળ ચોથી પેઢીએ કાળીદાસદાદાને ત્રણ સ્ત્રીઓ હતી. આનું કારણ પુત્રપ્રાપ્તિ અને વંશ વધારવાનું જ હતું."

" મમ્મી તમે આ શું કહો છો ?એટલે શું મારે....." પ્રણવ એટલું માંડ બોલ્યો. ત્યાં જ વચ્ચે તેના પિતા મુકુન્દરાય બોલ્યા." તારા દાદાની બીજી પત્નીનું સંતાન હું છું.પ્રથમ પત્નીથી તેમને બાળક ન હતું. પ્રણવ અમે ઘણી વખત આ બાબતની વાત કરી ચૂક્યા છીએ.પછી તને સામેલ કર્યો છે."

" અમે ઈચ્છીએ છીએ કે તું બીજા લગ્ન કરે. તો તેને પુત્ર પ્રાપ્ત થાય."

" પણ પલ્લવીને...."પ્રણવે બધાં સામે જોયું.

" એને ત્રણ ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો.હવે જોખમ નથી લેવું," મુકુંદરાય બોલ્યા.

પલ્લવીના પગ તળેથી ધરતી સરકવા લાગી. એને થયું કે હમણાં પડી જશે.

ત્યાં તો ટ્વિંકલને લઈને અબ્દુલચાચા આ તરફ આવી રહ્યા હતા. ટ્વિંકલના ખિલખિલાટથી અંદર બેઠેલા ત્રણેય ચેતી ગયા.

પલ્લવી સભાન બની ગઈ. અબ્દુલચાચા પાસેથી ટ્વિંકલને તેડીને પલ્લવી તેના રૂમમાં સડસડાટ ચાલી ગઈ.

થોડા દિવસ પછી પલ્લવીએ જ સૌની વચ્ચે ધડાકો કર્યો. ત્યારે સૌ ડિનર ટેબલ પર હતા.

" પપ્પા એક વાત કહું?"

સૂપ પીતા પીતા પિતાએ પલ્લવી સામે જોયું." તારે મંજૂરી માગવાની જરૂર હોય બેટા?" મુકુંદરાયના સ્નેહમાં કોઈ જ ઉણપ ન હતી.

" આ પરિવાર મારો પરિવાર છે. આ પરિવારને લાગતી ઉણપ કે ખોટ એ મને પણ સતત ડંખ્યા કરે છે."

"હું સમજ્યો નહીં ,"પ્રણવે બધા સામે નજર નાખીને અંતે પલ્લવી સામે જોયું.

" મમ્મી,"પલ્લવીએ દેવીબેન સામે જોયું,"આ પરિવારને વારસદારની ખોટ છે. એના વંશને આગળ ધપાવનારની ખોટ છે."પલ્લવીએ પાણીની ઘૂંટ ભરી.

સૌ એકબીજા સામે જોવા લાગ્યા.પલ્લવી આ વાત કેવી રીતે જાણી ગઈ? મુકુન્દરાય અને દેવીબેને પ્રણવ સામે જોયું. ખાનગીમાં કદાચ પ્રણવે પલ્લવીને વાત કરી હોય.

" પ્રણવે મને કશું જ કહ્યું નથી. પણ મેં ખુદ એવું અનુભવ્યું છે કે આ પરિવારને પુત્રની ખોટ સાલે છે. એ ખોટ કદાચ હું ન પૂરી કરી શકું. ત્રણ ત્રણ પુત્રીઓ પછી પુત્ર હોવાની ખાતરી હું આપી શકતી નથી.." થોડું અટકીને શ્વાસ ભરી લઈને આગળ બોલી," હવે કોઈ સંતાનને હું ઈચ્છતી પણ નથી."

પલ્લવીના શબ્દોની જાણે અસર થઈ હોય એમ સૌ મૌન થઈ ગયા. શું બોલવું તે ઘડી ભર કોઈને સૂઝ્યું નહીં.બધાં ચૂપચાપ ખાતાં રહ્યાં.

" હું ખૂબ વિચાર કરીને આ તમને કહું છું કે પ્રણવ, પુત્ર માટે બીજી સ્ત્રી લાવે. એની સામે મને કોઈ જ વાંધો નથી. હું રાજી ખુશીથી પ્રણવને સંમતિ આપું છું. પણ હું જાણું છું કે તેથી આ પરિવારમાંથી મારું સ્થાન મટી જતું નથી. મને એની ખાતરી છે."

" બેટા.. બેટા.." મુકંદરાયની આંખોમાં આંસુ ઉભરાયા." બેટા, તું આ શું કહે છે? તારું સ્થાન તો છે જ. તું તો આ ઘરની ભાગ્યલક્ષ્મી છો."

" એટલે જ કહું છું" પછી પ્રણવ સામે જોઈને પલ્લવી બોલી ,"પ્રણવ તે પસંદ કરી છે કોઈ સ્ત્રીને?"

પ્રણવ પલ્લવીને અવાક બનીને તાકી રહ્યો. ના, તેની આંખોમાં કોઈ પ્રકારનો કટાક્ષ કે દ્વેષ ન હતો. તેણે દિલથી જ આ વાત સ્વીકારીને વહેતી મૂકી હતી.

" હા, મેં નિર્ણય કર્યો છે.ને અત્યારે જ કર્યો છે,"પ્રણવ એકાએક બોલ્યો.બધાએ આશ્ચર્ય સાથે, એક સાથે પ્રણવ સામે જોયુ. પલ્લવી પણ આશ્ચર્ય પામી ગઈ.પ્રણવ પાસે બધી જ પૂર્વતૈયારી છે!? આટલું બધું વિચારી રાખ્યું છે!? કોણ હશે એ સ્ત્રી? અને આજ સુધી મને ખબર પણ પડવા ન દીધી!!? આટલો બધો ગહન છે પ્રણવ !!?

"જે કોઈ બીજી સ્ત્રી આ પરિવારમાં આવશે, તે આમ તો કાયદાકીય રીતે ન આવી શકે.પણ પરિવારની પરંપરા ને સ્નેહથી તેના હકકપૂર્વક રહે છે. અને તેને એટલો જ દરજજો અને માન સન્માન મળે છે." દેવીબેન બોલ્યા.

મુકુન્દરાયે કહ્યું," સામાન્ય રીતે સમાજ તેને બીજું ઘર કહે છે ."

"પપ્પા, મેં બીજા ઘરનો જ નિર્ણય કરી લીધો છે.પલ્લવી તું ખાસ, અને પપ્પા મમ્મી તમે બધા સાંભળો..!" પ્રણવે બધાની સામે નજર નાખી લીધી."હું ભણ્યો છું કે સંતાનની ઉત્પત્તિમાં પુત્ર હોવો કે પુત્રી તેનો જવાબદાર પુરુષ હોય છે.પુરુષના બે પ્રકારના રંગસૂત્ર x y છે. અને સ્ત્રીના રંગસૂત્ર x x હોય છે. સ્ત્રીના બંને રંગસૂત્રો સમાન હોય છે. ફરક માત્ર પુરુષના રંગસૂત્રોનો જ છે. અને પુરુષોના જ રંગસૂત્રોના આધારે પુત્ર કે પુત્રી થાય છે. જેમાં સ્ત્રી કોઈપણ રીતે જવાબદાર નથી. પલ્લવીને પુત્ર ન થવાની જવાબદારી મારી કહેવાય, બરાબર ને?"

બધા પ્રણવની સામે તાકી રહ્યા.

પ્રણવે હવે આગળ કહ્યું," તો બીજું ઘર મારે શા માટે કરવું? પુરુષ જ બીજું ઘર શા માટે કરે છે? શા માટે સ્ત્રીને દોષિત ગણવી ?"

"એટલે તું કહેવા શું માંગે છે?" પહેલી વખત પલ્લવીએ દેવીબેનના ચહેરા પર ઉત્તેજના જોઈ.

"મમ્મી, હું પલ્લવીને એમ કહીશ કે તું દોષિત નથી. દોષી તો હું છું.તેથી પુત્ર પ્રાપ્તિ કરવી જ હોય તો એ હકક પલ્લવીનો છે. પલ્લવી જ બીજું ઘર કરે તો?"

જાણે આકાશમાંથી કડાકો થયો હોય એમ સાંભળનાર સૌ હચમચી ગયા. પ્રણવે આ શું કહ્યું? આવું કદી બનતું હશે? જે સ્ત્રી જે ઘરમાં વહુ હોય તે બીજા પુરુષ પાસે કદી જાય?

ઘેરું મૌન અને સ્તબ્ધતા છવાઈ ગઈ. પલ્લવી સ્થિર નેત્રે પ્રણવ તરફ તાકી રહી .ક્યાંય સુધી ઘેરી શાંતિનો ભાર બધાએ અનુભવ્યો.

" મમ્મી' પપ્પા .." પ્રણવે સજાગ કર્યા. જાણે કોઈ દૂરથી બોલાવી રહ્યું હોય એમ સૌ મૂર્છામાંથી ઊઠયા. પ્રણવને તાકી રહ્યા.

" , તું સાચું કહે છે પ્રણવ આમાં ક્યાંય પલ્લવી દોષિત નથી."મુકુંદરાય બોલ્યા.

- ત્યાં જ પલ્લવીની ત્રણેય પુત્રીઓ દોડતી આવી. દાદી દેવીબેન અને દાદા મુકુંદરાયને વીંટળાઈ વળી.

પલ્લવી તો પ્રણવને તાકી રહી.ઓહ..!! મારા સુખનાં જીવનમાં આવેલ આ એક અવરોધને પણ છીનવી લીધો..#

--------------------------------- વાસુદેવ સોઢા
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post