શૂલી ઉપર સેજ (Shuli Upar Sej)

Related

શૂલી ઉપર સેજ
---------------------------- વાસુદેવ સોઢા

સ્કૂલમાંથી નિવૃત્ત થતા મહેતા સાહેબ રાજકોટથી અમદાવાદ આવ્યા. આખો દિવસ વાંચન અને લેખનમાં વિતાવતા. સાંજના સમયે ફરવા નીકળી પડતા. રવિવારના દિવસે દૂર સુધી ફરવા જતા.

#આવકાર
શૂલી ઉપર સેજ

આજે રવિવાર હોવાથી મહેતા સાહેબ સીટી બસમાં ચંડોળા તળાવ આવ્યા. પણ સુકુ ભઠ્ઠ તળાવ તેને તાજગી આપી શક્યું નહીં. તળાવના પાળા પર એક ઝાડના છાંયે દસેક મિનિટ ઊભા રહ્યા. નજરને આમ તેમ ઘૂમાવી. પણ ક્યાંય મન ન લાગ્યું. ત્યાંથી આગળ ચાલ્યા. ચાર રસ્તાના રાઉન્ડ સુધી આવ્યા. અને વડોદરા હાઇવે પર ચાલવા લાગ્યા.

બંને બાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો હતો. છૂટી છવાઈ હોટલો હતી. સામે જ ઇન્ટરનેશનલ હોટલ દેખાય. તેની નજીકથી પસાર થતાં મહેતા સાહેબના કાને પશ્ચિમી સંગીતના ધીમા સુરો અથડાયા. પશ્ચિમી સંગીતથી સુગાયેલા મહેતા સાહેબે ઝડપથી પગલા ઉપાડ્યા.

થોડો જ આગળ વધ્યા. ત્યાં તેના પગ આપોઆપ થંભી ગયા.

એક પંક્તિના શબ્દ અને સુરથી તે જકડાઈ ગયા. સહેજ બાજુમાંથી આવતા આ સંગીતના સૂરમાં તણાવા લાગ્યા.

શૂલી.. ઉપર... સેજ હમારી...! આહા..! કેટલું દર્દ ભર્યું માધુર્ય.. એ કંઠમાં. ફક્ત ગાવા ખાતર કોઈ ગાતું ન હતું. તેવું ન લાગ્યું. પણ ગાનારનું દર્દ તેના કંઠમાંથી નીચોવાઈને ટપકતું જણાયું.

મહેતા સાહેબની ડોક આપો આપ એ તરફ મરડાઇ.

બરાબર ઇન્ટરનેશનલ હોટલથી થોડા કદમ દૂર નાનકડા મકાનમાંથી એ સંગીતનો રેલો આવી રહ્યો હતો.

મહેતા સાહેબ ગુજરાતીના અધ્યાપક હતા. અને મીરાના કાવ્યો પર તેમને પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરેલી હતી. એટલે સહજ રીતે જ તેને મીરા તથા તેના ગીતો પ્રત્યે પક્ષપાત હતો.

તેને એ ગીત નજીકથી માણવાની ઈચ્છા થઈ. તે એ મકાન તરફ ગયા. જ્યાંથી એ સંગીતના સૂરો આવતા હતા.

મકાનની બાજુમાં આવેલ એક ઝાડને છાયા તેઓ ઉભા રહ્યા. સંગીતને સાંભળવામાં મગ્ન બની ગયા. પરંતુ ગીતની પંક્તિ તૂટક..! તૂટક..! સંભળાતી હતી. ઘાયલ કી... ગત.. ઘાયલ જાને...!! વળી અવાજ બંધ થતો. અને થોડી ક્ષણો પછી તેનું અનુસંધાન જોડાતું. આથી સળંગ ગીતનું માધુર્ય માનવામાં વિક્ષેપ પડતો.

એક સ્ત્રી કશુક કામ કરતી કરતી એ દર્દીલું ગીત ગાય રહી હતી. શબ્દનું તૂટવું મહેતા સાહેબને ખટકતું હતું.

થોડીવાર પછી ગીત પાછું ચાલુ થશે, એ આશામાં તે ઉભા રહ્યા. પરંતુ તેની સ્ત્રી બાળકોને શાંત પાડવામાં ગુથાઈ ગઈ.

મહેતા સાહેબે પીઠ ફેરવીને એ મકાન તરફ નજર નાખી. સામે એક બોર્ડ જોયું. મીરા રેસ્ટોરન્ટ. બોર્ડ નાનું છતાં આકર્ષક લખેલું હતું. બહુ દૂરથી ધ્યાનમાં ન ચડે તેવા નાના અક્ષરો હતા.

આગળના ભાગમાં ફરસાણની ચીજ વસ્તુઓ હતી. તેની બાજુમાં ચા બનાવવાનો સંજામ પડ્યો હતો. ચા પીવાની ઈચ્છાએ અને એ બહાને પેલી સ્ત્રીને જોવાની તાલાવેલીએ તેઓ એ સ્ત્રી તરફ ગયા. પેલી સ્ત્રી હજી પણ બે નાના બાળકોને સમજાવી રહી હતી.

બાળકો મીણબત્તી માટે ઝગડી રહ્યા હતા. બંનેને એક એક મીણબત્તી આપીને ફોસલાવી લીધા." દિવાળી તો હજુ વાર છે, ત્યારે હું તમને મોટી મીણબત્તી અપાવીશ. ઓકે? ત્યારે તમે બંને આપણા આંગણાને સજાવી દેજો."

મહેતા સાહેબ નજીક જઈને પેલી સ્ત્રીના શબ્દો સાંભળી રહ્યા હતા. ખોખારો ખાઈને તે સ્ત્રીનું ધ્યાન પોતા તરફ ખેંચ્યું સ્ત્રી બાળકોમાંથી છૂટીને પાછળ ફરીને બોલી," આવો.."

ને "આવો" કહેવા માટે ભૂંગળું વળેલા તેના હોઠ અને ઊંચકાયેલા નેણ ક્ષણભર સ્થિર થઈ ગયા. તે અત્યંત આશ્ચર્યથી બોલી," સર આપ..!?"

એથી પણ અનેક ગણું આશ્ચર્ય મહેતા સાહેબને ઘેરી વળ્યું." ઓતારી..! આ તો મને ઓળખે છે !!પણ કેમ? ક્યાંથી? તે પ્રશ્નો તેના ડંખવા લાગ્યા. તે પેલીને ઓળખી શક્યા નહીં.

તેણે સ્મૃતિને ઢંઢોળી. મગજને કેટલાય ઝાટકા આપ્યા. પણ વ્યર્થ. ત્યારે હતાશ થઈને તેમણે કહેવું પડ્યું," બેટી, હું તને ઓળખી શક્યો નહીં."

"આપ અંદર તો આવો. અહીં ખુરશી પર બેસો." એક ખુરશી આગળ ખેંચીને સ્ત્રીએ કહ્યું.

પેલીના અવાજમાં છુપો આનંદ ઉછાળા મારતો હતો. છતાં કંઈક તેમાં ખચકાટ પણ હતો. અને કંઈક અચમ્બો પણ હતો. અને દર્દ પણ હતું.

બંને નાના બાળકોમાંથી પાંચ વર્ષના બાળકે પાણીનો ગ્લાસ લાવીને ટેબલ પર મુક્યો. મહેતા સાહેબ નિર્દોષ બાળકની ચપળતાને નીરખી રહ્યા. કેટલું ચબરાક બાળક છે..!!

એ દરમિયાન પેલી સ્ત્રી ચા બનાવીને લાવી," લો સર ..!"

આશ્ચર્યની કળમાંથી હજી મહેતા સાહેબ મુક્ત થયા ન હતા," બેટા, તું મને તો કેવી રીતે ઓળખે?"

" કેમ, આપ મને ભૂલી ગયા?"

" બેટા, ઉંમરને લીધે આંખે થોડીક ઝાંખપ આવી છે. ને થોડી વિસ્મૃતિ પણ થઈ ગઈ છે." ચશ્માને ઠીક કરી પેલી સ્ત્રીને ઓળખવાની કોશિશ કરવા લાગ્યા .

"સર ..!પેલી માધવીને ઓળખો?"

" માધવી..!"મહેતા સાહેબ તેની સ્મૃતિને તાજી કરવા લાગ્યા. ને ખજાનો હાથ લાગ્યો હોય એમ એકાએક ઉત્સાહથી બોલી ઉઠ્યા," અરે હા..!! માધવી..!? તું તો માધવી !!! નહીં..??? કાંતિલાલ શેઠની પુત્રી."

" હા સર.. હા." એટલું ઉત્સાહમાં બોલી તો ગઈ માધવી. પરંતુ "હું જ.. હું એ જ માધવી છું..!" બોલી ત્યારે પહાડ જેવડો નિસાસો નખાઈ ગયો.અને દર્દની ન જોઈ શકાય એવી નદી વહી.જે મહેતા સાહેબે અનુભવી.

લમણે હાથ ટેકવીને મહેતા સાહેબ ચશ્માના કાચમાંથી નજર ખેંચીને ધારી ધારીને માધવીને જોવા લાગ્યા.

તેના મનમાં કેટલા સવાલો.. એક સામટા એક સામટા ઘેરાવા લાગ્યા

- આ માધવી..? અહીં? ફૂટપાથ પરના ઝુંપડા જેવા મકાનમાં? મહેતા સાહેબના મનોપ્રદેશમાં નવ વર્ષ પહેલાંની માધવી ઉપસવા લાગી.

માધવી..!! એ રૂપ, એ ક્રાંતિમય ચહેરો, રતુમડું મોં, ગુલાબની પાંખડી શા હોઠ, ધનુષના પડછ જેવી ખેંચાયેલી ભ્રમરો, હસે ત્યારે ફૂલડા ખરે.. દંતાવલીઓ ચમકતી..હસી ઊઠે ત્યારે .અને ગાલમાં પડતા ખંજનો ..!આછી l

લજજાથી ભરેલા એના નયન. ખુમારીવાળી છોકરી. એસએસસીમાં કેન્દ્રમાં ફર્સ્ટ આવેલી. સ્કૂલના ગૌરવ સમાન હતી. માધવીનો મીઠો કંઠ .કર્ણપ્રિય અવાજ મીરાના ભજનો ગાય ત્યારે સાંભળનાર પર જાદુઈ અસર ફરી વળતી. આજે પણ એ કંઠ એવો જ છે. પણ ઉલ્લાસને બદલે દર્દ .. ઘૂંટાતું દર્દ મહેસૂસ થયું.ફેર એટલો જ છે.

પણ માધવી,આ વેરાન સ્થળે?એ સવાલે મહેતા સાહેબને ગૂંચવી નાખ્યા.

- રાજકોટના ઉદ્યોગપતિ કાંતિલાલ શેઠની પુત્રી માધવી ??અહી..??

રાજકોટના ઉદ્યોગપતિ ગણાતા શેઠ કાંતિલાલની પુત્રી માધવી? જેને સ્કૂલમાં લેવા મૂકવા માટે કાર આવતી. વિશાળ બાગ બગીચાઓ વાળા બંગલાઓમાં રહેતી. તે અહીં? સિમેન્ટના પતરાના છાપરાની નીચે?

ઉદ્યોગપતિ બાપની છોકરી હોવા છતાં ઘમંડ નહીં. વાચાળ પણ વિવેક છોડે નહીં. મળતાવડી પણ એટલી, પણ મર્યાદા ઓળંગે નહીં. જેવી સૌંદર્યવાન એવી જ સંસ્કારી. ખુમારી પણ ખરી. પણ દરેક સાથે આદરથી વર્તનારી. એ માધવી અહીં?

"સર.."મહેતા સાહેબને માધવીએ ચમકાવ્યા. તેમણે માધવી સામે સૌમ્ય દ્રષ્ટિ કરી. પહેલાની ખુમારી માધવીના મોં પર જોઈ. જાણે માધવીને પોતાની સ્થિતિનું કશું જ આશ્ચર્ય નથી.

" સર..! કદાચ આપને ઘણા જ પ્રશ્નો થતા હશે."

છતાં મહેતા સાહેબ ઘડીક કંઈ બોલ્યા નહીં. અને માધવીને તાકી રહ્યા.

માધવી સામેની ખુરશીમાં બેઠી. બંને બાળકો મકાન પાછળ રમવા લાગ્યા હતા. માધવી પરથી નજર હટાવી મહેતા સાહેબે દિવાલ પર નાખી. ત્યાં કૃષ્ણ મીરાના પોસ્ટર લગાડેલા હતા. ત્યાંથી નજર હટાવી આસપાસ ઘૂમાવી. સાદું છતાં સુઘડ ફર્નિચર વ્યવસ્થિત હતું. પાછળ તેના ઘરનો સામાન ચોકસાઈથી ગોઠવેલો હતો.

ઊંડી ગુફામાંથી બોલતા હોય તેવો અવાજ સંભળાયો," માધવી..! આ..!" હાથના ઇશારાથી નેતા સાહેબે સૂચવ્યું.

" હા સર, આ મારી નાનકડી રેસ્ટોરન્ટ છે. સાંજ ઢળતા ઘરાક આવશે. જ્યારે હું ગરમાગરમ ફરસાણ બનાવવાની શરૂઆત કરીશ."

" તો શું તું જાતે બધું કરે છે?"

" હા સર, આપણી સ્કૂલના કુકિંગ કલાસની એકિટવિટીમાં હું શીખી છું.યાદ છે સર..!મે એક વાનગી બનાવી હતી તમે ચાખીને કહ્યું હતું કે ખૂબ સરસ અને સ્વાળદાર છે..?"

મહેતા સાહેબને એ યાદ આવ્યું. મ્લાન હસીને માધવી સામે જોયું.

" બે બાળકો અને હું જીવીએ એટલું મળી રહે છે." માધવી બોલી.

મહેતા સાહેબના હોઠ કશું પૂછવા ફરક્યા. અને કંઈ પણ અવાજ વિના વિલાય ગયા.

" સર, આપને મારા વિશે જાણવાની ઘણી જિજ્ઞાસા હશે. કારણ કે રાજકોટની ઉદ્યોગપતિની છોકરી અને અહીંની ફૂટપાથ પરની માધવીનું અંતર અકળાવતું હશે." માધવીના બોલમાં સહેજ ધ્રુજારી ભળી હતી.

" માધવી, તારા આ જમીન આસમાનના ફેરફારથી ખરેખર મને આઘાત લાગ્યો છે." મહેતા સાહેબની નજર આઘાતથી ઝૂકી પડી .

"સર, આજે આટલા વર્ષે પિયરનું કહી શકાય તેવા તમે જ પહેલા મળો છો. તમે મળ્યા તેથી મારા અંતરની વેદના તમારી પાસે ઠાલવવી છે." પહેલી વખત હતાશા માધવીના બોલમાં ધબકતી જણાય.

માધવી થોડો અટકી. મહેતા સાહેબ બોલ્યા," તારા પતિ?"

" છે અને નથી." પતિનું નામ આવતા જ માધવીના મુખની રેખાઓ તંગ બની," સર, તમે મને હોશિયાર, ચાલાક અને ચબરાક માનતા. પરંતુ હું મારા જીવનમાં ભયંકર થાપ ખાઈ ગઈ છું."

" માધવી, તારા કંઠના સુરથી આકર્ષાઈને જ હું આવ્યો. મને હતું કે જરૂર કોઈ દર્દથી પીડાતી નારીનું જ આક્રંદ છે."

" હા સર, આ ગળાએ જ મારું ગળું કાપ્યું છે" માધવી જાણે પસ્તાવો કરતી હોય એમ બોલવા લાગી." સર એસએસસી પાસ થઈ હું અહીં અમદાવાદ આવી. અહીં મારા મામા છે. તે કાપડના મોટા નામચીન વેપારી છે. ત્યાં રહીને હું કોલેજનો અભ્યાસ કરતી "

માધવી પોતાની વિતક કથા પુસ્તકની માફક ખુલ્લી કરવા લાગી." થોડા સમયમાં જ હું કોલેજમાં નામ મેળવી ગઈ. એ મારા મીઠા સ્વરને લીધે. મને કોલેજના પ્રાધ્યાપકો દ્વારા પ્રોત્સાહન મળતું રહ્યું. મેં સંગીત ક્લાસમાં જઈને વિશેષ જ્ઞાન મેળવ્યું. હું ગાયિકા, સંગીતકાર તરીકે અન્ય કોલેજોમાં પણ પ્રખ્યાત થઈ ગઈ. કોલેજના ફંકશન અને પ્રોગ્રામમાં હું ગાવા લાગી. શહેરના અન્ય પ્રોગ્રામમાં પણ મને ચાન્સ મળવા લાગ્યો મામા તરફથી પણ મને પ્રોત્સાહન અને સગવડતા મળી. મામાએ પ્રોગ્રામમાં જવા આવવા માટે મને ખાસ કાર આપી એ માટે ડ્રાઇવર રોક્યો એનું નામ માવજી હતું. "

,"એક રાત્રે ..."માધવી અટકી.મહેતા સાહેબે ઉત્સુકતાથી તેની સામે જોયું. માધવીની ઊંડી ઉતરી ગયેલી આંખો નીચે નમેલી હતી.

" માધવી..!" માધવીએ ચમકીને આખો ખોલી. મહેતા સાહેબની આંખોમાં પ્રશ્નાર્થ હતો," પછી?"

" હું પ્રોગ્રામમાંથી પાછી આવતી હતી. ત્યારે માવજી મારી કારમાં બેસીને મારાજ ગીતોની કેસેટ કાર ટેપમાં સાંભળતો હતો. થોડીવાર હું કાર પાસે માવજીને ખ્યાલ ના આવે તેમ ઊભી રહી. ગીત પૂરું થયા પછી કેસેટને માવજીએ ટેપ રેકોર્ડમાંથી કાઢી. હાથમાં રાખી. ઘડીભર જોઈ રહ્યો. ને પછી કેસેટને ચૂમી લીધી. મારું મોં શરમથી લાલ થઈ ગયું. ત્યારે મને ગર્વ પણ થયો ઊંડે ઊંડે મને માવજીની ચેષ્ટા ગમી. અને એ સાંજ પછી માવજીની ચેષ્ટા મને અવારનવાર યાદ આવવા લાગી. મને સતાવવા લાગી. મનોમન મને આનંદ હતો. મેં વિચાર્યું માવજી મારા ગીતો પર કેટલો ફિદા છે !!પણ મારો ડ્રાઈવર હોવાથી હોવાની હેસિયતથી મારા મોઢા મોઢ પ્રશંસા કરી શકતો નથી. તે મારો ખરેખર ચાહક છે.

એના મોએથી મારા વખાણ સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ. એ ભલે ડ્રાઇવર રહ્યો પણ સારો પ્રશંશક હતો. કદરદાન હતો. ત્યારે મને તેના તરફ અજાણ પણે આકર્ષણ થવા લાગ્યું. એ સોહામણો અને સશક્ત યુવાનો હતો તેથી તેનામાં વધુ દિલ ચશ્પી લાગી."

મહેતા સાહેબ જાણે આંખો મીચીં mને સાંભળતા હોય તેમ અર્ધ બીડેલી આંખો રાખી બેઠા હતા. માધવી એકી સાથે જાણે નવ વર્ષનો ઇતિહાસ કહીને હળવી થવા માંગતી હતી.

" મને તેની પ્રમાણિકતાનું પાસું અત્યંત સ્પર્શી ગયું. મામાની પેઢીમાં પણ તેની વફાદાર તરીકેની છાપ હતી. હું જ્યારે પણ પ્રોગ્રામમાં જતી ત્યારે માવજીને ઓડિયન્સમાં બેસાડવા લાગી. એને સાંભળતો જોવામાં મને ઓર મજા આવતી. તે સામે હોય ત્યારે મારું ગળું આપો આપ ખુલી જતું. "

ઊંડો શ્વાસ લઈને માધવી આગળ બોલી,"હું તેના તરફ અજબ રીતે ખેંચાવા લાગી. ને એક દિવસ એવો આવ્યો કે માવજી વિના મને ચેન ન પડતું. તેને મળવા, તેનું મોં જોવા હું તલપાપડ બનતી. છતાં મેં મારી લાગણી માવજી સામે પ્રગટ કરી ન હતી."

મહેતા સાહેબ માધવીને આંખો ફાડી જોઈ રહ્યા.

માધવી નીચી નજર કરીને બોલી," અને એક દિવસ..."

"એક દિવસ શું?"

માધવી થોડું અટકીને ગળે થૂંકનો ઘૂંટડો ઉતાર્યો ,"એક દિવસ મેં માવજીને હિંમત કરીને પૂછ્યું. માવજીએ મારી આંખોમાં નજર પરોવી. મારી આંખોમાં આત્મીયતાના ભાવ જોઈને એ મલકયો. બોલ્યો - મેમ ખરેખર તને મારો કંઠ પ્રિય છે. હા, એટલું કહી માવજી નીચું જોઈ ગયો.

મેં કહ્યું- તું મારા ગીતો ક્યારે સાંભળે છે?

- તમારા ગીતોની કેસેટ હું નિરંતર સાંભળ્યા કરું છું. તમારા ગીતો સાંભળવા વિના મને ચેન નથી પડતું.

એ નીચું જોઈને બોલ્યો હતો.

- આમ મારી સામે જો. મેં પ્રોગ્રામમાંથી આવતા અડધી રાતે પૂછ્યું હતું.બોલ શું? મને તમારા ગીતો સાંભળવા વિના ખરેખર ચેન નથી પડતું.

- કેમ ? મેં આંખો નચાવીને કહ્યું.

- મને એટલા બધા તમારા ગીતો પ્રિય છે.

- અને હું? બોલી ગયા પછી ખ્યાલ આવ્યો કે આ હું શું બોલી ગઈ!!

માવજીએ એકાએક મારી સામે જોયું. તેની આંખો ચમકી. એ તરત ઝડપથી તમારી પાસે આવ્યો. મારો હાથ પકડીને પ્રસરાવતો રહ્યો. મેં હાથ છોડાવવાની ચેષ્ટા ન કરી. કદાચ હું માવજી પાસે આવી જ સ્થિતિ ઈચ્છતી હોઈશ.

એ પ્રસંગ પછી મારી અને માવજીની અનેક ગુપ્ત મુલાકાતો થતી રહી. હું માવજીને દિલ દઈ બેઠી. મને લાગવા માંડ્યું કે માવજી વિના મારું જીવન અકલપ્ય છે.

મામા માવજીને બીજે ગામ મોકલતા, ત્યારે હું તેના વિના બેચેન બની જતી. મને થયું કે માવજી જ મને સાચો વ્યક્તિ લાગે છે. હું ફક્ત માવજી માટે જ ગાવું છું. માવજીને ખુશ કરવા જ.

એક દિવસ માવજી અને મારા સંબંધની વાત મામા સુધી પહોંચી. મામા ભડકયા. પહેલા તો આ આખી વાત તેને ખોટી લાગી. ક્યાં હું ઉદ્યોગપતિની દીકરી માધવી!! અને ક્યાં મામુલી ડ્રાઇવર માવજી. એ કલ્પના જ અશક્ય હતી.

પણ મને અને માવજીને બંગલાના બગીચામાં પ્રેમ ગોષ્ટિ કરતા મામા સાંભળી ગયા. પછી મને બોલાવી. સમજાવી. ઠપકો આપ્યો. મામાએ મારી અને માવજીની સ્થિતિ દર્શાવી. અમીર અને ગરીબનું અંતર દેખાડ્યું.

મેં પણ સામે દલીલ કરવા કોશિશ કરેલી. પણ મામા મને સાંભળ્યા વિના ધમકી આપીને ચાલ્યા ગયા.

- હવે એ વિશે એક પણ શબ્દ સાંભળવા મળશે તો અહીં તો શું રાજકોટ પણ નહીં ભાળે ??"

મામાની ધમકીનો અર્થ ન સમજુ એવી નાની ન હતી. મારા જેવી સ્વમાની છોકરી માટે આ શબ્દો પડકારરૂપ લાગ્યા. પૈસાવાળની પુત્રી પ્યાર પણ ન કરી શકે!!? એનો પ્રેમ પણ તે કહે ત્યાં જ વેચવો? મારું મન બળવો પોકારી ઉઠ્યું.

ત્યારે માવજી ગરીબ છે કે નહીં તે પ્રશ્ન બાજુ પર રહ્યો. પણ મારૂ સ્વમાન જાગી ઉઠ્યું. પિતાજીને ખબર પડશે તો તેનું પરિણામ હું જાણતી હતી. પિતાજી મામા કરતા એ વધારે રૂઢિચતા હતા. એ મને ખબર હતી. તેથી તેને સમજાવી શકાય તેમ ન હતું. આથી મેં મારી જાતે જ લડવાનો વિચાર કર્યો.

જિંદગીમાં પહેલી આફત આવી છે. અને એ પણ સ્વાતંત્રયની. તેનો સામનો કરવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો.

માવજી મારો છે. મેં તેને દિલ આપ્યું છે. પછી મારે જોઈએ પણ શું ?પૈસાની મને પરવાના હતી. હું માવજી માટે તમામ વૈભવ છોડવા તૈયાર હતી.

માવજીને મળીને મેં મારો નિર્ણય જાહેર કર્યો. માવજી થોડો ખમચાયો. પણ તેનું વર્તન એવું હોવું મને સ્વાભાવિક લાગ્યું. મેં માવજીને હિંમત આપી. -માવજી તું મારી સાથે રહે તો હું આખા સમાજને પહોંચી વળીશ.

માવજી સમજી થયો. એક દિવસ અમે નક્કી કરીને ભાગી ગયા. કોર્ટમાં સિવિલ મેરેજ કર્યા. મામાને ખબર પડી. તેણે પિતાજીને તેડાવ્યા.

અમને બંનેને મામાએ પકડી પાડ્યા. મને અને માવજીને અલગ રૂમમાં રાખ્યા. મને પહેલા સમજાવટથી પછી ધાગધમકીથી મનાવવાની કોશિશ કરી. પણ હું અફર રહી.

મને પછી ખબર પડી કે માવજીને મારી મારીને અધમૂવો કરી નાખ્યો છે.પોલીસને હવાલે કર્યો છે. હું દોડીને પોલીસ સ્ટેશનને પહોંચી. માવજીને છોડાવ્યો.

અને અમે બંને દૂરના પરામાં નાનકડી રૂમ રાખીને રહેવા લાગ્યા. ત્યારથી મારા કુટુંબીઓએ મારા નામનું નાહી નાખ્યું છે" માધવી હાંફી રહી હતી. તે શ્વાસ ખાવા રોકાઈ. તેના મોં પર પ્રસ્વેદના ટીપા બાજી ગયા.

ક્યારના આંખ બીડીને સાંભળી રહેલા મહેતા સાહેબના હોઠ ખુલ્લા," તો માવજી ક્યાં?"

ત્યારે માધવીનો ચહેરો તણાયો. એ ઊભી થઈ. અને પાણીનું ગ્લાસ ભરીને ઘટઘટાવી ગઈ.

"કહું છું સર.. કહું છું ..,!આજ મારા હૈયામાં ધરબી રાખેલી વરાળને કાઢીને હળવી હળવી ફૂલ થવા માંગુ છું સર..!"

મહેતા સાહેબ આગળ માધવી ફરી હૈયુ નીચોવવા લાગી.

" મારી પાસેની અંગત બેંક બેલેન્સ હતી તે મેં માવજીને આપી," લે માવજી, તું કંઈક બિઝનેસ કર. થોડા વખતમાં કમાઈને સારું મકાન લઈશું "

માવજીએ ટેક્સી લીધી. પૈસા આવતા ગયા. અમારા દિવસો ખુશીમાં વિતવા લાગ્યા. એ ખુશીમાં વધુ એક ખુશી ઉમેરાય. મે એક બાળકને જન્મ આપ્યો.

માવજી પણ આનંદમાં રહેતો. ત્રીજે વર્ષે જ્યારે મેં બીજા બાળકનો જન્મ આપ્યો, ત્યારે અમને સધ્ધર થઈ ગયા હતા.

માવજી પાંચેક ટેક્સી ભાડે આપીને ફેરવતો હતો. જેમ જેમ સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેમ માવજીના વર્તમાનમાં ફેરફાર થવા લાગ્યો. માવજી રાત્રે ઘેરે અનિયમિત આવવા લાગ્યો.

એક વખત મેં માવજીને ફરિયાદ કરીને પૂછ્યું," માવજી હવે ધંધાની ઉપાધિ નથી. છતાં કેમ મોડો આવે છે?"

માવજીએ મારી વાત કાપી નાખી. પણ ત્યાર પછી તેનું અનિયમિત આવવું નિયમિત બનવા લાગ્યું. ને નાની નાની વાતમાં ચિડાવા લાગ્યો.

એક દિવસ માવજીએ મને આઘાત પહોંચાડયો. તે ચિત્કાર પીને આવ્યો હતો. ગમે તેમ બકવાસ કરવા લાગ્યો. મને વીજળી જેવો આંચકો લાગ્યો. હું મારા નસીબને કોસતી રહી. ભાનમાં આવ્યો ત્યારે મેં તેને ખૂબ સમજાવ્યું. પણ ત્યાર પછી તે બેફામ બની ગયો.

માવજીને મેં મોટી ક્લબમાં જુગાર રમતા પકડી પાડ્યો.મેં તેનો હાથ ઝાલીને ખેંચવાની કોશિશ કરી. પરંતુ મને ધક્કો મારીને,મારું બધા જુગારીઓ વચ્ચે અપમાન કરું.મને ત્યાંથી કાઢી મૂકી. કદી ન સાંભળવા મળેલા અપશબ્દો મેં તે દિવસે માવજીના મોઢેથી સાંભળ્યા.

ઘેર આવીને હું ચાધાર આંસુ રડી.

બીજે દિવસે તે ઘેર આવ્યો. મેં તેને બોલાવ્યો. માવજી મને માવજી ન લાગ્યો. છતાં મેં સમજાવ્યો.ને વાત કરી," માવજી.! મેં તારા માટે કેટલું બધું સહન કર્યું.તારા ખાતર મેં શું શું ન કર્યું ?"

પણ તેણે મને સંભળાવ્યું," મને ખબર ન હતી કે તું મિલકતમાંથી તારો હક જતો કરી દઈશ. ભિખારણની જેમ મારી સાથે આવીશ."

માવજીના શબ્દોથી મને તંમર ચડી ગઈ. આખી સૃષ્ટિ ગોળ ગોળ ફરતી હોય એવું લાગ્યું.- શું માવજીની નજર મારા પિતાજીની મિલકત પર હતી!! તે જ ઘડીથી માવજીને તિલાંજલિ આપી. મારા બાળકો સાથે ત્યાંથી નીકળી ગઈ.," માધવી ચુપ થઈ ગઈ. મહેતા સાહેબને પણ માધવી પ્રત્યે અત્યંત સહાનુભૂતિ થઈ.

" સર, આ તમે બેઠા છો તે મકાનને એક વર્ષથી બનાવ્યું છે જાતે જ ફરસાણ બનાવું છું. આ બંનેને જિંદગી ખાતર જીવી જવું છે." માધવીની આંખોના બંધ તૂટી ગયા. તે ચોધાર આંસુએ રડવા લાગી.

મહેતા સાહેબની આંખો ભીની બની ગઈ. તે ઉભા થઈને માધવી પાસે આવ્યા. તેને પીઠ પર વાત્સલ્યથી હાથ ફેરવ્યો.," બેટા ,તારી સાથે થયેલા કપટથી હું દ્રવ્ય ઉઠ્યો છું."

" સર મને ગરીબાઈનું દુઃખ નથી. પણ જે ગરીબાઈથી જ આકર્ષાઈને જેની સાથે સંબંધ બાંધ્યો. જેની મને ગરીમા હતી તે તો મારા પૈસાને જ પ્યાર કરતો હતો."

" માધવી, એક વાત પૂછું?"

" પૂછો સર..!"

" એ અત્યારે ક્યાં છે?"

" એ ફના થઈ ગયો છે. જુગાર, દારૂ અને અંતે સુંદરીઓની લતે એ ભિખારી બની ગયો છે. અત્યારે ક્યાંક ભટકતો હશે."

મહેતા સાહેબ થોડી ક્ષણો માધવીને તાકી રહ્યા.માધવીને કંઈ રીતે આશ્વાસન આપવું એ સૂઝ્યું નહિ.છતાં કહ્યું," બેટા તારી નિર્ભયતા અને ખુમારી જોઈને તારા પ્રત્યે મને પહેલા કરતાં પણ વધારે માન છે. બેટા, તને કંઈ મદદ કરી શકું ?તારે કંઈ જરૂર હોય તો કહે.!"

માધવીએ ઝાટકા સાથે મહેતા સાહેબ સામે જોયું," મારી મક્કમતા તમારે ઢીલી પાડવી છે સર!?"

" ના, ના,તું દુઃખ ન લગાડીશ. પણ જ્યારે સંકટમાં હોય ત્યારે કહેવડાવજે. નિવૃત્તિની પછી એક દીકરીને મદદ કર્યાનું ભાથું હું પણ બાંધતો જાવ."કહીને મહેતા સાહેબે પોતાનું સરનામું આપ્યું. અને ઊભા થયા.

માધવી એ આંખોથી સંમતિ આપી. મહેતા સાહેબ આંખો લૂંછી.પીઠ ફેરવીને ચાલતા થયા. માધવી એક વાત્સલ્ય સફર વ્યક્તિની પીઠને તાકી રહી. અને અનાયાસે જ માધવીના મોંમાંથી પેલી પંક્તિ સરી પડી- શૂલી ઉપર સેજ હમારી.....!

એકાએક મહેતા સાહેબ અટકી ગ્યા. પીઠ ફેરવીને જોયું. તો માધવીની આંખો ભીની બની ગઈ હતી.

એ દ્રશ્યને જીરવી ન શકાતું હોય મહેતા સાહેબ ઝડપથી રોડને ક્રોસ કરીને દૂર નીકળી ગયા..@

--------------------------------- વાસુદેવ સોઢા
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post