"અણધારી આપદા"
---------------------------------- હરેકૃષ્ણ"
આકાશ ફાટ્યું હોય એમ વરસેલા પાણીએ મોહનભાઈના ખેતરમાં પાણીના ખાબોચિયાં ભરી દીધાં હતાં. મોહનભાઈ કાદવમાં ઊભા રહીને ઢળી પડેલા કપાસ અને માંડવી ના પાથરાઓ જોઈ રહ્યા હતા.
અણધારી આપદા
કને ઉભેલ ધનજી એ નિસાસો નાખ્યો, "બાપુ, આ માવઠાના વરસાદથી માત્ર પાક જ નથી ધોવાયો, પણ બહેનના લગન માટે ભેગી કરેલી મૂડી પણ ધોવાઈ ગઈ! મહેનતથી મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો." આટલું બોલતા તો ધનજી ની આંખોમાં ઝળઝળિયા આવી ગયા!
મોહનભાઈની આંખોમાં પણ પાણી હતાં. "બેટા, આ અતિવૃષ્ટિએ તો આખા વર્ષનો ખર્ચો માથે મૂકી દીધો. મજૂરીના પૈસા, ખાતર-બિયારણના પૈસા, એગ્રોવાળાનું બિલ... હવે શું કરશું?"
ત્યાં જ પાડોશી કાનજીભાઈ હાથમાં છત્રી લઈને આવ્યા. તેમણે મોહનભાઈની ખભા પર હાથ મૂક્યો. "મોહનભાઈ, કુદરત સામે આપણું શું ચાલે? પણ એક ખેડૂતપુત્ર તરીકે મને એક સવાલ થાય છે કે– કુદરતી આફતો સામે આપણી તૈયારી કેમ નથી?"
ધનજી એ ચહેરો ફેરવી લીધો. "કાનજીકાકા, આપણૅ વળી શું તૈયારી કરીએ?
કાનજીભાઈએ ગંભીરતાથી કહ્યું, "બેટા ધનજી, આપણી મહેનતનું રક્ષણ કરવું એ આપણી વ્યક્તિગત જવાબદારી છે. આજે જ્યારે આપણે મોટરસાયકલ કે મોબાઈલ લઈએ, ત્યારે વીમો લઈએ છીએ, તો પછી આ જિંદગીની મોસમ માટે વીમો કેમ નહિ?"
મોહનભાઈ વિચારમાં પડ્યા. કાનજીભાઈએ આગળ સમજાવ્યું, "આપણે ખેડૂતોએ સૌ પ્રથમ જાગૃત થવું પડશે. સરકાર દ્વારા રાહત દરે જે પાક વીમાની યોજનાઓ ઉપલબ્ધ છે, જેમ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY), તેનો લાભ લેવામાં આપણે બેદરકારી ન રાખવી જોઈએ. આ યોજનાઓ આર્થિક સુરક્ષાની ખાતરી આપે છે."
"પણ કાકા, અમે તો લોન પણ નથી લીધી," ધનજી એ કહ્યું.
કાનજીભાઈ હસી પડ્યા. "લોન ન લીધી હોય તો પણ વીમો લઈ શકાય છે! જો તમે ધિરાણ નથી લેતા, તો નજીકની બેંક શાખા અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે અરજી કરો. આ પ્રક્રિયા સરળ છે. ૭/૧૨, ૮-અ જમીનના દસ્તાવેજો અને આધાર કાર્ડ જોઈએ."
"યાદ રાખજો, નિયત પ્રીમિયમ ભરીને પોલિસીની રસીદ લેવી ફરજિયાત છે. આ રસીદ જ વીમાનો સૌથી મોટો આધાર છે." કાનજીભાઈએ સમજણના સૂરે વાત પૂરી કરી, "આપણે બધાએ ભેગા મળીને આ વીમાનું મહત્ત્વ દરેક ખેડૂતને સમજાવવું જોઈએ. પાક વીમો એ માત્ર સરકારી યોજના નથી, પણ આપણા પરિવારના ભવિષ્યને સુરક્ષા આપતું બુદ્ધિશાળી રોકાણ છે."
મોહનભાઈએ માથું હલાવ્યું. "વાત તો સાચી છે કાનજીભાઈ. આપણે જ બેદરકારી રાખી. હવે ભલે પાક ધોવાયો, પણ હવે પછીના પાકને વીમાનું કવચ જરૂર આપશું."
ધનજી પણ હવે શાંત થઈ ગયો હતો. તેને સમજાયું કે સત્તા કે સરકારી નીતિઓ પર આધાર રાખવા કરતાં, પોતાની મહેનતનું રક્ષણ કરવું એ જ પ્રથમ જવાબદારી છે.
કાનજીભાઈએ અંતે કહ્યું, "અને હા, જો વીમો લીધો હોય તો નુકસાન થાય તો ૭૨ કલાકની અંદર વીમા કંપની કે કૃષિ વિભાગને જાણ કરવાનું ભૂલશો નહીં. આ સમય મર્યાદા જ સૌથી મહત્ત્વનું પગલું છે."
મોહનભાઈ અને ધનજી એ એક સાથે સંકલ્પ લીધો: "આપણે સૌ જાગૃત બનીશું અને આવી આભમાંથી વરસેલી 'અણધારી આપદા' સામે લડી શકશું!"
©હરેકૃષ્ણ"\_રમેશભાઈ જાની
કુદરતી અણધારી આફતથી થતા આર્થિક નુકસાનની વેદના રજૂ કરતી આ ટુંકી વારતા નો મૂળ ઉદ્દેશ્ય દરેક ખેડૂતે રાહત દરે મળતા પાક વીમાનું મહત્ત્વ સમજીને, સક્રિય રીતે તેનો સ્વીકાર કરવો તે અંગે જાગૃતિ લાવવાનો છે..""
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
