પમરાટ
**************
સોહિણી એટલે માયાબેન અને મયુરભાઈ નું ત્રીજું સંતાન. માયાબેનને શિરે જેઠના દીકરાની જવાબદારી હતી. તેથી એમની ઈચ્છા ત્રીજા સંતાન ના જન્મને રોકવાની હતી. એ માટે એમણે ઘણા ઉપાયો કર્યા પણ કુદરતને કંઈ જુદું જ મંજૂર હતું. નવ મહિને માયાબેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો.
પમરાટ
જ્યારે નર્સે માયાબેન ના હાથમાં નવજાત બાળકી આપી ત્યારે એનું નિર્દોષ મોં જોતાં જ માયાબેનની આંખમાં ઝળઝળીયા આવી ગયા. એ ગણગણી રહ્યાં, "ચંદા હે તું મેરા સુરજ હે તું ,આ મેરી આંખો કા તારા હે તું". આ નિર્દોષ મજાની દીકરીને જોઈને મયુરભાઈના મનમાં પણ ખુશી છવાઈ ગઈ.
જ્યારે મયુરભાઈ ના બેન પ્રીતિબેન આવ્યા ત્યારે આ નાની પરી ને જોઈને એમના મોં માંથી તો તરત શબ્દો સરી પડ્યા, અરે વાહ કેટલી સોહામણી છે! હું તો એનું નામ સોહિણી જ રાખીશ.. નામ પાડવાનો દિવસ આવી ગયો.
ઝોળી પોળી પીપળ પાન કરી, ફોઈ એ સોહિણી નામ પડી દીધું. એનું હસતું મોં જોઈ મયુરભાઈ તો વારંવાર કહેતા, મિલિયન ડોલર સ્માઈલ છે મારી દીકરીનું.
આ નાનકડી સોહિણી સાચે જ સોહામણી હતી. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ બધાને બહુ જ વ્હાલી લાગતી. ક્યારેક મયુરભાઈ ના ગળા માં બે હાથ નાખી ટીંગાઈ પડતી તો ક્યારેક માયાબેનનો પાલવ લઈ ખોળામાં બેસી જતી તો ક્યારેક બંને મોટા ભાઈ અને બેન ને પપ્પીઓથી નવડાવી દેતી.
પ્લે ગ્રુપ અને પછી સ્કૂલમાં જવા માંડી. જેમ જેમ મોટી થતી ગઈ તે સ્કૂલમાં દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ આગળ પડતો ભાગ લેતી અને સાથે સાથે ભણવામાં પણ અવ્વલ રહેતી. આ હોશિયાર અને વિવેકી સોહિણી સ્કૂલમાં સૌ શિક્ષકોની પણ માનીતી બની ગઈ હતી.
સમયને જતા ક્યાં વાર લાગે છે? જોત જોતામાં તે યુવાનીના ઉંબરે પહોંચી ગઈ. રૂપ તો ભગવાને આપ્યું જ હતું, સાથે સોહીણી ની dressing sense પણ બહુ જ સરસ હતી. કોલેજમાં entry લેતી અને સૌ કોઈ એને જોતા જ રહેતા.
કોલેજમાં પણ સિંગિંગ, ડાન્સિંગ, ડ્રામા, ઈલોકયુશન જેવી દરેક સ્પર્ધામાં ભાગ લેતી અને ઇનામો પણ જીતતી. સાથે સાથે પીકલ બોલ અને ટેનિસ જેવી રમતો પણ રમતી. ભણવામાં હોશિયાર, દરેક પ્રવૃત્તિમાં મોખરે રહેનાર, વિવેકી સોહીણી સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. પ્રોફેસરોના હૃદયમાં પણ એનું એક આગવું સ્થાન હતું.
ઇન્ટર કોલેજ ઈલોક્યુશન કોમ્પિટિશનમાં એ ફર્સ્ટ પ્રાઇઝ જીતી હતી. પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન વખતે સ્પોર્ટ્સ ના સ્ટુડન્ટ્સ પણ હતા. એમાં સુયોગ પણ હતો જે ક્રિકેટ અને ફૂટબોલ રમતો. પોતાની ટીમ જીતી હોવાથી સુયોગ પણ પોતાની ટીમ લીડર તરીકે પ્રાઈઝ લેવા આવ્યો હતો.
સોહીણી જ્યારે સ્ટેજ પર પ્રાઇઝ લેવા ગઈ ત્યારે સુયોગ જોતો જ રહી ગયો. પહેલી જ નજરે સોહીણી એના મનમાં વસી ગઈ. પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન નું ફંક્શન પત્યા પછી તરત જ સોહીણી ને કોન્ગ્રેચ્યુલેશનસ કહેવા સુયોગ રીતસર દોડી જ ગયો.
પછી તો સુયોગ હંમેશા સોહીણી ના ટાઈમિંગ ની બરાબર ખબર રાખતો. કયા સમયે ક્યાં જશે એ ધ્યાન રાખતો. અને સોહિણી જ્યાંથી પસાર થવાની હોય એ જગ્યાએ એની આવવાની રાહ જોતો બેસી રહેતો.
સોહીણીને જોતા જ એ તરત જ હાઈ બ્યુટીફૂલ, હેલો પ્રીટી ગર્લ વગેરે કહી દેતો. એ સોહિણી સાથે વાત કરવાની કે એને ઇમ્પ્રેસ કરવાની એક પણ તક જતી ન કરતો.
હવે તો સોહીણી પણ સુયોગ ની એક ઝલક જોવા તરસી જતી. ઉંમરનો તકાજો હતો. બધા ગ્રુપમાં હોય ત્યારે સોહીણી અને સુયોગ એકબીજાને ત્રાંસી આંખે જોઈ લેતા. પણ ધીમે ધીમે બંને એકાંતમાં મળવા લાગ્યા. ક્યારેક કેન્ટીનમાં, તો ક્યારેક કેમ્પસની લોન પર, તો ક્યારેક રિવરફ્રન્ટ પાસે બંને દેખાવા માંડ્યા.
સોહિણી ને તો લાગતું કે જાણે એ કોઈ નવી જ દુનિયામાં આવી ગઈ છે. સુયોગ દેખાવડો તો હતો જ અને સાથે મીઠા બોલો પણ હતો. સોહિણી હંમેશા સુયોગને શું ગમશે એ વિચારીને જ બધું કરતી. કપડાં પણ સુયોગ ને ગમે એવા જ પહેરતી. સુયોગનો સંગાથ એને ગમતો હતો. આમને આમ દિવસો હસી ખુશી માં પસાર થતા હતા. સોહીણી અને સુયોગ જાણે એકબીજા માં ઓતપ્રોત થઈ ગયા હતા.
પણ વાસ્તવિકતા એ હતી કે સુયોગ પ્રેમ ના નામે બધું એની મરજી મુજબ જ કરાવતો. ક્યારેક સોહીણી એની ઇચ્છાથી કંઈક અલગ કરતી તો એ નારાજ થઈ જતો અને ક્યારેક ગુસ્સે પણ થતો.
સોહિણીને છેલ્લાં થોડાં વખતથી એવું લાગી રહ્યું હતું કે સુયોગ પ્રેમના નામે પોતાના પર એનો હક જમાવે છે અને indirectly દાદાગીરી જ કરે છે. સોહિણીને લાગવા માંડ્યું કે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે અને એની સેલ્ફ આઇડેન્ટિટી જ નથી રહી.
એવામાં જ કોલેજમાં મ્યુઝીકલ ઈવનિંગનુ આયોજન થયું. મ્યુઝિકલ ઇવનિંગ ના પ્રોગ્રામની પ્રેક્ટિસ દરમિયાન સોહિણી એનાથી એક વર્ષ આગળ ભણતા શાલિન ના સંપર્ક માં આવી. નામ પ્રમાણે જ શાલિન નું વ્યક્તિત્વ હતું. શાંત અને સોબર. સાથે હોશિયાર પણ ખરો. શાલિન સોહિણીને મનોમન ગમવા માંડ્યો. મનોમન સોહિણી સુયોગ અને શાલિન ની સરખામણી કરતી થઈ ગઈ.
મ્યુઝિકલ ઇવનિંગ માં છોકરીઓમાં સોહીણી અને છોકરાઓમાં શાલિનનું પરફોર્મન્સ બેસ્ટ રહ્યું. આ વાત સુયોગને ખટકી તો ખરી જ. સોહિણીને ક્યારેક એવું બોલી પણ જતો કે આજકાલ અમારા તો ભાવ જ ઘટી ગયા છે. સોહિણી નિરુત્તર રહેતી.
સોહિણી તેમજ શાલિન ક્યારેક કેન્ટિન માં તો ક્યારેક લાયબ્રેરી માં તો ક્યારેક બાઈક પર સાથે જતા દેખાતા. સોહિણી ને લાગવા માંડ્યું કે એને સુયોગ કરતા શાલિન ની સાથે બહુ હળવાશ લાગે છે, અને એ મુક્ત મને જેમ કેહવુ હોય તે વિના સંકોચે કહી શકે છે.
પોતાને પસંદ એવા કપડાં પણ પેહરી શકે છે અને પોતાની રીતે રહી શકે છે. શાલિન સાથે એ બહુ જ ખુશ માં રહેતી. એને સુયોગ માં આ બધાનો અભાવ લાગવા માંડ્યો. પણ સુયોગ ક્યારે પણ એની સાથે શારીરિક અડપલા ન કરતો કે શારીરિક છૂટછાટ લેતો. આ વાત જ સોહિણીને સુયોગ સાથે જોડી રાખતી હતી.
આ જ અરસા માં કૉલેજમાં ઇલેક્શન આવ્યું. છોકરીઓમાં સોહીણી અને છોકરાઓમાં શાલિન ઇલેક્શનમાં ઉભો રહે એવી મહદ અંશે બધાની ઇચ્છા હતી અને શાલિન ની તો ખાસ જ. પછી તો પૂછવું જ શું? સોહિણી તૈયાર થઈ ગઈ અને ઇલેક્શનનું ફોર્મ ભરી પણ દીધું. સુયોગ આ વાત થી તદ્દન અજાણ હતો.
સુયોગ ને ઉશ્કેરવાના આશય થી કેટલાક મસ્તીખોર વિધાર્થીઓ એ સુયોગ ને advance માં જ congrates કહી દીધું. સુયોગ ને નવાઈ લાગી. એણે કારણ પૂછ્યું, તો બધાએ એકી અવાજે કહ્યું, તારી pretty girl ઇલેક્શનમાં ઉભી છે, એ તો નક્કી જીતશે જ ને?.
આ સાંભળી ને સુયોગ નો પારો સાતમા આસમાને પહોંચી ગયો. એ તો તરત જ ધુંવાફૂંવા થતો સોહીણી અને શાલિન જ્યાં ગ્રુપ માં બેઠાં હતા ત્યાં પહોંચી ગયો અને જોરથી બરાડી ઉઠ્યો, "સોહિણી તેં કોને પૂછીને ઇલેક્શન નું ફોર્મ ભર્યું? મને પૂછ્યા વગર તું ઇલેક્શનમાં ઉભા રહેવાનો નિર્ણય કેવી રીતે લઈ શકે?"
સોહીણી અને શાલિન સાથે બેઠેલા બધા જ સુયોગ ને આવી રીતે બોલતા સાંભળી અવાચક જ થઈ ગયા. સોહિણી બે મિનિટ તો એકદમ શાંત રહી એટલે બળતાં માં જાણે ઘી ઉમેરાયું. સુયોગ જોરથી બરાડ્યો, "જવાબ આપ. મોં માં શું મગ ભર્યા છે?"
આ સાંભળતાજ સોહીણી એકદમ ઊભી થઈ અને ખૂબ જ મક્કમતાથી બોલી, "મિસ્ટર સુયોગ, મારા જીવન ના નિર્ણયો લેવાનો હક ફક્ત મને અને મને જ છે. બીજા કોઈ ને જ નહીં અને તને તો જરા પણ નહીં, સમજ્યો"?
"મને તારા શરતીપ્રેમ માં જરાયે રસ નથી. આજથી આજ મિનિટ થી આપણા સંબંધ નો the end સમજી લેજે."
આ સાંભળી સુયોગ વધુ ધૂંધવાયો અને સોહિણીને અપશબ્દો કહેવા માંડ્યો. આ બધું હવે શાલિન માટે અસહ્ય બની રહ્યું. પોતાની સોહીણી ને કોઈ આટલી હદે અપમાનિત કરી શકે? અને તે પણ પોતાની હાજરીમાં?
એકદમ ઝડપથી એ ઊભો થયો અને સોહીણી પાસે જઈ હાથ આપી બોલ્યો, "I am always with u my friend, that too unconditionally."
આ સાંભળી ને સોહીણી ના અંગે અંગ માં ખુશી ની લહેરકી ફરી વળી. એ તો સીધી શાલિન ને વળગી જ પડી. શાલિન કેટલી મિનિટ સુધી એને પસવારતો રહ્યો. સોહિણી શાલિનના પ્રેમનો મીઠો સ્પર્શ માણી રહી. એ શાલિન ના પ્રેમ નો પમરાટ પામી ચૂકી હતી.
સોહીણી ટટ્ટાર થઈ મક્કમ પગલે, ગૌરવભેર, સુયોગની સામે જ શાલિન ના હાથ માં હાથ લઈ ચાલી નીકળી.
---- દીપ્તિ દોશી, મુંબઈ
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
