અબોલ ઋણાનુબંધ"
^^^^^^^^^^^^^^^^^^^^------ "હરેકૃષ્ણ"
આ એક એવી વાત છે, જે કદાચ આજના ઝડપી અને આધુનિક યુગમાં તમે તરત સ્વીકારી નહી શકો, પણ જેમણે પ્રકૃતિને હૃદયથી ઓળખી છે, તેમના માટે આ વાત જીવનનું અનમોલ ઘરેણું છે.
અબોલ ઋણાનુબંધ
મેં આ ઘટના મારાં દાદી, મણી મા, પાસેથી સાંભળી હતી—એક સંબંધની કથા, જે માનવ અને પંખી વચ્ચે બંધાયો હતો. —જે પ્રેમ અને કર્તવ્યની પરાકાષ્ઠા હતી.
"તારા દાદા, એ તો ધર્મના માણસ, પવિત્ર જીવન જીવતા," દાદીએ વાત શરૂ કરી હતી. "એ વહેલા ઊઠીને સંધ્યા વંદન કરે, દેવની પૂજા કરે, અને બાર વાગે બરાબર સૂર્યને અર્ઘ્ય આપે."
એ જમાનામાં ઘર દેશી નળિયાના હતાં, પણ ઘરની સામે લોખંડના પતરાનો એક મોટો શેડ બનાવેલો, જેને ગામડામાં સૌ 'ઢાળિયું' કહે. દાદાની પૂજા મધ્યાહન સુધી ચાલતી, અને બરાબર સૂર્યને અર્ઘ્ય આપવાનો સમય થાય, એટલે એક ઘટના નિયમિત બનતી.
એ જ ક્ષણે, એક કબૂતર... એક પારેવું... ફીટ મધ્યાહને તે ઢાળિયા પર આવીને બેસતું અને 'ઘુઘુઘુ' કરતું ઘર ગજવી મૂકતું. દાદા પૂજા પૂરી કરે એટલે 'ભૂતયજ્ઞ' કરે – પારેવાને એક મુઠ્ઠી જુવાર નાખે.
આ રોજનો ક્રમ બની ગયો. દાદા ધાર્મિક કર્મકાંડોમાં વધારે સમય વીતાવતા, એટલે સ્વાભાવિક ગરીબી તો હતી જ. યજમાનની દક્ષિણા પર ઘર ચાલતું, પણ આ ક્રમ ક્યારેય તૂટતો નહીં. અને પારેવાનો ક્રમ પણ એવો જ અટલ હતો.
જે દિવસે દાદા કોઈ કામ અર્થે બહારગામ જાય, તે દિવસે પારેવું આવે ખરું, પણ એક પણ અનાજનો દાણો મોઢામાં ન નાખે. તે માત્ર ઘુઘુઘુ કરતું આસપાસ ફરે અને પછી ઊડી જાય.
દાદા ઘેર આવે એટલે દાદી પાણી આપે. દાદાનો પહેલો સવાલ હોય, "પારેવાને ચણ નાખ્યું હતું?" દાદી કહે, "હા નાખ્યું હતું, પણ એ ક્યાં તમારા સિવાય કશું ખાય છે! બસ ઘુઘુઘુ કરીને થોડીવાર પછી ઊડી જાય છે."
બીજા દિવસે દાદા જાણે તર્પણ કરતા હોય એમ, હાથમાં દાણા રાખી એ પારેવાને ખવડાવે. એ પારેવું પણ ઘુઘુઘુઘુ કરતું થોડું ખાય, પાછું ફુદડી ફરે અને વળી દાદાના હાથમાંથી દાણા ખાતું રહે. એ બંનેનો એવો નિષ્પાપ પ્રેમ જોઈને દાદીનું હૈયું પણ હરખાઈ જતું.
સમય વીતતાં ક્યાં વાર લાગે છે! એક દિવસ તારા દાદા બીમાર પડ્યા. એ જમાનામાં આજની જેવી સગવડ નહોતી. વૈદ્ય આવતા, સારવાર કરતા. પણ દાદા બીમાર હોવા છતાં, પારેવાને ચણ નાખવાનું ક્યારેય ન ભૂલે.
હવે બીમારી વધતી ગઈ. દાદા ઊભા પણ ન થઈ શકે. પણ મધ્યાહન આવે એટલે પારેવું ઢાળિયા પર આવી જાય. જ્યાં સુધી દાદાને ના જુએ ત્યાં સુધી 'ઘુઘુઘુઘુ' કરીને આખું ઘર ગજવી મૂકે. જાણે તે દાદાને બહાર આવવા માટે વિનંતી કરતું હોય.
શરીર તો નાશવંત છે. એક દિવસ દાદાએ દેહ છોડી દીધો. ઘરમાં શોકનો માહોલ હતો. તેમની અંત્યેષ્ટિ વિધિની તૈયારીઓ ચાલુ થઈ.
ઓસરીમાં દાદી હૈયાફાટ રુદન કરવા લાગ્યા: "હે પારેવા! તને દાણા દેનાર હાલી નીકળ્યો, હવે તને કોણ ખવડાવશે!"
અને સાચે જ, એ પારેવું પતરાના શેડ પર બેઠું હતું, ચૂપચાપ આ બધું જોતું હતું. દાદી માડ શાંત થયાં.
પછી દાદાને ખભા પર ઉપાડ્યા. સ્મશાન યાત્રા નીકળી. બધાની આંખોમાં આંસુ હતાં, ત્યારે સૌએ એક અદ્ભૂત દૃશ્ય જોયું: *પેલું પારેવું ઉડીને નનામી ઉપર દાદાના પગ પાસે બેસી ગયું!*
શમશાન સુધી, એ પારેવું નનામી પર જ બેસીને ગયું. જ્યાં સુધી દાદાની ચિતા સળગતી રહી, ત્યાં સુધી તે નજીકના એક ઝાડ પર બેઠું રહ્યું. પછી તો એ ક્યારેય જોવા માં નથી આવ્યું. જાણે કોઈ ઋણાનુબંધ પૂર્ણ કરીને એ પંખી મુક્ત થઈ ગયું.
દાદીને તો હવે પરિવારના પાલન પોષણની ચિંતા હતી. બરાબર તેરમાના દિવસે, જાણે ઈશ્વરીય સંકેત હોય તેમ, તાલુકામાંથી એક સાહેબ આવ્યા અને તારા બાપાના હાથમાં માસ્તરનો હુકમ (નોકરીનો ઓર્ડર) આપ્યો.
સંયુક્ત કુટુંબમાં રહેતા હતા એટલે દાદી પાસે આવા સંસ્કાર અને વારસાની અવનવી વાતો જાણવા મળતી. ખેર, દુનિયા ઘણી ફાસ્ટ બની ગઈ છે. સિનિયર સિટીઝન એકલા પડતા જાય છે. એ શ્વાસ લેતા રહે છે, પણ દિવસો ગણતા રહે છે.
#આ લઘુકથા, પૂ. મણીબા ને અર્પણ. (18 ડિસેમ્બર 2024)
(કથાબીજ: અનિલભાઈ પંડ્યા પાટણ, ©લેખન: રમેશભાઈ જાની. – "હરેકૃષ્ણ" (આવકાર Group")
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
