વારસદાર (Varasdar 19)

Related

વારસદાર પ્રકરણ 19

મંથનની વાત સાંભળીને શિલ્પાએ પોતાનો મોબાઈલ નંબર મંથનને આપ્યો.

" એક બીજી વાત પણ તમને હું કહી દઉં શિલ્પા કે જે પાત્રની હું વાત કરું છું એ પાત્ર તમારા માટે એકદમ યોગ્ય છે. તમારી સાથે જે બન્યું છે એ જોતાં તમારે થોડુંક સમાધાન તો કરવું જ પડશે. છોકરો તમારાથી ત્રણ વર્ષ મોટો એટલે કે ૨૯ વર્ષનો છે અને વાઈફને કોઈ લફરું હતું એટલે લગ્ન પછીના એક જ વર્ષમાં એના ડિવોર્સ થઈ ચૂક્યા છે. તમે એની સાથે સુખી થશો એની મારી ગેરંટી. " મંથન બોલ્યો.

#આવકાર
વારસદાર

" સારું પાત્ર મળતું હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. ત્રણ વર્ષનો તફાવત કંઈ મોટો ના ગણાય. તમે આટલું બધું કહો છો તો હું તૈયાર છું. " શિલ્પા બોલી.

" હું તમને ફોન કરીને જ્યાં બોલાવું ત્યાં આવી જજો. એકવાર તમે બંને મિટિંગ કરી લો. હમણાં તમે ઘરમાં કોઈને વાત ના કરશો. " મંથન બોલ્યો અને ઉભો થયો.

" આપણે હવે નીચે જઈએ. હું જવાબ આપી દઈશ. તમે ચિંતા ના કરો. " મંથને કહ્યું અને એ નીચે ઉતરી ગયો પાછળ પાછળ શિલ્પા પણ નીચે ઉતરી.

નીચે બેઠેલાં સૌ મંથન અને શિલ્પાની સામે તાકી રહ્યાં હતાં અને બંનેનો શું જવાબ હશે તે વાંચવા પ્રયત્ન કરી રહ્યાં હતાં.

" વાતચીત થઈ ગઈ બરાબર ? બોલ હવે તારું શું કહેવું છે ? શિલ્પા જેવી ડાહી છોકરી તને બીજી કોઈ નહીં મળે." સવિતામાસીએ શરૂઆત કરી.

" અને મંથનભાઈ તમારા મનમાં બીજું કંઈ પણ હોય તો તમે બધાની હાજરીમાં પૂછી શકો છો. આખી જિંદગીનો સવાલ છે એટલે તમારા મનમાં કોઈ શંકા રહેવી જોઈએ નહીં." માણેકલાલ બોલ્યા.

" મારે શિલ્પા સાથે બધી જ ચર્ચા થઈ ગઈ છે. મારા મનમાં કોઈ જ શંકા નથી. મને થોડા દિવસનો સમય આપો. મેં બે દિવસ પહેલાં બીજી પણ એક છોકરી જોઈ છે. મારો એક મિત્ર પણ આ વીકમાં એક છોકરી સાથે મિટિંગ ગોઠવવાનો છે. હમણાં જ અંકલે કહ્યું એમ આખી જિંદગીનો સવાલ છે એટલે આવી બાબતોમાં ઉતાવળે નિર્ણય ના લેવાય." મંથન બોલ્યો.

મંથનનો આ જવાબ સાંભળીને સવિતા માસીનું મોં પડી ગયું. એમને બે લાખની આશા ઉપર પાણી ફરી વળતું દેખાયું. માણેકલાલ પણ થોડા નિરાશ થયા. જો કે મંથનના જવાબથી શિલ્પા ખુશ હતી.

" ચાલો હું જાઉં માસી. આઠ દશ દિવસમાં જ મારો જવાબ તમને આપી દઈશ. " મંથન બોલ્યો.

" અરે એમ થોડું જવાય ? આઈસક્રીમ મંગાવેલો છે. શિલ્પા બેટા જરા ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢીને બાઉલમાં બધાંને આપી દે. " સવિતામાસી બોલ્યાં.

સવિતામાસીને સંતાનમાં એક દીકરો હતો પરંતુ નોકરીના કારણે એ એની વાઈફ સાથે ભુજ રહેતો હતો. એટલે અમદાવાદમાં તો સવિતામાસી એકલાં જ રહેતાં હતાં.

શિલ્પા ઉભી થઇ અને ફ્રીજમાંથી આઈસ્ક્રીમનું મોટું પેકેટ કાઢીને ૭ બાઉલમાં આઇસ્ક્રીમ કાઢ્યો અને મોટી ટ્રે માં ગોઠવી બધાના હાથમાં બાઉલ આપ્યો.

આઇસક્રીમ ખાતી વખતે વાતાવરણ થોડું ભારે હતું એટલે ખાસ કોઈ ચર્ચા ના થઈ.

આઇસક્રીમ ખાઇને મંથન બધાની રજા લઇ સવિતામાસીના ઘરની બહાર નીકળી ગયો. ઘરે આવ્યો ત્યારે સાંજના ૭:૩૦ થયા હતા.

અડધા કલાક પછી એ જયેશની હોટલ ઉપર ગયો તો ત્યાં ગલ્લા ઉપર એના પપ્પા રસિકલાલ બેઠેલા હતા.

" અંકલ જયેશ નથી ? " મંથને પૂછ્યું.

" જયેશ વાઘબકરી ચા ખરીદવા માટે કાલુપુર ગયેલો છે. હવે આવતો જ હશે. તું આવ્યો જ છે તો ચા પીને જ જા " રસિકલાલ બોલ્યા.

" ના અંકલ જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કાલે મળીશ. " કહીને મંથને બાઈકને પાછી વાળી અને રૂપાપરી ની પોળ તરફ લઈ લીધી.

બીજા દિવસે સવારે વહેલા ઊઠી નાહી ધોઈને એણે ગાયત્રીની ૧૧ માળા કરી. હવે એની સ્પીડ પણ વધી હતી અને કંટાળો નહોતો આવતો.

સાત વાગે મંજુમાસીએ આવીને માટલું વીછળી તાજુ પાણી ભરી દીધું અને કચરા પોતું પણ કરી દીધું. મેલાં કપડાં પણ ધોઈ નાખ્યાં.

બધું કામ પતી ગયું પછી આઠ વાગે મંથન જયેશની હોટલે પહોંચી ગયો.

" જયેશ તારા માટે એક ખુશખબર લઈને આવ્યો છું. " મંથન બોલ્યો.

" તું તો રોજ હવે મારા માટે ખુશખબર લઈને જ આવે છે. બે દિવસ પહેલાં રીનોવેશનની વાત કરી. એ પછી અગાશીએ માં જમવા લઈ ગયો. સાચું કહું તો અમદાવાદમાં જ જન્મીને મોટો થયો છું છતાં પહેલીવાર તારી સાથે આ રેસ્ટોરન્ટ જોઈ. " જયેશ બોલ્યો.

" હવે આજના તાજા ખબર એ છે કે મારે તને પરણાવી દેવો છે. તારા માટે એક સરસ કન્યા શોધી કાઢી છે. " મંથન બોલ્યો.

" ભાઈ હું હવે સુખી છું. લગનનો અનુભવ કરી લીધો છે. બીજી વાર મારે એ માયામાં નથી પડવું. " જયેશ બોલ્યો.

" અલ્યા આખી જિંદગી એકલો રહીશ ? મા-બાપ ક્યાં સુધી ? અને હજુ પણ તારી ઉંમર છે એટલે સારી કન્યા મળી જાય. બાકી ઉંમર વધ્યા પછી તારી પરણવાની ઈચ્છા હશે તો પણ સારી કન્યા નહીં મળે. " મંથન બોલ્યો.

" તું તો યાર કોઈ વડીલની જેમ વાત કરે છે !! " જયેશ હસીને બોલ્યો.

" તારો ભાઈબંધ છું. એક સરસ કન્યા જોઈ છે. દેખાવે નોર્મલ છે પણ સ્વભાવે ખૂબ જ સારી છે. બિચારી કોઈના સાચા પ્રેમમાં હતી એટલે પ્રેગ્નન્ટ થઈ ગઈ. છોકરીઓનો આ જ પ્રોબ્લેમ હોય છે. સમર્પણ ભાવ હોય એટલે સમર્પિત થઈ જાય. છોકરાઓ ફસાવી દેતા હોય છે. શિલ્પાના કેસમાં પણ એવું જ થયું છે. જેમ તારો એક ભૂતકાળ છે એમ એનો પણ એક ભૂતકાળ છે. ભૂલી જવાનું. તારું દાંપત્યજીવન ખૂબ જ સુખી હશે એની મારી ગેરંટી. " મંથન બોલ્યો.

ગઈકાલની શિલ્પા સાથે મીટીંગની બધી જ વાત એણે જયેશને વિસ્તારથી કરી.

" પણ તો પછી સવિતાકાકીને વાત કરવી પડશે ને ? એમના સગામાં છે અને એમણે જ આ છોકરી બતાવી છે એટલે પૂછું છું. " જયેશે પૂછ્યું.

" એ બધી ચિંતા તું મારા ઉપર છોડી દે. તું એકવાર શિલ્પા સાથે મિટિંગ કરી લે. તમારા બંનેની મરજી હોય તો બાકીનું બધું હું સંભાળી લઈશ. આપણે બંને નાનપણથી મિત્રો છીએ. મને જ્યારે પણ પૈસાની તકલીફ હોય ત્યારે તેં જ મને દરેક વખતે પાંચ દસ હજારની મદદ કરી છે. તારું ઋણ મારે ચૂકવવાનું છે." મંથન લાગણીવશ થઈ ગયો.

" આવી ગાંડી વાતો ના કર મંથન. દોસ્તીમાં હિસાબ-કિતાબ જોવાના ના હોય. " જયેશ બોલ્યો.

" હવે બોલ ક્યારે મીટીંગ રાખવી છે ? ક્યાં મળવું છે ?" મંથને પૂછ્યું.

" આવતા રવિવારે નહેરુ બ્રિજ પતંગ હોટલ પાસે પેટ્રોલ પંપની બાજુમાં જે સીસીડી છે ત્યાં મળીએ." જયેશ બોલ્યો.

" ઠીક છે. કેટલા વાગે બોલાવું ?" મંથને પૂછ્યું.

" સાંજે પાંચ વાગ્યે ઠંડા પહોરે રાખીએ એ વધારે સારું. " જયેશ બોલ્યો.

" સારુ હું શિલ્પાને કહી દઉં છું. હું નીકળું હવે. " કહીને મંથન ઉભો થયો. ડ્રાઇવિંગ સ્કૂલ હજુ નવ વાગે ખુલતી હતી એટલે ઘરે ગયો.

ઘરે જઈને એણે શિલ્પાનો નંબર ડાયલ કર્યો.

" શિલ્પા મંથન બોલું છું. બે દિવસ પછી રવિવાર આવે છે. રવિવારે સાંજે પાંચ વાગે નેહરુ બ્રિજ પહોંચી જજે. પતંગ હોટલની બાજુમાં પેટ્રોલ પમ્પ છે. એની બાજુમાં જ સીસીડી છે. ત્યાં મીટીંગ રાખેલ છે. હું પણ આવી જઈશ."

" ઓકે. હું પહોંચી જઈશ. થેન્ક્યુ !" શિલ્પાએ જવાબ આપ્યો.

રવિવારે સાંજે પોણા પાંચ વાગે મંથન બાઈક ઉપર જયેશને લઈને નેહરુ બ્રિજ પાસે સીસીડી માં પહોંચી ગયો. એક ખૂણામાં બંને જણા ગોઠવાઈ ગયા. સામેની ખુરશી શિલ્પા માટે ખાલી રાખી.

પાંચ અને પાંચ મિનિટે શિલ્પા સીસીડી માં પ્રવેશી. મંથનને જોઈને એ એમના ટેબલ ઉપર આવી અને સામેની ખુરશી ઉપર બેઠી. ગઇકાલ કરતાં પણ આજે એ વધારે સારી લાગતી હતી.

" અહીં મોટાભાગે કોફી જ મળે છે. ગરમ કોફી ફાવશે કે ઠંડી ? એકવાર ઓર્ડર આપી દઉં પછી આપણે વાતો ચાલુ કરીએ. " મંથન બોલ્યો.

" ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે કોલ્ડ કોફી જ મંગાવીએ. તમને કોલ્ડ કોફી ફાવશે ને ? " જયેશે શિલ્પાની સામે જોઇને પૂછ્યું.

" હા મને ફાવશે. " શિલ્પા બોલી.

" ઓકે. હું ઓર્ડર લખાવીને થોડે દૂર બીજા ટેબલ ઉપર બેસું છું. જતાં પહેલાં તમને લોકોને પરિચય કરાવી દઉં. શિલ્પા આ મારો ખાસ મિત્ર જયેશ રાવલ છે. દરિયાપુરમાં એની પોતાની ચાની હોટલ છે. ઈશ્વર કૃપાથી સારું કમાય છે. ફેમિલીમાં એના મમ્મી પપ્પા છે. મેં તમને કહ્યું હતું એમ એકવાર ખોટું પાત્ર ભટકાઈ ગયું એટલે ડિવોર્સ લેવા પડ્યા." મંથન શિલ્પા સામે જોઇને બોલ્યો.

" અને જયેશ આ શિલ્પા ભટ્ટ છે. મણિનગરમાં રહે છે. ગ્રેજ્યુએટ થયેલી છે. કોઈના પ્રેમમાં પડીને ફસાઈ ગઈ અને પેલાના કહેવાથી એકવાર ગર્ભપાત કરાવવો પડેલો. બાકી મને એનો નેચર ખૂબ જ સારો લાગ્યો છે. તમે લોકો વાતો કરો અને વાતો પતે એટલે મને ઈશારો કરી દેજો. " મંથન હવે જયેશ સામે જોઇને બોલ્યો.

" મંથનભાઈ ને તમારા માટે ખુબ જ લાગણી દેખાય છે. બાકી આ જગતમાં કોઈ કોઈના માટે વિચારતું નથી." મંથનના ગયા પછી શિલ્પા બોલી.

" લાખ રૂપિયાનો માણસ છે. સિવિલ એન્જિનિયર થયેલો છે છતાં હમણાં સુધી નોકરી માટે ખૂબ જ સંઘર્ષ કરતો હતો. અચાનક જ એને બે લાખના પગારની સારી નોકરી મળી ગઈ એટલે પોળમાં એની ઈજ્જત વધી ગઈ બાકી તો કોઈ એને બોલાવતું પણ ન હતું. આજ સુધી એણે લોકોની સેવા જ કરી છે." જયેશ બોલ્યો.

" તમારે મને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. જે સત્ય હકીકત છે એ મેં ગઈકાલે જ એમને કહી દીધી છે. મારી સાથે બહુ જ મોટો વિશ્વાસઘાત થયો છે. " શિલ્પા બોલી.

" મને મંથને બધી વાત કરી છે. અને એ બાબતમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. ભૂતકાળને ભૂલી જવામાં હું માનું છું. મારા માટે તો તમે વર્જિન જ છો. ત્રણ વર્ષ પહેલાં મારાં લગ્ન થઈ ગયેલાં. એ કોઈના પ્રેમમાં હતી છતાં એનાં મા-બાપે અમારાથી બધું છાનું રાખ્યું. લગ્ન પછી પણ છાનામાના કોઈને મેસેજ કર્યા કરતી. મારામાં એને કોઈ જ રસ ન હતો. મેં ડિવોર્સની વાત કરી તો એ તરત તૈયાર થઈ ગઈ. છેવટે ડિવોર્સ લઈ લીધા. બીજી વાર લગ્ન કરવાની ઈચ્છા જ મરી પરવારી હતી પણ મંથને તમારી ખૂબ જ પ્રશંસા કરી એટલે હું આવવા તૈયાર થયો. " જયેશ બોલ્યો.

" મંથનભાઈ ખૂબ જ સજ્જન માણસ છે. બીજાની વેદના એ સમજી શકે છે. હું એમનો હાથ પકડવા ગઈ અને એ મારો હાથ પકડીને અહીં લઈ આવ્યા. તમારા જીવનમાં જે બન્યું એને ભૂલી જાવ. તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો હું નહીં આપું જયેશ. તમને સુખી કરવાની પૂરી કોશિશ કરીશ. તમે મારો ભૂતકાળ ભૂલી જઈને મારા માટે વર્જિન શબ્દ વાપર્યો એ વાત મને સ્પર્શી ગઈ છે. હું જિંદગીથી કંટાળી ગઈ છું. પ્લીઝ મને ના ન પાડતા. મેં તો તમને જોઈને જ પસંદ કરી લીધા છે. " બોલતાં બોલતાં શિલ્પાની આંખો ભીની થઈ ગઈ.

" શિલ્પા મારા તરફથી પણ હા જ છે. મને પણ કોઈ સારા જીવનસાથીની જરૂર છે. તમે તમારા ઘરે વાત કરી શકો છો. મારા મમ્મી પપ્પા તો એકદમ ખુશ થઈ જશે. " કહીને જયેશે શિલ્પાના હાથ ઉપર પ્રેમથી હાથ મૂક્યો.

" મારી આજની લાગણીઓ જાહેરમાં હું તમને બતાવી નથી શકતી જયેશ." શિલ્પા ભાવુક થઈને બોલી.

" એ લાગણીઓ વ્યક્ત કરવા માટે આપણી પાસે હવે ઘણો સમય છે શિલ્પા. હમણાં એને દબાવીને રાખો. આપણે હવે મંથનને બોલાવી લઈએ." જયેશે કહ્યું.

" હા બોલાવી લો એમને અને તમારો મોબાઈલ નંબર પણ મને આપી દો. " શિલ્પા બોલી. બંનેએ એકબીજાનો મોબાઇલ નંબર લઇ લીધો.

જયેશે મંથનને ઈશારો કરી દીધો એટલે મંથન એ લોકો સાથે જોડાઈ ગયો. એ દરમિયાન ત્રણ કોલ્ડ કોફી પણ આવી ગઈ.

" મંથન થેન્ક્સ. અંગત રસ લઈને એક સારા પાત્રનો પરિચય કરાવ્યો. શિલ્પા મને પસંદ છે." જયેશ બોલ્યો.

" કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. મને આનંદ થયો. શિલ્પા તમે ઘરે વાત કરી દેજો. હું એક-બે દિવસમાં મોકો જોઈને સવિતામાસીને પણ વાત કરી દઈશ. તમારા બંનેને હજુ બેસવું છે ? તો હું ક્યાંક બહાર આંટો મારી આવું. " મંથન બોલ્યો.

" તારે ક્યાંય જવાની જરૂર નથી આપણે કોફી પીને નીકળીએ જ છીએ." જયેશ બોલ્યો અને એ પછી ત્રણેય જણાયે કોફી પી લીધી.

જયેશને એના ઘરે ઉતારીને મંથન સીધો સવિતામાસી ના ઘરે ગયો.

" અરે આવ આવ મંથન. " મંથનને જોઈને સવિતામાસી હરખમાં આવી ગયા. બે લાખની આશા પાછી જીવંત બનતી દેખાઈ.

" એક વાત કહેવા આવ્યો છું માસી. " હિંચકા ઉપર બેઠક લેતાં મંથન બોલ્યો.

" શિલ્પા માટે એને લાયક એક સરસ મુરતિયો શોધી કાઢ્યો છે. મુલાકાત પણ મેં કરાવી દીધી છે અને છોકરાએ પણ હા પાડી દીધી છે. " મંથને ધડાકો કર્યો.

" તું શું બોલે છે મંથન ? મીટીંગ તારી સાથે કરાવી હતી અને તું બીજા મુરતિયાની વાત કરે છે ? " સવિતામાસી કંઈ સમજ્યાં નહીં.

" હા માસી. તમે તો જાણતાં જ હતાં કે શિલ્પા કુંવારા પ્રેગ્નન્ટ થઈ હતી. તમે આ વાત મને ના કરી. એણે ગર્ભપાત કરાવ્યો એ બધી જ વાત બિચારીએ મને કહી દીધી એટલે એને લાયક પાત્ર જ શોધવું પડે. અને મારે હવે સમાધાન શા માટે કરવું પડે ? રોજ કોઈને કોઈ માગુ આવે છે. " મંથને એવી વાત કરી કે સવિતામાસીને બોલવા જેવું જ ન રહ્યું.

" માસી તમારે તો બે લાખથી જ મતલબ છે ને ? એ તમારે લઈ લેવાના. લગન તો તમે જ કરાવો છો ને ? મારે યશ જોઈતો જ નથી. તમારે કહી દેવાનું કે મંથને ના પાડી એટલે બીજો મુરતીયો મેં શોધી કાઢ્યો. " મંથન બોલ્યો.

બે લાખની વાત ખુલ્લી પડી ગઈ એટલે સવિતામાસી છોભીલાં પડી ગયાં. એ મંથનને કોઈ જવાબ ના આપી શકયાં. એમને શિલ્પા ઉપર ગુસ્સો પણ આવ્યો.

" ચિંતા કરવાની જરૂર નથી. મુરતિયો તમારો જાણીતો જ છે. શિલ્પાના જીવનમાં જે ઘટના બની છે એ જાણ્યા પછી બીજું કોઈ એની સાથે લગન ના કરે. રસિકલાલનો જયેશ શિલ્પાને પરણવા તૈયાર થઈ ગયો છે. " મંથન બોલ્યો.

" હેં..!! આપણો ચા ની હોટલવાળો જયેશ ?" સવિતામાસીએ આશ્ચર્યથી પૂછ્યું.

" હા એ જ જયેશ. હવે તો ખુશ ને માસી ?"

" તેં ક્યાં હવે બોલવા જેવું રાખ્યું છે ? બંને એકબીજાને પસંદ કરતાં હોય તો મને શું વાંધો હોય ? છોકરી બિચારી ઠેકાણે પડશે. " સવિતામાસી બોલ્યાં.

"હા અને છોકરીવાળા તરફથી તમને બે લાખ પણ મળી જશે." મંથને ફરી ચાબખો માર્યો !!

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:

Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺 

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!