વારસદાર (Varasdar 25)

Related

વારસદાર પ્રકરણ 25

લગ્ન માટે અખાત્રીજનો દિવસ ફાઇનલ થઈ ગયો અને ઝાલા સાહેબે શ્યામકુંજ બેન્કેટ હોલ પણ બુક કરાવી દીધો. લગ્નને માંડ ૧૫ દિવસ બાકી હતા. મંથનને પોતાને તો કોઈ ખાસ તૈયારી કરવાની ન હતી પરંતુ અદિતિ માટે નવા દાગીના બનાવવાના હતા.

#આવકાર
વારસદાર

પોતે હવે ઝાલા સાહેબના પ્રતાપે ૨૫ કરોડનો માલિક બની ગયો હતો એટલે પોતાની પત્ની અને એ પણ ઝાલા સાહેબની જ દીકરી માટે ૨૦ ૨૫ તોલાના દાગીના તો બનાવવા જ પડે ! લોકરમાં આટલા બધા જૂના દાગીના પડ્યા હતા તો હવે નવું સોનુ લેવાનો કોઈ મતલબ ન હતો.

" અંકલ અદિતિ માટે મારે નવા દાગીના બનાવવા પડશે. હું વિચારું છું કે અમદાવાદ જઈને લોકરમાંથી સોનાના જૂના દાગીના હું અહીં લઈ આવું જેથી એમાંથી જરૂરી નવી ડિઝાઈનની જ્વેલરી બનાવી શકાય. " મંથને બીજા દિવસે ફોન ઉપર ઝાલા અંકલને પૂછ્યું.

" તમારો વિચાર બરાબર છે. અત્યારે સોનાના ભાવ આસમાને છે અને એ સોનુ પણ ત્યાં પડી જ રહ્યું છે. એના કરતાં એમાંથી જ નવા દાગીના ઘડાવી શકાય. " અંકલ બોલ્યા.

મંથને એ જ દિવસે સાંજનું ફ્લાઇટ પકડી લીધું અને રાત્રે અમદાવાદ પહોંચી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે રાત્રે દસ વાગી ગયા હતા. પોળમાં બધા વહેલા સૂઈ જતા હતા એટલે રાત્રે ઝાઝી પૂછપરછ ના થઈ.

સવારે વહેલા ઊઠીને મંથન મંજુ માસીને બોલાવી લાવ્યો અને ઘર સાફ કરાવી દીધું અને પાણી ભરાવી દીધું. સાંજે તો મુંબઈ જવા નીકળી જવાનો હતો એટલે બીજું કંઈ કામ ન હતું. છતાં મંજુ માસીને એણે સો રૂપિયા આપ્યા.

સવારે માળા કરીને એ સાડા સાત વાગે જયેશની હોટલ ઉપર પહોંચી ગયો.

" અરે આવ આવ મંથન. મુંબઈથી ક્યારે આવ્યો તું ? " જયેશ બોલ્યો.

" રાત્રે ૧૦ વાગ્યાના ફ્લાઇટમાં આવ્યો. કેમનું ચાલે છે તમારું અને શિલ્પા નું ?" મંથને પૂછ્યું.

" એના માટે તો તારો આભારી છું દોસ્ત. સરસ છોકરી શોધી આપી છે. કામકાજમાં અને રસોઈમાં પણ બહુ જ હોશિયાર છે. હું બહુ જ ખુશ છું. " જયેશ બોલ્યો.

" સારું હવે સાંભળ. મારા લગ્ન અખાત્રીજના દિવસે છે. મને ખબર છે કે તારા લગ્ન અખાત્રીજના બે દિવસ પછી પાંચમનાં છે. છતાં તારે અને શિલ્પાએ મારા લગ્નમાં હાજર રહેવાનું છે. તમારી બંનેની ફ્લાઇટની ટિકિટ ઓનલાઇન તમને મળી જશે. સવારે આવી જજો અને રાત્રે નીકળી જજો. " મંથન બોલ્યો.

" અરે વાહ ! કોન્ગ્રેચ્યુલેશન મંથન ! લગ્નના સમાચાર સાંભળી ખૂબ જ આનંદ થયો. પણ બે દિવસ પછી જ અમારાં લગ્ન હોય અને અમે ત્યાં કેવી રીતે આવી શકીએ ? " જયેશ બોલ્યો.

" હું કંઈ પણ સાંભળવાનો નથી. ટિકિટ તને ઓનલાઇન મળી જશે. શિલ્પાને કહી દેજે. મેરેજ નું કાર્ડ પણ તને વોટ્સએપ કરી દઈશ. " મંથન બોલ્યો.

જયેશ એ પછી કંઈ બોલ્યો નહીં અને એણે એના નોકર બાલુને મંથન માટે ચા નો ઓર્ડર આપ્યો.

ચા પીને મંથન ઘરે આવ્યો ત્યારે પોળમાં જે પણ મળ્યા એ બધાએ મંથનના ખબર અંતર પૂછ્યા તો સામે મંથને પણ પોળમાં સૌને પોતાના અખાત્રીજનાં લગ્નના સમાચાર આપ્યા.

" અરે તું તો છૂપો રુસ્તમ નીકળ્યો ભાઈ. શું નામ છે વહુનું ? " સવિતાબેન બોલ્યા વગર ના રહ્યાં.

" અદિતિ નામ છે એનું. કરોડપતિની દીકરી છે માસી. તમારા આશીર્વાદ ફળ્યા." મંથન બોલ્યો. જો કે એ જાણતો જ હતો કે સવિતામાસીએ ક્યારે પણ એને લગ્નના આશીર્વાદ આપ્યા જ ન હતા.

એ પછી મંથન સીધો વીણામાસી ના ઘરે ગયો. વીણામાસીએ સ્પેશિયલ એના માટે ચા બનાવી.

" ભલે તું ચા પીને આવ્યો પણ આજે મારા હાથની ચા પીવી જ પડશે. " વીણા માસી પ્રેમથી બોલ્યાં.

" માસી અખાત્રીજના દિવસે મારાં એડવોકેટ ઝાલાની દીકરી અદિતિ સાથે લગ્ન છે અને તમારે મારી મા તરીકે હાજરી આપવાની જ છે. જયેશ અને શિલ્પા પણ આવવાનાં છે એટલે એમની સાથે તમારી ફ્લાઈટની ટિકિટ પણ મોકલીશ. તમે એમની સાથે જ આવજો. " મંથન બોલ્યો અને એણે ખિસ્સામાંથી ૭૦૦૦ કાઢીને માસીને આપ્યા.

" લગન માટે રતનપોળમાં જઈને એક ભારે સાડી લઈ લેજો. કારણ કે મને સાડીઓ ખરીદતાં આવડતી નથી. તોરલના વરની પણ સાડીઓની ત્યાં દુકાન છે તો રંજનમાસીને સાથે લઈ જઈને ત્યાંથી પણ ખરીદી શકો છો. " મંથન બોલ્યો.

" ભારેમાંની સાડી તો મારી પાસે પણ હશે. પૈસાની મારે કોઈ જરૂર નથી બેટા" વીણામાસી બોલ્યાં.

" સાડીઓમાં લેટેસ્ટ ફેશન હવે આવી ગઈ છે માસી. તમારા જમાનાની સાડી ત્યાં શોભે નહીં. ચાલો હવે હું જાઉં છું. તમને એરપોર્ટ ઉપર લેવા આવી જઈશ. અહીંથી જયેશની સાથે જ આવજો. બીજી બે ત્રણ સાડીઓ અને કપડાં પણ સાથે રાખજો. કારણ કે લગન પછી આઠ દશ દિવસ તો રોકાવું જ પડશે. અને તમે કાયમ માટે રોકાઈ જાઓ તો મને ખૂબ જ આનંદ થશે. " મંથન બોલ્યો અને ઊભો થયો.

૧૧ વાગ્યે જમવા માટે મંથન ચાલતો ચાલતો બહાર નીકળ્યો ત્યારે સાથે એણે ખાલી બેગ પણ લઈ લીધી. એ પછી સૌથી પહેલાં જયેશની હોટલ ઉપર ગયો.

" અરે જયેશ તને કહેવાનું ભૂલી ગયો. મારી સામેવાળાં વીણામાસી પણ તારી સાથે જ મુંબઈ આવશે. એમની ટિકિટ પણ તારા મોબાઇલમાં મોકલી આપીશ. તું સંભાળીને એમને લેતો આવજે. " મંથન બોલ્યો.

" વાંધો નહીં. એ તો આપણી પોળમાં જ છે એટલે હું મારી સાથે જ લેતો આવીશ." જયેશ બોલ્યો.

" હું ડ્રાઇવિંગ સ્કૂલવાળા રફીકના ત્યાં જાઉં છું. એ પણ મારો ખાસ મિત્ર છે. એને પણ મુંબઈનું આમંત્રણ આપું છું. જો એ હા પાડશે તો એ પણ તમારા લોકોની સાથે જ આવશે. એની ટિકિટ તો હું ડાયરેક્ટ એને જ મોકલી આપીશ." મંથન બોલ્યો.

એ પછી મંથન ચાલતો ચાલતો રફીકને મળવા ગયો. બાઈક એ મુંબઈ લઈ ગયો હતો એટલે આજે એણે બધે ચાલતા જવાનું જ નક્કી કર્યું.

" અરે મંથન કબ આયા મુંબઈ સે? સબ ખેરિયત ? " રફીક મંથનને જોઈને જ બોલી ઉઠ્યો.

" અખાત્રીજના દિવસે મારાં લગ્ન છે. તારે મુંબઈ બોરીવલી આવી જવાનું છે. ફ્લાઈટની ટિકિટ તારા મોબાઇલ ઉપર ઓનલાઇન મળી જશે. મામુને મળવાનું મન હોય તો આગલા દિવસની ટિકિટ મોકલુ. આવવાનું ફરજિયાત છે. જાનૈયામાં બે ત્રણ જણા તો જોઈએ ને ભાઈ !! હોટલ વાળો જયેશ પણ આવે છે. " મંથન બોલ્યો.

" તુજે તો મૈં ના બોલ હી નહીં સકતા. એક કામ કર. અગલે દિન સુબહકી હી ટિકટ ભેજ દે. ક્યા નામ હે ભાભીજાન કા ? " રફીક બોલ્યો.

" અદિતિ ઝાલા. કરોડપતિની દીકરી છે. મારા પપ્પાના બિઝનેસ પાર્ટનર હતા. મુંબઈમાં હવે એમને સાથે રાખીને કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ઝંપલાવું છું " મંથને હસીને કહ્યું.

" બહોત કિસ્મતવાલા હે તુ ભાઈ ! ચલો અચ્છા લગા. મેં પક્કા આ જાઉંગા. મેરેજહોલ કા એડ્રેસ ભેજ દેના. " રફીક બોલ્યો.

" મારા મેરેજનું કાર્ડ હું તને વોટસઅપ કરી દઈશ. મામુજાન ને મળે તો મોટી રકમનું સેટિંગ થાય એવું કરજે. " મંથન બોલ્યો અને ત્યાંથી સીધો બેંકમાં ગયો.

લોકરમાં જઈને એણે દાગીના ભરેલી પ્લાસ્ટિકની બેગ બહાર કાઢી. ૩૮ લાખ રૂપિયાની કેશ પણ ઉપાડી લીધી. એ બધું એણે બેગમાં મૂકીને બેગ પીઠ ઉપર લટકાવી દીધી. ત્યાંથી એ ચાલતો ચાલતો જ પોતાના ઘરે પહોંચી ગયો. ઘરે જઈને તમામ રકમ અને જ્વેલરી સુટકેશમાં મૂકી દીધી.

એ પછી શાંતિથી એ ઉર્મિલામાસીના ત્યાં જઈને જમી આવ્યો. થોડો આરામ કર્યો. સાથે જોખમ હતું એટલે એણે ફ્લાઇટના બદલે તત્કાલમાં ગુજરાત મેલની ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટ કઢાવી લીધી.

રાત્રે આઠ વાગે ફરીથી એ માસીના ત્યાં જઈને જમી આવ્યો. નવ વાગે રીક્ષા કરીને એ કાલુપુર સ્ટેશન પહોંચી ગયો. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી એટલે બેગ ની કોઈ ચિંતા ન હતી છતાં એણે ચેઈન ભરાવી દીધી. સવારે છ વાગે બોરીવલી ઉતરીને સીધો ઝાલા અંકલના ઘરે જ ગયો. અગાઉથી એણે ફોન કરી દીધો હતો.

મયુર ટાવર પહોંચીને નહાઈ ધોઈને એ ફ્રેશ થઈ ગયો. ચા તૈયાર થઈ ગઈ હતી એટલે એ સીધો ડાઇનિંગ ટેબલ ઉપર જ ગયો. અદિતિએ ચાની સાથે ગરમાગરમ ઢોકળાં પીરસ્યાં હતાં. મંથન આવવાનો હતો એટલે એ વહેલી ઉઠી ગઈ હતી.

" અંકલ તમે જે ગોલ્ડ જ્વેલરી મને આપેલી એ તમામ હું અહીં લઈ આવ્યો છું. અદિતિને જે પણ દાગીના બનાવવાની ઈચ્છા હોય એ આમાંથી બનાવી દેજો. મને આમાં કંઈ ખબર નહીં પડે. બાકીની જે પણ જ્વેલરી વધે તે હું અહીંયા બેંકના લોકરમાં મૂકી દઈશ. હવે અમદાવાદના લોકરમાં રાખવાનો કોઈ મતલબ નથી." મંથને સવારે ચા પીતાં પીતાં કહ્યું.


"તમે જ્વેલરીની બિલકુલ ચિંતા ના કરો. એ તમારી જ અમાનત છે. અદિતિને સાથે લઈને જઈશું અને એને જે પણ ડિઝાઇનો ગમે અને જે જે દાગીના બનાવવા હોય એ પ્રમાણે સામે ગોલ્ડ આપીશું. એક એક ગ્રામનો હિસાબ રાખીશું. " સરયૂબા બોલ્યાં.

" અરે મમ્મી મારા કહેવાનો મતલબ એવો જરા પણ નથી. તમે બધું તમારી પાસે રાખશો તોયે મને કોઈ ફરક નથી પડતો. જે છે એ બધું અદિતિનું જ છે હવે. " મંથન બોલ્યો.

" જમાઈ ના હકનું જે છે એમાંથી અમારે કંઈ પણ ના ખપે અને તમે તો પાછા ભૂદેવ છો. ઘરેણાં બનાવતાં જે પણ વધે એ પાછું તમે લોકરમાં મૂકી દેજો. " સરયૂબા બોલ્યાં.

" અને તમે અદિતિના સેટ વગેરે જે પણ ખરીદો એમાં જરા પણ સમાધાન ના કરશો. એને જે પણ ગમે તે તૈયાર લેજો અથવા તો બનાવવાનો ઓર્ડર આપજો. હવે એ મારા ઘરની લક્ષ્મી છે. " મંથન બોલ્યો.

મંથનની વાત સાંભળીને સામે જ બેઠેલી અદિતિ એકદમ ભાવુક થઈ ગઈ. મંથન માટે એના મનમાં એટલો બધો ભાવ જાગ્યો કે જો મમ્મી પપ્પા ના હોત તો અત્યારે એ મંથનને વળગી પડી હોત !

" હવે જમવામાં તમારા માટે શું બનાવું ? ઘરનું ખાવાની ઈચ્છા છે કે ક્યાંય બહાર જવું છે ? " અદિતિ મંથનની સામે જોઈને બોલી.

" ગુડ આઇડિયા. તો ચાલો આજે આપણે બધા બહાર જમી લઈએ. તમને લોકોને પણ થોડો આરામ મળશે. " મંથન બોલ્યો.

" તો પછી આપણે ઝાયકા ક્લબમાં જ જઈએ. પંજાબી ફૂડ ત્યાં સારું મળે છે ગુજરાતી તો રોજ ઘરમાં ખાઈએ જ છીએ. " ઝાલા અંકલ બોલ્યા.

" હા પપ્પા એ સરસ રહેશે. હું બે ત્રણ વાર ત્યાં ગયેલી છું. " અદિતિ બોલી.

છેવટે ઝાયકા ક્લબમાં જમવાનું નક્કી કર્યું અને બપોરે એક વાગે આખો પરિવાર ત્યાં પહોંચી ગયો. વિસેક મિનિટ જેવું વેઈટિંગ રહ્યું પરંતુ છેવટે એમનો નંબર પણ લાગી ગયો.

" મંથનકુમાર તમને શું ફાવશે ? " ઝાલા અંકલ બોલ્યા.

" લેડીઝ ફર્સ્ટ. અદિતિની પસંદ એ મારી પસંદ. " મંથન બોલ્યો અને બધાં હસી પડ્યાં.

છેવટે અદિતિએ બટર કુલચા, પનીર લબાબદાર, વેજીટેબલ મહારાજા, જીરા રાઈસ અને દાલ કોલ્હાપુરી નો ઓર્ડર બુક કરાવ્યો. સાથે ફ્રાઇડ પાપડ અને બટર મિલ્કનો પણ ઓર્ડર આપ્યો.

નામ પ્રમાણે રેસ્ટોરન્ટ ઘણી સારી હતી અને ફૂડનો ટેસ્ટ પણ સરસ હતો. ના પાડી છતાં બિલ મંથને ચૂકવી દીધું.

જમ્યા પછી ઝાલા અંકલને ત્યાં થોડો આરામ કરીને મંથન સાંજે ચા પાણી પીને રીક્ષામાં જ મલાડ જવા માટે નીકળી ગયો. ઝાલા અંકલે ગાડીમાં મૂકી જવાની વાત કરી પરંતુ મંથને ના પાડી.

સુંદરનગર પહોંચીને એણે દેવીબેનને ફોન કર્યો અને રસોઈ કરી જવાનું કહી દીધું.

બીજા દિવસે એણે દેનાબેંકમાં જઈને લોકર લઈ લીધું અને ૩૦ લાખ રોકડા લોકરમાં મૂકી દીધા. આઠ લાખ જેટલી કેશ એણે ઘરની તિજોરીમાં જ ગોઠવી દીધી.

લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો. અદિતિએ ત્રીસ તોલા જેટલા જૂના દાગીના આપીને ગળાનો સુંદર હાર, ચેઈન, કાનના એરિંગ્સ અને વીંટીનો સેટ બનાવી દીધો હતો. મંથન માટે પણ ઝાલા અંકલે રિયલ ડાયમંડની એક સુંદર વીંટી પોતાના તરફથી ખરીદી લીધી હતી. સોનાના સેટની ડિઝાઇન નક્કી કરવા માટે અદિતિ આગ્રહ કરીને મંથનને જ્વેલરી શોરૂમ માં સાથે લઈ ગઈ હતી.

મંથને જયેશ શિલ્પા અને વીણામાસી ની ફ્લાઈટની ટિકિટો બુક કરાવી દીધી હતી અને જયેશના મોબાઈલ ઉપર ટ્રાન્સફર કરી દીધી હતી. જયેશ અને શિલ્પાની બીજા દિવસની વહેલી સવારની રિટર્ન ટિકિટ પણ બુક કરી દીધી હતી. વીણામાસી રોકાવાનાં હતાં. રફીકની આગલા દિવસની ટિકિટ પણ રફીકના મોબાઈલ ઉપર મોકલી દીધી હતી.

આ તમામ મહેમાનોને મંથને સુંદર નગરમાં પોતાના ઘરે ઉતરવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે રફીક એના મામુના ઘરે જવાનો હતો અને સવારે સીધો મેરેજ હૉલ ઉપર આવી જવાનો હતો.

છેવટે લગ્નનો દિવસ આવી ગયો. ઝાલા અંકલે મંથન માટે રેમન્ડનો ગ્રે કલરનો સુંદર સ્યુટ સીવડાવ્યો હતો. હોલ ઉપર ફૂલના હાર અને લાઈટિંગથી સુંદર સજાવટ કરી હતી. હોલને લાખો રૂપિયા ખર્ચીને સજાવ્યો હતો. જયેશ, રફીક, શિલ્પા અને વીણામાસી સાથે મંથને હોલમાં સવારે નવ વાગે પ્રવેશ કર્યો ત્યારે ઝાલા સાહેબે બેન્ડ વાજાં અને શરણાઈથી એમનું ભવ્ય સ્વાગત કર્યું. હોલમાં પ્રવેશતાં જ વરરાજા ઉપર ફૂલોની વૃષ્ટિ કરવામાં આવી.

આટલું દમામદાર અને રજવાડી સ્વાગત જોઈને વીણામાસી તથા જયેશ શિલ્પા વગેરે આશ્ચર્ય પામી ગયાં. મંથનના કિસ્મતે ખરેખર બહુ મોટી હરણફાળ ભરી દીધી હતી ! ઝાલા સાહેબના તમામ મહેમાનો પણ મંથનને જોઈને ખુશ થઈ ગયા કે જમાઈ તો ખરેખર ખૂબ જ સારો શોધ્યો હતો.

આ બાજુ અમદાવાદમાં તોરલ શાહપુરના લાલાકાકા કોમ્યુનિટી હોલમાં સજીધજીને તૈયાર બેઠી હતી અને જાનૈયાઓની રાહ જોવાતી હતી ! કાંતિલાલ હરખમાં દોડાદોડી કરી રહ્યા હતા પરંતુ તોરલના હૈયામાં લગ્નનો કોઈ જ ઉમંગ ન હતો !!

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!