વારસદાર (Varasdar 8)

Related

વારસદાર પ્રકરણ 8

બીજા દિવસે સવારે મંથન અંબિકા હોટલે ચા પીવા માટે ગયો ત્યારે મંડપનો તમામ હિસાબ જયેશ સાથે કરી દીધો.

" ધાર્યા કરતાં પણ તેં ખૂબ જ સરસ વ્યવસ્થા કરી જયેશ. રુપાજીની રસોઈ પણ ખરેખર સરસ હતી. થોડા લાડવા વધ્યા છે એ મારા ઘરે મુકેલા છે. તું બપોરે ઘરે જમવા જાય ત્યારે લેતો જજે. " મંથન બોલ્યો.

#આવકાર
વારસદાર

મંથનને એ પણ ખબર હતી કે તોરલને ચુરમાના લાડુ બહુ જ ભાવતા હતા. જ્યારે મમ્મી જીવતી હતી ત્યારે જ્યારે પણ ઘરમાં લાડુ બનાવે ત્યારે તોરલને જમવાનું આમંત્રણ ખાસ આપવામાં આવતું.

મંથન સવારે ૯ વાગે જ તોરલના ઘરે ચુરમાના ચાર પાંચ લાડુ આપવા ગયો.

" લો માસી આ ચુરમાના લાડુ છે. તોરલને ભાવે છે એટલે ખાસ આપવા આવ્યો. " મંથન રસોડામાં જઈને બોલ્યો. એ વખતે રસોડામાં મા-દીકરી બંને હાજર હતાં.

મંથનના શબ્દો સાંભળીને તોરલના હૈયામાં હેત ઉભરાઈ આવ્યું પરંતુ મમ્મી હાજર હતી એટલે એ કંઈ બોલી નહીં. મમ્મી ના હોત તો આજે એ એને વળગી જ પડી હોત !!

હજુ પણ મારી એને કેટલી બધી કાળજી છે !! વિચાર તો એવો આવે છે કે સગપણ તોડી નાખી મંથનના ઘરે જઈને બેસી જાઉં. દુનિયાને જે કહેવું હોય તે કહે. - તોરલનું મન બળવો પોકારી રહ્યું હતું.

" આવ્યા જ છો તો ચા પીને જ જાઓ ને " રંજનબેન બોલ્યાં.

" ના માસી સવારે ચા પી લીધી છે. " મંથન બોલ્યો.

" મમ્મી આટલો આગ્રહ કરે છે તો પીને જ જાઓને ! બે પાંચ મિનિટમાં શું ખાટું મોળું થઈ જવાનું છે ? " તોરલ મંથનની સામે જોઈને બોલી. એની આંખોમાં આજીજી હતી.

હવે મંથન પાસે કોઈ જવાબ ન હતો. એ આગળના હોલમાં આવીને સોફા ઉપર બેઠો. ત્યાં થોડી વારમાં નાહીને કાંતિલાલ બાથરૂમમાંથી બહાર આવ્યા.

" મંથન તું ક્યારે આવ્યો ? " કાંતિલાલ મંથન ને જોઈને બોલી ઉઠ્યા.

" બે મિનિટ પહેલાં જ આવ્યો અંકલ. તોરલને ચુરમાના લાડુ ભાવે છે એટલે આપવા આવેલો. માસી કહે કે ચા પીને જાઓ એટલે બેઠો છું. " મંથને ખુલાસો કર્યો.

ત્યાં તોરલ પોતે ચાનો કપ લઈને આવી અને મંથનના હાથમાં આપ્યો. જો કે કાંતિલાલ હતા એટલે રોકાઈ નહીં. ચા આપીને પાછી રસોડામાં જતી રહી.

ચા પીને મંથન પોતાના ઘરે જવા નીકળી ગયો. કાંતિલાલને દલાલી માટે મંથન સાથે વાત કરવાની ઈચ્છા તો ઘણી હતી પરંતુ એક વાર એમણે મંથનનું મોં તોડી લીધેલું એટલે એમની જીભ ઉપડી નહીં.

નવચંડી હવન પણ હવે પતી ગયો હતો એટલે મંથનની ઈચ્છા એકવાર મુંબઈ આંટો મારી આવવાની હતી. મુંબઈ ગયા વગર ત્યાં કાયમ માટે શિફ્ટ થવું કે નહીં એ નિર્ણય નહીં લઇ શકાય એમ મંથન માનતો હતો.

એણે ત્રણ દીવસ પછીના ગુજરાત મેઈલની ટીકીટનું રિઝર્વેશન કરાવી લીધું.

એણે જવાના આગલા દિવસે ઝાલા અંકલ સાથે વાત કરી લીધી.

" અંકલ હું આવતી કાલે રાત્રે ગુજરાત મેલમાં નીકળું છું. મારી ઈચ્છા સીધા મલાડ સુંદરનગર ના ફ્લેટમાં જવાની છે. " મંથન બોલ્યો.

" મંથનભાઈ સીધા મલાડ ના જવાય. સૌથી પહેલાં બોરીવલી મારા ઘરે આવવાનું છે. મારું કાર્ડ મેં તમને આપેલું જ છે. હું આજે જ તમારાં પડોશી ધનલક્ષ્મીબેનને કહી દઉં છું કે કાલે સવારે કામવાળીને કહીને તમારો ફ્લેટ ખોલીને સાફસુફ કરાવી દે. ચાવી એમની પાસે જ છે. ઘણા સમયથી ફ્લેટ બંધ છે એટલે સાફ કર્યા વગર ત્યાં રહી નહીં શકાય." ઝાલા અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ તો પછી હું સીધો તમારા ઘરે જ આવીશ. " મંથન બોલ્યો.

" હા અને સાંભળો. તમને નોટરાઇઝ કરીને જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ આખી ફાઇલ તમે લેતા આવજો. દરેક બેંકમાં કોપી આપવી પડશે એ પછી જ તમે બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકશો. " ઝાલા અંકલે યાદ અપાવ્યું.

" ઠીક છે અંકલ. " મંથન બોલ્યો.

મંથન મુંબઈ આ પહેલાં પણ આઠ દશ વાર ગયેલો હતો એટલે એને મુંબઈનો સારો એવો પરિચય હતો. ખાસ કરીને બોરીવલી પારલા અને ભૂલેશ્વરથી એ વધારે પરિચિત હતો.

મુંબઇ જતાં પહેલા એણે ઉર્મિલામાસી ને પણ કહી દીધું કે એ મુંબઈ જવાનો હોવાથી ત્રણ ચાર દિવસ માટે જમવા નહીં આવે.

ગુજરાત મેલ રાત્રે દસ વાગે ઉપડતો હોવાથી એ નવ વાગે ઘરેથી નીકળી ગયો. સ્ટેશને પહોંચ્યો ત્યારે હજુ સાડા નવ પણ વાગ્યા ન હતા. ટ્રેન હજુ પ્લેટફોર્મ ઉપર મૂકાઈ નહોતી.

પોતાના કોચ નંબરની સામેના એક બાંકડા ઉપર બેસીને મંથન ટ્રેનની રાહ જોવા લાગ્યો. જો કે વધારે રાહ જોવી ન પડી. દશેક મિનિટમાં જ ટ્રેન આવી ગઈ.

જેવી ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી કે તરત જ મંથન એના સ્લીપર કોચમાં ચડી ગયો અને બર્થ નંબર શોધી પોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયો. થોડીવાર પછી સાઠેક વર્ષની આસપાસના દેખાતા એક અંકલ અને આન્ટી પણ એના જ કમ્પાર્ટમેન્ટમાં આવ્યાં.

ટ્રેન ઉપડવાના ૧૦ મિનિટ પહેલાં એક યુવાન પણ એ જ કમ્પાર્ટમેન્ટમાં આવ્યો અને સામેની સૌથી ઉપરની બર્થ ઉપર ચડીને સૂઈ ગયો. એ પછી મંથનની બાજુમાં એક યુવતી આવીને બેસી ગઈ.

એક પેસેન્જરની સીટ હજુ ખાલી હતી પણ ત્યાં કોઈ ન આવ્યું. ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ. લગભગ અગિયાર વાગે નડિયાદ સ્ટેશન આવ્યું. ત્યાં સુધીમાં સામેનાં અંકલ અને આન્ટી સૂઈ ગયાં હતાં. બાજુની યુવતી પણ સૌથી ઉપરની બર્થ ઉપર સૂઈ ગઈ હતી.

નડિયાદ સ્ટેશનથી ટ્રેન લગભગ ઉપડી જ રહી હતી એ જ સમયે હાંફળી ફાંફળી એક ખૂબસૂરત યુવતી મંથનના કોચમાં ચઢી અને નંબર શોધતી શોધતી એના જ કમ્પાર્ટમેન્ટમાં આવી અને બાજુની ખાલી સીટ ઉપર બેસી ગઈ. એનું બોર્ડિંગ નડીયાદથી હતું.

સામાનમાં એક નાનકડી બેગ સિવાય કંઈ જ નહોતું. છેલ્લી ઘડીએ દોડતી આવી હોય એમ શ્વાસ થોડો ચડેલો હતો. સ્ટેશન ઉપરથી ખરીદેલી પાણીની બોટલનું સીલ તોડી થોડું પાણી એણે પીધું. ટ્રેન ઉપડી ચૂકી હતી.

" મુલુંડ જવા માટે મારે કયા સ્ટેશને ઉતરવું બોરીવલી કે મુંબઈ સેન્ટ્રલ ? " પાણી પીને યુવતીએ મંથનને સવાલ કર્યો.

" સોરી... હું મુંબઈ પહેલીવાર જઈ રહી છું એટલે મને એરિયાની કંઈ જ ખબર નથી." યુવતીએ ફરી મંથનને સ્પષ્ટતા કરી. એ થોડી ગભરાયેલી અને ટેન્શનમાં હોય એમ લાગતું હતું.

" જુઓ તમે બોરીવલી ઉતરો... દાદર ઉતરો... કે મુંબઇ સેન્ટ્રલ ઉતરો.... તોપણ તમે મુલુંડ જઈ શકો. પણ ટ્રેન માં જ જવું હોય તો દાદર ઉતરવું સહેલું પડશે. ત્યાંથી તમે ટિકિટ લઈ લોકલ ટ્રેન પકડી મુલુંડ તરફનો પ્રવાસ આગળ વધારી શકો. " મંથન બોલ્યો. એને ખબર હતી કે થાણા બાજુ જવા માટે દાદરથી ટ્રેન પકડવી પડે. અને આ ટ્રેઈન દાદર ઊભી રહેતી હતી.

મંથનની વાત સાંભળી યુવતી થોડી મૂંઝાઈ ગઈ. બધું નવું નવું હતું. પહેલીવાર મુંબઈ જઈ રહી હતી. ક્યાંથી ટિકિટ મળશે અને દાદરથી કેવી રીતે મુલુંડની ટ્રેન પકડવી એની એને કંઈ જ ગતાગમ નહોતી.

" તમે કયા સ્ટેશને ઉતરવાના ? આ ટ્રેન તો સવારે ૭ વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી જાય છે. દાદર આવે એટલે ત્યાં ઉતરીને મને થોડું સમજાવી શકશો ? " યુવતીએ મંથનને લગભગ આજીજી ભર્યા સ્વરે કહ્યું.

" હું તો બોરીવલી સ્ટેશને ઉતરી જવાનો છું. મુલુંડ તો બહુ દૂર છે મેડમ. અને એમ સમજાવવાથી તમને કંઈ જ ખ્યાલ નહીં આવે. તમે જો પહેલી વાર જ મુંબઈ જઈ રહ્યાં છો તો જેના ઘરે જવાના છો એની સાથે જ વાત કરી લો ને ? એ તમને સામે લેવા આવે અથવા તો તમને સમજાવે કે ક્યાં ઉતરવું અને કઈ ટ્રેન પકડવી !! " મંથને સલાહ આપી.

થોડી વાર સુધી તો યુવતીએ કંઈ જવાબ ના આપ્યો. એ ઘણા મનોમંથનમાં હોય એવું લાગ્યું.

" કેવી રીતે ફોન કરું ? મારા બોયફ્રેન્ડે પંદર દિવસથી મારો નંબર બ્લોક કરી દીધો છે. વોટ્સએપ માં પણ મને બ્લોક કરી દીધી છે. બીજા કોઈ નંબરથી એને ફોન કરું છું તો એ ઉપાડતો જ નથી. અને હવે બે દિવસથી તો એ નંબર જ સેવામાં નથી એવો મેસેજ આવે છે. હવે મને લાગે છે કે એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે." યુવતીએ છેવટે મંથનને સાચી વાત કરી.

" પણ તો પછી એને છોડી દો ને ? શા માટે એની પાછળ પાગલ બનીને છેક મુંબઈ સુધી ધક્કો ખાઓ છો ? આવા હરામીઓ ને તો વહેતા જ મૂકવા જોઈએ !! " મંથન સહેજ ગુસ્સાથી બોલ્યો.

" કારણ કે હું પ્રેગ્નન્ટ થઈ ચૂકી છું. બે વર્ષ પહેલા ફેસબુકથી નિલેશનો પરિચય થયેલો છે. બે વર્ષથી અમે રિલેશનશિપમાં છીએ. એણે મને લગ્નનું પ્રોમિસ આપેલુ. બે મહિના પહેલા એણે મને દમણ બોલાવેલી. અમે બે દિવસ ત્યાં દરિયા કિનારે હોટલમાં પણ રોકાયેલાં." યુવતી બોલી.

ફેસબુક નો પ્રેમ !! આજના જમાનાની આવી નાદાન છોકરીઓને શું કહેવું ? - મંથન વિચારી રહ્યો.

" તમારા માતા-પિતા તમારી રિલેશનશિપ કે પ્રેગનન્સીની આ વાત જાણે છે ? " મંથને પૂછ્યું.

" મારા પપ્પા નથી. મારી મમ્મીને આ વાતની હજુ કંઈ ખબર નથી. મારી નાની બહેન શીતલને આ રિલેશનશિપની વાત મેં કરી છે પણ પ્રેગ્નન્સીની વાત માત્ર હું જ જાણું છું. દોઢ મહિનાથી પિરિયડ આવ્યો નથી. હવે મમ્મીને ખબર પડી જાય તે પહેલાં મારે ગમે તેમ કરીને નીલેશને મળવું જરૂરી છે. " યુવતી બોલી.

"તમારી પાસે નીલેશનું એડ્રેસ કેવી રીતે આવ્યું ? અને એ સાચું છે કે નહીં એની શું ખાત્રી ? "- મંથન હવે જાણી ગયો હતો કે આ નિર્દોષ છોકરી ફસાઈ ગઈ છે નીલેશની વાતોમાં.

" અમે દમણમાં ભેગાં થયાં હતાં ત્યારે આ એડ્રેસ મને લખીને આપ્યું હતું અને કહ્યું હતું કે હું તને સાચેસાચ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરવા માગું છું એટલે તને મારું ઘરનું એડ્રેસ પણ આપી દઉં છું. એ મુંબઈ જઈ એના મમ્મી પપ્પાને વાત કરવાનો હતો." યુવતી બોલી.

" તમારું નામ શું મેડમ ? " મંથને પૂછ્યું.

" મારું નામ કેતા ઝવેરી !..... હું નડિયાદમાં દેસાઈ વગામાં રહું છું. ગ્રેજ્યુએટ થઈ ગઈ એટલે કોલેજ રોડ ઉપર એક પ્રાઇવેટ ફર્મ માં નોકરી કરું છું. " કેતા બોલી.

" મારું નામ મંથન મહેતા. અમદાવાદ રહું છું અને અત્યારે મારા અંકલના ત્યાં જઇ રહ્યો છું. " મંથને પણ પોતાનો પરિચય આપ્યો.

" એક વાત પૂછું ? તમે તો એને દમણમાં પહેલીવાર જ મળ્યાં હશો ને ? તમે એની લગ્નની વાત ઉપર વિશ્વાસ મૂકીને એની સાથે સીધો શારીરિક સંબંધ પણ બાંધી દીધો ? " મંથને થોડીવાર રહીને પૂછ્યું.

" હા... મળ્યાં હતાં તો પહેલીવાર .... પણ બે વર્ષથી અમે એકબીજાને ઓળખતાં હતાં... એટલે અવિશ્વાસ કેવી રીતે આવે ? અને સાંજે રેસ્ટોરન્ટમાં જમતાં જમતાં એણે મને જબરદસ્તી આગ્રહ કરી-કરીને, પ્રેમના સોગંદ આપીને બે ગ્લાસ બિઅર પાયો હતો. મને થોડો નશો ચડ્યો હતો. એ મને હાથ પકડીને રૂમમાં લઇ ગયો હતો. એ પછી એણે રાત્રે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. " કેતા નીચું જોઈને બોલી.

" તો ભોગવો હવે " એવું ગુસ્સાથી કહેવાનું મન થયું મંથનને પણ એ ચૂપ રહ્યો. આજકાલની છોકરીઓ શા માટે આટલો બધો આંધળો વિશ્વાસ મૂકી દેતી હશે ?

મંથન થોડી વાર વિચારે ચડી ગયો. આ છોકરીને હજુ પણ આશા છે કે નીલેશ એને અપનાવી લેશે એટલે તો એને શોધવા નીકળી છે મુંબઈ જેવા શહેરમાં !!

" તમે ઘરેથી શું કહીને નીકળ્યા છો ?" મંથને પૂછ્યું.

" ઓફિસના કામથી મારે બે દિવસ મુંબઈ જવું પડે એમ છે એમ મમ્મીને મેં કહ્યું છે. "

" હવે તમે એક કામ કરો કેતા !! તમે મારી સાથે બોરીવલી ચાલો. તમે એકલા મુલુંડમાં જઈને એનું ઘર શોધી નહીં શકો. એ તમારું કામ પણ નથી. મારે જ મુલુંડનું એનું ઘર બતાવવા આવવું પડશે." મંથન બોલ્યો.

કેતાએ કોઈ જવાબ ના આપ્યો. એ પોતે પણ થોડી અસમંજસમાં હતી કે કોઈ અજાણ્યા પુરુષની સાથે એના ઘરે જવું કે નહીં !!

" તમારે ટેન્શનમાં આવી જવાની કોઈ જરૂર નથી. બોરીવલીમાં મારા અંકલ રહે છે. હું પણ એમના ઘરે પહેલીવાર જઈ રહ્યો છું. તમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. આવડા મોટા મુંબઈમાં તમે એકલાં ક્યાં જશો ? મારી વાત માનો. આ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી !!" મંથને કેતાને સમજાવી.

કેતાએ મંથનની વાત સ્વીકારી લીધી. એને પણ લાગ્યું કે મંથન સાચું જ કહે છે. એ નીલેશને શોધવા અજાણ્યા મુંબઈમાં ક્યાં ક્યાં ભટકશે ?

" હવે આપણે સૂઈ જઈએ..... રાતના સાડા અગિયાર વાગી ગયા છે.... અને આજુબાજુ બધા જ સૂઈ ગયા છે.... સામેની બર્થ ઉપર સૂતેલા કાકાનાં તો નસકોરાં પણ ચાલુ થઈ ગયાં છે. "

કહીને મંથન ઉભો થયો અને સૂવા માટે વચ્ચેની બર્થ ઊંચી કરીને સાંકળ ભરાવી દીધી. કેતાની બર્થ નીચે જ હતી. બંનેએ હવે સૂવાનું પસંદ કર્યું.

મંથન સૂઈ તો ગયો પણ એને જલદી ઊંઘ આવે એમ ન હતી. પોતે ઝાલા અંકલના ત્યાં પહેલીવાર જઇ રહ્યો છે અને આ રીતે કોઈ અજાણી છોકરીને લઈને સવારના પહોરમાં એમના ઘરે જાય તો અંકલ એના વિશે શું વિચારે !! ભલે એ કેતાને ટ્રેનમાં પહેલીવાર જ મળ્યો છે છતાં એની સચ્ચાઈ ઝાલા અંકલ સ્વીકારી લે એ જરૂરી નથી.

એણે નક્કી કર્યું કે સૌથી પહેલાં તો કોઈ હોટેલમાં જ જવું અને ત્યાં કેતાને ઉતારીને પોતે પણ ત્યાં નાહી ધોઈ લેવું. એ પછી આઠ વાગે જ ઝાલા અંકલના ત્યાં જવું. કારણ કે વહેલી સવારે છ વાગે કોઈ ફેમિલીને ડિસ્ટર્બ કરવું યોગ્ય નથી. એણે ગુગલમાં સર્ચ કરીને બોરીવલી ઈસ્ટમાં સ્ટેશનની નજીક જ આવેલી હોટલ નાઈસ સ્ટે નક્કી કરી. એ પછી જ એને ઊંઘ આવી.

સવારે છ વાગે બોરીવલી સ્ટેશન આવી ગયું. મંથન કેતાને લઈને બહાર નીકળ્યો અને રિક્ષા કરી. રીક્ષાવાળાને હોટલ નાઈસ સ્ટે લઈ લેવાનું કહ્યું. ૧૫ મિનિટમાં જ હોટલ આવી ગઈ. મંથન કેતાને લઈને નીચે ઉતર્યો અને ભાડું ચૂકવી દીધું.

હોટલ જોઈને કેતા ચમકી ગઈ. મંથન તો એના અંકલના ત્યાં લઈ જવાની વાત કરતો હતો જ્યારે આ તો હોટલ લઈને આવ્યો. પુરુષો તો બધા સરખા જ હોય ને !! મીઠી મીઠી વાતો કરીને ફસાવે !!

" આઈ એમ સોરી. તમારા ઇરાદાનો હવે મને ખ્યાલ આવી ગયો. હું તમારી સાથે હોટલમાં નહીં આવું. " કેતા છણકો કરીને બોલી.
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post