અભિષેક (Abhishek Novel Part-16)

Related

અભિષેક પ્રકરણ 16

ઋષિકેશ જઈ આવ્યાના બે દિવસ પછી અભિષેક જે હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યાં ટ્રસ્ટની બોર્ડ મીટીંગ હતી અને એમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રામાણી સાહેબની ફરિયાદના કારણે અભિષેકને શો કોઝ નોટિસ મળી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

અભિષેકે પળના પણ વિલંબ વિના એક મહિનાનો નોટિસ પિરિયડ આપીને પોતાનું રાજીનામું લખી દીધું. અભિષેકને તો નોકરી છોડવી જ હતી પરંતુ શું બહાનું કાઢવું એના વિશે એ અવઢવમાં હતો ત્યાં આવી ઘટના બની એટલે એનું કામ સરળ થઈ ગયું.

એ પછીના એક મહિના દરમિયાન રામાણી સાહેબે અભિષેકને સમજાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ અભિષેક મક્કમ રહ્યો અને છેવટે ૩૧ જાન્યુઆરી આવી ગઈ.

અભિષેકના વિદાયમાન માટે એક નાનકડો સમારંભ ગોઠવાયો અને સાંજે અભિષેકને વિદાય આપવામાં આવી. ત્યાં દાખલ થયેલા કેટલાક દર્દીઓની આંખ ભીની થઈ ગઈ કારણ કે અભિષેક દરેકની ખૂબ જ કાળજી રાખતો હતો !

હવે અભિષેક સંપૂર્ણપણે તમામ બંધનોમાંથી મુક્ત હતો. એની પાસે સો કરોડ જેવી માતબર રકમ હતી. ઘરમાં ૧૦ કરોડનાં સોનાનાં બિસ્કીટ પણ હતાં. આખી જિંદગી પોતે હવે કંઈ ના કરે તો પણ કોઈ ચિંતા ન હતી.

આ એક મહિનામાં દોશી સાહેબે ખારના બંગલામાં જે નવું કોમ્પ્લેક્સ બની રહ્યું હતું ત્યાં અભિષેક માટે આખો ફર્સ્ટ ફ્લોર ખરીદી લીધો હતો. એમની પાસે જે રોકડા પાંચ કરોડ પડ્યા હતા એ તથા બાકીની રકમનો ચેક અભિષેક પાસે લખાવીને એમણે તમામ એડવાન્સ પેમેન્ટ આપી દીધું હતું. ભવિષ્યમાં પોતાની હોસ્પિટલ બની શકે એ વિચારથી અભિષેકે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.

અભિષેકે સાંભળ્યું હતું કે શિયાળામાં મુંબઈ કરતાં રાજકોટમાં ઘણી ઠંડી પડે છે એટલે એની ઈચ્છા એકાદ મહિના પછી જ રાજકોટ જવાની હતી પરંતુ રાજકોટથી રસિક અંકલના ફોનથી એને નિર્ણય બદલવો પડ્યો.

" ડોક્ટર રાજકોટથી રસિકભાઈ બોલું છું. ભારતીબેનની તબિયત લથડી છે અને તાત્કાલિક એમને ગઈ કાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવાં પડ્યાં છે. ડોક્ટરે કહ્યું છે કે એમને ભારે ન્યુમોનિયા થયો છે. " અંકલ બોલ્યા.

" ઠીક છે ચિંતા ન કરો. એમને સારું થઈ જશે. અને હવે હું પણ બે-ત્રણ દિવસમાં નીકળું છું. " અભિષેક બોલ્યો અને એણે ફોન કટ કર્યો. એને ખાતરી જ હતી કે હજુ દોઢ વર્ષ સુધી તો આન્ટીને કંઈ જ થવાનું નથી.

હવે બે ત્રણ દિવસમાં જ રાજકોટનો પ્રોગ્રામ બનાવવો પડશે. ગુરુજીની પણ એ જ ઈચ્છા લાગે છે. નહીં તો આ રીતે ભારતી આન્ટીના પડોશીની જ ટ્રેઈનમાં ઓળખાણ ના થાય.

એણે તાત્કાલિક ત્રણ દિવસ પછીની સૌરાષ્ટ્ર મેલની રાજકોટ સુધીની સેકન્ડ એસીની ટિકિટ બુક કરાવી દીધી. વેકેશનની સિઝન ન હતી એટલે રિઝર્વેશન તરત મળી ગયું.

બીજા દિવસે સવારે અભિષેક ફોન કરીને યોગીજીના ઘરે પહોંચી ગયો.

" ગુરુજી નમસ્તે. " ઘરમાં પ્રવેશ કરીને અભિષેક બે હાથ જોડીને બોલ્યો.

"નમસ્તે બેટા. બોલો શું હતું ? " યોગીજી બોલ્યા.

" બે દિવસ પછી રાજકોટ જઈ રહ્યો છું એટલે તમારા આશીર્વાદ લેવા માટે જ આવ્યો છું. હવે દોઢ બે વર્ષ સુધી તમારી મુલાકાત નહીં થઈ શકે એટલે એમ થયું કે આજે જ મળી લઉં ." અભિષેક બોલ્યો.

" તારા મહાન ગુરુજીએ તારા માટે બધી વ્યવસ્થા વિચારી જ લીધી છે. તું જે દિવસે ઋષિકેશ ગયો એ જ દિવસે ભારતીબેનના પડોશી રસિકલાલને પણ હરિદ્વાર મોકલનાર ગુરુજી જ છે. એમણે કેવો સંયોગ ઉભો કર્યો કે વળતી વખતે તારા જ કમ્પાર્ટમેન્ટમાં એમને બેસાડ્યા. ગુરુજીની લીલા અદભુત છે. તેમના સંકલ્પ માત્રથી આ બધું આપોઆપ ગોઠવાતું હોય છે. આપણે આપણી બુદ્ધિથી આ બધું ના સમજી શકીએ." યોગીજી બોલ્યા.

અભિષેક તો આ વાત સાંભળીને આભો જ બની ગયો.

" હજુ એ ભારતીબેન સિવિલ હોસ્પિટલમાં જ રહેશે. જો જરૂર પડે તો એમને પરિમલ હોસ્પિટલમાં એડમીટ કરી દેજે. જો કે તારા ગયા પછી એમને સારું થઈ જ જશે. તું પરિમલમાં ડૉ. દેસાઈને જરૂર મળજે અને એમને મારું નામ દેજે. એમને મળ્યા પછી તારું આગળનું કામ ગોઠવાઈ જશે." યોગીજી બોલ્યા.

" મારા મહાન ગુરુજીની લીલા ખૂબ જ ન્યારી છે. રસિકલાલનો પરિચય કરાવીને એમણે તો મારું કામ ઘણું આસાન કરી દીધું. હું તો એ જ ટેન્શનમાં હતો કે ભારતી આન્ટીના ઘરે જઈને હું શું વાત કરીશ ! " અભિષેક બોલ્યો.

" તમે ઈશ્વરની શરણાગતિ લો અને આવા સમર્થ ગુરુ મળે પછી તમારે કોઈ ચિંતા કરવાની રહેતી જ નથી. ઘટનાઓ બધી આપોઆપ જ થતી રહે છે. ગુરુજીની નજર તમારી ઉપર હોય જ છે. તમારા કરતાં એમને તમારી ચિંતા વધારે હોય છે ! " યોગીજી બોલ્યા.

યોગીજીને પ્રણામ કરીને અભિષેક ત્યાંથી નીકળી ગયો અને એ જ સાંજે એ ઋષિકેશ અંકલના ઘરે મળવા ગયો.

" આવો આવો અભિષેક ભાઈ. આજે આમ અચાનક ! " ઋષિકેશ અંકલ બોલ્યા.

"તમે તો ગાયત્રી ઉપાસક છો. તમને તો એડવાન્સમાં બધી ખબર પડી જાય કે હું કેમ આવ્યો છું. " અભિષેક હસીને બોલ્યો.

" ચોક્કસ ખબર પડી જાય પરંતુ મારા માનસપટલ ઉપર જો તમારું ફોકસ કરું તો ! આજે તો મેં મારા ધ્યાનમાં તમારા ઉપર કોઈ ફોકસ કર્યું જ નથી." ઋષિકેશ અંકલ બોલ્યા.

" હું તો મજાક કરું છું અંકલ. પરમ દિવસે સૌરાષ્ટ્ર મેલમાં હું રાજકોટ જઈ રહ્યો છું. યોગીજીએ મને જે વાત કરેલી એ ભારતી આન્ટીની સેવા કરવાનો સમય હવે પાકી ગયો છે. એ અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છે એટલે હું ત્યાં સીધો હોસ્પિટલમાં જ જઈશ. મેં મારી હોસ્પિટલમાંથી રાજીનામું આપી દીધું છે એટલે હવે હું એકદમ ફ્રી છું. " અભિષેક બોલ્યો.

" ચાલો આ નિર્ણય તમે સારો કર્યો. તમારા પ્રાયશ્ચિતની યાત્રા હવે શરૂ થશે. દિલથી સેવા કરજો. તમારા થકી જ આજે એમની આવી હાલત છે." ઋષિકેશ અંકલ બોલ્યા.

" હા અંકલ. મને હજુ એક જ ટેન્શન છે કે એમના ઘરમાં એકલો રહીને હું શું કરીશ ? એ આ ઉંમરે જમવાનું બનાવતાં હશે કે નહીં એ પણ મને ખબર નથી. એ વૃદ્ધ આન્ટી સાથે મારો સમય કેવી રીતે પસાર થશે ! " અભિષેક બોલ્યો.

"જુઓ એના માટે બે રસ્તા છે. તમારે એમની સંભાળ રાખવાની છે એનો મતલબ એવો નથી કે એમના જ ઘરમાં તમારે ભાડે રહેવું. તમે બીજું કોઈ સારું મકાન લઈને એમને તમારી સાથે લઈ જઈ શકો છો. અથવા તો બીજા કોઈ ફ્લેટમાં તમે ભાડે રહો અને રોજ એમના ઘરે જઈને એમનું ધ્યાન રાખો. એમના જમવાની વ્યવસ્થા કરો. એમને અહેસાસ કરાવો કે એમનું પોતાનું કોઈક છે. બસ એમનો સંતોષ એ જ તમારું પ્રાયશ્ચિત છે. " અંકલ બોલ્યા.

" હા અંકલ. આ વિચાર તો મને આવ્યો જ ન હતો. યોગીજીના કહેવાનો અર્થ હું એવો સમજ્યો હતો કે મારે ફરજિયાત એમના જ ઘરે રહેવાનું છે. તમારા સૂચન પ્રમાણે હું સારું મકાન લઈને એમને સાથે રાખી શકું છું. ગુડ આઈડિયા ! " અભિષેક બોલ્યો.

" છતાં તમે સૌથી પહેલાં એમને એમના ઘરે લઈ જાઓ. ઘર કેવું છે અને ત્યાં તમે રહી શકો છો કે કેમ એ બધું જોઈ લો. અનુકૂળતા ન હોય તો પછી તમે મકાન રાખીને એમને શિફ્ટ કરી દો. " અંકલ બોલ્યા.

" હા અંકલ. હું એમ જ કરીશ. અને સમય પસાર કરવા માટે ત્યાં કોઈ હોસ્પિટલ પણ જોઈન કરી દઈશ. " અભિષેક બોલ્યો.

" હા એ તમારી ઈચ્છાની વાત છે. " અંકલ બોલ્યા.

" આજે શિવાની ઘરે લાગતી નથી. " અભિષેક બોલ્યો.

" અત્યારે તો એ એરપોર્ટ ઉપર ડ્યુટી ઉપર હોય ને ! ઘરે આવતાં એને નવ વાગી જાય છે. ક્યારેક સવારની ડ્યુટી પણ હોય છે. અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એની ડ્યુટી છે ! " ઋષિકેશ અંકલ બોલ્યા.

" હા એટલે જ. બે-ત્રણ દિવસ પહેલાં હું ફ્લાઈટમાં દિલ્હી થઈને ઋષિકેશ ગયેલો. જતાં અને આવતાં એરપોર્ટ ઉપર મેં એને જોવા કોશિશ કરેલી પણ મને એ ના દેખાઈ. મેં ઋષિકેશ ત્રિવેણી ઘાટ ઉપર વનિતા આન્ટીનું પિંડદાન તથા શ્રાદ્ધકર્મ કર્યું. " અભિષેક બોલ્યો.

" આ તમે બહુ સારું કામ કર્યું. એમને કોઈ પુત્ર ન હતો એટલે એમનું ક્રિયા કર્મ કોઈએ કર્યું જ ના હોય. અને તમે તો પાછા એમના વીલના વારસદાર છો એટલે તમારું એ કર્મ બને છે. કોઈના આત્માને સદગતિ આપો એ બહુ પૂણ્યનું કામ છે. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" આજે સવારે જ હું યોગીજીને મળીને એમના આશીર્વાદ લઈ આવ્યો. રાજકોટ જતાં પહેલાં તમને મળવાની ઈચ્છા હતી એટલે અહીં આવ્યો. પરમ દિવસે નીકળવાનું છે એટલે કાલથી બધી વ્યવસ્થા અને તૈયારી કરવી પડશે. " અભિષેક બોલ્યો.

" જરા પણ ચિંતા ના કરશો. તમારી અંદર ગાયત્રીની ચેતના સક્રિય છે એટલે આગળના રસ્તા આપોઆપ ખુલતા જશે. મારા પણ આશીર્વાદ તમારી સાથે જ છે. " અંકલ બોલ્યા.

અભિષેક એમનાં ચરણસ્પર્શ કરીને બહાર નીકળી ગયો. બહાર જઈને એણે રીક્ષા કરી લીધી.

છેલ્લા ૨૬ વર્ષથી એ મુંબઈમાં જ રહ્યો હતો એટલે મુંબઈ છોડીને દોઢ બે વર્ષ માટે રાજકોટ જવાનું કામ ઘણું અઘરું હતું. મુંબઈની એને માયા લાગી હતી. રાજકોટ વિશે એને કોઈ કલ્પના ન હતી. એવું લાગતું હતું કે જાણે આખી જિંદગી જ બદલાઈ જશે !

" માસી આવતીકાલે રાત્રે હું રાજકોટ જવા માટે નીકળી જઈશ. તમે અને આરતી જ્યાં સુધી અહીં રહેવું હોય ત્યાં સુધી રહી શકો છો. જો આરતીને અહીં મુંબઈમાં જ જોબ કરવી હોય તો આ ફ્લેટ તમારો જ છે. જરા પણ સંકોચ રાખવાની જરૂર નથી. તમારે આખી જિંદગી અહીં જ રહેવું હોય તો પણ તમે મારી માની જગ્યાએ છો. મુંબઈમાં નોકરીની તકો વધારે છે અને હું જે હોસ્પિટલમાં જોબ કરતો હતો ત્યાં પણ હું એને ગોઠવી શકું છું." બીજા દિવસે સવારે ચા પીતી વખતે અભિષેક બોલ્યો. આરતી પણ ત્યાં હાજર હતી.

અભિષેકની ખેલદિલી અને ઉદારતા જોઈને આરતી તો દંગ રહી ગઈ. ભાઈનું મન આટલું બધું વિશાળ હશે એની તો એને કલ્પના જ ન હતી. વીણા માસીની આંખો પણ અભિષેકની વાત સાંભળીને ભીની થઈ ગઈ.

" તારી લાગણી અને ભાવના હું સમજી શકું છું બેટા. પણ મીઠા ઝાડનાં મૂળ ના કપાય. તેં આટલું કહ્યું એમાં બધું આવી ગયું. નાશિકમાં જ એ નોકરી શોધી લેશે. " માસી બોલ્યાં.

" માસી હું કહેવા ખાતર કહેતો નથી. તમે અહીં રહેશો તો મારું ઘર પણ સચવાશે. અને તમારા નાશિક કરતાં મુંબઈમાં એને પગાર પણ સારો મળશે અને અહીં મકાનનું ભાડું પણ નહીં આપવું પડે ! એને નોકરી ના મળે ત્યાં સુધી દર મહિને હું તમને પચીસ ત્રીસ હજાર જેટલો ટેકો કરતો રહીશ." અભિષેક બોલ્યો.

હવે વીણા માસીને કંઈ પણ બોલવા જેવું રહ્યું ન હતું. ભાઈની વાતોથી આરતી તો ખૂબ જ ખુશ હતી કારણ કે એને તો મુંબઈ ગમી ગયું હતું અને આ ફ્લેટ પણ સરસ હતો !

અભિષેકે દોશી સાહેબને પણ પોતે રાજકોટ જઈ રહ્યો છે એની જાણ કરી દીધી. સાથે સાથે એણે પોતાની ફિયાંશી અંજલીને પણ મેસેજ કરી દીધો. અંજલી એની ભાવિ પત્ની હતી એટલે દર બે દિવસે રાત્રે ક્યારેક ફોન ઉપર તો ક્યારેક મેસેજથી અંજલી સાથે એ વાત કરી લેતો.

છેવટે વિદાયનો દિવસ આવી ગયો. મુંબઈ છોડવું ગમતું ન હતું પરંતુ પ્રાયશ્ચિત કરવું પણ જરૂરી હતું.

સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલથી રાત્રે સાડા નવ વાગે ઉપાડતો હતો અને બીજા દિવસે સવારે સવા દસ વાગે રાજકોટ પહોંચતો હતો.

અભિષેકે પોતાની ટ્રાવેલ બેગ તૈયાર કરી દીધી હતી અને એમાં ઘરમાં પડેલા રોકડા પાંચ લાખ પણ મૂકી દીધા હતા. બેંકની ચેકબુક પણ એણે લઈ લીધી હતી. એ સિવાય જરૂરી કપડાં ટુવાલ વગેરે બેગમાં પેક કરી દીધાં.

દહીસરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ટેક્સીમાં જઈ શકાય પરંતુ એ રુટ ઘણો લાંબો હતો એટલે એણે લોકલ ટ્રેઈન પકડવાનું જ નક્કી કર્યું. એણે સાંજે સાત વાગે જમી લીધું અને માસીની વિદાય લઈને સાડા સાત વાગે ઘરની બહાર નીકળી ગયો. નીચેથી રીક્ષા કરી સ્ટેશન પહોંચી ગયો અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ લીધી.

આજે શનિવાર હતો એટલે સાંજના આ ટાઈમે ચર્ચગેટ તરફ જવા એટલી બધી ભીડ ન હતી. એને ૭:૪૫ ની ફાસ્ટ લોકલ મળી ગઈ અને બેસવાની જગ્યા પણ મળી ગઈ. સાડા આઠ વાગે તો એ મુંબઈ સેન્ટ્રલ પહોંચી પણ ગયો.

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપર ૩ નંબરના પ્લેટફોર્મ ઉપર ૯ વાગે ટ્રેઈન મુકાઈ ગઈ. અભિષેકે સેકન્ડ એસીના એના કોચમાં પોતાની સાઈડ લોઅર બર્થ લઈ લીધી. ટ્રાવેલ બેગને નીચે સરકાવીને એ શાંતિથી બેસી ગયો.

સૌરાષ્ટ્ર મેલ એના સમય પ્રમાણે સાડા નવ વાગે સ્ટાર્ટ થઈ ગયો. સેકન્ડ એસી માં મુસાફરી ખૂબ જ આરામદાયક હતી. અડધા કલાક પછી એ ધાબળો ઓઢીને સૂઈ ગયો અને વહેલી સવારે પોણા પાંચ વાગ્યે જાગી ગયો.

બ્રશ વગેરે પતાવીને એણે ગાયત્રી મંત્રની પાંચ માળા ચાલુ કરી દીધી. સાડા પાંચ વાગે અમદાવાદ આવ્યું ત્યારે એની માળા પૂરી થઈ ગઈ હતી. એ નીચે ઉતર્યો અને સ્ટોલ ઉપર જઈને ચા પી લીધી. સ્ટેશન ઉપર ઘણો બધો ગરમ નાસ્તો મળતો હતો પરંતુ અભિષેકને આટલા વહેલા નાસ્તો કરવાની કોઈ ટેવ ન હતી.

બરાબર દસ વાગે રાજકોટ સ્ટેશન આવી ગયું. ટ્રેઈનમાં જ સર્ચ કરીને સારી હોટલોમાં ગ્રાન્ડ ઠાકર હોટલનું નામ એણે શોધી કાઢ્યું હતું. બીજું કારણ એ પણ હતું કે આ હોટલ સિવિલ હોસ્પિટલની બિલકુલ બાજુમાં હતી.

સ્ટેશનની બહાર નીકળીને એણે રીક્ષા કરી લીધી અને ગ્રાન્ડ ઠાકર હોટલ પહોંચી ગયો. બીજા માળે એને સરસ એસી રૂમ મળી ગયો.

ગઈ કાલે સાંજે સાત વાગે એ ઘરે જમ્યો હતો એટલે બરાબર જમાયું ન હતું. હોટલ પહોંચીને એને ભૂખનો અનુભવ થયો પરંતુ નાસ્તો મંગાવતાં પહેલાં પ્રથમ એણે નાહી લીધું.

એ પછી એણે મસાલા ઢોંસાનો ઑર્ડર ઇન્ટરકોમ ફોન ઉપર આપી દીધો. નાસ્તો કરીને એણે બે કલાક આરામ કર્યો અને પછી બપોરે એક વાગે નીચે ડાઇનિંગ હોલમાં જમી આવ્યો. એણે સાંભળ્યું હતું કે અહીંનો થાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ એણે આજે જાતે અનુભવ કર્યો ત્યારે એને લાગ્યું કે ભોજન સરસ હતું !

એ પછી બે કલાક આરામ કરીને અભિષેક બપોરે ત્રણ વાગે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો. એને ખબર જ હતી કે ભારતી આન્ટી ગરીબ હોવાના કારણે સ્ત્રીઓના જનરલ વોર્ડમાં જ દાખલ થયાં હશે. એ સીધો પહેલા માળે એ તરફ જ ગયો.

એણે વોર્ડની એન્ટ્રીમાં જ બેઠેલી બે નર્સોને ભારતીબેન દાવડાનું નામ આપ્યું. એક નર્સે સાત નંબરના બેડ તરફ ઈશારો કર્યો.

" ઓકે. હું ડોક્ટર અભિષેક છું. હું મુંબઈથી આવું છું મારે એમની ફાઈલ જોવી છે. " અભિષેક નર્સને કહ્યું.

ડોક્ટરનું નામ સાંભળીને નર્સે સાત નંબરના પેશન્ટ ની ફાઈલ અભિષેકને જોવા માટે આપી.

અભિષેકે ફાઈલ જોઈ લીધી. કેસ ફાઈલમાં ભારતીબેન સુરેશભાઈ દાવડા નામ લખેલું હતું. ફાઈલમાં એલર્જીક બ્રાંકાઇટીસનો ઉલ્લેખ થયેલો હતો. લાઈન ઓફ ટ્રીટમેન્ટ તો બરાબર જ હતી. દર્દીની હાલતમાં પણ સુધારો હતો. એમને પરિમલ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂર અભિષેકને ના લાગી.

અભિષેક ભારતી આન્ટીના બેડ પાસે ગયો અને એમના માથા ઉપર હાથ ફેરવ્યો. એ પછી એણે પોતાના મનનું ફોકસ ભારતી આન્ટીના સબ કોન્સિયસ માઈન્ડ ઉપર કર્યું અને ગયા જનમમાં કરેલા પાપ માટે મનોમન સાચા હૃદયથી માફી માગી. પોતાને અભિશાપમાંથી મુક્ત કરવાની વિનંતી પણ કરી. બે મિનિટ સુધી એ પોતાની અંદર ઉતરી ગયો.

એ પછી એ ધ્યાનમાંથી બહાર આવ્યો અને ફરીથી આન્ટીના માથા ઉપર અને ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. આ વખતે આન્ટી જાગી ગયાં. દવાઓની અસરના કારણે એમની આંખ મળી ગઈ હતી. ઘેનની થોડી અસર હતી.

" કેમ છો માસી ? હવે સારું લાગે છે ?" અભિષેકે પ્રેમથી પૂછ્યું. એનાથી આન્ટીના બદલે માસી બોલાઈ ગયું.

આન્ટીએ જોયું તો પોતાની સામે કોઈ નવયુવાન ઊભો હતો અને હસીને પોતાની ખબર પૂછી રહ્યો હતો.

"હું ડોક્ટર અભિષેક છું માસી. તમને હવે બે દિવસ પછી રજા આપી દેશે. હું તમને તમારા ઘરે લઈ જઈશ." અભિષેક બોલ્યો.

ભારતી આન્ટીને તો એમ જ લાગ્યું કે હોસ્પિટલનો જ આ કોઈ નવો ડોક્ટર લાગે છે. પણ ઘરે લઈ જવાની વાત એમને બહુ સમજાઈ નહીં.

એમણે બસ અભિષેક સામે બે હાથ જોડ્યા. જવાબ આપવા જેવું કંઈ હતું નહીં.

બે દિવસ સુધી અભિષેક ગ્રાન્ડ ઠાકર હોટલમાં જ રોકાયો. દિવસમાં ત્રણ ચાર વાર એ આન્ટીની ખબર લઈ આવતો. હોસ્પિટલમાં એણે ભારતીય આન્ટીના દૂરના સંબંધી તરીકે પોતાની ઓળખાણ આપી.

એ દરમિયાન એણે ગૂગલ દ્વારા સર્ચ કરી એક એસ્ટેટ બ્રોકરનો સંપર્ક સાધ્યો અને રાજકોટના કોઈ પોશ એરિયામાં સારો વેલ ફર્નિશ ફ્લેટ શોધી આપવાની વાત કરી. પોશ એરિયા એટલા માટે કે ત્યાં રસોઈ માટે કોઈ બહેન અને ઘરના કામકાજ માટે કોઈ નોકર પણ મળી રહે.

એ સિવાય બે દિવસ દરમિયાન બાકીના સમયમાં સ્પેશિયલ રીક્ષા કરીને એણે આખા રાજકોટના જુદા જુદા એરિયામાં ચક્કર મારીને રાજકોટની ભૂગોળ સમજી લીધી. બસ હવે રાજકોટમાં ઇતિહાસ સર્જવાનો બાકી હતો !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."