અભિષેક (Abhishek Novel Part-17)

Related

અભિષેક પ્રકરણ 17

બે દિવસ રાજકોટની ગ્રાન્ડ ઠાકર હોટલમાં રોકાઈને અભિષેકે આખા રાજકોટના તમામ એરીયા જોઈ લીધા. જે શહેરમાં દોઢ બે વર્ષ જેટલો સમય કાઢવાનો હોય એનો પરિચય તો મેળવવો જ પડે !

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

રાજકોટની ભૂમિમાં યાજ્ઞિક રોડ ઉપર આવેલો શ્રી રામકૃષ્ણ દેવનો આશ્રમ અને કુવાડવા રોડ ઉપર આવેલો શ્રી રણછોડદાસજી મહારાજનો આશ્રમ એને બહુ જ ગમ્યા. અભિષેકની અંદર રહેલી આધ્યાત્મિક ચેતનાના કારણે આ બે આશ્રમો તરફ એનું મન ખેંચાઈ ગયું. આ બંને સ્થાનો ખૂબ જ જાગૃત હતાં.

બે દિવસ પછી સવારે આઠ વાગે એણે રસિકલાલ અંકલને ફોન કર્યો જે એને ટ્રેઈનમાં મળેલા.

" અંકલ હું ડૉ. અભિષેક બોલુ. હું રાજકોટ આવી ગયો છું અને અત્યારે ગ્રાન્ડ ઠાકર હોટલમાં ઉતર્યો છું. આજે ભારતી માસીને હોસ્પિટલમાંથી રજા આપવાની છે. તમે જો ૧૧ વાગે સિવિલ હોસ્પિટલમાં આવી જાઓ તો આપણે માસીને ઘરે લઈ જઈએ. " અભિષેક બોલ્યો.

" અરે ડોક્ટર સાહેબ હું ચોક્કસ આવી જઈશ. એમને દાખલ પણ મેં જ કર્યા હતા. હું મારા સંબંધીની ગાડીની પણ વ્યવસ્થા કરું છું." અંકલ બોલ્યા અને એ સવા અગિયાર વાગે સ્ત્રીઓના વોર્ડમાં આવી પણ ગયા.

અભિષેકે ત્યાં સુધીમાં ભારતી આન્ટી ના ડિસ્ચાર્જની બધી વિધિ પતાવી દીધી હતી એટલે આન્ટીનો હાથ પકડીને ધીમે ધીમે એમને લિફ્ટ સુધી લઈ ગયો અને પછી બહાર આવીને છેક ગાડી સુધી પણ લઈ ગયો.

"આ ગાડીમાં બેસી જાઓ બેન. આ ડોક્ટર સાહેબ છેક મુંબઈથી તમને મળવા માટે આવ્યા છે. " રસિક અંકલ બોલ્યા.

ભારતી આન્ટી ઉમરના પ્રમાણમાં વધુ પડતાં વૃદ્ધ અને અશક્ત લાગતાં હતાં. તેમની ઉંમર તો ૭૫ આસપાસની હતી પરંતુ દેખાવે જાણે કે ૮૦ ૮૨ વર્ષનાં લાગતાં હતાં. એકાકીપણું અને જિંદગીમાં ખાધેલી ઠોકરોના કારણે એમની આવી હાલત થઈ હતી.

રઘુવીરપરા શેરી નંબર પાંચમાં ગાડી દાખલ થઈ અને એમના ઘર આગળ અંકલે ગાડી ઉભી રખાવી.

અભિષેકે હાથ પકડીને ધીમે ધીમે ભારતી આન્ટીને ગાડીમાંથી નીચે ઉતાર્યાં . અંકલે મકાનનો દરવાજો ખોલ્યો અને બે ત્રણ પગથિયાં ચડાવીને એમને અંદર લઈ ગયા.

રસિક અંકલે કહ્યું હતું એમ મકાન ખરેખર જર્જરિત હતું. દાખલ થતાં જ એક મોટો રૂમ. બાજુમાં ઓરડો અને કિચન હતાં. બહારથી અને અંદરથી દીવાલોનાં પોપડાં ઉખડી ગયાં હતાં.

આ મકાનમાં દોઢ વર્ષ સુધી રહી શકાય જ નહીં. ઋષિકેશ અંકલની સલાહ સાચી હતી. સારો ફ્લેટ રાખીને ભારતી આન્ટીને પોતાની સાથે લઈ જવાં પડશે.

ઓરડામાં લાકડાનો એક પલંગ હતો અને એના ઉપર ગાદલુ પાથરેલું હતું. ચાદર મેલીઘેલી હતી. રસિકલાલ એમને બેડરૂમમાં લઈ ગયા અને બેડ ઉપર સૂઈ જવાનું કહ્યું. અભિષેકે ઓરડાની બારી ખોલી નાખી જે ગલીમાં પડતી હતી.

ભારતી આન્ટીએ હાથથી પાણી પીવાનો ઈશારો કર્યો. કિચનમાં એક માટલું ભરેલું હતું પરંતુ એ પાણી અઠવાડિયાનું વાસી હતું. રસિકલાલ તરતજ પોતાના ઘરે જઈને પાણીનો એક જગ લઈ આવ્યા અને આન્ટીને પાણી પાયું.

" બેન હવે તમે અહીં આરામ કરો. હું તમને જમવાનું પહોંચાડું છું. તમારા મહેમાન આ ડોક્ટર સાહેબ મારા ઘરે જમશે." રસિકલાલ બોલ્યા.

" સાહેબ મને તમારી ઓળખાણ ના પડી." ધીમા અવાજે આન્ટી બોલ્યાં.

" હું તમને શાંતિથી મારી ઓળખાણ આપીશ માસી. હું મુંબઈથી આવ્યો છું. અત્યારે તમે આરામ કરો. હું અંકલના ઘરે જાઉં છું. " અભિષેક બોલ્યો અને અંકલની સાથે બહાર નીકળ્યો.

આન્ટીના ઘરથી ત્રીજું જ મકાન રસિકલાલનું હતું અને એ મકાન ખૂબ જ વ્યવસ્થિત હતું. બે વર્ષ પહેલાં જ આખું મકાન રીનોવેટ કરાવ્યું હતું. ફ્લોર ઉપર માર્બલ્સની ટાઇલ્સ હતી. દિવાલોને પણ કલર કરેલો હતો. વચ્ચેના મુખ્ય રૂમમાં એક હિંચકો પણ હતો. સાઈડમાં બે સોફા મુકેલા હતા.

અંકલે અભિષેકને સોફા ઉપર બેસવાનું કહ્યું. પોતે હીંચકા ઉપર બેઠા.

" જુઓ સાહેબ આ અમારી રાજકોટની મઢુલી ! અત્યારે તો હું નિવૃત્ત છું. મારો ટ્રાવેલિંગનો બિઝનેસ હતો. મારી પોતાની ત્રણ લક્ઝરી હતી. ધંધો ખૂબ જામેલો હતો પણ કોવિીડમાં ભારે ખોટ ગઈ. બે વર્ષ સુધી કોઈ ધંધો હાલ્યો જ નહીં. છેવટે ગાડીઓ વેચી દીધી અને હવે શાંતિનું જીવન જીવું છું. એક દીકરો હતો એ પાછો થ્યો હવે ખાલી એક દીકરી છે." રસિકલાલ બોલ્યા.

" આ ઉંમરે શાંતિની જ જરૂર હોય છે અંકલ. ઈચ્છાઓનો તો કોઈ અંત જ નથી અને ગમે એટલા રૂપિયા કમાઓ પણ સંતોષ હોતો નથી. મારી જ વાત કરો ને ! બોરીવલીની સારામાં સારી હોસ્પિટલમાં હું ડોક્ટર હતો. પૈસાની મને કોઈ તકલીફ નથી. છતાં મારા એક મિત્ર દ્વારા ભારતી આન્ટી વિશે સાંભળ્યું એટલે નોકરી છોડીને એમની સેવા કરવા માટે અહીં આવી ગયો. " અભિષેક બોલ્યો.

" ખોટું ના લગાડશો સાહેબ. અમે તો બહુ નાના માણસ છીએ. તમે આવી નોકરી છોડીને રાજકોટ આવી ગયા એનું મને બહુ જ આશ્ચર્ય થાય છે. આ કળિયુગમાં સેવા કરવા માટે કોઈ મુંબઈથી આવતું નથી. તમારી વાતમાં કંઈક ઊંડાણ છે. પણ અત્યારે મારે જાણવું નથી. જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે મને વાત કરજો. " રસિકલાલ બોલ્યા.

" મેં એક દલાલને સારું મકાન શોધી આપવા માટે કહ્યું છે. મારે આન્ટીને મારી સાથે ત્યાં જ લઈ જવાં પડશે. રસોઈ કરવા માટે કોઈ બાઈ રાખી દઈશ અને માજીની સેવા કરવા માટે પણ એકાદ નર્સની વ્યવસ્થા કરીશ. " અભિષેક બોલ્યો.

" વાહ સાહેબ વાહ. આટલી ઉંમરે ભારતીબેનનાં નસીબ ખુલી ગયાં. બિચારી બાઈએ બહુ જ દુઃખ વેઠ્યું છે. એક સમય તો એવો હતો કે બે ઘરે એ રસોઈ કરવા જતાં હતાં. ખોટું નહીં બોલું પણ મારા ઘરે પણ પાંચ વર્ષ સુધી રસોઈ કરી છે. સિલાઈ કામ પણ કરતાં હતાં. ભર યુવાન વયે એકસીડન્ટમાં પતિ ગુમાવી દીધો અને એમની આ હાલત થઈ ! " અંકલ બોલ્યા.

અંકલની વાત સાંભળીને અભિષેકને પોતાના પૂર્વ જન્મના કર્મ માટે ખૂબ જ પસ્તાવાની લાગણી થઈ.

" હા એ બધી વાત મને મારા મિત્ર એ કરી જેણે મને અહીં મોકલ્યો." અભિષેક બોલ્યો.

એટલામાં કિચનમાંથી રસિકલાલનાં પત્ની અને દીકરી બહાર આવ્યાં. દીકરીએ પાણીનો ગ્લાસ અભિષેકના હાથમાં આપ્યો.

"આ મારી પત્ની સુશીલા જે ટ્રેઈનમાં મારી સાથે હતી. આ મારી દીકરી નેહા અને દીકરા અમિત વિશે તો તમે જાણો જ છો. " રસિકલાલ બોલ્યા.

" નમસ્તે આન્ટી " સુશીલાબેન સામે જોઈને અભિષેકે હાથ જોડ્યા.

" હાલો હવે આપણે જમી લઈએ. અને નેહા બેટા તું ભારતી કાકીને જમાડી આવ. જોડે બેસીને જમાડજે અને જમી રહે એટલે હાથ પણ ધોઈ આપજે." રસિકલાલ બોલ્યા.

મુખ્ય ખંડમાં જ કિચન તરફ નાનકડું ડાઇનિંગ ટેબલ હતું અને ખૂણામાં વોશ બેસીન પણ હતું. અભિષેકે બેસીન પાસે જઈને હાથ ધોઈ નાખ્યા અને ત્યાં રાખેલા નેપકીનથી હાથ લૂછીને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયો. અંકલ પણ બાજુમાં બેસી ગયા.

સુશીલાબેને બંનેને થાળીઓ પીરસી દીધી અને પાણીના ગ્લાસ અને એક લોટો પણ મૂકી દીધો.

જમવામાં બાસુદી, પૂરી, ઊંધિયું, કઢી ભાત અને એક અડદિયો પણ મૂકેલો હતો. બાસુદી બહારથી મંગાવેલી હતી.

" આ અડદિયો અમારા રાજકોટની સિગ્નેચર આઈટમ છે. મહેમાનની થાળીમાં એ ના હોય તો ના ચાલે. " રસિક અંકલ હસીને બોલ્યા.

એ દરમિયાન નેહા ઢાંકેલી થાળી લઈને ભારતી આંટીના ઘરે એમને જમાડવા માટે ગઈ.

" ચાલો હવે હું રજા લઉં. હોટલમાં જઈને થોડો આરામ કરીશ. ફરી પાછો કાલે આન્ટીને મળવા માટે આવી જઈશ. કાલે જમવાની ધમાલ ના કરશો. હું ઠાકરમાં જ જમી લઈશ." જમ્યા પછી અભિષેક બોલ્યો.

" અરે પણ હમણાં થોડા દિવસ આપણા ઘરે જ જમવાનું રાખો ને." અંકલ બોલ્યા.

" તમે આટલું કહ્યું એમાં બધું આવી ગયું. મારે તો હવે રોજનું થયું. તમને હું રોજ મળતો રહીશ. થોડા દિવસ આન્ટીની સંભાળ જરા રાખજો. મને ભાડાનું મકાન મળી જાય પછી હું એમને લઈ જઈશ." અભિષેક બોલ્યો.

" ભારતીબેનની ચિંતા તમે કરશો જ નહીં. એ હવે અમારી જવાબદારી છે. તમે મારા અમિત માટે ટ્રેઈનમાં જે વાત કરી એનાથી અમને ખૂબ જ શાંતિ મળી છે. " અંકલ બોલ્યા.

" મારે હવે અહીં દોઢ બે વર્ષ રહેવાની ઈચ્છા છે તો ૧૫ ૨૦ દિવસ પછી એક ગાડી મારે લેવી છે. હ્યુન્ડાઈનો ડીલર તમારા ધ્યાનમાં હોય તો ક્રેટા લેવાની મારી ઈચ્છા છે. જો કે ડ્રાઇવિંગ મને આવડતું નથી એટલે પહેલાં અહીં કોઈ ક્લાસ જોઈન કરીને ડ્રાઇવિંગ શીખી લઈશ. " અભિષેક બોલ્યો.

" હું તો ટ્રાવેલિંગના ધંધામાં જ હતો એટલે હ્યુન્ડાઈના શોરૂમવાળા બધા મને ઓળખે. રીંગ રોડ ઉપર રોયલ પાર્ક પાસે મોટો શોરૂમ છે ત્યાંથી હું તમને અપાવી દઈશ. જ્યારે લેવાની ઈચ્છા હોય ત્યારે કહેજો. મારી પોતાની ગાડી મારી પાસે હતી પરંતુ અમિત ગયા પછી મેં કાઢી નાખી. એ જ ફેરવતો હતો. " અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ. કાલે સવારે મળીશું." અભિષેક બોલ્યો અને બહાર નીકળી ગયો. શેરીમાંથી બહાર નીકળીને એણે રીક્ષા કરી લીધી.

હોટલે પહોંચીને બે ત્રણ કલાક એણે આરામ કર્યો ત્યાં એસ્ટેટ બ્રોકરનો ફોન આવ્યો.

" સર અહીં યુનિવર્સિટી રોડ ઉપર રવિરત્ન શેરી નંબર ૬ માં ચંદારાણા ટાવર છે. ત્યાં બીજા માળે એક સરસ વેલ ફર્નિશ ફ્લેટ ખાલી છે. પાર્ટી અમેરિકા રહે છે. ચાવી પડોશમાં આપેલી છે. ભાડું થોડું વધારે છે પરંતુ તમારા લાયક આ સરસ જગ્યા છે. જો તમે કહેતા હો તો હું તમને લેવા આવું. " દલાલ બોલ્યો.

" ગ્રાન્ડ ઠાકર હોટલમાં આવી જાઓ ભાઈ અને નીચે આવીને મને ફોન કરો. હું અત્યારે ફ્રી જ છું. " અભિષેક બોલ્યો.

પંદર મિનિટમાં જ એસ્ટેટ બ્રોકર પોતાની ગાડી લઈને આવી ગયો. બ્રોકર પણ ગાડી લઈને ફરે છે એ જોઈને એને આશ્ચર્ય થયું.

વીસ મિનિટમાં જ ચંદારાણા ટાવરમાં દલાલે પ્રવેશ કર્યો. બીજા માળે પડોશમાંથી ચાવી લઈને ૨૦૧ નંબરનો ફ્લેટ ખોલ્યો. ફ્લેટ જોઈને જ અભિષેકને ગમી ગયો. બે બેડરૂમ કિચનનો ફ્લેટ હતો અને એકદમ ટીપટોપ કન્ડિશનમાં હતો.

પ્લસ પોઇન્ટ એ હતો કે કોઈ વસ્તુ બહારથી લાવવી પડે એવી હતી નહીં. કિચનમાં ગેસ કનેક્શન પણ હતું અને વાસણો પણ વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. બે વોર્ડ રોબ પણ હતા અને સ્ટીલનું કબાટ પણ હતું. વોશ રૂમમાં ગીઝર પણ ફીટ કરેલું હતું.

" મને પસંદ છે. તમે એગ્રીમેન્ટ બનાવી શકો છો. તમે કહ્યું એ પ્રમાણે બે મહિનાનું એડવાન્સ ભાડું અને ડિપોઝિટ પણ મળી જશે. " અભિષેક બોલ્યો.

એ પછીના ચાર દિવસમાં તો ઘણી બધી ઘટનાઓ બની ગઈ. બીજા જ દિવસે અભિષેકે સવારે જ દલાલ ને તમામ રકમ ચૂકવી દીધી અને ફ્લેટની ચાવી પણ લઈ લીધી. ભાડા કરારનું એગ્રીમેન્ટ બનાવવાનું પણ કહી દીધું.

એ પછી પડોશમાં રહેતાં સ્વાતિ બહેનની કામવાળીને ૧૦૦૦ રૂપિયા આપીને પોતાના આખા ફ્લેટની સાફ સફાઈ કરાવી દીધી. એટલું જ નહીં એ જ કામવાળીને પોતાના ઘરે રોજ સવારે કચરા પોતું અને બે ટાઈમ વાસણ માંજવાનું પણ કહી દીધું. સારા એવા પૈસા મળતા હોવાથી કામવાળી તરત તૈયાર થઈ ગઈ.

સ્વાતિબહેનને અને બીજા બે પડોશીને રસોઈ કરવાવાળાં કોઈ બહેન શોધી આપવાની વિનંતી અભિષેકે કરી. કારણ કે આ એરિયામાં એ કોઈને ઓળખતો ન હતો.

એ પછીના દિવસે ભારતી આન્ટીને પણ નવા ફ્લેટમાં લઈ આવ્યો. ભારતી આન્ટી શરૂઆતમાં તો પોતાનું ઘર છોડવા માટે બિલકુલ તૈયાર ન હતાં. કોઈ અજાણ્યા યુવાન સાથે ફ્લેટમાં રહેવાનું એમને યોગ્ય ન લાગ્યું. પરંતુ રસિક અંકલે બહુ જ સમજાવ્યા પછી એ ફ્લેટમાં જવા માટે તૈયાર થયાં.

" ભાઈ તમે કોણ છો ? અને શા માટે તમે મારી આટલી બધી કાળજી રાખો છો ? તમે મુંબઈ છોડીને અહીં કેમ આવ્યા છો ? " ફ્લેટમાં આવ્યા પછી બીજા દિવસે સવારે ચા પીતી વખતે ભારતી આન્ટીએ આ સવાલ પૂછ્યો. આજે સવારની ચા અભિષેકે જાતે જ બનાવી હતી.

સવારે વહેલા ઊઠવાની એને ટેવ હતી એટલા માટે એ પાંચ વાગ્યે જ ઉઠી ગયો હતો અને નાહી ધોઈને ગાયત્રી ની માળા કરી નીચે જઈને દૂધ લઈ આવ્યો હતો.

"માસી મારા પપ્પા રજનીકાન્તભાઈ તમારા પતિ સુરેશભાઈના ખાસ મિત્ર હતા. મારા પપ્પા પહેલાં રાજકોટ જ રહેતા હતા. એ પછી એ મુંબઈ સ્થાયી થયા. સુરેશભાઈ સાથે જે દુર્ઘટના બની એ મારા પપ્પાને ખબર હતી. " અભિષેક વાર્તા બનાવીને આન્ટીને કહી રહ્યો હતો. એણે ભારતી આન્ટીની કેસ ફાઈલમાંથી સુરેશભાઈ નામ યાદ રાખી લીધું હતું.

" એક મહિના પહેલાં એક રાત્રે સપનામાં મારા પપ્પા આવ્યા હતા અને મને સૂચના આપી હતી કે તું રાજકોટ જતો રહે અને મારા મિત્રની પત્ની ભારતીની તું દીકરાની જેમ સેવા કર. એની ઉંમર અત્યારે ૭૫ વર્ષ આસપાસ થઈ હશે. તમારા ઘરનું સરનામું પણ મારા પપ્પાએ મને સપનામાં આપેલું. આ સપનું સવારે જાગ્યા પછી પણ મને યાદ હતું. એ જ સપનું બે દિવસ પછી ફરીથી આવ્યું એટલે મને વિશ્વાસ બેઠો." અભિષેક બોલી રહ્યો હતો.

આટલી વાત સાંભળીને ભારતી આન્ટીની આંખો ઉભરાઈ ગઈ. ૫૦ વર્ષ પહેલાંની એ દુર્ઘટના યાદ આવી ગઈ. જો કે એમને પોતાના પતિના મિત્રોમાંથી રજનીકાન્ત નામના કોઈ મિત્રનું નામ યાદ આવતું ન હતું. પણ એ ગૌણ બાબત હતી. કદાચ આ નામનો કોઈ મિત્ર હોય પણ ખરો !

" એ પછી એકવાર હું મારા મમ્મીનાં અસ્થિ પધરાવવા માટે ઋષિકેશ ગયો હતો અને ત્યાંથી વળતી વખતે ટ્રેઈનમાં અચાનક મને રસિક અંકલનો ભેટો થઈ ગયો. વાત વાતમાં ખબર પડી કે એ પણ રઘુવીરપરામાં જ રહે છે એટલે પછી મેં એમને તમારા વિશે પૂછ્યું. તો એ તો તમને ઓળખતા જ હતા. મને લાગ્યું કે મને આવેલું સપનું સાચું જ હતું. એટલે પછી મેં અહીં આવવાનો નિર્ણય લીધો. " અભિષેકે વાર્તા પૂરી કરી.

ભારતી આન્ટીને પોતાની વાત ગળે ઉતરે એના માટે આ વિચાર આપવા બદલ એણે પોતાના મહાન ગુરુજી અને યોગીજીનો પણ આભાર માન્યો.

" તમારી વાત સાંભળીને મને તો બહુ જ નવાઈ લાગે છે ભાઈ. આટલા વર્ષ પછી તમારા પપ્પા તમારા સપનામાં આવ્યા અને તમને મારી પાસે મોકલ્યા એ તમારી વાત માની લઉં છું પણ મારું મગજ કંઈ કામ કરતું નથી. જે હોય તે પણ તમે તો મારા માટે જાણે ભગવાન બનીને આવ્યા છો. હવે મરવાની ઉંમરે આટલું સુખ મને મળશે એવું તો મેં વિચાર્યું જ ન હતું ! " આન્ટી બોલ્યાં.

એમને આજે ઘણી સ્ફૂર્તિ લાગતી હતી. છેલ્લા બે દિવસથી અભિષેક એમને દિવસમાં ત્રણ વાર ફ્રૂટના જ્યુસ આપતો હતો.

એ જે એરિયામાં રહેતો હતો એ રવિરત્ન સોસાયટીમાં એક બહેન ટિફિન સર્વિસ પૂરી પાડતાં હતાં. આ માહિતી સ્વાતિ બહેને જ આપી હતી. અભિષેકે ત્યાંથી બે ટાઈમનું ટિફિન બંધાવી દીધું. એક છોકરો ઘરે આવીને આપી જતો હતો. માસીનો ખોરાક બહુ ન હતો એટલે એક જ ટિફિન અને ત્રણ રોટલી એક્સ્ટ્રા એણે બંધાવી હતી !

નવા ફ્લેટમાં રહેવા ગયા પછીના ત્રણ દિવસ બાદ એણે યુનિવર્સિટી રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આવેલી જય બાલાજી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરી. સળંગ વીસ દિવસ સુધી રોજ સાંજે પાંચ વાગે જઈને એણે કારનું ડ્રાઇવિંગ સરસ રીતે શીખી લીધું. એણે ડ્રાઇવિંગ દરમિયાન ઢેબર રોડ ગોંડલ રોડ અને રીંગ રોડ જેવા તમામ ભરચક રસ્તાઓમાં ગાડી ચલાવી. એ પછી એને સ્કૂલ દ્વારા પાકું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી ગયું.

બસ હવે પોતાની ગાડી લેવામાં કોઈ જ વાંધો ન હતો. રસિક અંકલને સાથે લઈને એક સારા દિવસે હ્યુન્ડાઈની ક્રેટા ગાડી એણે ખરીદી લીધી.

ગાડી ખરીદ કરીને પહેલા જ દિવસે ભારતી આન્ટીને ગાડીમાં બેસાડી યાજ્ઞિક રોડ ઉપર શ્રી રામકૃષ્ણ દેવની દિવ્ય મૂર્તિનાં દર્શન કરાવી આવ્યો !

" બેટા ખરેખર તું મારો દીકરો બનીને આવ્યો છે. " દર્શન કર્યા પછી ભારતી આન્ટીના આ શબ્દો હતા !

અભિષેકને લાગ્યું કે હવે મારા પાછલા જન્મનું પાપ કર્મ ધીમે ધીમે ધોવાઈ રહ્યું છે !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."