અભિષેક પ્રકરણ 18
ફ્લેટમાં રહેવા ગયા પછી પંદર દિવસમાં અભિષેક બરાબર સેટ થઈ ગયો. યુનિવર્સિટી એરીયા અને કાલાવડ રોડથી પણ સારી રીતે પરિચિત થઈ ગયો.
અભિષેક નવલકથા
એણે શરૂઆતથી જ એના ફ્લોર ઉપરના ત્રણેય પડોશીઓને ભારતી આન્ટીની ઓળખાણ પોતાની સગી માસી તરીકે આપી હતી. અને ભારતી આન્ટીને પણ એણે કહી દીધું હતું કે તમારે મારી ઓળખાણ તમારા ભાણા તરીકે જ આપવી.
ઘરે ગાડી આવી ગયા પછી અભિષેક રોજ સાંજે રાજકોટના જુદા જુદા એરિયાનું ચક્કર મારી આવતો હતો. રામકૃષ્ણ આશ્રમના ધ્યાન ખંડમાં એને બહુ જ શાંતિ મળતી હતી. એટલે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ તો એ અવશ્ય ત્યાં ધ્યાન માટે જતો.
હવે એ ઘરે આરામ કરી કરીને કંટાળી ગયો હતો એટલે ટાઈમ પસાર કરવા માટે પણ કોઈ હોસ્પિટલ જોઈન કરવી જરૂરી હતી.
એને યાદ હતું કે યોગીજીએ એને અહીંની પરિમલ હોસ્પિટલમાં કોઈ ડૉ. દેસાઈને મળવાનું ખાસ કહ્યું હતું. આ હોસ્પિટલ કાલાવડ રોડ ઉપર જ હતી એટલે એની નજીક પણ હતી.
એણે એક દિવસ સવારે દસ વાગે પરિમલ હોસ્પિટલની મુલાકાત લીધી. એને જાણવા મળ્યું કે ડૉ. દેસાઈ હોસ્પિટલના સર્વેસર્વા હતા. મોટા ભાગનું રોકાણ એમનું જ હતું. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી એટલે જુદા જુદા વિભાગમાં ચાર ડોક્ટરો વીઝીટીંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા. એક આરએમઓ હતો અને બે આસિસ્ટન્ટ ડોક્ટર દિવસે તથા રાત્રે સેવા આપતા હતા.
"હેલો દેસાઈ સાહેબ. હું ડૉ. અભિષેક મુંબઈથી આવું છું. બોરીવલીની એક હોસ્પિટલમાં આરએમઓ હતો. દોઢ બે વર્ષ સુધી રાજકોટ જ રોકાવાનો છું. મારે લાયક આ હોસ્પિટલમાં કોઈ સેવા હોય તો કહો. સિક્કાનગર વાળા યોગીજીએ મને તમને મળવાનું કહ્યું છે. " ડૉ. દેસાઈની ચેમ્બરમાં જઈને અભિષેક બોલ્યો.
યોગીજીનું નામ સાંભળીને જ દેસાઈ પોતાની ખુરશીમાં ઊભા થઈ ગયા અને અભિષેક સાથે હાથ મિલાવ્યા.
"યોગીજી એ તમને મારું નામ આપ્યું છે ? યોગીજીના તો અનેક ભક્તો છે. તેમણે મારું નામ યાદ રાખ્યું છે એ પણ મોટી વાત છે. ગુરુજીના શબ્દોનો અનાદર હું કેવી રીતે કરી શકું ? તમે તમારું નામ એડ્રેસ અને ફોન નંબર મને લખાવી દો. જ્યારે પણ અહીં જગ્યા પડશે તરત હું તમને ફોન કરી દઈશ. અત્યારે તો મેડિકલ સ્ટાફ ફૂલ છે. " દેસાઈ સાહેબ બોલ્યા.
" જી સર મહેરબાની. હું હોસ્પિટલમાં એક રાઉન્ડ મારી શકું છું ? " અભિષેક બોલ્યો અને એણે પોતાનો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ત્યાં પડેલા લેટરપેડ ઉપર લખી દીધું.
" હા હા સ્યોર... હું તમારી સાથે વૉર્ડ બોયને મોકલું છું. એ તમને આખી હોસ્પિટલ બતાવી દેશે." દેસાઈ સાહેબ બોલ્યા અને એમણે બેલ મારી. એ સાથે જ બહાર સ્ટૂલ ઉપર બેઠેલો વૉર્ડબોય તરત જ અંદર આવ્યો.
" હરીશ આ નવા ડોક્ટર સાહેબને તમામ વૉર્ડ બતાવી દે. ઓટી બતાવી દે. બધા વિભાગો પણ બતાવી દે અને આરએમઓ સાથે પણ એમની મુલાકાત કરાવી દે. " દેસાઈ સાહેબ બોલ્યા. એ પોતે આ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ પણ હતા.
" જી સર " કહીને હરીશ આગળ ચાલ્યો. અભિષેક પણ એની પાછળ પાછળ ગયો.
હરીશે પહેલા માળથી શરૂ કરીને ત્રીજા માળ સુધીના તમામ વૉર્ડ બતાવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો ઓપીડી વિભાગ પણ બતાવ્યો. ત્યાંની લેબોરેટરી અને એક્સ રે રૂમ પણ બતાવ્યો. પહેલા માળે ઓટી પણ બહારથી બતાવી દીધું કારણ કે કોઈનું ઓપરેશન ચાલુ હતું.
એ પછી એણે ત્યાંના આરએમઓ ડૉ. ચિંતન શાહ અને બે જુનિયર ડોક્ટરો ચૌધરી અને મહેશ્વરીની મુલાકાત પણ કરાવી. બે જુનિયર ડોક્ટરો એમબીબીએસ હતા અને સ્વભાવે પણ સરસ હતા. આરએમઓ ડૉ. શાહને જોઈને કોણ જાણે કેમ પણ અભિષેકને સંતોષ ના થયો.
એ બધે ફરીને પાછો ડૉ દેસાઈની ચેમ્બરમાં આવ્યો.
" હોસ્પિટલ ઘણી સારી બનાવી છે સર. તમારી વ્યક્તિગત સેવા, કાળજી અને હોસ્પિટલ તરફની સમર્પિતતા સ્પષ્ટ દેખાઈ આવે છે. સ્વચ્છતા પણ હોસ્પિટલમાં ઘણી છે. સ્ટાફ પણ ઘણો સારો છે. ડૉ. ચિંતન મને થોડાક અતડા અને ક્રોધી સ્વભાવના લાગ્યા." અભિષેકે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો.
અભિષેકનું ઓબ્ઝર્વેશન જોઈને દેસાઈ સાહેબ છક થઈ ગયા. માત્ર દસ પંદર મિનિટના રાઉન્ડમાં આ યુવાને આટલું બધું સૂક્ષ્મ નિરીક્ષણ કરી દીધું ?
"તમારી વાત સાચી છે. આ હોસ્પિટલ પાછળ મેં મારું લોહી રેડ્યું છે. માત્ર સેવા ભાવનાથી જ આ હોસ્પિટલ ઊભી કરી છે. દર્દીઓને લૂંટવામાં મને કોઈ રસ નથી. હા ચિંતનનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે એવી મને પણ ખબર પડી છે છતાં નિભાવી લઉં છું. કોઈને કાઢી મૂકવાનું મારા સ્વભાવમાં નથી." દેસાઈ સાહેબ બોલ્યા.
"હા સર પણ તમારી ભલમનસાઈનો દુરુપયોગ પણ ના થવો જોઈએ. હોસ્પિટલની ઈમેજ ખરાબ થાય છે. હરીશ મને એમની ચેમ્બરમાં લઈ ગયો ત્યારે એ ત્યાં ઉભેલા વૉર્ડબોય ધીરુ ઉપર એટલા બધા ગુસ્સે હતા કે ટેબલ ઉપર એમણે કાચનું પેપરવેટ પછાડ્યું. હું ચેમ્બરમાં ઊભો હતો છતાં મારી સાથે હાથ મિલાવવાનો કે સ્માઈલ આપવાનો વિવેક પણ ના બતાવ્યો. " અભિષેક બોલ્યો.
" પણ તમને વૉર્ડ બોય ધીરુનું નામ કેવી રીતે ખબર ? " દેસાઈ સાહેબ નામ સાંભળીને થોડા ચમકી ગયા હતા.
" મને કંઈ જ ખબર નથી સર. બસ એમ જ મારાથી બોલાઈ ગયું. હું તો પહેલીવાર આ હોસ્પિટલમાં આવું છું. અને રાજકોટ આવ્યાને પણ હજુ પંદર દિવસ થયા છે." અભિષેક બોલ્યો. પોતે વૉર્ડબોયનું નામ બોલ્યો છે એની ખુદ અભિષેકને પણ ખબર ન હતી !
દેસાઈ સાહેબે તરત જ હરીશને કહીને ધીરુને ચેમ્બરમાં બોલાવ્યો. પાંચ જ મિનિટમાં ધીરુ આવ્યો.
" ધીરુ.... ડૉ. ચિંતન તારા ઉપર કેમ આટલા બધા ગુસ્સે થયા હતા ? " દેસાઈ સાહેબ બોલ્યા.
" સાહેબ એવી કોઈ વાત જ ન હતી. એમણે વોર્ડ નંબર ચારમાંથી એક કેસ ફાઈલ મંગાવી હતી. વૉર્ડમાં જે નર્સ ડ્યુટી ઉપર હતાં એ વૈશાલીબેન એક પેશન્ટને પાઈન ચઢાવી રહ્યાં હતાં એટલે ફાઈલ લાવવામાં ચાર પાંચ મિનિટ મોડું થયું. સાહેબનો પિત્તો ગયો. મારો તો કોઈ વાંક જ ન હતો." ધીરુ બોલ્યો.
" સારું જા. " દેસાઈ સાહેબ બોલ્યા અને ધીરુ જતો રહ્યો.
" હવે આવી નાની નાની વાતોમાં ડોક્ટરનું મગજ ફાટે એ હોસ્પિટલ માટે પણ ખરાબ ગણાય. એમને કાઢી મૂકવાની કોઈ જરૂર નથી પણ એમને સબક તો શીખવાડવો જ પડે. એમનો ગુસ્સા ભર્યો અવાજ છેક બહાર સુધી સંભળાતો હતો." અભિષેક બોલ્યો.
" તમે આજે મારું ધ્યાન દોર્યું એ બદલ તમારો આભાર. મેં એમના વિરુદ્ધ સ્ટાફની ફરિયાદને હળવાશથી લીધી હતી. " દેસાઈ બોલ્યા.
" એક બીજી વાત. બીજા માળે દક્ષિણ દિશામાં પેશન્ટો માટેનાં જે બાથરૂમ સંડાશ છે ત્યાં બહુ જ નેગેટિવ એનર્જી મને દેખાઈ છે. મને એવું લાગે છે કે એ ખૂણામાં કોઈ બાઈનો આત્મા ભટકે છે. " અભિષેક બોલ્યો અને દેસાઈ સાહેબ ચમકી ગયા.
અભિષેકની વાત સાવ સાચી હતી. એક વર્ષ પહેલાં બીજા માળના એ ખૂણામાં એક બાઈએ રાત્રે બે વાગે આત્મહત્યા કરી હતી. ઘર કંકાસથી કંટાળીને એણે ખૂબ જ એસિડ પી લીધો હતો. અહીં ઈમરજન્સીમાં એને લાવવામાં આવી હતી.
પેટમાં એસિડના દર્દથી એટલી બધી પીડાતી હતી કે રાત્રે બાટલા ફગાવી દઈને નર્સની ડ્રેસીંગ ટ્રોલીમાંથી એક હાથમાં સર્જીકલ નાઈફ લઈને બીજા હાથની નસો કાપી નાખી હતી. એ પછી દોડીને એ બાથરૂમ તરફના ખૂણામાં જતી રહી હતી અને ત્યાં જ દમ તોડ્યો હતો. ત્યાં ઘણું બધું લોહી વહી ગયું હતું. પણ આ બધી વાતની અભિષેકને કેવી રીતે ખબર !!
" અભિષેક તમને આ બધી કેવી રીતે ખબર પડે છે ? હોસ્પિટલના સ્ટાફ સિવાય આ વાત કોઈ જાણતું નથી. પણ એ તો ભૂતકાળની ઘટના છે. અત્યારે પણ ત્યાં નેગેટિવ એનર્જી છે એ તો મેં આજે જ જાણ્યું. ક્યારેક કોઈ નર્સ કહેતી હોય છે કે ત્યાં રાત્રે ડર લાગે છે. પણ મને એમ કે એ ભય કાલ્પનિક છે." દેસાઈ સાહેબ બોલ્યા.
" ના સર ભય કાલ્પનિક નથી. આત્મા ત્યાં ભટકે જ છે. મને કેવી રીતે ખબર પડે છે એ તો મને જ ખબર નથી. આ તો બધી યોગીજીની અને ગાયત્રી મંત્રની કૃપા છે. " અભિષેક બોલ્યો.
" હું તમારાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. મારે તમને આ હોસ્પિટલમાં ક્યાંક ગોઠવવા જ પડશે. તમે આટલું બધું જાણો છો તો એ બાઈને તમે મુક્તિ આપી શકો ? જેથી કમ સે કમ મારી હોસ્પિટલની નેગેટિવ એનર્જી તો દૂર થાય ! " દેસાઈ બોલ્યા.
" એના માટે તમે યોગીજીને વિનંતી કરો. એમની પાસે હનુમાનજીની ખૂબ જ પાવરફુલ શક્તિ છે. યોગીજી આ કામ કરી શકે છે. એ બાઈનું નામ એમને આપજો. એ તો ત્રિકાળ જ્ઞાની છે બધું સમજી જશે. અને ત્યાં બેઠા બેઠા એને ગતિ આપી દેશે. " અભિષેક બોલ્યો.
" મારા કરતાં તો યોગીજીને તમે વધારે ઓળખો છો અભિષેક. આટલી નાની ઉંમરે તમારી આવી આધ્યાત્મિક પ્રગતિ જોઈને મને પોતાને ઇર્ષ્યા આવે છે. હું પોતે પણ અધ્યાત્મના માર્ગે જ છું. રોજ ધ્યાન પણ કરું છું પણ આવી કોઈ સિદ્ધિ મારી પાસે નથી. " દેસાઈ સાહેબ નિખાલસતાથી બોલ્યા.
" મારી પાસે કોઈ સિદ્ધિ છે એવું હું માનતો નથી સર. ગુરુકૃપાથી આ બધું થયા કરે છે અને ક્યારેક અંદરથી જ મને આવું બધું દેખાય છે. ડૉ. શાહના આટલા ગુસ્સાના કારણે એમની ચેમ્બરમાં પણ લાલ રંગની નેગેટિવ એનર્જી મને દેખાઈ છે. " અભિષેક બોલ્યો.
" એનર્જીનો પણ કલર હોય છે ? માફ કરજો પરંતુ આ વિશે હું બહુ જાણતો નથી એટલે પૂછું છું. " દેસાઈ નમ્રતાથી બોલ્યા.
" હા સર. આપણી ઑરાના પણ કલર હોય છે. ગુસ્સાવાળી વ્યક્તિની ઑરામાં લાલ રંગ વધારે હોય છે અને એના શરીરમાંથી બહાર આવતી એનર્જી પણ લાલ રંગ પકડી લે છે. સતત ધ્યાનમાં રહેતા વ્યક્તિની આજુબાજુ લાઈટ બ્લુ કલરની ઑરા હોય છે. એવી વ્યક્તિમાં હીલિંગ પાવર પણ વધારે હોય છે. જેનામાં કરુણા અને માતૃભાવ વધારે હોય એ વ્યક્તિની આજુબાજુ ગ્રીન કલરની ઑરા હોય છે. થોડું ઘણું જાણું છું એ મેં તમને કહ્યું. હું એનો નિષ્ણાત નથી." અભિષેક બોલ્યો.
" તમારી સાથે વાત કરવાની મજા આવી. તમે અહીં આવતા રહેજો. તમારા માટે કંઈક ગોઠવણ કરું છું અને હવે ડૉ. શાહ ઉપર પણ મારે વૉચ રાખવી પડશે. તમે હવે ચા પીને જ જાઓ. " ડૉ. દેસાઈ બોલ્યા અને એમણે હરીશને બે કપ ચા લઈ આવવાનું કહ્યું.
હોસ્પિટલની ઉપર જ છેલ્લા માળે એક બાજુ કેન્ટીન હતી એટલે ત્યાંથી હરીશ દસ-બાર મિનિટમાં ચાની ટ્રે લઈ આવ્યો.
એ પછી અભિષેક હોસ્પિટલની બહાર નીકળી ગયો અને સીધો પોતાના ઘરે ગયો.
એ દિવસે સાંજે એના પડોશી સ્વાતિ બહેન કોઈ રસોઈ વાળી બેનને લઈને અભિષેકના ઘરે આવ્યા.
" આ બહેન અત્યારે બાજુની રવિરત્ન સોસાયટીમાં એક ઘરે રસોઈ કરવા જાય છે. ૧૫ દિવસ પછી એ ફેમિલી બીજા કોઈ એરિયામાં શિફ્ટ થાય છે એટલે આ બહેનને કામની જરૂર છે. જો તમારી ઈચ્છા હોય તો તમારા ઘરે રસોઈ બંધાવી દો. " સ્વાતિ બહેન બોલ્યાં.
" આ તમે બહુ જ સારું કામ કર્યું આન્ટી. અને તમે બેન આવતીકાલથી જ ચાલુ કરી દો. પૈસાની તમે કોઈપણ જાતની ચિંતા ના કરશો. અમે ઘરમાં માત્ર બે જ જણાં છીએ. સવાર સાંજ ઘરની રસોઈ જમવા મળે એ જ અમારી ભાવના છે. અને તમારું નામ શું ? " અભિષેક બોલ્યો.
" મારું નામ ભાવના છે. " એ બેન હસીને બોલ્યાં. " કાલ ને કાલ તો હું નહીં આવી શકું સાહેબ કારણ કે હજુ ૧૦ દિવસ એમના ઘરે મારે રસોઈ કરવા જવું પડશે." ભાવનાબેન બોલ્યાં.
" કંઈ વાંધો નહીં દસ દિવસ ટિફિનના વધારે. જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે તમે અહીં રસોઈ શરૂ કરી દેજો. તમારે જે પૈસા લેવા હશે તે હું તમને આપી દઈશ." અભિષેક હસીને બોલ્યો.
અને આ રીતે અભિષેકનો રસોઈનો પ્રશ્ન પણ હલ થઈ ગયો. હવે જો પરિમલ હોસ્પિટલમાં જોબ ચાલુ થઈ જાય તો ટાઈમ પાસ થાય.
અને ગુરુજીએ એની એ ઈચ્છા પણ પૂરી કરી. જોબ માટે અભિષેકને વધારે રાહ જોવી પડી નહીં. મહેશ્વરી નામનો જે જુનિયર ડોક્ટર હતો એનું ફેમિલી જામનગર શિફ્ટ થતું હોવાથી એણે દસ દિવસ પછી રાજીનામું આપ્યું. એક મહિનાનો નોટિસ પિરિયડ હોવા છતાં પણ તાત્કાલિક અસરથી દેસાઈ સાહેબે એનું રાજીનામું મંજૂર કરી દીધું અને તરત જ અભિષેકને હોસ્પિટલ હાજર થવા માટે ફોન કરી દીધો.
બે દિવસ પછી અભિષેક હોસ્પિટલમાં હાજર થઈ ગયો અને પોતાની ડ્યુટી સંભાળી લીધી. અભિષેક પોતે ખૂબ જ હોશિયાર હતો અને સેવાભાવી હતો. અઠવાડિયામાં જ એણે તમામ સ્ટાફનું દિલ જીતી લીધું. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો નર્સો તરત જ અભિષેક સર પાસે દોડી જતી.
દેસાઈ સાહેબે પણ અભિષેકની કાર્યક્ષમતા અને એના જ્ઞાનની નોંધ લીધી. એના સમય કરતાં પણ એ વહેલો આવી જતો અને સમય પૂરો થયા પછી પણ એ રોકાતો.
અભિષેકની થોડા દિવસોમાં જ વધી ગયેલી આટલી લોકપ્રિયતા ડૉ. ચિંતન શાહને પસંદ ના આવી. જુનિયર ડોક્ટર થઈને આટલો લોકપ્રિય બની જાય એ કેવી રીતે ચાલે ?
નાની નાની વાતોમાં પણ એણે અભિષેકનો વાંક શોધવાનું ચાલુ કર્યું. એક બે વાર તો એના ઉપર કારણ વગરની બાબતો પર ગુસ્સો પણ ઠાલવ્યો. અભિષેકની સહનશીલતાની એક મર્યાદા હતી. અભિષેકે બીજા દિવસે વહેલી સવારે ધ્યાનમાં બેસીને ડૉ. શાહ ઉપર ફોકસ કર્યું અને એણે જે જોયું એ જોઈને મનોમન હસવું પણ આવી ગયું.
હવે આ ચિંતન શાહને પાઠ ભણાવવો જ પડશે. અને અભિષેકને એ મોકો પણ મળી ગયો.
બે દિવસ પછી ત્રીજા માળે પુરુષોનો વોર્ડ સંભાળતી કોમલ નામની એક નર્સ એક ફાઈલ લઈને ઇન્જેક્શન માટે પૂછવા આવી.
" સર આ ઇન્જેક્શન હું પેશન્ટને પાઈનમાં આપું કે ડાયરેક્ટ વેઈનમાં આપી દઉં ? કારણ કે ફાઈલમાં કોઈ સૂચના લખી નથી." કોમલ બોલી.
" તમે કેટલા વર્ષથી નર્સની નોકરી કરો છો ? તમને એટલી પણ ખબર નથી કે કયું ઇન્જેક્શન પાઇનમાં અપાય અને કયું ડાયરેક્ટ વેઈનમાં અપાય ? " ડૉ. ચિંતન બોલ્યો.
" સર અમારું કામ ફાઇલમાં જે સૂચના લખી હોય એ પ્રમાણે પેશન્ટને ઇન્જેક્શન આપવાનું છે. અમે પોતે ડૉક્ટર નથી. તમે કોઈ સૂચના લખી નથી અને તમે મને ધમકાવો છો ? " કોમલ બોલી.
" તમે મારી સાથે આવી રીતે વાત કરી જ કેવી રીતે શકો ? મારે દરેક વાતની સૂચના આપવાની હોય ? " ચિંતનનો પિત્તો ગયો અને એ રાડ પાડીને બોલ્યો.
આ બધા સંવાદો સાંભળતો અભિષેક હવે ચૂપ રહી શકે તેમ ન હતો. એ તરત જ દોડતો ચિંતન શાહની ચેમ્બરમાં ગયો.
" ચિંતનભાઈ રિલેક્ષ. આવી નાની નાની વાતોમાં તમે નર્સોને ધમકાવી ના શકો. તમે આ હોસ્પિટલના માલિક નથી. તમે એક ડોક્ટર છો અને તમારે દરેક ફાઈલમાં સૂચના લખવી જ જોઈએ. નર્સનું કામ સૂચનાનો અમલ કરવાનું છે. " અભિષેક બોલ્યો.
"તમે આજકાલના આવેલા જુનિયર ડોક્ટર મને સલાહ આપવા માટે આવ્યા છો ? હું એમ.ડી ડૉક્ટર છું અને અહીંનો મેડિકલ ઓફિસર છું. તમારે મારા કામમાં માથું મારવાની જરૂર નથી. " ચિંતન બોલ્યો.
" ઘરમાં તમારું કંઈ ચાલતું ન હોય એટલે પછી બધી ગરમી સ્ટાફ ઉપર કાઢવાની ? નીતાબેન આગળ તો તમારું કંઈ ચાલતું જ નથી ! લગ્નને બે વર્ષ થઈ ગયાં. પહેલાં એમને તો સંતોષ આપો ! એ તો સારું છે કે એમણે તમારી ખામીના કારણે તમને છુટાછેડા નથી આપ્યા !! " અભિષેકે મોટા અવાજે જોરદાર પ્રહાર કર્યો.
હકીકતમાં ચિંતન પુરુષમાં ન હતો અને એટલે એની અસંતુષ્ટ પત્ની નીતા એના ઉપર ખૂબ જ ગુસ્સે હતી. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હતો એવી લાગણી નીતાને થતી હતી. એની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. એટલે એ રોજ ચિંતનનું અપમાન કરતી હતી. પત્ની વારંવાર એની નબળાઈ જાહેર કરી દેવાની ધમકી આપતી હતી.
અભિષેકની વાત સાંભળીને ચિંતનની હાલત કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ હતી. અભિષેકનો મોટો અવાજ સાંભળીને બીજી બે ત્રણ નર્સો અને સ્ટાફ પણ ચેમ્બરની બહાર ભેગો થઈ ગયો હતો.
શું જવાબ આપવો એ ચિંતનને સૂઝ પડતી ન હતી. એ ઠરી જ ગયો હતો.
"ઇન્જેક્શન પાઇનમાં આપવાનું છે" એમ કહીને એણે કોમલને ફાઈલ પાછી આપી.
હવે એને વધારે શરમિંદો કરવો નથી એમ વિચારી અભિષેક તરત જ બહાર નીકળી ગયો અને એની સાથે જ કોમલ પણ બહાર નીકળી ગઈ.
બીજા જ દિવસે સવારે ડૉ. ચિંતને દેસાઈ સાહેબને ફોન કરીને ફોન ઉપર જ પોતાનું રાજીનામું આપી દીધું !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
