અભિષેક પ્રકરણ 19
ડૉ. ચિંતન શાહની વિદાય પછી આરએમઓ તરીકે અભિષેકને બીજા જ દિવસથી પ્રમોશન મળી ગયું.એણે ચિંતન શાહને જે પણ કહ્યું એ વાતોથી એને પોતાને પણ આશ્ચર્ય થયું. કોઈ દિવ્ય શક્તિ જાણે કે એને બોલાવી રહી હતી. હોસ્પિટલના આખા સ્ટાફમાં ગઈકાલવાળી વાત પ્રસરી ગઈ હતી અને બધા જ એનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
અભિષેક નવલકથા
અભિષેકે નવો ચાર્જ સંભાળી લીધા પછી એના હસમુખા સ્વભાવથી અને સેવાભાવી વર્તનથી હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ પેશન્ટો પણ ખુશ હતા. એ પોતે સવારે ત્રણ કલાક ઓપીડીમાં બેસીને કેટલાક નવા પેશન્ટોને તપાસીને યોગ્ય માર્ગદર્શન પણ આપતો હતો.
એની પ્રશંસા એટલી બધી હતી કે એક મહિનામાં તો કેસ કાઢનાર સ્ટાફ પણ દરેક પેશન્ટને સૌથી પહેલાં અભિષેક મુન્શીની ચેમ્બરમાં જવાનું કહેતો.
અભિષેક દરેક પેશન્ટ સાથે ખૂબ જ સહાનુભૂતિથી અને લાગણીથી વાત કરતો અને પોતે જ દવાઓ લખી આપતો. ખાસ જરૂર હોય તો જ એમને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે મોકલતો.
આ એક મહિનાની અંદર ભારતી આન્ટીની તબિયત ઘણી સુધરી ગઈ હતી અને એમનામાં સ્ફૂર્તિ અને તાકાત પણ આવી હતી. હવે તો એ હસીને અભિષેક સાથે વાતો પણ કરતાં. ભારતી આન્ટી સ્વામિનારાયણ ભગવાનને માનતાં એટલે અભિષેક દર રવિવારે સાંજે એમને કાલાવડ રોડ ઉપરના મંદિરમાં દર્શન કરાવવા લઈ જતો.
એક દિવસ રાત્રે જમી કરીને સૂતી વખતે એ ભારતી આન્ટીના પગ દબાવી રહ્યો હતો ત્યારે એણે ધીમે રહીને વાત છેડી.
" માસી વર્ષો પહેલાં જ્યારે અકસ્માત થયો અને માસા ગુજરી ગયા ત્યારે તમને આઘાત તો ઘણો લાગ્યો હશે અને એના કારણે તમારે સહન પણ કરવું પડ્યું હશે. પરંતુ જેનાથી પણ આ અકસ્માત થયો એને તમે માફ ના કરી શકો ? એણે જાણી જોઈને તો આ અકસ્માત નહોતો કર્યો ને ? વધુ પડતી સ્પીડમાં આ ઘટના બની ગઈ. મારું માનવું છે કે તમારે એને હવે સાચા હૃદયથી માફ કરી દેવો જોઈએ." અભિષેક બોલ્યો.
" બેટા એ ઘટના હું ભૂલી શકતી નથી. મારા પેટમાં બાળક હતું. મને ટક્કર વાગી અને હું નીચે એક બાજુ પછડાઈ એમાં મારો ચાર માસનો ગર્ભ પડી ગયો. પતિ પણ ગયો અને સંતાન પણ ગયું. હું કેવી રીતે માફ કરું ? મેં એ વખતે એને બહુ જ શાપ આપ્યા હતા. " આન્ટી બોલ્યાં
" તમારી પીડા હું સમજી શકું છું માસી. પણ હવે એ વાતને ૫૦ વર્ષ થવા આવ્યાં. આ એક દુર્ઘટના હતી અને નસીબમાં લખી હશે તો જ થઈ હશે. એ યુવાન તો નિમિત્ત બન્યો હશે. એને શાપ આપવાથી તમને તો હવે કોઈ ફરક પડવાનો નથી પરંતુ પેલો જીવતો હશે તો એની જિંદગી બરબાદ થઈ ગઈ હશે. અત્યાર સુધીમાં તમારો શાપ એને નડી ગયો પણ હશે. " અભિષેક બોલી રહ્યો હતો.
" હવે તો તમારી જિંદગી પણ પૂરી થવા આવી છે માસી ત્યારે ઉદાર દિલથી હવે તો એને માફ કરી દો. ભગવાન પણ આપણને માફ કરી દેતા હોય છે. તમને પણ પાછલી જિંદગીમાં ભગવાને આટલું સુખ આપ્યું તો એને પણ હવે આશીર્વાદ આપી દો ને ! મોટા મોટા સંતો પણ કહી ગયા છે કે બધાને માફ કરી દેવા જેથી બદલો લેવા માટે નવો જનમ લેવો ના પડે. " અભિષેક બોલ્યો.
" તું વાતો તો બહુ ડાહી ડાહી કરે છે બેટા. નાની ઉંમરે તારામાં જ્ઞાન ઘણું બધું છે. તું આટલી બધી મારી સેવા કરે છે અને આટલી બધી મારી કાળજી રાખે છે તો તારી વાત હું કેમ ના માનું ? તારી ઈચ્છા છે માટે એ માણસને હું આજે જ માફ કરી દઉં છું અને મારા તમામ શાપ પણ હું પાછા ખેંચી લઉં છું. બસ ? " આન્ટી બોલ્યાં.
અભિષેકે એક સંતોષની લાગણી અનુભવી અને મનમાં શાપમુક્તિનો આનંદ પણ થયો.
" માસી એના માટે આપણે રવિવારે સ્વામિનારાયણના મંદિરમાં જઈશું અને તમારે મંદિરમાં ભગવાનની સામે જ ફરીથી એ યુવાનને માફી આપવાની અને મને જે પણ કહ્યું એ બધું તમારે ભગવાનની સામે કહેવાનું. ભગવાન સાંભળે તો જ એને સાચી માફી મળે." અભિષેક હસીને બોલ્યો.
" હા ભાઈ હા. મેં સાચા દિલથી જ એને માફ કર્યો છે. તું મંદિરે મને લઈ જજે. ત્યાં પણ આ જ વાત કરીશ. " આન્ટી બોલ્યાં.
અને ચાર દિવસ પછીના રવિવારે ભારતી આન્ટીએ સ્વામિનારાયણ ભગવાનની સામે આ જ વાત રીપીટ કરી. ભગવાનને પ્રાર્થના પણ કરી કે અકસ્માત કરનાર એ છોકરો અત્યારે તો ઘણો મોટો થઈ ગયો હશે પરંતુ એ જ્યાં પણ હોય ત્યાં એને સુખી કરજો. મેં આપેલા બધા શાપ હું તમારી સામે જ પાછા ખેંચી લઉં છું. " આન્ટી બોલ્યાં અને એ સાથે જ બાજુમાં ઊભેલો અભિષેક ખૂબ જ ખુશ થયો.
એણે પણ સ્વામિનારાયણ ભગવાન સામે માથું ઝુકાવીને પ્રણામ કર્યા અને પોતાને અભિશાપમાંથી મુક્ત કરવાની વિનંતી પણ કરી.
એ માનતો હતો કે ઈશ્વર એક જ છે અને દરેક સ્વરૂપમાં એ બિરાજેલો છે. ભક્તો અને સંતો ક્યારેક ક્યારેક ગમે તેવાં વિધાનો કરે પણ એનાથી એ દિવ્ય ચેતનાને કોઈ ફરક પડતો નથી. એ વખતે એ ઈશ્વર હસતો હોય છે. જે ચેતના રામમાં છે કૃષ્ણમાં છે શિવમાં છે એ જ ચેતના આ સ્વરૂપમાં પણ છે. માનવીની શ્રદ્ધા જ મૂર્તિને ચેતન બનાવે છે. દરેક પંથો અને દરેક સંપ્રદાયો ઈશ્વર પાસે પહોંચવાના જુદા જુદા માર્ગો જ છે !
આજે અભિષેક ભારતી આન્ટીના અભિશાપમાંથી મુક્ત થયો હતો અને એનો એને ઘણો જ આનંદ હતો. કુદરતી રીતે આજે વસંત પંચમી હતી. એના જીવનમાં પણ હવે વસંતનો ઉદય થવાનો હતો !
બીજા પંદર વીસ દિવસ નીકળી ગયા. કોણ જાણે કેમ પણ છેલ્લા એકાદ મહિનાથી અંજલીના મેસેજ ઓછા થઈ ગયા હતા. પહેલાં તો વીકમાં ત્રણ ચાર વખત ચેટિંગ થતું પરંતુ હમણાં હમણાંથી દસ પંદર દિવસે માત્ર એક વાર જ મેસેજ આવતો. મોટાભાગે અંજલી જ મેસેજ મોકલતી અને અભિષેક જવાબ આપતો.
આવું કેમ થતું હશે એ અભિષેકને સમજાતું ન હતું. અંજલીનો પ્રેમ કે આકર્ષણ ઓછાં થયાં હોય એ તો શક્ય જ ન હતું કારણ કે યોગીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે લગ્ન તો અંજલી સાથે જ થવાનાં છે ! જે હોય તે. અભિષેકે એ વિશે વિચારવાનું બંધ કરી દીધું.
શિવરાત્રીના દિવસે અભિષેકે આખો દિવસ નકોરડો ઉપવાસ કર્યો. એ સવારે આન્ટીને લઈને પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો. ત્યાં અભિષેક કરાવ્યો અને બીલીપત્ર પણ અર્પણ કર્યાં. શિવરાત્રીના દિવસે શિવની ચેતના આખા બ્રહ્માંડમાં સક્રિય હોય છે એ એને ખબર હતી. એ દિવસે રસોઈ કરનારી બહેન પાસે ભારતી આન્ટીએ પોતાના જેટલું જ ફરાળ બનાવરાવ્યું.
અભિષેક ચંદારાણા ટાવરના બીજા માળે ૨૦૧ નંબરના ફ્લેટમાં રહેતો હતો. એની ઉપરના ચોથા માળે ૨૦૪ નંબરમાં એક મરાઠી કેલકર ફેમિલી રહેતું હતું.
શિવરાત્રીના બે દિવસ પછી એ ફ્લેટમાં સોનિયા નામની એક ૨૭ વર્ષની યુવતીએ ગૃહ કંકાસથી કંટાળીને એના પતિના નામની ચિઠ્ઠી લખીને રાત્રે ૯ વાગે બેડરૂમમાં જઈને એસિડ પી લીધો. એસિડ પીતાં તો પી લીધો પણ પેટ અને અન્નનળીને ચીરી નાખતી અતિ ભયંકર પીડા એનાથી સહન ના થઈ અને એ મરણ ચીસો પાડવા લાગી.
આખું ફેમિલી ભયંકર ટેન્શનમાં આવી ગયું. પડોશીઓ પણ ભેગા થઈ ગયા. સોનિયાની ચાર વર્ષની બેબી તો મમ્મી મમ્મી કરીને ખૂબ જ રડવા લાગી.
પાડોશીઓએ ભેગા થઈને બેડરૂમનો દરવાજો તોડીને જોયું તો સોનિયા અર્ધ બેહોશ હાલતમાં નીચે પડી ગઈ હતી. ત્યાં ઘણી બધી ઉલટીઓ થઈ હતી અને લોહી પણ નીકળ્યું હતું. રૂમમાં ખૂબ જ દુર્ગંધ મારતી હતી. કોઈએ ફર્શ ઉપર ડોલ ભરીને પાણી રેડી દીધું અને એ બેહોશ સોનિયાને બધાએ ભેગા થઈને બેડ ઉપર સૂવાડી. એ હવે ડચકાં ખાતી હતી.
કોઈના હાથમાં ત્યાં બેડ ઉપર મૂકેલી ચિઠ્ઠી પણ મળી આવી જેમાં એના પતિ મનોજનું નામ લખેલું હતું. મનોજના તો હોશ જ ઉડી ગયા. જો એ ચિઠ્ઠી પોતાના હાથમાં આવી હોત તો એ ફાડી નાખત પરંતુ આ તો પડોશીના હાથમાં આવી ! હવે બચી શકાય એમ ન હતું.
કોઈએ એમ્બ્યુલન્સ તો કોઈએ પોલીસ બોલાવવાની વાત કરી. ત્યાં એક ભાઈને યાદ આવ્યું કે બીજા માળે કોઈ ડોક્ટર રહે છે તો સૌથી પહેલાં આપણે એમને જ બોલાવીએ.
સમાચાર મળતાં જ અભિષેક દોડતો સીડી ચઢીને ચોથા માળે આવી ગયો. એણે જોયું તો સોનિયાના પ્રાણ નીકળી ગયા હતા !
ઘરમાં રડારોળ ચાલુ થઈ ગઈ હતી. પોલીસ કેસથી પણ ફેમિલી ગભરાઈ ગયું હતું. અણધારી ઉપાધિ આવી ગઈ હતી. ચાર વર્ષની દીકરી મા વિનાની થઈ ગઈ હતી.
"શું લાગે છે ડોક્ટર સાહેબ ? એને હોસ્પિટલ લઈ જવી પડશે કે પોલીસને ફોન કરીએ ? " એક પડોશી બોલ્યા.
" હોસ્પિટલ લઈ જવાનો કોઈ મતલબ નથી. એણે આત્મહત્યા કરી લીધી છે અને એ મૃત્યુ પામી છે. પોલીસ કેસ થશે તો પોસ્ટ મોર્ટમ પણ થશે. પરંતુ મને પાંચ મિનિટ આપો. " અભિષેક બોલ્યો અને એણે સોનિયાના માથા ઉપર જમણો હાથ મૂક્યો અને ડાબા હાથથી સોનિયાની નાડી પકડી.
" એક વાડકીમાં થોડુંક પાણી અને એક ચમચી આપશો ? " અભિષેક બોલ્યો.
તરત જ મનોજ દોડીને એક વાડકીમાં પાણી અને ચમચી લેતો આવ્યો. અભિષેકે મહાન ગુરુજીનું સ્મરણ કરીને પાણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. બે મિનિટ સુધી એ પાણી સામે તાકી રહ્યો અને જીવન રક્ષક સંજીવની શક્તિનું એમાં આવાહન કર્યું.
એ પછી એ ચમચી વડે થોડું થોડું પાણી સોનિયાના મ્હોંમાં રેડતો ગયો. પાંચ મિનિટ પછી સોનિયાની નાડીમાં પહેલો ધબકારો એણે અનુભવ્યો. અભિષેકમાં આશાનો સંચાર થયો. થોડીવાર પછી ધબકારા વધતા ગયા અને સોનિયાના હાથની હલચલ પણ થવા લાગી.
પેટમાં કોઈ પણ જાતની પીડા વગર જાણે ઊંઘમાંથી જાગી હોય એ રીતે સોનિયાએ આંખો ખોલી. એની તમામ વેદના ગાયબ હતી. સંજીવની વિદ્યાથી અભિમંત્રિત કરેલા પાણીથી એની અન્નનળી અને પેટ પણ નોર્મલ થઈ ગયું હતું.
સોનિયા બેડ ઉપર બેઠી થઈ ગઈ અને ભેગા થયેલા બધા પડોશીઓની સામે જોયું. પોતે એસિડ પીધો હતો અને વેદનાથી તરફડતી હતી એ એને યાદ આવ્યું અને છતાં અત્યારે એને કોઈ જ પીડા ન હતી એનો અનુભવ પણ એને થયો. એ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ હતી.
આખો પરિવાર અને ભેગા થયેલા તમામ પાડોશીઓ પણ આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યા. આવું કેવી રીતે બને ? મૃત્યુ પામેલી સોનિયા અત્યારે જાણે કંઈ જ ના થયું હોય એ રીતે તંદુરસ્ત બેઠી હતી !
" બેટા તને કંઈ થાય છે ? " સોનિયાની સાસુ સરિતાબેન બોલ્યાં.
" ના મમ્મી અત્યારે તો મને એકદમ સારું છે. પણ હું બચી કેવી રીતે ગઈ ? મને તો ભયંકર વેદના થતી હતી. પેટ કપાઈ જતું હતું. " સોનિયા બોલી.
" તને આ ડોક્ટર સાહેબે જીવતી કરી છે બેટા. એમનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એ ડોક્ટર છે કે ભગવાન એ જ સમજાતું નથી." છોકરીના સસરા મહેશભાઈ બોલ્યા.
" તારે આવું પગલું શા માટે ભરવું પડ્યું બેટા ? સંસાર છે તો ઝઘડા તો ચાલ્યા કરે. તારી આ નાનકડી દીકરીનો તો વિચાર કરવો હતો ! બિચારી મમ્મી મમ્મી કરીને કેટલી રડતી હતી !! " સરિતાબેન બોલ્યાં.
પોતાની પત્ની સોનિયાને જીવતી થયેલી જોઈને સૌથી વધુ ખુશી એના પતિ મનોજને થઈ હતી. એણે નજીક જઈને અભિષેકનો હાથ પકડ્યો અને ખૂબ જ આભારની લાગણી બતાવી. એની આંખમાં આંસુ હતાં.
સોનિયાએ એની નાની દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી અને ખૂબ જ વહાલ કર્યું. એણે આભારની લાગણીથી અભિષેકની સામે જોયું અને બે હાથ જોડ્યા. એ બીજું કંઈ બોલી શકી નહીં.
" જુઓ ઘરમાં ગમે તેવા ઝઘડા થાય તો એ બધા ઝઘડાથી તમારાં પાછલા જન્મનાં પાપ કર્મો ધોવાતાં હોય છે. તમને જેટલી પણ તકલીફો પડે એ બધી સહન કરી લો. અને જિંદગીમાં કદી પણ આત્મહત્યા વિશે ન વિચારો. આવેશમાં નિર્ણય તો લઈ લો છો પરંતુ મૃત્યુ પહેલાં જે પીડા થાય છે એ હજારો વીંછીના ડંખ જેવી હોય છે. અને મૃત્યુ પછી પ્રેત યોનિમાં ભટકવું પડે છે. " અભિષેક સોનિયાની સામે જોઈને બોલ્યો.
" અને ભાઈ તમે તમારી પત્ની સાથે એવા ઝઘડા ના કરો કે જેથી એને મરવાના વિચારો આવે. તમે લગ્ન કરીને એને તમારા ઘરમાં લાવ્યા છો. એને ખુશ રાખવી એ તમારી પણ ફરજ છે. તમે એની સાથે અત્યારે ખરાબ વર્તન કરશો તો આવતા જન્મે તમારે પણ ભોગવવું પડશે." અભિષેક હવે મનોજની સામે જોઈને બોલ્યો.
" જી ડોક્ટર સાહેબ. તમે તો આજે મારી અને સોનિયાની જિંદગી બચાવી લીધી છે." મનોજ બોલ્યો.
એ પછી અભિષેક બધાને હાથ જોડીને બહાર નીકળી ગયો અને તમામ પડોશીઓ એને જોતા રહ્યા. આજે એણે ચંદારાણા ટાવરમાં એક નવી પ્રતિષ્ઠા ઉભી કરી હતી.
યોગીજીએ અંજલીના લગ્ન વિશે એના પિતા જીતુભાઈને અંજલીની હાજરીમાં જ સ્પષ્ટ કહ્યું હતું કે એના લગ્ન એક ડોક્ટર સાથે થશે પરંતુ લગ્ન માટે એણે દોઢ બે વર્ષ રાહ જોવી પડશે. અને એ પછી યોગીજીની વાત સાચી પડી હતી અને રેખા દ્વારા અંજલીને ડો. અભિષેકનો પરિચય થયો હતો.
યોગીજીમાં શ્રદ્ધા હોવા છતાં પણ અંજલીના પિતા જીતુભાઈ જોષી દોઢ બે વર્ષ સુધી રાહ જોવા તૈયાર ન હતા. કોઈ સારો છોકરો મળી જાય એના માટેની એમની શોધ ચાલુ જ હતી.
અને અચાનક એમને જેવો જોઈએ એવો એક છોકરો બ્રાહ્મણ કુટુંબમાં મળી આવ્યો. જાન્યુઆરીમાં એક સગાના લગ્નમાં નીરવ નામનો એક સોફ્ટવેર એન્જિનિયર એમના ધ્યાનમાં આવ્યો. નીરવ મહેતા કેનેડા રહેતો હતો અને વીસ દિવસ માટે મુંબઈ આવ્યો હતો.
બંનેની કુંડળી મળતી ન હતી છતાં પણ અંજલી એટલી બધી ખૂબસૂરત હતી કે નીરવ અંજલીને જોઈને લગભગ પાગલ જ થઈ ગયો હતો અને એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો હતો. છેવટે અંજલીના વિરોધને અવગણીને જીતુભાઈએ જબરદસ્તી એની સગાઈ નીરવ સાથે કરી દીધી. જીતુભાઈ કાયમ માટે કેનેડામાં સેટલ થયેલા નીરવને ગુમાવવા માગતા ન હતા. અંજલી પણ સોફ્ટવેર એન્જિનિયર હતી. નીરવ સાથે લગ્ન કરીને અંજલિ પણ કેનેડામાં સેટલ થઈ જાય એ જ એમની ભાવના હતી.
સગાઈ પછી અંજલીને લઈને નીરવ ગોવા જવા માગતો હતો. અંજલી લગ્ન પહેલાં નીરવ સાથે ગોવા ફરવા જવા માટે બિલકુલ તૈયાર ન હતી. પરંતુ નીરવ પોતે એના રૂપમાં પાગલ બનેલો હતો. એણે જીતુભાઈને રિક્વેસ્ટ કરી. વિદેશમાં રહેતા અને આધુનિક વિચારોવાળા ભાવિ જમાઈને જીતુભાઈ ના પણ કેવી રીતે પાડી શકે ?
જબરદસ્તી એમણે અંજલીને ગોવા જવા માટે તૈયાર કરી. જમાઈને એ કોઈપણ સંજોગોમાં નારાજ કરવા માગતા ન હતા. અંજલીને જવું જ પડ્યું.
નીરવનો અંજલીને ગોવા લઈ જવાનો ઇરાદો દરિયા કિનારે રખડવાનો ન હતો. એને તો માત્ર અંજલીમાં જ રસ હતો. એ ત્યાં ચાર દિવસ રોકાયો અને ત્રણ દિવસ અને ત્રણ રાત અંજલી સાથે એણે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો. બન્ને જણાં માત્ર એક જ વાર દરિયા કિનારે ફરવા ગયેલાં બાકી તો બે ટાઈમ જમવા સિવાય નીરવ અંજલી સાથે હોટલમાં જ રહેતો. સગાઈ થઈ ગઈ હતી એટલે અંજલી પોતે પણ એને નાખુશ કરી શકે એમ ન હતી !
મુંબઈ આવ્યા પછી એક અઠવાડિયા પછી નીરવ કેનેડા જતો રહ્યો અને જતા પહેલાં આવતા ડિસેમ્બરમાં લગ્નની વાત પણ કરતો ગયો. એનો પરિવાર મુંબઈમાં જ રહેતો હતો અને એ પણ અંજલી જેવી વહુ મેળવીને બહુ ખુશ હતો !
પરંતુ આ સંબંધથી અંજલી એટલી બધી ખુશ ન હતી. જાણે અજાણે એણે અભિષેકનો વિશ્વાસઘાત કર્યો હતો. નીરવ ભલે કેનેડામાં સેટલ થયેલો સોફ્ટવેર એન્જિનિયર હતો પણ એ પશુવૃત્તિનો હતો. ગોવામાં જે રીતે એ એની સાથે વર્તન કરતો હતો એ એને મનથી ગમ્યું ન હતું. એ વિકૃત માનસ ધરાવતો હતો ! વાતો પણ ગંદી કરતો હતો. હવે આવી વાત કરવી પણ કોને ?
આ બધી વાતોથી અજાણ અભિષેક રોજ અંજલીના મેસેજની રાહ જોતો હતો પરંતુ હવે અંજલી રોજ મેસેજ કરે પણ કેવી રીતે ? સત્ય કહેવાની એની હિંમત ન હતી. એની સાથે એના પપ્પાએ જબરદસ્તી કરી હતી. એનું દિલ ડંખી રહ્યું હતું.
સગાઈ અને શારીરિક સંબંધો થઈ ગયા હોવા છતાં પણ અંજલી જાણે કંઈ જ ન બન્યું હોય એમ દસ કે પંદર દિવસે અભિષેકને પ્રેમભર્યા મેસેજ કરી જ દેતી !! એને ખબર હતી કે એ ખોટું કરી રહી છે છતાં એના દિલમાં તો અભિષેક જ છવાયેલો હતો !!
પરંતુ ભાવિમાં શું થવાનું છે એ ના તો અંજલી જાણતી હતી કે ના એનો અભિષેક !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

