અભિષેક (Abhishek Novel Part-20)

Related

અભિષેક પ્રકરણ 20

બીજો એક મહિનો પસાર થઈ ગયો. ફાગણ મહિનો પણ પૂરો થયો. આ વખતે ચૈત્રી નવરાત્રીમાં પણ અભિષેકે ગાયત્રી અનુષ્ઠાન કર્યું. એને હવે અનુષ્ઠાનમાં મજા આવતી હતી અને એક નવી જ ઉર્જાનો અનુભવ થતો હતો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

જ્યારથી એણે ગાયત્રી સાધના ચાલુ કરી હતી એ પછી એનું જીવન જ જાણે બદલાઈ ગયું હતું. મહાન ગુરુ સ્વામી નિર્મલાનંદજી દ્વારા ગાયત્રી મંત્રની દીક્ષા લીધા પછી એક પછી એક સુખદ ઘટનાઓ બની હતી. એને હવે રાજકોટની હોસ્પિટલમાં પણ ખૂબ જ મજા આવતી હતી. દેસાઈ સાહેબના એના ઉપર ચારે હાથ હતા.

પરંતુ મુંબઈમાં યોગીજીની સલાહની અવગણના કરવાથી જીતુભાઈ જોષી ખૂબ જ દુઃખી હતા.

અને એનું કારણ એ હતું કે ગોવામાં નીરવ સાથે સતત ત્રણ દિવસ અને ત્રણ રાત શારીરિક સંબંધ કર્યા પછી અંજલી પ્રેગ્નન્ટ બની ગઈ હતી. છેલ્લો પિરિયડ આવ્યો એ પછી પોણા બે મહિના જેવો સમય થઈ ગયો હતો અને અંજલીમાં પ્રેગ્નન્સીનાં તમામ લક્ષણો શરૂ થઈ ગયાં હતાં.

હવે શું કરવું ? જીતુભાઈએ એમના ભાવિ જમાઈ નીરવ સાથે ફોન ઉપર અંજલી પ્રેગ્નન્ટ થવાની વાત કરી પણ નીરવે આપેલા જવાબથી જીતુભાઈ વધારે દુઃખી થઈ ગયા.

" જુઓ અંકલ. મારી અને અંજલીની સગાઈ થઈ છે. હજુ લગ્ન થયાં નથી એટલે અત્યારે બાળક રાખી ના શકાય. અને પ્રેગ્નન્સી આવી જાય એ બધું તો આજના જમાનામાં કોમન છે. એના માટે થઈને હું તાત્કાલિક લગ્ન કરવા માટે ઇન્ડિયા આવી જાઉં એવું તમે કહેવા માંગો છો ? મેં અંજલીને પણ એ જ કહ્યું છે કે એબોર્શન કરાવી લે. એમાં તમે લોકો આટલા બધા ટેન્શનમાં કેમ આવી જાઓ છો ?" નીરવ બોલ્યો.

નીરવની વાત સાંભળીને જીતુભાઈને ખૂબ જ આઘાત લાગ્યો. પોતાની આટલી બધી સુંદર અને લાડકી દીકરીને કુંવારા ગર્ભ રહી જાય અને એને એબોર્શન કરાવવું પડે એ વાત જ એમના માટે આઘાત જનક હતી !!

અંજલીને કેનેડા મોકલવાના મોહમાં નીરવ સાથે એમણે જબરદસ્તી સગાઈ કરાવી. એ તો ઠીક પણ અંજલી ના પાડતી હતી છતાં પણ એને ગોવા મોકલી. જમાઈ નારાજ ના થાય એટલા માટે પોતે જ એને ધકેલી હતી ને !

યોગીજીએ એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અંજલીનાં લગ્ન બે વર્ષ પછી ડોક્ટર અભિષેક સાથે થશે છતાં પણ ઉતાવળ કરીને દીકરીની સગાઈ નીરવ સાથે કરી દીધી ! એમને પોતાનું માથું દીવાલ સાથે પછાડવાનું મન થયું.

એમણે છેવટે નીરવના પપ્પા સાથે અંજલીની પ્રેગ્નન્સીની વાત કરી.

" જીતુભાઈ જે પણ થયું એ બન્નેની મરજીથી થયું ને ? નીરવે કોઈ જબરદસ્તી તો નહોતી કરી ને ! અંજલી પોતાની ઈચ્છાથી જ એની સાથે ગોવા ફરવા ગઈ હતી. આજ કાલની આઝાદ વિચારની છોકરીઓ લગ્ન પહેલાં મોજ મજા કરવા માટે આવા સંબંધો બાંધી દે પછી પરિણામ તો આવું જ આવવાનું ને ? અંજલી કંઈ નાની કીકલી થોડી છે ! હવે અમારે પણ એબોર્શન કરાવી ચૂકેલી વહુ સ્વીકારવાની આવીને ! " નીરવના પિતા જનકભાઈ બોલ્યા.

પોતાની સંસ્કારી દીકરી માટે વેવાઈનો આવો નફફટ જવાબ સાંભળીને જીતુભાઈને તરત જ છાતીમાં દુખાવો ઉપડ્યો. પોતાના કારણે પોતાની દીકરી માટે કેવું કેવું સાંભળવું પડ્યું !! એમને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. માઈલ્ડ એટેક આવી ગયો હતો. પરંતુ એ બચી ગયા.

એમને ઘરે લાવ્યા પછી તરત જ એબોર્શનનો નિર્ણય લેવામાં આવ્યો અને મલાડના એક નર્સિંગ હોમમાં અંજલીનું એબોર્શન થઈ ગયું.

નીરવના અને એના પિતા જનકભાઈ ના જવાબથી જીતુભાઈ ને એટલો બધો આઘાત લાગ્યો કે એમણે એબોર્શનના બીજા જ દિવસે બંનેને ફોન કરીને અંજલીની સગાઈ તોડી નાખી.

પરંતુ આ દુર્ઘટના પછી અંજલી ખૂબ જ દુઃખી થઈ ગઈ. એ હવે વર્જિન રહી ન હતી. અરે એ પ્રેગનેન્ટ પણ થઈ ચૂકી હતી. હવે કઈ રીતે પોતાને ગમતા અભિષેક સાથે સંબંધ આગળ વધારે ? અભિષેક સાથે કેટલો મોટો વિશ્વાસઘાત એનાથી થઈ ગયો ! એ ગોવા ગઈ જ શા માટે ?

લગભગ એક મહિના સુધી અંજલી ડિપ્રેશનમાં રહી. એણે સાઈકિયાટ્રીસ્ટ ની સારવાર લેવી પડી. એ હવે ખરેખર ભાગી પડી હતી. પિતાની વાતોમાં આવી જવાનો એને બહુ મોટો અફસોસ હતો ! અભિષેકના વિચારો એનો પીછો છોડતા ન હતા.

બિચારા અભિષેક તો આ બધી જ વાતોથી અજાણ છે. મારું શરીર ચૂંથાઈ ગયું છે. હવે એમની સાથે હું લગ્ન કેવી રીતે કરી શકું ? મને સાચા દિલથી પ્રેમ કરનાર આવા પ્રેમાળ વ્યક્તિ સાથે હું દગો કેવી રીતે કરી શકું ?

બીજી બાજુ અભિષેકના સામેથી પ્રેમ ભર્યા મેસેજ ચાલુ જ હતા એટલે ના છૂટકે મન મારીને અભિષેકનો નંબર જ એણે બ્લોક કરી દીધો જેથી અભિષેક સામેથી કોઈ ફોન કે મેસેજ ના કરી શકે !!

અંજલીએ બીજી ભૂલ એ કરી હતી કે એના જીવનમાં જે પણ બન્યું એની જાણ એણે એની બેસ્ટ ફ્રેન્ડ રેખાને પણ કરી ન હતી. રેખાએ જ એને અભિષેકનો પરિચય કરાવ્યો હતો અને એની સાથે લગ્ન કરવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. હવે રેખાની વાતને અવગણીને એણે કેનેડા રહેતા નીરવ સાથે સગાઈ કરી હતી અને એબોર્શન પણ કરાવવું પડ્યું હતું. હવે રેખાને એ આ બધી વાત કેવી રીતે કરી શકે ?

દોઢ મહિના સુધી એક પણ ફોન કે મેસેજ ન આવ્યો એટલે અભિષેકને અંજલીની ચિંતા થવા લાગી. એની તબિયત તો સારી હશે ને ! હવે તો એનો ફોન પણ સતત બંધ આવતો હતો. મેસેજ પણ જતા ન હતા. આટલા બધા સમય સુધી અંજલી મને મેસેજ કર્યા વગર રહે નહીં. કેનેડામાં એ ક્યાંય ફસાઈ ગઈ તો નહીં હોય ને ! કારણકે અભિષેક તો એમ જ સમજતો હતો કે અંજલી કેનેડા છે.

અભિષેક પાસે રેખાનો નંબર તો હતો જ. એણે રેખાને ફોન કર્યો.

" રેખા હું મુંબઈથી અભિષેક બોલું છું. છેલ્લા એક દોઢ મહિનાથી અંજલીનો કોઈ ફોન આવતો નથી. એણે જાણે મને બ્લોક કર્યો હોય એવું લાગે છે. જાન્યુઆરી સુધી તો દર બે ત્રણ દિવસે એનો ફોન કે મેસેજ આવતો હતો. એ પછી દસ કે પંદર દિવસે એકાદ વાર આવતો. અને હવે તો એનો કોઈ મેસેજ નથી. મેસેજ પણ જતા નથી. " અભિષેક બોલ્યો.

" તમે ચિંતા ના કરશો. હું બધી જ તપાસ કરાવું છું. એનો ફોન નહીં લાગે તો જીતુ અંકલને પણ પૂછું છું. " રેખા બોલી.

રેખાએ રાત્રે આઠ વાગે અંજલીને ફોન કર્યો.

" અંજલી હું અમદાવાદથી રેખા બોલું છું. તું ડૉ. અભિષેક સાથે વાત કેમ નથી કરતી ? તેં એમનો નંબર બ્લોક કર્યો છે ? તારા માટે થઈને બિચારા કેટલા બધા ટેન્શનમાં આવી ગયા છે ? વાત શું છે ? તમારે બંનેને કંઈ વાંધો પડ્યો છે ? " રેખા બોલી.

અને અંજલિ ફોન ઉપર જ મન મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ કંઈ બોલી શકી જ નહીં. એણે ફોન જ કટ કરી દીધો. થોડીવાર પછી એક મેસેજ કરી દીધો -- હું થોડીવાર પછી શાંતિથી વાત કરીશ.

અને રાત્રે દસ વાગ્યે અંજલીએ પોતાના બેડરૂમમાંથી રેખાને ફોન કર્યો અને બધી જ ઘટના વિગતવાર એણે રેખાને કહી. યોગીજીએ દોઢ વર્ષ પછી અભિષેક સાથે લગ્ન કરવાનું કહ્યું હતું એ પણ કહ્યું અને અભિષેકને પોતે કેનેડા છે એ રીતે જ વાત કરતી હતી એ પણ જણાવ્યું.

એ પછી પપ્પાએ કેનેડાથી આવેલા સોફ્ટવેર એન્જિનિયર નીરવ સાથે જબરદસ્તી એની સગાઈ કરાવી અને સગાઈ પછી નીરવ એને ચાર દિવસ માટે ગોવા ફરવા લઈ ગયો અને ત્રણ દિવસ સુધી સતત હોટલમાં એણે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો એ પણ કહ્યું.

એ પછી પોતે પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને એબોર્શન કરાવવું પડ્યું એ વાત પણ જણાવી. નીરવ અને એના પપ્પાએ ઉપરથી મારો જ દોષ કાઢ્યો એટલે પપ્પાને માઇલ્ડ હાર્ટ એટેક પણ આવી ગયો. પપ્પાએ તરત જ સગાઈ ફોક કરી દીધી.

" હવે તું જ કહે રેખા હું કયા મોઢે અભિષેક સાથે સંબંધ ચાલુ રાખું ? કયા મોઢે હું એમની સાથે વાત કરું ? દીકરીને ગાય દોરે ત્યાં જાય એ કહેવત મારા માટે તો સાચી પડી. મારા જેવી એજ્યુકેટેડ છોકરી પણ મા બાપની સામે કોઈ દલીલ કરી શકી નહીં અને મેં સગાઈ થવા દીધી. મેં અભિષેક સાથે વિશ્વાસઘાત કર્યો છે રેખા. એમના મેસેજ હું વાંચી શકતી ન હતી એટલે છેવટે મેં નંબર જ બ્લોક કરી દીધો. રેખા ના તો હું નીરવ સાથે લગ્ન કરી શકી કે ના અભિષેક હવે મારા રહ્યા ! " લગભગ રડતાં રડતાં જ અંજલીએ રેખાને બધી વાત કરી.

" તારા જીવનમાં બહુ મોટી આંધી આવી ગઈ અંજલી. તું મારી બેસ્ટ ફ્રેન્ડ હતી છતાં સગાઈ પહેલાં તેં મારી સલાહ પણ ના લીધી. મેં જ તને અભિષેક સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી અને તેં માની પણ લીધી હતી. તો પછી અભિષેક સાથે સંબંધ તોડીને નીરવ સાથે સગાઈ કરતી વખતે તેં મને કેમ ના પૂછ્યું ? " રેખાએ એને પ્રેમથી ઠપકો આપ્યો.

"મારી મતિ મારી ગઈ હતી રેખા. પપ્પા લોકો સગાઈ માટે એટલું બધું પ્રેશર કરી રહ્યા હતા કે અચાનક જ બધું બની ગયું. મને શાંતિથી વિચારવાનો કોઈ મોકો જ ના મળ્યો. એ હરામી વીસ દિવસ માટે કેનેડાથી આવ્યો હતો અને મારી જિંદગી બરબાદ કરીને જતો રહ્યો. હેવાન હતો હેવાન. હું તો બરાબરની ફસાઈ ગઈ રેખા." અંજલી બોલી.

" કંઈ વાંધો નહીં. હવે તું શાંતિ રાખ. પ્રારબ્ધમાં લખ્યું હશે તે થશે. ચિંતા કરવાથી કંઈ જ વળશે નહીં. હવે મારે અભિષેકને શું કહેવું એના માટે મારે વિચારવું પડશે. એમને મારાથી સાચી વાત નહીં કહી શકાય. નહીં તો એ બિચારા ભાગી પડશે. મને થોડો સમય આપ. મન હળવું કરવા થોડા દિવસ માટે તું અમદાવાદ આવી જા. " રેખા બોલી અને પછી ફોન કટ કર્યો.

અંજલી સાથે વાત કર્યા પછી રેખાને મોડી રાત સુધી ઊંઘ ના આવી. એની બેસ્ટ ફ્રેન્ડ અંજલીએ બહુ જ ખોટું કર્યું હતું. ડૉ. અભિષેક સાથે એણે વિશ્વાસઘાત કર્યો હતો. હવે અભિષેક ને શું જવાબ આપવો એની જ મથામણમાં એ મોડી રાત સુધી જાગતી રહી પરંતુ કોઈ પણ નિર્ણય ઉપર ના આવી શકી. છેવટે કંટાળીને એ સૂઈ ગઈ.

રેખા સાથે વાત કર્યા પછી અંજલીના મનનો ભાર થોડો હળવો થયો. બીજા દિવસે સવારે ઉઠીને તરત જ એણે યોગીજીનો સંપર્ક કરવાનો નિશ્ચય કર્યો. એણે યોગીજીને ફોન કર્યો અને રૂબરૂ મળવાની પરમિશન માગી.

સવારે નવ વાગે જ એ ઘરેથી એકલી નીકળી ગઈ અને સવા દસ વાગ્યા સુધીમાં એ સિક્કાનગર પહોંચી પણ ગઈ.

ગુરુજીના ચરણસ્પર્શ કરીને એ એમની સામેના સોફા ઉપર બેઠી. અત્યારે બીજું કોઈ આવેલું ન હતું એટલે એને થોડી રાહત પણ થઈ.

" ગુરુજી મારે આપને થોડી અંગત વાત કરવી છે. " અંજલી બોલી.

" તારી બધી જ વાત હું જાણું છું આપણે પૂજાના રૂમમાં જ બેસીએ. " યોગીજી બોલ્યા અને એમના પૂજા ખંડમાં ગયા. અંજલી પણ પાછળ પાછળ ગઈ.

" મેં તને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે તારાં લગ્ન દોઢેક વર્ષ પછી અભિષેક સાથે થશે. ત્યાં સુધી તારે લગ્ન કરવાનાં નથી અને તારો ચહેરો પણ એને બતાવવાનો નથી. " યોગીજી બોલ્યા.

" પણ ગુરુજી.... " અંજલી બોલવા જતી હતી પણ યોગીજીએ રોકી.

" વચ્ચે ના બોલ. મારી વાત પૂરી થઈ નથી. મેં તને દોઢ વર્ષ સુધી લગ્નથી દૂર રહેવાની સલાહ આપી હતી. તું મારી સૂચના પ્રમાણે અભિષેકથી તો દૂર રહી પણ તેં બીજા કોઈની સાથે તારો સંસાર તો શરૂ કરી જ દીધો. તારા ઉપર અભિશાપ છે અને એ ટાળવા માટે શારીરિક સંબંધથી દૂર રહેવા મેં તને લગ્નની ના પાડી હતી." યોગીજી બોલી રહ્યા હતા.

" તેં ગર્ભપાત કરાવી દીધો એ બહુ સારું કર્યું. નહીં તો ડિલિવરી પછી તારું પોતાનું મૃત્યુ નિશ્ચિત હતું ! આ આ વર્ષ પ્રેગ્નન્સી માટે ટાળવાનું હતું પણ તારા પપ્પાની ભૂલ ના કારણે આ બધું બની ગયું." યોગીજી બોલ્યા અને પાણીનો એક ઘૂંટડો એમણે પીધો.

"અભિષેક ઉપર પણ અભિશાપ છે પણ એ મારી સૂચનાનું કડક રીતે પાલન કરી રહ્યો છે. જ્યારે તારા પિતાએ મારી આટલી સૂચના હોવા છતાં પણ તને ગોવા મોકલી. હીરા જેવો છોકરો તને મળ્યો હતો પણ એની સાથે તમે લોકોએ બહુ મોટો વિશ્વાસઘાત કર્યો. એ તો આજે પણ તારી પ્રતીક્ષા કરી રહ્યો છે. " યોગીજી બોલ્યા અને અંજલી રડવા લાગી.

યોગીજીએ એને રડવા દીધી અને બે-ત્રણ મિનિટ પછી એને પાણીનો ગ્લાસ આપ્યો.

" જે થવાનું હતું તે થઈ ગયું. તારા કરતાં પણ તારા પિતા જીતુભાઈનો વાંક બહુ મોટો છે. મારી અવગણના તો એમણે કરી છે. ભૂતકાળમાં મારા અનુભવો થયા હોવા છતાં પણ મારી વાત ન માની અને તારી સગાઈ બીજે કરી દીધી ." યોગીજી બોલ્યા.

" હવે મારે શું કરવું ? મને તો હવે આત્મહત્યાના વિચાર આવે છે ગુરુજી. " અંજલી બોલી.

" આત્મહત્યા એ કોઈ ઉપાય નથી. અભિષેક તારા પ્રારબ્ધમાં લખેલો છે એટલે એ મિથ્યા થવાનું નથી. તારે ફરીથી અભિષેક સાથે વાતચીત ચાલુ કરવાની છે. અત્યારે તારે એને કંઈ જ કહેવાનું નથી. એકદમ નોર્મલ રહેવાનું છે જાણે કે કંઈ બન્યું જ નથી. તારે એને ભરપૂર પ્રેમ કરવાનો છે. જોઈએ હવે આ સંબંધો કઈ રીતે આગળ વધે છે ! " યોગીજી બોલ્યા.

યોગીજીના શબ્દોથી અંજલીને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો. જાણે કે એના મનની બધી જ પીડા શાંત થઈ ગઈ. આશાનું એક નવું કિરણ પ્રગટ થયું. જાણે કે એનો અભિષેક એને પાછો મળી ગયો.

" અને હવે તારા જીવનમાં જે દુર્ઘટના બની એનાથી તારો અભિશાપ પૂરો થઈ ગયો છે. તું સગર્ભા થઈ ત્યારથી જ તારો મૃત્યુ યોગ ચાલુ થઈ ગયો હતો પણ મને ખબર પડી ગઈ હતી એટલે મેં તારી પાછળ હનુમાનજીની સુરક્ષા મોકલી હતી. તેં ગર્ભપાત કરાવી દીધો એટલે તું બચી ગઈ. " યોગીજી બોલી રહ્યા હતા.

" હવે રાજકોટમાં રહેતા અભિષેકનો અભિશાપ પણ પૂરો થઈ ગયો છે. માટે હવે તું તારો ચહેરો એને બતાવી શકે છે અને રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો રૂબરૂ પણ મળી શકે છે. છતાં લગ્ન માટે હજુ એકાદ વર્ષ રાહ જો. " ગુરુજી હસીને બોલ્યા.

ગુરુજીની આ વાત સાંભળીને તો અંજલીના દિલમાં જાણે દીવા પ્રગટી ગયા. દિલ બાગ બાગ થઈ ગયું. પાંખો હોય તો ઉડીને અભિષેકને વળગી પડવાનું મન થયું.

" ગુરુજી કાશ મેં આપની વાત માની હોત. આપનું વચન છે એટલે હવે અભિષેક તો મને મળશે જ પરંતુ બિચારા અભિષેકને જેવી જોઈએ એવી અખંડ કૌમાર્યવાળી અંજલી નહીં મળે. મારી જાત ઉપર મને નફરત થાય છે. આજે તમે મારા દિલમાં આશા પ્રગટાવી એ બદલ હું આપનો આભાર માનું છું. " કહીને અંજલીએ યોગીજીના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી હનુમાનજીનાં ભાવપૂર્વક દર્શન કરીને એ બહાર નીકળી ગઈ.

ઘરે જતી વખતે રસ્તામાં જ અંજલી એ રેખાને ફોન કરી દીધો.

" રેખા મેં નિશ્ચય કરી લીધો છે. હું અભિષેક સાથે આજથી જ વાતચીત ચાલુ કરીશ. લગ્ન તો એમની સાથે જ કરીશ. હું એમને સાચી વાત કહીશ. એમના પગે પડીશ. પગ ધોઈને પાણી પીશ. વારંવાર માફી માગીશ. મને જે સજા આપે તે સહન કરીશ પણ હવે એક ભવમાં બે ભવ નહીં જ કરું. આ જન્મમાં અભિષેક જ મારું સર્વસ્વ છે. એ મારો સ્વીકાર કરે કે ના કરે ! " અંજલી બોલી અને ફોન કટ કર્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."