અભિષેક (Abhishek Novel Part-21)

Related

અભિષેક પ્રકરણ 21

રેખા સાથે વાત કર્યા પછી એ જ રાત્રે અંજલી એક નવોઢાની જેમ તૈયાર થઈ ગઈ. માથે શેમ્પુ કરીને લાંબા વાળ છુટ્ટા રાખ્યા. ઓરેન્જ કલરની લહેરિયા સાડીની સાથે નેવી બ્લુ કલરનું બ્લાઉઝ પહેર્યું. આંખોમાં કાજળ લગાવ્યું. એકદમ ગોરી હતી છતાં થોડો મેકઅપ પણ કરી લીધો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

બરાબર દસ વાગે અભિષેક ઉપર અંજલીનો વૉઇસ કોલ આવ્યો.

" હાય હબી... શું કરો છો ? તમને વીડિયો કોલ કરું ? આજે તો તમારાં દર્શન કરવાની ઈચ્છા થઈ આવી છે. " અંજલી બોલી.

" અરે અંજુ ડાર્લિંગ અત્યાર સુધી તું ક્યાં ખોવાઈ ગઈ હતી ? આટલું બધું તડપાવવાનું હોય ! છેલ્લા દોઢ મહિનાથી તારા ફોન અને મેસેજ બધું જ બંધ છે ! મારા મેસેજ પણ જતા નથી. રોજ રાત પડે અને મને મારી અંજલી યાદ આવી જાય." અભિષેક લાગણીથી બોલ્યો.

" હવે તમારે મને મિસ કરવી નહીં પડે જાન. મુંબઈ પાછી આવી ગઈ છું. હવે કહેતા હો તો કાલે જ ઉડીને રાજકોટ પણ આવી જાઉં. " અંજલી હસીને બોલી.

" ઓલવેઝ વેલકમ ડાર્લિંગ. પણ કમ સે કમ એક વાર વીડિયો કોલ ઉપર તો તારાં દર્શન કરાવ !" અભિષેક બોલ્યો. અંજલીને જોવા માટે એ ખૂબ જ બેચેન હતો !

" એટલા માટે તો સૌથી પહેલાં પૂછ્યું કે વિડીયો કોલ કરું ? " અંજલી બોલી અને એણે પોતાના બેડરૂમની બધી જ લાઈટો ચાલુ કરી દીધી જેથી વિડીયો કેમેરામાં અભિષેક એને સ્પષ્ટ જોઈ શકે !

એ પછી અંજલીએ અભિષેકને આટલા સમય પછી પહેલીવાર વિડીયો કોલ કર્યો.

અદભુત સૌંદર્યવાળી ભરયુવાન અંજલીને પોતાની સામે પ્રત્યક્ષ જોઈને અભિષેક એટલો બધો અંજાઈ ગયો કે એને બોલવાના હોશ પણ ના રહ્યા ! આજે અંજલીનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું !!

શું મારી અંજલી આટલી બધી સુંદર છે !!! - અભિષેક અવાક થઈ ગયો.

" અરે હેલો.... અભિષેક તમે ક્યાં ખોવાઈ ગયા ? " અંજલી બોલી.

અભિષેક તો પહેલી વાર અંજલીના આટલા બધા સૌંદર્યને જોઈને પોતાના હોશ ખોઈ બેઠો હતો. અંજલી કોઈ હિરોઈનને પણ ટક્કર મારે એટલી સુંદર હતી !

" તારા રૂપમાં એટલો બધો ખોવાઈ ગયો છું ડાર્લિંગ કે મને મારું જ ભાન નથી. બ્યુટીફૂલ શબ્દ પણ તારી પ્રશંસા માટે નાનો પડે છે !!! " અભિષેક બોલ્યો.

અભિષેકના શબ્દો અંજલીના હૃદયને છેક ઊંડે સુધી સ્પર્શી ગયા પરંતુ સાથે સાથે એને પીડા પણ થઈ. આ સૌંદર્ય તો હવે ચૂંથાઈ ગયેલું છે અભિષેક ! પેલા નાલાયકે મારા સૌંદર્યનો પહેલો શિકાર કરી લીધો છે !!

" આટલા બધા પાગલ ના બનો અભિષેક. મારા આ સૌંદર્યના તમે જ માલિક છો અને મારું તન મન ધન માત્ર તમારા માટે જ છે. તમારા જીવનમાં આવીને તમારી સેવા કરવા દો " બોલતાં બોલતાં અંજલીનું હૃદય ભરાઈ આવ્યું.

" અરે મેરી જાન. આટલી બધી ભાવુક કેમ બની ગઈ છે ! તારે મારી કોઈ જ સેવા કરવાની નથી. તું તો મારા ઘરની લક્ષ્મી છો. મારા હૃદયમાં તારું જ નામ કોતરાયેલું છે. તને એટલો બધો પ્રેમ આપીશ કે તું પાગલ થઈ જઈશ ! " અભિષેક લાગણીથી બોલ્યો.

" હવે મારાથી વધારે વાત નહીં થઈ શકે અભિ ! આજે બસ આટલું જ. ઘણા સમય પછી તમને મળી રહી છું એટલે થોડીક લાગણીશીલ બની ગઈ છું. " અંજલી બોલી અને એણે કોલ કટ કર્યો.

ફોન ઉપર વાત કરીને અને અભિષેકના શબ્દો સાંભળીને અંજલી એટલી બધી ઈમોશનલ થઈ ગઈ કે એ રડી પડી. અભિષેકે કેવી સરસ વાતો કરી હતી ! મને કેટલું બધું વહાલ કરે છે ! મેં એમની સાથે આવું શા માટે કર્યું ? મારા પપ્પાના નિર્ણયને મેં શા માટે સાથ આપ્યો ?

જ્યારે બીજી બાજુ અભિષેક તો અંજલીના સૌંદર્યને જોઈને બહાવરો બની ગયો હતો. અંજલી આટલી બધી સુંદર હશે એની એને કલ્પના જ ન હતી !

ભારતી આન્ટીનો અભિશાપ પૂરો થઈ ગયો હતો એટલે અભિષેક હવે લગ્ન કરવા માટે મુક્ત હતો છતાં પણ યોગીજીએ કહ્યું હતું એટલા માટે ભારતી આન્ટીનો દેહ પડી જાય ત્યાં સુધી એ લગ્ન કરવા માગતો ન હતો. આન્ટીનું શ્રાદ્ધ અને ક્રિયાકર્મ કર્યા પછી જ એ મુંબઈ જવા માગતો હતો.

સમયને સરકતાં વાર નથી લાગતી. બીજા ત્રણ મહિના પસાર થઈ ગયા. ગુરુ પૂર્ણિમા પણ આવી ગઈ. આ વર્ષે તો અભિષેકે દિલથી ગુરુપૂર્ણિમા ઉજવી.

વહેલી સવારે ચાર વાગે એ ઉઠી ગયો. એની પાસે પોતાના દિવ્ય ગુરુ સ્વામી નિર્મલાનંદનો કોઈ ફોટો તો હતો જ નહીં એટલે પૂજા કરવાનો પણ કોઈ પ્રશ્ન ન હતો. બધું માનસિક જ કરવાનું હતું.

એ નાહી ધોઈને તૈયાર થઈને સાડા ચાર વાગે ધ્યાનમાં બેસી ગયો. આજે રાજકોટમાં વાતાવરણ પણ સરસ હતું. બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ હતો એટલે ધ્યાન જલ્દી લાગી જાય એવું હતું.

ઈશ્વરની ભક્તિ અને ધ્યાનને બહારના વાતાવરણ સાથે ગાઢ સંબંધ હોય છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે દિવ્ય ચેતના પૃથ્વીની ખૂબ જ નજીક હોય છે અને એટલા માટે જ વધુમાં વધુ તપ ચાતુર્માસમાં કરવામાં આવે છે. ઉનાળો સાધના માટે પણ આકરો હોય છે. શિયાળાની ઠંડી ધ્યાન અને ભક્તિમાં ચોક્કસ મદદ કરે છે અને મન પણ પ્રફુલ્લિત રહે છે એટલે જ હિમાલયમાં તપસ્યાઓ વધારે થાય છે !

આજે પણ અભિષેકને ધ્યાન જલ્દી લાગી ગયું. ગુરુપૂર્ણિમા જેવો પવિત્ર દિવસ હોય અને એના સમર્થ ગુરુ અભિષેકને દર્શન ના દે એવું તો બને જ નહીં ! અડધી કલાકના ધ્યાનમાં જ અભિષેક અંદર ખોવાઈ ગયો અને ગુરુજીના દિવ્ય સ્વરૂપનાં એને દર્શન થયાં.

ધ્યાનમાં થતી વાતો મનોમય હોય છે એટલે કે વિચારનાં આંદોલનોથી જ સંવાદોની આપ લે થતી હોય છે. એમાં હોઠ ફફડતા નથી હોતા.

" રાજકોટમાં આવીને તું ખુશ તો છે ને ! " ગુરુજી હસીને બોલ્યા.

" જી ગુરુજી મને અહીં કોઈ તકલીફ નથી. સ્વતંત્રપણે હોસ્પિટલ સંભાળું છું અને મારું માન સન્માન પણ અહીં ઘણું વધી ગયું છે. મારાથી થાય એટલી ભારતી આન્ટીની સેવા પણ કરું છું. " અભિષેક નમ્રતાથી બોલ્યો.

" મારું ધ્યાન તારા ઉપર હોય છે જ. તારાં એ આન્ટીએ એમના ગુનેગારને એટલે કે તને માફ પણ કરી દીધો છે એ મને ખબર છે. એટલે હવે તારા ઉપરથી અભિશાપ તો દૂર થઈ ગયો છે. લગ્ન હજુ એક વર્ષ પછી કરવાનો તારો નિર્ણય પણ સાચો છે. મારે તને એક બીજી વાત પણ કરવાની છે. " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી. " અભિષેક બોલ્યો.

"તારી અંજલીના જીવનમાં એક મોટી દુર્ઘટના બની ગઈ છે અને એટલા માટે જ બે મહિના સુધી એ તારાથી દૂર હતી. તું કદાચ એને છોડી દે એ ડરથી એણે તને કશું કહ્યું નથી પરંતુ એની સાથે બહુ જ ખરાબ થયું છે. એ છોકરી પોતે નિર્દોષ છે પણ ભાવિ મિથ્યા થતું નથી. એને એક અભિશાપ નડી ગયો અને એ એના પિતાના કારણે ફસાઈ ગઈ. એ તને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. કદાચ તારા કરતાં પણ વધારે. માટે તું એને માફ કરી દેજે. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી આપની બધી જ આજ્ઞા મને શિરોમાન્ય છે પરંતુ એવું તે શું બન્યું છે અંજલી સાથે ? " અભિષેક ખૂબ વ્યથિત થઈને બોલ્યો.

" એ બાબતમાં મારે અત્યારે તને કંઈ જ કહેવું નથી. અંજલી પોતે જ તને સમય આવશે એટલે કહેશે. કેટલાંક રહસ્યો એના યોગ્ય સમયે ખુલે એ જ બરાબર છે. તારે એને પણ કંઈ પૂછવાનું નથી. એને બસ તારા સાચા પ્રેમની જરૂર છે. એને સંભાળી લેજે." ગુરુજી બોલ્યા.

" તારામાં મેં કેટલીક શક્તિઓ મૂકેલી છે જેનો તને પણ અનુભવ થતો જ હશે. તું મૃત્યુ પામેલી વ્યક્તિને જીવંત પણ કરી ચૂક્યો છે. ક્યારેક કોઈના સૂક્ષ્મ શરીરને પણ જોઈ શકે છે તો ક્યારેક ભૂતકાળની કોઈ ઘટનાને પણ જોઈ શકે છે. આવી બધી શક્તિઓ તારામાં કાર્યરત છે અને જ્યારે જરૂર પડશે ત્યારે એ શક્તિઓ આપોઆપ કામ કરશે. ગાયત્રીની માળા ચાલુ રાખજે. અહીં રામકૃષ્ણ દેવની ચેતના ખૂબ જ પ્રત્યક્ષ છે માટે આજે દર્શન કરી આવજે. એ મહાન સંતે મને પણ મારા માર્ગમાં ખૂબ મદદ કરી છે." ગુરુજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

જાગ્યા પછી પણ ગુરુજીની બધી જ વાતો એને યાદ હતી. ધ્યાન કર્યા પછી એણે ગાયત્રીની પાંચ માળાઓ પણ કરી લીધી અને સવારે સાડા છ વાગે ગાડી લઈને યાગ્નિક રોડ ઉપર ભગવાન શ્રી રામકૃષ્ણ દેવનાં દર્શન કરવા નીકળી ગયો. રસ્તામાંથી એણે ગુલાબનો હાર પણ ખરીદી લીધો. ગુરુજીએ કહ્યું હતું એમ એને શ્રી રામકૃષ્ણ દેવની મૂર્તિ જીવંત લાગી.

ત્યાંથી નીકળીને અભિષેક પોતાની ગાડીમાં કુવાડવા રોડ ઉપર ભગવાન રામના ઉપાસક શ્રી રણછોડદાસજી મહારાજના આશ્રમમાં પણ દર્શન કરી આવ્યો.

એ ઘરે પાછો આવ્યો ત્યારે પોણા નવ વાગી ગયા હતા. આજે એને સવારે ચા પીવાનું પણ યાદ નહોતું આવ્યું.

" સવાર સવારમાં ક્યાં નીકળી ગયો હતો ભાઈ ? સાત વાગે ઊઠીને મેં ચા મૂકી ત્યારે તું તારા રૂમમાં ન હતો. ચા ઠંડી ગઈ થઈ ગઈ હશે. લાવ તને ગરમ કરી આપું. " આન્ટી બોલ્યાં. રોજ સવારે સાત વાગે ભારતી આન્ટી જ બે કપ ચા બનાવી દેતાં.

"આજે ગુરુપૂર્ણિમા છે એટલે હું દર્શન કરવા ગયો હતો માસી." અભિષેક બોલ્યો.

ચા પીને અભિષેક નવ વાગે હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. આમ તો હોસ્પિટલ પહોંચવાનો સમય સવારે દસ વાગ્યાનો હતો પરંતુ અભિષેક થોડોક વહેલો જ પહોંચી જતો. રોજ બપોરે એક વાગે ઘરે જમવા માટે આવતો અને રાત્રે ઘરે આવતાં આઠ વાગી જતા. ઘર કરતાં પણ એને હોસ્પિટલ વધારે ગમતી અને ત્યાં જલ્દી સમય પસાર થઈ જતો.

ઓગસ્ટ મહિનો પૂરો થયો એટલે શ્રાવણ મહિનામાં એની હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં જે જગ્યા ખાલી હતી ત્યાં દિપાલી નાયક નામની એક ડેન્ટિસ્ટને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. એણે હમણાં જ ડિગ્રી મેળવી હતી અને પોતાના કામમાં ઘણી હોંશિયાર હતી. એ અનાવિલ બ્રાહ્મણ હતી. ત્રણ ઉમેદવારોમાંથી એની પસંદગી દેસાઈ સાહેબે કરી.

દિપાલીએ રોજ હોસ્પિટલ આવીને અભિષેક સરને રિપોર્ટ કરવાનો હતો કારણ કે એ પોતે મેડિકલ ઓફિસર હતો. દેસાઈ સાહેબ પોતે હોસ્પિટલના માલિક અને સુપ્રિટેન્ડેન્ટ હતા અને સાથે સાથે જનરલ સર્જન પણ હતા.

અભિષેકને યાદ આવ્યું કે દિપાલી નામ એણે સાંભળેલું છે. એ પછી એને એ પણ યાદ આવી ગયું કે વીણામાસી નાશિકની કોઈ છોકરી વિશે વાત કરતાં હતાં એનું નામ પણ દિપાલી જ હતું. પરંતુ અભિષેકને એ ખ્યાલ ન હતો કે આ દિપાલી નાશિકમાં જ ભણેલી છે અને વીણામાસીના ફ્લેટની ઉપરના ફ્લેટમાં જ રહેતી હતી.

દિપાલી જાગનાથ પ્લૉટમાં રહેતી હતી અને રોજ એકટીવા ઉપર આવતી હતી. આખા દિવસની એની ડ્યુટી હતી એટલે રોજ ટિફિન લઈને એ આવતી.

બપોરે એક થી ત્રણ હોસ્પિટલમાં તમામ સ્ટાફ માટે લંચ ટાઈમ રહેતો. દિપાલી હોસ્પિટલમાં આવેલા પોતાના ક્લિનિકમાં જ ટિફિનનો ડબો ખોલીને જમી લેતી.

એક દિવસ અભિષેકને દાઢનો દુઃખાવો ઊપડતાં એ બપોરે સાડા બાર વાગે દિપાલીની ચેમ્બરમાં કોઈ પેશન્ટ ન હતું ત્યારે પોતાની દાઢ બતાવવા માટે ગયો.

" ગઈકાલની મારી જમણી સાઈડની દાઢ દુઃખે છે. જરા ચેક કરી આપો ને. કાલે રાત્રે પણ મારે પેન કિલર લેવી પડી હતી. " અભિષેક ક્લિનિકમાં દાખલ થઈને બોલ્યો.

" સ્યોર સર. આ ડેન્ટલ ચેર ઉપર આવી જાઓ. હું જરા ચેક કરી લઉં." દિપાલી બોલી.

અભિષેક ડેન્ટલ ચેર ઉપર ગોઠવાઈ ગયો એટલે દિપાલીએ ચેરને સહેજ નીચી કરીને એડજસ્ટ કરી. પછી અભિષેકને મોઢું ખોલાવીને અંદર લાઈટ ફેંકીને દાઢ ચેક કરી.

" દાઢમાં કોઈ જ તકલીફ નથી સર. કોઈ સડો પણ નથી. દાઢની નીચેના ભાગના પેઢામાં થોડું સ્વેલિંગ છે એટલે એનું મસ્ક્યુલર પેન છે. હું ગોળી લખી આપું છું. બે દિવસ બે ટાઈમ જમ્યા પછી લઈ લેજો. એનાથી સોજો પણ ઉતરી જશે અને પેન પણ બંધ થઈ જશે. " દિપાલી બોલી.

" થૅન્ક યુ દિપાલી. મને એવું હતું કે રૂટ કેનાલ કરાવવી પડશે. " અભિષેક હસીને બોલ્યો.

" ના ના એવું કંઈ સિરિયસ નથી સર." દિપાલીએ પણ હસીને જવાબ આપ્યો.

" સર બે મિનિટ વાત કરી શકું ? " દિપાલી સંકોચાઈને બોલી.

" અરે બોલો ને ! તમે પોતે પણ ડોક્ટર જ છો. રજા લેવાની થોડી હોય ? " અભિષેક બોલ્યો.

" તમારી ભાષા સૌરાષ્ટ્રની નથી. તમે રાજકોટના નથી ? " દિપાલી બોલી.

" ના હું મુંબઈનો છું અને મુંબઈ જ રહું છું. માત્ર દોઢ વર્ષ માટે રાજકોટ આવેલો છું. એકાદ વર્ષ પછી મુંબઈ જતો રહીશ. તમે તો રાજકોટના જ ને ! ડેન્ટલનો અભ્યાસ પણ અહીં જ કર્યો હશે." અભિષેક બોલ્યો.

" ના સર. મેં અભ્યાસ તો મારા મામાના ઘરે રહીને નાશિકમાં કરેલો છે. ડિગ્રી મળી ગઈ એટલે બે મહિના પહેલાં જ રાજકોટ આવી ગઈ. " દિપાલી બોલી.

અભિષેકને ટ્યુબલાઈટ થઈ ગઈ કે વીણામાસી પોતાના લગ્ન માટે આ છોકરીની જ વાત કરતાં હતાં. એને થોડો સંકોચ થઈ ગયો.

" તમે નાશિકમાં મારાં વીણા માસીને ઓળખો ? વીણાબેન અધ્વર્યુ. એમની દીકરીનું નામ આરતી. જે અત્યારે નર્સિંગનો કોર્સ કરવા માટે મુંબઈ મારા ઘરે આવી છે." અભિષેકે જાણી જોઈને આ પૂછ્યું.

" અરે હા સર કેમ નહીં ? હું પણ એમને વીણામાસી જ કહું છું. એ અમારા ફ્લેટની નીચેના ફ્લેટમાં રહે છે અને આરતીને પણ બહુ સારી રીતે ઓળખું. તમે દહીંસરમાં રહો છો ને ?" દિપાલી બોલી.

હવે એને પણ અભિષેક સાથે વાત કરવામાં સંકોચ થતો હતો. કારણ કે વીણામાસીએ દિપાલી સાથે પણ અભિષેકના લગ્નની વાત છેડી હતી.

" તમારા વિશે માસીએ મને વાત કરી હતી. પણ એ દિપાલી તમે જ હશો એની તો મને કલ્પના પણ ક્યાંથી હોય ? હા માસીએ મને એ વાત ચોક્કસ કરેલી કે તમે રાજકોટનાં છો." અભિષેક બોલ્યો.

" ચાલો તમારી રૂબરૂ ઓળખાણ તો થઈ ગઈ અને એ પણ એક જ હોસ્પિટલમાં ! દુનિયા કેટલી બધી નાની છે. મારે તમારી જ હોસ્પિટલમાં જોડાવાનું થશે એની મને પણ કલ્પના ન હતી. તમને મળીને આનંદ થયો સર. " દિપાલી સંકોચાઈને બોલી.

" હવે ઓળખાણ થઈ છે તો મળતા રહીશું. મારી દાઢનો દુખાવો તમારી ઓળખાણ કરાવવામાં નિમિત્ત બની ગયો. હું માસીને આ ખબર ચોક્કસ આપીશ. " અભિષેક બોલ્યો.

" હા એમને મારી યાદ આપજો. સર તમને ઢોકળાં ભાવે છે ? હું આજે ટિફિનમાં માત્ર ઢોકળાં જ લાવી છું. મારી સાથે આજે લંચ શેર કરો. " દિપાલી બોલી. એના દિલના તાર આજે ઝણઝણી ઉઠ્યા હતા.

" અરે આટલા નાનકડા ડબાનાં ઢોકળાં હું કેવી રીતે શેર કરું ? મને આગ્રહ ના કરશો. તમારે ભૂખ્યા રહેવું પડશે. આ તો મારી પ્રિય આઈટમ છે." અભિષેક બોલ્યો.

" તમને જમાડવાનો મને આનંદ થશે. માસી તમારા વિશે મને ઘણી વાતો કરતાં હતાં. તમે બોરીવલીની કોઈ હોસ્પિટલમાં જોબ કરતા હતા એ પણ મને ખબર છે. તમે આ ડબો લઈ જાઓ સર. ઉપર કેન્ટીનમાં હું નાસ્તો કરી લઈશ. " દિપાલી બોલી.

" અરે ના ના દિપાલી. મારાથી એવું ના થાય. બસ એક જ પીસ મને ચાખવા માટે આપી દો. મારે તો ઘરે જમવાનું તૈયાર જ હશે. યુનિવર્સિટી એરિયામાં રહું છું. રસોઈ માટે બાઈ રાખેલી છે." અભિષેક બોલ્યો અને ડબો ખોલીને બે પીસ એણે ખાઈ લીધા.

" બીજીવાર વધારે બનાવીને લાવજો. આજે આટલું બસ. " અભિષેક બોલ્યો અને બહાર નીકળી ગયો.

અભિષેક તો બહાર નીકળી ગયો પરંતુ દીપાલીના અરમાનોને જગાડી ગયો. વીણામાસીનો નંબર એની પાસે હતો જ. એણે તરત જ ફોન લગાવ્યો.

" અરે માસી હું દિપાલી નાયક. "

" અરે દિપાલી તું ? ક્યાંથી બોલે છે અત્યારે ? સુબોધભાઈ અને લીનાબેન કેમ છે ? " વીણામાસી બોલ્યાં.

" માસી હવે હું નાશિકમાં નથી. હું તો બે મહિનાથી રાજકોટ આવી ગઈ છું અને તમારા અભિષેકની સાથે એક જ હોસ્પિટલમાં જોબ કરું છું. એ મારા સર છે. હમણાં પાંચ મિનિટ પહેલાં જ એમની ઓળખાણ થઈ. " દિપાલી ઉત્સાહથી બોલી.

" શું વાત કરે છે તું !! અભિષેકની સાથે એ જ હોસ્પિટલમાં છે ? તમને બંનેને ભગવાને રાજકોટમાં ભેગાં કરી દીધાં ! ચાલો બહુ સરસ થયું. હવે થોડો પરિચય વધારજે. અભિષેક બહુ જ શરમાળ છે. એના પપ્પા તો વર્ષો પહેલાં ગુજરી ગયેલા અને મમ્મીએ પણ ગઈ સાલ વિદાય લીધી. મારા ભાણાએ બહુ સંઘર્ષ કર્યો છે. " વીણા માસી બોલ્યાં.

" હા માસી. જોઈએ હવે તકદીરમાં લખ્યું હશે તો વાત આગળ વધશે. બાકી મને તો અભિષેક ખૂબ જ ગમી ગયા છે. આ હોસ્પિટલમાં પણ એમનું બહુ જ માન છે. " દિપાલી બોલી.

પણ દિપાલીને બિચારીને ક્યાં ખબર હતી કે તકદીરમાં શું લખાયેલું છે !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."