અભિષેક (Abhishek Novel Part-22)

Related

અભિષેક પ્રકરણ 22

વીણામાસી અભિષેક માટે નાશિકમાં રહેતી જે દિપાલીની વાત કરી રહ્યાં હતાં એ જ દિપાલી હોસ્પિટલમાં અભિષેકની સામે આવીને ઊભી રહી. અભિષેકને કલ્પના પણ ન હતી કે દિપાલી સાથે ક્યારેક મળવાનું થશે ! એણે તો માસીને દિપાલી સાથે વાત આગળ વધારવાની ના જ પાડી દીધી હતી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

દિપાલીને મળ્યા પછી અભિષેકને લાગ્યું કે માસીની ભલામણ તો સાચી હતી. દિપાલી સંસ્કારી હતી. ખૂબ જ દેખાવડી પણ હતી. પરંતુ હવે શું થાય ! એ અંજલીને પોતાનું દિલ આપી ચૂક્યો હતો અને એની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય પણ લઈ ચૂક્યો હતો. હા જો અંજલી એના જીવનમાં આવી ન હોત તો દિપાલીનો હાથ એણે જરૂર પકડી લીધો હોત !

પરંતુ આ બધી વાતોથી દિપાલી તો સાવ અજાણ જ હતી. અંજલી વિશે એ કંઈ જ જાણતી ન હતી. એને તો એમ જ હતું કે વીણા માસીએ અભિષેકને પોતાના વિશે વાત કરી જ હશે એટલે એના દિલમાં તો અભિષેક વસી જ ગયો હતો. એને અભિષેકનું આકર્ષણ થયું હતું. અભિષેક પણ ઘણો હેન્ડસમ હતો !

ધીમે ધીમે દિપાલી અભિષેકની નજીક આવતી ગઈ. હવે એકાદ વાર તો રોજ એ અભિષેકની ચેમ્બરમાં આવીને બેસતી. ઘરમાં ક્યારેક સારું ખાવાનું બનાવ્યું હોય તો બીજા ડબામાં અભિષેક માટે પણ લઈ આવતી.

" અરે દિપાલી તું મારા માટે આ રીતે અવારનવાર ખાવાનું ન લાવ. હું અહીં થોડું પણ જમી લઉં એટલે મારી બધી ભૂખ મરી જાય છે અને ઘરે ગયા પછી જમી શકતો નથી. મહિનામાં એકાદ વાર ઠીક છે." એક દિવસ દૂધીનાં મૂઠિયાં અને થર્મોસમાં ગરમ ચા લઈને દિપાલી અભિષેકની ચેમ્બરમાં આવી ત્યારે અભિષેક બોલ્યો.

" ઘરે જઈને ઓછું જમજો. રસોઈ કરવાવાળી બહેન પ્રોફેશનલ હોય. રસોઈ કરતી વખતે એનામાં તમને જમાડવાની કોઈ ભાવના કે લાગણી ના હોય. હું મારા ઘરે કંઈ બનાવું ત્યારે તમને પ્રેમથી જમાડવાની ભાવના પણ રસોઈમાં ભળી હોય સાહેબ." દિપાલી બોલી.

દિપાલી ક્યારેક એવી વાતો કરતી કે અભિષેક પાસે એનો જવાબ જ ના હોય. અભિષેક સમજી શકતો હતો કે દિપાલી પોતાની તરફ આકર્ષાઈ છે પરંતુ પોતે અંજલી સાથે જ લગ્ન કરવાનો છે એ વાત એણે હજુ સુધી દિપાલીને કરી ન હતી. દિપાલીનું દિલ એકદમ તોડી નાખવાની એની ઈચ્છા ન હતી. એની કંપની એને ગમતી હતી પરંતુ એના મનથી એ અંજલીને જ વફાદાર હતો.

એક દિવસ અચાનક દિપાલીએ એની ચેમ્બરમાં આવીને અભિષેકને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું.

" અભિષેક કાલે રવિવાર છે અને કાલે તમારે મારા ઘરે જમવા આવવાનું છે. તમારું કોઈ બહાનું નહીં ચાલે. તમે સાડા અગિયાર વાગે જાગનાથ મહાદેવના મંદિર પાસે આવી જજો. હું ત્યાં જ તમારી રાહ જોઈશ. મારુ ઘર ત્યાંથી નજીક જ છે. આપણે સાથે દર્શન કરીશું અને પછી હું તમને મારા ઘરે લઈ જઈશ. " દિપાલી બોલી.

" અરે પણ દિપાલી તમારા ઘરે જમવાનો આગ્રહ શા માટે ? સાવ સાચું કહું ને તો મને કોઈના ઘરે જમવા જવામાં બહુ સંકોચ થાય છે. અને મને ઘરે જમાડવાનું કોઈ એવું કારણ પણ નથી. " અભિષેક બોલ્યો.

" અરે સર. દરેક વખતે કારણ ના હોય. આપણે બંને એક જ હોસ્પિટલમાં છીએ. તમે મારા સર છો. તમે પણ બ્રાહ્મણ છો અને બ્રાહ્મણને જમાડવાનું તો બહુ મોટું પૂણ્ય શાસ્ત્રોમાં લખેલું છે. " દિપાલી હસીને બોલી.

" તમે દલીલો જોરદાર કરો છો. ઠીક છે ચાલો. સમય પ્રમાણે હું પહોંચી જઈશ. પણ સાદું જ બનાવજો. મારા માટે કોઈ મોટી ધમાલ ના કરશો." અભિષેક બોલ્યો.

" હા હા એકદમ સાદું. માત્ર ખીચડી અને દૂધ. શાક પણ નહીં. હવે તો ખુશ ને ?" દિપાલી બોલી.

" તમને નહીં પહોંચાય." અભિષેક બોલ્યો અને દિપાલી ચેમ્બરની બહાર નીકળી ગઈ.

અને બીજા દિવસે રસોઈ કરનારાં બહેનને પોતાના માટે રસોઈ ના બનાવવાનું કહીને અભિષેક અગિયાર વાગ્યા પછી ઘરેથી નીકળી ગયો. રાજકોટ શહેર વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટું નથી. કોઈપણ સ્થળે પહોંચવામાં વધારે વાર લાગતી નથી. ૨૦ મિનિટમાં એ જાગનાથ પ્લૉટ પહોંચી ગયો. આજે રવિવાર હતો એટલે ટ્રાફિક પણ ઓછો હતો.

જાગનાથ મહાદેવના મંદિર પાસે જ દિપાલી એકદમ તૈયાર થઈને ઊભી હતી. આજે એણે ગ્રીન કલરની સાડી પહેરી હતી અને સાડીમાં એ સુંદર લાગતી હતી.

કોઈના ઘરે જવાનું હતું એટલે અભિષેક પણ તૈયાર થયેલો જ હતો. એની પર્સનાલિટી ઘણી સારી હતી અને ગોરો હતો એટલે દરેક ડ્રેસમાં એ હેન્ડસમ જ લાગતો. આજે એણે જીન્સનું પેન્ટ અને મરૂન કલરનું ટીશર્ટ પહેર્યું હતું.

અભિષેકે ગાડીને સાઈડમાં પાર્ક કરી દીધી અને દિપાલી પાસે ગયો.

" ચાલો સૌથી પહેલાં આપણે મહાદેવજીનાં દર્શન કરી લઈએ. " દિપાલી બોલી અને આગળ થઈ.

જાગનાથ મહાદેવનું મંદિર ભવ્ય હતું અને ઘણું સરસ હતું. અભિષેક કરવાની પણ ત્યાં વ્યવસ્થા હતી. અભિષેકે તાંબાના લોટામાં પાણી લઈને શિવજીને જળ ચઢાવ્યું અને ભાવપૂર્વક પ્રાર્થના કરી. એની સાથે જ દિપાલી પણ શિવલિંગ ઉપર જળ ચડાવી રહી હતી. એનો ચહેરો મલકાઈ રહ્યો હતો.

" તમે શું માગ્યું અમારા જાગનાથ મહાદેવ પાસે ? " બહાર નીકળ્યા પછી દિપાલી બોલી.

" અમારા મહાદેવ !! " અભિષેક આશ્ચર્યથી બોલ્યો.

" જાગનાથ મહાદેવ તો અમારા જ કહેવાય ને ! હું અહીં જ રહું છું અને નાનપણથી એમની પૂજા કરતી આવી છું. તમારે તમારા બનાવવા હોય તો બનાવી શકો છો. " દિપાલી મલકાઇને બોલી.

" દિપાલી.. દિપાલી... તમને કોઈ વાતે નહીં પહોંચાય. " અભિષેક હસીને બોલ્યો. એ દિપાલીના કહેવાનો અર્થ સમજી ગયો હતો.

ચાલતાં ચાલતાં બે-ચાર મિનિટમાં જ દિપાલીનો બંગલો આવી ગયો.

અભિષેકે દીપાલીના ઘરમાં પગ મૂક્યો ત્યારે એનું ખૂબ જ ભાવપૂર્વક અને આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.

" પધારો પધારો ડોક્ટર સાહેબ. અમે તમારી જ રાહ જોઈને બેઠા છીએ. " દિપાલીના પપ્પા સુમનભાઈ નાયક સોફા ઉપરથી ઉભા થઈને સામે આવ્યા.

" આવો સાહેબ. " બાજુમાં ઉભેલાં કીર્તિબહેન પણ બે હાથ જોડીને બોલ્યાં.

સુમનભાઈએ અભિષેકને સોફા ઉપર બેસવા માટે ઇશારો કર્યો. અભિષેક ત્યાં મૂકેલા સિંગલ સોફા ઉપર બેઠો. બાજુના સોફા ઉપર સુમનભાઈ અને દીપાલીનો ૨૨ વર્ષનો ભાઈ પ્રતીક બેઠા.

" અમારી દિપાલી તમારી વાતો કરતાં થાકતી જ નથી. તમારાં એટલાં બધાં વખાણ કરે છે કે ના પૂછો વાત. એમાં પાછા મારા સાળા સુબોધભાઈ અને તમારાં માસી વીણાબેન નાશિકમાં પડોશી છે એટલે દિપાલીએ તમને ખાસ અમારા ઘરે બોલાવવાનો આગ્રહ કર્યો. જુઓ સંબંધો આપણે એકબીજાની નજીક આવીએ તો જ આગળ વધે. " સુમનભાઈ બોલ્યા.

" તમારી વાત સાચી છે વડીલ. અને દિપાલી પણ સ્વભાવે હસમુખી છે. એના કામકાજમાં પણ હોશિયાર છે. થોડા સમયમાં જ હોસ્પિટલમાં એણે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. " અભિષેક બોલ્યો.

" દિપાલી કહેતી હતી કે તમે એક વર્ષ પછી મુંબઈ પાછા જતા રહેવાના છો. તો પછી એક દોઢ વર્ષ માટે રાજકોટ આવવાનું કોઈ ખાસ કારણ ખરું ? જસ્ટ પૂછું છું. ખોટું ના લગાડશો. " સુમનભાઈ બોલ્યા.

" મુંબઈ તો મારું વતન છે અંકલ. ત્યાં દહીસરમાં મારો પોતાનો ત્રણ બેડરૂમનો ફ્લેટ છે. અત્યારે માસી મારા ફ્લેટમાં જ રહે છે. હું ખાર માં મારી પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી રહ્યો છું અને ત્યાં એક બિઝનેસ કોમ્પ્લેક્સનો આખો ફ્લોર પણ મેં ખરીદી લીધો છે. એટલે મારે મુંબઈ તો જવું જ પડશે. " અભિષેક બોલ્યો.

" તમારી પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ !! " સુબોધભાઈએ ખૂબ જ આશ્ચર્યથી પૂછ્યું.

" હા અંકલ. ખારના લિન્કિંગ રોડ ઉપર એક મોટું કોમ્પ્લેક્સ બની રહ્યું છે. ત્યાં પહેલા માળે મારી હોસ્પિટલ બનશે. જો કે હોસ્પિટલ બનતાં હજુ બે વર્ષનો સમય તો લાગી શકે છે. " અભિષેક બોલ્યો.

સુમનભાઈ માટે આ સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક હતા. અભિષેક એક સારો ડોક્ટર છે. હોસ્પિટલમાં સારી જોબ છે. દહીસરમાં પોતાનો ફ્લેટ છે એ તો બધું જાણતા જ હતા. પરંતુ અભિષેક પોતે આટલો બધો શ્રીમંત હશે એની તો એમને કોઈ કલ્પના જ ન હતી. ખાર જેવા પૉશ વિસ્તારમાં આખો ફ્લોર ખરીદી લેવો અને પોતાની હોસ્પિટલ બનાવવી એમાં તો કરોડો રૂપિયા જોઈએ. છતાં આ એક વાસ્તવિકતા હતી !

" અને રાજકોટ આવવા પાછળનું કોઈ ખાસ કારણ નથી. મારા પરદાદા મૂળ રાજકોટના હતા એટલે મારા પરદાદાની માતૃભૂમિને જોવા અને થોડું ઋણ ચૂકવવા રાજકોટ આવ્યો." અભિષેકે વાર્તા કરી. કારણ કે સાચી હકીકત તો કોઈને કહેવાય એવી હતી જ નહીં.

" પોતાના મૂળ વતન તરફનો તમારો પ્રેમ ઘણો સારો કહેવાય અભિષેક. બાકી આજના જમાનામાં તો આવું કોણ વિચારે છે ? તમારી સારામાં સારી નોકરી છોડીને તમે અહીં આવ્યા. " સુબોધભાઈ બોલ્યા.

" હા અંકલ. દરેકના પોતાના વિચારો હોય છે. અહીં આવ્યા પછી મને લાગ્યું કે મારો નિર્ણય યોગ્ય જ હતો. અહીંના માણસો ઘણા સારા છે અને મને હોસ્પિટલમાં પણ ખૂબ માન સન્માન મળ્યું છે. " અભિષેક બોલ્યો.

" એ તો તમારા સ્વભાવ ઉપર જાય છે અભિષેક. પારકાંને પોતાનાં કરવાની આવડત અને સેવા ભાવના બહુ ઓછા લોકોમાં હોય છે. " સુમનભાઈ બોલ્યા.

એ પછી અભિષેક ઉપર કોઈ પેશન્ટ માટે નર્સનો ફોન આવ્યો એટલે એણે જરૂરી સૂચનાઓ નર્સને આપી દીધી.

" અરે દિપાલી તું અમારા લોકો માટે આઇસ્ક્રીમ બહાર કાઢ. જમવાની તો હજી વાર છે. મીઠા મોઢાથી શરૂઆત તો કરીએ ! " સુમનભાઈ બોલ્યા.

" બાર તો વાગવા જ આવ્યા છે પપ્પા. અને રસોઈ પણ તૈયાર છે તો પછી જમી જ લઈએ ને ! અને જમ્યા પછી આઈસ્ક્રીમ ક્યાં નથી ખવાતો ?" દિપાલી કિચનમાંથી બહાર આવીને બોલી.

" ચાલો ઠીક છે તો પછી દસ મિનિટ રાહ જોઈએ. " સુમનભાઈ બોલ્યા.

અને દસ મિનિટ પછી ડાઇનિંગ ટેબલ ઉપર થાળીઓ પીરસાઈ ગઈ એટલે કીર્તિબેને બધાંને ટેબલ ઉપર આવી જવાનું કહ્યું.

અભિષેક ઉભો થઈને સૌ પહેલાં વોશરૂમ જઈ આવ્યો. એને બાથરૂમ જવાની ક્યારની ઈચ્છા હતી. એ પછી બહાર આવીને એણે વોશબેસીનમાં હાથ ધોઈ નાખ્યા. સુમનભાઈએ એને નેપકીન આપ્યો.

શ્રાવણ મહિનો ચાલતો હતો એટલે આજે જમવામાં દૂધપાક પૂરીનું મેનુ હતું. સાથે છોલે, મેથીના ગોટા અને કઢી ભાત હતા. તળેલા ખીચીયા પાપડ પણ એક પ્લેટમાં અલગથી મૂકેલા હતા.

જમી લીધા પછી ફરી પાછા અભિષેક અને સુબોધભાઈ સોફા ઉપર ગોઠવાઈ ગયા.

"અરે દિપાલી..હવે અમને આઇસ્ક્રીમ આપી દે. " સુબોધભાઈએ મોટેથી કહ્યું.

" હવે આઈસ્ક્રીમની કોઈ જરૂર નથી વડીલ. પેટ ભરાઈ ગયું છે." અભિષેક બોલ્યો.

" અરે એવું કંઈ હાલે ! રાજકોટના ગાંઠીયા અને આઈસ્ક્રીમ બેઉ ફેમસ. આ તો પેપરમાં પણ આવી ગયું છે." સુમનભાઈ હસીને બોલ્યા.

છેવટે આઈસ્ક્રીમના બાઉલ ત્રણેયના હાથમાં આવી ગયા.

" દિપાલી તું પણ બાઉલ લઈને અમારી સાથે જ બેસ." સુમનભાઈ બોલ્યા એટલે પોતાનો બાઉલ લઈને અંજલી પણ સોફા ઉપર બેસી ગઈ.

" આમ તો તમે દિપાલીને સારી રીતે ઓળખો જ છો. રોજ હોસ્પિટલમાં ભેગા પણ થાઓ છો. છતાં તમારે અંગત કંઈ વાત કરવી હોય તો આ આઇસ્ક્રીમ પતી જાય પછી બેડરૂમમાં જઈને કરી શકો છો. અહીં સંકોચ થતો હોય તો બહાર ફરવા પણ જઈ શકો છો. હું મોડર્ન વિચારો ધરાવું છું ડોક્ટર સાહેબ." સુમનભાઈ બોલ્યા.

હવે અભિષેક બરાબરનો મૂંઝાયો. એને લાગ્યું કે વાત ઘણી આગળ વધી રહી છે. હું કોઈપણ સંજોગોમાં અંજલીનો વિશ્વાસ તોડી શકું એમ નથી. દિપાલી મને એક ફ્રેન્ડ તરીકે ગમે છે પણ એના દિલમાં લગ્નની આશા જગાડી એનું દિલ તોડવા માગતો નથી.

" અંકલ લગ્ન વિશે મેં હજુ કંઈ જ વિચાર્યું નથી. માસીએ મને દિપાલી વિશે વાત કરી જ હતી પણ ત્યારે પણ મેં માસીને આ જ જવાબ આપ્યો હતો. દિપાલી ખૂબ સારી છોકરી છે. એની કંપની મને ગમે પણ છે. પરંતુ અત્યારે એની સાથે એકાંતમાં હું ના મળી શકું. લગ્ન વિશે જ્યારે પણ વિચારીશ ત્યારે દિપાલીનો વિચાર પહેલો કરીશ. " અભિષેક બોલ્યો.

" અરે પણ તમારે અત્યારે ક્યાં લગ્ન કરવાનાં છે ? લગ્ન ભલેને બે વર્ષ પછી થાય ! લગ્નની ઉંમર થઈ છે એટલે એ વિશે જોવાનું તો ચાલુ કરવું જોઈએ ને !! તમે એકબીજાના વિચારો તો જાણો. હોસ્પિટલમાં જે વાતચીત થાય એમાં એક મર્યાદા હોય. બંનેને એકબીજાને સમજવા માટે અંગત મળવું જરૂરી છે. " સુબોધભાઈ બોલ્યા. એ કોઈપણ સંજોગોમાં આવો મુરતિયો ખોવા માગતા ન હતા.

" ઠીક છે અંકલ. તમારો આટલો બધો આગ્રહ છે તો બેડરૂમમાં દિપાલી સાથે વાત કરી લઈશ " અભિષેક બોલ્યો અને એણે આઈસ્ક્રીમ ખાવાનું ચાલું કર્યું.

ત્રણેય જણાએ આઈસ્ક્રીમ પૂરો કર્યો એટલે દિપાલી ખાલી બાઉલ લઈને પહેલાં કિચનમાં ગઈ અને પછી સીધી બેડરૂમમાં ગઈ. એ સાથે જ અભિષેક પણ બેડરૂમમાં ગયો.

" તમે તો બહુ શરમાળ નીકળ્યા ! હું કંઈ તમને ખાઈ જવાની હતી ! આજે નહીં તો કાલે પરણવું તો પડશે ને સાહેબ. અને લગન કરવાની ઈચ્છા થાય ત્યારે દિપાલી કંઈ ખોટી નથી. હા મારા સિવાય બીજી કોઈ ધ્યાનમાં હોય તો વાત જુદી છે !! " દિપાલી બોલી.

એ બેડ ઉપર અભિષેકની એકદમ બાજુમાં એને અડીને બેસી ગઈ હતી. એના શરીરની કુંવારી સુગંધ પણ અભિષેકને આવતી હતી.

અભિષેકને થયું કે આ જ મોકો છે. હું કહી દઉં કે હા બીજી કોઈ ધ્યાનમાં છે પણ એ ચૂપ રહ્યો.

" અરે તમે કેમ આજે આટલા બધા ચૂપ થઈ ગયા છો સર. હોસ્પિટલમાં તો ઘણી બધી વાતો કરો છો." ફરી દિપાલી બોલી.

" તમે આજે એટલાં બધાં સુંદર અને આકર્ષક લાગો છો કે મારે શું બોલવું એ જ મને ખબર પડતી નથી." છેવટે અભિષેક બોલ્યો.

પણ એનો આ જવાબ સાંભળીને તો દિપાલીના ગાલ લાલ લાલ થઈ ગયા. એ થોડી શરમાઈ ગઈ. પણ અચાનક એ એના દિલ ઉપરનો કાબુ ગુમાવી બેઠી. ઘણા દિવસોથી રોકી રાખેલો આવેશ આજે બળવો કરી ગયો. એ એટલા જોરથી અભિષેકને વળગી પડી કે એના ધક્કાથી બેડ ઉપર ઉભડક બેઠેલો અભિષેક આડો પડી ગયો અને દિપાલીનો આખો ભાર એના શરીર ઉપર આવી ગયો. દિપાલીનો ચહેરો એટલો બધો નજીક હતો કે એના શ્વાસોશ્વાસ અભિષેકને સંભળાતા હતા !!

અચાનક આવા હુમલા માટે અને આવી માદક ક્ષણો માટે અભિષેક જરા પણ તૈયાર ન હતો. શું કરવું એ જ એને સમજ પડતી ન હતી. એ પણ પુરુષ હતો. પોતાની જાત ઉપરનો કાબુ એ ગુમાવી દે એ પહેલાં એણે હળવો ધક્કો મારીને દિપાલીને ઉભી કરી.

" આ તું શું કરી રહી છે દિપાલી ? હજુ આપણાં લગ્ન થયાં નથી. આપણે આ રીતે આગળ વધી ના શકીએ. કંટ્રોલ યોર સેલ્ફ." અભિષેક દિપાલીને એકવચનથી બોલ્યો અને ઊભા થઈને સામે રાખેલા અરીસામાં પોતાના વાળ સરખા કર્યા.

"સોરી અભિષેક. તમારી સાથે બેસીને હું મારી જાત ઉપર કાબુ ગુમાવી બેઠી હતી. મને માફ કરી દો. " કહીને દિપાલી પણ ઊભી થઈ અને પોતાનાં વસ્ત્રો સરખાં કર્યાં અને એણે પણ અરીસા પાસે જઈને અસ્તવ્યસ્ત વાળને કાંસકાથી સરખા કર્યા.

" દિપાલી લગ્ન વિશે મેં ખરેખર કંઈ જ વિચાર્યું નથી. હું તને ખોટી આશા આપવા માગતો નથી. મારા જીવનમાં અત્યારે કોઈ જ નથી પણ અત્યારે હું કોઈ કમિટમેન્ટ કરવા નથી માગતો. એક ફ્રેન્ડ તરીકે તું મને બહુ જ ગમે છે એટલે તને ગુમાવવા પણ નથી માગતો. " અભિષેક બોલતો હતો.

" હું ઇચ્છું છું કે પહેલાંની જેમ જ આપણી ફ્રેન્ડશીપ ચાલુ રહે. આજે જે પણ થયું તે ભૂલી જા. હું પણ ભૂલી જાઉં છું. આવેશમાં ક્યારેક આવું બનતું હોય છે. અને હવે તારે સંકોચ અનુભવવાની કોઈ જરૂર નથી. અને હોસ્પિટલમાં પેલો વાડકી વ્યવહાર પણ ચાલુ જ રાખજે." કહીને અભિષેકે દિપાલીની પાસે બેસીને એના માથા ઉપર હાથ ફેરવ્યો.

હકીકતમાં એ હાથ અભિષેકે નહોતો ફેરવ્યો પણ એ વખતે એના શરીરમાં એના મહાન ગુરુજીની દિવ્ય ચેતનાએ પ્રવેશ કર્યો હતો અને અભિષેક દ્વારા એના દિવ્ય ગુરુજીએ જ દિપાલીના માથે હાથ ફેરવ્યો હતો.

અભિષેક દ્વારા ગુરુજીનો એ હાથ જેવો ફર્યો કે તરત જ દિપાલીના દિલમાંથી અભિષેક પ્રત્યેનું પ્રેમનું આકર્ષણ દૂર થઈ ગયું અને માત્ર નિર્દોષ મૈત્રીભાવ પેદા થઈ ગયો !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."