અભિષેક પ્રકરણ 23
દિપાલીના આમંત્રણને માન આપીને અભિષેક જાગનાથ પ્લોટમાં એના ઘરે રવિવારે જમવા ગયો હતો. દિપાલીના ઘરે એનું આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
અભિષેક નવલકથા
અભિષેકને ઘરે બોલાવવા પાછળનો સુમનભાઈનો આશય અભિષેક સાથે દિપાલીના લગ્નની વાત કરવાનો હતો. પરંતુ અભિષેક અંજલી માટે એકદમ મક્કમ હતો એટલે અભિષેકે લગ્નની વાત સિફતપૂર્વક ટાળી દીધી હતી.
પરંતુ સુમનભાઈનો આગ્રહ હોવાથી અભિષેક દિપાલી સાથે બેડરૂમમાં ગયો હતો. દિપાલીના મનમાં અભિષેક પ્રત્યે આકર્ષણ વધી જાય એ પહેલાં જ એના દિવ્ય ગુરુજીએ અભિષેકના શરીરમાં આંશિક પ્રવેશ કરીને દિપાલીના માથા ઉપર હાથ મૂકી દિપાલીના મનમાંથી પ્રેમનું આકર્ષણ દૂર કરી દીધું હતું.
બીજા દિવસથી હોસ્પિટલમાં દિપાલી અભિષેક સાથે નોર્મલ વ્યવહાર કરવા લાગી. હા એ ક્યારેક ઘરમાં સારું બને તો અભિષેક માટે ચોક્કસ લઈ આવતી પરંતુ હવે એની પાછળ માત્ર મૈત્રીની ભાવના જ રહેતી.
દિવસો પસાર થતા ગયા. રાજકોટ આવ્યાને ૯ મહિના થઈ ગયા હતા. દર મહિને એ વીણા માસીના ખાતામાં ૨૫૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી દેતો હતો. મહિનામાં બે વાર એ માસી અને આરતી સાથે ફોન ઉપર વાત પણ કરી લેતો.
આરતીનો નર્સિંગનો કોર્સ પૂરો થઈ ગયો હતો અને અભિષેકે રામાણી સાહેબને ખાસ ભલામણ કરીને એ બોરીવલીની જે હોસ્પિટલમાં જોબ કરતો હતો એમાં જ આરતીને નર્સ તરીકે ગોઠવી દીધી હતી. આરતી ભાઈ ઉપર ખૂબ જ ખુશ હતી !
શ્રાદ્ધના દિવસો પણ ચાલુ થઈ ગયા. માતા અને પિતા બંનેની તિથિઓ અભિષેકને યાદ હતી એટલે એણે બંને દિવસે માતા અને પિતાનું તર્પણ કર્યું. માતા અને પિતાની તિથિના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ પણ કર્યો.
બંને દિવસે એણે ચોથા માળે રહેતા કેલકર પરિવારમાંથી મનોજ અને સોનિયાને જમવાનું આમંત્રણ આપ્યું. કેલકર પરિવાર બ્રાહ્મણ પરિવાર હતો.અભિષેકે સોનિયાની જિંદગી બચાવી હતી અને એને મૃત્યુના મુખમાંથી એ પાછી લાવ્યો હતો એટલું જ નહીં મનોજને પણ જેલની સજાથી બચાવી લીધો હતો એટલે આખો પરિવાર અભિષેક ઉપર ખૂબ જ ખુશ હતો. એટલે અભિષેકના આમંત્રણનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો.
વનિતા આન્ટીની તિથિ એને યાદ ન હતી એટલે એણે નોમના દિવસે એમનું નામ લઈને તર્પણ કર્યું અને ગૌશાળામાં જઈને એમના નામે દાન લખાવી દીધું.
એ પછી આસો મહિનાની નવરાત્રી આવી. વર્ષમાં ચાર નવરાત્રી આવતી હોય છે પરંતુ આસો મહિનાની નવરાત્રી સર્વશ્રેષ્ઠ ગણાય છે અને એનું કારણ એ છે કે આ નવરાત્રીમાં પૃથ્વી ઉપર જગદંબાનું અવતરણ થાય છે. નવરાત્રીમાં કરેલી શક્તિ ઉપાસના તત્કાલ ફળ આપે છે.
નવરાત્રીના બે દિવસ પહેલાં અભિષેક વહેલી સવારે ધ્યાનમાં બેઠો હતો ત્યારે અચાનક જ એના સમર્થ ગુરુ એની સામે આવ્યા.
" તારે આ નવરાત્રીમાં ગાયત્રી સાધના કરવાની નથી પરંતુ નવ દિવસ સુધી ચંડીપાઠ કરવાના છે અને રોજ ૧૨ માળા નવાર્ણ મંત્રની કરીને નવ દિવસમાં ૧૦૮ માળા પૂરી કરવાની છે. આ ચંડીપાઠ તારે તારી કુળદેવી અંબિકા માટે કરવાના છે અને એમને જ અર્પણ કરવાના છે. " ગુરુજી બોલ્યા.
" પરંતુ મેં તો ક્યારેય પણ ચંડીપાઠ કર્યો નથી. અને એ તો સંસ્કૃતમાં હોય છે. મારી પાસે ચંડીપાઠ પણ નથી. " અભિષેક બોલ્યો.
" એની ચિંતા તારે કરવાની નથી. તારી અંદર શક્તિની ચેતના જાગૃત જ છે એટલે ચંડીપાઠ વાંચવામાં તને કોઈ જ તકલીફ નહીં પડે અને તું શુદ્ધ ઉચ્ચારો કરી શકીશ. ચંડીપાઠ પણ તને મળી જશે. " સ્વામીજી બોલ્યા.
" પરંતુ ગુરુજી કુળદેવી વિશે તો મને કોઈ જ જ્ઞાન નથી. તમે અંબિકા માતા મારાં કુળદેવી છે એવું હમણાં જ કહ્યું પણ કુળદેવી એટલે શું ? હું તો પહેલીવાર સાંભળી રહ્યો છું. " અભિષેક બોલ્યો.
" કુળદેવી અંગેની ચર્ચા યોગીજી સાથે કરી લેજે. " સ્વામીજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.
એ જ દિવસે સવારે દસ વાગે અભિષેકે યોગીજીને ફોન કર્યો.
" ગુરુજી પ્રણામ. રાજકોટથી અભિષેક બોલું. તમારી સાથે થોડી વાત કરવી હતી. " અભિષેક બોલ્યો.
" તારા ફોનની હું રાહ જ જોતો હતો. આજે સવારે જ મને તારા મહાન ગુરુજીએ સંદેશો આપ્યો છે. તારું ત્યાં રાજકોટમાં કેમનું ચાલે છે ? તું અભિશાપમાંથી મુક્ત થયો છે એ પણ મને ખબર પડી." યોગીજી બોલ્યા.
" રાજકોટ તો મને સરસ ફાવી ગયું છે ગુરુજી. મુંબઈ કરતાં પણ અહીં મારાં માન પાન વધી ગયાં છે. મારે કુળદેવી વિશે થોડું જાણવું છે. આજે વહેલી સવારે સ્વામીજીએ મને કુળદેવી માટે ચંડીપાઠ કરવાનું કહ્યું છે." અભિષેક બોલ્યો.
" જો સમગ્ર બ્રહ્માંડમાં મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ મૂળ શક્તિઓ છે. જગતમાં સર્વ જીવોની રક્ષા અને કામનાઓની પૂર્તિ મહાકાલી કરે છે. જગતની બધી જ સંપત્તિ અને વૈભવ મહાલક્ષ્મી સંભાળે છે. એ જ ધનપ્રદાન કરે છે. દરેક જીવોમાં રહેલું જ્ઞાન પ્રજ્ઞાન અને બુદ્ધિ મહાસરસ્વતી સંભાળે છે. " યોગીજી બોલી રહ્યા હતા..
" આ જ ત્રણ મહાશક્તિઓ દ્વારા વિસ્તાર પામેલી અનેક નાની નાની શક્તિઓ પૃથ્વી ઉપર સક્રિય છે જે અનેક નામે ઓળખાય છે. આ નાની શક્તિઓ પોતાની મર્યાદામાં ફળ આપી શકે છે. મહાશક્તિનું આ એક નેટવર્ક હોય છે. કોઈપણ શક્તિ દ્વારા મહાશક્તિ સુધી પહોંચી શકાય છે." યોગીજી વિસ્તારથી સમજાવી રહ્યા હતા.
" આપણી પોતાની કુળદેવી પણ પૃથ્વી ઉપર રહેલી અનેક શક્તિઓ પૈકીની એક હોય છે. એ મહાશક્તિનો જ એક અંશ હોય છે. કુળદેવી એટલે પેઢીઓથી પૂજાતી એક ચોક્કસ દેવી જે આખી પેઢીની રક્ષા કરતી હોય છે. તું કોઈ ચોક્કસ કુટુંબમાં જન્મ લે એટલે એ કુટુંબની રક્ષા કરતી જે પણ દેવી હોય એ તારી પણ કુળદેવી બની જાય. કુળદેવી એક જન્મ પૂરતી જ હોય છે. " યોગીજી બોલી રહ્યા હતા.
" તને હવે તારી કુળદેવીના નામની ખબર પડી જ ગઈ છે તો તારે કાયમ કુળદેવીની પૂજા તો અવશ્ય કરવી જ જોઈએ. દરેક સારા પ્રસંગે કુળદેવીને ઘરમાં આમંત્રણ આપવું જોઈએ. કુળદેવીનું કોઈ મંદિર હોય તો દર વર્ષે એક વાર પરિવાર સાથે દર્શન કરી આવવાં જ જોઈએ. નવરાત્રીમાં નવ દિવસ એમની પૂજા કરીને નોમના દિવસે નૈવેદ્ય પણ ધરાવવું જોઈએ." યોગીજી બોલ્યા.
" જી ગુરુજી. સ્વામીજીએ મને કહ્યું છે કે અંબિકા એટલે કે અંબાજી મારાં કુળદેવી છે. તો હવે હું અંબાજીની પૂજા ચોક્કસ કરીશ અને નવરાત્રીમાં ચંડીપાઠ પણ એમના માટે કરીશ." અભિષેક બોલ્યો.
" અંબાજી જો તારા કુળદેવી હોય તો એ તો બહુ સારી વાત છે કારણકે અંબાજીની ચેતના ઘણી મોટી છે અને એ પાર્વતીનું જ એક સ્વરૂપ છે. ઉત્તર ગુજરાતમાં છેક માઉન્ટ આબુ પાસે અંબાજીનું મોટું મંદિર છે અને બાવન શક્તિપીઠોમાં એ મુખ્ય છે. શક્તિપીઠ ત્યાં ગબ્બર પર્વત ઉપર છે. પાછળથી તળેટીમાં ભવ્ય મંદિરની સ્થાપના કરી ત્યાં વીસા યંત્ર મૂકી એની નિત્ય પૂજા કરવામાં આવે છે. ગબ્બર ઉપર અખંડ દીવો બળે છે. ત્યાં તું ખાસ જઈ આવજે. " યોગીજી બોલ્યા અને એમણે ફોન કટ કર્યો.
બીજા દિવસે અભિષેક હોસ્પિટલથી ઘરે આવીને લિફ્ટમાં ઉપર ચઢી રહ્યો હતો ત્યારે ચોથા માળવાળો મનોજ પણ એની સાથે થઈ ગયો. મનોજ કેલકર મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતો.
" અરે મનોજભાઈ તમારી પાસે ચંડીપાઠ હશે ? પરમ દિવસે નવરાત્રી ચાલુ થાય છે એટલે ચંડીપાઠ કરવાની મારી ઈચ્છા છે." અચાનક અભિષેકથી પૂછાઈ ગયું.
" હા હા છે ને ! ગીતા પ્રેસવાળાની ચંડીપાઠની બુક ઘરે પડેલી જ છે. હું હમણાં જ તમારા ઘરે આવીને આપી જાઉં છું. પપ્પા પહેલાં કરતા હતા પણ હમણાંથી નથી કરતા." મનોજ બોલ્યો.
ગુરુજીની કૃપાથી અભિષેકના જીવનમાં ઘટનાઓ આપોઆપ જ બનતી હતી. દસ મિનિટમાં જ મનોજ અભિષેકના ઘરે આવીને ચંડીપાઠ આપી ગયો.
નવરાત્રી શરૂ થઈ ગઈ. અભિષેક બજારમાંથી અંબાજીનો ફ્રેમ કરેલો એક સરસ ફોટો પણ લઈ આવ્યો. રોજ દીવા અગરબત્તી કરી ગુલાબનાં ફૂલો ચડાવતો. પહેલા દિવસથી જ એણે ચંડીપાઠ વાંચવાનું ચાલુ કર્યું. વર્ષોથી ચંડીપાઠ કરતો હોય એ રીતે એને સંસ્કૃતના શ્લોકો વાંચવામાં કોઈ જ તકલીફ પડતી ન હતી. દોઢ કલાકમાં તો આખો ચંડીપાઠ શુદ્ધ ઉચ્ચારોમાં વંચાઈ જતો.
નવ દિવસ પૂરા થઈ ગયા. નોમના દિવસે રસોઈવાળાં બહેનને કહીને એણે લાપસી દાળ ભાત શાકની રસોઈ કરાવી અને નૈવેદ્ય પણ ધરાવી દીધું.
નવરાત્રીના ચાર દિવસ પછી અચાનક અભિષેકને અંબાજીના મોટા મંદિરે દર્શન કરી આવવાનો વિચાર આવ્યો. એ વિચાર પણ જગદંબાની પ્રેરણાથી જ આવ્યો હતો.
અંબાજી દર્શન કરવા માટે એણે શરદ પૂર્ણિમાનો દિવસ પસંદ કર્યો અને પૂર્ણિમાના આગલા દિવસે બપોરે એક વાગે ભારતી આન્ટીને સાથે લઈને એ ઘરેથી નીકળી ગયો. ગાડીમાં રાજકોટ થી અંબાજીનો રસ્તો સાત કલાકનો હતો.
અંબાજી ઉત્તર ગુજરાતમાં માઉન્ટ આબુની બાજુમાં અરવલ્લીના ડુંગરોમાં આવેલું છે. ભારતની તમામ બાવન શક્તિપીઠોમાં અંબાજીનું શક્તિપીઠ સૌથી મોટું ગણાય છે કારણ કે દક્ષ પ્રજાપતિની પુત્રી અને ભગવાન શિવની પત્ની સતીના મૃતદેહના ભગવાન વિષ્ણુએ ટૂકડા કર્યા ત્યારે સતીનું હૃદય ગબ્બર પર્વત ઉપર પડ્યું હતું.
ગબ્બર પર્વત ઉપર જ શક્તિ પીઠની સ્થાપના થઈ. એ પછી નીચે ચાચર ચોકમાં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જેમાં એક વીસાયંત્રની પૂજા કરવામાં આવે છે.
અભિષેક રાત્રે આઠ વાગે પહોંચવાના બદલે સાડા સાત વાગે જ પહોંચી ગયો. ગુગલમાં સર્ચ કરીને એણે મંદિરની પાછળ આવેલું ખમાર ભુવન ગેસ્ટ હાઉસ પસંદ કર્યું. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ હતી. આમ તો અંબાજીમાં ઘણી બધી ધર્મશાળાઓ છે.
રાત્રે નવ વાગ્યા સુધી મંદિરમાં દર્શન ખુલ્લાં જ હોય છે એટલે ગેસ્ટ હાઉસમાં પહોંચીને એણે નાહી લીધું. એ પછી ભારતી આન્ટીને ધીમે ધીમે ચલાવીને મંદિરે પહોંચી ગયો. મંદિર થોડુંક જ દૂર હતું. અત્યારે મંદિરમાં જરા પણ ભીડ ન હતી એટલે એણે ખૂબ જ શાંતિથી માતાજીનાં દર્શન કર્યાં.
એ રાત રોકાવાનો જ હતો એટલે ફરી બીજા દિવસે સવારે પણ માતાજીનાં દર્શન કરવાનો એનો પ્લાન હતો. દર્શન કર્યા પછી અભિષેક ગાડી લઈને પંચાલ ભવન ગયો અને ત્યાં ગંગાબા ભોજનાલયમાં ડીનર લીધું. અહીં ઘણાં બધાં રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ છે પરંતુ ગંગાબા ભોજનાલય જમવા માટે સારું ગણાય છે.
અંબાજી આમ ઘણું નાનું છે. મંદિરના કારણે જ એનો વિકાસ છે. સતત યાત્રાળુઓ આવતા હોવાથી અહીં પૂજાપાની ઘણી બધી દુકાનો છે.
બીજા દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ગાયત્રીની માળા કરી. માસીને સાડા છ વાગે જગાડીને સાત વાગે બે ચા મગાવી. એ પછી સવારે સાડા સાત વાગે આન્ટીને લઈને એ ફરી મંદિરમાં ગયો. આ વખતે ગુલાબના ફૂલનો હાર પણ લેતો ગયો. આરતી હજુ હમણાં જ પતી હતી.
આજે શરદ પૂર્ણિમા હતી એટલે માતાજીનાં દર્શન કરવા માટે બહાર મોટી લાઈન લાગી હતી. અભિષેકે બે વીઆઈપી પાસ લઈને આગળથી પ્રવેશ કરીને શાંતિથી દર્શન કર્યાં.
અંબાજીનાં દર્શન કરીને એ ગાડી લઈને સવારે સાડા આઠ વાગે ગબ્બર પહોંચી ગયો. અહીં રોપ વેની સગવડ હોવાથી આન્ટીને લઈને જ એ છેક ગબ્બર પર્વત ઉપર પહોંચી ગયો અને શક્તિપીઠની એ પવિત્ર જગ્યા ઉપર એણે પોતાનાં કુળદેવીને ગુલાબનાં ફૂલો ચડાવીને ભાવપૂર્વક દર્શન કર્યાં. એને અહીં ખૂબ જ આનંદનો અનુભવ થયો. આ જગ્યા ખૂબ જ જાગૃત હતી !
ગબ્બરના દર્શન કરી આવ્યા પછી અભિષેક ફરી ગંગાબા ભોજનાલયમાં જમી આવ્યો. જમીને ખમાર ભુવન ગેસ્ટ હાઉસ પાછો આવ્યો ત્યારે બપોરનો એક વાગ્યો હતો.
અભિષેક ગેસ્ટ હાઉસમાં પાછો આવ્યો અને પોતાના રૂમનું લૉક ખોલી રહ્યો હતો ત્યારે એની બાજુના રૂમમાં ઉતરેલા યુવાનને બહાર નીકળતો એણે જોયો. યુવક ત્રીસેક વર્ષની ઉંમરનો હતો. અભિષેકે ગઈકાલે રાત્રે આ યુવાનને એના રૂમમાં એક છોકરી સાથે જોયો હતો. યુવાનને જોઈને જ અભિષેકને એક નેગેટિવ ફીલિંગ થઈ આવી.
એ રૂમ ખોલીને પોતાના રૂમમાં આવ્યો અને બે મિનિટ માટે ઊંડા ઊતરી જઈ એ યુવક વિશે એણે પોતાના મનમાં ફોકસ કર્યું. એને જે દેખાયું એ બાજુના રૂમમાં ઉતરેલી છોકરી માટે ખૂબ જ ખરાબ હતું. એણે જોયું કે એ યુવક એ છોકરીને પોતાની પ્રેમની જાળમાં ફસાવીને ભગાડીને લાવ્યો છે. એ બંને ઘરેથી ભાગીને આવ્યાં છે અને છોકરાએ એને લગ્નની લાલચ આપી છે. છોકરો પરણેલો છે અને એનો છુટાછેડાનો કેસ ચાલે છે.
એ તરત જ ઉભો થયો અને દરવાજે ટકોરા મારીને બાજુની રૂમ ખોલીને અંદર ગયો. છોકરી પલંગ ઉપર આડી પડેલી હતી. છોકરી ઘણી જ રૂપાળી હતી અને ૧૭ ૧૮ વર્ષ આસપાસની નાદાન ઉંમરની હતી. અજાણ્યા યુવકને જોઈને એ થોડી ગભરાઈ ગઈ.
" તારું નામ દિશા છે ને ? " અભિષેક બોલ્યો.
પોતાનું સાચું નામ સાંભળીને છોકરી વધારે ગભરાઈ ગઈ. એને લાગ્યું કે કોઈ ઓળખીતું અમને લોકોને અહીં જોઈ ગયું લાગે છે.
"તું ડરીશ નહીં દિશા. હું તને સાવધાન કરવા માટે જ આવેલો છું. હું તને ઓળખતો જ નથી. મને કેટલીક બાબતોનો ખ્યાલ આવી જાય છે એટલા માટે તને બચાવવા આવ્યો છું. તું જેની સાથે અહીં ભાગી આવી છે એનું નામ પ્રદીપ છે. બરાબર ? " અભિષેક બોલ્યો.
" હા પણ તમે એને કઈ રીતે ઓળખો છો ? " દિશા બોલી. હજુ એને કંઈ સમજણ પડતી ન હતી કે આ અજાણી વ્યક્તિ શું કહેવા માગે છે !
" અરે હું એને પણ નથી ઓળખતો કે તને પણ નથી ઓળખતો. તારે તારી જિંદગી બચાવવી હોય તો મારી વાત ધ્યાનથી સાંભળ અને કોઈ સવાલ કરીશ નહીં. આ પ્રદીપને તું કેવી રીતે ઓળખે છે અને ક્યારથી ઓળખે છે ? " અભિષેકે સવાલ કર્યો.
" એ અમારા લેક્ચરર છે. એક વર્ષથી અમને ભણાવે છે. હું કોલેજના પહેલા વર્ષમાં છું. હું કોલેજમાં દાખલ થઈ ત્યારથી જ એ મને પસંદ કરે છે. એ મને ખૂબ જ પ્રેમ કરે છે. લગ્ન કરવા માટે જ હું એમની સાથે ભાગી નીકળી છું." દિશા બોલી.
" તમે લોકોએ લગ્ન કરી લીધાં છે ? " અભિષેકે પૂછ્યું.
" ના. હજુ ગઈકાલે જ અમે ભાગીને અહીં આવ્યાં છીએ. એ એમના મમ્મી પપ્પાને સમજાવશે પછી મારી સાથે લગ્ન કરી લેશે. મને કહેતા હતા કે ચાર છ મહિના રાહ જોવી પડશે. ત્યાં સુધી એ મને અમદાવાદમાં કોઈ જગ્યાએ મકાન ભાડે લઈને રાખશે. " દિશા બોલી.
" તમે લોકો આ ઉંમરે કોઈની વાતોમાં શા માટે આવી જાઓ છો ? ભણવાને બદલે આટલી નાની ઉંમરે પ્રેમ અને લગન ? તારા ઘરે બધા તારી કેટલી ચિંતા કરતા હશે ? તું તારા મા બાપનો પણ વિચાર નથી કરતી ? હજુ લગ્ન પણ થયાં નથી અને તેં અહીં એની સાથે સંસાર ભોગવવાનો ચાલુ કરી દીધો ? પ્રદીપ પરણેલો છે અને એને એક છોકરી પણ છે. એનો મહેસાણા કોર્ટમાં છુટાછેડાનો કેસ ચાલે છે. હજુ ત્રણ વર્ષ સુધી એ લગ્ન નહીં કરી શકે. તને ત્રણ વર્ષ સુધી એ લગ્ન કર્યા વગર ભોગવતો રહેશે. આટલો મોટો નિર્ણય લેતા પહેલાં તપાસ તો કરવી હતી ! " અભિષેક થોડો ગુસ્સે થઈને બોલ્યો.
હવે દિશા ખરેખર ગભરાઈ ગઈ અને મૂંઝાઈ પણ ગઈ. બે દિવસથી પ્રદીપ એની સાથે અવાર નવાર સંબંધ બાંધતો હતો. દિશા પ્રદીપને પોતાનો પતિ જ માનીને સંપૂર્ણ સહકાર આપતી હતી ! નાદાન ઉંમરની આ જ નબળાઈ હોય છે. હોર્મોન્સનો વિકાસ થતો હોવાથી આ ઉંમરે પ્રેમની પાંખો ફૂટે છે. શરીર જાણે કે કોઈને ઝંખે છે.
" તું ક્યાં રહે છે ? " અભિષેક બોલ્યો.
"વિસનગર." દિશા બોલી. અભિષેકને યાદ આવ્યું કે અંબાજી આવતી વખતે વચ્ચે વિસનગર આવ્યું હતું.
"હું તને ટિકિટના પૈસા આપું છું. તું વહેલામાં વહેલી તકે અહીંથી ભાગી જા. ડેપોમાં જઈને જે પહેલી બસ મળે એમાં બેસી જા. આજ પછી એ પ્રદીપની કોઈ જ વાતોમાં આવીશ નહીં. વધારે કંઈ પ્રેશર કરે તો પોલીસ કેસ કરવાની ધમકી આપી દેજે. " અભિષેક બોલ્યો.
" પણ અંકલ મને એ અહીંથી જવા નહીં દે. મારા માટે જમવાનું લેવા ગયા છે અને થોડી વારમાં આવી જશે. " છોકરી બોલી.
" તું મને અંકલ કહે છે અને મારી જ ઉંમરના એ પ્રદીપને તારો હસબન્ડ બનાવીને બેઠી છે. તને મારે શું કહેવું ? તું પ્રદીપની ચિંતા છોડી દે. હું એને રોકી રાખીશ. તું એની નજર સામેથી પસાર થઈશ તો પણ આજે એ તને જોઈ નહીં શકે. " અભિષેકે એને ખાતરી આપી.
અભિષેકની વાતો દિશાને ઘણી નવાઈ ભરી લાગતી હતી. પણ એણે જે કહ્યું હતું એ બધું જ સાચું હતું એટલે એનામાં દિશાને પૂરો વિશ્વાસ બેસી ગયો. એ ફસાઈ ગઈ હતી અને પોતાનું સર્વસ્વ પ્રદીપને આપી દીધું હતું એ બદલ એ ખૂબ જ પસ્તાઈ રહી હતી !
" હવે હું ઘરે શું જવાબ આપું ? હું તો કોલેજની બેગમાં કપડાં ભરીને ગઈ કાલે સવારે નવ વાગે કોલેજ જવાના બદલે એમની સાથે નીકળી ગઈ છું. " દિશાએ અભિષેકની સામે જોઈને પોતાની મૂંઝવણ કહી.
"હમ્... તારો સવાલ પણ સાચો છે. તું એક કામ કર. તું ડેપોમાં જઈને બેસી જા. હું પણ અડધી કલાકમાં અહીંથી રાજકોટ જવા નીકળું જ છું. હું તને ત્યાંથી પીકઅપ કરીને વિસનગર ઉતારી દઈશ. તું પ્રદીપની ચિંતા ના કરીશ. એ તને કોઈ પણ સંજોગોમાં જોઈ નહીં શકે. તારે ઘરે શું જવાબ આપવો એ હું રસ્તામાં વિચારી લઉં છું. " અભિષેક બોલ્યો અને પોતાના રૂમમાં જતો રહ્યો.
દિશાએ પાંચ જ મિનિટમાં પોતાની કોલેજ બેગમાં કપડાં ભરી દીધાં અને તરત જ એ રૂમની બહાર નીકળી ગઈ.
અભિષેકે કહ્યું હતું એવું જ થયું. ખમાર ભુવનનાં પગથિયાં ઉતરતી વખતે જ દિશાને પ્રદીપ ભટકાઈ ગયો પરંતુ એણે દિશાને જોઈ જ ના હોય એમ એ ઉપર ચઢી ગયો.
દિશા હવે બિલકુલ નિશ્ચિત થઈને ડેપો તરફ ચાલવા લાગી. માત્ર દસ મિનિટનો રસ્તો હતો. ડેપો પહોંચીને એ અભિષેકની રાહ જોવા લાગી. જો કે એને તો અભિષેકના નામની પણ ખબર ન હતી !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
